ઘટનામાં ટ્વિસ્ટ SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘટનામાં ટ્વિસ્ટ


ડૂમો: શબ્દકોશ મુજબ: લાગણીના આવેગથી છાતીના પોલાણમાં ભરાતો શ્વાસનો ડચૂરો. અનુભવ કર્યા વિના, આ તીવ્ર ભાવનાની કલ્પના કરવી અત્યંત મુશ્કેલ છે. અમે આ વાત ત્યારે સમજ્યા, જ્યારે નીચેની ઘટના અમારી સાથે બની.

"શ્રી રાઠોડ સાહેબ?"
“જી. તમે કોણ?"
"તમે સુમિત રાઠોડના પિતા છો?"
ફક્ત બે સાદા પ્રશ્નોના પગલે એક અસ્વસ્થતાએ મને જકડી લીધો અને હૃદયના ધબકારા કાનમાં રણકવા લાગ્યા. મારો અવાજ ઘટી ગયો. "હા. તમે કોણ?"
"હું ઇન્સ્પેક્ટર કદમ. એક ભયાનક માર્ગ અકસ્માતમાં, અમને સંપૂર્ણપણે વિકૃત શરીર મળ્યું છે. સામાન મુજબ સુમિત રાઠોડ જણાય છે. ઓળખની ચકાસણી માટે તમને પોલીસ સ્ટેશન આવવું પડશે.”

મોબાઈલ હાથમાંથી સરકીને નીચે પડે, તે પહેલા મારું શરીર જમીન પર અથડાયું. ફોન હજી ચાલુ હતો અને ઇન્સ્પેક્ટરનો અવાજ સંભળાઈ રહ્યો હતો, "હેલો, હેલો મિસ્ટર રાઠોડ, તમે છો ત્યાં?" જવાબ આપવાની મારી બધી શક્તિ ખતમ થઈ ગઈ. તેણે જીવનના સૌથી ખરાબ સમાચાર આપ્યા હતા અને એક જ ક્ષણમાં હું સ્તબ્ધ થઈ બુતની જેમ ઠરી ગયો.
“સંજય! સંજય શું થયું? મને જમીન ઉપર પડેલો જોઈ, મારી પત્ની સુમિત્રા ઘબરાઈને મને જોરજોરથી હલાવા લાગી. તેણે મોબાઈલ ઉપાડીને તેમાં કહ્યું, "હેલો, કોણ બોલે છે?" ઇન્સ્પેક્ટર કદમની વાત સાંભળીને તેના હાવભાવની ગંભીરતા વધુ ઊંડી થઈ ગઈ. મારા કરતાં વધુ સહનશીલ હોવા છતાં, તેના આંસુ વહેવા લાગ્યા અને તેણે ઉતાવળમાં જવાબ આપ્યો, "અમે તરત જ આવીએ છીએ."

ટેક્સી અમને પોલીસ સ્ટેશન પહોંચાડે, ત્યાં સુધી ગળામાં ડૂમો ભરાઈ ગયો. ભારે હૃદય સાથે, એકબીજાને વળગીને અમે ખૂબ રડ્યા. “સુમિત!! આપણો એકનોએક દીકરો, માત્ર ૨૦ વર્ષનો, ભગવાન આટલો ક્રૂર નથી સુમિત્રા. તે સુમિત કેવી રીતે હોઈ શકે?" મને જરાય ભાન નહોતું કે હું શું બડબડ કરી રહ્યો હતો.
“એને કંઈ નહીં થાય સંજય."
“પ્રાર્થના કર સુમિત્રા, સખત પ્રાર્થના કર. તે આપણો દીકરો ન હોવો જોઈએ.” ખબર નહીં કોણ કોને આશ્વાસન આપી રહ્યું હતું.

એકબીજાનો સહારો બની, હાથ પકડીને, અમે ધ્રૂજતા પગે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા. વ્યથિત લાગણીઓ મારા ગળામાં ભરાએલી હતી અને હું કંઈ બોલી ન શક્યો. સુમિત્રાએ વાત કરતા અમારી ઓળખાણ આપી. ડ્રોઅર ખોલીને ઈન્સ્પેક્ટર કદમે મોબાઈલ અને પાકીટ બહાર કાઢ્યું. બંને વસ્તુ સુમિતની હતી! દુઃખમાં ડૂબી જતાં, અમે બંને ઢળી પડ્યા અને આંસુ રોકે નહોતા રોકાઈ રહ્યા.

થોડીવાર પછી, ઇન્સ્પેક્ટર કદમે ધીમેથી કહ્યું, “રાઠોડ સાહેબ, હું તમારી પીડા સમજું છું, પરંતુ તમારે બોડીને ઓળખવા માટે શબઘરમાં આવવું પડશે.”
માથું હલાવતા, અમે વધુ રડ્યા. "હું જાણું છું તમને તકલીફ થશે, પરંતુ આ જરૂરી છે. પ્લીઝ, મારી સાથે આવો."

અમારાં સપનાં, આકાંક્ષાઓ અને ખુશીઓ બધું જ એક ફોન કૉલથી ચકનાચૂર થઈ ગયું. સુમિત્રાએ મારો હાથ પકડ્યો અને અમે ઊભા થયા.

“મમ્મી? પપ્પા? તમે અહીં શું કરી રહ્યા છો?"
અમે વળ્યા. સુમિત?!?

અકબંધ, સહીસલામત, અમારો દીકરો પોલીસ સ્ટેશનના ઉંબરે, આંખોમાં મૂંઝવણ સાથે ઊભો હતો. ક્યારેય ન અનુભવી હોય તેવી રાહત આખા શરીરમાં ફેલાઈ ગઈ અને અમે દોડીને સુમિતને બાથમાં લઈ લીધો.

ઇન્સ્પેક્ટર કદમે સુમિતને ખુલાસો આપ્યો અને તેની સાથે શું થયું તે વિશે પૂછપરછ કરી. "એક ચોરે મને સાંજે લૂંટી લીધો. હું ઘરે જતા પહેલા અહીં ફરિયાદ લખાવવા આવ્યો.
અમે તેને ફરી ભેટી પડ્યા. માનવામાં નહોતું આવતું; ક્ષણભરમાં ઘટનામાં કેવું સુખદ ટ્વિસ્ટ આવી ગયું. અમારી દુનિયા ઉથલપાથલમાંથી ફરી સામાન્ય થઈ ગઈ, જાણે કંઈ ઘટયું જ ન હોય. હું પ્રભુનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
____________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=