(૯૫) શાહબાઝખાનનું ત્રીજુ ઝનુની આક્રમણ
મેવાડના પ્રશ્નમાં બાદશાહ અકબર બૂરી રીતે ફસાયા હતા. રાણા પ્રતાપ હજુ પણ અણનમ હતા. તેઓ વિચારતા હતા કે, હલ્દીઘાટીના યુદ્ધમાં પ્રતાપનો પરાજય થયો હતો. એના બબ્બે સહોદરો મોગલસેનામાં દાખલ થઈ ચૂક્યા હતા. કુંભલમેરનો કિલ્લો પડાવી લેવામાં આવ્યો હતો. છતાં પ્રતાપનું ખમીર તો એવું ને એવું જ હતું. એ રજમાત્ર હિંમત હાર્યો ન હતો. આથી અકબરને માનસિક આઘાત લાગ્યો હતો. આ આઘાતમાં સમાચાર આવ્યા કે, માળવામાં મોગલ ખજાનો લુંટાયો છે.
વર્ષાઋતુ બેસી ગઈ હતી, ખાનને બંગાળાની સમસ્યા માટે રવાના કર્યો હતો. આ સંજોગોમાં બાદશાહે વર્ષાઋતુ પસાર થવા દીધી.
“બાદશાહ અજમેરની યાત્રાએ જઈ રહ્યા છે.”
સર્વત્ર બાદશાહની આ યાત્રાની શુભેચ્છા પાઠવવામાં આવી. શાહજાદા સલીમના જન્મ પછી અજમેરનો મહિમા બાદશાહના હૈયે વસી ગયો હતો.
વર્ષાઋતુ પૂર્ણ થતાં બાદશાહની ધર્મયાત્રા શરૂ થઈ. બાદશાહ અજમેરમાં પંદર દિવસ રોકાયા. આ દરમિયાન એમણે પ્રતાપની ગતિવિધિની સંપૂર્ણ વિગતો જાણી.
ફતેહપુર સિકરી આવતાંની સાથે જ તેઓએ શાહબાઝખાનને બંગાળાથી બોલાવી લીધો.
“ખાન, મેવાડ અભિયાન પર ઉપડો.”
૧૫મી નવેંબર, ૧૫૭૯ ના રોજ શાહબાઝખાને પોતાનું ત્રીજું મેવાડ આક્રમણ શરૂ કર્યું. વિજયના ધ્યેય સાથેજ તે મોટી સેના લઈને નીકળી પડ્યો હતો. એણે વ્યુહ બદલ્યો. પહેલાં રાણા પ્રતાપપર હુમલો કરવાને બદલે એમના આશ્રયદાતા, હિતેચ્છુઓ પર હુમલાઓ કરવા માંડ્યા.
મહારાણા તેજમલ સિસોદિયાના નિવાસસ્થાને છુપાયા હોવાની આશંકા જતાંજ શાહબાઝખાને સેના સાથે મકાનને ઘેરો ઘાલ્યો. તેજમલ અને એના શૂરા સાથીઓએ સખ્ત સામનો કર્યો. મોતને વર્યા. એના નિવાસસ્થાનને અગ્નિને હવાલે કરી દેવામાં આવ્યું પરંતુ મહારાણા હાથ ન આવ્યા.
“મહારાણાને શરણ આપનારાઓને ખોળી ખોળીને પકડો. ખૂબ માર મારો. બાતમી મેળવો કે, મહારાણા ક્યાં છે?”
થોડા દિવસ પછી સિપાહીઓ વીલે મોંઢે પાછા ફર્યા.
“મહારાણાના જાણભેદુઓને પકડીને ઢોર માર મારીએ છીએ. પરંતુ તેઓ જીભ સિવીને મોતને જ ભેટે છે. કેટલાયે ભીલોની કતલ કરી પરંતુ કોઇ બાતમી આપવા તૈયાર નથી.”
“પરંતુ એમની વસાહતોને બાળી નાખવાનું કેમ ભૂલી ગયા.”
મોગલ સિપાહીઓ ભીલોની કતલ કરતા એમને પાકી ખાતરી હતી કે, મહારાણાને આ જ પ્રજા સંતાડી રાખે છે. એમના ઝૂંપડાઓને આગ લગાડવામાં આવતી પરંતુ આ પ્રજા તો “ઘર ફુંક, તમાશા દેખ” જેવી મસ્તાની હતી.
આ બાજુ છૂટા છવાયા ખૂબ યુદ્ધો થયા જેમાં ઘણાં રાજપૂત વીરો કામ આવી ગયા.
“આટલો બધો આતંક ફેલાવવા છતાં પ્રતાપ હાથમાં કેમ આવતો નથી.” ખાન વિચારતો; પ્રતાપના સહાયકોને સંહારી નાખ્યા. મદદકર્તાઓની હસ્તી મિટાવી દીધી. અરવલ્લીની સમગ્ર પહાડી મોગલસેના ખુંદી વળી. એના આશ્રયસ્થાનોનો ભૂક્કો બોલાવી દીધો, એણે મેવાડની સમગ્ર દક્ષિણ પહાડીને ઉજ્જડ અને વેરાન બનાવી દીધી. અહીં ક્યાંયે પ્રતાપ આશરો ન લઈ શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરી. ઠેરઠેર મોગલ ચોકીઓ ગોઠવી દીધી.
આ કારણે મહારાણા ગોંદવાડા તરફ નીકળી ગયા.
૧૫ મે, ૧૫૮૦ સુધીમાં શાહબાઝખાને મજબૂત કિલ્લેબંદી કરી. હવે શિકાર સાણસામાં ક્યારે ફસાય એની જ ખાન રાહ જોઇ રહ્યો હતો. એને શ્રધ્ધા હતી કે, મહારાણાને પરાજીત કરવાની યશકલગી આજે નહિતો ચાર પાંચ મહિને મને જ મળશે.
પરંતુ એજ સમયે, બાદશાહ અકબરે એકાએક તેને રાજધાનીમાં શીઘ્ર પાછા ફરવાનું ફરમાન મોકલાવ્યું.
અનિચ્છાએ એને શાહી ફરમાનને તાબે થવું પડ્યું.
૧૮મી જૂન, ૧૫૮૦ એ એ શાહી દરબારમાં ઉપસ્થિત થયો.
“ખાન, બંગાળાનો વિદ્રોહ કચડી નાખવા રવાના થાઓ.” શહેનશાહનો આદેશ મળ્યો.
જેવો ખાન બંગાળા તરફ રવાના થયો. મહારાણા પ્રતાપ સુંધાથી પાછા ફર્યા.
ગોગુન્દાથી ૧૬ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલ ઢોલાણ ગામમાં પડાવ નાંખ્યો. સામરા તાલુકાનું આ ગામ અરવલ્લી પહાડીની તળેટીમાં છે, યુદ્ધ અને સુરક્ષાની દષ્ટિએ એ મહત્વનું ગણાતું.
અહીં પ્રતાપ લગભગ ત્રણથી ચાર વર્ષ રહ્યા.
આગામી મેવાડ-મોગલ સંઘર્ષ માટેની તૈયારી અહીંના વસવાટ દરમિયાન તેમણે કરી લીધી.