સુકાઈ ગયેલા વૃક્ષના થડમાં પણ જીવન પ્રાંગરતું હોય તેવું લાગે છે..જે કુંપણો સુકાયેલા થડની ટોચે ફૂટી નીકળી છે તેને પણ હરખ છે વિશાળ વૃક્ષ બનવાનો, આજ હરખ... આજ ઉન્માદ..કુંપણોને વિશાળતા તરફ લઈ જાય છે અને સમય આવે આજ નાની કુંપણો વિશાળ વૃક્ષ બની જાય છે અને આ વિશાળતા તરફની ગતિ કુંપણોને વૃક્ષ બનતા રોકી શકતી નથી, જેનામાં જીવન જીવવાનું ઝનૂન હોય છે તે જ વિશાળતા પામી શકે છે..આપણા જીવનમાં પણ બનતી દુઃખદ ઘટનાઓ,પીડા, વિષાદ ક્યારેક આપણને ઘેરી વળે છે ત્યારે આપણું જીવન સુકાયેલા ઝાડના થડ જેવું બની જાય છે, પરંતુ કુંપણોની જેમ આપણે પણ જીવન જીવવાનો ઉન્માદ.. આશા ગુમાવવી જોઈએ નહિ, આવનાર એજ સમયની રફતારમાં આપણું જીવન પણ મહેંકી ઉઠશે તે નક્કી..સૂર્ય નો ઉદય થાય છે અને અસ્ત પણ થાય છે..ચંદ્રની ચાંદની ફક્ત એક રાત્રિ માટે હોય છે..ફરી નવો દિવસ અને ફરી નવી રાત્રિમાં ચાંદની પાછી ફરે છે.. "પરિવર્તન" બ્રહ્માંડનો નિયમ છે ..બધું એની ગતિમાં અને લયમાં ચાલ્યા કરે છે, ખાસ કોઈ પ્રયત્ન ના કરો તો પણ આપણું જીવન આવી જ કોઈ ગતિ અને લયમાં ચાલ્યા કરતું હોય છે.
ઉજ્જડ વેરાન વગડામાં પણ જીવન પ્રાંગરતું હોય છે,દૂર દૂર સુધી એક પણ વૃક્ષ કે ઝાડ દેખાતું નહિ હોવા છતાં..વગડાની વચ્ચે સૂકી.. ધૂળ.. માટી અને પાણી ના સ્રોત વગર પણ ક્યાંક એકાદ.. એકલું અટૂલું કોઈ વૃક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવીને અડીખમ ઉભુ હોય તેવું પણ બની શકે, સૂકા રણમાં પણ ક્યાંક મીઠા પાણીનો વીરડો જોવા મળે તેવું પણ બની શકે છે, બધું સુકું હોય..રુક્ષ હોય.. કટાયેલું હોય..વેરાન હોય .એટલે ખરાબ જ હોય તેવું નથી હોતું,ખરાબ માણસમાં પણ કેટલાક સદગુણ દબાયેલા પડ્યા હોય છે,જે કટોકટી ની પરિસ્થતિમાં અચૂક બહાર આવતા હોય છે, સૂકા ઝાડના મૂળમાં પણ માટીની ભીનાશ ઉપલબ્ધ હોય છે,સમગ્ર વ્યક્તિત્વમાં એકાદ દુર્ગુણને આધારે સમગ્ર વ્યક્તિત્વ ખરાબ છે તેવું માની લેવું તે ઉચિત નથી હોતું, સમયને આધારે વ્યક્તિના વ્યક્તિત્વનો સારા નરસાનો માપદંડ બદલાતો રહેતો હોય છે, જે રીતે પાનખરના સૂકા પત્તા જોઈ કોઈ વિચારે કે આ ઝાડ સુકાઈ ગયું છે તો તેનું અનુમાન ખોટું પડશે. વસંત ઋતુમાં એજ ઝાડ ફરી નવપલ્લિત થઈ જશે.
કોઈ વ્યક્તિ ઝાડની બધી ડાળીઓ..શાખાઓ કાપી નાખે એમ છતાં એ ઝાડનું થડ મૂળિયાં સાથે જ્યાં સુધી જમીનમાં ચોંટેલું હશે ત્યાં સુધી એજ કપાયેલી ડાળીઓમાં ફરીથી પાંદડા - કુંપણો ફૂટી નીકળશે તે નક્કી, જે દિવસે મૂળિયાની પકડ જમીન ઉપરથી ઢીલી થશે તેજ દિવસથી ઝાડનું અસ્તિત્વ જોખમમાં મુકાશે,
જુદી જુદી ડાળીઓ.. શાખા પ્રશાખાઓને વૃક્ષનું થડ જ મજબૂત રીતે જોડી રાખે છે કારણ કે થડ એ વૃક્ષનો મોભી છે, નાની ડાળીઓ બાળક સમાન છે, ઉછળકૂદ કરવું તે બાળકનો સ્વભાવ હોય છે, વૃક્ષની ડાળીઓ શાખાઓ પોતપોતાની રીતે ફેલાતી રહે છે પરંતુ તેનો કન્ટ્રોલ વૃક્ષના થડ પાસે હોય છે, વિસ્તરવું અને વિસ્તારવું એ વૃક્ષ નો સ્વભાવ રહ્યો છે,પથ્થર મારનારને પણ ફળ આપવું તે તેનો ગુણધર્મ રહ્યો છે, પોતાની જગ્યા ઉપર જ ફૂલવું ફાલવું તે તેનો સદગુણ રહ્યો છે,બાજુમાં જ ઉભેલા ઘટાદાર વૃક્ષની તે ક્યારેય ઈર્ષા કરતું નથી કે બળતરા કરતું નથી,તે તો પોતાની ડાળીઓ પાંદડાઓને જ ફાલવા ફૂલવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, વેરાન વન વગડામાં જ્યારે હલકી હલકી પવન ની લહેર.. વૃક્ષના અડધા સૂકા પાંદડા ઓને સ્પર્શે છે અને જે ખડ ખડ ધ્વનિ ઉત્પન્ન થાય છે તે "ઓમ ના ધ્વનિ" નું સ્મરણ કરાવે છે સાથે સાથે પરમાત્માના સાનિધ્યનો અનુભવ પણ કરાવે છે, વૃક્ષ જીવન રક્ષક પણ છે અને એક જીવનશૈલી પણ છે જે એક જ જગ્યાએ સ્થિર હોવા છતાં સૃષ્ટિ ના દરેક જીવ સાથે જોડાયેલું રહે છે અને તેમનું જીવન રક્ષક બની રહે છે, એક ઉમદા જીવન જીવવાનો સંદેશ વૃક્ષ હંમેશા પૂરો પાડે છે સાથે સાથે એક ઉત્તમ જીવનશૈલી પણ વૃક્ષ પૂરી પાડે છે તે નિર્વિવાદ છે -
--રસિક પટેલ
લેખક ( matrubharti.com)
M.9825014063