Pranay Parinay - 68 - Last Part books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 68 - અંતિમ ભાગ


પ્રણય પરિણય ભાગ ૬૮


કાવ્યાને લઈને સમાઈરા બાજુની રૂમમાં ગઈ પછી રઘુએ ખુરશી સહિત નીચે પડેલા મલ્હારને ઉભો કર્યો અને તેના હાથપગ છોડ્યા.

'વિવાન પ્લીઝ મારી વાત સાંભળ..' એમ કહીને મલ્હારે અચાનક વિવાન પર એટેક કર્યો પણ વિવાન સજાગ હતો, તેણે હાથ આડો ધરીને એટેક ખાળ્યો. રઘુએ તરતજ મલ્હારને પાછળથી પકડી લીધો.


'રઘુ.. છોડ એને..' વિવાન પોતાના હાથના આંગળાના ટચાકા ફોડતાં બોલ્યો. રઘુએ તેને છોડી દીધો. પછી વિવાન અને મલ્હાર વચ્ચે સારી એવી મારામારી થઇ. વિવાને તેને ઘણો ઠમઠોર્યો. મલ્હાર માર ખાઈ ખાઈને અધમૂઓ થઇ ગયો.


વિવાને બોડીગાર્ડસને ઈશારો કરીને તેને બાજુના રૂમમાં લઈ જવાનું કહ્યું. મલ્હારે કરેલા ગુનાની કબૂલાત તો રઘુએ પહેલા જ રેકોર્ડ કરી લીધી હતી. એટલા માટે જ રૂમમાં અંધારું કરીને ફક્ત એક ફ્લડ લાઈટ તેના પર ફેંકવામાં આવી હતી. મલ્હાર તાનમાં ને તાનમાં બધુ બોલી ગયો હતો.


બોડીગાર્ડસ મલ્હારને ઉઠાવીને જ્યાં કાવ્યા અને સમાઈરા હતી એ રૂમમાં લઈ ગયા. એ રૂમમાં એક ઓપરેશન થિયેટરમાં હોય તેવું સેટઅપ હતું. સમાઈરા ગ્રીન કલરનો ડોક્ટર્સ સ્ક્રબ પહેરીને તૈયાર ઉભી હતી. બાજુમાં કાવ્યા ઉભી હતી. સામે જાતભાતનાં ડોક્ટરી હથિયારો રાખેલી એક ટ્રે પડી હતી. બોડીગાર્ડસે જેવો મલ્હારને ઓપરેશન ટેબલ પર સુવડાવ્યો કે સમાઈરા વિજળીની ઝડપે કામ કરવા લાગી. તેણે મલ્હારને બેહોશ કરીને તેના પર એક ખાસ ઓપરેશન કર્યું.


ઓપરેશન થયા પછી મલ્હારની શારિરીક રચનામાં તો કોઈ ફેરફાર થયો નહોતો પણ હવે એ બાપ બની શકવા કે કોઈ છોકરી પાસે જઈને રંગરેલીયા મનાવવાને કાબેલ રહ્યો નહોતો.


**


ઓપરેશન પતાવીને બધાં ઘરે આવ્યા. ઘણું મોડું થઈ ગયું હોવાથી ઘરમાં બાકીના બધા ઉંઘી ગયા હતા. એટલે તેઓ થોડીવાર હોલમાં ઉભા રહ્યાં. કાવ્યા હવે એકદમ હળવી ફૂલ થઇ ગઇ હતી. તેના ચહેરા પર પહેલાનું સ્મિત પાછું આવ્યું હોય તેમ લાગતું હતું.

વિવાને કાવ્યાનાં માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો.


'હું હવે ઠીક છું ભાઈ, તું ઉપર જા. ભાભી તારી રાહ જોતી હશે.' કાવ્યાએ કહ્યુ.


'ના, એને ખબર હતી કે હું મોડો આવવાનો છું એટલે ઉંઘી ગઈ હશે.' વિવાન પોતાની રિસ્ટવોચમાં જોઈને બોલ્યો. અને તેના કપાળ પર ચુંબન કર્યું. પછી એકબીજાને ગુડ નાઈટ કરીને બધા પોતપોતાની રૂમમાં ગયાં.


રૂમમાં જતાં જ કાવ્યા ઘ્રુસ્કે ધ્રુસકે રડી પડી. આ અશ્રુ મલ્હાર માટે નહોતા, તેના અજન્મા બાળક માટે હતા. એ પોતાના પેટ પર હાથ ફેરવતાં હીબકાં ભરી રહી હતી. જેના માટે થઈને તેણે પોતાનું માતૃત્વ ખોયું એ માણસને તો તેની કોઈ કદર જ નહોતી. આવા માણસને પ્રેમ કરવા બદલ એ ખૂદને દોષી માનતી હતી. તેની સજા પણ તેણે પોતે ભોગવી હતી. થોડી ક્ષણો પછી તેણે પોતાના આંસુ લૂછ્યાં, મનોમન કશો નિશ્ચય કર્યો અને શાંતિથી ઉંઘી ગઈ.


વિવાન ધીરેથી દરવાજો ખોલીને પોતાની રૂમમાં આવ્યો. ગઝલ ઉંઘી ગઈ હતી. તેણે હળવેથી પોતાના કપડાં લીધા અને બાથરૂમમાં જઇને ફ્રેશ થઈ ચેઈન્જ કરીને આવ્યો. એ ધીમેથી ગઝલની બાજુમાં જઈને સૂતો. તેણે ગઝલના કપાળ પર ચુંબન કર્યું. તેના સ્પર્શથી ઉંઘમાં પણ ગઝલના હોઠ મલકી ગયાં. એ પડખુ ફરી. તેણે એક હાથ વિવાનની છાતી પર રાખી દીધો. વિવાન તેની વધુ નજીક સરક્યો અને તેને ગાઢ આલિંગનમાં લીધી. પછી તેના નાક સાથે ધીરેથી પોતાનુ નાક ઘસીને ને બોલ્યો.: 'આજથી મારો પૂરો સમય તારા માટે.'


સવારે તૈયાર થઈને ગઝલ અને વિવાન સાથે નીચે આવ્યા.


'ગુડ મોર્નિંગ એવરીવન..' વિવાને કહ્યું.


બધાએ તેને સામે ગુડ મોર્નિંગ કહ્યુ.


'ગુડ મોર્નિંગ ફઈ.. ગુડ મોર્નિંગ રઘુ ભાઈ.' ગઝલએ કહ્યું.


'ગુડ મોર્નિંગ બેટા..' વૈભવી બોલી.


'ગુડ મોર્નિંગ ભાભી..' રઘુ સ્માઈલ કરીને એકદમ હેતથી બોલ્યો.


'જયશ્રી કૃષ્ણ બા.. જયશ્રી કૃષ્ણ પપ્પા..' ગઝલ એ લોકો બેઠા હતા એ તરફ જોઈને બોલી.


દાદી અને કૃષ્ણકાંતે પણ ગઝલને જયશ્રી કૃષ્ણ કર્યા.


થોડીવારમાં કાવ્યા અને સમાઈરા પણ આવ્યાં અને બધાને ગુડ મોર્નિંગ કર્યા.


ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તો કરતાં કરતાં બધા વાતચીત કરી રહ્યા હતા.


'દાદી.. ડેડ, મારે કંઈ કહેવું છે.' વિવાન બોલ્યો.


'હાં બોલને બેટા..' દાદી બોલ્યા.


કૃષ્ણકાંતે પ્રશ્ન સૂચક નજરે વિવાનની સામે જોયુ.


વિવાને ગળુ ખંખેર્યું, મનમાં શબ્દો ગોઠવ્યાં અને બોલ્યો: 'ગઝલને ભગાવતા પહેલાં મેં શિવ મંદિરમાં ભગવાન સામે પ્રતિજ્ઞા કરી હતી કે, હું એ જ મંદિરમાં જઈને ગઝલ સાથે વિધી પુર્વક લગ્ન નહીં કરૂં ત્યાં સુધી અમારું વિવાહિત જીવન શરૂ નહીં થાય.'


વિવાનની વાત સાંભળીને હોલમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. બધાને આશ્ચર્યાઘાત લાગ્યો હતો. દાદીનું મોઢું ખૂલ્લું રહી ગયું. કૃષ્ણકાંતનો મોઢા સુધી કોળિયો લઇ જતો હાથ એમ જ હવામાં સ્થિર થઈ ગયો. વૈભવી ફઈને ગળામાં ઠસકું આવી ગયું. સમાઈરા તથા કાવ્યાની આંખો ફાટી રહી. ગઝલ નીચું જોઈ ગઈ ફકત રઘુ જાણે કશું બન્યું જ ના હોય તેમ આરામથી નાસ્તો કરી રહ્યો હતો.


ત્રણ ચાર પળ એમ જ વિતી. પછી દાદીની નજર ગઝલ તરફ ફરી. બરાબર એ જ સમયે ગઝલએ પણ ઉંચે જોયું. તેને દાદીની નજરમાં એક પ્રશ્ન વંચાયો. ગઝલએ પાંપણ ઝૂકાવીને જવાબ આપ્યો. દાદી સમજી ગયાં.


'રધુ.. મહારાજને ફોન કરીને બોલાવી લે. લગ્નનું મૂહૂર્ત કઢાવવું છે.' દાદીએ રઘુને કહ્યું.


'જી દાદી..' રઘુ બોલ્યો.


'હું શું કહું છું.. કે સાથે સાથે સમાઈરાના લગ્ન પણ વિધીસર કરીએ તો કેવું? કૃષ્ણકાંતે સૂચન કર્યું.


'હાં, એ પણ બરાબર છે.' વૈભવીએ કહ્યુ.


'પણ મામા, યુ.એસ.ની ફોર્માલિટિ માટે અમારે કોર્ટે મેરેજ તો કરવાના જ છે. પછી..' સમાઈરા બોલી.


'બેટા, આપણે ક્યાં કંઇ અલગથી તૈયારીઓ કરવી છે? એક મંડપ સાથે બીજો મંડપ.. એમ પણ પહેલા તો આપણે સાદાઈથી જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું ને? કોર્ટ મેરેજ એક દિવસ વહેલા કરી લઈશુ.' કૃષ્ણકાંત ઉત્સાહથી બોલ્યાં.


'કૃષ્ણાની વાત બરોબર છે.' દાદીએ મંજૂરીની મહોર મારી દીધી.


મહારાજે ગઝલ અને વિવાનના જન્માક્ષર જોયાં. યોગાનુયોગે સમાઈરાના લગ્નના દિવસે જ તેઓના લગ્નનું મુહૂર્ત નીકળ્યું.

સમાઈરા અને ડોક્ટર સ્ટીફનના કોર્ટે મેરેજ એક દિવસ વહેલા કરીને વિધિવત લગ્ન સેલવાસ મંદિરમાં ગઝલ-વિવાનની સાથે જ કરવાનું નક્કી થયું. ડોક્ટર સ્ટીફનને ભારતીય સંસ્કૃતિને જાણવા સમજવાનો ખૂબ શોખ હતો એટલે વિધીસર લગ્ન કરવાની વાત સાંભળીને એ ખૂબ ખુશ થયા.

બધા લગ્નની તૈયારીઓમાં લાગી ગયા.


આ બાજુ, મલ્હારને બે દિવસ સુધી સ્પેશિયલ નર્સની દેખરેખમાં પેલા ફાર્મહાઉસમાં જ રાખવામાં આવ્યો. પછી એક વિશિષ્ટ દવા આપીને તેની છેવટની યાદદાસ્ત ભૂંસી નાખવામાં આવી. છેલ્લા ત્રણેક દિવસમાં તેની સાથે ઘટેલી ઘટનાઓમાંથી તેને કશું યાદ નહોતુ. હવે એ કશા કામનો પણ રહ્યો નહોતો અને આર્થિક રીતેય બરબાદ થઇ ગયો હતો.

એટલું ઓછું હતું કે મલ્હારની મમ્મી સુમતિ બેને ગીરવે પડેલી વ્હાઈટની પ્રોપર્ટી વેચીને મળેલા પૈસા પર પોતાનો દાવો ઠોકીને પ્રતાપ ભાઈને ડિવોર્સની નોટિસ ફટકારી દીધી હતી.

મલ્હારને જેલમાં નાખવાની હવે જરૂર નહોતી. કારણ કે હંમેશાં છોકરીઓથી ઘેરાયેલ, રંગીન અને એશોઆરામની જીંદગી જીવેલા મલ્હાર માટે તો પાઈ પાઈ માટે મહોતાજ, બેરંગ અને હતાશ એવી જેલ બહારની જીંદગી જ એક મોટી સજા હતી.


**


નિર્ધારિત દિવસે રંગેચંગે ગઝલ વિવાનના લગ્ન લેવાયા. ભગવાન મહાદેવની નિશ્રામાં ગઝલ અને વિવાને અગ્નિની સાક્ષીએ ફેરા લીધા એ સાથે જ તેનો પ્રણય ખરા અર્થમાં પરિણયમાં પરિણમ્યો.

બાજુના મંડપમાં સમાઈરા અને સ્ટીફન પણ ફેરા ફર્યાં.

લગ્ન પછી સમાઈરા અને સ્ટીફન યુ.એસ જતા રહ્યા. જ્યારે ગઝલ અને વિવાન એક મહિના માટે હનીમૂન મનાવવા ન્યુઝીલેન્ડ જઈ આવ્યા.


એમ જ બે ત્રણ મહિના વીતી ગયા. કાવ્યાની તબિયત હવે ઓલરાઈટ હતી. તે પણ હવે વિવાન સાથે ઓફિસ જવા લાગી હતી. વિવાન પણ પહેલાની જેમ જ તેની અગ્રેસિવ સ્ટાઈલથી બિઝનેસ કરવા લાગ્યો હતો અને એક પછી એક સફળતા મેળવવા લાગ્યો હતો. એ ગમે એટલો બિઝી હોય તો પણ પોતાના પરિવાર અને ગઝલ માટે સમય કાઢતો હતો. તેના દરેક રવિવાર પર ફક્ત અને ફક્ત ગઝલનો જ અધિકાર રહેતો. ગઝલ પણ ખૂબ ખુશ રહેવા લાગી. વચ્ચે વચ્ચે દાદી અને ફઈએ ઘણીવાર કાવ્યાના લગ્નની વાત ઉખેળી, પણ પોતે ક્યારેય લગ્ન નહીં કરે એવું કાવ્યાએ મક્કમતાથી બધાને કહી દીધું. મલ્હારે કરેલા દગાના કારણે તેને ભયંકર આઘાત લાગ્યો હતો. ખૂબ કોશિશ કરવા છતાં એ કડવી યાદોને ભૂલી શકતી નહોતી. ઘણીવાર એ પોતાના ગુમાવેલા માતૃત્વને યાદ કરી કરીને રાતભર રડતી રહેતી.


આજ કાલ કરતાં એમ જ છ મહિના વીતી ગયા. ગઝલને સારા દિવસો રહ્યા. ઘરમાં નવું મહેમાન આવવાનુ હોવાથી વિવાન સહિત બધા ખૂબ ખુશ હતા. કાવ્યા સૌથી વધુ ખુશ હતી કેમ કે વર્ષો પછી એનાથી પણ નાનું કોઈ આ ઘરમાં આવવાનુ હતું. એ ગઝલનો ખૂબ જ ખ્યાલ રાખવા લાગી. ગઝલના વધતા પેટને જોઈને તેને જાણે પોતાનો જ અંશ એમા ઉછરી રહ્યો હોય એવી લાગણી થતી.


**


ગઝલને સાતમો મહિનો બેસી ગયો હતો. આવતી કાલે ગઝલનું સિમંત હતું. ઘરમાં ઉત્સાહનું વાતાવરણ હતું અને પ્રસંગની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.


રાતના ડિનર પછી ગઝલ બેડ પર બેસીને નાના બાળકનો ફોટો હાથમાં રાખીને જોઈ રહી હતી. વિવાન તેની બાજુમાં બેસીને લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો.


'વિવાન, તમને દિકરો જોઈએ છે કે દિકરી?' ગઝલ બોલી.


'ઓફકોર્સ દિકરી..' વિવાને કહ્યુ.


'પણ મારે તો દિકરો જ જોઈએ છે.' ગઝલ ક્યુટ ફેસ બનાવીને બોલી.


'ના, દિકરી જ આવશે..' વિવાને લેપટોપ બંધ કર્યું અને તેની આંખોમાં જોઇને બોલ્યો.


'છતાં ધારી લો કે દિકરો જ આવ્યો તો?'


'તો શું? બીજીવાર ચાન્સ લેશુ.. જ્યાં સુધી દિકરી ના આવે ત્યાં સુધી ચાન્સ લેતા રહીશુ..' વિવાન આંખ મારીને બોલ્યો. ગઝલની આંખો પહોળી થઈ.


'શું કંઈ પણ બોલો છો તમે.. એટલા બધા બાળકો થોડા હોય?' ગઝલ મીઠો છણકો કરીને બોલી.


'એમાં શું વાંધો છે? આપણો બંગલો ઘણો મોટો છે, ઘણી જગ્યા છે. ક્રિકેટની ટીમ બનાવીને બધા રમતા રહેશે આરામથી.' વિવાન તેને ચીડવતા બોલ્યો.


'છટ્.. બેશરમ..' કહીને ગઝલએ શરમાઈને પોતાનું મોઢું વિવાનની છાતીમાં છૂપાવી લીધું. વિવાને હસીને તેને આલિંગનમાં લીધી.


સિમંતનો પ્રસંગ પણ સુખરુપ પતી ગયો. એમજ સમય વીતવા લાગ્યો. પૂરેપૂરા નવ મહિના ગઝલએ બધાને ખૂબ ત્રાસ આપ્યો. એક તો પહેલાથી જ એનામાં છોકરમત હતી અને હવે પ્રેગનન્ટ હોવાથી એ વધારે લાડકાઈ કરતી હતી. એ કોઈ પણ સમયે કંઈ પણ ડિમાંડ કરતી. વિવાન ખૂબ ધીરજથી તેને સંભાળતો. આખુ ઘર એની આગળ પાછળ ફરતુ. ગઝલ પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતુ. વિવાને તેની રૂમમાં બાળક માટે સ્પેશિયલ સેકશન બનાવી આપ્યું હતું. તેણે અત્યારથી જ નાના મોટા રમકડાંથી આખી રૂમ ભરી દીધી હતી.

ગઝલએ પણ પ્રેગનન્સીનો લહાવો પૂરેપૂરો લીધો. એનુ વજન સારૂ એવું વધી ગયું હતું. એ એકદમ ગોળમટોળ થઈ ગઈ હતી. ક્યાંક બહાર જવાનું હોય તો એક પણ ડ્રેસ કે બ્હાઉઝ તેને થતુ નહોતું. વિવાને તેને બધુ શોપિંગ ફરીથી કરાવી આપ્યું.


છેવટે એ આનંદની ક્ષણ તેના જીવનમાં આવી ગઈ. પૂરે મહિને ગઝલએ એક સુંદર મજાના દેવ જેવા દિકરાને જન્મ આપ્યો. વિવાનને જોકે દીકરી જોઈતી હતી. દિકરો આવ્યો એટલે થોડી વાર માટે એ નિરાશ થયો. પણ જેવો તેણે તેના જીગરના ટૂકડાને હાથમાં લીધો કે તેની બધી નારાજગી દૂર થઈ ગઈ. તેના હૃદયમાં એક પિતાનું વાત્સલ્ય ઉભરાઇ આવ્યું. એના હાથમાં રહેલો નાનકડો જીવ ટુકુર ટુકુર કરીને તેની સામે જોઈ રહ્યો. તેનામાં વિવાન અને ગઝલનુ પરફેક્ટ કોમ્બિનેશન હતુ. તેનો રંગ અને આંખો એકદમ ગઝલ જેવા હતા જ્યારે નાક, હોઠ અને હડપચી એકદમ વિવાન જેવા હતાં. વિવાને ગઝલના માથા પર ચુંબન કરીને તેને થેન્ક યૂ કહ્યુ. ગઝલના કારણે આજ તેને બાપ બનવાનું સુખ મળ્યું હતું.


બાળકના આવવાથી આખુ ઘર ખૂબ ખુશ હતું. હોસ્પિટલમાંથી છુટ્ટી મળ્યા પછી માં દિકરાનું શ્રોફ બંગલોમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ગરીબોને ખૂલ્લા હાથે દાન કરવામાં આવ્યું.

છઠ્ઠીના દિવસે જ દિકરાનું નામકરણ કવાનું નક્કી થયું. એ પ્રસંગે શ્રોફ ફેમિલીના ખૂબ અંગત સંબંધીઓને જ આમંત્રવામાં આવ્યા હતા. સ્ટીફન અને સમાઈરા પણ યૂ. એસ. થી આવ્યા હતા. સમાઈરાને પણ સારા દિવસો જતા હતા એટલે શ્રોફ કુટુંબનો ઉત્સાહ બેવડાયો હતો.


આખો બંગલો તાજા ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. ઘરમાં નોકરો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા હતા. આખા પ્રસંગની બધી જવાબદારી બાળકના કાકા રઘુએ પોતાના માથે લીધી હતી એટલે એ બધી તૈયારીઓ જોવાની સાથે સાથે પોતાના કેમેરાથી વીડિયો શૂટિંગ પણ કરી રહ્યો હતો.


રઘુ એક હાથમાં કેમેરો પકડીને વિક્રમને કંઈક સૂચના આપી રહ્યો હતો. એટલામાં એને એક છોકરીનો ધક્કો વાગ્યો.


'દેખાતું નથી કે?' પેલી છોકરી ચીડાઈને બોલી.


રઘુએ પાછળ ફરીને જોયું અને એનુ મોઢું બગડી ગયુ.


'હું એ જ વિચારતો હતો કે હજુ સુધી આ ભેંસ આવી કેમ નહીં..' મશ્કરીભર્યું હસતાં રઘુએ વિક્રમને કહ્યું.


'હું ભેંસ તો તું પણ ભેંસ.. સમજ્યો?' પેલી છોકરી રઘુ સામે ઘૂરકીને બોલી.


'હટ્ટ.. ભેંસ નહીં, હું તો પાડો કહેવાઉં ને?' રઘુ છાસિયું કરીને બોલ્યો.


'વ્હોટ ઈઝ પાડા?' પેલીએ ભવા ચઢાવ્યાં.


'મેલ ભેંસ..' વિક્રમ હોઠ દાબીને હસતાં બોલ્યો.


એ લોકો મગજમારી કરતાં હતાં ત્યાં ગઝલનું ધ્યાન ગયું એટલે ખુશ થઈને એણે સાદ પાડ્યો: 'નીશ્કાઆઆ..'

હાં, એ નીશ્કા જ હતી.


'ઈડિયટ્સ..' નીશ્કા બડબડ કરીને એ લોકોને કંઈક ગાળો આપતી દોડીને ગઝલ પાસે ગઈ.


'તું શું કામ એને પજવતો રહે છે?' નીશ્કાના જતાં જ વિક્રમે રઘુના માથા પર ટપલી મારીને એને પૂછ્યું.


'એ દિવસે તેણે મારા ગાલ પર સણસણતો લાફો માર્યો હતો.. એના નિશાન ગાલ પર નહીં પણ અહીં પડ્યાં છે..' ફિલ્મી અંદાજથી બોલતાં રઘુએ પોતાના હૃદય પર હાથ મૂક્યો અને પછી બોલ્યો: 'એમ જ હું છોડીશ નહીં એને..'


'યૂ મિન.. યૂ લાઈક હર?!' વિક્રમે આશ્ચર્યથી પુછ્યું.


'હાં તો.. બંદાએ ભાભીને કહીને આની સાથે સેટિંગ કરવાનું પણ નક્કી કરી લીધું છે.' રઘુ સ્ટાઈલથી પોતાના વાળમાં હાથ ફેરવતાં બોલ્યો. અને પોતાના કામે વળગ્યો.


છઠ્ઠીના ફંક્શનમાં કાવ્યા ફઈએ ઓળી ઘોળી પીપળ પાન કરીને બાળકનું નામ કાવ્યાંશ રાખ્યું.

બધાએ કાવ્યાંશને ભરપુર આશિર્વાદ આપ્યાં.


કાવ્યાંશ શ્રોફ ગૃપ ઓફ કંપનીઝનો વારસદાર હોવાને કારણે ખૂબ લાડકોડમાં ઉછરવા લાગ્યો. કાવ્યા ફઈનો તો પ્રાણ એમાં વસતો. સમય એમજ વીતતો રહ્યો. સમાઈરાને સરસ મજાની ઢીંગલી જેવી દિકરી આવી.


બે વર્ષ પછી ભયંકર હતાશાને કારણે મલ્હારે આત્મહત્યા કરી લીધી. શ્રોફ ગૃપના એક વખતના કટ્ટર હરીફ ગણાતા મલ્હાર રાઠોડની આત્મહત્યાની છાપાંમાં આવેલી મરણનોંધ સિવાય બીજા કોઈએ નોંધ ના લીધી.


આ બાજુ, નીશ્કાની આગળ પાછળ ત્રણ-ચાર વર્ષ ફિલ્ડિંગ ભર્યા પછી જઈને રઘુના લગ્ન નીશ્કા સાથે થયાં.


ચાર વર્ષ પછી ગઝલને ફરી સારા દિવસો રહ્યા. આ વખતે વિવાનની ઈચ્છા ફળી. ગઝલએ સુંદર પરી જેવી દિકરીને જન્મ આપ્યો. દિકરી એકદમ વિવાન પર ઉતરી હતી. ફક્ત એનો વાન તેની માં પર ગયો હતો. વિવાને તેનું નામ મિરાયા રાખ્યું. ઘરમાં સૌની લાડકી હોવાથી એ જિદ્દી બની ગઈ હતી. વિવાન તેની દરેક જિદ પૂરી કરવા ખડે પગે રહેતો. અને ગઝલ હંમેશા 'તમે જ આને બગાડી છે.' કહીને ફરિયાદ કરતી.


વિવાન અને ગઝલની લવ સ્ટોરી તો પહેલા જ કમ્પલિટ થઇ ગઇ હતી પણ મિરાયાના આવ્યા પછી તેની ફેમીલી પણ કમ્પલિટ થઈ ગઈ.


ચારે તરફ સુખની છોળો ઊડતી હતી. અને બધુ હેપ્પી હેપ્પી હતું.



સમાપ્ત.


******** ******** ********


મારા વહાલા વાચક મિત્રો,

આજે આ ધારાવાહિક પ્રણયકથા સમાપ્ત થઈ રહી છે, ત્યારે એક દિલચસ્પ અને વાચકોને જકડી રાખનાર નવી નવલકથા લઇને જલ્દીથી તમારી સમક્ષ ઉપસ્થિત થવાનુ વચન આપીને હું તમને બધાને અપાર કૃતજ્ઞતા સાથે વિદાય આપું છું.

પ્રિય મિત્રો, તમારો સૌનો પ્રેમ મારા હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે. આ પ્રવાસમાં મારા હમરાહી બનવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.


અંતમાં, તુલસીદાસજીની પંક્તિઓ અહીં ટાંકીને વિરમુ છું. 🙏🙏


कबित बिबेक एक नहिं मोरें। सत्य कहउँ लिखि कागद कोरें॥

कबि न होउँ नहिं बचन प्रबीनू। सकल कला सब बिद्या हीनू।।

(અર્થાત્ : હું કોઈ કવિ, લેખક કે કોઈ જ્ઞાની વ્યક્તિ નથી. મને તો જે તે સમયે જે સૂઝ્યું એ લખ્યું છે.

નથી હું કોઇ સાહિત્યકાર કે નથી હું ભાષામાં પ્રવિણ કે નથી મારામાં એવી કોઈ ખાસ વિદ્યા કે લાયકાત. હું તો કેવળ એક પામર મનુષ્ય છું.)

🙏🙏


















બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED