(૮૯) બુંદીના વિદ્રોહીકુમાર દૂદાજી
બુંદીએ રાજપૂતી રંગ બતાવ્યો. અરવલ્લીના પહાડો ખુંદતા પણ પ્રતાપ ન મળ્યા એટલે મેવાડને મિત્રવિહોણું કરવા એના મિત્ર રાજ્યો પર હુમલો કરવાનો વ્યૂહ અકબરશાહે ગોઠવ્યો.
મોગલસેનાના સેનાપતિ હતા બુંદી નરેશ સૂરજમલ. તેમને બુંદી પર આક્રમણ કરવાનો આદેશ મળ્યો. બુંદીના યુવરાજ દુરજનસિંહે શમશેર કાઢી. યુદ્ધ આપ્યું. રાજકુમાર દૂદાજીએ પણ જબરદસ્ત યુદ્ધ આપ્યું.
હારેલો દુદાજી અરવલ્લીની પહાડીમાં જતો રહ્યો. તેણે પણ ગેરીલાયુદ્ધ ખેલવા માંડ્યું. અવાર નવાર પહાડીમાંથી આવતો અને મોગલ સેના પર છાંપો મારી લૂંટે લેતો.
એણે નાનકડું પરંતુ ભયાનક સાથીઓનું એક દળ બનાવ્યું હતું. જે મોગલતાબાના રાજપૂતાનામાં કાળો કેર વર્તાવતા.
તે જ સમયે ચૂલિયા ગામે મહારાણા પ્રતાપ અને ભામાશાનો ભેટો થયો. અઢળક ધન મહારાણાના ચરણોમાં ભામાશાએ સમર્પિત કર્યું.
નવું જોમ, નવી સૈન્ય શક્તિનો ઉમેરો થયો.
શાહબાઝખાન હતાશ થઈ ગયો. મહારાણાના પંથે જો રાજપૂતાનાના વીરો મોગલ સલ્તનત સામે બહાર વટે ચઢશે તો? અહીં બળ કરતાં કળનો સહારો લેવો ઉચિત છે. માની એણે કૂટનીતિનો ઉપયોગ કરવાનો નિર્ધાર કરી લીધો.
મોરને મારવા મોરના પીંછા જ કામ લાગે છે તેમ વિદ્રોહીને ડામવા વિદ્રોહી જ કામ લાગે માની બુંદીના વિદ્રોહી રાજકુમાર દુદાજીનો એણે સંપર્ક સાંધ્યો.
“દુદાજી, તમારા જેવા વીરને રઝળપાટ ન શોભે. મારી સાથે બાદશાહ સમક્ષ ચાલો. તમારે લાયક કામગીરી અપાવીશ.”
દૂદાજી સુખી ભવિષ્યની લાલચમાં આવી ગયો. “બાદશાહ અકબર મને સ્વીકારશે?” દૂદાજીએ પૂછ્યું.
“ચોક્કસ, બલ્કે તમારા જેવાં વીરની મુલાકતથી પ્રસન્ન થશે.” અને જો ન સ્વીકારે તો ? બંદી બનવાની અમારી તૈયારી નથી.
“તમારી સલામતીની જવાબદારી મારા શિરે.” ખાન બોલ્યો, હું તમને બુંદી પાછું અપાવું. આ શરત
“મને બુંદી અપાવો.”
“હા,ચોક્કસ પણ એક શરત.”
“કઈ શરત?”
“મેવાડના રાણા ક્યાં છે એ બતાવો. જે તમારે માટે સહજ છે. ”
“ખાન, હું તમને રાણાનો પતો બતાવુ? અને તમે મને તુરંગનો રસ્તો બતાવો તો? તમારી કુટિલ ચાલમાં હું ફસાવા માંગતો નથી. મને જ્યાં સુધી વિશ્વાસ ન જાગે ત્યાં સુધી હું રાણાજીનો દ્રોહ ન કરૂં.”
“ તોમારે કરવું શું?” ખાન મુઠી પછાડતો બોલ્યો,
“સૌ પ્રથમ મને બુંદી અપાવો. મારામાં ભરોસો જન્માવો. કારણ કે, મોગલો ઉપર મને રજમાત્ર ભરોસો નથી.”
દૂદાજી શબ્દે શબ્દમાંથી કાતિલ ઝેર ટપકતું હતું. જો સ્વાર્થ ન હોત તો ખાન તુર્તજ દૂદાજીની ગરદન ઉડાવી દેત પરંતુ...
“ભલે” ખાન કબૂલ થયો.
દૂદાજીને લઈને ખાન બાદશાહ અકબરને મળવા આગ્રા ગયા. બાદશાહ તો પંજાબમાં હતા.
જરાયે દમ લીધા વગર ખાન દૂદાજીને લઈને પંજાબમાં અકબરશાહની તહેનાતમાં પહોંચી ગયા.
પંજાબનો મામલો સંગીન હતો. બાદશાહ આથી ત્યાં જ રોકાયા હતા. પરંતુ ખાનને જોતાં જ મેવાડ અને મેવાડ યાદ આવતા મહારાણા યાદ આવ્યા.
“અરે ખાન? તું અહીં આવી ગયો? શું મેવાડી કીકો રાણો કેદ થઈ ગયો? મને સમાચાર પણ ન મોકલ્યા?”
શાહબાઝખાન ઠંડોગાંર થઈ ગયો. ખાને સમગ્ર હકીકત સંભળાવી.
“બાદશાહ સલામત, હવે મેવાડી રાણો પકડાઈ જવાની અણી પર છે. આ બુંદીના રાવ દૂદાજી છે એ આપણને આ બાબતમાં મોટી મદદ કરવા તૈયાર થયા છે.”
શાહબાઝખાનથી અકબરશાહ નારાજ હતા. એણે શહેનશાહના બે પ્રિય સેનાપતિઓ કુંવર માનસિંહ અને રાજા ભગવાનદાસનું પોતાની હેસિયતથી ઉપર થઈ અપમાન કર્યું હતુ. અને હવે દૂદાજીને લઈને તે જે રીત અજમાવવા માંગતો હતો એથી કદાચ સેનામાં બે વિભાગ બે પડી જાય. ગમે તેમ, જે રેતે દૂદાજી પંજાબ લાવવામાં આવ્યા એ તેઓને ગમ્યું નહિ. કદાચ બાદશાહ મેવાડ પ્રશ્ને વધુ આક્રમક બનવા માંગતા ન હતા. છતાં શાહબાઝખાનના માન ખાતર તેઓ બોલ્યા.
“અવશ્ય, દૂદાજીને બુંદી પાછું આપી શકાય.પણ એ પહેલા તેઓએ મારો વિશ્વાસ જીતવો રહ્યો. તેઓ મોગલ સામ્રાજ્યને ક્યાં સુધી વફાદાર છે એ મારે ચકાસવું પડે. હાલ દૂદાજી ભલે શાહી સૈન્યમાં મહેમાન તરીકે રહે. પછી હું વિચારીશ.
૧૬ જુન, ૧૫૭૮ ના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો. ખાન ખુશ થયો અને દૂદાજી નાખુશ. ખાન એટલા માટે ખુશ થયો કે, પ્રાતાપને ઝબ્બે કરવાનું ષડયંત્ર રચવામાં એ સફળ થયો છે.
પણ દૂદાજી સમજી ગયા કે, અકબરશાહ મહાશઠ છે પોતે ખાન જોડે આવવામાં છેતરાઇ ગયો છે. બુંદી તો મળતા મળશે, કદાચ ન પણ મળે, હાલ તો પોતે બાદશાહના હાથે વેચાઈ ગયો છે.
શાહી મહેમાન તરીકે રહેતા દૂદાજી ત્રણ મહિનામાં કંટાળી ગયા. એક પાણીદાર ઘોડો મેળવીને એક રાતે તેઓ ભાગ્યા. અરવલ્લીની ગિરિમાળામાં આવીને શ્વાસ લીધો. હવે કોઇની તાકાત ન હતી કે, દૂદાજીને પકડી શકે.