પાટણની પ્રભુતા - ભાગ 26 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાટણની પ્રભુતા - ભાગ 26

૨૬ નિશ્ચય

ધીમે ધીમે લીલાનો હાથ ઝાલી ત્રિભુવન પાછો વળ્યો, અને સિંહાસનવાળા ખંડમાં આવ્યો. ત્યાં આવતાં તેની નજર અંદરના એક બારણા તરફ વળી; ત્યાં એક ચિંતાતુર પણ રમણીય અને પરિચિત મુખારવિંદ તેણે જોયું, અને ચમક્યો; તેણે હોઠ દાબ્યા, મુઠ્ઠી વાળી, અને સખ્ત સીનો ધારણ કર્યો. પ્રસન્ન ઉમળકાથી ઊભરાતી બારણા બહાર આવવા જતી હતી, આતુર નયનો ત્રિભુવન પાસે સ્નેહસ્મિતની આશા રાખતાં હતાં, પણ સામે સખ્ત પથ્થરના જેવી પ્રતિમા જોઈ તે ખેંચાઈ, અને ત્યાંની ત્યાં જ ઊભી. ત્રિભુવન સિંહાસનના સોનેરી બાજઠ આગળ આવ્યો અને નીચે ગાદીતકિયા પર બેઠો; તેનાથી લાંબો વખત ઊભા રહેવાયું નહિ. નાગરિકોનો સમૂહ પહેલાં તો એકદમ અંદર ધસી આવ્યો પણ થોડે આવી ઊભો રહ્યો. રાજગઢમાં પ્રતિષ્ઠા વિનાના માણસો પેસવા ભાગ્યશાળી થતા ન હતા, એટલે આજે તેઓ ખેંચાઈ માન સહિત ઊભા.બધો ઘોંઘાટ શાંત થઈ ગયો. રાજગઢ ઘણાને મન દેવમંદિર સમાન હતું; અને વિનયહીન વર્તણૂકથી તેની શાંતિનો નાશ કરવા કોઈની હિંમત ચાલી નહિ. ડુંગર નાયક જેવા લોકો પણ અદબભેર આઘા ઊભા રહેવાય તેવી મહેનત કરવા લાગ્યા. માત્ર સામંતો, શેઠો અને એવા બીજા પ્રતિષ્ઠિત ગૃહસ્થો આગળ આવ્યા, અને સિંહાસનવાળા ખંડમાં પેઠા. ડુંગર નાયક વગેરે શું થાય છે, તે જોવા બારણા આગળ ઊભા રહ્યા. ઉદાએ ત્રિભુવનને મૂકી, સારા સારા માણસોને અંદર લઈ આવવાનું કામ માથે લીધું હતું. થોડા વખતમાં બધાને ખાતરી થવા માંડી હતી કે ઉદો મારવાડી પાટણનું નાક રાખે એવો છે ખરો. બધા આવ્યા, એટલે ઉદો ધીમે રહી જ્યાં ત્રિભુવનપાળ બેઠો હતો ત્યાં આવ્યો અને મોટા મોટા શેઠિયાઓ કરતાં એ આગળ બેઠો છે,' એ અવિનય કોઈના ધ્યાનમાં આવે, તે પહેલાં તે ત્યાં બેસી ત્રિભુવનને દુપટ્ટા વતી પવન નાંખવા લાગ્યો. લીલાએ બધાને બેસવા સૂચવ્યું એટલે બધા બેઠા.

આટલો વખત શાંતિચંદ્રને આંખે અંધારાં આવતાં હતાં. ત્રિભુવનપાળથી થોડો દૂર, હાથમાં હાથ નાંખી, દંડનાયક શોકાગ્રચિત્તે ઊભો હતો. રાણીને પોતે શો જવાબ દેશે, એ ચિંતા સિવાય તેના મનમાં બીજી ચિંતા નહોતી.

'ત્રિભુવનપાળજી !' ખેંગારે બધા શાંત થયા એટલે કહેવા માંડયું. હવે આપ અમારા શિરોમણિ છો. આજ વખત એવો આવ્યો છે, કે કાંઈ પણ કરવું જોઈએ.

'ખેંગારકાકા ! આપ વડીલ છો. આવે પ્રસંગે આપણી લાજ રાખવી તમારું કામ છે. શાંતિચંદ્ર શેઠ ! તમે શું કહો છો ?'

શાંન્તુશેઠ જાણે ઊંઘમાંથી ઊઠ્યા હોય એમ, ઊંચું જોઈ રહ્યા, અને કાંઈ મહેનતે શબ્દો ઉચ્ચારવા શક્તિમાન થયા.

'મહારાજ ! કૃપા કરી મારું જરા સાંભળો. શા માટે આકળા થાવ છો ? આટલે વર્ષે મારા ધોળા પર ધૂળ શા માટે ઘાલો છો ? જેવા આપ પાટણના હિતૈષી છો, તેવો હું પણ છું. હું પણ સોલંકીઓનું તેજ તપ્યા કરે એવા પ્રયત્નો જીવનભર કરતો રહ્યો છું; જરા મારું માનો.

'શું ? શું ? શું ?” બેચાર અગ્રેસરોએ કહ્યું.

ડોસાની વૃદ્ધાવસ્થાનું ગૌરવ દીપી રહ્યું હતું.

‘શાંન્તુશેઠ ! આપ બેસો. પછી નિરાંતે જે કાંઈ કહેવું હોય તે કહો.' ત્રિભુવને કહ્યું.

‘ભાઈ !' ધીમે ધીમે બેસતાં ઘરડા મંત્રીએ કહ્યું; ‘તમે બધા શું કામ ઉતાવળા થાઓ છો ? રાજ્યમાં શાંતિ રહે માટે જ દેવી પાટણ છોડી ગયાં છે. એક તરફ ગુસ્સે થયેલો મુંજાલ મધુપુરમાં પડ્યો છે; બીજી તરફ રોષે ચડેલા મંડલેશ્વરનું લશ્કર મેરળમાં પડ્યું છે; એ બેનું સમાધાન કરી આવતી કાલે સાંજે દેવી અહીં પાછાં ફરવાનાં છે. તમે ફોકટના વહેમાવ છો. ત્યાં સુધી વાટ તો જુઓ; પછી જે કરવું હોય તે કરજો. પણ એટલામાં નકામા, ધાંધલ કરી આપણા રાજ્યતંત્રને શા માટે બગાડી મૂકો છો ? તમે બધા શાણા છો, જરા વિચાર તો કરો. એક દિવસમાં શું ખાટુંમોળું થવાનું છે ?'

બધાએ સાંભળ્યું; કેટલાક પીગળ્યા. દંડનાયકનું કહેવું વાસ્તવિક લાગ્યું. 'પણ કાંઈ ફસાઈ જઈએ તો ?' ઉદાએ પૂછ્યું. તેને થયું કે આ તોફાન શમી જશે તો તેની બધી મહેનત ફોગટ જશે.

‘હા. બરોબર છે.' એક-બે જણાએ અનુમોદન આપ્યું. આપણે બધા દરવાજા બંધ રાખીએ તો પછી ફસાવાનું શું થાય ?' લીલા કહ્યું.

'હા, કહો તેના શપથ લેવા તૈયાર છું. કોઈ દુશ્મનને નહિ આવવા દઉં, પછી કાંઈ છે ? મેં જપ્તો તો બધા દરવાજા પર રખાવ્યો છે.' આજીજી કરતાં દંડનાય કહ્યું.

'હા, એ વાત કાંઈ ખોટી નથી.' વસ્તુપાલ શેઠે કહ્યું.

ખેંગાર, ત્રિભુવન, બધાને લાગ્યું કે ગભરાવાનું કારણ કાંઈ નથી, પણ ઉદો ઊંચોનીચો થતો હતો; તેણે ધીમેથી પૂછ્યું : 'પણ ચંદ્રાવતીનું લશ્કર ક્યાં સુધી આવ્યું છે, તેની ખાતરી કરી ? વખત છે ને પાદરે પડ્યું હોય તો ?

‘તદ્દન ખોટી વાત. મારા પર ભરોસો નથી ? મધુપુરથી જરા પણ આગળ નથી આવ્યું, અને ત્યાં જ તે રહેશે.' શાંતુશેઠે ખાતરી આપી.

'ત્યારે કાંઈ હરકત નથી.' કહી બે-ચાર જણે ઊઠવાની તૈયારી કરી. તેમનો જુસ્સો ન૨મ પડી ગયો હતો અને બધું બરોબર હોય તો હથિયાર ઝાલવાની કોઈને હોંશ નહોતી. શાંતુ મહેતાને ધીરજ આવવા લાગી, કારણ કે વાએ વાદળ ઊતરી જાય એમ દેખાતું હતું.

એટલામાં બહાર ઊભેલી ઠઠ એકદમ બૂમ મારી ઊઠી : બહાર ઘોંઘાટ વધ્યો, અને ‘જય સોમનાથ' ની બૂમો પડવા લાગી. ખેંગાર, ત્રિભુવન વગેરેનો મિજાજ ગયો. સામાન્ય લોકો મર્યાદા ઓળંગી તોફાન કરે, તે કોઈને ગમ્યું નહિ.

‘કલ્યાણનાયક !' સખ્તાઈથી ત્રિભુવને પૂછ્યું, 'આ ધાંધલ શું છે ?'

કલ્યાણનાયક તેનો જવાબ આપે, તે પહેલાં ડુંગરસિંહ ધસતો બારણામાં પેઠો અને આગળ આવ્યો. તેના હાથમાં એક પત્ર જેવું કાંઈ હતું.

'શું છે ? શું છે ?' બે-ત્રણ જણાએ પૂછ્યું.

'મહારાજ ! અન્નદાતા !' નીચા નમી ડુંગરે નમસ્કાર કર્યા અને બોલ્યો :

'વિખરાટથી કાસદ આવ્યો છે. મીનળબાને આ પત્ર આપવાનો છે.'

ત્રિભુવને બારણામાં ઊભેલા કાસદ સામે જોયું. તે બહુ ઝડપથી આવેલો લાગતો હતો અને ઉતાવળ અને આતુરતાથી હાંફતો હતો.

'જોઈએ ! લાવ જોઉં,’ ત્રિભુવને કહ્યું. લ્યો; મારા અન્નદાતા !' કહી ડુંગર નાયકે પત્ર આપ્યો.

ત્રિભુવને તે ઉંઘાડ્યો અને વાંચ્યો. ત્રિભુવને કાગળમાં લખેલા શબ્દો વાંચ્યા. અને તેને કપાળે ભયંકર કરચલીઓ પડી. જુસ્સામાં અને જુસ્સામાં તે ઊભો થઈ ગયો. તેણે દંડનાયક સામે ગુસ્સામાં જોયું. 'શાંતુશેઠ! તમે કોને પટાવો છો? ચંદ્રાવતીનું લશ્કર તો આ પાદરે આવ્યું.' ત્રિભુવનનો અવાજ ગાજી રહ્યો.

બધા એકદમ ઊભા થઈ ગયા અને પૂછવા લાગ્યા : 'શું ?' શું ?' શું ?'

'આપણને શાંતુશેઠ રમાડે છે. જુઓ વિખરાટનો દેવો મુખી સંદેશો મોકલે છે તે' ત્રિભુવને વાંચવા માંડ્યું : ‘ચંદ્રાવતીના સૈનિકોએ વિખરાટમાં પડાવ નાંખવો શરૂ કર્યો છે.

જતિએ કેટલીક ટુકડી વિખરાટને રસ્તે વળાવી હતી, કારણ કે રાણીનો વિચાર પાછા આવી ત્યાં પડાવ નાંખવાનો હતો. પણ વિખરાટના મુખીને કશી પણ વાતની ખબર ન હતી; તેથી પહેલી જ ટુકડી જ્યાં ગામમાં પેઠી કે ગભરાઈને, તેણે મુખીએ રાણીને આ એક સંદેશો મોકલ્યો હતો. પત્રના શબ્દો સાંભળી કડકડતી વીજળી પડી હોય, તેમ બધા સ્તબ્ધ થઈ ઊભા રહ્યા. શાંતિચંદ્રે આકાશ સામે જોયું અને ઈશ્વરી મદદની માંગણી કરી. તેણે જોયું કે હવે કોઈ હાથમાં રહેવાનું નથી. એણે એક પ્રયત્ન કર્યો : 'શું છે ? આપણે કાસદને બોલાવી પૂછીએ.'

‘શું છે શું ?’ ઉદાએ આગળ આવી મોટે સાદે કહ્યું : 'ડોસા ! તમારી મતિ ગઈ છે કે શું ? અમને વાતોમાં ને વાતોમાં ફોસલાવી વખત કાઢો છો ? અમને દગો દો છો ? મહારાજ ! મહારાજ ! જે કરો તે જલદી કરો.’

જીવતુંજાગતું લશ્કર થોડે દૂર આવતું સાંભળી કેટલાકના હાંજા ગગડી ગયા. તિલકચંદ બોલવામાં ઘણો શૂરો હતો, પણ ખરેખરી લડાઈ વખતે તેનું હૈયું જરા ગભરાતું.

તેણે કહ્યું : ‘અરે ઉદા ! જરા શાંતિ તો રાખ.'

'શાંતિ ? શાંતિ ? એ કોણ બોલે છે ? મને એનું નામ કહે.' સામળ બારોટ અત્યાર સુધી પગે દુપટ્ટો બાંધી બેસી રહ્યા હતા અને અવારનવાર ઝોકું ખાતા હતા. જ્યારે બધા ઊભા થયા ત્યારે એ પણ ધીમે ધીમે ઊભા થયા. શાંતિનું નામ દેતાં એની જનેતા લાજતી નથી ? અહીંયાં કોઈ રાણીજાયો નથી કે કહેનારની જીભ ખેંચી કાઢે? ’

'બારોટજી ! જરા ધીમા પડો, મને કહેવા દો,' શાંતિચંદ્ર શેઠે પોતાનો બચાવ કરતાં કહ્યું. દંડનાયક બિચારા આ ઉશ્કેરાયેલી સભામાં એકલા હતા, અને શું કરવું તેનું કાંઈ સૂઝતું નહોતું. વિખરાટના કાસદે દાટ વાળી નાંખ્યો હતો; પણ તેને હજી આશા હતી, કે ધીમે ધીમે તે લોકોને સમજાવીને બે દિવસ સુધી શાંત રાખશે. મોરારપાળ પર તેને પૂર્ણ વિશ્વાસ હતો. અને કાલે સાંજે તે રાણીને શહે૨માં લઈ આવે, એટલે પોતાની જોખમદારી પતે, એમ તેનું માનવું હતું. શેઠ બારોટની જીભ જાણતા હતા, અને તેથી તેને શાંત પાડવા તેમણે પ્રયાસ કર્યો, પણ સામળ બારોટ એમ માને એમ નહોતું.

'ધીમો પડું ? ધીમો પડું? બહુ વાર ધીમો પડી રહ્યો, અને તમારા જેવાનું ચાલવા દીધું, શાંતુ મહેતા ! જે બાપે ચાર દીકરા સાથે સોમનાથ આગળ કેસિરયાં કર્યાં, તે બાપનો દીકરો તું, આજે પાટણને પાદર કરવા નીકળ્યો છે ? અને આ બધા શું જોઈ રહ્યા છે ? ક્યારની શી માથાકૂટ કરો છો ? વનરાજદેવના પાટણમાં આવા કાયરો ?'

આંધળા બારોટનો સંસ્કારી, ઘડપણથી તૂટેલો છતાં બુલંદ સાદનો ધ્વનિ થઈ રહ્યો. સામળ બારોટની ખ્યાતિ આખું પાટણ જાણતું; તેનાં ગુણકીર્તન સ્ત્રીઓની ગરબીઓમાં પણ ગવાતાં; છતાં ઘણા થોડાએ એને નજરે જોયો હતો. એટલે બધા ચકિત થઈ જોઈ રહ્યા. પહેલાં બારોટે ડોકું ધુણાવી, અડધું કવિત અને અડધું ગદ્દ બોલવા માંડ્યું. મોઢામાંથી થૂંક ઊડતું, પણ બેત્રણ વાક્યો પછી તો મરતો યોદ્ધો અતુલ પરાક્રમ દાખવે,' તેમ તે વૃદ્ધનો અવાજ પ્રભાવશાળી થતો ગયો. તેમાંથી થથડાટ જતો રહ્યો, વાંકું વળેલું શરીર ટટાર થયું. નિસ્તેજ થયેલી આંખોમાં વિચિત્ર તેજ આવ્યું. જે શબ્દોથી પ્રતાપી ભીમદેવનું જીવન પ્રેર્યું હતું, તે શબ્દો ફરી ગાજ્યા, સચોટ થયા, અને વીરતાનો દાવાનળ ચેતાવવા મંડ્યો.

બારોટજી !' ત્રિભુવને ડોસાને શાંત પાડવાના વિચારે કહ્યું, પણ સામળનો જુસ્સો હવે ઊકળ્યો, તે શાંત પડે તેમ હતું જ નહિ.

'બાપુ, બાપુ ! મારા સોલંકી !' ડોસાએ કહેવા માંડ્યું : 'આ શું દિવસ આવ્યો છે ? ક્યાં છે મારા પ્રભાવશાળી પટ્ટણીઓ ? બાપુ ! આ દિવસ દેખી મારો જીવ બળી જાય છે. મેં તો પાટણમાં શૌર્યની સીમાઓ જોઈ છે; મેં ટેક ખાતર પિતાઓને રણયજ્ઞમાં વીસવીસ પુત્રોની આહુતિ આપતા જોયા છે; ગુજરાતના ગૌરવ કાજે કાચી કેળ જેવાં બાળકોને કેસરિયાં કરતાં જોયાં છે; પ્રેમઘેલા પ્રણયીઓને યુદ્ધમાં મોકલવા સતીઓને જીવતા ધણીએ અગ્નિમાં પ્રવેશતી જોઈ છે. હું ભીમ અને વિમલની પડખે ઘૂમ્યો છું; દોઢ દોઢ મહિનો આ કોટ પાછળ રહી અફઘાનો હંફાવ્યા. અત્યારે તો એક જ શબ્દ ઉચ્ચારવો જોઈએ, એક જ મંત્રનો જાપ જપવો જોઈએ, તે મંત્રના જ ઉચ્ચારણે વિભુ ભીડભંજન આરાધવો જોઈએ.'

બારોટના શબ્દોનો પ્રવાહ પળમાં ધીમે ધીમે વહેતો, પળમાં ત્વરાથી સરતો પળમાં ઘનગર્જના જેવો ગંભીર લાગતો. સાંભળનારા બધા એકચિત્તે ઊભા તેમનામાં શ્વાસ લેવાનું પણ સ્વાસ્થ્ય નહોતું. તેમનાં હૃદયો આ પ્રવાહના તરંગો પર ઊછળતાં આગળ વધ્યાં, બારોટની મરજી પ્રમાણે રડ્યાં, ગુસ્સે થયા, નિરાશ થયા, અને આખરે બીજું બધું ભૂલી કયા શબ્દથી ભીડ ભાંગે, તે જાણવા તલસી રહ્યા. સંસ્કારી વક્તાની છટાથી બારોટ થોડી વાર અટક્યા; બધાની ઉત્કંઠા પળવાર આતુરતાના શિખરે જઈ અટકી. બારોટે બુલંદ અવાજે તે જવાબ આપ્યો : 'જય સોમનાથ !'

એક પળ ગંભીર, સ્મશાન સમી શાંતિ રહી; બીજ જ પળે ત્યાં ઊભેલા બધાઓએ ને બહાર ઊભેલી ઠઠે, તે શબ્દ ઊંચકી લીધો. 'જય સોમનાથ'ની ભયંકર ઘોષણા ગાજી રહી; ઉત્સાહના આવેશમાં ત્રિભુવને તથા ખેંગારે પોતાની તરવારો ખેંચી કહાડી; એક ક્ષણમાં અગ્નિમાં આહુતિ આપતાં અનેક ભડકા ઊઠે તેમ, અનેક તરવારો બહાર નીકળી.

'પાટણના વીરો !' ત્રિભુવને આગળ આવી કહ્યું : ‘બારોટજીએ આજે બીજી વખત પાટણને પડતું બચાવ્યું છે. હવે રસ્તો એક જ છે. આપણે દરવાજા બંધ કરી લઢવાને માટે તૈયાર થવું જોઈએ.

'ખેંગારસિંહજી ! આપ અનુભવી અને જૂના છો, માટે હવે એ કામ આપ જ પાર ઉતારો.’

'પણ શાન્તુ શેઠનું શું ? તેમ કેમ બોલતા નથી ?' વસ્તુપાલે મૂંગા ઊભેલા દંડનાયક તરફ ફરીને કહ્યું. ‘શાંતિચંદ્ર અત્યારે દયાને પાત્ર દેખાતા હતા; બધા તેના તરફ તિરસ્કારથી જોતા હતા.

‘શાન્ત શેઠને શું હોય ?” ઉદાએ વચ્ચે માથું મારી કહ્યું : “એ હવે ઊંચા બેસે ને પ્રભુનું ભજન કરે.'

વસ્તુપાલને કોષાધ્યક્ષ થવાની આંકાક્ષા મોટી હતી, પણ પોતાની જાતે કેવી રીતે તે કહી શકે ? તેણે ઉદા તરફ આજીજીભરી નજર કરી અને એક નજરમાં જેટલું સૂચવાય એટલું સૂચવ્યું અને બોલ્યાઃ 'પણ ઉદા ! કોષ કોણ સાચવશે ? હાલ એ ઘણી જરૂરની વસ્તુ છે.'

ઉદો એમ હાથમાં આવેલી બાજી જવા દે એમ ન હતો. તે ત્રિભુવન તરફ ર્યો : ‘મહારાજ ! મારું માનો તો આવે વખતે કોઈ કોષાધ્યક્ષ નીમવો કામનો નથી. ઘડી પછી શું થાય અને શું નહિ ! એના કરતાં કોર્ષ મારો તાળાંને ઉપર મૂકો પહેરા, કે કાંઈ પંચાત જ નહિ.'

'પણ પૈસા વગર –' ખેંગાર બોલવા જતો હતો.

'પૈસા પૈસા શું કરો છો ?' ઉંદાએ કહ્યું : 'જાઓ, જ્યાં સુધી આ તોફાન ચાલે ત્યાં સુધી મારી પાસેથી પૈસા આપીશ, પછી કાંઈ છે ?'

બધા શેઠો જોઈ રહ્યા; આ મારવાડીની શું અક્કલ ગઈ હતી ? બધા કરતા ઉદાની ઉદારતા વધારે હતી, તે તેઓ જાણતા હતા.

પણ વધારે કાંઈ થાય, તે પહેલાં સામળ બારોટ ભૂસ દઈને ભોંય પર પડી ગયા. બોલી રહ્યા પછી, તે ડોકું છાતી પર નાખી ઊભા ઊભા હાલ્યા કરતા હતા. તેનો જુસ્સો પૂરો થતાં તેની અશક્તિ અને ઘડપણ પાછાં દોડી આવ્યાં હતાં અને જીવનનો દીપ ઝંખવાતો ચાલ્યો હતો. કોઈ તેના તરફ ધ્યાન આપતું નહોતું. તે ભોંય પર પડ્યા, એટલે બધા તેના તરફ ફર્યા.

લીલા વૈદે ભોંય પર બેસી તેની નાડ હાથમાં લીધી, અને તે બોલ્યો : 'શિવ ! શિવ ! શિવ !'

આખી સભા શોકમાં ગરક થઈ ગઈ. જે બારોટે જૂની વીરતા સજીવન કરી. ખરા જીવનની જ્યોતિ પ્રગટાવી હતી, તે સ્વર્ગે સંચર્યો હતો. યવનને હંફાવનાર, પટ્ટણીઓના ગુણ ગાનાર, તેમના નાહિંમત પુત્રોને પૂર્વજોનો સંદેશો સોંપી ચાલ્યો ગયો. સામળે બે વખત પાટણ બચાવ્યું હતું; ભીમની પડખે લડતાં પોતાના બાહુબળથી; તેના પ્રપૌત્રની પાસે રહી પોતાના શબ્દબળથી.