પાટણની પ્રભુતા - ભાગ 9 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાટણની પ્રભુતા - ભાગ 9

૯. મામો અને ભાણેજ-

મામાને મળવા જતાં ત્રિભુવન ગભરાયો. તેણે આખી જિંદગીભર તેને દુશ્મન ગણ્યો હતો. કોઈ દિવસ એક અક્ષર પણ તેની સાથે બોલ્યો નહોતો અને તેની ખ્યાતિ મોટા મોટા મુત્સદ્દીને પણ ધ્રુજાવે એવી હતી. છતાં છોકરાનો નિશ્ચય દંઢ હતો. પોતાની મા પર ગુજારેલા જુલમની વાતથી તેનું હ્રદય ઘવાયું હતું. જુલમગારોને યોગ્ય શિક્ષા કરવા તેનો હાથ તલસી રહ્યો; પણ તેના બાપ કરતાં તેનામાં દુનિયાનું જ્ઞાન વધારે હતું. જાણી જોઈને પોતે બધી વાતથી અજાણ જ છે, એમ તેણે મંડલેશ્વ૨ને દેખાડ્યું હતું; પણ સામળ બારોટ તેમ જ બીજા માણસો પાસેથી તેણે ઘણી વાતો સાંભળી હતી, અને તેના પર પોતાના અભિપ્રાય બાંધ્યા હતા. અત્યારે પણ તેણે

---------------

# ધનપાળ

।---------------।

મુંજાલ હંસા + દેવપ્રસાદ।

ત્રિભુવન

ઊકળતા હૃદયને શાંત કર્યું. તેને ખાતરી હતી, કે મુંજાલ જેવા મુત્સદ્દી પાસે મિજાજ ખોવો તે તિરસ્કારપાત્ર થવા જેવું હતું,

જ્યારે તે મુંજાલના ગુમાસ્તા બેસતા હતા ત્યાં આવ્યો, ત્યારે બધા ખળભળી ઊઠચા. ત્રિભુવનનું બાળપણ, મોઢા ૫૨ની ભવ્ય રેખાઓ, આંખોનું તેજ જોતાં બધા વિચારમાં પડ્યા. અને કોણ છે તે પૂછવા બેઠા. સાધારણ રીતે મુંજાલ કોઈને મળતો નહિ; પણ ત્રિભુવનને ના કહેવાની કોઈએ હિંમત કરી નહિ.

'આપનું નામ ?”. ‘ત્રિભુવનપાળ સોલંકી.

માણસે ઊંચું જોયું, ચમક્યો, તેને ઓળખ્યો: ' ઊભા રહો, મહારાજ ! હું જોઈ આવું. વખત છે મંત્રી કામમાં હોય.'

'હા, કહેજો કે જ્યારે ફુરસદ મળે ત્યારે; ત્યાં સુધી હું અહીંયાં છું.'

ગુમાસ્તો ગયો અને તરત પાછો આવ્યો : પધારો.'

ત્રિભુવન છાતીના ધબકારાને શાંત રાખવા મથતો હતો. તે અંદર ગયો. અંદર ગાદી પર રૂપાળો, તીક્ષ્ણ નજરનો એક માણસ બેઠો હતો. ત્રિભુવને મોઢાનું રૂપ અને ભવ્યતા ભાળ્યાં. તરત તેને ઓળખ્યો; જરા ધ્રૂજતે અવાજે પૂછ્યું : 'મામા ! ઓળખો છો ?"

મંત્રીના શાંત મોં પર છાયા બદલાઈ; પળ બે પળ ગભરાટની, ઊછળતા સ્નેહની છાયા પડી રહી. તેણે હાથ લંબાવ્યો; તેના હાથમાં અણદીઠો કંપ હતો.

'કોણ ? હંસાનો ત્રિભુવન ?' જરાક અશાંત લાગતા સ્વરથી મંત્રીએ પૂછ્યું.

ત્રિભુવન મામાને નમસ્કાર કરી ગાદીની નીચે બેઠો.

ઉપર બેસ, ભાઈ ! જોઉં, આમ જો તો. જોઉં તારું મોઢું. ઊંચો આવ ઊંચો.’ ત્રિભુવનને આશ્વર્ય લાગ્યું, કે આ સ્નેહભીનો, ભાવવાળો પુરુષ, તે તેનો ક્રૂર ગણાતો મામો? થોડી વાર સુધી કોઈ બોલ્યું નહિ.

'તને ઘણે વખતે મેં જોયો.'

પહેલી જ વખત, નહિ ?'

ત્રિભુવનના શબ્દોએ મંત્રીની બુદ્ધિ સતેજ કરી. તેણે સ્વાસ્થ્ય મેળવ્યું, ત્રિભુવને જાણ્યું, કે આવું કટાક્ષભર્યું વાક્ય બોલી તેણે ભૂલ કરી હતી.

'કેમ, બા? કેમ આવ્યો છે ?' મંત્રીનો ઉમળકાભર્યો અવાજ શાંત અને ભાવહીન થવા લાગ્યો.

'એક ભીખ માંગવા આવ્યો છું.' કેમ વાત શરૂ કરવી તે નહિ સૂઝવાથી ત્રિભુવને ઝંપલાવ્યું.

‘ભીખ ? મારી બહેનનો છોકરો મારા જીવતાં ભીખ માગે?' જરાક હસતાં મંત્રીએ કહ્યું.

'હા, મામા ! ભીખ કહો, કે જે કહો તે, પણ મને એક વસ્તુ આપો,' કરગરી પડતાં ત્રિભુવન બોલ્યો.

'શી વસ્તુ ?'

'મારી જનેતા.'

બીજો કોઈ માણસ ચમકત; પણ મુંજાલના મોઢા પર એક ક્ષણ વાર આશ્ચર્યની વીજળી ચમકી અને અદીઠ થઈ.

‘એ શું કહે છે ?'

‘હું સાચું કહું છું. સત્તર વર્ષ સુધી મારું જીવન મને રસ વગરનું લાગતું હતું. આજે મેં જાણ્યું, કે તે શાથી નીરસ છે. મારાથી મારી મા વિના રહેવાતું નથી; તે મને આપો.'

'બેટા! તું ગાંડો છે ? તારી મા તો ક્યારની સ્વધામ –'

'મામા ! તમે છેતરશો ? મારી મા જીવે છે.'

'કોણે કહ્યું ' નિશ્ચળ નજરથી ત્રિભુવન તરફ જોતાં મુંજાલે પૂછ્યું. તેના અવાજમાં બનાવટી શાંત મીઠાશ હતી; છતાં આંખો કહી આપતી, કે મંત્રીનું મગજ ઝપાટાબંધ કામ કરી રહ્યું છે.

'કોણે કહ્યું ? હું કહું છું. જોનારે તેને સદેહે જોઈ છે, અને કહેનારે ચોખ્ખચોખ્ખું કહ્યું છે.’

'કોણે જોઈ ? કોણે કહ્યું?'

'મામા !' ગળગળો થઈ ત્રિભુવન બોલ્યો : મારી સાથે આમ વર્તશો ? જન્મ લઈ મેં માનો ખોળો જોયો નથી; જન્મ લઈ, હેતે ઊભરાતે નયને માડીના મોંઘા બોલો ઉપાડ્યા નથી. તમે પાષાણ નથી, માણસ છો. તમને રડતા, કકળતા, કોડઘેલા બાળની દયા નથી આવતી ? તમારા હૈયામાં હોંશભરી બહેન માટે જરા પણ જગ્યા નથી ? શા માટે તે ગઈ તે મારે જાણવું નથી; કોણે તેને રિબાવી, તે મારે સાંભળવું નથી; પણ અત્યારે તે મને જુએ તો કેટલા આશિષ તમને દે ? માબાપ તમારે શરણે તેને છોડી ગયાં. આજે તે બિચારી રંક બહેનની એટલી ઇચ્છા નહિ પૂરો ? છ મહિનાના કોડીલા કુંવર પાસેથી તેને લોકો લઈ ગયા; તેણે ફરી તેને જોયો નથી. આજે છોકરો મોટો થયો; માની આંખો ઠારે એવો થયો. બહેનની તથા ભાણેજની એટલી વિનંતી નહિ સાંભળો ? મામા ! બેને નહિ મેળવો?' ત્રિભુવનનું મોં દયામણું હતું, તેની આંખોમાંથી આંસુ વહેલાં હતાં; સામે મંત્રી સ્થિર થઈ બેઠો હતો. મુઠ્ઠી વાળેલા હાથના નખ માંસમાં જોરથી પેસી જતા હતા. સિવાય તેના પર લાગણીનાં કાંઈ ચિહ્નો નહોતો.

‘છોકરા ! છોકરા ! શા માટે આર્કદ કરે છે ? તે બધું મિથ્યા છે. હું કાઈ પરમેશ્વર છું કે અસંભવિત વાત કરી શકું " ભાવહીન અવાજે તેણે કહ્યું

'ના, પણ તમે મુંજાલ છો. ગુજરાતમાં દશે દિશામાં પ્રસરતી ખ્યાતિના ધણી છો, તમારી શક્તિ અથાગ છે. તમે ધારો તે કરો એમ છો'

'ભાઈ ! ભૂલે છે. તને હજુ કેટલીક વાત સમજતા ઘણી વાર છે. વિજયી વીરની સત્તાશીલ કારકિર્દી પાછળ શી શી પીડાઓ પડી છે, હસતા મોઢાની સુંદર રેખાઓ કેટલાં કેટલાં આંસુઓ ઢાંકે છે, એ બધું સમજતાં તને હજુ વાર છે. મારાથી જો મારી બહેન સજીવન થઈ શકતી હોય તો હું આમ બેસી રહું ? મારી બહેન મારે મન પણ પ્રાણ સમાન હતી. તેણે મને છેહ દીધો, મેં કદી તેને દીધો નહોતો.'

'ત્યારે શું તમે એમ કહો છો, કે તે મરી ગઈ છે ? અથવા એવા હાથમાં છે, કે જ્યાં તમારી સત્તા ચાલતી નથી ? તમે આમ આંસુ ઢાળશો તો મારું શું ?'

'કાંઈ નહિ એ ક્યાંથી મળે ' હરિઈચ્છા,' મુંજાલની આંખમાં પણ દુઃખની છાયા આવી.'

'એમ નહિ. શુ એ મરી ગઈ છે, ખરેખાત?'

'ત્યારે બીજું શું ? બહેનનું તો થવાનું હતું તે થયું, પણ ભાણો મારું માનશે ?” મીઠાશથી મુંજાલે પૂછ્યું.

ત્રિભુવન વિચારમાં પડ્યો હતો. 'આની સાથે શી વાત કરવી ? બાપની કે કર્ણદેવની ભૂલ તો નહિ હોય?'

'ત્રિભુવન ! મારી પાસે રહેશે ?' એકદમ નિશ્ચય પર આવતો હોય તેમ મુંજાલ બોલ્યો.

'કેમ ?' ચમકીને ત્રિભુવન બોલ્યો.

'જો, મને છોકરા નથી. સંસારમાં બીજો કોઈ મારો આરો નથી. ચાલતે દિવસે મને ઘડપણ આવશે. મારી જોડે રહેશે ? મારા ખાલી હ્રદયની આશાઓ પૂરશે ?'

'મામા ! તે એક જ રીતે થાય, મારા બાપુ જોડે સલાહ કરો.'

મુંજાલના હોઠો પિસાયા, એની આંખો વધારે ધારદાર થઈ. તે બોલ્યો 'તને સલાહ કરવા મોકલ્યો છે?'

'મંડલેશ્વર સમાધાન યાચતા નથી’ મગરૂરીમાં માથું ઊંચકી ત્રિભુવને કહ્યું : 'ભાઈ ! આટલું મારું કહ્યું માને તો તારી માનું સુખ તું ભૂલી જાય, એવું સુખ આપું.' મીઠાશથી મુંજાલે કહ્યું.

મામો અને ભાણેજ • ૪૩

'તે કેમ બને ? તે સુખ ખાતર મારા બાપુને એકલા છોડું? 'મંડલેશ્વર પોતાનું સંભાળી લેશે, અહીંયાં તારા જેવાને માટે આબરૂ છે, પૈસા છે, કીર્તિ છે.’

'પછી શું ?'

'પછી કર્ણદેવ જરો કે તારા બાપની સ્થિતિ છે તેના કરતાં બગડશે. ત્યાં તારા જેવાને નહિ પાલવે.'

'મામા ! તે બગાડવી કે સુધારવી સહેલ નથી. દેહસ્યલીના ગઢ ઊંચા છે, અને ત્યાંના વીરોએ ચૂડીઓ નથી પહેરી.'

'ત્યાં એક ચીજ નથી.'

'શી ?'

‘મુંજાલ મંત્રીની બુદ્ધિ.’

'મામા ! બુદ્ધિ પરમેશ્વરે એકને નથી આપી.'

'છોકરા ! ટાહ્યલા માટે મને વખત નથી. મારું હૃદય તારે માટે તલસે છે. મારી પૂંઠ તું નહિ પૂરશે ત્યારે કોણ પૂરશે?'

કીર્તિની અને પૈસાની લાલચ આપી મને લોભાવો છો ? અને તમારું કહેવું ખરું હોય, તો મુંજાલ મંત્રીની બુદ્ધિથી પાટણનો જુલમ મારા બાપ ઉપર થતો હોય, તો આવી વખતે હું તમારી પાસે આવીને બેસું ? મને કેવો ધારો છો ? મા વિનાના જે બાળને માના વહાલથી તેણે ઉછેરી મોટો કર્યો, અને તમારા જેવા જુલમ કરી રહ્યા, તેને માટે રાજ્ય અને કીર્તિ સાચવી રાખ્યાં ! છોકરો શું એવો કમજાત, કૃતઘ્ન થશે, કે તે સિંહ જેવા બાપની સોબત છોડી અત્યારે તમારી સુંવાળી ગોદમાં આવી લપાઈ બેસશે ? મામા ! તમારું મંત્રીપણું આ ઠેકાણે નહિ કામ લાગે.'

મુંજાલે મૂંગે મોઢે સાંભળ્યા કર્યું. તેનો ચહેરો સખ્ત થયો. 'જેવી તારી મરજી. મેં મારું બનતું કહ્યું.'

'હંસાદેવીના ઘાતક પાસે તેના છોકરાને શી આશા હોય ?' તિરસ્કારથી ત્રિભુવન બોલ્યો અને ઊભો થઈ ગયો.

'છોકરા · સખ્ત શબ્દો વાપરતાં તમે બહુ સારા આવડે છે.' જરા ફિક્કું હસતાં મુંજાલે કહ્યું.

‘શબ્દો સખ્ત છે, તેમ સાચા પણ છે. મામા ! તમે સુખી નથી. તમારું પણ હૃદય કોણ જાણે શાથી રડે છે, તે તમે જાણો ને તમારું હૃદય જાણે હું જાઉં છું, પણ અત્યારે મારી યાચના તિરસ્કારી છે, તે પરિણામે પસ્તાશો,' કહી ત્રિભુવન નમસ્કાર કરી ચાલ્યો ગયો.

મુંજાલ ક્યાં સુધી બારણા તરફ જોઈ રહ્યો અને નિઃશ્વાસ મૂક્યો. લોકો તેને મજબૂત માથાનો ફરેલો ધારતા; તેને હૃદય છે કે હશે, તે પણ કેટલાંક માનતાં નહિ; છતાં મુંજાલે ખેસ વતી આંખો લૂછી અને ત્યાંથી ઊઠ્યો. ત્રિભુવન ઝપાટાભેર રાજગઢનો દાદરો ઊતર્યો અને ઘેર જવા પાલખીમાં પગ મૂકતો હતો, એવામાં એક દાસી આવી અને તેને રોક્યો.

‘ત્રિભુવનપાલ ! બાણે વીંધ્યાં તો ખરાં, વીંધણ ક્યારે મટાડશો ?' દાસીએ એક બાણ સામે ધર્યું. ત્રિભુવને બાણ જોયું; પોતાનું છે એમ પારખ્યું. પ્રસન્ન પાસે ધનુષ્ય અને બાણ રહી ગયાં હતાં તે યાદ આવ્યું. તેની અણી પર લોહીનું બિંદુ પડ્યું હતું. તેને પ્રસન્ન યાદ આવી; તેની પાસે જઈ, દુઃખી હૃદયની ઊર્મિઓ કાઢવાનું મન થયું. ફરી વિચાર આવ્યો કે, તે કોણ અને કેવી હશે ?' તેણે મન દૃઢ કર્યું.

'દાસી ! જઈને કહેજો, કે વીંધાયેલાને ઉપચાર આજ ઠેર ઠેર જડે છે.’ કહી તેણે બાણના બે કકડા કરી નાખ્યા અને દાસી જોડે પાછા મોકલાવ્યા.

ફરીથી તે પાલખી પર ચઢવા ગયો. એટલામાં એક કારમું રુદન ગઢમાંથી શરૂ થયું. બધે ખળભળાટ થઈ રહ્યો. ત્રિભુવન કચવાતો પાછો ફર્યો. રાજા કર્ણદેવ સોલંકીનો પ્રાણ પરલોક ગયો હતો.