(સોલંકી કર્ણદેવ અને જયદેવના સમયના ગુજરાતની ઐતિહાસિક નવલકથા)
કનૈયાલાલ માણેકલાલ મુનશી
1. ભૂત !
સંવત 1150ના ગ્રીષ્મની સંધ્યા અંધકારમાં લય પામતી હતી. સાતમઆઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો. પાટણ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો. આસપાસના ઝાડોની ઘટા સમસમાટ કરતી. દૂર બોલતાં કોલાંઓની ભયંકર ચિસો કોઈ કોઈ વખત ભયાનક રીતે આ શાંતિનો નાશ કરતી હતી. આવા નિર્જન રસ્તા પર લૂંટારો અને બહારવટિયાના ત્રાસની દરકાર કર્યા વિના બે ઘોડે સવાર ઝપાટાબંધ પાટણ તરફ જતા હતા.
સહુથી આગળ દોડતા ઘોડા પર બેઠેલો સવાર પ્રચંડ અને તેજસ્વી લાગતો. તેની મોટી, તેજસ્વી આંખો અંધારામાં ન દેખાતા પાટણના કોટ તરફ ફરી રહી હતી.,અને આટલી ઝડપ પણ પૂરતી ન હોય તેમ અવારનવાર પોતાના પાણીપંથા ઘોડાને એડ મારી ઉતાવળથી દોડવાનું સૂચવતો હતો. તેનો પહેરવેશ તે વખતના સામાન્ય રાજપૂત યોદ્ધા જેવો હતો. તેની નાની કાળી ભમર જેવી દાઢીની અણીઓ કાનને વીંટી દેવામાં આવી હતી.
પાછલો ઘોડે સવાર સત્તરેક વર્ષની ઉંમરનો સ્વરૂપવાન અને ચંચળા લાગતો. તેની સુંદર આંખો આટલી ઝડપ છતાં આસપાસની ખૂબીઓ જોવાનું ચૂકતી નહિ. તેણે પણ મોટા સવારના જેવો જ પહેરવેશ પહેર્યો હતો.
વાતાવરણમાં રમણીય અસ્પષ્ટતા હતી, મોહક શાંતિ હતી, દુઃખીઓના હૃદયમાં પણ સુખ પ્રેરવાની શક્તિ હતી, છતાં આગળ ચાલનારા ઘોડે સવારનું ચિત્ત અશાંત હતું. તેનીભ્રૂકુટિ ચડેલી હતી.
થોડેક ચાલી આગલા ઘોડે સવારે જરા ઘોડો રોકી જીન પર પાછા ફરી, પાછા આવતા સવારને કહ્યું: 'ત્રિભુવન! આ પગથીને રસ્તે ટૂંકું પડશે, નહીં?'
ત્રિભુવન જરા મીઠું હસ્યો, 'મને યાદ નથી, પણ આ તો કોઈનું ખેતર લાગે છે.'
' તેમાં શું? પાસે શ્રાવકોનો અપાસરો છે ત્યાં આગળથી જવાય છે,' કહી આગલો ઘોડે સવાર તે રસ્તે ચાલ્યો.
પગથી ઘણી સાંકડી હતી. ઉપર મળેલી ઝાડની ઘટામાંથી કોઈ કોઈ ઠેકાણે જ ચંદ્રનાં બિંબો પડતાં હતાં. પણ ઘોડો હોશિયાર અને વિશ્વાસુ હતો. ઘોડે સવાર તેના પર શ્રદ્ધા રાખી આગળ વધ્યો. થોડીવાર એ સાંકડી પગથી પહોળી થઈ, અને વૃક્ષોની હારથી બનેલો એક કુદરતી ચોક આવ્યો. કૌમુદી ત્યાં પથરાઈ હતી; બધી ચીજો રૂપેરી રંગે રંગાઈ ગયેલી દેખાતી. ઘોડેસવારે વિચારના વમળમાં આડુંઅવળું જોયા વગર ઘોડાને દોડતો જ રાખ્યો.
એટલામાં આગલા સવારનો ઘોડો લથડ્યો. અને ઝડપના જુસ્સામાં આગળ વધતાં પડ્યો. બેસનાર પણ સાથે નીચે પડ્યો. પડતાં પડતાં તેની નજર સામે પડેલા એક પથ્થર પર પડી. પડવાની પીડા વીસરી તે જ તરફ તે જોઈ રહ્યો.
રૂપેરી ચંદ્રિકા સાથે સમી સાંજના આછા પ્રકાશના મિશ્રણથી થયેલી અદભુત સ્વપ્નસમાન સંધ્યાના અજવાળામાં તેણે પથ્થર પર એક સ્ત્રી જોઈ.
તેનાં વસ્ત્રો સફેદ અને સાદાં લાગ્યાં. મુખારવિંદ સુંદર પણ સુકું લાગ્યું, આંખો મોટી પણ મ્લાન જણાઈ. પડતાં પડતાં એક પળમાં સવારે તે જોયું. રેખાએ રેખા હૃદયમાં ઉતારી, તેને ઓળખી, હૃદયના ગંભીર ઉંડાણમાંથી એક મહા ઊર્મિ આવી; પોતે ક્યાં છે, શું કરે છે, તે તે ભૂલી ગયો.
સવાર એકદમ ઊઠ્યો અને ધૂળ ખંખેરવાની પણ તસ્દી લીધા વિના પથ્થર તરફ દોડ્યો. "કોણ? હં !" પથ્થર પર કોઈ હતું જ નહીં! સવારના ડોળા ફાટી ગયા, તેનું અંગ ધ્રૂજવા લાગ્યું. તેણે ચારે તરફ જોયું, પણ કોઈ નહોતું. સ્વપ્નુ ધારી તેણે આંખો ચોળી. ગાંડાની માફક બેબાકળા થઈ, તેણે આમતેમ જોવા માંડ્યું.
'શું ભ્રમણતા? ઓ ભગવાન ! જાણે છાતી ફાટી જતી હોય તેવા દયામણાપણાથી રાજપૂત બબડ્યો. માથામાં થતી વેદના રોકવા તેણે લમણા પર હાથ દાબ્યા. કપાળ પર આવેલો પરસેવો તેણે લૂછ્યો, નિસાસો નાખ્યો, અપરિચિત બીકથી જરા કમકમાં આવ્યાં.
એટલામાં પાછળથી છોકરો આવી લાગ્યો: 'બાપુ ! શું જુઓ છો? ઘોડા પરથી પડ્યા કે શું?'
બાપે મહા મહેનતે ચિત્ત ઠેકાણે આણી કહ્યું: 'ના બેટા ના ! જરા ઘોડો લથડ્યો.'
'શું હતું? પણ તમે પડ્યા એ તો નવાઈ,' કહી છોકરો હસ્યો, અને પાસે ઘોડો લાવી બાપુની સામે જોયું, અને તેનો ભયંકર બની રહેલો ચહેરો જોઈ મૂંગો રહ્યો. બાપનો કેટલોક સ્વભાવ તે જાણતો હતો અને આવી પળે તે મૂંગા રહેવાનું જ પસંદ કરતો. મૂંગે મોઢે અને પીસેલે હોઠે બાપ પોતાના ઘોડા પાસે આવ્યો, અને ધીમેથી તેને પલાણ્યો. બેદરકારીથી ઘોડાની લગામ તેને ડોક પર નાખી દીધી, અને છાતી પર માથું નમાવી ઊંડા વિચારમાં તે ગરકાવ થઈ ગયો. એક પળમાં જાણે તેને ઘરડાપો આવ્યો હોય એમ લાગ્યું.
પાછળથી ચંચળ છોકરાએ બાપની વ્યથા જોઈ અને તેમાં વચ્ચે બોલી તેને વધારે દુઃખી કરવા કરતા મૂંગે મોઢે તે પણ ઘોડો ધીરે ધીરે ચલાવવા લાગ્યો. આગલા ઘોડાએ પણ મનસ્વીપણે ચાલવા માંડ્યું.
પા ઘડી આમ ચાલ્યું. એટલામાં આગલા સવારની વિચારમાળા ફરી તૂટી. કોઈએ બૂમ મારી: ' ઓ ! આ સામે ઝાંપો તો દીધેલો છે. આમ ઘોડો લઈ જાય છે, તે કાંટામાં પડશે.'
સવારે ફરી ચિત ઠેકાણે આણ્યુ, 'કેમ? આ રસ્તો બંધ છે?'
'હા! બાપુ, આમ ફરીને જશો તો રસ્તો મળશે.'
'આ ક્યાં આવ્યા?'
એટલામાં છોકરો પાછળથી આવી લાગ્યો.
' આ ઓળખતા નથી વિમળમંત્રીનું સ્થાનક.'
'હં. '
છોકરાએ પૂછ્યું: 'પાટણનો દરવાજો કેટલો દૂર છે?'
'આ બે ખેતરવા. આ રસ્તેથી જાઓ.' કહી ગામડિયાએ રસ્તો દેખાડ્યો. બાપ અને દીકરો સાથે સાથે ચાલ્યા.
' ઘણું મોડું થઈ જશે. પાટણના દરવાજા બંધ થઈ જશે તો ભોગ મળશે.'
પહેલા જતિએ રસ્તે ઘણી વાર લગાડી તો,' છોકરાએ કહ્યું, 'એ કોઈ મને તો પહોંચેલો જણાયો.'
' ભાઈ આજકાલ ચંદ્રાવતીના જૈનોનું અભિમાન તો માતુ નથી. તેમને પાટણ પણ જૈનોનું જ કરવું છે. શું કરું કે મારું ચાલતું નથી.
'બાપુ, આટલે મોટેથી બોલો છો, તે કોઈ સાંભળશે.'
'અરે હા, ભૂલ્યો. લે આ કોટ જણાયો. પણ ત્રિભુવન ! એ જતિ તો આપણા પહેલાં નીકળ્યો. એટલે હવે પહોંચી ગયો હશે.'
' હા, આપણે જરા થાક ખાવા સૂતા, એટલે તે ચાલ્યો ગયો.'
પાટણનો દરવાજો આવ્યો. તેના બારણાં બંધ થવાની તૈયારીમાં હતાં. બાપદીકરાએ મૂંગે મોંએ દરવાજો વટાવ્યો.
થોડી વારે આગલા ઘોડે સવારે ઘોડો ઉભો રાખી કહ્યું: 'બેટા, હું રાજગઢમાં જાઉં છું. તો આપણે ત્યાં જા.'
છોકરાએ ભાવથી થોડીવાર બાપ સામે જોયા કર્યું. 'બાપુ, આમ એકલા જશો ને કાંઈ થશે તો?'
'ગાંડા! મને શું થવાનું છે? કોની મગદૂર-'
'કવખત છે. આપ જે પગલું લો છો તે ઘણું ભારે.'
'ભારે શાનું? આવું તો કાંઈ કાંઈ કરી નાખ્યું.'
'પણ મામા ભારે જબરા છે.'
જા, જા. નિરાંતે જઈને સૂ. એ વાતો બહુ મંત્રીઓ જોઈ નાખ્યા.'
'ઠીક. કાલે સવારે ખબર કહાવજો.'
'જરાય ફિકર નહીં કરતો.' કહી બાપે ઘોડો એક તરફ ચલાવ્યો.
છોકરો, બાપ અદૃષ્ટ થયા ત્યાં સુધી ઉભો રહ્યો. અને તેજ દિશા તરફ પોતાના ઘોડો ચલાવ્યો.
-------