પાટણની પ્રભુતા - ભાગ 27 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાટણની પ્રભુતા - ભાગ 27

૨૭. ત્રિભુવન અને પ્રસન્ન

પ્રસન્નને રાજ્યતંત્ર ઉપરાંત ઘણી વસ્તુઓ ધ્યાનમાં લેવાની હતી. તેનું હૃદય બેચેન હતું. આટલા બધાઓમાં, બારોટનાં વાગ્બાણ ભૂલી, તે ત્રિભુવન તરફ બારણામાંથી જોયા કરતી હતી. જેવા બારોટજી પડ્યા કે તેવી તે પાસે ઊભેલી સ્ત્રીઓમાંથી માત્રા પાસે ગઈ.

'માત્રાબહેન ! તારા બાપને બોલાવ તો.'

'કેમ ! ચૂંક થાય છે, કે કોઈની ચૂંક મટાડવી છે ?'

‘ફાટી કે ? ઊભી રહે, પણ ગણપતિદાદા ક્યાં ગયા ?' જોની જોની, પેલા બારોટજીને ઊંચકી ગયા. તેની સાથે છે.’

'પણ કામ શું છે ?'

'કપાળ તારું ! જાની બાપ ! મારું તો માથું દુખ્યું.' પ્રસન્ને કહ્યું. ‘ઠીક, હું જ જાઉં. આપ મૂઆ વગર સ્વર્ગે જવાય ?' કહી પ્રસન્ન ત્યાંથી ઝપાટાબંધ પાછલા ઓરડામાં ગઈ, લીલા વૈદને આઘો બોલાવ્યો.

'વૈદરાજ ! મરેલાં તો મૂઆં, પણ જીવતાંનો કાંઈ વિચાર છે ?'

'કેમ, શું થયું છે ?'

'મને તો વાઘેયે નથી ખાધી, પણ કાલે તો ત્રિભુવન -'

'અરે હા ! હા –' ડોસાએ જોરથી કહ્યું : 'મને પણ ઘડપણ લાગ્યું કે શું, પણ એ તો સોલંકી બહાદુર હવે લડવા તૈયાર થશે. ઠીક, હું એને લઈ આવું. પ્રસન્નબહેન ! તમે એની પથારીની ગોઠવણ કરાવો.'

'હા, તમે લઈ આવો તો ખરા.' કહી પ્રસન્ન ત્યાંથી જ્યાં ત્રિભુવનને પહેલાં સુવાડ્યો હતો, ત્યાં ગઈ અને તજવીજ કરવામાં રોકાઈ.

'કેમ ? ચોરી પકડાઈ ગઈ કે ?' માત્રાએ આવી પ્રસન્નને કહ્યું.

'શાની?'

'ઊભાં રહો. જોઉં તમારું મોઢું. વળી એમાં આટલું શરમાવું શાનું? પ્રસન્નબહેનને કોઈ દહાડો પથારી કરતાં જોયાં છે કે?'

'છાની રહે, નહિ તો માર ખાશે, ચાલ ચાલ, જો તારા બાપનો ઘાંટો સંભળાય છે. આમથી ચાલ, આમથી.' કહી પ્રસન્ન અને માત્રા બીજે બારણેથી બહાર ગયાં, પણ પ્રસન્ન વધારે આઘી ગઈ નહિ, માત્રા ચેતી ગઈ, અને ત્યાંથી મોં મચકાવી ચાલી ગઈ.

'ચાલો, હવે બેપાંચ ઘડી બોલ્યાચાલ્યા વગર સૂઈ રહો. હવે તમારો બહુ ખપ નહિ પડે.' પ્રસન્નને વૈદ બોલતા સંભળાયા.

'પણ-પણ ?' થાકેલા ત્રિભુવનનો અવાજ આવ્યો. પણ ને બણ. તમે સૂઈ જાઓ. કાલે વખત છે ને યુદ્ધપ્રસંગ આવશે ત્યારે શું કરશો ? તેના કરતાં આજે જરા થાક ખાશો તો કાલે તૈયાર થઈ જશો.'

'ઠીક, ભાઈ ! ઠીક. તમે રાજી રહો. સૂઈશ તો ખરો પણ ઊંઘ નહિ આવે તો ?”

'ભોળાનાથનું નામ લેયાં કરજો. આ દવા પીઓ. ઊભા રહો, પેલો પાટો ઠીક કરવા દો. આનાથી રૂઝ શું વહેલી આવે છે ? ઠીક, હવે હું જાઉં છું; પણ મારા વિના ખસશો નહિ.'

'વારુ, બીજું કાંઈ ?'

ત્રિભુવન સૂતો હોય એમ લાગ્યું. લીલાનાં ભારે પગલાં ઓરડામાં જતાં હોય એમ જણાયું; પ્રસન્ન એકબે પળ ઊભી રહી અને પછી તેણે ઓરડામાં ડોકિયું કર્યું. નિશ્ચિંત થઈ ત્રિભુવન ખાટલામાં પડ્યો હતો, પણ તેને ઊંઘ આવતી નહોતી. તેનું ચિત્ત બે દિવસના અનુભવે ચકડોળે ચઢ્યું હતું. તેણે એક ઊંડો નિસાસો નાખ્યો. નિરાધાર થઈ આમ પડી રહેવું તે તેને ગમતું નહોતું.

પ્રસન્ન આવી અને માથા આગળ ઊભી રહી. તેનો ઓળો પડતાં ત્રિભુવન ચમક્યો; જોયું, અને પ્રસન્નને જોઈ તેના મોઢા પર ઉમળકો આવ્યો; પણ તરત સખ્તાઈ છવાઈ રહી. તેનું આર્દ્ર, એકલવાયું હ્રદય પ્રિયસખીને મળવા તલસતું, પણ કેવે પ્રસંગે તેઓ છૂટાં પડ્યાં હતાં, તે યાદ આવતાં તેનો ભાવ બદલાઈ ગયો. પ્રસન્નનું પણ હૃદય દબાઈ ગયું અને નાહિંમતવાન થઈ રહ્યું.

‘ત્રિભુવન, કેમ છે-છો ?' જરા અચકાતાં તેણે પૂછ્યું,

ત્રિભુવનના મગજમાં એક વિચાર આવ્યો. પ્રસન્નને ક્યાં જોઈ હતી, તે સાંભરતું ન હતું. સ્વપ્નમાં બેભાન અવસ્થામાં ગઈ કાલે લડતાં લડતાં – ક્યાં ? તેની સાથે એક બીજી સ્ત્રી જોઈ હતી; તેનું લાલિત્ય ક્યાંથી યાદ રહ્યું ? તે કોણ હતી ? તેને યાદ લાવતાં હૈયું કેમ દ્રવી ઊઠ્યું ?' સવારની મહેનતથી થાકેલા સોલંકીનું મગજ ગૂંચવાડામાં પડ્યું. તેણે કાંઈ પણ જવાબ દીધા વગર બે હાથ માથે મૂક્યા. પ્રસન્નને ક્યાં અને કોની સાથે જોઈ હતી ?' વિચિત્ર રીતે તેણે છોકરી સામે જોયા કર્યું.

‘કેમ, માથું દુખે છે ? દાબું ?' મીઠાશથી પ્રસન્ને કહ્યું. જેમ જેમ ત્રિભુવન મૂંગો રહેતો તેમ તેમ પ્રસન્નનો જીવ કપાઈ જતો હતો. શા સારુ ત્રિભુવન આવો ભાવહીન અને અળગો રહે છે ? પહેલાંની માફક કેમ નથી બોલતો ? ત્રિભુવન અડધા તિરસ્કારથી તેની સામે જોઈ રહ્યો.

‘માથું ?” તેણે ધીમેથી કહ્યું : 'મારું માથું ઠેકાણે નથી. પ્રસન્ન ! મને સમજ નથી પડતી, કે મેં તને ક્યાં જોઈ હતી ? મને ભ્રાંતિ કેમ થાય છે ?'

'શાની ભ્રાંતિ?'

'તને મેં ક્યાં જોઈ હતી ? તારી સાથે કોણ હતું ?' આતુરતાથી ત્રિભુવને પૂછ્યું.

'મારી સાથે ? મીનળબા. હ --' કહી પ્રસન્ન અટકી.

'કેમ, શું કહેવા જતી હતી ?'

‘કાંઈ નહિ. ત્રિભુવન ! તું મારા પર ગુસ્સે ભરાયો છે? શા માટે આમ ડોળા કાઢે છે ?' દયામણે અવાજે પ્રસન્ને કહ્યું. જવાબમાં ત્રિભુવનની સખ્ત આંખો તેની સામે જોઈ રહી : ‘ત્રિભુવન ! તું અવંતિનો ખોટો વહેમ ખાય છે. મને ફોઈબા લઈ ગયાં હતાં, પણ હું તારે માટે નાસી આવી. અહીંયાં આવવા આખી રાત દોડાદોડી કરી મૂકી. હજુ તને વિશ્વાસ નથી આવતો ? કેટલીયે વાર રિસાયાં, મનાયાં, ને અત્યારે આમ જુદાં ? તારું કાળજું કેમ કહ્યું કરે છે ?"

તેના આ બધા શબ્દો નકામા નીવડ્યા.

'પ્રસન્ન ! મારા સવાલનો જવાબ શો ?'

‘શો સવાલ ?'પોતાનો કાંઈ હિસાબ ન ગણાયાથી માનભંગ પામેલી પ્રસન્ને પૂછ્યું.

‘તારી સાથે કોણ હતું ?' ભાવહીનતાથી અને સખ્તાઈથી ત્રિભુવને પૂછ્યું.

'મારી સાથે ? સાચું કહું ? તું-તમે આકળા નહિ પડો ?' જરાક થોભી પ્રસન્ને ઉમેર્યુ, મારી સાથે તમારાં હંસાબા હતાં.'

'હેં? ક્યાંથી આવી ?' ડોળા ફાડી ત્રિભુવન ઊભો થઈ ગયો.

‘તું અકળા નહિ. તારી તબિયત ખરાબ છે, પછી હું બધું કહીશ. હમણાં શાંત થઈ સૂઈ જા. વૈદ હમણાં શું કહેતા હતા ?' કહી આજીજી કરતી પ્રસન્ન પાસે આવી.

ઉમળકાઓ ૫૨ સખ્તાઈનું દબાણ મૂકી ત્રિભુવને તેને દૂર ધકેલી.

'ના, ના. પ્રસન્ન, તું કહે તે કરું. અત્યારે ધીરજ ધરવાની મારામાં હિંમત નથી. તારે જે જોઈએ તે લે, પણ મને બધું કહે.'

પ્રસન્નનું હ્રદય ગાંડું થઈ ગયું. શરમે તેને અસ્વસ્થ બનાવી; બાળપણના ઉમળકાને લીધે દુનિયાનું ડહાપણ ભૂલી ગઈ. ત્રિભુવન ! મારું એક કહ્યું માન, પછી તું કહે તે કરું.'

'શું ? બોલ બોલ, મારો જીવ રૂંધાય છે.'

'મને તારી સાથે રહેવા દે.' કહી પ્રસન્ન પ્રેમોર્મિઓના ભારથી દબાઈ ઘૂંટણિયે પડી, ત્રિભુવનના પગ પર હાથ મૂક્યા અને ચાતકીની આતુરતાથી ત્રિભુવનના શબ્દબિંદુની આશા રાખી રહી.

ત્રિભુવનનું હૃદય અત્યારે બીજું તાન મારતું હતું. તે ઉતાવળથી બોલ્યો : 'પ્રસન્ન ! તું કહે તે કબૂલ, પણ મને કહે,' અને તેણે પ્રસન્નને ઊંચકવા હાથ લંબાવ્યા, જલદી કહે – હંસાબા ક્યાંથી આવ્યાં, ક્યાં છે, હમણાં કેમ જણાતાં નથી ?'

પ્રસન્ને તેના હાથ લઈ છાતીએ દાબ્યા અને ઊભી થઈ. ત્રિભુવન વહાલા ! આપણે કાંઈ જાણતાં ન હતાં, પણ હંસાબા ગઢમાં જ હતાં. સૈનિકો તમારા પર કાલે તરાપ મારતા હતા ત્યારે તમને તેણે જોયા અને તમને બચાવવા ફોઈબાને પ્રાર્થના કરી. ફોઈબા તે વખતે હંસાબાને તમારા બાપુ પાસે મોકલવા મથતાં હતાં, અને હંસાબા માનતાં ન હતાં. ફોઈબાએ વચન લીધું કે જો હંસાબા તમારા બાપુ પાસે જાય તો એ તમને બચાવે. તેણે કબૂલ કર્યું, અને તમે બચ્યા.'

'ખરું કહે છે ?' વિકરાળતાથી પ્રસન્ન સામે જોતાં ત્રિભુવને પૂછ્યું. ‘તું આ બધું ક્યાંથી જાણે ?"

મેં પાછળથી ફોઈબાને અને આનંદસૂરિને વાત કરતાં સાંભળ્યાં હતાં તેથી, અને હંસાબાએ પણ મને કહ્યું હતું.'

'બા, બા ! મારી બા આમ આવી ને ગઈ ?' ત્રિભુવને આક્રંદ કરતાં કહ્યું : પણ એને આટલે વર્ષે બાપુ પાસે મીનળકાકી કેમ મોકલે ? હા –' બોલી જાણે કોઈ નવું અજવાળું પડ્યું હોય, તેમ ત્રિભુવને માથે ફરી હાથ દીધા.

'શું છે ?'

મારા બાપુ ને મુંજાલમામા આજે સવારે મળવાના હતા. મીનળકાકીને તેની ખબર હતી ?' હશે જ. કારણ કે તેને ઠેકાણે રાખવા તો તે અહીંયાંથી ગયાં.

બરાબર, બાને મોકલી બાપુને અને મામાને જુદા રાખવા હશે. હવે સમજ્યો, કાકા ! કાકી ! તમારી બુદ્ધિને ધન્ય છે !' કહી મુઠ્ઠી વાળી ઊભો થઈ, ત્રિભુવન આમથી તેમ ફરવા લાગ્યો. પ્રસન્ન મૂંગી ઊભી રહી. તેણે જોયું કે ત્રિભુવનનું મગજ ઝપાટાભેર વિચારી કરી રહ્યું હતું.

ત્યારે તો વિખરાટ લશ્કર આવ્યું, એટલે મુંજાલને તો તાબે કર્યો હશે,’પ્રસન્ને ડરતાં ડરતાં રૌદ્રસ્વરૂપ ધારણ કરતા ત્રિભુવનને કહ્યું,

'પ્રસન્ન !' જાણે ભયંકર નિશ્વય પર આવ્યો હોય તેમ એકાએક તે પ્રસન્ન તરફ ર્યો; તું મારી સાથે પરણવા માગે છે ?'

'કેટલી વાર પૂછશો ?' નીચું જોઈ પ્રસન્ન કહ્યું. ત્રિભુવન કઠોરતાથી, દબાયેલા જુસ્સાથી પૂછવા લાગ્યો : 'શી આશા રાખી છે?'

'આશા ! તમારા પહેલાં સ્વધામ જવાની, શા કારણથી આ પ્રશ્નો પુછાય છે, તે ન સમજતાં તેણે કહ્યું.

મંડલેશ્વર અને મીનળદેવી વચ્ચે સલાહ કરાવવા મને પરણે છે ?'

‘ત્રિભુવન ! ત્રિભુવન ! આ શું ? જ્યાં તમે ત્યાં હું. તમારે સલાહ તો મારે સલાહ. મારે શું ?'

'વારુ, મારા વ્રતે વ્રત લઈશ ? તારી ફોઈના દિવસ ભરાઈ ચૂક્યા છે. મારા જીવતાં પાટણમાં મીનળદેવીને પગ મૂકવા દઉં તો સોમનાથ ભગવાનની આણ. આ મારી પ્રતિજ્ઞા છે. તૈયાર છે મારી સહચરી થવા ?'

વિચાર કરી પ્રસન્ને ઊંચું જોયું : 'તમારી પ્રતિજ્ઞા તે મારી, હવે થયું ? પણ તમારું શરીર –'

'ઠીક પ્રસન્ન ! હવે મને નિરાંત થઈ. હું જાઉં છું; મારા હાથ તલસે છે. હું જોઉં છું કે મીનળદેવી પણ ભૂમંડલને કેટલી વાર ભારે મારે છે ?' કહી શરીરની બધી નિર્બળતા જાણે ચાલી ગઈ હોય તેમ સિંહનાં ડગલાં ભરતો વીરકુમાર ત્યાંથી ચાલ્યો ગયો.

નિરાશ, ખિન્ન હૃદયે પ્રસન્ન ઊભી રહી; તેણે ત્રિભુવનની જોડે સમાધાન કર્યું : પત્ની થવાનો કોલ આપ્યો, પ્રેમને ખાતર માબાપ વગરની છોકરીને ઉછેરનાર ફોઈને જડમૂળથી ઉખેડી નાંખવા સોગંદ લીધા; છતાં હૃદય રડતું રહ્યું. થોડી વારે તે બેસી ગઈ અને હાથ પર માથું મૂકી ધ્રુસકાં પર ધ્રુસકાં ખાવા લાગી.