પાટણની પ્રભુતા - ભાગ 4 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાટણની પ્રભુતા - ભાગ 4

૪. માલવરાજની ખરીદી

બાપનો ઘોડો અદૃશ્ય થયો, એટલે ત્રિભુવને પણ તેની આજ્ઞા વિસારે પાડી, તે જ રસ્તે જવા માંડયું, તેનું મન પ્રફુલ્લિત હતું, કારણ કે બાપની પીડાઓથી તે અજાણ હતો. તેને મન પાટણ એ મૂર્તિમંત સુખના સ્વપ્ન જેવું હતું, પણ કમનસીબે અહીંયાં ઝાઝી વાર તેનાથી રહેવાનું નહિ, તે ધીમે ધીમે રાજગઢ તરફ ગયો. અને તેની બીજી જ બાજુએ વળ્યો. આખરે એક ખૂણે, એકાંત ગોખની નીચે ઘોડો ઊભો રાખ્યો. તેના પરથી ઊતર્યો. ભોંય પરથી કાંકરો લીધો અને ગોખમાં થઈ અંદર દીધેલી બારી પર માર્યો. થોડી વારે બીજો કાંકરો માર્યો, પછી બે-ચાર સામટા લઈ માર્યા. તેના જવાબમાં ધીમે રહી બારીનું બારણું ઊઘડ્યું અને એક સુકુમાર બાલિકાનું હસતું મુખડું બહાર આવ્યું. તેણે આસપાસ જોયું, બારણું વધારે ઉઘાડયું. ગોખમાં આવી, અને નીચે જોયું.

'કોણ છે ?'

‘અરે કોણવાળી ? ક્યાં સુધી ઊભો રાખવો છે ?'

'કોણ છે ? જાય છે કે નહિ ?' હસતાં હસતાં બાલાએ કહ્યું,

'જાય ક્યાં ? હું તો આવું છું. દોરડું બાંધ.'

'દોરડુ તો ત્રણ દહાડા પર તૂટી ગયું.'

'ના, ના, પ્રસન્ન ! જો, બાપુનું કામ હતું તેથી નહિ અવાયું.'

'ત્યારે હવે મારે કામ છે, પાછા જાઓ.' કહી બાલાએ ખીંટી પરથી દોરડું કહાડી ગોખને કઠેરે બાંધવા માંડ્યું.

'પાછા તે જવાય ! ક્ષત્રિય છું.’

'અત્યારે રાતે ચોર જેવા આવવું, તે પણ ક્ષત્રીવટ જ દેખાડે છે.'

'તારે માટે બધું કબૂલ. બસ, આટલું ચાલશે. વધારે નીચું શું કામ બાંધે છે ?' કહી ત્રિભુવન દોરડે વળગ્યો અને હાથ એક ઊંચો આવ્યો. ઉપરથી હસતાં હસતાં પ્રસન્ને ગાંઠ જરા છોડી. એટલે દોરડું સરી ગયું અને ત્રિભુવન દોરડા સાથે જમીન પર આવ્યો. ત્રિભુવન હસતો હસતો ઊઠ્યો.

'ઓ કાલિકામાતા ! કોઈ ચોકીદાર આવશે તો તારા ને મારા બેના બાર વાગશે.'

‘તો હું શું કરું ? ભોગ તારા. ચાલ દોરડું નાખ પાછું. હવે ઠીક બાંધીશ.' ત્રિભુવને દોરડું નાખ્યું, અને પ્રસન્ને ફરી બાંધ્યું. બે પળમાં ત્રિભુવન ગોખ પર પહોંચ્યો. કઠેરો પકડી ઉપર ચડ્યો અને પ્રસન્નને પકડી.

'મારા સમ ! જો મને પકડી તો. '

'કેમ ?'

'હું રિસાઈ છું. ત્રણ દહાડા વિતાવતાં તો મારા જીવ નીકળી ગયો,' મોં મચકાવી પ્રસન બોલી.

‘જોયો તારો જીવ.' કહી ત્રિભુવન પકડવા ગયો. વીજળીની માફક ઝબકીને પ્રસન્ન અંદર ગઈ. પાછળ ત્રિભુવન દોડ્યો, પણ તે અંદર જાય તે પહેલા પ્રસન્ન હીંચકે ચઢી ગઈ, ને ઊભી ઊભી હીંચકા ખાવા મંડી.

'અરે, રાખ મરવાની થઈ છે ?”

'લે, પકડ હવે, હિંમત હોય તો !' વધારે ને વધારે હીંચકા ચડાવતાં પ્રસન્ન બોલી. તેનું હસવું માતું નહોતું. આંખો હાસ્ય અને તોફાનભરી હતી. ત્રિભુવને ચીડવતી. હીંચકા ખાવાને શ્રમથી તેના મોઢા પર રતાશ આવી ગઈ હતી. ધીમે ધીમે તેનો ચોટલો પણ છૂટી ગયો અને તે વધારે વધારે હીંચકા ખાવા લાગી.

'પ્રસન્ન ! પડશે હોં !'

'તે તારો વાંક, આવ્યો કેમ નહિ ? બરા, હવે ઊતરવાની જ નહિ, થાય તે કર.'

હીંચકા પર હીંચકા આવ્યા જતા અને બેસી બેસીને તે વધારતી પ્રસન્ને મોહિનીની આકર્ષક ભયંકરતા ધારી. ત્રિભુવનનો જીવ ઊડી ગયો. હમણાં હીંચકો તૂટશે તો શું થશે, તેની ફિકરમાં તે મૂંગો ઊભો રહ્યો.

પળમાં પ્રસન્ને આંકડેથી હાથ છોડી દીધા. હરાતી હસતી, પરિણામનું ભાન રાખ્યા વગર તે કૂદી અને સામે ઊભેલા ત્રિભુવન પર પડી. અચાનક રીતે પ્રસન્ન તેના પર પડવાથી ત્રિભુવન ચકિત થઈ ગયો, અને અસ્વસ્થ થઈ ભોંય પર પડ્યો. બંનેને સખત વાગ્યું. છતાં હસતાં ભોંય પર પડ્યાં પડ્યાં બંનેએ એકમેકને બાથ ભીડી હતી.

'લુચ્ચી ! હરામખોર ! મસ્તી કરે છે ?' કહી ત્રિભુવને એક-બે તમાચા ચોડી કાઢ્યા, સામું પ્રસન્ને પણ ત્રિભુવનને થોડોઘણો માર માર્યો.

'ચાલ ઊઠ. પરોણાચાકરી પૂરી થઈ.'

'ભોગ મારા કે અહીંયાં આવ્યો. ચાલ બેસીએ, પેલો હીંચકો રહ્યો. મારું તો માથું બહેરું થઈ ગયું છે.'

'આ મારો હાથ જોયો ? છોલાઈને લોહી નીકળે છે.' 'હાશ ! નિરાંત થઈ. ચાલ હવે જાઉં.'

'જાય ક્યાં હવે ? ત્યારે આવ્યો શું કરવા ?'

'કેમ કહેતી હતી ને કૈ ચાલ્યો જા ? હવે મારો વારો' 'એમ નહિ. હવે તું અહીંયાં રહેવાનો છે ?'

'પ્રસન્ન !' ત્રિભુવને ગંભીર થઈ જવાબ દીધો : 'કાંઈ નક્કી નથી, તેમ કાંઈ સમજ પણ પડતી નથી. પણ હમણાં વાદળ ભારે ઘેરાયું લાગે છે.'

'તારા બાપથી પણ તોબા.’

'પ્રસન્ન ! પ્રસન્ન ! તું બાપુ વિશે શું જાણે છે ? દુનિયામાં એના જેવો યુદ્ધો નથી, નર નથી. અને તારી ફોઈએ એટલું એને દુઃખ દીધું છે કે બાપુ જ સહન કરે.'

‘ફોઈબાની વાત બોલશો જ નહિ, દુનિયામાં એ તો એક જ છે.' જરાક કર્કશ અવાજે પ્રસન્ન બોલી.

‘અને સૃષ્ટિમાં મંડલેશ્વર પણ એક જ છે.'

'એ તો ઠીક, પણ કોઈ જાણશે, કે દર મહિને આપણે આમ મળીએ છીએ તો ?'

'તો શું ! કાંઈ ચોરી કરીએ છીએ ?'

“ના, પણ ફોઈબા ધૂળ કાઢી નાખે.' એમાં ધૂળ શાની કાઢે ? પણ બારોટજી કેમ છે ?'

'બારોટજી દાડે દહાડે નબળા પડતા જાય છે. પણ તને સંભારે છે ઘણા.’

'ચાલ ત્યારે મળીએ. પછી મારે જવું છે.'

'આવ્યો કે તારે તો જવાની જ વાત. ચાલ તો ખરો.’ કહી પ્રસન્ન ત્રિભુવનને બારોટ પાસે લઈ ગઈ.

સામળ બારોટ ભીમદેવનો માનીતો બારોટ હતો. તે વીરની અશાંત કારકિર્દીનો તે અડગ સાથી હતો; અને આજે નેવું વર્ષે આંખો ગઈ હતી, બોલવાની શક્તિ ઓછી થઈ ગઈ હતી, યાદદાસ્ત ઘટી હતી, તોપણ પહેલાંનાં યશોગાન સંભારી સંભારી તે જીવતો હતો. રાજગઢમાં તે રહેતો હતો; અને બધા તેના તરફ માન અને ભાવથી જોતા હતા. પ્રસન્ન અને ત્રિભુવન તરફ તે ઘણા જ ભાવથી વર્તતો. પ્રસન્ન અને ત્રિભુવન તેની પાસે ગયાં ત્યારે તે પથારીમાં બેઠો હતો અને બાજુમાં એક નોકર એનો હુક્કો ભરતો હતો. તે આવ્યાં એટલે નોકર હુક્કો મૂકી ચાલ્યો ગયો.

'બારોટજી ! જય જય !'

છાતી પરથી ડોકું ઊંચું કરી બારોટે નિસ્તેજ બની રહેલી આંખો ફેરવી. ‘કોણ ભાઈ ?"

‘કેમ ઓળખતા નથી ?'

‘કોણ ત્રિભુવનપાળ ? આવો. આજે સામળ બારોટને યાદ કીધો ? ઘણા દહાડા થયા.'

'તમારા વિના કાંઈ ચાલે ? કેમ છે તબિયત ? દહાડે દહાડે બહુ ગળાતા જાઓ છો !'

‘બાપુ ! સાથીઓ ગયા, સુભટો ગયા, અને કર્ણદેવ પણ જવા બેઠા. પછી હું તો પુરાણો છું, એટલે મારે પણ જવું જોઈએ.'

'પછી અમને બોધ કોણ દેશે?'

'હવે બોધ કોને જોઈએ છે ? પાટણ તો પરવારી બેઠું છે. ઊલટી જૂની જાહોજલાલી સાલે છે. જૂની વીરતા ખૂંચે છે, બાપુ !' ડોસાએ માથું હલાવી કહ્યું.

'જાઓ, જાઓ, બારોટજી !' પ્રસન્ન બોલી. 'તમને તો પહેલાંનું જ બધું સારું લાગે છે.'

‘હવે રહ્યું છે શું ?’ જરા ઊકળી બારોટે કહ્યું : 'કેસરિયાં છોડી નરપાળો ખટપટ કરવા લાગ્યા; રણમાં ઘૂમવાનું છોડી રંડાપો લીધો; દરરોજ કાંઈ ને કાંઈ નવું સંભળાય છે.'

‘કેમ ? છેલ્લું એવું શું સાંભળ્યું કે આટલા ચિડાઈ ગયા છો ?' પ્રસન્ન પૂછ્યું.

'પ્રસન્ન ! બેટા ! શું કહું ? જે માલવરાજ પાટણનું નામ સાંભળી કાંપતો, તેને લાંચો અપાય છે ! તેના બળથી બ્હીને તેને સંતોષવા પ્રયત્નો થાય છે !! પ્રસન્ને હોઠ કરડ્યા અને બાવરી બની ત્રિભુવન તરફ જોવા લાગી. 'હેં !' ત્રિભુવને પૂછ્યું. એ વળી શું ?'

રણવાસ રાજ્ય કરે, ત્યારે બીજું શું થાય ? બૈરીની બુદ્ધિ પાનીએ, મારા બાપ !'

'પણ છે શું ?' ત્રિભુવને પૂછ્યું. પ્રસન્ન જરા મૂંગી થઈ ઊભી. બારોટ શું કહેતો હતો, તે તે સમજી, અને રખે ને ત્રિભુવન ગુસ્સે થાય માટે તે વાત બદલવા ચાહતી હતી.

'હશે કાંઈ; પણ તમારી ખાંસી હવે કેમ છે ?'

'પણ જોઉં તો ખરો શું છે ? બારોટજી ! કહી નાંખો. તમારા વિના નવાજૂની કોણ કહેશે ?'

‘શું ?’ બારોટજીએ કહ્યું. પાછળ પ્રસન્ન ધ્રૂજવા માંડી. આ મારી પ્રસન્ન માલવરાજને આપવી છે ! શું પાટણની વડાઈ ! કન્યા દઈ સલાહ કરવી ! મારો ભીમ નથી આ વખતે, નહિ તો બધાનો જીવ લઈ નાખે.

પડ્યું પડ્યું આ શહેર, લાંચો દઈ શાંતિ શોધે !

ધીક્ એહ નર દેહ, સુણી તેહ નવ કોપે !'

'ખરેખર ?' જરા સખ્તાઈથી ત્રિભુવને પૂછ્યું, તેની આંખમાં તીવ્રતા ખાવી. ‘શું મારી પ્રસન્ન માલવને પરણે ! પરાન્ત ! ખરી વાત ?'

શું બોલવું એ પ્રસનને સૂઝ્યું નહિ. તેણે જરા નીચું જોયું. ત્રિભુવનના મોઢા પર વિકરાળતા આવી. તેનાં નસકોરાં ભયંકર રીતે ફાટવા લાગ્યાં. પાટણને અને માલવને પેઢી દર પેઢી વેર ચાલતું અને તે વેર કેળવવામાં જ વડાઈ લેખાતી; અને દુશ્મનને નમતું આપી સલાહ કરવી, એ રાજપૂત વીરોને હંમેશ મરણ કરતાં વધારે ખરાબ લાગતું.

‘પ્રસન્ન ! કહેતાં શરમાય છે ? શું તું પણ જવા તૈયાર છે ?' તેણે ભયંકર રીતે પૂછ્યું. સામે સામળ બારોટ ખેદથી ડોકું ધુણાવતો હતો, અને જરા જરા હુક્કો તાણતો હતો.

'ફોઈબા મને સમજાવે છે ખરાં !'

ફોઈબા ! મીનળદેવી ? તેની મગદૂર શી ?' વગર વિચારે જરા ઘાંટો પાડી ત્રિભુવન બોલ્યો.

મીનળબાની મગદૂર પૂછનાર કોણ છે ?' પાછળથી એક કુમળો પણ સત્તાદર્શક અવાજ આવ્યો અને બધાં ચમકીને તે તરફ ફર્યાં.

બારણામાં એક બાર વર્ષનો બાળક ઊભો હતો. તેના ગૌરવશાળી મોઢા પર કર્ણદેવના સૌંદર્યની છાપ હતી, આંખોમાં મીનળદેવીની તેજસ્વી ભવ્યતા હતી. અપમાન પામેલી રાજ્યસત્તાની ઉગ્ન મૂર્તિ જેવો તે ઊભો હતો, અને બધા તરફ કરડી નજરે જોઈ રહ્યો હતો.

કોણ, જયદેવકુમાર !” બારોટે કહ્યું, “આવો, મારા સોલંકી કુલદીપક !'

મીનળબાને વિષે આવું બોલનાર આ કોણ છે ? અહીંયાં કેમ આવ્યો છે ?' તિરસ્કારથી જયદેવે પૂછ્યું.

તેવા જ તિરસ્કારથી અને ગૌરવથી ત્રિભુવને જવાબ આપ્યો : ‘રાજગઢમાં આવવા માટે જેટલો તમારો અધિકાર છે, તેટલો જ મારો છે. પછી કોઈ વખત સાબિત કરીશ. હાલ જાઉં છું.' કહી કોઈ રોકે, તે પહેલાં તે ત્યાંથી ચાલ્યો ગયો. તેને એકદમ ભાન આવ્યું કે જ્યદેવ તેને ઓળખશે તો તેના પિતાને ઘણું નુકસાન થયા વિના રહેશે નહિ. તેના બાપે તેને હમણાં છાનામાના રહેવા સૂચવ્યું હતું. બારોટ અને પ્રસન્ન તો ગમે તેમ કરી બધું છાનું રાખે, પણ પાટવીકુંવર સાથે વાત કરવી ઘણી જોખમભરી લાગી. તે ઝપાટાબંધ નીચે ઊતર્યો અને પહેલાં ચઢ્યો હતો તે ઓરડામાં આવ્યો, અને પોતાનું તીર અને કામઠું ત્યાં પડ્યાં હતાં, તે લીધા વિના છજામાં ગયો. તેની પાછળ પ્રસન્ન દોડતી દોડતી આવી.

'ત્રિભુવન ! જરા ઊભો રહે, આમ ચાલ્યો શું જાય છે ?' 'શું કામ છે ? ઉજ્જેણીની રાણીને મારું શું કામ ?' પ્રસન્નને તરછોડતાં ત્રિભુવન બોલ્યો.

'પણ જરા સાંભળશે ?'

'તું રાણી થા, પછી સાંભળીશ,' કહી ગુસ્સાના આવેશમાં, અવિચારમાં છજા ૫૨થી તેણે ભુસ્કો માર્યો, અને ઘોડા પર બેસી ત્યાંથી ચાલ્યો ગયો.

ક્યાં સુધી પ્રસન્ને તે તરફ જોયા કર્યું: 'બાપ અને દીકરો બન્ને કેટલા ઉતાવળિયા છે !'

----