પાટણની પ્રભુતા - ભાગ 11 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાટણની પ્રભુતા - ભાગ 11

૧૧. ઉઠમણું

પરોઢિયું થતાં રાગઢના ચોરા પર લોકોની ઠઠ જામવા લાગી. થોડે દૂર ચકલામાં ગામનાં બૈરાંઓનો સમૂહ ભેગો થયો અને તેણે આનંદ શરૂ કર્યું. અસલના રાજાઓ આખા ગામના પિતા ગણાતા, અને પ્રજા પણ પુત્ર જેવો ભાવ રાખતી. રાજગઢના મોટા ચોગાનમાં બધા લોકો ઊભા રહ્યા; ગરાસિયાઓ અને સામંતો, મંડલેશ્વરો અને શાહુકારો સર્વે આજુબાજુ ઓટલા પર બેઠા. થોડી વારે દેવપ્રસાદ આવ્યો અને બારણા આગળ બેઠો. પછી મુંજાલ આવ્યો. સૂર્યોદયની તૈયારી થતાં જયદેવકુમાર, આનંદસૂરિ, શાંતિચંદ્ર અને રાજગોર આવ્યા, અને બધા લોકો જલદર્શન કરવા નીકળ્યા. કાંતિમાન કુમાર, જાતિ અને રાજગોર જોડે પહેલાં ચાલતો. પછી બે જણા ચાલતા : સિંહના ભયંકર સીનામાં દીપતો દેવપ્રસાદ, અને સ્વસ્થ, તેજસ્વી, સૌંદર્યવાન મુંજાલ. બધા પાટણવાસીઓ આ બેની તરફ જોઈ રહ્યા. મંડલેશ્વરથી તેઓ બીતા. મહામંત્રીને પૂજતા. ગમે તે થાય તોપણ મુંજાલ પર તેઓનો વિશ્વાસ અચળ હતો; તે હોય ત્યાં તેમને બિલકુલ ભય ન હતો.

બધું મંડલ મૂંગે મોઢે જલદર્શન કરી પાછું આવ્યું, અને કુમાર અને સામંતો વગેરે ઓટલા પર પાછા બેઠા. ઉપર ગોખની બારીની જાળીમાંથી કેટલીક સ્ત્રીઓ જોઈ રહી હોય એમ લાગતું. લોકોએ આંખો માંડી, હવે શું થાય છે તે જોવા માંડ્યું. પરાપૂર્વથી પાટણના રાજાઓનો પહેલો પટ્ટાભિષેક આમ થતો હતો; પછી બીજો જે શોભાનો, તે થોડા દિવસ રહીને થતો. વચ્ચે ઓટલા પર ગાદી માંડી હતી, તેના પર જયદેવકુમાર બેઠો; પાસે રાજગોર ઊભો રહ્યો. બીજી બાજુ નગરશેઠ મુંજાલ હોઠ દાબી સત્તાના અવતાર સરખો ઊભો. તેનું મોહક રૂપ અત્યારે વધારે મોહક લાગતું. તેની આંખોમાંથી દુર્જયનાં સ્થિર કિરણો ફૂટતાં હતાં. રાજગોરે જયદેવકુમારને તિલક કર્યું, અને તેના બાપની તલવાર તેના ખોળામાં મૂકી. રાજગોર પાછો ફર્યો, અને આનંદસૂરિ તિલક કરવા આવતો હોય તેમ આગળ આવ્યો. દેવપ્રસાદે હોઠ કરડયા, કારણ કે આ નવો રિવાજ જૈનોને જ માત્ર માનભર્યો હતો. લોકો ચમક્યા, કારણ કે રાજગોર પછી તિલક કરવાનો અધિકાર નગરશેઠનો હતો. પણ જાતિ પાસે જાય, તે પહેલાં મુંજાલ વચ્ચે આવ્યો; સ્થિરતાથી તેણે જતિના હાથમાંનું ચંદનપત્ર લઈ લીધું અને ધીમેથી જયદવેને તિલક કર્યું. હોઠ કરડી ગભરાયેલો જતિ પાછળ હઠ્યો. કેટલાક સામંતો ખુલ્લી રીતે હસ્યા. મુંજાલ તિલક કરી પાછળ હઠ્યો અને બોલ્યો, “જ્યદેવ મહારાજની જય' લોકોએ જયઘોષ કર્યો.

લોકોનો અવાજ શાંત પડતાં એક બારોટ કવિતા ગાઈ ગયો. 'પછી, મારે એકબે ફેરફાર કરવાના છે.' જયદેવે ધીમેથી કહ્યું.

લોકો બધા શાંત થઈ ગયા. દરેકના હૃદયમાં કાંઈ કાંઈ વિચારો ઉદ્ભવ્યા. જયદેવે ગોખેલા બોલ બોલવા માંડ્યા : 'મારા પરમ પૂજ્ય પિતાશ્રીના મરણને લીધે રાજ્ય સૂનું પડ્યું છે. હું હજુ બાળક છું. માટે કેટલીક જુદી ગોઠવણ કરવાની જરૂર છે. મારા વિશ્વાસ અને બાહોશ મંત્રી મુંજાલને મધુપુરમાં પડેલા આપણા અને ચંદ્રાવતીના સૈન્યનો નાયક ઠેરવું છું.'

અણસમજુ લોકો, આ સાંભળી ખુશ થયા. મુંજાલ રમત પારખી ગયો અને તિરસ્કારમાં જરા હસતો ઊભો રહ્યો. એના દુશ્મનો હરખાયા. અને જતિએ ધ્યાનપૂર્વક મુંજાલ સામું જોવા માંડયું.અને મારા જૂના મંત્રી શાંતિચંદ્રને હાલ પાટણના દુર્ગપાલની પદવી આપું છું, અને ઘણાં વર્ષ થયું ખાલી પડેલી દંડનાયકની પદવી પણ તેને જ આપું છું.' આટલું કહી જયદેવે પોતાની તલવાર શાંતિચંદ્રના હાથમાં આપી.

મુંજાલ સિવાય બધા લોકો જાણે વીજળી પડી હોય તેમ ચમક્યા. ચાલીશ વર્ષે દંડનાયક, અને તે લોકપ્રિય મુંજાલ નહિ, પણ શ્રાવકોનો ચુસ્ત નેતા શાંતિચંદ્ર ? પાટણના લોકો પણ ચંદ્રાવતીને તુચ્છકારતા અને તેના તરફના મંત્રીને દંડનાયક જોઈ કચવાયા ! પણ તે વખતે કોઈ કાંઈ પૂરેપૂરું સમજી શક્યું નહિ. તરત બંદીજનોએ સ્તુતિ ગાવા માંડી અને ગભરાયેલાં બકરાંનાં ટોળાંની માફક લોકો ચાલ્યા ગયા. સામંતો ખુશ થયા : કારણ કે મુંજાલથી તેઓ ડરતા હતા અને તેની સત્તા જવાથી તેમનો ગભરાટ અર્ધો ઓછો થયો હતો. દેવપ્રસાદના મિજાજનો પાર રહ્યો નહિ. માથે કોઈ પણ દંડનાયક થાય તે તેના ગર્વને પસંદ પડ્યું નહિ; છતાં શાંતિચંદ્ર આવ્યો એ તેને ફાવ્યું, કારણ કે મુંજાલ જવાથી હવે સહેલાઈથી તે પોતાના હાથ શ્રાવકોને બતાવી શકશે, એમ તેને લાગ્યું. અપમાન મળ્યા છતાં વધારે આશાઓ બાંધતો તે પોતાને મહેલ આવ્યો.

ઘેર ત્રિભુવન તેની વાટ જોતો હતો: “કેમ બાપુ ! શું લાગે છે ?'

'કાંઈ નહિ. મારા લશ્કરની મદદથી શાંતિચંદ્રને સીધો રાખવો, એ તો રમત વાત છે, અને હવે એ ડોસો શું કરવાનો છે ? આપણે અહીંયાં નિરાંતે બેઠા છીએ. અત્યાર સુધી તો દુશ્મનોએ ઠોકર ખાધી છે.'

'બાપુ ! પણ એક બીજું સાંભળ્યું ?'

' શું?”

આજે બપોરે બાર વાગે પાટણના દરવાજા બંધ થવાના છે.'

'શું કહે છે ? ક્યાંથી સાંભળ્યું " જરા ડોળા ફાડી દેવપ્રસાદે પૂછ્યું.

‘મુંજાલમામા હું જ્યાં ઊભો હતો ત્યાં આવ્યા અને મારા કાનમાં કહ્યું કે બપોરે પાટણના દરવાજા બંધ કરવાનો હુકમ થયો છે.'

'પછી ?' આતુરતાથી મંડલેશ્વરે પૂછ્યું.

'પછી તો તે તરત ચાલ્યા ગયા; પણ મને એમની સૂચના ખાસ તમારે માટે હોય તેમ લાગી.'

'શું મને પકડવાની તૈયારીઓ ચાલે છે ?'

'ના, પણ આપણા મેરળના લશ્કરને આપણાથી છૂટું પાડવાની તજવીજ ચાલતી હોય તેમ લાગે છે.’

'બરોબર છે,' કહી મંડલેશ્વરે ત્રિભુવનના ખભા પર હાથ ઠોક્યો; પાટણના દરવાજા બંધ કરી મને અહીંયાં પૂરી રાખશે અને મારા લશ્કરને ભમાવી તાબે કરશે. સલાહકાર કોઈ પાકો છે. આમાં મુંજાલનો હાથ છે નહિ – હા, એ પેલા જાતિનાં કારસ્તાન.’

'એ આપણને રસ્તે મળ્યો હતો તે કે? "

'તે જ’

'ત્યારે તમે જે વિચાર કરતા હતા તે નહિ બને ?' ત્રિભુવને પૂછ્યું : “તમે તો મેરળ લશ્કર રાખી પાટણમાં રહેવાનો વિચાર કરતા હતા.’

‘હા, તે હવે નહિ ચાલે. કાકી તો એક ગમથી મુંજાલ અને બીજી ગમથી મને, એમ બંનેને પાંગળા કરવા માંગે છે. જરૂર આ બાજી ચંદ્રાવતીના પેલા જતિની જ છે. હું અને મારું લશ્કર છૂટા પડીએ ! મુંજાલ અને પાટણ જુદા થાય !'

'મામા કાંઈ નહિ બોલે ?

‘તારા મામા તો કાકીના દાસ બની બેઠા છે. પણ તેને જે કરવું હોય તે તે કરે. ચાલ, આપણે જમીને તૈયાર થઈ જઈએ. બપોર પહેલાં પાટણ બહાર નીકળી જઈએ. પછી બધું સમે સુતરે ઊતરશે તો પાછા આવીશું.' દેવપ્રસાદે કહ્યું : 'દીકરા ! હરે વખત ખરેખરો આવે છે. તારી પણ કસોટી થશે હો.'

'બાપુ ! કસોટી માટે હું તૈયાર જ છું.'

'જોઈશું,’ દીકરાની હિંમતથી હરખાતા મંડલેશ્વરે કહ્યું : 'હાલ તો મંડુકેશ્વર મહાદેવની મહેર જોઈએ.'

બાપ અને દીકરાએ જવાની તૈયારી કરવા માંડી.