Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 84 અને 85

(૮૪) કારમો/ભયંકર ભૂખમરો

          મહારાણા પ્રતાપ એકાંતમાં ચિંતામગ્ન દશામાં બેઠ હતા. આસન્ન ભૂતકાળમાં  જે કપરા દિવસો વિતાવવા પડ્યા હતા તેની યાદ હજુ તેમના હૈયામાં તાજી હતી. તેમણે વેઠ્યો હતો ભયાનક ભૂખમરો. દિવસોથી અન્ન માટે વલખાં મારવા પડયા હતા.

          તે વખતે એવી સ્થિતી નિર્માણ થઈ હતી કે, પોતાની સાથે જીવન મરણના ખેલ ખેલાતા સૈનિકો માટે વ્યવસ્થા કરવી કપરી થઈ પડી હતી. છતાં ગુલાબસિંહ અને કાલુસિંહના પ્રયત્નોથી એ બાજુ થોડી રાહત થઈ હતી પરંતુ જે આશ્રયસ્થાનમાં મહારાણા પોતાના પરિવાર સાથે રહેતા હતા ત્યાં સુધી દુશ્મન સેનાની ભીંસ વધી ગઈ હતી.

        ઘાસના રોટલા બનાવવા પડતા હતા. એક દિવસ મહારાણી પ્રભામયીદેવી પોતાની નાની દીકરી ચંપાવતી માટે રોટલો બનાવ્યો. ચંપાવતી એ રોટલો ખાવા જાય છે ત્યાં તો જંગલી બિલાડો આવીને તે રોટલો છીનવીને નાસી ગયો. નાની બાળકી, અબૂધ, તે આક્રંદ કરવા લાગી. “માં મને ભૂખ લાગી છે. કાંઇક તો ખાવા આપ.”

         માં બોલે તે પહેલાં રડી પડી. મહારાણા આ જોઇ રહ્યા હતા તેમની આંખોમાં આંસુ તો ન આવ્યા પણ વજ્રદેહી છાતી ટુટી પડી. તેમનું હૈયુ તો કોમળ હતું. તેઓ પણ પોતાની મમતા ધરાવતા હતા. પોતાની નાનકડી પુત્રી માટે પ્રેમ હતો.

 

તેઓ વિચારવા લાગ્યા, “ હું તો વનવાસી બન્યો પરંતુ ફૂલ જેવા આ નાનકડા બાળકે શા પાપ કર્યા કે જેથી તેમને જંગલે જંગલે ભટકવું પડે? ભૂખે મરવું અને તરસે તરફડવું શા માટે?

આ વખતે શાહબાઝખાને અરવલ્લી પર્વતમાળામાં ઠેર ઠેર મજબૂત ચોકીઓ ગોઠવી દીધી. મેવાડના બધાં પહાડો મોગલ  સિપાહીઓ ખુંદી વળ્યા.

આ વખતે સ્વયં બાદશાહ અકબરને શ્રદ્ધા હતી કે, “પ્રતાપની ભાળ મેળવવા ખાન આકાશ પાતાળ એક કરી નાખશે.”

 

        મેવાડના પર્વાતપુત્રો, વનવાસી ભીલોના સામુહિક પ્રયાસથી પ્રતાપ પહાડીમાં હતા છતાં ખાનના હાથમાં ન આવ્યો. ક્રોધે ભરાઈ ભીલપ્રજા પર શાહબાઝખાને જુલમનો કોરડો વીઝ્યો. પ્રતાપને મળતી બધી સહાય બંધ થઈ ગઈ. ભીલ યુવકો પર સિતમો ગુજારવા માંડ્યા. એમની કારમી કત્લેઆમ કરવા માંડી પરંતુ પ્રતાપ હાથમાં ન આવ્યા.

 

        ભૂખ એ ભયંકર વસ્તું છે. ભૂખ્યો માણસ અંતે શેતાન બને છે. ભૂખ્યો માનવી ગમે તે પાપ કરી શકે છે. એ દિવસો જ મહારાણા માટે કપરા હતા.

 


(૮૫) ડાકૂ દિલાવરખાન

           બાદશાહ અકબર પંજાબ અને કાશ્મીરના પ્રશ્નમાં ગળાડૂબ ખુંપેલા હતા. દક્ષિણ ભારતના મુસ્લીમ રાજ્યો પર પણ તેઓનો ડોળો ફરકતો હતો. આવા સંજોગોમાં રાજપૂતાના જેવ પ્રાંતના મેવાડના થોડા, નિર્જન, આવક વગરના પ્રદેશ માટે સમય અને સૈનિક ફાળવવાનું તેમને પોસાય તેમ ન હતું.

           બીજુ, રાજપૂતોને મિત્ર બનાવીને સામ્રાજ્ય ચલાવવા માંગતા આ શહેનશાહને એ વાતનો અણસાર વર્તાઇ હયો હતો કે, મેવાડપતિને વધારે પરેશાન કરવાથી આ રાજપૂતો નારાજ થશે. આમ થાય તો બળવાની ભૂમિકા તૈયાર થાય. સત્તાની સમતુલા જળવાય નહિ. પોતાના ત્રણે શાહજાદા શરાબી અને અવિચારી હતા.

            આમ તો મહારાણા પ્રતાપની લડતમાં સચ્ચાઇ હતી. પોતાના અંગત મિત્રો રાજા ભગવાનદાસ, રાજા માનસિંહ અને રહીમ ખાનખાનાને રાજપૂતાનામાં પ્રતાપ સામે ટકરાવાની અનિચ્છા પ્રગટ કરી હતી. મોગલ શાહજાદા સલીમ રાજપૂતાનામાં યુદ્ધ મોરચે જવાની અનિચ્છા પ્રગટ કરી હતી. બિરબલ, તાનસેન, રાજા ટોડરમલ જેવાઓ પણ પ્રતાપ પર મોગલ સેનાની ભીંસ ઇચ્છતા ન હતા. અકબરના દરબારી કવિઓ પૃથ્વીરાજ અને દુરસાઆઢા પ્રતાપની પ્રશંસા કરતા હતા.

આથી અકબરશાહે, “પ્રતાપ જો શાંત રહે તો તેને છંછેડવાની કોશિશ ન કરશો.” આવો આદેશ રાજપૂતાનામાં સૂબા તરીકે જતા પ્રત્યેક હાકેમને આપતા. તેથી સમગ્ર રાજપૂતાના શાંત હતું. પરંતુ ઉપરથી શાંત લાગતાં રાજપૂતાનામાં આંતરિક યુદ્ધ તો ખેલાતું હતું.

અજમેરના હાકમે થાણેદારોને, થાણેદારોએ રાજ્યના ખુંખાર ડાકુઓ દિલાવરખાન અને કયામતઅલીને આ માટે સાધ્યા હતા.

          દિલાવરખાન ભયંકર ડાકૂ હતો. સર પર કફન બાંધીને ફરનારો માથાનો ફરેલ માનવી હતો. તે હુશ્ન અને દૌલત નો દિવાનો હતો. એ જ્યાં ધાડ પાડતો ત્યાંથી દૌલત લૂંટી લાવતો અને યુવાન સ્ત્રીઓના શિયળ લૂંટતો. તેના માટે આમાં ધર્મનો બાધ ન હતો.

           “મારા પ્રાણના ભોગે ડાકૂગીરી કરું છું તો પછી આ સંસારની વસ્તુઓ ભોગવવાનો અમને પુરો અધિકાર છે.”  એના સાથીઓ પણ એવા જ ક્રુર અને વિલાસી હતા. જો કે, મોગલ થાણેદારો એનાથી નારાજ પણ હતા. એ ધાડમાં કોઇને પણ છોડતા ન હતા. મુસ્લીમોને પણ નહિ.

જુલ્મનો દોર હવે ડાકુ દિલાવરખાનના હાથમાં હતો. કયામતઅલી તેનો મુખ્ય સાથી હતો.

“ગામડાઓમાં મકાનો બાળો, ગામના લોકોની કતલ કરો, ધન લૂંટો અને યુવાન સ્ત્રીઓને ઉપાડી લાવો. “ આ તેનો આદેશ હતો.

એની આવા પ્રકારની ધાડોથી ગામડાઓમાં આતંક ફેલાઇ ગયો. મહારાણા પાસે આની ફરિયાદ ગઈ.

સરદાર કાલુસિંહને આ સમસ્યા માટે બોલાવ્યા.

           “મહારાણાજી, ડાકુઓની અસલ શક્તિ ગામલોકોની નિર્બળતા છે. જો ગામલોકોને સબળ બનાવીએ તો ડાકુઓ માટે એ પડકારરૂપ બની જશે. ડાકુઓ વિજળીવેગે ટૂટી પડે છે. એટલે ગામની શક્તિ હાથ જોડીને કતલ થઈ જાય છે. પરંતુ જો ગામલોકો ભય છોડીને સામનો કરે તો ડાકુઓ કાંઇ દેવ નથી એ પણ માટીના પૂતળા જ છે.”

“તો પછી તમારું કાર્ય શરૂ કરો.”

કાલુસિંહ પોતાના સાથીદારો સાથે ગામેગામની મુલાકાત લેવા માંડ્યો. ફરિયાદ કરનાર ગ્રામવાસીઓની તે પ્રશ્ન કરતા.

“ડાકૂ કાંઇ દેવ કે દાનવ છે?” ના, તો તેઓ પણ સામાન્ય માનવીઓ જ છે. તમે પણ તાલીમ લો. તલવાર ચલાવતા શીખો, લાઠી ચલાવતા શીખો, સામનો કરતા શીખો, હાથ જોડીને મરવા કરતાં મારીને મરતાં શીખો.”

પછી તો રીતસરની, ગામેગામ કવાયતો શરૂ થઈ ગઈ.

સ્ત્રીઓ પણ આ કવાયતમાં જોડાઇ.

દિલાવરખાને જ્યારે આ વાત જાણી ત્યારે તે ગુસ્સાથી ધુંઆપુંઆ થઈ ગયો. “કાલુસિંહના બચ્ચાને કચડી નાખવો પડશે.”

“સરદાર, હમણાં ચંબલ તરફ ચાલ્યા જઈએ. સાવધ શત્રુ કરતાં અસાવધ શત્રુ સારો.”

દિલાવરખાનની ટોળી ચંબલની ખીણ તરફ ચાલી ગઈ.

ઘણો સમય વીતી ગયો. એક પણ ગામડામાં ધાડ પડી નહિ. સર્વત્ર કાલુસિંહની યોજનાના વખાણ થવા લાગ્યા.

પરંતુ ચંબલની ખીણમાં ગયેલા દિલાવરખાનનો ગુસ્સો દિન પ્રતિદિન વધતો ગયો. “મેં ઉસે તબાહ કર ડાલુઁગા, ઉસકા ખાનદાન મિટા દૂઁગા.”

કયામત અલી કહેતો, “ સિર્ફ મૌકે કા ઇન્તજાર કરતે રહો.”