Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 82

(૮૨) મેવાડનો દાનવીર કર્ણ-ભામાશા

સ્વતંત્રતાની રંગભૂમિ ભારતમાં ક્યા? ઇતિહાસ સાક્ષી છે મેવાડ વીર પ્રસવિની પણ અને સ્વતંત્રતાની રંગભૂમિ પણ ઇ.સ.ની સાતમી સદીથી અહીં કેટલાયે ભવ્ય અંકો ભજવાઇ ગયા.

દરેક વખતે રાજપૂતોએ ભવ્ય બલિદાનો આપ્યા પરંતુ ભામાશાહ જે વણિક હતો તેના બલિદાનની ગાથા તો ઇતિહાસમાં અનેરા અક્ષરે લખાવાની હતી.

ભામાશાનો જન્મ ઓસવાલ જૈન પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો “કાવડ્યા” કે કાવડિયા નામે ઓળખાતા હતા. એમના પિતા ભારમલ કાવડિયા પણ કાબેલ પુરૂષ હતા.

મહારાણા ઉદયસિંહે પોતાના રાજ્યના વિકાસ માટે કાબેલ માણસોને વિવિધ સ્થળોથી આમંત્રીને વસાવ્યા હતા.

ભારમલ કાવડિયાને તેમણે અલવરથી આમંત્રણ આપીને ચિત્તોડગઢમાં વસાવ્યા હતા.

ઇ.સ. ૧૫૫૩ ની વાત છે.

ચિત્તોડગઢમાં મહારાણા ઉદયસિંહનો સૂર્ય તપતો હતો.

“ભારમલ કાવડિયા અપાણા રાજ્યમાં મારા આમંત્રણને માન આપીને વસવાટ કરવા રાજી થયા છે. હું તેમને મારા દરબારમાં સ્થાન આપું છું. અને એક લાખનો પટ્ટો અર્પણ કરું છું.

ઇ.સ. ૧૫૭૨માં મહારાણા મૃત્યુ પામ્યા. ભારમલ કાવડિયાના મૃત્યુ બાદ એમના જયેષ્ઠ પુત્ર ભામાશાહને એમનું પદ સોંપવામામ આવ્યું. તે ઉપરાંત પોતાની લડાયક શક્તિથી તેમના ભાઇ તારાચંદે પણ દરબારમાં ઉચ્ચસ્થાન મેળવ્યું.

બંને ભાઇઓએ હલ્દીઘાટીના યુદ્ધમાં ભારે કાબેલિયત દાખવી હતી. તેઓ મહારાણાના પડછાયા બનીને રહેતા હતા.

શાહબાઝખાને કુંભલમેર પર આક્રમણ કર્યું ત્યારે આક્રમણ પહેલાં જ ત્યાંની પ્રજાને દોરીને ભામાશાહ માળવાના પ્રદેશમાં ઉતરી ગયા.

માળવાના રામપુર રાજ્યમાં ભામાશાહ ગયા. ત્યાંના શાસક દુર્ગાજીએ મોગલ શહેનશાહની બીક રાખ્યા વિના ભામશાહના કાફલાને આશરો આપ્યો.

રાવ દુર્ગાજીએ ભામાશાહનું સ્વાગત કર્યું.

“ભામાશાહ, મેવાડપતિ મહારાણા પ્રતાપ માતૃભૂમિ માટે ઝઝૂમે છે, રાજપૂતી આન માટે ઝઝૂમે છે ત્યારે તમને સહાય કરવી એ એક રાજપૂત શાસાક તરીકે મારી ફરજ છે.

સમય પસાર થવા માંડ્યો.

મેવાડના દિવાન તરીકે ભારમલજી ઘણાં રહસ્યો જાણતા હતા. એમાનું એક રહસ્ય મહારાણા સંગ્રામસિંહના સમયના વિશાળ ખજાનાની માહિતી. જે સ્વ્યં મહારાણા પ્રતાપને ન હતી. ક્યાંથી હોય? મહારાણા ઉદયસિંહ અકાળે અવસાન પામ્યા હતા. પ્રતાપ કરતા ભટિયાની રાણી તરફ વધુ ઢળેલા હતા.

“ભામાશાહ, હવે મારો અંતકાળ નજીક છે. મહારાણા પ્રતાપ મોગલો સામે જંગે ચડવાના છે. મેવાડના  દ્રવ્યનો ખજાનો, જે મહારાણા સંગ્રામસિંહે મેવાડની ઉન્નતિ માટે સંગ્રહી રાખ્યો હતો. પરંતુ ૧૫૨૮માં જયપુર આગળ એક ગામડામાં તેમનો અંત આવ્યો. એમના અંતરંગ સાથીને તેમણે આ ખજાનાની વાત કરી હતી. મેવાડના આ વફાદાર સેવકે મહારાણા ઉદયસિંહને પોતાના અંતકાળે આ રહસ્ય કહ્યું હતું. મહારાણાએ એ ખજાના માટે મને વિશ્વાસમાં લીધો હતો. આજે તું એ રહસ્ય જાણી લે. મહારાણાને મુસીબતમાં એ આપજે. તં યાદ રાખજે. ધનની ગતિ ત્રણ રીતે થાય છે. દાન, ભોગ અને નાશ. જો ધનનું દાન ન કરવામામ આવે તો તેનો નાશ થાય.”

ભામાશાહને રાજ્ય તરફથી ઘણું દ્રવ્ય મળ્યું હતું. પિતાને પણ ઘણું દ્રવ્ય આપ્યું હતું. તે ઉપરાંત આ કાફલાએ પણ બે વર્ષના ગાળામાં ધન ભેગું કર્યું.

ભામાશાહને ગુપ્તચરોએ ખબર આપ્યા. “ શાહબાઝખાનની ભીંસ વધી ગઈ છે. મહારાણા સુધી મદદ પહોંચતી નથી. પોતાના સિપાહીઓ માટે પણ મહારાણા કાંઇ આપી શકે એમ નથી. આથી મહારાણા ગહન નિરાશા અનુભવે છે.”

ભામાશાહ આ ખબરથી દુ:ખી થયા.

“મારા મહારાણા મેવાડમાં ભૂખમરો વેઠે અને હું અહીં શાંતિ ભોગવું. મેવાડનું ધન અત્યારે કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? મારું ધન પણ મેવાડના કામમાં આવે તો પિતાનો આત્મા રાજી થાય.

ભામાશાહે રામપુરના રાવ દુર્ગાજીની વિદાય માંગી. ખજાનાનું દ્રવ્ય, પોતાનું દ્રવ્ય અને ભેગુ કરેલું દ્રવ્ય આ બધાને ઉંટો પાર લાદીને કાફલો મેવાડ તરફ આવી પહોંચ્યો.

આ બાજુ પોતાના સૈનિકોને આપવા પણ કંઇ ન હોવાથી મહારાણા હતાશ થઈ ગયા.

તેમણે સૈનિકોને વિખેરી, થોડા સાથીઓ સાથે મેવાડનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયની જાણ થતા સૌ મેવાડીઓના હૈયા કપાયા. પરંતુ કરે શું?

એવામાં સૈનિકોને સમાચાર મળ્યા.

માળવાની દિવાન ભામાશાહ મેવાડ તરફ આવી રહ્યા છે.

સૌના હૈયામાં આશાનો સંચાર થયો. નવો ઉત્સાહ પ્રગટ્યો. ભામાશાહને સમાચાર મળ્યા.

“ભામાશાહ, મેવાડમાં તમારું આગમન યોગ્ય સમયે થયું છે. મહારાણા ધનાભાવથી લડત સંકેલી મેવાડ ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવાનો નિર્ણય કરી બેઠા છે. તમે જ એક એવા સમર્થ પુરૂષ છો જે મહારાણાને રોકી શકો.”

ભામાશાહ ચમક્યા, “ ધનનો ભંડાર છે. ધનાભાવ કેવો? મહારાણાના પૂર્વજોનું ધન આ સમયે જ અર્પણ કરવું જોઇએ.”

તેઓએ પૂછ્યું, “ હમણાં મહારાણા ક્યાં છે?”

“જી, ચુલિયા ગામ આગળ તેમનો મુકામ છે.”

પોતાના વિશ્વાસુ સાથીઓને ભામાશાએ બોલાવ્યા.

મિત્રો, ક્ષણનો યે વિલંબ મેવાડ માટે ઘાતક નીવડે તેમ છે.

ખજાનાને સાચવીને તમે પાછળ પાછળ આવો. હું અને બીજા બે ભાઇઓ મારતે ઘોડે ચૂલિયા પહોંચીએ છીએ.”

મહારાણા વતનનો ત્યાગ કરી, ગુમનામીમાં ઓગળી જવાનો વિચાર કરી, રવાના થવાની છેલ્લી તૈયારી કરી રહ્યા હતા. દુ:ખદ ઘટના હતી. મેવાડનો પ્રાણ જઈ રહ્યો હોય તેવો આંચકો સૌ રાજપૂતોને, ભીલોને થઈ રહ્યો હતો. તેઓ મહારાણાને છેલ્લે એમ પણ કહી ચૂક્યા, “મહારાણાજી, અમે બધાં, આપ જે સ્થિતીમાં હશો તે સ્થિતિમાં રહેવા તૈયાર છીએ. અત્યાર સુધી આપની સાથે જીવ્યા તો મોત પણ સાથે જ મેળવીશું.પણ અમને છોડીને ન જાઓ.”

સૌના હૈયા રડી રહ્યા હતા. એવામાં મારતે ઘોડે એક ગુપ્તચર સમાચર લાવ્યો.

“મહારાણાજી, દિવાન ભામાશાહ મેવાડમાં પ્રવેશી ચૂક્યા છે. આપને મળવા મારતે ઘોડે આવી રહ્યાં છે.

અત્યાર સુધી શબવત જણાતી મેદનીમાં આ સમાચારથી જાણે પ્રાણનો સંચાર થયો.

સૌ આનંદની કિકિયારો પાડવા લાગ્યા.

મહારાણા તો કલ્પનાતીત હર્ષમાં આવી ગયા.

ભામાશાહ એટલે મહારાણનો પડછયો. એની વફાદારી એની સ્વામીભક્તિ, સૂર્યના પ્રખર કિરણો જેવી તેજસ્વી.

“સૌ ધીરજ રાખો. આપણો શાણો દિવાન ભામાશાહ આ વિકટ પરિસ્થિતીમાંથી જરૂર કોઇ રસ્તો ખોળી કાઢશે. મહારાણાએ સૌને આશ્વાસન આપ્યું.

મારતે ઘોડે, ચઢેલા શ્વાસે ભામાશા આવી પહોંચ્યા.

“ભામાશા, મારા દિવાન, તું આવી પહોંચ્યો.” મહારાણાએ સામે ચાલીને એને બાથમાં લીધો.

થોડા સમય માટે તો સર્વત્ર મૌન પથરાઇ ગયું.

“ભામાશા, ખૂબ રઝળપાટ કરવી પડી હશે. કયાં મેવાડનું કુંભલમેર અને ક્યાં માળવાનું રામપુર?”

ભામાશા સ્તબ્ધ બની ગયા. આ મહારાણા શું બોલે છે? પોતાની વિપદા માટે તો એક હરફ ઉચ્ચારતા નથી. સેવકની મુશ્કેલીઓ માટે સદાયે ચિંતિત રહે છે. ભામાશાની આંખોમાંથી જળની ધારા વહેવા માંડી.

“મહારાણાજી, આપ જ્યારે અરવલ્લીની પહાડીઓમાં કારમો ભૂખમરો વેઠતા હતા. અન્નના દાણા માટે વલખી રહ્યા હતા ત્યારે અમે તો આપના સેવક દુર્ગાજીને ત્યાં બે ટુંક, સુખપૂર્વક રોટી ખાઇને દિવસો પસાર કરી રહ્યા હતા. આપે જ સહન કર્યું છે. એની તુલના થઈ જ ન શકે.”

દિવાન, મેવાડ માટે તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. માતૃભૂમિ માટે એના સંતાનો જેટલું કરે એટલું ઓછું છે. હજારો મેવાડીઓ મેવાડ માટે માથુ અર્પણ કરી ચૂક્યા છે.”

“માટે જ હું મારી જાતને ધન્ય માનું છું કે, મેવાડની ધરતી પર મારો જન્મ થયો.

“ ભામાશા, મેવાડની ધરતી ભામાશા જેવા નરરાત્નને જન્મ આપીને ધન્ય બની ગઈ. સાચા અર્થમાં તમે સજ્જન છો. મહારાજ ભતૃહરિ કહે છે કે, સજ્જનોની સોબત જડતાને દૂર કરે છે. વાણીમાં સત્યની માત્રા વધારે છે. પાપોને નષ્ટ કરે છે. ચિત્તને પ્રસન્ન કરે છે. અને બધી દિશાઓમાં કીર્તિને, પુષ્પની પરાગની માફક ફેલાવે છે.

“મહારાણાજી, આપના સેવકને આટલું મહાભાગ્ય ન બક્ષો. કદાચ નસીબને ઇર્ષા આવશે.”

ભામાશાએ કલ્યાણનો રાહ સ્વીકાર્યો હતો. પોતાના ગુરૂએ કલ્યાણ માર્ગની મીમાંસા કરતાં કહ્યું હતું તે યાદ આવ્યું, “ જીવોની હિંસા ન કરવી. પારકું ધન હડપ ન કરી જવું. સત્ય બોલવું. શક્તિ પ્રમાણે દાન કરવું. તૃષ્ણાને રોકવી, ગુરૂજનો પ્રત્યે વિનય દાખવવો. આ કલ્યાણના માર્ગો છે.

“મહારાણાજી, પોતાના વતન માટે ક્ષત્રિયો પ્રાણ આપે તો વૈશ્ય ધન આપવાથી શા માટે હટે? એ તો એમનું કર્તવ્ય છે. ધનના અભાવે આપ મેવાડ ન ત્યાગો એવી મારી આપને વિનંતી છે.”

“ભામાશાહ, તમે જ માર્ગ બતાવો. હું શું કરું?”

“મહારાણાજી, હું આપનો દિવાન, આપના પૂર્વજોની સંપત્તિ ખજાનાના રૂપમાં મારી પાસે સુરક્ષિત છે. હજુ સદગત મહારાણા સાંગાજીનું પુણ્ય પરવાર્યું નથી. એમના ગુપ્ત ખજાનાનું દ્રવ્ય હું આપને ચરણે ધરવા આવ્યો છું. આ ધન આપનું છે અને આપના ચરણોમાં ધરું છું ત્યારે મને ફરજપાલનની સાર્થકતાનો આનંદ થાય છે.”

“હોય નહિ! મને તો કાંઇ ખબર નથી.”

“મહારાણાજી, છતાં આપના રાજકોષનું ધન આપને આપીને હું મારી ફરજ બજાવી રહ્યો  છું.”

એવામાં ભીલ સરદાર પૂંજાજી આવી પહોંચ્યા.

“મહારાણાજી, ભામાશા સમસ્ત ધન લઈને આવ્યા છે. આમાં રાજકોશનું દ્રવ્ય છે, ભામાશાહનું અંગત દ્ર્વય છે. અને માળવા અભિયાન દરમિયાન કાફલા મારફતે ભેગું કરેલું દ્રવ્ય છે.”

“ભામાશા, તમારા ધનને કેમ લેવાય?”

“મહારાણાજી, મારો દેહ મેવાડની ધરતીમાંથી ઘડાયો એ ધરતીની લાજ રાખવા આટલુંયે મારાથી ન થઈ શકે? જો કે મારું ધન એનો પણ હું માત્ર નિમિત્ત છું. એ દ્રવ્ય પણ આપે, આપના પિતાજીએ જ આપેલું છે.”

“પણ અમે તો સદા આપતા આવ્યા છે. આ ધન કેવી રીતે, ક્યાં આધારે સ્વીકારું?”

“મહારાણાજી, આ ધન આપના અંગત સ્વાર્થ માટે ક્યાં વપરાવાનું છે? મેવાડનું ધન છે. મેવાડ માટે વાપરવાનું છે. આપ આ ધન ન સ્વીકારો તો ધન શા કામનું?”

“ભામાશાહ, તમારી સ્વામીભક્તિ, દેશદાઝ અને ઉદારતાએ તો ચરમસીમા બતાવી દીધી. મેવાડ તમારી દાનવીરતાને કદી નહિ ભૂલે. મેવાડ એના દાનવીર કર્ણને ‘યાવત ચંદ દિવાકરૌ’ યાદ રાખશે.”

થોડાં સમયમાં ધનથી લાદેલા ઉંટો આવી પહોંચ્યા.

“મહારાજ, આ ધનથી પચ્ચીસ હજારની સેના બાર વરસ સુધી લડી શકે એમ છે.”

ચૂલિયા ગામે મહારાણા અને ભામાશાહના આ મિલનથી એક નવો ઉત્સાહ પ્રગટ્યો.

“કાલુસિંહ, ગુલાબસિંહ, સેનામાં જોડાવા યુવાનોને હાકલ કરો. શસ્ત્રો ખરીદો અને ફરીથી જંગ ચાલુ કરી દો.”

આમ, ભામાશાહે બુઝાતા દીપકને તેલ સીંચીને પ્રજ્વલિત રાખવાનું મહાકાર્ય બજાવ્યું.