30.
નદી કિનારે ઘટાદાર વનમાં એક ઋષિ આશ્રમ બનાવી રહેતા હતા. એમનો મોટાભાગનો સમય પ્રભુ ભક્તિમાં જ વ્યતિત થતો હતો. એક સવારે તેઓ નદીમાં સ્નાન કરી પ્રભુ ધ્યાન માટે આશ્રમ તરફ આવતા હતા ત્યાં તેમણે એક નાની ઉંદરડી પડેલી જોઈ. ઉંદરડી જીવતી હતી પણ મરવા જેવી થઈ ગઈ હતી. ઋષિને દયા આવી એણે વિચાર્યું હું આને માટે કંઈ કરીશ નહીં તો તે બિચારી અહીં મરી જશે. કોઈનો શિકાર બની જશે. આમ વિચારી એણે તે ઉપાડી લીધી.
પણ એને કેવી રીતે સાચવી શકાય? એને જીવાડવા માટે ખવડાવવું પીવડાવવું પડે. ઉંદરડીની જગ્યાએ માનવ બાળ હોય તો એને સાચવી શકાય. એમ વિચારી ઋષિએ પોતાના તપોબળ વડે મંત્ર ભણી ઉંદરડી માંથી તેને નાની કન્યા બનાવી અને પછી પોતાના આશ્રમમાં લઈ ગયા. આશ્રમમાં ઋષિની દેખરેખ હેઠળ કન્યા મોટી થવા માંડી. ઋષિને પણ કન્યા પ્રત્યે એટલી માયા બંધાઈ ગઈ કે તેઓ તેમને ખૂબ લાડ કરતા. આમને આમ કન્યા ઉંમરલાયક થઈ. એમણે કન્યાને પરણાવવાનો વિચાર કર્યો. પણ પોતે મોટા ઋષિ! એટલે એમણે કન્યાને મોટા દેવ સાથે પરણાવા વિચાર કર્યો. પોતે કોઈ નિર્ણય કરે એ પહેલાં લાડકી કન્યાને પૂછવાનો વિચાર કર્યો. ઋષિએ કન્યાને પૂછુયું. પહેલાં તો કન્યા શરમાઈ પછી ઈચ્છા વ્યક્ત કરી કે સૌથી શક્તિશાળી પુરુષ સાથે તે લગ્ન કરવા માંગે છે. ઋષિએ કહ્યું "તો આપણે સૂર્ય પાસે જઈએ. એ સૌથી શક્તિશાળી છે. એની ગરમી અને પ્રકાશથી દુનિયામાં જીવન વિકસ્યું છે. એ ન હોય તો જીવ સૃષ્ટિ નાશ પામે. હું એમની પાસે તારા વિવાહનો પ્રસ્તાવ મૂકું." "પિતાજી, તમારી વાત સાચી પણ.."
"કેમ બેટી? તું સંકોચ રાખ્યા વગર જે કહેવું હોય તે કહી દે. વિવાહ તારે કરવાનો છે."
"પિતાજી, સૂર્ય બહુ શક્તિશાળી છે તો પણ મેઘરાજા સામે એ પાછા પડે છે. મેઘની સવારી આવે ત્યારે વાદળો સૂર્યને ઢાંકી દે છે."
" હા. તારી વાત સાચી. ચાલો આપણે મેઘરાજા પાસે જઈએ."
ઋષિ પોતાના મંત્ર વડે ઝડપથી કન્યાને લઈ મેઘરાજા પાસે પહોંચ્યા. મેઘરાજા આગળ કન્યાની ઈચ્છાની વાત કરી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મેઘરાજાએ વિચાર કરીને કહ્યું કે મને આ પ્રસ્તાવ સ્વીકારવામાં વાંધો નથી પણ પવન મારા કરતાં શક્તિશાળી છે. એ જ્યારે જ્યારે મને ઘસડી જાય ત્યારે મારું ચાલતું નથી. માટે તમે એને જઈ મળો. ઋષિએ વિચાર્યું કે મેઘરાજાની વાત સાચી. તેમણે પોતાની કન્યાને લઈ પવનના નિવાસસ્થાન તરફ પ્રયાણ કર્યું. થોડીવારમાં તેઓ પવન દેવતા સમક્ષ હાજર થયા. પવનદેવે ઋષિનું સ્વાગત કર્યું અને આવવાનું કારણ પૂછું. ઋષિએ વાત કરી પોતાની કન્યાની ઈચ્છા જણાવી કે એ જગતમાં સૌથી શક્તિશાળી પુરુષ સાથે વિવાહ કરવા માંગે છે. પછી મેઘરાજાની વાત પણ કરી. પવને કહયું "તમારી વાત સાચી પણ મારા કરતાં શક્તિશાળી છે પર્વત. એને હું કાંઈ કરી શકતો નથી. અમે ગમે એવી તાકાતથી એમના પણ હુમલો કરીએ પણ તેની સામે અમારે માર્ગ બદલવો પડે. આથી પર્વત મારા કરતાં શક્તિશાળી કહેવાય. તો તમારી સુપુત્રીની ઈચ્છા મુજબ પર્વત દેવને મળો."
ઋષિ કન્યાને લઈને પર્વત દેવ પાસે પહોંચ્યા. પર્વત દેવે ઋષિની વાત સાંભળી કહ્યું " શક્તિમાં મને પણ નામશેષ કરી મૂકે એવી ફોજ છે ઉંદરોની. ઉંદરો ધારે તો મને ખોતરી ખોતરીને નામશેષ કરી નાખે. એ ઉંદરોનો રાજા યોગેશ છે. તેઓ ગણપતિ નું વાહન પણ છે. એ તમારી કન્યા માટે યોગ્ય વર છે."
કન્યા તો યોગેશનું નામ સાંભળી ખુશ ખુશ થઈ ગઈ અને પરણવા તૈયાર થઈ ગઈ. ઋષિને પણ થયું કે એના ભાગ્યમાં એની જાતમાં જ લગ્ન કરવાનું લખ્યું છે. મેં મંત્ર બળ વડે એને કન્યા તો બનાવી પણ એના લગ્ન ઉંદર સાથે જ થવાના હશે એટલે મારા બધા પ્રયત્નો છતાં અંતે તેને ઉંદર જ પસંદ આવ્યો. આમ વિચારી તેમણે મંત્ર જળ છાંટી કન્યાને પાછી ઉંદરડી બનાવી લીધી અને એના લગ્ન ઉંદરોના રાજા સાથે કરી નાખ્યાં.