29.
એક જંગલમાં સસલો અને સસલી રહેતાં હતાં. તેમની સરસ ગુફા હતી અને બંનેનું જીવન ત્યાં શાંતિથી પસાર થતું હતું. પ્રસવકાળ નજીક આવતાં સસલીએ કહ્યું "મારી તબિયત સારી નથી. તમે આપણા માટે રહેવાની સુરક્ષિત જગ્યા શોધી કાઢો, જ્યાં કોઈ પ્રાણીનો ભય ન રહે અને ઠંડી વરસાદથી પણ બચી શકાય."
" અરે એમાં ચિંતા શું કામ કરે છે? કાલે આપણે નવા ઘેર જતા રહેશું."
સસલી તો ખુશ થઈ ગઈ. બીજા દિવસનો સુરજ ઉગવાની રાહ જોવા લાગી.
સસલાને યાદ આવ્યું એટલે કહે "ચા, આપણે નવા ઘેર જઈએ."
બંને નીકળ્યાં.
થોડીવાર ચાલ્યા પછી સિંહની ગુફા આવી. સસલાએ સસલીને પૂછ્યું "આ ઘર ગમ્યું?"
સસલી કહે "હા. મને ગમ્યું. અરે આના જેવું સુરક્ષિત ઘર તો જંગલમાં કયું હોય ? પણ આ તો સિંહની બોડ છે. સિંહ આપણને જોશે તેવો જ એક ઝપાટે ભગવાનને ઘેર પહોંચાડી દેશે. "
"એની તું ચિંતા નહીં કર. તને ઘર ગમ્યું તો રહી જઈએ."
" હા, ઘર તો ગમે છે પણ હજી જીવવું છે. અહીં કેમ રહેવાય?"
"તું ચિંતા ન કર. ચાલો ત્યારે. આ આપણું ઘર. તો તું નિરાંતે બેસી રહે અને સિંહ આવશે ત્યારે અને આવે ત્યારે વાત. હમણાં તો મઝા કરીએ " એમ કહી સસલો સસલી ને અંદર લઈ ગયો.
સિંહ શિકાર કરવા ગયો હતો. ગુફા મોટી અને સુંદર હતી.
" આ તારું ઘર. હવે અહીં નીરાંતે બેસ. હું સિંહને ભગાડવાની વિધિ કરીને આવું છું." કહી સસલો બહાર નીકળ્યો.
ગુફા અંદરથી તો મોટી હતી પણ તેનો દરવાજો નાનો હતો. સસલાએ આજુબાજુથી છોડવાઓની લાંબી લાંબી ડાળ તોડીને દરવાજા પાસે નાખવા માંડી. થોડી ગુફા ના દરવાજા પર બાંધી ડાળ ગોઠવી દીધી. ઉપર ફૂલવાળી ડાળ પણ ગોઠવી થોડાં ઘણાં ફૂલ દરવાજાના રસ્તા પર પાથરી દીધાં અને જાણે મંદિરને સજાવ્યું હોય એવી રીતે ગુફાની આજુબાજુ શણગાર કરી દીધો. દરવાજો ડાળીઓથી બંધ કરી દીધો. ફક્ત પોતાને માટે અંદર જવાની જગ્યા રહેવા દીધી.
બધું ગોઠવ્યા પછી એ પણ અંદર ઘૂસી ગયો. અંદર બેસીને સિંહ આવવાની રાહ જોવા લાગ્યો.
સમય થયો એટલે સિંહ આવી પહોંચ્યો. એણે જોયું તો ગુફાનો દરવાજો બંધ. આખા રસ્તા પર ફૂલ વેરાયેલાં. સિંહે પૂંછડી ઊંચી કરી ગર્જના કરી. ગર્જનાનો અવાજ સાંભળી સસલો નાના બાકોરાં માંથી મોં બહાર કાઢી અવાજ બદલી બરાડ્યો "કોણ છે? કોનું મોત આવ્યું છે? સેનાપતિ, જુઓ તો આ બહાર કોણ આવ્યું છે? એને ખબર નથી કે આ વનના દેવતાએ અહીં નિવાસ કર્યો છે? મેં અહીં શંકર ભગવાનને પ્રસન્ન કરી તપ કરવાનો નિશ્ચય કર્યો છે. આ મૂર્ખ મારા તપમાં વિઘ્ન નાખવા આવ્યો છે તેને પકડી લાવો અને બલિદાનની વેદી પર એનો ભોગ આપો. જલ્દીથી." સસલાએ એવો સત્તાવાહી અવાજ કાઢ્યો કે સિંહ સસલાને ઓળખી શક્યો નહીં. વધની વાત સાંભળતાં એના છક્કા છૂટી ગયા. ગુફાનો દેખાવ ફરી ગયેલો જોઈને એને શંકા કરવાનું કારણ જણાયું નહીં. એ વધુ વિચાર કર્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો.
એ ભાગતો હતો ત્યાં રસ્તામાં એને એનો મિત્ર વાંદરો મળ્યો.
" વનરાજ, આટલી ઉતાવળમાં ક્યાં જાઓ છો?" તેણે પૂછ્યું.
" અરે વાંદરા ભાઈ, ગજબ થઈ ગયો. મારી ગુફામાં વનદેવતાએ આવી નિવાસ કર્યો. એમણે શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘોર તપનો આરંભ કર્યો છે. હું ગયો તો મને પકડવા સેનાપતિને લશ્કર સાથે મોકલવા કહ્યું. એ મારું બલિદાન આપવા માંગે છે. હું એની વાત સાંભળી ગયો એટલે જીવ બચાવી ભાગ્યો છું."
"તો તમે શું વાત કરો છો? હું તો સવારથી તમારી ગુફાની આજુબાજુ હતો. મેં તો કોઈને આવતા જતા જોયા નથી."
" શું વાત કરે છે? તેં મારી ગુફા જોઈ છે? નાનકડો દરવાજો, અનેક હાર અને ફૂલોથી શણગાર્યું છે."
"હા, સવારે ત્યાંથી પસાર થયો ત્યારે સસલો બધા ફૂલની ડાળીઓ તોડી તોડીને ગુફા ના દરવાજા પાસે નાખતો હતો."
" લે, સસલો મારી ગુફામાં આવવાની હિંમત કરે? "
"હા મહારાજ. મેં મારી સગી આંખે જોયું હતું. "
"તું મને બનાવવાની કોશિશ નહીં કર. મેં વનદેવતાની વાત મારા સગા કાને સાંભળી છે."
" મારી પર વિશ્વાસ કરો. ત્યાં જઈને ફરીથી જઈને જુઓ."
" વાહ, ત્યાં પાછો જઉં? મને શોધવા વન દેવતાએ પોતાના સેનાપતિને મોકલ્યો છે. મને જોતાની સાથે પકડી જશે અને ગુફામાં લઈ જઈ વધ કરશે. મારે મોતના મોમાં પાછા જવું નથી."
" અરે વનરાજ, સસલાએ યુક્તિ કરી તમને ગભરાવી નાખ્યા છે. ચાલો હું તમારી સાથે આવું છું. આપણે બંને જઈએ."
"પણ વખત આવે ત્યારે એક ક્ષણમાં તું તો ઝાડ પર ચડીને છુ થઈ જાય તો હું ઝડપાઈ જાઉં ને?"
" અરે વનરાજ, તમને મારા પર વિશ્વાસ નથી? ચાલો એનો પણ રસ્તો કાઢીએ. તમે મને બાંધીને લઈ જાઓ પછી તો હું તમને મૂકીને ભાગી નહીં શકું ને! તમે નકામી ચિંતા કરો છો. તમારી ગુફામાં સસલા સિવાય બીજું કોઈ નથી."
વાંદરાની વાત સાંભળી સિંહ વિચારમાં પડ્યો. એને થયું કે વાંદરો પોતાની સાથે બંધાઈને આવવા તૈયાર થયો એટલે વાતમાં સચ્ચાઈ છે. ચાલો પાછા જઈને જોઈએ તો ખરા! કદાચ એની વાત સાચી પણ હોય.
"ચાલ, તો તૈયાર થા. આપણે જઈએ છીએ." સિંહે કહ્યું.
વાંદરો એક વેલો તોડી લાવ્યો. એનાથી પોતાની જાતને બાંધી અને છેડો સિંહને સોપ્યો. વાંદરાને આટલું કરતો જોઈને સિંહને એના વર્તન પર શંકા જાગી પણ એ કંઈ બોલ્યો નહીં. તે પોતાની ગુફા પાસે આવ્યો.
ગુફા પાસે આવી વાંદરો બોલ્યો "ચાલો આપણે ચૂપચાપ અંદર ઘૂસી જઈએ. હું બધા ઝાડ ગુફા પાસેથી હટાવી દઉં છું." "ના ના. એના કરતાં અહીંથી જ બૂમ માર. સસલો હશે તો તારો અવાજ સાંભળી ભાગી જશે. જો વન દેવતા હશે તો આપણે બેય ભાગી જઈશું."
" અરે પણ એવું કેમ?"
"હું કહું એમ કર." સિંહે આદેશ કર્યો.
આ રકઝક ચાલતી હતી એ પેલો સસલો સાંભળી ગયો. ગુફાના દરવાજા પાસે આવી જોયું તો વાંદરો અને સિંહ! વાંદરાને એણે પહેલાં પણ જોયો હતો એને પકડીને સિંહ લાવ્યો હતો. પાછા બે વાતો કરતા હતા એટલે આખી વાત તેને સમજમાં આવી ગઈ. વાંદરો દોઢ ડહાપણ કરી સિંહને લઈ આવ્યો હશે.
સસલાએ બુમ મારવાનું શરૂ કર્યું " સારું કર્યું વાંદરા, તું આને લાવ્યો.
તો મારે એક સાથે બે સિંહનું લોહી દેવતાને ચડાવવાનું છે ને? એક તો હમણાં ગયો જે ગુફામાં રહેતો હતો. એ સિંહ તો ચાલ્યો ગયો. તો આને ગુફામાં મૂકી જા અને બીજા એક સિંહને લઈ આવ તો તારી ઈચ્છા પૂરી કરીશ અને જંગલનું રાજ્ય તને સોંપીશ."
આ સાંભળી વાંદરો પણ ચોંકી ગયો અને સિંહ તો પહેલેથી જ ગભરાયેલો હતો અને ગુફાનો અવાજ સાંભળી પહેલા તો વિચાર કર્યા વગર બંધાયેલા વાંદરા પર તૂટી પડ્યો અને ઝાપટ મારી એની ગરદન પર પંજો મારી એના રામ રમાડી દીધા. વાંદરાના શબને જડબામાં પકડી ત્યાં થી ભાગી ગયો.
સસલાએ એક કાંકરે બે પક્ષી માર્યાં.