1.
એક રાજ્ય હતું જેનું નામ પાટલીપુત્ર હતું. તેના રાજા ખૂબ જ પ્રતાપી અને જ્ઞાની હતા. તેના કુંવરો પ્રત્યે તેને ખૂબ વહાલ હતું પણ એકલા વહાલથી શું થાય? આટલા મોટા રાજ્યની ધુરા સંભાળવા પુત્રો તે માટે સક્ષમ તો હોવા જોઈએ ને? રાજાએ નક્કી કર્યું કે પુત્રોને સારામાં સારું શિક્ષણ આપવું. તે માટે તેમણે ખૂબ જ જાણીતા અને જ્ઞાની ઋષિમુનિઓને ગુરુ તરીકે બોલાવ્યા પણ રાજકુમારો રમતમાં ચડી ગયેલા. તેમને તો મહેલ, તેની આસપાસની ખુલ્લી જગ્યા, મહેલમાં ફરતાં ઘોડા હાથી જેવાં પ્રાણીઓ - એ બધું જોઈ મજા આવતી. તેઓ ઝાડ પર પથ્થર મારી ફળ પાડતા, સામસામે પથ્થરબાજી કરતા, સળીયો ફેંકી ભાલા ફેંક કે ચિરંદાજીનો આનંદ પામતા પરંતુ જ્ઞાન લેવા પ્રત્યે તેમની ઈચ્છા ઓછી હતી. ગુરુજીઓ પણ તેમનાથી થાકી ગયા. રાજાને ચિંતા થઈ કે શું કરું તો આ કૂમારોને યોગ્ય જ્ઞાન આપી શકાય?રાજાજીએ ચારે બાજુ નજર દોડાવી અને સંદેશ કહેવડાવ્યા. આખરે પંડિત વિષ્ણુ શર્મા નામના જ્ઞાની તેમના દરબારમાં આવ્યા. તેમણે કહ્યું કે હું મારી આગવી રીતે કુંવરોને શીખવી તો શકીશ પણ તે માટે કુંવરોને મહેલ છોડી મારા આશ્રમમાં મોકલવા પડશે. ભણવાનું વાતાવરણ કે ધંધો કરવાનું વાતાવરણ ઘરના વાતાવરણ થી અલગ જ હોવું જોઈએ. સંપૂર્ણ ધ્યાન આપી શકશે તો જ તેઓ શીખી શકશે અને જો યોગ્ય વસ્તુઓ યોગ્ય સમયે શીખી શકશે તો જ તેઓ કુશળતાથી રાજ્યની ધુરા સંભાળી શકશે. આથી કુમારોને તેમને પોતાના આશ્રમમાં ગુરુજી લઈ ગયા. થોડો વખત કુમારોને જ્યાં જાય ત્યાં જવા દીધા. જે રમે તે રમવા દીધા. થોડા વખત પછી ગુરુજીએ તેમને બોલાવ્યા અને કહ્યું કે આપણી આસપાસ પ્રકૃતિ છે, ઝાડ પાન છે ઘણું ઘણું જોવા જેવું છે પણ આ જમીન તમારા પિતાએ યુદ્ધ કરી પોતાની મહત્તા સાબિત કરી મેળવેલી છે તો તેને જાળવી રાખવા તમારે પણ કુશળ થવું પડે. તે માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. કુમારોને ચોપડીના જ્ઞાનમાં રસ પડે તેમ ન હતું. તેઓ સતત તોફાન કર્યા કરતા. પંડિતે કહ્યું કે હું તમને પ્રાણીઓની વાર્તા કરીને જ્ઞાન આપું તો તમે શીખશો?
કુંવરો તો તૈયાર થઈ ગયા અને રાજાની આજ્ઞા મુજબ ગુરુજીએ તેમને ભણાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તેમણે સંઘ ભાવના અને આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરી નિર્ણય લેવા અંગેની શિક્ષા આપી. તે માટે તેમણે એક દિવસ એક વાર્તા શરૂ કરી.