21.
એક જંગલમાં એક શિયાળ ગુફામાં ઘર બનાવી રહેતું હતું. ગુફા મોટી અને સુંદર હતી. શિયાળે પણ પોતાનું ઘર સરસ રીતે સજાવ્યુ હતું અને તેમાં આનંદથી રહેતું હતું. તે રોજ જંગલમાં જતું, પેટ પૂરતું ભોજન આરામથી મેળવી અને પાછું આવી નિરાંતે જીવન પસાર કરતું હતું. એક દિવસ તે ઘેર પાછું આવ્યું ત્યારે અચાનક એણે ગુફાની બહાર પગલાનાં નિશાન જોયાં. ધ્યાનથી જોયું તો સિંહના પંજાનાં નિશાન હતાં. વળી નિશાન ગુફાની અંદર તરફ જતાં હતાં પણ બહાર આવ્યાં નહોતાં. એને શંકા પડી કે જરૂર ગુફામાં કોઈ ભરાયું છે, પણ કોણ હોય? એણે વિચાર કર્યો કે અંદર જઈને જોવા પ્રયત્ન કરું પણ વાઘ સિંહ જેવું ભયંકર જનાવર અંદર બેઠું હોય તે ક્ષણમાં જ એને ફાડી ખાય. હવે શું કરવું? એવું જોખમ તો લેવાય નહીં. વિચાર કરતાં એને યુક્તિ સુઝી. તેણે મોટેથી બૂમ પાડી "કેમ મારી જાદુઈ ગુફા? હું આવી પહોંચ્યો. ત્રણ-ત્રણ વખત બૂમ પાડી, તને ખબર પડતી નથી? રોજ તો હું આવું એટલે તું તરત જ મારું સ્વાગત કરવા 'પધારો મહારાજ' એમ બોલે છે, તો આજે તું ચૂપ કેમ છે? શું તારી અંદર બીજું કોઈ આવીને બેઠું છે? જલ્દી જવાબ આપ નહિતર હું બહારથી તને પથ્થરોથી બંધ કરી બીજે રહેવા જતો રહીશ." હકીકત એવી હતી કે એક સિંહ શિકારની શોધમાં રખડતો રખડતો ત્યાં આવી પહોંચ્યો હતો. આખો દિવસ પૂરો થયો છતાં તેને કોઈ શિકાર મળ્યો નહોતો. ગુફા જોતાં તેને લાગ્યું કે અંદર કોઈ જનાવર રહેતું હશે. હું અંદર સંતાઈને બેસું અને જ્યારે જનાવર આવે ત્યારે તેને ફાડી ખાઉં તો મને મહેનત વગર શિકાર મળી જાય. આમ સિંહ અંદર શિકારની રાહ જોઈ અંધારામાં છુપાઈને બેઠો હતો. એણે શિયાળના શબ્દો સાંભળ્યા. એ વિચારમાં પડી ગયો , 'આ અજબ કહેવાય હવે શું કરવું ? જો ગુફા બોલશે નહીં તો શિયાળ બહારથી બંધ કરી ચાલી જશે અને હું અંદર મરી જઈશ.' એટલે થોડો વિચાર કરી એ મોટેથી બોલ્યો "પધારો મહારાજ, હું આપનું સ્વાગત કરું છું. " સિંહનો અવાજ સાંભળી શિયાળ સમજી ગયું અને તરત જ ત્યાંથી ભાગી ગયું અને સિંહ શિકાર વગર ભૂખ્યો ગુફામાં બેઠો રહ્યો અને શિયાળ બચી ગયો.