20.
જંગલમાં એક મોટું વડનું ઝાડ હતું. એના પર અનેક પક્ષીઓ માળો બાંધીને રહેતાં હતાં. એ ઝાડ નીચે એક નાગ પણ રહેતો હતો. પક્ષીઓને નાગનો બહુ ત્રાસ હતો. નાગ પક્ષીઓના ઈંડા ખાઈ જાય, કોઈ ખોરાક લાવ્યા હોય એ પણ ખાઈ જાય. પણ કોઈ કાંઈ કરી શકતું ન હતું. એ ઝાડ પર એક કાગડાનું જોડું રહેતું હતું. એનાં ઈંડાં પણ નાગ ખાઈ ગયો હતો ઈંડાં મુકવાનો સમય આવ્યો એટલે કાગડીને ચિંતા પેઠી. કાગડીએ કહ્યું "આ વખતે તો કોઈને કોઈ રસ્તો કાઢવો પડશે."
કાગડાએ કહ્યું "તું ચિંતા નહીં કર. આ વખતે એ ઝેરી નાગનો બરાબર ઘાટ ઘડું છું."
" પણ તમે એની સામે કેવી રીતે ટક્કર લઈ શકો? એના ડંખથી ભલભલાં પ્રાણી મૃત્યુ પામે છે."
" તું એ વાતની ચિંતા નહીં કર. અક્કલ બડી કે ભેંસ? બુદ્ધિના જોર સામે કોઈની તાકાત ચાલતી નથી. મને એક યુક્તિ સુઝી છે."
" તમે શું કરશો?"
" જો સામે પેલું તળાવ છે ને ? ત્યાં રોજ સવારે રાજાની કુંવરી પોતાના રસાલા સાથે સ્નાન કરવા આવે છે. એ જ આપણને નાગનો નાશ કરવામાં મદદ કરશે. તું ચિંતા નહીં કરતી. કાલે મને વહેલો જગાડી દેજે."
કાગડી ખુશ થઈ અને બંને નિશ્ચિત બની ગયાં. સવારે વહેલા ઉઠી કાગડો ગયો પેલાં તળાવના કાંઠે અને ઝાડ પર બેસી રાજકુમારીની રાહ જોવા લાગ્યો. રાજકુમારી એની સહેલીઓ અને રક્ષકો સાથે આવી પહોંચી એને કીમતી વસ્ત્રો, આભૂષણો પહેર્યાં હતાં તે બધાએ પોતાના વસ્ત્રો અને અલંકારો છોડી દૂર ઝાડ નીચે મૂક્યાં અને તળાવમાં નહાવા ગયાં. રક્ષકો અલંકારોની ચોકી કરતા ઉભા રહ્યા.
કાગડો તરત જ ઉડી ઝાડ પર બેઠો અને તકની રાહ જોવા લાગ્યો. રક્ષકો આમતેમ થયા કે તરત જ નીચે આવી એક મોતીનો હાર લઈ ઉડવા લાગ્યો. રક્ષકોની તેની તરફ નજર પડી. એ લોકો પણ દેકારો બોલાવતા એની પાછળ દોડવા લાગ્યા. ઉપર કાગડો અને પાછળ રક્ષકો.
થોડીવારમાં કાગડો પોતાના ઘર પાસે આવી પહોંચ્યો. તેણે બધા જુએ એ રીતે હાર નજીકના નાગના રાફડામાં નાખી દીધો. રક્ષકો પાસે તો ઘણાં હથિયાર હોય. તે વડે એ બધાએ મળીને રાફડો ભાંગી નાખ્યો એટલે અંદરનો નાગ બહાર નીકળ્યો. ઘણાબધા રક્ષકોએ મળી નાગને પણ મારી નાખ્યો અને આખો રાફડો તોડી ફેંદી એમાંથી રાજકુમારીનો મોતીનો હાર કાઢી ચાલતા થયા. આમ કાગડાએ બુદ્ધિ દોડાવી આખા ઝાડ પર રહેલા પક્ષીઓના દુશ્મન નાગનો નાશ કર્યો.