ઋણાનુબંધ - 33 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - 33

પ્રીતિને સૌમ્યાનો ઘણા સમય બાદ ફોન આવ્યો, પ્રીતિએ ફોન ઉપાડ્યો હતો.

"હેલ્લો સૌમ્યા! કેમ છે? બહુ સમય પછી યાદ આવી."

"તું રહેવા દે.. આપણે તો ફોન જ નથી કરતા. જાણે તારા જ એકના નવી નવાઇનાં લગ્ન થયા હોય!"

"આ કહેવા ફોન કર્યો છે?"

"ના, હું પંદરમી ઓગસ્ટના ૨દિવસ માટે ઘરે જાઉં છું, જો તને મેળ પડે તો તું પણ આવ. બસ એ કહેવા જ ફોન કર્યો છે."

"ઓકે મેડમ, તું કહે તો મારે આવવું જ પડે ને!"

"જા ને, જીજુને પૂછીને કહેજે. ખાલીખોટી ફેકમફેંક ન કર હો..."

"અરે હા! સાચું જ કહું છું તારા જીજુ પણ સાથે જ છે. આપું ફોન એમને વાત કર."

"હેલ્લો જીજુ! કેમ છો? તમે પણ પ્રીતિ જેવા થઈ ગયા, પેલા તો બે ત્રણ દિવસે વાત કરતા હતા, હવે તો વાત જ નથી કરતા."

"ના ના એવું નથી, હવે સ્ટડી અને કોઈને કોઈ સોસીઅલ એકટીવીટી ચાલુ હોય છે તો ટાઈમ જ નથી રહેતો. ચાલો આપણે મળશું રૂબરૂ. તું પણ નક્કી કરી જ લેજે. આમ પણ પ્રીતિ પણ ઘરે નથી ગઈ તો બંને ભેગા પણ રહી શકો અને ત્યાં મમ્મીપપ્પાને પણ મળી શકાય. અમારા તરફથી પાકું."

"ઓકે જીજુ તો મળીયે ત્યારે. બાય જીજુ."

પ્રીતિને પિયર જવા મળશે એટલે એ ખુબ ખુશ થઈ ગઈ હતી. લગ્ન પછી પહેલીવાર સૌમ્યાને મળશે એ વિચારી ખુબ રાજી થતી હતી.

પ્રીતિને અજયના અમુક ગુણથી ખુબ ગર્વ થતો હતો. અજયનો સ્વભાવ આમ ખુબ જ લાગણીશીલ હતો. એને કોઈની મદદ કરવી અને સોશ્યિલ એકટીવીટીમાં જોડાવું ખુબ ગમતું હતું. જયારે પણ કોઈની તકલીફ જોતો ત્યારે એને કેમ મદદરૂપ થવું એ વિચારતો હતો. કોઈનું દુઃખ જોઈને એને ખુબ દુઃખ થતું હતું. વળી, કોઈનું રસ્તામાં એકસીડન્ટ જોવે તો પણ કંઈ જ વિચાર્યા વગર એને મદદ કરવા દોડી પડે. પછી પોલીસકેસ થાય અને કોઈ તકલીફ થાય એવું એ બિલકુલ વિચારતો જ નહીં. એ કોલેજના બધા જ પ્રોગ્રામ, એન્યુઅલ ડે, સ્પોર્ટ્સ ડે બધું જ પોતે જ સંભાળતો હતો. આવા કારણોના લીધે એ અંગત સબંધને સમય આપી શકતો નહોતો. પણ, પ્રીતિ અજયના આ સ્વભાવથી ખુશ હતી, આથી ક્યારેય આ બાબતે ટોકતી નહોતી.

પ્રીતિ અને અજય ઘરે પહોંચે એ પહેલા જ સૌમ્યા પહોંચી ગઈ હતી. સૌમ્યાએ બંનેને આવકારવા માટે મસ્ત બુકે લઈ રાખ્યો હતો. તથા પ્રીતિને ભાવતી ચોકલેટ પણ લઈ રાખી હતી. જેવા બંને આવ્યા કે ખુશ થતી પ્રીતિને ભેટી પડી, બુકે તો હાથમાં જ રહી ગયો. બહુ લાંબા સમયે બંને મળી હતી.

કુંદનબેન અને પરેશભાઈએ પ્રીતિ અને અજયને આવકાર આપ્યો. અજયને આ બધું જોઈને આનંદ તો થયો પણ મનમાં જે ખોટા ખર્ચ વાળા શબ્દો એટલી હદે કબ્જો કરી બેઠા હતા કે, અજય લાગણીને કેમ વ્યક્ત કરવી એ કદાચ શીખ્યો જ નહોતો. હા, આજ જે મજા આવી એવી મજા એને પહેલા ક્યારેય આવી જ નહોતી.

એકબીજાને ઉમળકાથી મળ્યા બાદ બધાએ સાથે ભોજન કર્યું હતું. પરેશભાઈ અને અજય એમ જ બહાર ચક્કર મારવા ગયા હતા. આ એકાંતનો મોકો જોઈને કુંદનબેન બોલ્યા,

"હવે તો તારાથી બધું સેટ થાય છે ને? કોઈ તકલીફ તો નથી ને? સીમાબહેન બહુ બોલતા તો નથી ને?" લાગણીવશ થઈ બધું જ એકી શ્વાસે પૂછી જ લીધું હતું.

"ના, હમણાં તો એવું કઈ જ નથી. સારું છે. કામવાળા બેન આવે છે તો મને પણ ઠીક છે."

"બેટા તું ચિંતા ન કરે એટલે તને બોલી નહોતી, પણ તે દિવસે તે ફોન પહોંચી ગયાનો નહોતો કર્યોને એમાં જ એમનો અહમ ઘવાયો હશે, એવું મને લાગે છે. એમનો સ્વભાવ તારા પણ વર્ચસ્વ રાખવાનો છે. પોતાના મનને સંતોષ આપવા આવું કરે છે. જો એવું ન હોય તો એમને જાતે જ સમજી ને તારે માટે કોઈ કામવાળા બેન શોધી આપવા જોઈએ. એવું મારુ માનવું છે."

"હા, સાચી વાત. અરે આજ પણ નથી કર્યો, પેલા એમને ફોન કરી દવ, એટલે તે દિવસે થઈ એવી તકલીફ ન થાય."

પ્રીતિએ સીમાબહેનને ફોન કર્યો, અને પહોંચી ગયા છીએ એ સમાચાર પણ આપ્યા હતા. ઔપચારીક વાત પતાવીને ફોન મુક્યો હતો. પ્રીતિને હાશકારો થયો કે, સારું આજ ફોન કરવાનું યાદ આવી ગયું.

પિયરમાં બે દિવસો એટલા ખુશીથી જતા રહ્યા કે, પ્રીતિનું મન હજુ ધરાયુ નહોતું. પણ જોબ અને સ્ટડી ચાલુ હોવાના લીધે એણે જવું જ પડે એવું હતું.

પ્રીતિ ભાવનગર પોતાના સાસરે આવી ગઈ હતી. સીમાબહેન વહેલી સવારે નીકળવાના હોવાથી એમને પણ અજય મળી શક્યો એની ખુશી થઈ હતી. સીમાબહેને જમવાનું તૈયાર રાખ્યું હતું. બધાએ સ્વાદિષ્ટ ભોજન કરું હતું. જમી લીધા પછી સીમાબહેન વાસણ કરવા બેઠા હતા. એ જોઈને પ્રીતિ બોલી,
"કાલ બેન નથી આવવાના?"

"ના રે, એ બહેને તું ગઈ અને બે દિવસની રજા માંગી, જયારે એ બહેનની જરૂર હોય ત્યારે જ ન આવે તો શું કામનું? એટલે મેં એને કહી જ દીધું કે તો હવે આવતી જ નહીં."

"પ્રીતિ એટલી બધી સમસમી ઉઠી કે ન પૂછો વાત. પ્રીતિને મમ્મીના શબ્દો યાદ આવ્યા કે એ તારા સાથે પોતાના અહમને સંતોષવા જ આવું કરે છે. આ શબ્દો યાદ આવતા જ પ્રીતિ એ નક્કી કર્યું કે, રોજ આવી રામાયણ સહન કરવી એના કરતા એક જ વાત, પહોંચાય એટલું કામ કરવાનું અને હવે ક્યારેય કામવાળા બેનને રાખવાની વાત જ નહીં કરવાની!

પ્રીતિ મન મક્કમ કરીને બધું જ કામ સરસરીતે કરતી હતી. એક જુનુન રાખ્યું કે, બધાથી થાય તો મારાથી કેમ નહીં? બસ, એ કોઈની પણ આશા વગર કામ કર્યા કરતી હતી. પ્રીતિને હતું કે, અજય એની રીતે કંઈક કહેશે જ! કેમ કે હવે તો એ પ્રીતિને શું પરેશાની છે એ જાણે જ છે ને! પણ અજય મૌન રહ્યો. કદાચ અજયને આ બાબતે કઈ કહેવું જ નહોતું.

એક દિવસ ઘરે પ્રીતિના કાકીજી આવ્યા હતા. એમને ઘરમાં નજર કરી, ઘર પેલા જેવું દેખાતું એટલું જ સ્વચ્છ અને સુઘડ હતું. એ બોલી ઉઠ્યા, વાહ! પ્રીતિ તું તો સરસ ઘર રાખે છે. એમના આ શબ્દો પુરા થવા અને ભાવિનીને કોલેજથી ઘરે આવવું, એના કાને કાકીના શબ્દો પડ્યા હતા. ભાવિની અંદર આવીને બેઠી અને પીરનું રિઝલ્ટ આવ્યું એ ખુશી સમાચાર પણ એણે આપ્યા હતા. ભાવિની ખુબ સારા માર્ક સાથે ઉતીર્ણ થઈ હતી. કાકી તરત બોલ્યા, "જો તારા ભાભી આવી ગયા તો તારું રિઝલ્ટ પણ સારું આવ્યું, કામની ચિંતા પતી એટલે જ તું મસ્ત રિઝલ્ટ લાવી શકી!"

"હા" બસ એટલો જ જવાબ આપી ભાવિની ફ્રેશ થવા અંદર સડસડાટ હતી રહી હતી.

પ્રીતિને આજ ભાવિનીના વર્તનમાં સીમાબહેનના લોહીની ઝલક દેખાણી હતી. મનમાં જ દુઃખ સમેટી એ મહેમાનની આગતાસ્વાગતા કરવા લાગી હતી.

સીમાબહેન રજાઓના દિવસોમાં ઘરે આવ્યા હતા, પ્રીતિ પોતા કરી રહી હતી એ જોઈને એ તાજા કરેલ પોતા પર ચાલ્યા હતા. સીમાબહેનનો પગ લપસ્યો અને તેઓ એકદમ જાટકા સાથે પડી ગયા હતા.

શું સીમાબહેનને કોઈ ગંભીર ઈજા થશે?
કેમ સામનો કરશે પ્રીતિ આ પરિસ્થિતિનો?
કેવા હશે અજયના પ્રીતિ માટેના સવાલો? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻