Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 80 અને 81

(૮૦) રાજા માનસિંહ અને શાહબાઝખાન

 રાજા માનસિંહ અને શાહબાઝખાન મોગલસેનામાં એકબીજાના કટ્ટર હરીફ હતા. બંને પાસે પોતાની આગવી પરંપરા હતી. વિચારધારા હતી. પોતાની વિચારધારાના અમલ માટે બન્ને તનતોડ પ્રયત્ન કરતાં હતા. બંનેની વિચારધારા એકબીજાના હિતોને નુકશાન કરતી હતી. એકબીજાથી ટકરાતી હતી. તેથી જ બંને એકબીજાના કટ્ટર હરીફ હતા.

મોગલે-આઝમ શહેનશાહ અકબરની સેનામાં બે પ્રવાહ વહેતા હતા. એક  પ્રવાહ હતો કેવળ મુસ્લીમ સેનાપતિઓનો. બીજો પ્રવાહ હતો હિંદુ સેનાપતિઓનો, જેને બહુમતીના કારણે રાજપૂત સેનાપતિઓનો પ્રવાહ પણ કહી શકાય.

બાદશાહ ચકોર હતા. બંને પ્રવાહના સેનાઅપતિઓની સ્પર્ધાનો પૂરેપૂરો લાભ તેઓ ઉઠાવતા હતા. રાજપૂત લડાયક કોમ હતી. સેનામાં સારા હોદ્દા જ્યાં મળે ત્યાં તેઓની વફાદારી રહેતી જેની નોકરી સ્વીકારતા, તેના પ્રત્યે પૂર્ણ વફાદારી બજાવતા.

હિંદમાં મોગલ-સલ્તનતની વધતી તાકાત, શહેનશાહ અકબરે રાજપૂતો પ્રત્યે બદલેલી નીતિથી નાના નાના રાજપૂત રાજ્યો પરાજિત થયા પરંતુ રજપૂત કોમને સેનામાં સારૂ સ્થાન મળ્યું. વધુ ઉચ્ચ અને વૈભવી જીવન જીવવાની ઉજ્જવળ તકો વધી ગઈ.

જોકે, આ પરિસ્થિતીથી મોગલ સેનાપતિ શાહબાઝખાનના નારાજ હતા. રાજપૂતોને વધારે પડતા ખુશ રાખવાની નીતિ એક દિવસ શહેનશાહને ભારે પડી જશે એવું તે માનતો. મોગલસેનામાં મુસ્લીમોનું જ વર્ચસ્વ રહે એવી તેમની મુરાદ હતી. હલદીઘાટીના યુદ્ધ વખતે રાજા માનસિંહને સેનાપતિપદ મળ્યું. તેનાથી તેમનું અહમ ઘવાયું હતું.

આથી જ મહારાણા સામે રાજા માનસિંહની ધરાર નિષ્ફળતાઓથી તે મનમાં મલકાતો હતો. સાથે એને શ્રદ્ધા હતી કે, પોતે જો સર્વ સત્તાધીશ બનીને મેવાડ જાય તો રાણાને અવશ્ય શિકસ્ત આપશે જ.

આમ, શાહબાઝખાન રાજા માનસિંહને અને રાજા માનસિંહ શાહબાઝખાનને ઝાંખા પડવાના પેંતરા હંમેશા ખેલતા હતા.

તેમાંયે બાદશાહ અકબરે જાતે જ પ્રશંસાના પુષ્પો વેરીને, સર્વસત્તાધીશ બનાવીને શાહબાઝખાનને મેવાડ તરફ મોકલ્યો તેથી સત્તાના મદમાં આંધળો બની ગયો. એણે રાજા માનસિંહને રાજપૂતાનામાંથી પાછો મોકલ્યો.

રાજપૂતાનામાંથી પાછા ફરેલા સ્વમાનભંગ રાજા માનસિંહને જોઇને બદશાહ એક નવી નીતિ અખત્યાર કરી. કારણ કે, એ જોધાબાઇનો ભાણિયો હતો.

રાજા માનસિંહને કાબુલ, અફઘાનિસ્તાન મોકલો અને શાહબાઝખાનને રાજપૂતાના, ખાસ કરીને મેવાડમાં પ્રજા જે જાતિની હોય તેનાથી વિરૂદ્ધ જાતિનો સેનાપતિ જ ખમીરથી કામ કરી શકે. ગુજરાતી ભાષામાં તો કહેવત છે કે, પારકી માં કાન વીંધે.

 

(૮૧) ધન્ય છે, ભાણ સોનગિરાને

 

કુંભલમેરનો કિલ્લો રાજપૂતાનાના કિલ્લાઓમાં સૌથી ઉંચા સ્થળે આવેલો અને તેથી સંપૂર્ણ સુરક્ષિત. એ મહારાણા પ્રતાપની ત્રીજી રાજધાની હતી. કારણ કે, મોગલસેના માટે અહીં પહોંચવું લોઢાના ચણા ચાવવા બરાબર હતું.

ઇ.સ. ૧૫૭૮ ની સાલ હતી. બાદશાહ અકબર ગર્જી ઉઠ્યા.

“મોગલ બાદશાહનું ધન, મોગલ સામ્રાજ્યની શક્તિ રાજપૂતાનાના બધાં રાજ્યોને નમાવી શકી પરંતુ આ મેવાડી કીકો રાણો કોઇ જુદી માટીનો જ બનેલો છે. એને સંઘર્ષ કરવામાં જ મઝા આવતી હોય એમ લાગે છે. જેમ જેમ સેના પર ભીંસ વધારવામાં આવે છે તેમ તેમ સેનામાં રાજપૂતી સાહસ, દક્ષતાનો અફાટ સાગર તરંગિત થઈને વહેવા માંડે છે. એને હવે કુંભલમેરમાંથી પણ તગેડી મુકવો પડશે.”

“શાહબાઝખાન, તું મોટી સેના લઈને મેવાડ પહોંચી જા. મેવાડી રાણાને ગમે તે ઉપાયે કુંભલમેરમાંથી તગેડી મુક, એ માટે તને ગમે તે ઉપાયો યોજવાની છૂટ આપવામાં આવે છે.”

શાહબાઝખાન માટે આટલું બસ હતું. મોટી સેના સાથે મોગલસેનાના ખુઁખાર સિપેહસાલાર શરીફખાઁ, ગાજીખાઁને તેણે પોતાની સાથે લીધા. બંને હલદીઘાટીના યુદ્ધ વખતના અનુભવી યોદ્ધા હતા. ખાનનું સૂત્ર હતું. “જીત અમારી, લૂંટ તમારી”

ખરી મુસાફરી અજમેર પછી શરૂ થઈ. હલદીઘાટી ઓળગંતા ઓળંગતા તો સેનામાં ફફડાટ વ્યાપી ગયો. ગોગુન્દાથી આગળ વધ્યા ત્યાં તો રસ્તામાં મેવાડીઓને હાથે બે ત્રણ વાર લુંટાયા. પહાડોની અગમ્ય ભાગોમાંથી અચાનક આ લોકો પ્રગટ થતા. વીજળીની ઝડપે અસાવધ મોગલો પાસેથી લૂંટનો માલ પડાવી પહાડોમાં ઓગળી જતા.

“આ વખતે તો મોગલસેનાનું ધસીને નાક કાપવું છે.” કાલુસિંહ બોલ્યો. “કેવી રીતે?” અન્ય સરદારો નવાઇ પામ્યા.

પરંતુ કાલુસિંહ થોડા સાથીઓ મોગલ સેનામાંથી રોકડ ધન અને ચાર હાથી ઉઠાવી લાવ્યો ત્યારે સૌ દમ્ગ થઈ ગયા. મોગલ સિપાહીઓમાં ભયની લાગણી ઉત્પન્ન થઈ.

“શરીફ ખાઁ, હવે કાંઇક કરવું પડશે નહિ તો લશ્કરમાં ખમીર નહિ રહે.”

“આપણે મોં દબાવીશું તો નાક અવશ્ય ખુલશે. સૌ પ્રથમ કુંભલમેરને જીતવું હશે તો એના મૂળ તળેટીના બે સ્થાનો કેલવાડા અને નાડોલને જીતીને ત્યાં નાકાબંધી કરવી પડશે. હવે એ કેવી રીતે જીતવા એ અમારી પર છોડી દો.”

ગાજીખાઁ અને શરીફખાઁને કેલવાડા અને નાડોલ જીતવા ભારે ક્રુરતા દાખવી. રાજપૂતોએ શહીદી વહોરી લીધી.

અહીંથી અરવલ્લીની ટેકરેઓનો ગાઢ વિસ્તાર શરૂ થતો હતો. શાહબાઝખાન મોટી સેના સાથે કુંભલમેર જીતવા ટેકરીઓ પર ચઢી ગયો.

એણે શરીફખાઁ અને ગાજીખાઁને આદેશ આપ્યો હતો. શરીફખાઁ, તમે કેલવાડાની ચોકી સાચવો. ગાજીખાઁ તમે નાડોલની. અહીંથી અનાજના પુરવઠો મહારાણા સુધી ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખજો.

શાહબાઝખાનની સેના કુંભલમેરના કિલ્લા પાસે આવી પહોંચી એટલે કુંભલમેરના કિલ્લાના દ્વારો ભિડાઇ ગયા. મહારાણા કિલ્લામાજ છે તેની ખાનને ખાતરી હતી.

થોડા દિવસો પસાર થયા. કિલ્લામાં અનાજ પાણી ખુટવા આવ્યું. નવી સહાયતા મળવાની ન હતી.

મહારાણા પ્રતાપે પોતાના સરદારો સાથે ચર્ચા કરી.

“આવી રીતે આપણે થોડાં દિવસ જ ટકી શકીશું. ખાન તો આવતા આવશે પરંતુ આપણે અનાજપાણી વિના ભૂખે મરી જઈશું.”

“મહારાણાજી, એવી આતમહત્યા કરવાની જરૂર નથી. હવે તો કેસરિયાં કરવાની વેળા આવી પહોંચે છે.” એક સરદારે ઉત્તેજીત થઈ કહ્યું.

“ના, બધાંએ કેસરિયાં કરવાની જરૂર નથી. આપણી લડત તો ચાલુ રહેવી જોઇએ. મહારાણા અને તેમના પરિવારને ગુપ્ત માર્ગે ખસેડીને અન્યત્ર લઈ જવા થોડા સૈનિકો કુંભલમેરમાં બાકી વધેલા અનાજપાણી ખતમ થતાં સુધી લડત આપશે. આપણો દારૂગોળો તો સુરક્ષિત છે જ. એનો ઉપયોગ કરીને છેવટે કિલ્લામાં રહેલા સિપાહીઓ કેસરિયાં કરે.”

તત્ક્ષણ મહારાણા પ્રતાપ બોલી ઉઠ્યા, “ મારે ભાગી જવાની આ યોજના મને  મંજુર નથી. આપણે સૌ જીવનના સાથી તો છીએ, મરણના કેમ નહિ?

“મહારાણાજી, આપ અહીંથી સલામત નીકળી જાઓ તો આપણી લડત ચાલુ રહેશે.”

 ખુબ જ વાદવિવાદના અંતે મહારાણા સંમત થયા.

“તો પછી કુંભલમેર કોણ સાચવશે?” મહારાણાએ પ્રશ્ન કર્યો.

“મહારાણાજી, કુંભલમેર હું સાચવીશ.” એક સાથે બે સરદરોનો અવાજ અથડાયો. એક હતા સરદાર કાલુસિંહ અને બીજા હતા ભાણ સોનગિરા.

મહારાણા પ્રતાપની આંખોમાં  હર્ષના બે બિંદુ સરી પડ્યા.

“અરે, ભાણ સોનગિરા, તુ? મારા માનસિંહ સોનગિરાના ફળદીપક તું દુર્ગરક્ષક બનવા તૈયાર થયો છે? એનો મતલબ જાણે છે.

“હા, આજના સંજોગોમાં દુર્ગરક્ષક બનવું એટલે મોતને આમંત્રણ. આવું ભાગ્ય, હું મારા જીવનમાંથી જતું કરવા તૈયાર નથી.”

“ભાણ, તારી ભાવનાની હું કદર કરૂં છું. પણ તારી સાથે કાલુસિંહ અને એના સાથીઓને પણ રાખ.” મહારાણાએ આદેશ આપ્યો.

કિલ્લાના ગુપ્તમાર્ગોએથી મહારાણા પ્રતાપ, તેમનો પરિવાર અને થોડા સૈનિકો ધીરે ધીરે ખસતા ગયા. થોડા દિવસોમાં આ અભિયાન પુરૂ થયું.

-૨-

રાત્રિ કાજળઘેરો બુરખો ઓઢીને સુતી હતી. કિલ્લાની અંદર અને કિલ્લાની બહાર સર્વત્ર મૌત છવાઇ ગયું હતું. કેવળ મોગલસેનાના ચોકીદારો જાગતા હતા.

એક ચોકીદાર : “આ મેવાડીઓ ભૂખે મરી જશે પરંતુ શરણે નહિ આવે.”

બીજો ચોકીદાર : “અને શાહબાઝખાન અહીંથી હટવાનું નામ નથી લેતા.

એવામાં કિલ્લામાં મોટો ભડકો થયો. બંને પક્ષની તમામ વ્યક્તિ જાગી ઉઠી. સળગતા દારૂગોળાનો પ્રચંડ પ્રકાશ ગગનનામી હતો તો અવાજ કાનના પડદાને ચીઢી નાંખે એવો પ્રચંડ હતો.

“કાલુસિંહજી, મારી કમનસીબી. દારૂગોળો સળગીને ખતમ થઈ ગયો.” ભાણ સોનગિરા ભારે ચિંતાગ્રસ્ત હતા.

“સોનગિરા, ભગવાન એકલિંગજીની જેવી મરજી. હવે કાલે સવારે કેસરિયા કરવા નીકળી પડીએ. હવે આ કિલ્લામાં રહેવાનો કોઇ અર્થ નથી.”

સવારમાં મેવાડી સૈનિકો કેસરી વાઘામાં સજ્જ થઈને મોતને આલિંગવા નીકળી પડ્યા. તેમણે કિલ્લાના દરવાજા ખોલી નાખ્યા અને ભૂખ્યા સિંહની માફક મોગલો પર ટુટી પડ્યા.

ખૂનખાર યુદ્ધ થયું. ભાણ સોનગિરા અને સઘળા મેવાડીઓ રણમાં ખપી ગયા.

યુદ્ધ પુરૂં થયું. શાહબાઝખાને હરખાતા હૈયે કિલ્લામાં તપાસ કરી પ્રતાપ કે એનો પરિવાર ત્યાં હતો જ નહિ. હતાશાથી એણે માથુ ફૂટ્યું.

“આ જીત, જીત નથી. મારી હાર છે. પંખી તો ઉડી ગયું. પિંજરું તો ખાલી છે.” શહેનશાહને હું શો જવાબ આપીશ?

 એણે કેલવાડાથી ગાજીખાઁ બક્ષીને બોલાવીને  કુંભલમેર આપ્યું ને પાછો ફર્યો. ગુસ્સો તો એવો ચઢ્યો કે પોતાના સાથીઓને ઝડપથી દોડાવતો બપોરે ગોગુન્દા પહોંચ્યા. ત્યાં વાવડ ન મળવાથી પ્રયાણ કરીને અડધી રાતે ઉદયપુર પર ત્રાટક્યો પરંતુ પરિણામ શૂન્ય.

સરદાર કાલુસિંહને યુદ્ધમાં કરારી ચોટ લાગી. તે બેભાનવસ્થામાં એક ખૂણામાં ગબડી પડ્યો. અડધી રાતે તેને ભાન આવ્યું. મોતનું તાંડવ ખેલાઇ ગયું હતું. કુંભલમેર પર મોગલોની સત્તા જામી ગઈ હતી.

ઘાયલ દશામાં હતું તેટલું બળ  ભેગું કરીને તે ચાલ્યો એક ઝૂંપડા આગળ આવીને ગબડી પડ્યો. અવાજ થવાથી ઝૂંપડામાં રહેનાર એક વૃદ્ધ ભીલ અને તેની પત્ની તથા પુત્ર દોડી આવ્યા.

ક્ષણનોયે વિલંબ કર્યા વગર ઘાયલને ઝૂંપડીમાં લઈ લીધો. એના ઘાની સારવાર કરવા માંડી. ત્રણ ચાર દિવસમાં તો કાળુસિંહ સાજો થઈ ગયો.

“તમે કોણ છો?” ભીલે પૂછ્યું.

“હું એક સિપાહી છું. મહારાણાની સેનામાં છું. આપે મને મોતના મુખમાંથી પાછો  આણ્યો છે. હવે મને જવા દો. મોગલ  સિપાહીઓ ચારે બાજુ ફરે છે. તમે મુશ્કેલીમાં મુકાશો.”

“તમારી વાત ખરી છે. આજુબાજુના બંધ ઝૂંપડાના વાસીઓની આશરો આપવાની શંકાને કારણે જ  ખાને હત્યા કરાવી છે. પરંતુ તમે રાતે રવાના થજો.”

મેવાડમાં કુંભલમેરની લડાએની વાત પ્રસરી ગઈ.

ચાવંડમાં પણ આ વાત પહોંચી. મીનાએ જ્યારે જાણ્યું કે, ભાણ સોનગિરા સાથે કાલુસિંહ પણ આ લડાઇમાં ખપી ગયાઅ છે ત્યારે ઉંડો આઘાત લાગ્યો.

“કાલુ ભૈયા, આમ મરે નહિ. હજુ તો એણે મહારાણાને ઘણો સાથ આપવાનો છે.” અને એક રાતે એના દ્વારની સાંકળ ખખડી.

દરવાજો ખોલતાં જ એણે કાળુસિંહને જોયો.

“ભાઇ, તમે?” એ નીચી નમી. કાળુસિંહના ચરણ-સ્પર્શ કર્યા.

આખા ચાવંડ ગામમાં હર્ષ વર્તાઇ ગયો.

ત્રણ દિવસથી ઘરની બહાર ન નિકળેલી સરયુના મનનું દુ:ખ મીના સમજી ગઈ  હતી.

મીનાના પ્રયત્ને સરયુ અને કાળુસિંહ પ્રભુતાને પંથે પડ્યા.

દશ દિવસ વીતી ગયા. કાળુસિંહ હવે મહારાણાને મળવા અધીરો બન્યો.

જ્યારે કાળુસિંહને જીવંત જોયો ત્યારે મહારાણાને આશ્ચર્ય સાથે આનંદ થયો. એના સાથીઓ પણ એને આવી મળ્યા.

ફરી મેવાડમાં કાળુસિંહની દંતકથાઓ વહેવા માંડી.

કોઇ કહેવા માડ્યું, “કાળુસિંહ પર ભૈર પ્રસન્ન છે.”

કોઇ કહેવા માંડ્યું, “ કાળુસિંહને માં ભવાની સાક્ષાત છે.”

કાળુસિંહ કહેતો,” ભાગ્ય બળવાન છે. રા, રાખે તેને કોણ ચાખે? ધન્ય તો ભ્હાણ સોનગિરાને છે. એનું બલિદાન મહાન છે. જે વતન માટે પ્રાણ અર્પણ કરે છે તે તો સદા અમર બની જાય છે.