ધૂલો તો હરખપદૂડો (DTH) - 34 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 34

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૪


આપણે જોયું કે હેમા નામની કન્યા સાથે અમિતની લગ્નોત્સુક મિટીંગ સફળ સાબિત થયા બાદ અચાનક વિચિત્ર કારણસર ફેઇલ થઈ ચૂકી હતી. એમણે આ વાત, એ સંબંધિત છ જણ વચ્ચે જ રાખી, પર કાયમી પરદો પાડી, છએક મહિના માટે સુપ્ત થઈ જવું એવો નિર્ણય કર્યો હતો. અહીં સખી વૃંદ એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે ચર્ચાઓ કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. હવે આગળ...


એ સાંજે આ મિત્ર વર્ગ જ્યારે એ વોટ્સએપ ગ્રુપમાં કાર્યવંત થયાં, બપોરની સહેલીઓની બધી ચેટ વાંચી હસી હસીને બેવડ વળી ગયા.


કેતલા કીમિયાગારે આ કીમિયો કારગર કરવા આ ગુજ્રેજી સંવાદનો વિનીયાએ વિસ્તારપૂર્વક વાતનો વિસ્તાર કર્યો, 'આ ચર્ચા પર કોઈ વાર્તા લખે તો બેસ્ટ સેલર કોમેડી કથા રચાઈ જાય.' તો મયુરીઆએ કળા કરી, 'આની પર તો મનોરંજક ફિલ્મ બની શકે.'


મૂકલો મુસળધાર મલકાયો, 'હા. આ રાજશ્રી પ્રોડકશન હાઉસવાળા આની પર હળવી પારિવારિક ફિલ્મ ઊતારી શકે.' એટલે ભાવલાએ ભૂસ્કો ભર્યો, 'હાસ્તો. એમના સંવાદો અંતાક્ષરીની જેમ વહેતા હતા. એક શબ્દ પકડી ટોપિક ટર્ન કરી દેવાનો.'


વિનીયાએ વિસ્તારપૂર્વક વાત વિસ્તારી, 'હા, દબંગ ફિલ્મના ચૂલબૂલ પાંડેની જેમ રશિયન સેન્ડવિચ સે યાદ આયા રશિયન લડાઈ ચાલુ હૈ.' હરખપદૂડા ધૂલાએ વાતનો તાગડો સાધીને સુઝાવ મૂક્યો, 'તો મિત્રો આ શનિવારીય બેઠક માટે આ રશિયા અને યુક્રેન વોર થીમ રાખીએ.' આ મિત્ર વર્ગને કાંઈક અનોખુ કરવામાં કાયમ મજા આવતી એટલે એમણે ધૂલાના પ્રસ્તાવને માન્યતા આપી. આમ એક નિર્દોષ ચર્ચા, એ શનિવારીય બેઠક માટે થીમ બની ગઈ.


એ શનિવારે તેઓ સાંજે સાડા દસ વાગ્યા સુધી જમવાનું પતાવીને એક કલાકની રશિયા યુક્રેન વોર વિશે એક રમત જેના ઈનામ ધૂલા હરખપદૂડા અને ઈશા હરણી તરફથી આપવાનું નક્કી થયું. અને ત્યારબાદ પત્તાની જમાવટ સાથે વચ્ચે વચ્ચે આચર કુચર નાસ્તાઓ સાથે ચા પાણીનો દોર આખી રાત મોજ મજા માણવી એમ નકકી થયું. સદભાગ્યે, એ શનિવારે કોઈ બહારગામ જવાનું નહોતું. આમ એવો તખ્તો ગોઠવાઈ ચૂક્યો હતો કે રશિયા યુક્રેન વોરનું આવી બનવાનું હતું.


*


૧૯૯૧ માં સોવિયેત યુનિયનના તૂટ્યા બાદથી રશિયાની સત્તા અને પ્રભાવ ગુમાવવા બદલ પુતિનને ભારે નારાજગી છે. યુક્રેન આ અગાઉ સોવિયેત સંઘનો ભાગ હતો, પરંતુ ૧૯૯૧ માં તેણે તેની સ્વતંત્રતા જાહેર કરી.


યુક્રેન પર રશિયાના આક્રમણ અને લાંબા યુદ્ધથી સમસ્ત વિશ્વ સંકટમાં મુકાઈ ગયું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આ લશ્કરી પગલાને પગલે, ઘણા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે આ અનંત (આ લખાય છે ત્યાર સુધીની સ્થિતિ) સંઘર્ષ કેવી રીતે અને શા માટે શરૂ થયો!


કેનેડિયન ઇન્સ્ટિટ્યુટ ફોર યુક્રેનિયન સ્ટડીઝ, યુનિવર્સિટી ઓફ આલ્બર્ટાના ડાયરેક્ટર જાર બાલને સમાન મહત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે, જે સ્વીકાર્ય લાગે છે. 'શા માટે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું?' આ પ્રશ્નના જવાબમાં જાર બાલને કહ્યું કે રશિયાની સરહદે એક સમૃદ્ધ, આધુનિક, સ્વતંત્ર અને લોકશાહી યુરોપીયન દેશનું અસ્તિત્વ રશિયાના નિરંકુશ શાસન માટે ખતરો માનવામાં આવે છે.


જો યુક્રેનના નેતાઓ તેમના દેશને અન્ય પશ્ચિમી લોકશાહીની તર્જ પર સંપૂર્ણ રીતે સુધારવામાં સફળ થાય તો તે ભૂતપૂર્વ સોવિયેત દેશો માટે ખરાબ દાખલો બેસાડશે અને વધુ લોકશાહી ઇચ્છતા દેશો રશિયનો માટે એક ઉદાહરણ આપશે. પુતિન પણ માને છે કે પશ્ચિમી લોકશાહીઓ નબળી સ્થિતિમાં છે. રશિયાને લાગ્યું કે મોટી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. યુક્રેન સરહદો પ્રમાણે પશ્ચિમમાં યુરોપ અને પૂર્વમાં રશિયાથી ઘેરાયેલું છે.


રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ નવેમ્બર ૨૦૧૩ માં શરૂ થયો જ્યારે યુક્રેનના તત્કાલિન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ વિરુદ્ધ કિવમાં વિરોધ શરૂ થયો. ત્યારે એ વિરોધને રશિયાનો સબળ ટેકો હતો.


યુએસ યુકે સમર્થિત વિરોધીઓના વિરોધને કારણે ફેબ્રુઆરી ૨૦૧૪ માં યાનુકોવિચને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. આનાથી નારાજ થઈને રશિયાએ દક્ષિણ યુક્રેનમાં ક્રિમિયાને પોતાના કબજામાં લઈ લીધું હતું. આ પછી, ત્યાંના અલગતાવાદીઓને સમર્થન આપ્યું હતું.


આ અલગતાવાદીઓએ પૂર્વી યુક્રેનના મોટા ભાગ પર નિયંત્રણ કર્યું હતું.

૨૦૧૪ થી ડોનબાસ પ્રાંતમાં રશિયા તરફી અલગતાવાદીઓ અને યુક્રેનિયન સૈન્ય વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. અગાઉ, જ્યારે ૧૯૯૧ માં યુક્રેન સોવિયત સંઘથી અલગ થયું હતું, ત્યારે ક્રિમિયાને લઈને બંને દેશો વચ્ચે ઘણી વખત નાની મોટી અથડામણો થઈ હતી.


૨૦૧૪ પછી પશ્ચિમી દેશોએ રશિયા અને યુક્રેન વચ્ચે સતત તણાવ અને સંઘર્ષ અટકાવવા અને શાંતિ જાળવી રાખવા પહેલ કરી. ૨૦૧૫ માં, બેલારુસની રાજધાની મિન્સ્કમાં ફ્રાન્સ અને જર્મનીએ આ બંને વચ્ચે શાંતિ અને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.


તાજેતરમાં, યુક્રેને નાટો સાથે ગાઢ સંબંધ અને મિત્રતા બનાવવાનું શરૂ કર્યુ હતૂં. યુક્રેન આમ પણ નાટો સાથે સારા સંબંધો ધરાવે છે. ૧૯૪૯ માં, નાટો એટલે કે 'નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન' ની રચના તત્કાલીન સોવિયેત સંઘ સાથે વ્યવહાર કરવા માટે કરવામાં આવી હતી. યુક્રેનના નાટોમાંથી રશિયાને ક્લોઝ કરવાથી વાતથી એમને ગુસ્સો આવવા લાગ્યો હતો.


અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના ૩૦ દેશો નાટોના સભ્ય છે. જો કોઈ દેશ ત્રીજા દેશ પર હુમલો કરે છે, તો નાટોના તમામ સભ્ય દેશો એક થઈને તેની સામે લડે એ મુખ્ય આશય છે. એટલે સ્વાભાવિક બાબત છે કે રશિયા ઇચ્છે છે કે નાટોનો વિસ્તાર ન થાય.


રાષ્ટ્રપતિ પુતિન આ માંગને લઈને યુક્રેન અને પશ્ચિમી દેશો પર દબાણ બનાવી રહ્યા હતા. આખરે રશિયાએ અમેરિકા અને અન્ય દેશોના પ્રતિબંધોની પરવા કર્યા વિના એક દિવસ યુક્રેન પર હુમલો કર્યો. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના દિવસે રશિયાએ યુક્રેન પર લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી અને યુદ્ધ શરૂ થયું હતું.


અત્યાર સુધી તો નાટો, અમેરિકા અને અન્ય કોઈ દેશે યુક્રેનના સમર્થનમાં સીધેસીધા આ યુદ્ધમાં કૂદી પડવાની જાહેરાત કરી નથી. તેઓ કદાચ યુક્રેનને આડકતરી રીતે મદદ કરી રહ્યા હશે. તેથી આ યુદ્ધ શું વળાંક લેશે તે કહેવું મુશ્કેલ છે. પણ જો યુરોપિયન દેશો કે અમેરિકા રશિયા વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહી કરે છે તો સમગ્ર વિશ્વ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.


આમ જોઈએ તો આ ફક્ત બે સ્વતંત્ર રાષ્ટ્રો વચ્ચેની લાંબી લડાઈ છે પણ તાર્કિક વિશલેપણ કરતાં સમજાય એવી દલીલ એ છે કે આ બે સ્વતંત્ર રાષ્ટ્રો વચ્ચેની લાંબી લડાઈ અચાનક ભડકો બનીને ત્રીજા વિશ્વ યુદ્ધમાં પણ ફેરવાઈ શકે છે.


આ થીમ પર આ મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠકમાં સ્પર્ધા ગોઠવાઈ હતી. પણ આ મિત્ર વર્ગમાં મોટા ભાગના મિત્રોને પોતાની આડોશ પાડોશની સોસાયટીઓમાં શું થઈ રહ્યું છે એ ખબર નથી હોતી. એમાં સહેલી વૃંદ તો સાવ ભરાઈ ગયું હતું. એટલે હીરકી હણહણાટે એમને સાંકેતિક કોડ દ્વારા વોટ્સએપ ચેટ ગ્રુપ પર કોઈ મેસેજ નહીં મૂકવા ઇશારો કરી દીધો. એમણે એ સિસ્ટમ પહેલાંથી સેટ કરી દીધી હતી. વળી એમણે સૌએ આ સિસ્ટમની વાત પોતપોતાના પતિઓથી પણ સજ્જડ રીતે ખાનગી રાખી હતી.


બીજા દિવસે ત્રણ વાગે ઈશા હરણીએ એમના વોટ્સએપ ગ્રુપની વોલ પર ચેટિંગ કરવાને બદલે વોટ્સએપ વિડિયો કોલ કર્યો અને એક એકને એડ કરતી ગઈ. ફટાફટ બધી ઓનલાઈન થઈ ગઈ એટલે હીરકીએ હણહણાટ કરી પરિસ્થિતિનો વરતારો આપી શું કરવું એ પંદર મિનિટમાં સમજાવી દીધું.


શરૂઆત હીરકીએ કરી કે આ મિત્ર વર્ગના આ ગ્રુપમાં પ્રતિષ્ઠિત જ્ઞાની પુરુષ તરીકે વિનીયા વિસ્તારીનો વટ હતો. તો ભણેલા ગણેલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાવલા ભૂસકાનો દબદબો હતો. મયુરીયો કળાકાર જેમ તેમ, યેન કેન પ્રકારે પોતાનો સિક્કો ચલાવવામાં માહેર હતો. તો પોતાની કરતબ દાખવી કમાલપૂર્વક દરેક બાજી રમવા ટેવાયેલો અઠંગ ખેલાડી એટલે કેતલો કીમિયાગાર હતો, વળી પોતાની જબરજસ્ત ચતર્ક શક્તિ તથા વાક ચાતુર્ય અને ચાલબાજ ચાણક્ય તો ધૂલો હરખપદૂડો જ હોઈ શકે. તો ઠરેલ, અનુભવી, આખા ગ્રુપનો લીડર, વિચક્ષણ તથા ધૂર્ત સ્વરૂપ મૂકલો મુસળધાર. એટલે એમને જ ભીડાવી દેવાના. એ સૌ ભોળી બનીને તમાશો જોશે. વચ્ચે વચ્ચે એકાદ મૂર્ખાઈ ભરેલો તુક્કો પણ મૂકતા રહેવાનું જેથી એમને આ સમજૂતી વિશે કોઈ હિન્ટ ના મળે. આમ એક જબરજસ્ત ગડબડ ગોળીબાર માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ થઈ ચૂકી હતી.


આ માસિક શનિવારીય બેઠકમાં શું થશે? શું આ રશિયા યુક્રેન વોરની થીમ સક્સેસ થશે કે ફેઈલ? શું આ સહેલી વૃંદ સાથે મળીને એમના પતિઓની ફિરકી લેશે? હવે આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૫ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).