સવાઈ માતા - ભાગ 47 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 47

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૭)

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા

લેખન તારીખ : ૨૭-૦૭-૨૦૨૩

મેઘનાબહેને સવલીને ફોન કરીને જણાવ્યું : હું આજે લગભગ ચાર વાગ્યે તને મળવા આવીશ. અને હા, મારી સાથે એક બહેન પણ હશે. તેઓ તને મળવા ઈચ્છે છે.


સવલી મેઘનાબહેનનાં આવવાની વાતથી ખુશ થઈ પણ બીજુંય કો'ક આવે છે, એ વાતે મૂંઝાઈ.


સવલી : તે બુન, ઈમને મન કેમ મલવું સ?


મેઘનાબહેન : ચિંતા ન કર. આવું એટલે બધું જ કહું છું. હા, તું પેલી બનાવે છે ને નાગલી અને બાવટાની નાની-નાની થેપલી, સમય હોય તો થોડી બનાવી રાખજે.


સવલી : ઈ તો બનાવેલી જ સે બુન. આ છોરાંન રોજ નિસાળ લૈ જવા જોયેન. થોડો રાગીનો ઘસિયો બનાઈ દઉં સું. નિખિલન ભાવે સ ને.


મેઘનાબહેન આ સીધી સાદી આધેડ સ્ત્રીની વિશુદ્ધ ભાવનાને સાંભળી રહ્યાં.


થોડી અલપઝલપ વાતો કરી બેય તરફથી ફોન મૂકાયો. બંને બાળકોએ શાળાએથી આવી જમી લીધું હતું અને રસોડું પણ સાફ કરી લીધું હતું. થોડો આરામ કરી તેઓ ગૃહકાર્ય કરવા બેઠાં અને સવલીએ મહેમાન માટે થોડી નવી થેપલી, ઘસિયો અને લસણ-મરચાં નાખી કોઠાંની ખાટી-તીખી ચટણી બનાવી લીધી. કામકાજથી પરવારીને સવલીએ ફરી વખત નહાઈ લીધું એટલે જ્યારે મહેમાન આવે ત્યારે સુઘડતા ઝળકે.


મેઘનાબહેન બરાબર ચાર વાગ્યે વીણાબહેન સાથે આવી ગયાં. ક્યારનીયે બાલ્કનીમાં ઊભાં રહી તેમની રાહ જોતી સવલીએ તેમનાં ઉપર આવતાં સુધીમાં મુખ્ય દરવાજો ખોલી દીધો. લિફ્ટમાંથી બહાર નીકળતાં જ મેઘનાબહેને આપેલ હુંફાળા સ્મિતથી સવલીને જાણે તેનાં પિયરથી કોઈક સ્વજન આવ્યાનો આનંદ મળ્યો. બેયને ઘરમાં આવકાર્યાં પછી સવલી ટ્રેમાં બે ગ્લાસ ભરી પાણી અને તાજો બનાવેલો નાસ્તો લઈ આવી. તેની આ ટ્રેઈનિંગ મેઘનાબહેન અને લીલાને આભારી હતી.


મેઘનાબહેને વીણાબહેનનો અને સવલીનો પરસ્પર પરિચય કરાવ્યો. વીણાબહેને સવલીએ બનાવેલી થેપલી-ચટણી અને ઘસિયો ચાખ્યાં. ઘસિયો તો સાવ જ ઓછાં ઘી માં બનેલ ખૂબ જ પૌષ્ટિક લાગ્યો. થેપલી પણ ધીમા તાપે શેકીને બનાવેલી હતી એટલે તેમાં પણ તેલનો સાવ આછેરો જ ઉપયોગ હતો. વળી, સવલીએ તે રોજ બનાવતી તે શાક-ભાજી જણાવ્યાં જેમાં તેલ, ઘીનો નહિવત્ ઉપયોગ હતો અને મોટાભાગની વાનગીઓ હાથછડનાં જાડાં ધાન્યથી બનતી એટલે તેમાં ફાઈબર્સનું પ્રમાણ ઊંચું રહેતું. તે મોટાભાગે માટીનાં વાસણોમાં ભોજન બનાવતી અને સગડીનાં તાપનો વધુ ઉપયોગ કરતી. આ બધી જ બાબતો વીણાબહેનને ખૂબ જ ગમી ગઈ.


વીણાબહેન : સવલીબહેન, તમારાં હાથમાં સાદગીભર્યો સ્વાદિષ્ટ જાદુ છે. જેને ખબર ન હોય તે આ ખાઈને કહી જ ન શકે કે આ નાગલીની થેપલી શેકેલી વાનગી છે અને આ ઘસિયો પણ કુદરતી ગોળ, ગુંદરથી બનેલ છે.


સવલી : બુન, આ ત માર માએ હીખવાડેલ. જિયાર ગામમાં ઉતાંન તો બૌ બનાવતાં. આંય મજૂરીમાં તો હરખાં પૈહા જ ની મલે પણ જિયાર બી રમુન મલવા આઉંન તે આ મેઘનાબુન મન હંધુય લૈ આલે. તે ઉં ઘેર જૈ આ છોરાંવને બનાઈન ખવડાઉં. રમુન તો ઈમને તંઈ કોય કમી ની મલે પણ માર બાકીનાં છોરાંવ હાટુ બી બુન કંઈ ને કંઈ કયરા જ કરે. બોવ જ દયાળુ જીવ છે, બાપ.


વીણાબહેન બોલ્યાં : હવે તમારાં દિવસો સુધરી ગયાં છે ને! એટલે જ એક મઝાનું કામ લઈને આવી છું. તમારાં આ સ્વાદનો જાદુ તમારે મારાં બીમાર દર્દીઓ માટે વાપરવાનો. તેમને કોરા નાસ્તાની વિવિધ વાનગીઓ બનાવીને આપવાની. ઘરેથી ફાવે તો તેમ, મારાં ઘરે પણ અલાયદું મોટું રસોડું છે, ત્યાં આવવું હોય તો તેમ. ત્યાં તમે કહેશો એવાં વાસણ અને સામાન લઈ લઈશું. (પછી કાંઈ યાદ આવતાં બોલ્યાં) અને હા, એકલાં તમે જ નહીં, બીજાં પણ બે-ત્રણ બહેનો જોઈશે તમારી મદદે.


સવલી (ખુશ તો થઈ પણ થોડો મૂંઝારો પણ એના મોં ઉપર લીંપાયેલ લાગ્યો) : પણ બુન, મન તો આંય કોઈ જ જગા ની મલે. ઉં તો આંયથી ઘર બા'ર એકલી નીકળેલી જ નંઈ. અન આ તો ઉં ઘરનું જ બનાઉં. બધાંન મારું ખાવાનું થોડી જ ભાવે?


મેઘનાબહેન : અરે સવલી, ચિંતા ન કર. પેલાં રિક્ષાવાળાં ભાઈ તને રોજ લઈ જઈ શકે છે. તું નક્કી કર, તારે ઘરેથી બનાવવું છે કે બેનનાં ઘરે જઈને. તારી પોતાની આવક મજૂરીથી તો ઘણી જ વધી જશે. અને આ આખો દિવસ ઘરે રહીને તને કંટાળો પણ નહીં આવે. વળી આ થોડું સેવાનું જ કામ છે. તારી વાનગીઓ અદ્દલ એવી છે જેની આ વીણાબહેનને જોઈએ છે. લોકો વખાણી વખાણીને ખાશે અને ખાઈ ખાઈને વખાણશે. ઉપરથી સાજાં થશે એ તો નફામાં.


થોડું વિચારીને સવલીએ આ કામ કરવાની હા કહી. તેણે વીણાબહેનનાં ઘરે જ જવાનું વિચાર્યું જેથી બીજી સ્ત્રીઓ ત્યાં તેની મદદમાં સાથે રહે. હવે એક જ સવાલ હતો, સમુ અને મનુનો. બેય શાળાએથી આવે પછી લગભગ બે કલાક તેમણે એકલાં જ રહેવું પડે. પાછો ભરબપોરનો સમય એટલે કોઈ પાડોશીને પણ ધ્યાન રાખવાનું કહી ન શકાય. તેમની વાતો ચાલતી હતી ત્યાં જ સમુ બહાર આવી.


મેઘનાબહેન : દીકરા, કેવું ચાલે છે ભણવાનું? પેલાં નવાં ટ્યુશન ટીચર ભણાવે તે સમજાય છે ને?


સમુ : હા, માસી. અવ તો બૌ જ મઝા પડે છે. સ્કૂલ બી હારી છે ને બધ્ધાં બેન ને સાયેબ ભણાવે બી છે. આ ઘરે આવે છ એ સાયેબ તો મને બોલતાં બી શીખવે છે.


મેઘનાબહેન : હા, એ તો તારાં બોલવા ઉપરથી જણાઈ જાય છે બેટા. ખૂબ ભણો. માતા પિતાને મદદરૂપ બની તેમને સુખ આપતાં રહો.


સમુ : હા, માસી. બેન તો કેવાં મઝાનાં લૂગડાં પે'રી ઓફિસ જાય છે. પાછી રાતે ભણીન ઘેર આવે તો બી મા ને બાપુ જોડે બધ્ધી વાતો કરે. તમન ખબર છે, એ તો હવારે બાપુને ગાડીમાં બેહાડીને દુકાને મૂકીન પછી ઓફિસ જાય છે.


ત્યાં જ મનુ બહાર આવ્યો અને વાતમાં વચ્ચે કૂદ્યો : તે એ તો રમુ દી છે એટલે ગાડી ચલાવી લે. બાકી, માસી આ સમુડી છે ન એ તો કાલે પેલા રમણકાકાની સાયકલ ફેરવતાં બી પડી ગયલી. એમની સાયકલની બ્રેક બી તોડી નાયખી. પણ એ તો બાપુનાં ભાઈબંધ છે ન તે કંઈ બોયલા ની. બાકી તો માર પડતે આને.

પછી તો દસ-પંદર મિનિટ બેયની એકબીજા તરફની હળવી મજાક અને ફરિયાદો ચાલતી રહી. મેઘનાબહેનની આંખોનાં ખૂણા ભીનાં થયાં. હાથરૂમાલથી તેને લૂછતાં બોલ્યાં : આ રમીલા અને નિખિલ આવું જ ખોટેખોટું ઝઘડતાં અને જ્યાં સુધી હું બૂમ ન પાડું ત્યાં સુધી આ ખેલ ચાલતો. હજી આ ગ ઈકાલે ચાર-પાંચ કલાક રોકાઈ તેમાં પણ બેયને બરાબર જામી. પણ હવે તો હું સારી રીતે જાણું છું કે એ તોફાન જામતું નથી, બેય હાથે કરીને જમાવે છે એટલે અમે તેમનામાં જ પરોવાયેલાં રહીએ, બરાબરને, મનુ? તમેય તે આમ જ કરો છો ને?

મનુ અને સમુ જાણે પોતાની ચોરી પકડાઈ હોય તેમ શરમાયાં, પણ મનુ થોડો વધુ જલદી સ્વસ્થ થઈ બોલ્યો : બરાબર, માસી. અમે ચૂપચાપ બેસી રહીએ તો તમને મોટાંને કેમ ગમે? એટલે આવું થોડું લડી લઈએ. બાકી રમુદી અને નિખિલભાઈની જેમ મને અને આ સમુડીને એકબીજાં વગર જરાય ન ચાલે. સાચું ને સમુ?

સમુ હસતી હસતી મેઘનાબહેન પાસે જતી રહી. થોડું જગ્યાએથી ખસીને મેઘનાબહેને સમુને પોતાની અને વીણાબહેનની વચ્ચે બેસાડી. મનુને પણ બાજુના સોફા ઉપર બેસાડ્યો અને વીણાબહેનનો પ્રસ્તાવ તેમને વિગતે કહ્યો. બેય બાળકો ભારે સમજુ તે તરત જ કહેવા લાગ્યાં : મા, માસી, અમારી ચિંતા ન કરો. અમે બેય કાંઈક વિચારી લઈશું. તમે બાપુને અને બહેનને કહી દો પછી છુટ્ટા.

થોડી વાતચીત કરી વીણાબહેન અને મેઘનાબહેન ઘરે જવા નીકળ્યાં. સવલીએ બે- ત્રણ દિવસનો સમય માંગ્યો જેથી પતિ સાથે વાત થઈ જાય અને ઘરનાં કામકાજ પણ સમયસર પૂરાં કરીને નીકળાય.


ક્રમશઃ


મિત્રો,


વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.


ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻


આભાર


અલ્પા ભટ્ટ પુરોહિત


વડોદરા