ઘડપણ
પીપળ પાન ખરંતા, હસતી કુપળિયા
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા
"કેમ છો બા? બઉ દિવસે દેખાયા?! ક્યાં ગયા દાદા આજે? "
"એતો બીમાર થાઉ તો જ આવું ને, દાદા આવે છે ને પાછળ. "
85 વર્ષ ના બા. પાતળો બાંધો અને નીચી કાઠી, ઉંમરે પોતાનું કામ વ્યવસ્થિત કરેલું હતું, આખા શરીર પર કરચલી અને હાથ માં ટેકા માટે એક લાકડી, નજીક ના એક ગામ માં પોતાનું નાનું ઘર.
બા ને તપાસ કરી એક બોટલ ચઢાવાની જરૂર હતી એટલે નર્સ ને કહીને બોટલ ચાલુ કર્યો. મારે પણ આજે ખાસ દર્દી હતા નઈ એટલે થોડા મજાક સાથે કહ્યું,
" આ ઉંમરે દાદા ને ક્યાં મૂકી આયા? "
" હવે આ ઉંમરે ક્યાં જવાનાં, આગળ એક દુકાન માં કામ છે એટલે એ પતાવીને અહીં જ આવશે ને!! એ પણ હસવા લાગ્યા.
એટલા માં દાદા આવી ગયા. હાલચાલ પુછ્યા, એટલે એમને કહ્યું,
" આ થોડા ઘઉં અને ચોખા હતા એ વેચવા ગયો હતો. એનાથી જે પૈસા આવે એમાં થોડા દિવસ નીકળી જાય. "
મને આશ્ચર્ય થયું. 85-87 વર્ષ ની ઉંમરે આ બા દાદા જાતે ખેતી કરીને કમાય અને ખાય છે. મેં પૂછી જ લીધું,
" દાદા તમારા છોકરી છોકરાઓ?? "
"છોકરી તો પરણી ને બીજે ગામ રહે છે સાહેબ, છોકરા અને વહુ ને ભગવાને અમારી પેહલા ઉપાડી લીધા, એમનો એક છોકરો છે એ અમારી સાથે જ રહે છે. એને હમણાંજ બારમું પત્યું હવે ક્યાંક કોલેજ માં એડમિશન મળ્યું છે ખરું. "
"બરાબર છે દાદા, સારુ કહેવાય આટલી ઉંમર એ પણ તમે કામ કરો છો."
" આ દાદા ને સંભળાતું નથી અને મારું શરીર બઉં ચાલતું નથી. સવારે ઉઠીને ખાવા બનાઉં, ખેતર માં જઈએ, આવીને ખાઈને સુઈ જવાનુ. એમ કરીને દિવસ નીકળી જાય. " બા વચ્ચે બોલ્યા.
એટલા માં બા નો બોટલ પૂરો થયો અને મેં દવા સમજાવી ને આપી.
"ફરી સમજાવો સાહેબ, અને યાદ રહેતુ નથી , મને ખબર ના પડી "
" આમને સંભળાતું નથી એટલે, મને તો ખબર પડી ગઈ" બા એટલું બોલી ને હસ્યાં.
" તો આ ઘઉં ચોખા એ બધું?? " મેં મારી વાત ચાલુ કરી.
" ખેતર માં થયાં હતા તો થોડા રાખીએ અને બાકીના વેચી કાઢવાના. "બા એ કીધું.
" જોવો સાહેબ, 87 વર્ષ થયાં, બઉં દુનિયા જોઈ લીધી. જુવાન હતા તો બઉં કામ કર્યું અને આ ઘડપણ નો સમય પણ પસાર કરવો જ રહ્યો. 60 વર્ષ થી સાથે રહીએ છે, એકબીજા ને ઉત્સાહ આપીને, પૂરક બનીને જીવન નો આનંદ લઈએ છે.જે રીતે યુવાવસ્થા ને માણીએ છે એજ રીતે ઘડપણ ને પણ માણવું જોઈએ. સમય તો કાઢવાનો જ છે તો શા માટે નિરાશા રાખવી. જ્યારથી સંભળાતું નથી ત્યાર થી વધારે શાંતિ થઇ ગઈ છે આ બા બોલ્યા કરે બઉં ધ્યાન નઈ આપવાનું." એટલું કહી ને દાદા હસ્યાં .
" ચાલો હવે કથા કર્યા વગર, ઘરે પણ જવાનુ છે " બા એ મોં બગાડીને જવાબ આપ્યો.
મેં પણ હસતા હસતા એમને રીક્ષા બોલાવી એમાં બેસાડીને રવાના કર્યા.
ઘડપણ,
જન્મ, યુવાનવસ્થા, ઘડપણ અને મૃત્યુ આ એક નિરંતર પ્રક્રિયા છે. અત્યાર ના આધુનિક સમય માં ઘડપણ એક સમસ્યા તરીકે જોવામાં આવે છે. પરંતુ એને પણ આવી રીતે હસી ખુશી થી જીવી શકાય છે.
આ 85 વર્ષ ના યુગલ ને જોઈને પ્રોત્સાહન મળે કે પ્રતિકૂળ પરિસ્થિતિ માં પણ જીવન પ્રત્યે નો એમનો વિચાર જ અલગ છે. આજ ના સમય માં મોબાઇલ અને કોઈ પણ પ્રકાર ના સાધન વગર, ભગવાન કે નસીબ ને દોષ આપ્યા વગર, માત્ર એકબીજાના સાથ માત્ર થી એટલા વર્ષો ઉત્સાહ અને ઉમંગ થી કાઢવા એ કઈ નાની સુની વાત નથી.જયારે 40 વર્ષ ના જુવાન નાસીપાસ થઇ જાય ત્યારે આ લોકો 85 વર્ષે પણ ઉત્સાહપૂર્વક જીવન ને માણે છે.
સમય નું કાળચક એનું કામ કરવાનું જ છે આપડે પરિસ્થિતિ નો સામનો કરીને વર્તમાન ક્ષણ નો આનંદ લેતા શીખવું જોઈએ.
Dr Dhairya Shah