Mara Anubhavo - 2 books and stories free download online pdf in Gujarati

મારાં અનુભવો - 2 - લાચારી

લાચારી

" બોલો કાકા, શું થાય છે? "
" સાહેબ, હાથ પગ ઉપડતા નથી, શરીર માં તાકાત નથી, કોઈએ કહ્યું આ ડૉક્ટર સારા છે એટલે માંડ માંડ અહીં આયો છું."
ભગવા રંગ નો ઝભો અને ધોતી સાથે ધીર ગંભીર ચહેરો, ચિંતાતુર અવાજ અને આખા શરીર માં કરચલી જોઈને ઉંમર 65-70 હશે એનો અંદાજ આયો. બંને પગ માં સોજા, હાથ માં ધ્રુજારી અને બોલવામાં પણ થોથવાત હતી.

" અહીં બેસો કાકા, શું કામ કરો છો? "

" એક ભજન મંડળી છે એમાં તબલા વગાડું છું સાહેબ ,એમાં ખાવા પીવાનું થઈ રે છે. તમે એક તાકાત નો બોટલ ચઢાઈ આપો ને. કેટલા રૂપિયા થશે??

" ઓહહો, ભજન કરો છો એમ ને. તમે પૈસા ની ચિંતા ના કરો હું ચઢાઈ આપું છું બોટલ. "
કાકા ને તપાસી ને નર્સ ને એક બોટલ ચઢાઈ એમાં ઈન્જેકશન નાખવાનું કહી ને બીજા દર્દી જોવા લાગ્યો.
બધા દર્દી તપાસી ને કાકા પાસે ગયો અને વાત ચાલુ કરી.
" તમારા છોકરા હશે ને? "
" શું વાત કરું સાહેબ, 2 છોકરા છે અને એમના પણ છોકરા છે. સારુ એવુ કમાય પણ છે. પણ શું કહું હવે તમને!!" એટલું કેહતા એમની આંખ માં પાણી આવી ગયા.
"તો આ ઉંમર એ તમે કેમ કામ કરો છો?"
" અહીં નજીક ના ગામ માં જ હું રહુ છું, માઁ વગર ના બંને છોકરાઓ ને ભણાયા અને કામ કરતા કર્યા. લગન કરાયા એમના પણ છોકરા છે. મારું ઘર અને જમીન વેચીને એ લોકો નાં નામે કરી આપી. એમને બીજા ગામ માં ઘર બાંધી આપ્યા. હવે એલોકો મારી સાથે બોલતા નથી. મારું પોતાનું ઘર પણ નથી ગામ વાળા એ એક રૂમ આપ્યો એમાં રહુ છું. છોકરાઓ પાસે દવા ના પૈસા માંગુ તો ' હવે મારવાની ઉંમર થઈ દવા કરવાની કોઈ જરૂર નથી ' એમ કહી ને ધૂતકારે છે. "
"તો આ ભજન મંડળી માં કેટલા મળી રે?"
" એતો સાહેબ 2 સમય નું ખાવા જેટલાં થઈ રે. કોઈ મદદ કરે તો દવા ના મળે. લાચાર છું સાહેબ ક્યારેય કોઈની પાસે થી કઈ માંગ્યું નથી પણ અત્યાંરે શું કરું, ક્યાં જાઉં, કઈ ખબર નથી પડતી. જેમ તેમ દિવસો ગણું છુ હવે તો."

એટલા માં કાકા નો બોટલ પૂરો થયો.
" કાકા હવે દવા ના પૈસા ની ચિંતા ના કરશો કઈ તકલીફ થાય તો આવી જજો અને જેટલાં હોય એટલા આપજો કઈ વાંધો નઈ. "

કાકા આશીર્વાદ આપીને,જેટલાં હતા એટલા રૂપિયા આપીને જતા રયા. પણ હું હજી સ્તબ્ધ હતો. એમની વાતો હજી મારાં મગજ માં ફરતી હતી. સાથે સાથે કેટલાક સવાલો પણ ફરતા હતા,

'આ લાચારી માટે જવાબદાર કોણ? કાકા પોતે!, એમના છોકરાઓ, કે પછી સમય !!!'
'શું કાકા એ ઘર અને જમીન છોકરાઓના નામે ના કરી હોત તો આવી લાચારી થતી? '
' શું એ નાલાયક છોકરાઓ ને જે માણસે એમના જીવન નું સિંચન કર્યું એને લાચાર બનવાનો હક ખરો!!'
' કે પછી આને જ કર્મ નો સિદ્ધાંત કહેવાય છે!!'

માણસ પરિસ્થિતિ ની સામે હારીને લાચાર થઈ જાય છે આ કાકા જેવા કેટલાય લોકો આવી પરિસ્થિતિ નો સામનો કરતા હોય છે. ક્યાંક સહારો મળે એની રાહ જોતા હોય છે.

એના પરથી શીખવા એટલું મળે કે કોઈની લાચારી નું કારણ બનવા કરતા એમનો સહારો બનવું, કારણ કે કર્મ નો સિદ્ધાંત બધા પર સરખો જ લાગુ પડતો હોય છે.

Dr Dhairya Shah

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED