Pranay Parinay - 63 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 63

પ્રણય પરિણય ભાગ ૬૩


જમી લીધા પછી બધા વાતો કરી રહ્યા હતા ત્યારે વિવાનના ફોન પર રીંગ વાગી. તેણે જોયું તો હીરાલાલ ઝવેરીનો ફોન હતો. ઝવેરી અંકલનો એટલો મોડો ફોન આવ્યો એટલે તેને લાગ્યું કે કોઈ ખાસ કામ હશે. ફોન લઇને એ બહાર નીકળ્યો.


'હલો અંકલ..'


'સોરી વિવાન, પણ એક કામના ન્યુઝ છે એટલે તને આટલો મોડો ફોન કર્યો.' ઝવેરી અંકલ બોલ્યા.


'અરે અંકલ, તમે મારા વડીલ છો. તમે ક્યારે પણ મને ફોન કરી શકો છો. બોલો બોલો શું હતું?'


'પ્રતાપ રાઠોડ એના દિકરા મલ્હારના જામીન માટે દોડાદોડી કરે છે એ તો ખબર છે ને તને?'


ઝવેરી અંકલે મલ્હારનું નામ લીધું એટલે વિવાને ચિત એકાગ્ર કર્યું.


'હા અંકલ. પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી કેસ ઘણો સ્ટ્રોંગ છે.'


'હાં.. એ તો છે જ, પણ હવે એ આવા કેસના સ્પેશિયાલિસ્ટ વકીલ દામજી લાલવાનીને રોકવા માંગે છે!!'


'ઓહ! દામજી લાલવાણી? પણ એની ફી કેટલી છે એ પ્રતાપ ભાઈને ખબર છે? કોર્ટમાં એક વાર હાજર રહેવાના પંદર લાખ રૂપિયા ચાર્જ મારે છે એ. પૈસા તો બચ્યા નથી એ લોકો પાસે.' વિવાન બોલ્યો.


'એ વાત માટે જ મેં તને ફોન કર્યો છે, સાંભળ, એની વ્હાઈટની પ્રોપર્ટી મારી પાસે ગીરવે પડી છે. માર્કેટના રૂલ પ્રમાણે મેં એને પ્રોપર્ટીની કિંમતના પચાસ ટકા રૂપિયા વ્યાજે આપ્યા છે. તેને વ્યાજ કાપીને હજુ ત્રીસ ટકા જોઈએ છે, એ પ્રોપર્ટી વેચી દેવા તૈયાર છે. મલ્હારને જામીન મળી જાય તો વિદેશ ભાગવાનો પ્લાન છે. એટલે એને પૈસાની ગરજ છે. થોડું ખેંચતા વીસ ટકામાં માની જશે. મને તો વ્યાજમાં રસ છે, હું પ્રોપર્ટીમા ઈન્વેસ્ટમેન્ટ નથી કરતો, નહિતો હું જ ખરીદી લઉં. તને ઈન્ટરેસ્ટ હોય તો બોલ.. મારુ વ્યાજ કાપીને રોકડો પચીસ ટકાનો ફાયદો છે.'


વિવાને મનમાં જ ગણતરી કરી લીધી.


'ઓકે અંકલ, કાલે સવારે તમને ચેક મળી જશે.' કહીને વિવાને ફોન મુક્યો અને ઉંડા વિચારમાં ગરકાઉ થઈને એ બંગલાના ગાર્ડનની બેંચ પર બેસી ગયો.


ઘણા સમય સુધી વિવાન વિચાર કરતો ત્યાં જ બેઠો રહ્યો. અંદર લગભગ બધા ઉંઘી ગયા હતા. રઘુ બે વખત આવીને પુછપરછ કરી ગયો હતો પણ વિવાને તેને કોઈ જવાબ ના આપ્યો. લગભગ દોઢ બે કલાક પછી તે ઉભો થઈને બેડરૂમમાં ગયો. હવે તે એકદમ હળવો ફૂલ હતો.


વિવાન હળવેથી દરવાજો ખોલીને અંદર આવ્યો. ગઝલ બેડના બદલે સોફા પર સુઈ ગઈ હતી. તેને જોઇને એ મૂછમાં હસ્યો. ગઝલ હજુ પણ તેના પર નારાજ છે એ બતાવવા માટે જ સોફા પર સૂતી હતી.


વિવાને હળવેથી ગઝલને ઉંચકી અને બેડ પર સુવડાવી. પછી પોતે પણ તેની બાજુમાં સૂતો. શરીર પર બ્લેંન્કેટ ઓઢીને તેણે ગઝલને પોતાના પડખાંમાં ખેંચી અને તેના કપાળ પર ચુંબન કર્યું.


'હવેથી હું તને પુરો સમય આપવાની કોશિશ કરીશ.' વિવાન ધીરેથી બબડ્યો. અને આંખો મીંચીને સુઈ ગયો.


કોણ જાણે કેટલા દિવસ પછી આજે વિવાન ખરા અર્થમાં શાંતિથી સૂતો હતો. આજે તેની લાડકી બેન સુખરૂપ ઘરે આવી ગઈ હતી અને તેની ગઝલ તેની બાહોંમાં હતી.


હાં, હજુ એ તેનાથી રિસાયેલી હતી અને તેને મનાવવાની બાકી હતી. પણ એની માટેની બધી તૈયારીઓ વિવાને કરી જ લીધી હતી.


હંમેશની જેમ વહેલી સવારે ગઝલની આંખો ખુલી. એઝ યુઝવલ એ વિવાનની બાહોંમાં હતી. બેઉના ચહેરા એકદમ પાસે પાસે હતા. આજે લગભગ પંદર દિવસ પછી એ વિવાનને વળગીને સૂતી હતી. વિવાનની ઉંઘ હજુ ઉડી નહોતી. એક બાળક જેવું નિર્દોષ સ્મિત તેના ચહેરા પર રમતું હતું. ગઝલને તેના ગાલ પર કિસ કરવાનું મન થઈ ગયું. એ ઉંચી થઈને કિસ કરવાં ગઈ પણ ખરી, ત્યાં એને યાદ આવ્યું કે પોતે તો એનાથી રિસાયેલી છે. તરતજ તેના ચહેરાની રેખાઓ પલટાઈ. અને તેને વિચાર આવ્યો કે રાતે તો પોતે સોફા પર સુતી હતી. તો બેડ પર કેવી રીતે પહોંચી?


'કેવી રીતે શું? આ જ મને ઉંચકીને બેડ પર લાવ્યા હશે.' એ વિવાન તરફ જોઈને ધીમેથી બબડી.


'ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ..' વિવાને તેને પકડીને તેના ગાલ પર કિસ કરીને બોલ્યો. ગઝલ ચમકી.


'તમે જાગતા હતા?'


'ઊંહું.. મારી આંખો હજુ બંધ છે, મતલબ હું હજી સૂતો જ છું.'


'છોડો મને..'


'ઊંહું..' વિવાને તેને ઊલટાની જોરથી ભીંસી. તેની પૂરેપૂરી છાતી હવે વિવાનની છાતી સાથે ભીંસાઈ ગઈ હતી. તેના હૃદયમાં ધડધડાટી મચી ગઈ.


ગઝલના હોઠ પર કિસ કરવા માટે વિવાન પોતાનો ચહેરો તેની વધુ નજીક લાવ્યો. ગઝલએ તેને એટલા જોરથી ધક્કો માર્યો કે બિચારો વિવાન ફેંકાઈને બેડની નીચે પડ્યો.


'આહહ!!' વિવાન કોણી અને માથુ ચોળતો જમીન પર જ બેસી ગયો. ગઝલ મોઢા આડો હાથ રાખીને હસવા લાગી.


'કોઈ પોતાના વર સાથે આવું કરે?' વિવાન દર્દભર્યા અવાજે બોલ્યો.


'તો કોઈ પોતાની વાઈફ સાથે એવું કરે કે?' ગઝલએ સામે વાંધો ઉઠાવ્યો.


'મેં શું કર્યું?'


'કેમ? રાતે સોફા પરથી ઉંચકીને બેડ પર લીધી. મને વળગીને સુતા.. હવે આ કિસ.. એ બધું કોણે કર્યું?'


'તો કોઈ પોતાની બૈરીને વળગીને ના સૂએ તો બીજા કોઈને વળગીને સૂએ કે?'


'હમમ્..જાઓ તમારી સાથે તો વાત કરવી જ નકામી છે.' ગઝલએ મોઢું મચકોડ્યું.


'અરે પત્નીજી..' વિવાન તેનો હાથ પોતાના હાથમાં લઈને પ્રેમથી વિનવતા બોલ્યો: 'હવે ગુસ્સો છોડોને..'


ગઝલએ નકાર ભણ્યો.


'પ્લીઝ..'


ગઝલએ ફરીથી નકારમાં માથું ધુણાવ્યું.


'હું તને શોપિંગ કરવા લઇ જઈશ.'


ગઝલએ મોઢું વંકાવ્યું.


'ઓકે.. રાત્રે ડિનર પર લઈ જઈશ..'


'ટચ્ચ..'


'તું જ બોલ.. તારો ગુસ્સો શાંત કરવા શું કરું?'


'આઈ ડોન્ટ નો..' ગઝલએ ખભા ઉછાળ્યા.


'અરે! એવુ કેવું? તું ઘરમાં બધાં સાથે બોલે છે, ફક્ત મારી સાથે જ અબોલા.. આ તો મારા પર અત્યાચાર કહેવાય..' વિવાન દયામણો ફેસ બનાવીને બોલ્યો.


ગઝલ આંખો ઝીણી કરીને તેની સામે જોઈ રહી.


'ગઝલ બેટા..' એટલામાં વૈભવી ફઈનો અવાજ આવ્યો.


'એ આવી…' ગઝલ બહાર જવા નીકળી અને વિવાને તેનો હાથ પકડીને ખેંચી. ગઝલ બેડ પર પડી.


'વિવાન..?' ગઝલ ચમકીને બોલી.


'બોલ ને..' વિવાન તેની ઉપર આવતા બોલ્યો.


'બાજુ હટો, ફઈ બોલાવે છે..'


'તુ ગુસ્સો છોડ પછી જ જવા દઈશ.'


'એ નહીં બને..' ગઝલ તેને ધકેલવાની કોશિશ કરતા બોલી.


'તો હું પણ તને નહીં છોડું.' કહીને વિવાન હજુ વધુ તેના ઉપર ઝૂક્યો.


'વિવાન..' ગઝલ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી.


વિવાને થોડા વધુ ઝૂકીને ગઝલના હોઠ પોતાના હોઠમાં લીધા અને એક ડીપ કિસ કરીને તેના પરથી બાજુમાં હટ્યો.


'યૂ..' કહીને ગઝલ તેને મારવા લાગી. એ નફ્ફટની જેમ હસી રહ્યો હતો.


'બેશરમ ક્યાંના.. નિર્લજ્જ.. ' કહેતી ગઝલ ઉઠી અને બાથરૂમમાં જવા લાગી. વિવાન તેની પાછળ ભાગ્યો અને તેને બે હાથે ઉંચકી અને ફરીથી બેડ પર પટકીને પોતે બાથરૂમમાં ઘુસી ગયો.


'આઉઉચ.. વિવાનનન..' ગઝલ ગુસ્સાથી બોલી પણ એ તો મસ્ત શાવર નીચે ઉભો રહીને ગીત ગાઈ રહ્યો હતો.


'વિવાન.. જલ્દી કરો મને મોડું થાય છે..' ગઝલ દરવાજો થપથપાવતા બોલી. પણ વિવાન જાણી બુજીને વધુ ટાઈમ લગાવતો હતો. છેવટે ગઝલ કંટાળીને બેડ પર જઇને બેઠી. લગભગ પોણા કલાકે વિવાન બહાર નીકળ્યો. ગઝલએ ગુસ્સાથી તેની સામે જોયું. વિવાન તેની સામે આંખ મારીને કંઈક અસ્પષ્ટ ગીત ગણગણવા લાગ્યો.


ગઝલ ગુસ્સામાં વિવાન તરફ જોઈને વોર્ડ રોબમાંથી પોતાના કપડાં લેતી હતી ત્યાં વિવાને ડ્રેસિંગ ટેબલ પર રહેલી ફોટોફ્રેમ ઉઠાવી અને ગઝલના ફોટાને કિસ કરી. ગઝલએ દોડીને તેના હાથમાંથી ફોટોફ્રેમ છીનવીને ડ્રોવરમાં નાખી દીધી અને વાળને ઝટકો આપીને બાથરૂમમાં ઘુસી.


એ બાથરૂમમાં શાવર નીચે ઉભી રહી. વિવાનની કિસ યાદ કરીને મોઢા પર હાથ મૂકીને મીઠુ શરમાઈ.


થોડી વાર પછી બંને એક સાથે નીચે આવ્યા.

ફેમિલી પરથી સંકટનાં વાદળો દૂર થયા હોવાથી દાદી અને કૃષ્ણકાંતે હવન કરાવવાનું વિચાર્યું હતું એટલા માટે ગુરુજીને બોલાવ્યા હતા.


બંને જણ ગુરુજીને પગે લાગ્યા. ગુરુજીએ બંનેને આશિર્વાદ આપ્યાં.


'કાલનું મુહૂર્ત સૌથી સારુ છે.' ગુરુજી દાદી તરફ જોઈને બોલ્યા.


દાદીએ એક નજર કૃષ્ણકાંત તરફ ફેકી. કૃષ્ણકાંતે હકારમાં માથુ હલાવ્યું.


'હાં તો કાલનું પાક્કું.' દાદી બોલ્યા.


'ઠીક છે, આ લીસ્ટ આપુ છું એ પ્રમાણે બધી તૈયારી કરી રાખજો. હું સમયસર પહોંચી જઈશ.' કહીને ગુરુજીએ વિદાય લીધી.


'શાની તૈયારી બા?' ગુરુજીના ગયા પછી ગઝલએ પૂછ્યું.


'આપણા કુટુંબ પરથી સંકટ ગયું એટલે ભગવાનનો આભાર માનવા માટે આપણે હવન કરવાના છીએ.' દાદીએ સમજાવીને ગઝલને કહ્યુ.


'અરે વાહ! સરસ..' ગઝલ બોલી.


'અરે બેટા કેમ બહુ વાર લાગી નીચે આવતા? ગુરુજીને તમારી કુંડળીઓ પણ બતાવવી હતી!' વૈભવી ફઈએ પૂછ્યું. ગઝલએ વિવાન તરફ જોયું.


'મેં તો ઘણું કીધું કે ગઝલ ઉઠ.. ફઈ બોલાવે છે.. પણ એ ઉઠી જ નહીં.' વિવાન બોલ્યો.


એ સાંભળીને ગઝલની આંખો પહોળી થઈ ગઈ.


'હું તો તમને કહેતો જ હતો કે એને બહું ચઢાવો નહીં. નહિતર એ માથા પર ચઢીને બેસશે.' વિવાન સોફા પર બેસતાં બોલ્યો.


'અરે!?' ગઝલ ચિડાઈ ગઈ. પછી દાદી તરફ જોઈને બોલી: 'બા.. જુઓ તો..'


'દાદી તરતજ ગઝલનો પક્ષ લેતાં બોલ્યાં: 'તું ચુપ બેસ વાંદરા.. મને બધી ખબર છે, તે જ કંઈક કર્યું હશે એમાં એને નીચે આવવામાં મોડું થયું હશે. બરાબર ને ગઝલ..?'

દાદીએ વિવાનને વાંદરો કીધો એટલે ગઝલ હસી પડી. પછી દાદી સામે જોઈને 'હાં' કહ્યુ.


'અમારી વહુ તો ખુબ ડાહી છે, ગમે એટલા લાડ લડાવીએ તો પણ માથે ચડે નહીં.' ફઈ બોલ્યા.


'તો શું હું ખોટું બોલું છું?' વિવાન મોઢું બગાડીને બોલ્યો.


'હાં..' ગઝલ ફટ દઈને બોલી.


'શાની વાત ચાલે છે?' સમાઈરા કાવ્યાને લઈને બહાર આવતાં બોલી. કાવ્યાને જોઈને ગઝલ ઉભી થઇને તેની પાસે ગઈ અને તેને ટેકો આપ્યો.


'એમ જ બધા બેસીને વાતો કરી રહ્યા હતા.' વૈભવીએ કહ્યું.


'વિવાન.. કાલે હવન છે એટલે તમારે ઘરે જ રહેવાનું છે. રઘુને કહી દેજે.' દાદીએ હુકમ કર્યો. રઘુને થોડું કામ હોવાથી એ વહેલો નીકળી ગયો હતો.


'હાં દાદી.' વિવાને કહ્યુ.


'માય ગોડ..! હવન એન્ડ ઓલ ધેટ મને બહુ બોરિંગ લાગે.' કાવ્યા બોલી.


'તારા માટે થઈને જ હવન રાખ્યો છે બેટા..' કૃષ્ણકાંતે કહ્યુ.


'કોઈ વાંધો નહી, તું સીધી આરતી ટાઈમે આવજે.' દાદીએ કહ્યુ.


'ઓકે.' કાવ્યાના ચહેરા પર રાહતના ભાવ આવ્યા.

થોડી વાર પછી બધાએ સાથે મળીને નાસ્તો કર્યો અને વિવાન ઓફિસ જવા નીકળ્યો.


**


ઓફિસે પહોંચીને વિવાને પહેલું કામ મલ્હાર રાઠોડની પ્રોપર્ટી હસ્તગત કરવાનું કર્યુ. તેના વકીલને કાવ્યાના નામથી પ્રોપર્ટી ખરીદવા અને બધી ફોર્માલિટિઝ પુરી કરવા સમજાવીને રવાના કર્યો. નક્કી એવું થયું હતું કે ઝવેરી અંકલ કાવ્યાના પ્રોક્સી બનીને રાઠોડ પાસેથી પ્રોપર્ટી ખરીદી લે અને પછીથી કાવ્યાના નામે રજીસ્ટ્રેશન કરાવી લે. વકીલે બધા પેપર્સ જોઈને ઓલ ઓકે કર્યા બાદ વિવાને ઝવેરી અંકલને પૈસા ટ્રાંસફર કરી દીધા.


રઘુને આ સોદાની ખબર પડી. એ તરતજ વિવાનની કેબિનમાં આવ્યો. વિવાન લેપટોપ પર કામ કરી રહ્યો હતો.


'ભાઈ, આ હું શું સાંભળુ છું? રઘુ અંદર આવતા જ બોલ્યો.


'શું..?' વિવાને લેપટોપમાં કામ કરતા કરતા જ પૂછ્યું.


તમે મલ્હારની પ્રોપર્ટી ખરીદી?'


'હાં, તે બરાબર સાંભળ્યું છે.'


'પણ ભાઈ, એ પૈસાનો ઉપયોગ મલ્હારનો બાપ એને જામીન પર છોડાવવા માટે કરશે.'


'હાં, મને ખબર છે.' વિવાન લેપટોપમાં જોતા એકદમ ઠંડકથી બોલ્યો.


'છતાં પણ?' રઘુ મુંઝાઈને તેની સામે જોઈ રહ્યો.


'કાવ્યા ઈચ્છે છે કે મલ્હાર જેલમાંથી બહાર આવે.' વિવાન બોલ્યો. તેનુ ધ્યાન હજુ લેપટોપ પર જ હતું. તેની વાત સાંભળીને આશ્ચર્યથી રઘુનું મોઢું ફાટી રહ્યું.


'પણ શું કામ?' રઘુ મૂંઝાઈને બોલ્યો. વિવાને માથું ઉંચું કરીને તેની સામે જોયું.


'એ હું તને સમય આવ્યે કહીશ, તું એ લોકોની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખજે. મલ્હારના જામીન મંજૂર થાય કે તરતજ મને ખબર પડવી જોઈએ.' કહીને વિવાને પરત લેપટોપમાં પોતાનું ધ્યાન પરોવ્યું.


'જી ભાઈ.' રઘુ બોલ્યો. તે સમજી ગયો કે વિવાનનો પ્લાન જોરદાર જ હશે. તે વિવાનની ક્ષમતા બરાબર જાણતો હતો.


રઘુના મનમાં હજુ પણ એક સવાલ ઉછળી રહ્યો હતો. વિવાનનો મૂડ અત્યારે સારો લાગતો હતો એટલે રઘુને સવાલ પૂછવાની ચટપટી ઓર વધી.


'અચ્છા ભાઈ.. તમારૂ શું થયું? ભાભીએ તમને માફ કર્યા કે નહીં?'


'નહીં રે.. ખૂબ જિદ્દી છે એ..' કહીને વિવાને નિઃશ્વાસ છોડ્યો.


'તમે પણ કયાં ઓછા છો!' રઘુએ ટીખળ કરી.


'તું કોઈ આઈડિયા બતાવ..'


'એક કામ કરો, રાતનાં ઘરે જતા ભાભીને ગમતી હોય તેવી કોઈ ગિફ્ટ લેતા જજો.' રઘુ બોલ્યો.


વિવાન તેને કશુ કહેવા જતો હતો ત્યાં વિક્રમ અંદર આવ્યો.


'ગુડ મોર્નિંગ બોસ..'


'બેડ મોર્નિંગ બોલ ભાઈ..' રઘુ બોલ્યો.


'કેમ?'


'ભાભી રીસાયા છે, ભાઈ સાથે બોલતાં નથી.' રઘુ હસતા હસતા બોલ્યો. તેની વાત સાંભળીને વિક્રમ પણ હસ્યો. આંખો ઝીણી કરીને વિવાને એ બંને સામે જોયુ.


'આઈ એમ સોરી બોસ..' વિક્રમ બોલ્યો.


'સોરી નહીં કોઈ આઈડિયા હોય તો બોલ.' વિવાન બોલ્યો.


'મેડમને કશે બહાર લઈ જાઓ..' વિક્રમે સજેસ્ટ કર્યું.


'એ શક્ય નથી, કાલે ઘરે હવન છે.' વિવાને કહ્યુ.


'તો એમને ગમતી કોઇક ચીજ ગિફ્ટ આપો.'


'રઘુએ પણ એ જ કહ્યું હતું... પણ શું આપવું?' વિવાન હાથમાં પેન રમાડતાં બોલ્યો.


'બોસ, કોઈ મોંઘો ડાયમંડ નેકલેસ ગિફ્ટ કરો.'


'ગુડ આઈડિયા..' વિવાન ખુશ થઈને બોલ્યો.


'ભાઈ, તમને યાદ છે? એ દિવસે મોલમાં ભાભીને એક ડાયમંડ નેકલેસ પસંદ આવ્યો હતો પણ તમે જબરદસ્તી અમને મોલમાંથી કાઢ્યા એમાં લેવાનો રહી ગયો હતો.!' રઘુ યાદ કરતાં બોલ્યો.


'હાં રઘુ, પણ બીજા દિવસે એ નેકલેસ લેવા હું ગયો હતો પણ તે વેચાઈ ગયો હતો.' વિવાન થોડો નિરાશ થઇને બોલ્યો.


'આપણે શોપ પર ફોન કરીને પુછીએ અગર એનો સિમિલર નેકલેસ અવેલેબલ હોય તો?' વિક્રમ બોલ્યો.


'વી શુડ ટ્રાઇ.' વિવાનના ચહેરા પર આશાનો ચમકારો થયો.


જ્વેલર્સને ત્યાં ફોન કર્યો તો ખબર પડી કે એ નેકલેસ ઘણો જલ્દી સેલ થઈ ગયો હતો એટલે એજ ડિઝાઇનનો સેમ ટુ સેમ એવો જ બીજો સેટ તૈયાર કરાવ્યો છે.


વિવાને નેકલેસનો ફોટો મંગાવીને એ જ ડિઝાઇન છે કે નહીં તેની ખાતરી કરી લીધી અને લગભગ બે કરોડની આસપાસની કિંમતનો એ નેકલેસ બુક કરી લીધો. પછી રઘુ સામે જોઈને કહ્યું: 'સાંજના ઘરે જતી વખતે નેકલેસ સાથે એક બુકે અને ચોકલેટનું બોક્સ લેવાનું યાદ કરાવજે.'


'જી ભાઈ..' રઘુ મસ્તીભર્યું હસતા બોલ્યો.


.


.


**


ક્રમશઃ


પોતાની પ્રોપર્ટી કાવ્યાના નામે થઈ ગઈ છે એ વાતની મલ્હારને જાણ થશે?


કાવ્યા એવું શું કામ ઈચ્છે છે કે મલ્હાર જેલમાંથી બહાર આવે?


શું બે કરોડના નેકલેસની ગિફ્ટ આપીને વિવાન ગઝલને મનાવી શકશે?


**


મિત્રો, આજ દિન સુધીમાં આ નવલકથા એક લાખ કરતાં વધુ વાર ડાઉનલોડ થઈ ચૂકી છે, આપ સૌના પ્રેમના કારણે જ આ નવલકથા આટલી લોકપ્રિય થઈ છે. આપ હંમેશાં આવો પ્રેમભાવ જાળવી રાખશો. 🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED