Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 70

(૭0) કવી પ્રથિરાજ રાઠોડ

         રાજપૂતાનામાં આવેલા બિકાનેર રાજ્યની સ્થાપના રાવ બિકાજીએ કરી હતી. બિકાજી પછી લૂણકર્ણ, લૂણકર્ણ પછી જૈતસી અને જૈતસી પછી કલ્યાણમલ બિકાનેરની ગાદીએ આવ્યા. તેઓ ચિતોડગઢનાં રાજવી મહારાણા ઉદયસિંહના સમકાલીન હતા. તેમની પુત્રી મહારાણા સાથે પરણાવી હતી. સાથે સાથે મારવાડમાં આવેલા પાલી શહેરના રાજવી અક્ષયરાજ સોનગિરાની એક પુત્રી જયવંતી મહારાણા ઉદયસિંહની પટરાણી હતી અને બીજી પુત્રી ભક્તિમતી રાવ કલ્યાણમલની પટરાણી હતી. તે જમાનામાં રાજાઓ અનેક લગ્નો કરતા. સગોત્ર વિવાહ વર્જિત હતા. સંબંધોના આટાપાટા ગુંચવાયેલા હતા.

રાવ કલ્યાણમલના અગિયાર પુત્રો હતા. તેમાં ભક્તિમતીના ચાર પુત્રો રાયસિંહ, રામસિંહ, પ્રથિરાજ અને સુરતાણ હતા. ભક્તિમતીનું બીજું નામ રત્નાવતી પણ હતું.

રાવ કલ્યાણમલની અન્ય રાણીઓના સાત પુત્રો હતા. ભાણ, અમરસિંહ, ગોપાળદાસ, રાઘવદાસ, ડુંગરસી, ભાખરસી, ભગવાનદાસ.

એમાં પ્રથિરાજ રાઠોડ વિધાવ્યાસંગી હતા. કવિ હતા. એમનો જન્મ ઇ.સ. ૧૫૫૦ માં માર્ગશીર્ષ કૃષ્ણ પ્રતિપદામાં થયો હતો. મહારાણા પ્રતાપ અને પૃથિરાજ માસિયાઇ  ભાઈઓ હતા. તેઓ પ્રતાપ કરતાં ૧૦ વર્ષ નાના હતા.

યુવાનવયથીજ બિકાનેરની પોતાની જાગીરમાં હતા ત્યારથી જ મહારાણા પ્રતાપના યશોગાન સાંભળીને તેઓ તેમના ભક્ત અને પૂજક બની ગયા હતા. પરંતુ બિકાનેરના રાજવી રાયસિંહ મોગલસેનામાં મોટા સૂબેદાર બન્યા. એ માર્ગે પ્રથિરાજે પણ પ્રયાણ કર્યું.

એક સાધારણ મનસબાદર તરીકે તેઓ ઇ.સ.૧૫૭૩ માં ગુજરાતમાં શાહિસેનામાં ગયા હતા.

તેઓનો વિવાહ જેસલમીરના રાવલ હરરાજની પુત્રી લાલાઁદે સાથે થયા હતા. આજ લાલાઁદેની મોટી બહેન ગંગાદે મહારાજા રાયસિંહ સાથે પરણાવી હતી અને બીજી પુત્રી બાદશાહ અકબર પરણ્યા હતા.

એક પુત્રી ચંપાવતી કુંવારી હતી.

રાવલ હરરાજ સાહિત્યપ્રેમી હતા. તેમણે પિંગળ-શિરોમણી ગ્રંથ રચી નામના મેળવી હતી. આવા પિતાની પુત્રી લાલાઁદે ગુણવાન, શીલવંતી, મધુર સ્વભાવની અનુપમ સુંદરી હતી.

પ્રથિરાજ શાહીસેનામાં હતા. શાહીસેના જ્યારે યુદ્ધ અર્થે પ્રસ્થાન કરતી ત્યારે પાછા ફરવાનો સમય નિશ્ચિત ન હતો. મહિનાઓ વીતી જતા. વિયોગથી ઝૂરતી લાલાઁદે માટે એ મહાદુ:ખના દહાડા બની રહેતા.

એક દિવસ લાલાઁદે પ્રથિરાજ સામે સ્નેહાળ નયને જોઇને, ગળગળા સાદે બોલી. “પ્રિયતમ, તમે યુદ્ધમાં જાઓ છો ત્યારે મને ગમતું નથી. તમારો વિરહ મને અગ્નિબાણ સમાન સાલે છે અને યુદ્ધો તો એવા છે કે જે મહિનાઓ સુધી તમને મારી પાસે આવવા દેતાજ નથી.”

“લાલાઁદે, ક્ષત્રિયો માટે ઘોડો અને તલવાર જ સર્વસ્વ છે. મનસબદા છે તો મહાલવાનું છે. જોતી નથી હિંદના ખૂણેખૂણેથી મનસબદારી માટે યુવાને રાજધાનીના ચક્કર લગાવી રહ્યા છે. આપણે તો મળેલી મનસબદારી જાળવી રાખવાના છે.”

“છતાં તમારો દીર્ધ વિયોગ મારા માટે અસહ્ય થઈ પડે છે. આવતી વસંતે તો તમે જ્યાં હો ત્યાંથી મને મળવા અવશ્ય આવશોને?” લાલાઁદેના અવાજમાં રહેલી ભીનાશ પ્રથિરાજના હૈયાને ભીંજવી ગઈ. સુંદર નવયૌવનાની પ્રણયલાલસાનું નિવેદન કયા પુરૂષના હૈયાને પોરસાવે નહિં?

“હા, પ્રિયે, વસંતમાં પ્રિયાનો વિરહ સાલે જ. આ વસંતમાં તો હું અવશ્ય આવીશ.”

“જો, જો, રાજપૂતી વચન નિષ્ફળ ન જાય. નહિં તો પરિણામ ખારબ આવશે.”

“ના પ્રિયે, તને આપેલું વચન ભૂલાય કે?”

પ્રથિરાજ વસંતઋતુમાં રાજધાનીમાં ન આવી શક્તા. ન સંદેશો મોકલાવી શક્યા. વસંતઋતુ પૂરી થવા આવી.

લાલાઁદેને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. પોતાનો પ્રણય આટલો કાચો. પતિની આ અવહેલના (જે માત્ર એના મનનો આભાસ હતો.) એનાથી સહન ન થઈ.

તે દર્દભર્યા સાદે બિલી ઉઠી,

પતિ પરતિગ્યા સાંભળો, અવધ ઉલંઘન થાય,

પ્રાણ તજૂ તો વિરહમેં, કહે ન રાખુ કાય.

“હે સ્વામી, આપની પ્રતિજ્ઞા યાદ કરો. સમય વીતી જવા આવ્યો છે. હવે હું તમારા વિયોગમાં પ્રાણત્યાગ કરીશ. આ કાયામાં વધુ સમય હવે પ્રાણ રહેશે નહિં.”

આમ કહી એણે પ્રાણત્યાગ કર્યો.

બીજી બાજુ, પ્રથિરાજ પાછા ફર્યા. ઘરે તેઓને પોતાની પ્રિય પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા. પ્રિયાનું મુખડુ જોવા કવિ આવ્યા હતા પરંતુ મડદું જોઇને હેબતાઈ ગયા. દાસીએ લાલાઁદેનો અંતિમ સંદેશો કહ્યો. તેઓ ઉંડા શોકમાં ડૂબી ગયા તેમના મુખામંથી શબ્દો સરી પડ્યા.

કંથા ઉભા કામણી, સાંઈ થૂ મત માર,

રાવણ સીતા લે ગયો, વેદિન આજ સંભાર.

“હે પ્રભુ, પતિની હયાતીમાં પત્નીને મારી નાંખીશ નહિં. રાવણ સીતાને લઈ ગયો હતો ત્યારે તારાપર કેવી વીતી હતી તેને તો યાદ કર.”

લાલાઁ લાલાઁ હું કહુઁ, લાલાઁ સાદ ન હોય.

મો આંધારી લાકડી, મીરાં મીરાં ખીચ મ લેય.

“હું લાલાઁનું નામ લઈ લઈને પૂકારી રહ્યો છું. પરંતુ લાલાં કોઇ જવાબ રાપતી નથી. હે પરમાત્મા, મારા આંધળાની લાકડી ખુંચવી ના લઈશ.”

તાઁ રાઁધ્યા નેંહ ખાવસ્યાઁ, રે વાસદે નિસડ્‍ડ

મો દેખન તૈ બાળિયા, લાલાઁ ફંદા હહ્ડ,

“હે મુર્ખ અગ્નિ, તેં મારી નજરો સમક્ષ લાલાઁના હાડકાં બાળી નાખ્યાં, હું આજથી તારાવડે ગરમ કરેલી કોઇપણ વસ્તુને નહિં ખાઉં.”

આમ પ્રથિરાજ કવિ શોકસાગરમાં ડૂબી ગયા. સગાં-વહાલાં, મોટાભાઈ બિકાનેરના મહારાજા રાયસિંહ, મિત્ર શહેનશાહ અકબર, દરબારના મિત્રો, સર્વે પોતાના પ્રિય કવિને શોકગ્રસ્તદશા માંથી બહાર લાવવા વિચારી રહ્યા હતા.

ચંપાકુંવર કવિહ્યદય યુવતી હતી. હરરાજની આ પુત્રી સાથે પ્રથિરાજ ના વિવાહ ગોઠવવામાં આવ્યાં. ચંપાદે લાલાઁદેની પ્રતિમૂર્તિ જ હતી.

લગ્ન થઈ ગયા પછી મિલનની પ્રથમ રાતે, સુહાગરાતે, ધૂંઘટમાંથી ચંપાદેને નિરખતા જ કવિરાજ બોલી ઉઠ્યા.

આઈ હૈ ચંપા અહૈ, વા લાલાઁ અબ નહિં,

ચક્યા ડગલા ચ્યાર, સામા હવૈ દીજૈ જસલ.

હીડલ તે ગલહાર, હંસતમુખા હરરાય રી

“હવે લાલાઁદે નથી રહી. અહીં તો ચંપાદે આવી છે. હે હરરાજની પુત્રી ચંપા, ગળામાં હાર પરિધાન કરેલ, મુસ્કુરાતે રહેરે, જરાક મારી તરફ, પ્રેમભર્યા ચાર પગલાં ભરો.”

ચંપા પણ ચતુર અને રસિક હતી. જેનો પિતા કવિ હોય, મન કવિ હોય એની વાણી પણ એવી તો મીઠાશથી તરબતર થઈ જાય કે, સાંભળતાંજ કવિપ્રિયા બની ગઈ. એણે પતિને અતિ સુંદર જવાબ આપ્યો.

“મુકુલ પરિમલ પરિહરૈ, જબ આએ રિતુરાજ,

અલિ નહિં આલો હયન કી, કલિ વિકસે કિહિં કાજ”

વસંતના આગમનપર કમળોનો પરિત્યાગ કરીને ભ્રમર બીજે ક્યાંય ચાલ્યો જાય તો કળી કોના માટે વિકસે?

કવિ આ સાંભળી રંગમાં આવી ગયા. તેમણે ચંપાદેને જવાબ આપ્યો.

ચંપા, તુ હરરાજ રી, હંસકર વહન દિખાય,

મો મન પાત કુપાત જ્યોં, કબંહૂ ત્રિપત ન થાય.

હે હરરાજની દીકરી ચંપા, તું હસીને તારૂં મુખડું દેખાડ, મારૂ મન તો કુંપાત્ર ભિક્ષુની માફક છે, જે કદી તૃત્પ થતું જ નથી.

પ્રથિરાજ રાઠોડનું ત્રીજું લગ્ન મેવાડના રાજકુમાર શક્તિસિંહની પુત્રી કિરણવતી સાથે પણ થયુમ હતું.

કવિ વૈષ્ણવધર્મ પાળતા હતા. તેમણે ગુરૂ વિઠ્ઠલનાથજીએ દીક્ષા આપી હતી. કાવ્યશાસ્ત્રનું જ્ઞાન એમને એમના બીજાગુરૂ ગદાધર વ્યાસ પાસેથી મળ્યું હતું. શસ્ત્રોની તાલીમ  એવોએ એમના મોટાભાઈ રામસિંહ પાસેથી મેળવી હતી. તેઓને તે ત્રીજા ગુરૂ માનતા હતા. તેઓ અવાર નવાર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘોડા ખરીદવા જતા.

પ્રથિરાજ અનેક વિષયોના જાણકાર હતા. જ્યોતિષ, વૈદક, સંગીત, છંદ શાસ્ત્ર, વ્યાકરણ, કાવ્ય-શાસ્ત્ર, પુરાણો અને લોકવ્યવહારની તેમને જાણકારી હતી.

મોગલ દરબારમાં, શાહીસેનામાં, બિકાનેરમાં અને પ્રિય પત્ની ચંપાદેના સાનિધ્યમાં જીવન સરિતા ઝડપથી વહેવા માંડી. પ્રથિરાજ રાઠોડ રાજપૂતાનાના મહાવીર મહારાણાની વીરગાથાથી આકર્ષાયા હતા. દિન પ્રતિદિન એમના હૈયામાં એ વિભૂતિ આદરણીય સ્થાન મેળવતી જતી હતી.

પ્રથિરાજ રાઠોડનો એક ભાઈ હતો. સાવકો ભાઈ હતો. તે મહાવીર હતો પરંતુ તેણે મોગલ-સલતનત સામે બગાવત પોકારી હતી. તેનું નામ અમરસિંહ હતું. રાજપૂતાનામાં, ડુંગરાઓમાં ટોળી જમાવીને ભરાઈ રહેતો હતો. જ્યારે મોગલોનો ખજાનો પસાર થતો હોય ત્યારે તે લૂંટી લેતો.

બહાદુર પુરૂષોમાં કોઇ ને કોઇ વિચિત્રતા હોય છે રાવણનો ભાઈ કુંભકર્ણ ઉંઘણશી હતો. અમરસિંહ અફીડનો જબરો બંધાણી હતો. એ જ્યારે અફીણના ઘેનમાં સૂતો હોય ત્યારે, કોઇથ યે, તેને જગાડાય નહિં, નહિ તો ગુસ્સામાંને ઘેનમાં એ જગાડનારની છાતીમાં કટારી ઘુસાડીને એને મરી નાખતો, એટલે એ જ્યારે અફીણનું સેવન કરીને ઘેનમાં પડ્યો હોય ત્યારે, કોઇપણ એને જગાડવાની હિંમત કરતું નહિં.

આવા માથાભારે ડાકૂને ઝબ્બે કરવા બાદશાહ અકબરે અરબખાન નામના પોતાના બહાદુર સેનાપતિને મોટી ટુકડી સાથે મોકલ્યો. અરબખાને જ્યારે અમરસિંહ પર આક્રમણ કર્યું ત્યારે અમરસિંહ અફીણના ઘેનમાં સૂતા હતા.

ભારે સંકટની પરિસ્થિતિ પેદા થઈ. સાથીઓ માટે ધર્મસંકટ ઉભું થયું જો સરદારને ઉઠાડવા જાય છે તો ઉઠાડનાર કટારીનો ભોગ બને છે અને નથી ઉઠાડતા તો અરબખાનના આક્રમણથી પોતે અને માલિક સર્વનાશના માર્ગે જઈ શકે છે. અરબખાન જેવા મહાકાય બહાદુર સેનાનાયક જોડે લડવાનું ગજું કેવળ અમરસિંહનું જ હતું. ગમે તે ભોગ અમરસિંહને જગાડવા જરૂરી હતા. ક્ષણે ક્ષણે કિંમતી હતી. અચાનક પદ્‍મા આવી.

“હું ભાઈને જગાડીશ.”

પદ્‍મા એક સુંદર યુવતી હતી. શંકર બારહઠની સાથે એનો વિવાહ થયો હતો. પરંતુ કોઇક કારણસર એણે આ યુવતીનો ત્યાગ કર્યો હતો. અમરસિંહ એને ધર્મની બહેન માની પોતાને ત્યાં રાખી હતી.

“આજે ભાઈનું ઋણ ચૂકવતાં, ભાઈના હાથે મૃત્યુ થશે તો પણ ધન્ય સમજીશ.” એના પગમાં ખોડ હતી. એટલે ખોડપગી પદ્‍માને નામે તે બધે જાણીતી હતી.

પદ્‍માએ એક ગીત ગાયું. એ ગીતના અંતમાં ભાઈને શમશેર ધારણ કરવાની હાકલ કરતા એ બોલી.

શહર લૂંટતો સદા લૂઁ, દેશ કરતો સરદ, કહર નર પડી થારી કમાઈ,

ઉઝયાગર ઝાલખગ, જૈતહર આભરણ, અમર, અકબર તણી ફૌજ આઈ.

(યું હંમેશાં શહેરોને લૂંટે છે અને દેશોપર વિજય મેળવે છે. આજે તારા આ યશપર વજ્રઘાત પડી રહ્યો છે. જૈતસીના પુત્ર, વંશના આભૂષણ, યજ્જવલ યશવળા અમરસિંહ, તલવાર હાથમાં પકડ વીર રાણા અમરસિંહ ફોજ આવી રહી છે.)

આ સાંભળતાં વેંત અમરસિંહ સફાળો જાગી ઉઠ્યો. ટેવ મુજબ કટારી પર હાથ તો ગયો. પરંતુ સામે ઉભેલી વ્યક્તિ સ્ત્રી છે, પોતાની ધર્મની બહેન છે. સ્ત્રીવધ વીરો અને ક્ષત્રિયો માટે વર્જિત છે એ ઘેનમાં પછી પોતાને દુશ્મન સામે પ્રસ્થાન કરવાની હાકલ કરવા પદ્‍માએ આ સાહસ કર્યું છે એમ વિચારી તુરંત યુદ્ધ માટે તૈયાર થયો.

અરબખાન સામે જઈને તે ટકરાયો સિંહ પડકારને સાંખી શકે ખરો? ઘોડેસવાર અમરસિંહ ઉડતો સિંહ લાગતો હતો. એણે અરબખાનના હાથીપર પોતાનો ઘોડો ટેકવી દીધો અને કૂદકો મારી અરબખાનની છાતીમાં કટારી હુલાવી દીધી, આ ઝપાઝપીમાં અમરસિંહ પણ ખાનના હાથે ઘાયલ થઈ મરણ પામ્યો.

મોગલોની જીત થઈ. આ સમાચાર બાદશાહ અકબરને પહોંચાડવામાં આવ્યા.

બાદશાહ અકબરે, દરબારમાં ઉપસ્થિત કવિ પ્રથિરાજ રાઠોડને ગર્વ સાથે કહ્યું, “કવિ, તમારો ભાઈ અમરસિંહ પરાજીત થઈ, કેદ પકડાઈ ગયો છે, મોગલ ટુકડી જીતી ગઈ છે.”

પ્રથિરાજે આત્મશ્રધ્ધાથી, સ્‍હેજ પણ, વિચલિત થયા વગર કહ્યું, “આપને મળેલા સમાચારમાં કાંઈક ખૂટે છે. ખાતરી કરાવી લો. રાઠોડ અમરસિંહ મૃત્યુને ભેટ્યો હશે, જીવતો મોગલસેનાના હાથમાં નહિ આવ્યો હોય અને એનું મૃત્યુ મોગલો માટે, આપ ધારો છો એટલું સસ્તુ નહિં બન્યુ હોય.”

બાદશાહે વધુ તપાસ કરાવી.

બીજા સમાચાર આવ્યા ત્યારે ખબર પડી કે, સેનાનાયક અરબખાનને હાથીપર ચઢીને, અમરસિંહે ખતમ કર્યા પછી તે મૃત્યુ પામ્યા છે.

તરત જ બાદશાહે કવિ પ્રથિરાજને બોલાવીને એમના આત્મવિશ્વાસ બદલ વખાણ કર્યા, કવિ બોલ્યા, “જહાંપનાહ, રાજપૂતાનાની ધરતી જ નિરાળી છે. સ્ત્રી પોતાનો પુરૂષ પાછળ સતી થતી આવી છે. પરંતુ આ અમરસિંહના મૃત્યુપર તો તેની ધર્મની બહેન “પદ્‍મા” સતી થઈ.”

“કમાલ છે તમારા પ્રદેશના નરનારીઓ પ્રાણ કરતાં આનને વ્હાલી ગણનારા. પરંતુ સ્ત્રીઓ આમ સતી થાય એ અજૂગતું નથી? મારૂં ચાલે તો આ ક્રૂર રિવાજ બંધ કરાવી દઉં.”

કવિએ બાદશાહને કશો જવાબ ન આપ્યો. ભલે બાદશાહના મનમાં ઊર્મિનો સિંધુ ઉમટે.