(૬૬) હરદાસ નાયક
૧૫૭૬ ની સાલ હતી. જૂન મહિનો હતો. ૧૯ મી તારીખ હતી.
ગોગુન્દા પહાડી વિસ્તારમાં આવેલી મહારાણા ઉદયસિંહની એક વખતની રાજધાની.
હલદીઘાટીના યુદ્ધમાં બંને સેના વિખરાઈ ગઈ હતી. મહારાણાના અનામત ભીલ દળને લડવાનો મોકોજ ન મળ્યો. પૂર્વ સંકેત અનુસાર મેવાડી સૈનિકો, સામંતો અને યુદ્ધમાં ઘાયલ વીરોને આ અનામત ટુકડીઓએ સલામત સ્થળે ખસેડી દીધા.
રાજા માનસિંહ મહારાણા હાથ ન આવવાથી ખૂબ ઉત્તેજિત હતા. તેઓએ સેનાને ગોગુન્દા કૂચ કરવાનો આદેશ આપ્યો. મહારાણા ગોગુન્દા જઈને છૂપાયા હોય. મેવાડના ૨૨ હજાર વીરોમાંથી માંડ આઠ હજાર વીરો રણમાં ખપી ગયા હતા. વધારે ખુવારી તો મોગલ દળની થઈ હતી પરંતુ શહેનશાહની ઇચ્છા પ્રમાણે મહારાણા પ્રતાપ હાથ આવ્યા ન હતા. પોતે શહેનશાહને શું મોઢું બતાવશે ?
બાદશાહ તો પોતાની લાક્ષણિક અદામાં કહેશે.
“મેવાડ પર ફતહ મિલી તો ક્યા હુઆ, જબતક પ્રતાપ હાથ નહીં આયા હમે કુછ નહીં મિલા.”
પહાડી વિસ્તારમાં મહામુસીબતે મોગલસેના ગોગુન્દા આવી પહોંચી.
ગોગુન્દાનો મહારાણાનો મહેલ સુમસામ હતો. પરંતુ ત્યાં ઉભેલા રક્ષકોએ મોગલસેનાને પડકારી. સેનાપતિ રાજા માનસિંહ સૌથી આગળ હતા.
“ખસી જાઓ, તમારા મહારાણા યુદ્ધ હારી ચૂક્યા છે. રણમાંથી ચાલ્યા ગયા છે. હવે ગોગુન્દા પર મોગલ ધ્વજ લહેરાશે, જો તમે શરણે આવશો તો જીવનદાન આપવામાં આવશે.” રાજા માનસિંહ ગર્જી ઉઠ્યા.
સિંહનાદ કરતા, કદાવર નાયક હરદાસે હુંકાર કર્યો. “મહારાણાજી, કદી લડાઈ ન હારે.”
પોતાની શમશેરને નગ્ન કરતાં કહ્યું. “મેવાડ કદીયે ન હારે. “મેવાડ હારે તો સૂર્યને પશ્ચિમમાં ઉગવું પડે, મેવાડ હાર્યું... મહારાણા હાર્યા એમ કહેનાર તું કોણ છે? તું... તું... મલેરછ તો લાગતો નથી. લાગે છેતો રાજપૂતાનાનો, પછી મોગલોના પક્ષે કેમ છે?”
રાજા માનસિંહ હસ્યો, હજારોની મોગલસેના સામે આ બાવીસ સિપાહી તલવાર બાંધી ક્યાં સુધી ટકી રહેવાના છે?
“નાયક, શું કરવા મોતને આમંત્રણ આપે છે. હટી જા, ગોગુન્દા અમને સોંપી દે. હું રાજા માનસિંહ, અંબરનો કુમાર અને મોગલસેનાનો સેનાપતિ છું અને સેનાનાયક, તું જરા વિવેકથી વાત કર, કે પછી તારા માલિકેં તને વિનય કે વિવેક શિખવ્યોજ નથી.”
“વિનય અને વિવેક!” હરદાસે શમશેર ઉંચી કરી હલાવી. “સદ્ગુણ તો મેવાડનું બાળક ગળથૂથી માંથીજ મેળવે છે. એટલે તો એને માતૃભૂમિ વેચવા કરતાં એની હિફાજત કરતા વધુ આવડે છે. રાજા માનસિંહ! હો તો અંબરમાં, સેનાપતિ હો તો મોગલોના. આ તો મહારાણા પ્રતાપસિંહનો રાજમહેલ છે. ખબરદાર જો અહીં પગ મૂક્યો તો ?”
હવે જગન્નાથ કછવાહાથી ન રહેવાયું. આ સેનાનાયક વધુ પડતો ઘમંડી લાગ્યો. એણે કહ્યું “પણ અલ્યા અહીં તારો રાણો કેવો?
મહારાણા અહીં હૈ! તમારો કોઇ અવળચંડો સરદાર હમણાં ગણગણ્યો એમ દક્ષિણ તરફ નાસી નથી ગયા. અહીં અમારી છાતીમાં છે. સમજ્યા! સ્વામીભક્તિ અને દેશપ્રેમ એ શું છે એ તમને અંબરવાળાઓને નહીં સમજાય કારણ કે તમને ગળથૂથીમાંથીજ વૈભવની લાલસા મળેલી છે. તમારૂં પોષણજ સામ્રાજ્યના દુગ્ધપાનથી થયું છે. ખસો, પાછા ચાલ્યાજાઓ: તમને હિંદુસ્તાનની ધરતી ઓછી પડી કે, આ ગોગુન્દા પડાવી લેવા અવ્યા છો?”
“રાજા માનસિંહજી, યહ બૂઢા અપની ઔકાતસે જ્યાદા સુના રહા હૈ, હમ યહાં ઉસે સુનને નહીં આયે, જો હમારી સલ્તનત કો ચૂનૌતી દે ઉસે ખતમ કરને કા આદેશ દે દો વર્ના.... શાહબાઝખાન બેહદ ગુસ્સે થઈ બોલી ઉઠ્યો.
શાહબાઝખાન રાજા માનસિંહનો પ્રતિસ્પર્ધી હતો. તે હલદીઘાટીના યુદ્ધનું સેનાપતિપદ ચાહતો હતો પરંતુ અકબરે તેને આ પદ ન આપ્યું. રાજા માનસિંહ નાયક અને તેના સૌનિકોને પકડીને કેદમાં પૂરવા માંગતો હતો પરંતુ વાત બંને પક્ષે વકરી. હવે જો પોતે જરાયે નરમાશબતાવે તો શાહબાઝખાન બાદશાહ આગળ પોતાને ખોટો ચિતરે.
તેમાંયે એકાએક હરદાસ નાયક ગર્જીઉઠ્યા. “હરહર મહાદેવ, જય એકલિંગજી.” હરહર મહાદેવ જય એકલિંગજી” હરદાસની પાછળ મહેલના રક્ષકોની એક્વીસ તલવારો ઉંચી થઈ.
“તમે બાવીશ જણા શું એમ માનો છો કે તમારાથી આ પંદર હજાર ઘોડેસવારો ડરીને ભાગી જશે. રાઈ રાઈ જેવડા ટુકડા થઈ જશે. સિસોદિયાઓ.” રાજા માનસિંહ અટ્ટહાસ્ય કરી બોલ્યા.
“મરતાં આવડવું જોઇએ, માનસિંહ,” હરદાસ બે ડગલા આગળ વધ્યા “ઉજળા મોતે મરતાં આવડવું જોઇએ. જેને મરતાં આવડે છે એ અપરાજિત છે. જુવાનીમાં તમારા દાદા, જ્યારે મારી સાથે, રાણા સાંગાની સાથે લડતા હતા ત્યારે આ શમશેર પર મોગલના ઘાવ ઝીલી દોસ્તી નિભાવી હતી. આ પંચાશી વર્ષની કયાને મોતનો શો ડર? પરંતુ મોગલ જનાના પોતાની બહેન, દિકરીઓ વરાવનારાઓને એ નહિં સમજાય.”
હવે યજ્ઞમાં ઘી નંખાયું, ભડકો થયો. માનસિંહે ક્રોધપૂર્ણ ચહેરે ઈશારો કર્યો. એક સાથે સો ઘોડેસવારો શમશેર કાઢી, ઘુમાવી ધસ્યા, એક્વીસ રક્ષકો અને બાવીસમો એનો નાયક છેલ્લા શ્વાસ સુધી લડ્યા. એ બાવીસ શૂરવીરોના શબને ઓળંગ્યા પછી જ રાજા માનસિંહ મહેલમાં પગ મૂકી શક્યા.
સાચેજ નાની કક્ષાના હરદાસ નાયકે વિક્રમ સ્થાપ્યો. સિંહનો બાળપણ મદોન્મત હાથીપર આક્રમણ કરે છે. શક્તિશાળીઓનો સ્વભાવ એવોજ હોય છે. પોતાની શક્તિને પ્રગટ કરવામાં આવતી બાધાઓને તે ગણતરીમાં લેતા જ નથી. વીરો કદી લઘુતાગ્રંથિમાં પિડાતાજ નથી.
(૬૭) બાદશાહ અને મહંમૂદખાન
૨૩મી જૂન, ૧૫૭૬ નો દિવસ હતો.
ફતેપુર સિક્રીમાં બાદશાહ અકબરે જ્યારે હલ્દીઘાટીના યુદ્ધના સમાચાર સાંભળ્યા ત્યારે આનંદ ઉપજાવાને બદલે વિષાદ થયો.
આ યુદ્ધમાં કીકા રાણાના પરાક્રમ એવા તો જ્વલંત હતા કે, શત્રુ અને મિત્ર સૌ વખાણતા હતા. અકબરની સેનામાં હિંદની જૂદી જુદી જાતિના અને જુદા જુદા પ્રાંતના યોદ્ધા હતા. આ યોદ્ધાઓ દ્વારા સમગ્ર હિંદમાં કીકા રાણાની શૌર્ય ગાથાઓ પ્રસરાઈ જવાની. કીકા રાણાને મોગલ સામ્રાજ્યને આધીન કરવાની ઉમ્મીદ બર ન આવી.
આ યુદ્ધ માટે ખૂબ વિચારણા કરેલી, ઘણાં વ્યુહ ગોઠવેલા, નામાંકિત સેનાપતિઓ મોકલેલા, દુશ્મન ક્યાંયથી છટકે નહિ એની કાળજી રાખેલી છતાં પિંજરૂ પડી રહ્યું અને પંખી ઉડી ગયું. પોતે સેવેલી મુરાદ નિષ્ફળ નિવડી.
પોતાની ઇચ્છાનો આવો અનાદર જિંદગીમાં પ્રથમવાર બાદશાહને ખમવો પડ્યો.
જો મહારાણા પ્રતાપે પરાજય સ્વીકારી લીધો હોત અને શરણે આવ્યો હોત તો બાદશાહ, બીજી કોઇ શરતવિના યુદ્ધ સમેટી લેત. મેવાડમાં કશી આર્થિક પ્રાપ્તિ તો હતી જ નહિ, કેવળ વટ ખાતર તેઓએ આટલો જંગી ખર્ચ કર્યો હતો પરંતુ મોગલસેનાની શક્તિના ધજગરો ઉડીગયો.
હલ્દીઘાટીના મેદાનમાંથી મહારાણા પ્રતાપ સહીસલામત નીકળી ગયા તેથી શહેનશાહને ખૂબ નિરાશા જાગી. સિપેહસાલાર મહંમૂદખાન નાનીશી ટુકડી ગોગુન્દા પહોંચ્યા.
“રાજા માનસિંહજી, બાદશાહ હલ્દીઘાટીના જંગથી નારાજ છે. આપની જગ્યા અગર કોઇ મુસ્લીમ સેનાપતિ હોત તો તેની ગરદન સલામત ન રહત. સમગ્ર હિંદમાં મોગલસેનાની પ્રતિષ્ઠા ઘટી છે.”
“ખાન, અગર મોગલસેનાનો સેનાપતિ રાજા માનસિંહ ન હોત તો આ સેનામાંથી કોઇ જીવતો રહ્યો ન હોત. અહીંની ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ કોઇપણ મુસ્લીમ સેનાપતિ એકવાર સેનાને જો ખીણમાં દોરી ગયો હોતતો એ મોતની ખીણ બની જાત. ખેર, જે બની ગયું તેનો અફસોસ શો? અમને પ્રજાનો રજમાત્ર સહકાર નથી. અહીં સેના ભૂખે મરી રહી છે. અમે કેદીની માફક ઘેરાઈ ગયાં છે. અમારી હાલતપર આમ નમક છાંટવાની કોશિશ કેમ થઈ રહી છે?”
“માનસિંહજી, હું તમારો વિરોધી નથી. હું માનું છું કે, તમે મહારાણા સામે કમજોર અવશ્ય થયા હશો પરંતુ સલ્તનતને બેવફાતો નહિજ, રાજપૂત કૌમ બેવફાઈને પચાવી જ શક્તી નથી. પરંતુ શહેનશાહની મહત્વકાંક્ષા પાર પડી નથી. તેમજ એવું લાગે છે કે, આપના અપમાનનો આતશ પણ બુઝાયો નથી. કાંઈક એવું બતાવો કે જેથી બાદશાહ ખુશ થાય.”
“મહંમદખાન, જે હાથી માટે સમગ્ર હિંદમાં ચર્ચા હતી. જે હાથી માટે મોગલદરબાર તરસતો હતો. તે “રામપ્રસાદ” હાથી હલ્દીઘાટીના મેદાનમાં આપણે તાબે કર્યો છે. તમે એ બાદશાહને ભેટ આપજો.”
મહંદખાને ફત્તેહપુર સિક્રી આવી યુદ્ધની તમામ વાત બાદશાહને કહી સાથે સાથે “રામપ્રસાદ” હાથી પેશ કર્યો.
બાદશાહ હાથી જોઇને ખુશ થયા.
“આ હાથી પીરની પ્રસાદી છે. આજથી આ હાથી “પીરપ્રસાદ” ના નામે ઓળખાશે,” બાદશાહની ઇચ્છા એટલે આદેશ.
રાજા ટોડરમલ હસ્યા મોગલસેનામાં આવો સુંદર હાથી “રામપ્રસાદ” નામે હોય તે કેવી રીતે શોભે? બાદશાહ દાવો તો કરે છે ધર્મ સહિષ્ણુ હોવાનો પરંતુ એક હાથીનું હિંદુ નામ પણ સહન કરી શક્તા નથી. સામ્રાજ્યવાદીઓની આજતો બલિહારી છે.
પછી શહેનશાહે રાજા માનસિંહના નામે એક આદેશ મોકલાવ્યો.
“રાજામાનસિંહના, તમે શાહબાઝખાનને ગોગુન્દાની સેનાનો હવાલો સૌંપી તુરત મારી પાસે આવી જાઓ.”