Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 58 અને 59

(૫૮) મેવાડ પ્રતિ પ્રયાણ

 

મોગલસેના અજમેરથી  માંડલગઢ આવી પહોંચી. હજુ રાજા માનસિંહે સંધિની આશા છોડી ન હતી. મહારાણા પ્રતાપ સિંહ પણ દુર્ગમ કુંભલમેરના કિલ્લામાંથી નીકળી ગોગુન્દા આવ્યા. નવી રાજધાની ઉદયપુર બંધાઇ રહ્યું હતું. એના સરોવરો, એના મહેલો વગેરેનું નિર્માણ કાર્ય ચાલતું હતું. સોળ વર્ષ થવા આવ્યા હતા છતાં હજુ એ નિર્માણ થઈ રહ્યું હતું.

મહારાણાએ ગોગુન્દામાં યુદ્ધ અંગે ચર્ચા વિચારણા કરી.

મહારાણાનો વિચાર તો હતો કે, વાયુવેગથી માંડલગઢ જઈને રાજા માનસિંહને યુદ્ધ આપવું. પણ બધાં સરદારોએ પ્રાર્થના કરી કે, કુંવર માનસિંહ માત્ર પોતાની તાકાતથી જ નથી લડવા આવ્યા. વાછરડો જેમ ખીલે કુદે તેમ મોગલસેનાના જોરે હુંકાર કરે છે. આપણે પણ પહાડોમાં જ એમને યુદ્ધ આપીને હંકવીએ, આ વિચાર માન્ય રાખવામાં આવ્યો.

તે વખતે અરવલ્લીની ગિરિમાળા અને તેની ખાણમાં આવેલી હરિયાળી મેવાડીઓ માટે આશિર્વાદ સમાન હતી. જોધપુર, ઉદેપુરમાં ક્યારેય દુકાળ પડ્યો ન હતો. ઉદયપુર તો વનશ્રીની મધ્યમાં સંતાયેલું હતું. આ વનો લગભગ અભેધ ગણાતા. રાજા માનસિંહ પણ સારી પેઠે જાણતા હતા કે, આ વનો શાહીફોજ માટે મોટો પડકાર હતા. આ પર્વતમાળાએ જાણે હરિયાળી ચાદર ઓઢી લીધી હતી. પ્રાંગણમાં અસંખ્ય જંગલી પશુઓ વિચરણ કરે છે. સઘન વનોની દુર્ગમખીણો મોગલસેનાથી અપરાજય જ રહી હતી.

રાજા માનસિંહ મહારાણા પ્રતાપસિંહ અને મેવાડીઓની તાકાતને સારી પેઠે જાણતા હતા. ઉદયસાગર સરોવરના કિનારે ગુસ્સામાં, આવેશમાં બોલાયેલા પોતાના કઠોર વચનોને સિદ્ધ કરવા એ લોઢાના ચણા ચાવવા બરાબર છે એમ જાણતા તો હતા જ મનમાં ભય હતો. જીત વિશે આટલું વિશાળ સૈન્ય હોવા છતાં આશંકા હતી. તેમણે બીજો મુકામ મોહી કે જે ભાટી રાજપૂતોની જાગીર હતી ત્યાં નાંખ્યો.

કુંવર માનસિંહ ભૂતાલા ગામ આગળથી શાહી સેનાને દોરી ખમણોર પાસે બનાસ નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે મોગલસેનાની છાવણી નાખી.

મહારાણા પ્રતાપસિંહ પણ પોતાની સેના સાથે ગોગુન્દાથી નીકળી ચૂક્યા. હવે બંને સેના વચ્ચે માત્ર છ માઇલનું જ અંતર હતું.

 

 

 

(૫૯) મહારાણાની મહાનતા

 

         યુદ્ધનો આરંભ થયો ન હતો. મોગલ સેનાપતિ રાજા માનસિંહ માંડલગઢથી આગળ વધીને હલ્દીઘાટીના મેદાનથી, થોડે દૂર બનાસ નદીના કિનારે પડાવ નાંખીને પડ્યા હતા. સૈન્યની હલચલ અને સંખ્યા જોઇને કદાચ રાણા પ્રતાપ સંધિનો પ્રસ્તાવ મૂકે એવી આશા હજુ રાજ માનસિંહે છોડી ન હતી.

મહારાણા જો મોગલસત્તાની અધીનતા સ્વીકારે તો કોઇપણ બીજી શરત લાદયા સિવાય સંધિ કરી લેવાની સત્તા તેમણે મોગલ શહેનશાહ પસેથી અજમેરમાં મેળવી લીધી હતી પરંતુ હવે તે માટે ઘણું મોડું થઈ ગયુ હતું. આ જ શરતો પોતે ગુજરાતમાંથી ઉદયપુર મંત્રણા માટે ગયા ત્યારે બાદશાહે જણાવી હોત તો પરિણામ સારું આવત પરંતુ હવે એનો વિચાર કરવો વ્યર્થ હતો.

તે કુંવર શક્તિસિંહ અને શાહજાદા સલીમની રાહ જોઇ રહ્યાં હતા. શાહજાદો સલીમ કેવળ સાત વર્ષનો બાળક હતો. શહેનશાહની ઇચ્છા હતી કે, યુદ્ધનો પ્રારંભ સલીમના હસ્તે થાય. શાહજાદો સલેમ તલવાર વીંઝે અને સંગ્રામ શરૂ થાય કે તરત જ એક ટુકડી તેને લઈને અજમેર રવાના થવાની હતી. યુદ્ધ ભૂમિ પર મોગલ સલ્તનતના  મહામૂલા વારસદારને રાખવો એ જોખમ લેવા રાજા માનસિંહ તૈયાર ન હતા.

મહારાણા પણ ગોગુન્દા છોડી પોતાની સેના સાથે બનાસ નદીના કાંઠે મોગલ સેનાથી માત્ર ત્રણ જ કોશ દૂર છાવણી નાંખીને પડ્યા હતા.

વાત આ પ્રમાણે બની હતી. મોમિણા નામના ગામ આગળ જ્યારે મોગલસેનાનો પડાવ હતો ત્યારે ગુપ્તચરો મારફતે માહિતી મેળવી મહારાણા પ્રતાપ પોતાની બાવીસ હજાર રાજપૂત વીરોની સેના સાથે વિદ્યુતગતિથી ત્યાંથી સાત માઇલ દૂર ઉત્તર પૂર્વમાં આવેલા લોહસીંગમાં આવી પહોંચ્યા.

આ વખતે મોગલ ગુપ્તચરો ગોગુન્દામાં અટવાઈ ગયા હતા. આથી તેઓનો મોમિલા પડેલી મોગલસેના સાથેનો સંપર્ક સાથે કપાઈ ગયો હતો.

રાજા માનસિંહ બિલકુલ બેખબર હતા કે, મેવાડી સેના બિલકુલ પાસે જ લોહસીંગ આગળ છે.

વહેલી સવારનો સમય હતો. સુંદર વનરાજી અને પર્વતીય પ્રદેશ જોઇને રાજા મનસિંહને થયું કે, થોડો સમય શિકાર માટે ફરી આવીએ.

તેમણે શાહબાઝખાનને કહ્યું, “ખાન, ચલો, શિકાર કરને”

“ના. રાજા માનસિંહ, મૈ યુદ્ધ કરને આયા હુઁ, શિકાર ખેલને નહીં, આપ જાઇએ,” પછીથી ટોણો મારતા કહ્યું,

“અગર આપકા શિકાર હો ગયા તો મૈં સેનાપતિ બન જાઉંગા.”

રાજા માનસિંહ ખડખડાટ હસી પડ્યા અને પોતાના હજાર ચુનંદા સાથીઓ સાથે ઘોડા દોડાવતા નીકળી પડ્યા.

મેવાડના આ પ્રદેશમાં યુદ્ધરત ભીલો પોતપોતાના પરંપરાગત ઝૂંપડાઓ બાંધીને રહેતા હતા. આ ઘોડેસવારોની ટોળી જોતાં જ થોડા ભીલો વીજળીવેગો દોડીને વીર પૂંજાજી પાસે પહોંચ્યા.

આ વખતે વીર પૂંજાજી અને કાળુસિંહ અગ્રીમ હરોળની સીમા પર દુશ્મનની, સેનાની ગતિવિધિ પર નજર રાખવા તૈનાત થયા હતા.

“જી કેટલાંક સૈનિકો સાથે રાજા માનસિંહ આ ગીચ જંગલના પ્રદેશ શિકારે જઈ પહોંચ્યા છે.”

શિકાર ખેલવાની ધૂનમાં રાજા માનસિંહ, મેવાડી સેનાની ખૂબ જ નિકટ આવી પહોંચ્યા હતા. ગીચ ઝાડીના કારણે આ વાતનો ખ્યાલ આવી શકે તેમ ન હતો. વનવાસી ભીલોથી તો ઘેરાઇ ચૂક્યા હતા.

“જો આ જંગલમાં જ એક હજાર સાથીઓ સાથે મોગલ સેનાપતિને પકડી લેવામાં આવે તો?” આ વિચાર આવતાં જ પૂંજા ભીલે કાળુસિંહને કહ્યું, “સરદાર, આ મોકો ઉત્તમ છે. આપ જઈને મહારાણાજીને ખબર આપો જાઓ. પળેપળ કિંમતી છે. આ કામ તમેજ કરી શકશો. અમે તો આમેય ખૂબ ઘોડા દોડાવ્યા છે.”

પોતાના ભૂતકાળના ડાકુ જીવન પર આ ઇશારો હતો. પરંતુ પ્રેમથી તેઓ હસ્યા અને ઘોડાને એડ લગાવી.

આ વખતે છાવણીમાં મહારાણા સાથે યુદ્ધ વિષે મંત્રણા ચાલતી હતી.

આ સમાચાર સાંભળતા મેવાડી સેનાના વીર આનંદિત થઈ ગયા.

“મોગલ સેનાપતિને જીવતો પકડી લીધો હોય તો....?”

બહાર એક હજાર ઘોડેસવારો તૈયાર થઈ ગયા. તેઓના ભાલા ગગન તરફ ઉછળી રહ્યા હતા. સૌને અપેક્ષા હતી કે, મહારાણાજી અવશ્ય રજા આપશે બલ્કિ એમની કલ્પના હતી કે, દેશદ્રોહી માનસિંહને ઝબ્બે કરવા સ્વયં મહારાણા ચેતક ઉપર બિરાજશે.

“મહારાણાજી, ભગવાન અકલિંગજીની કૃપાથી આવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. આપ આદેશ આપો તો અમે રાજા માનસિંહને બંદીવાન બનાવી લાવીએ.” નૈન-સી મહેતા બોલી ઉઠ્યા.

“આપણે માનસિંહને ખતમ કરીએ તો યોગ્ય ગણાશે. આ યુદ્ધની જડ એ જ છે. પહેલો ઘા રાણાનો, દુનિયા પણ યાદ કરશે.” માનસિંહ ઝાલાએ કહ્યું.

“હું તો ભીલોની મદદથી બધાંને ખતમ કરી દેત. પરંતુ મારા જેવા માટે અન્નદાતાની આજ્ઞા વિના અજૂગતુ લાગ્યું. મને થયું કે, મહારાણાજીના આદેશની જરૂર છે. એટલે હું મારતે ઘોડે અહીં આવી પહોંચ્યો છું. જો આપ હુકમ કરો તો એ અને એના સાથીદારો મારા પંજામાંથી જીવતા નહી જઈ શકે.

“મહારાણાજી, રાજા માનસિંહ મહાધૂર્ત છે. દગો કરવો એ એના સ્વભાવમાં છે. શઠ પ્રતિ શઠ થવામાં કશું પાપ નથી. ભગવાન શ્રીકૃષ્ણે પણ કુરૂક્ષેત્રમાં આ જ નીતિ આપનાવી હતી.” સોનગિરા બોલ્યા.

“પરંતુ મેવાડ એવો દગો નહિ રમે. એનો ઇતિહાસ ધવલ છે. બાપા રાવળથી આજ સુધીનો આઠસો વર્ષનો ધવલ ઇતિહાસ એક જ અધર્મ કૃત્યથી કલંકિત બની જાય.” બિદાજી ઝાલા ઉત્તેજીત થઈ બોલ્યા.

“ઝાલાજી સત્ય કહી રહ્યા છે. કીર્તિવંત મોત એ કલંકિત જીવન કરતાં શ્રેષ્ઠ છે. જ્યાંસુધી મહારાણાના હાથમાં ચેતનવંતા ચેતકની લગામ છે. દિશાઓને ઉખાડતો ભાલો છે અને બંને હસ્તે સમરવિજયી ભવાની છે. ત્યાં સુધી ભય શાનો?” રામશાહ તુંવાર ગર્જી ઉઠ્યા.

હવે મહારાણા ગંભીરતાથી બોલ્યા, “મેવાડના મહારાણા પદે બિરાજીને હું રાજા માનસિંહને દગાથી મારું કે મરાવું, કેદ પકડું કે પકડાવું તો મારા વંશની કીર્તિ ક્ષય પામે. હું રણક્ષેત્રમાં જ દુશ્મનને પડકારીશ. મેં આપણા બધાંના વિચારો સાંભળ્યા. સૌ પોતપોતાના વિચારોમાં દેશભક્તિ અને આ ધરતીની સુવાસ લઈને ઉભા છે પરંતુ તમે એટલું તો વિચારો કે, આ કાર્ય આપણા માટે ક્ષત્રિયોચિત હશે? હું કોઇને દગા-ફટકાથી મારી નાખવા ઇચ્છતો નથી. જો આપણામાં શક્તિ હશે તો આપણે યુદ્ધના મેદાનમાં જ શત્રુને વીરતાથી ખતમ કરીશું.

કાંધલજી ઉભા થયા. તેઓ આ સેનામં આદરપાત્ર વયોવૃદ્ધ સામંત હતા. પ્રતાપગઢ નરેશ મહારાવલ બિકાજીના કાકા હતા. બિકાજીએ તેમને મહારાણાની સહાયતાર્થે મોકલ્યા હતા. તેઓ બોલ્યા.

“મહારાણા યોગ્ય કહી રહ્યા છે. દગાથી કોઇને પકડવા કે વધ કરવો ક્ષત્રિયો માટે શર્મજનક વાત છે. કપટનીતિનો સહારો કમજોર લે છે. દુષ્ટો લે છે. આપણે કમજોર પણ નથી અને દુષ્ટ પણ નથી.”

“કાળુસિંહ મારો આદેશ સાંભળો. વીર પૂંજાજીને પણ કહેજો. રાજા માનસિંહ ભલે શિકારનો આનંદ ભોગવે. એમનો વાળ પણ વાંકો ન થવો જોઇએ. શિકાર કરીને પાછા ફરે ત્યાં સુધીની તેમની રક્ષાની જવાબદારી તમારી યુદ્ધના મેદાનમાં ભલે એમના શૌર્યની પરીક્ષા થઈ જાય.”