Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 57

મેવાડ અભિયાનના સેનાપતિ

અકબરશાહે પોતાના રાજ્ય અમલની શરૂઆતમ જ અજમેર જીતી લીધું હતું. અજમેર શહેર વિશ્વભરમા ખ્વાજા મોહીયુદીન ચિશ્તીની દરગાહ માટે જાણીતું હતું. એ દરગાહ ચમત્કારી છે. અકબરને ખ્વાજા સાહેબની દરગાહ પર અપાર શ્રદ્ધા હતી.

શ્રી ગરીબ નવાઝ ખ્વાજા સાહેબ, ચેશ્તી પર્શિયન હતા. તેઓ ઇ.સ. ૧૨૩૩ ના વર્ષમાં ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. શાહજાદા સલીમના જન્મ પછી તો બાદશાહની શ્રદ્ધામાં વધારો થયો હતો.

અકબર હવે હિંદુઓને કાફિર સમજતો ન હતો. હિંદુઓના મંદિરો પ્રત્યે એને દ્વેશભાવ ન હતો. મારા શાસનમાં કોઇ મંદિર જમીનદોસ્ત ન થાય. કોઇ દેવમૂર્તિ ભાંગે નહિ એવી તેની ભાવના હતી.

તે સફેદ પાઘડી પણ કોઇ કોઇ વાર પહેરતો. મસ્તકે ટિળક કરતો. માળા જપતો, હિંદુ પત્નીઓ તથા જૈન, બૌદ્ધ સાધુઓના સંસર્ગથી ડુંગળી, લસણ અને છેવટે માંસાહાર પણ ત્યજી દીધો હતો. તેણે પ્રજાનું દિલ જીતી લેવા ઝરોખા દર્શન અને તુલાદાનની પ્રથા પણ શરૂ  કરી હતી. મહેલમાં હોળી, દિવાળી અને દશેરા જેવા હિંદુ તહેવારો પણ ધામધૂમથી ઉજવવામાં આવતા.

 ૧૫૭૬માં તેણે ફતેહપુર સીકરી મં ઇબાદતખાના બનાવડાવ્યું હતું. બધાં ધર્મના ધર્મગુરૂઓ સાથે તે ચર્ચા કરતો. આથી હિંદુ, શીખ, ખ્રિસ્તી, જૈન ગમે તે ધર્મ પ્રત્યે તેનામાં સહિષ્ણુતા જાગી હતી. એ ખરેખરો લોક સમ્રાટ બનવા માંગતો હતો.

ફતેહપુર સીકરીના મોગલ દરબારમાં એક દિવસે કેટલાંક વેપારીઓએ રાડ પાડી.

“શહેનશાહ, અમને ઉદયપુરના પર્વતીય પ્રદેશમાં લૂંટી લેવામાં આવ્યા છે. ગીચ ઝાડી અને નિર્જન રસ્તે જવા આવવાની સલામતી રહી નથી. આમ ચાલ્યા કરશે તો અમારો વેપાર પડી ભાંગશે.”

બીજા મુસાફરો કહેવા લાગ્યા.

“ગુજરાતથી આવવાના રસ્તે વસ્તી હટી ગઈ છે. નિર્જનતા વધી પડી છે. ત્યાંની પ્રજા ખેતી કરતી નથી. ગીચ ઝાડી વધી પડવાથી હિંસક પ્રાણીઓ આ રસ્તે વસી ગયા છે. જેથી આવવામામ જોખમ વધી ગયું છે. ઘણાં મુસાફરો હિંસક પ્રાણીનો આહાર બની ગયા.”

“અમારી સેના, મેવાડની શાન ઠેકાણે લાવવા થોડા સમયમાં કૂચ કરશે. અમારા સામ્રાજ્યમાં સલામતી જળવાવી જોઇએ. વ્યાપારીઓ નિર્ભયપણે વ્યાપાર કરી શકે એવી પરિસ્થિતિ હોવી જોઇએ. રાજા માનસિંહ, હવે રાજપૂતાના તરફ ધ્યાન આપવું જોઇશે.”

આમ મેવાડ પર આક્રમણનો તખ્તો તૈયાર થઈ ગયો.

૨૭ મી ફેબ્રુઆરી ૧૫૭૬ના રોજ શાહી ફરમાન બહાર પડ્યું, “ બાદશાહ અકબર ધાર્મિક કારણસર અજમેરને યાત્રાએ જઈ રહ્યા છે. ખ્વાજા નિઝામુદીન ઓલિયાની દરગાહ પર એક કિંમતી ચાદર ચઢાવશે.”

અજમેરના પ્રવાસ દરમિયાન તેમણે પોતાના ગુપ્તચર દ્વારા મેવાડની રાજકીય હાલતની સવ્ર વિગતો મેળવી લીધી. રોજ મેવાડ અભિયાન માટે મહત્વની મંત્રણા કરતા. આક્રમણનો સમસ્ત વ્યુહ રાજા માનસિંહને સમજાવી દીધો.

રાજા માનસિંહ એક વિચક્ષણ રાજકુમાર હતા. મીરાંબાઇના વિચારોની તેના પર વિશેષ અસર હતી. મોગલ શહેનશાહ પાસે રહીને હિંદુહિત કરવાનો રાહ એણે અપનાવ્યો. દિલ્હી દરબારમાં રાજા માનસિંહ સર્વેસર્વા હતા. તેઓની ફોઇ જોધાબાઇ મોગલ-એ-આઝમ શહેનશાહ જલાલુદીન અકબરની પ્રિયા બેગમ હતી. શાહી ખાનદાન સાથે આથી તેનો અટૂટ સંબંધ હતો. શાહે દરબારમાં બીજા બધા કરતાં એને વિશેષ માન મળતું.

તે વર્ષમાં છ માસ ફતેહપુર સીકરી માં તો છ માસ આંબેરમાં વિતાવતા. જ્યારે રાજા માનસિંહનું આગમન ફતેહપુર સીકરી, આગ્રા કે દિલ્હી ખાતે થતું ત્યારે અઢાર હાથી, સંખ્યાબંધ રથો, ઘોડા અને પાર વગરનું ઝવેરાત લાવીને બાદશાહના ચરણોમાં નજરાણાં તરીકે ધરતો અને એ જ્યારે રાજધાની છોડતો ત્યારે બાદશાહ એને લાવ્યો હોય એનાં કરતાં વધારે અપીને વિદાય કરતાં. બિહારીમલે આપદધર્મ તરીકે કરેલી સંધિનો ઉત્તમોત્તમ લાભ મેળવવાની હોંશિયારી રાજા માનસિંહમાં અપાર હતી. આમ આંબેરના તાજ, રાજ અને હ્રદયની વૃદ્ધિ થતી જતી હતી. વ્યવહારકુશળ જોધાબાઇ પોતાના પિયેરની રાજ- રમણીઓને હંમેશા કિંમતી દ્રવ્ય ભંડારથી નવાજતી.

અકબરશાહની ગણતરી સાવ અલગ હતી. મેવાડ અભિયાનના સેનાપતિ તરીકે તેઓ રાજા માનસિંહને જ ગોઠવવા માંગતા હતા. આ ગોઠવણ પાછળ તેમની મૃત્સદગીરી તરી આવતી હતી.

મોગલ સેનામાં શાહબાઝ ખાન, આસફખાન, મિહતરખાન, મિર્જા અબ્દુલ રહીમ વગેરે ટોચ કક્ષાના નીવડેલા સેનાપતિઓ હતા. કેટલાક તો અનુભવી અને વૃદ્ધ હતા. પરંતુ મોગલ સેનાના આ બાહોશ સેનાપતિઓ રાજપૂતાના પર્વતીય પ્રદેશથી સાવ અજાણ્યા હતા. વળી રાજપૂતો પર આક્રમણ કરવાનું હોવાથી મુસ્લીમો સિપેહસાલાર ચાલી જ ન શકે. કારણ કે, સામે ધર્મ પ્રતિપાલકનું બિરૂદ ધરાવનાર મહારાણા હતા. જો આ યુદ્ધને જાતિ યુદ્ધ કે ધર્મ યુદ્ધ તરીકે જાહેર કરવામાં આવે તો મોગલ સેનાના રાજપૂતોમાં પણ વિદ્રોહી ભાવના જાગે.

રાજા માનસિંહ મલિકા જોધારાણીનો ભાણો હોવાથી મોગલસેનાના રાજપૂતો તેને પૂરેપૂરા વફાદાર રહે. વળી આ સંગ્રામની શરૂઆત જોધાબાઇના દીકરા શહજાદા સલીમના હસ્તે થાય તો રાજપૂતોને અપમાન, અવગણના કે અવિશ્વાસનું કારણ ન રહે.

સાથે સાથે રાજા માનસિંહની આવડત અને વફાદારીની કસોટી પણ થઈ જાય.

મેવાડ સાથેનું યુદ્ધ યાદગાર યુદ્ધ થવાનું હતું. આ જંગના સેનાપતિ પદના ઉમેદવાર તો ઘણા હતા. શાહબાઝખાન અનુભવી અને બાહોશ એવા આસફખાન, મેહેતરખાન, શહેનશાહનો અંગરક્ષક નસીબખાન.

પરંતુ અજમેરમાં મંત્રણાઓ પછી બાદશાહે ધડાકો કર્યો. મોગલ સેનાના મેવાડ અભિયાનના સેનાપતિ ૨૬ વર્ષના યુવાન બહાદુર રાજા માનસિંહને નીમવામાં આવે છે.

આ જાહેરાતથી બાદશાહની સેનાની મોગલ છાવણી નારાજ થઈ જ્યારે રાજપૂત છાવણી ઘેલમાં આવી ગઈ.

આ યુદ્ધમાં રાજા માનસિંહની સહાયતા માટે અકબરશાહે એક લાખની ફોજ પોતાના ભાઇ મિર્ઝા રહીમખાન, બદાયુની, ઇતિહાસકાર અબુલફઝલ, રાજા મસ્જીદ ઉર્ફે બહલોલખાન લોદી, શાહબાઝખાનને, આસફખાન વગેરેને મોકલ્યા હતા.

બાદશાહે રહીમખાન અને શાહબાઝખાનને ખાનગીમા બોલાવી કહ્યું,” ઇસ જંગ કે સેનાપતિ રાજા માનસિંહ ભલે હો, કામ તો તુમ દોનો કે ભરોસે હી સોંપતા હૂં.”