હાસ્ય લહરી - ૯૯ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય લહરી - ૯૯

ફાગણ તારી ફોરમ ફટકેલી ..!

 

માંગણ-ડાકણ-સાપણ જેવાંશબ્દો ભલે નાકનો નકશો બદલે, બાકી ફાગણ એના જેવો લાગે ખરો, પણ ગુનોતારમાં ઉંચો..! બીવડાવવા કરતાં હસાવવામાં માહિર..! મને ગમે બહુ. ફાગણ આવે ને કેસુડાં ખીલે એમ હાસ્ય પણ ખીલવા માંડે. હસવા-હસાવવાનો મોકળો મહિનો એટલે ફાગણ..! બાર મહિનામાં આ એક જ મહિનો એવો કે, કોઈની પણ હળી કરવી હોય તો થાય. વટથી કહેવાય કે, ગુસ્સા મત કર... હોલી હૈ..! જુઓ ને હું પણ ફાગણની હળી જ કરું છું ને..? ફાગણ બેસે ને બરડામાં બરફ ભરાણો હોય એમ, ઠંડા ઠંડા કુલ કુલ થવાય. ગુદગુદી થવા માંડે. હાસ્યને પ્રગટાવવા માચીસની જરૂર નહિ, પિચકારી મારો એટલે ખીખીખીખી થવા માંડે. અલબત, વાંદરો પોતાની વાંદરીને કે ભાઈબંધ વાંદરાને આવી ચેષ્ટા કરે તો જ, નહિ તો કુચેષ્ટા કર્યાની ભેખડ પણ તૂટી પડે. અમારો રતનજી કહે એમ, ફાગણ એટલે નખરાળી વહુ જેવો..!.!

બાકીના ૧૧ મહિના ભલે તંદુરસ્તીની ઉર્જા વધારે, ત્યારે ફાગણ મહિનો છોગીયા મોંઢાવાળા છગનને પણ છગન-લાલ બનાવે. સ્થળ સ્થિતિનું ભાન એવું ભુલાવી દે કે, વેન્ટીલેટર ઉપર હોય તો પણ નળા-નળી છોડીને ભાંગડા કરતો થઇ જાય..! મોટી પિચકારી હાથવગી ના હોય તો, ઇન્જેક્શનની શીરીનથી પણ ફાગણ ઉજવી નાંખે..! એવો ફાગણ..! ‘બહાર કેસુડાના ઝાડવા મંદ મંદ પવન આપતા હોય, ‘હોલી હૈ’ ના ગગનનાદ થતાં હોય, ત્યારે પ્લાસ્ટરવાળો પગ પણ ઠેકવા માંડે. ‘નંદ ઘર આનંદ ભયો’ ની માફક ચારેય કોર અબીલ ગુલાલની રંગાવટ ને આપણે તો લીલાલહેર જેવી મદમસ્ત મૌસમ. ઝામી હોય ત્યારે આળસુમાં પણ આપમેળે પ્રાણ સંચાર થવા માંડે. ભલે રાધા-કૃષ્ણ નહિ દેખાય, બંસરીના નાદ નહિ સંભળાય, છતાં ઠેર ઠેર વાસંતીની ભરમાર જ એવી કે, આંખ અને કાન પણ સ્વચ્છંદ બની જાય. કેસુડો ઉકરડે ફાલ્યો હોય તો પણ, વ્રજ વૃંદાવન અને ગોકુળની ભૂમિમાં રાહડો રમતા હોય એવી અનુભૂતિ થવા માંડે. મન કેસરિયું, તન કેસરીયુ, ને વાણી-વિલાસમાં પણ કેસરિયો ફૂટવા માંડે. આનંદની લ્હેરખી તો એવી ફરી વળે કે, એકાદ મોતી માટે દરિયામાં ડૂબકી મારી હોય, એ મરજીવાના હાથમાં પણ ખજાનો લાધ્યો હોય એમ, કિલ્લોલ કરવા માંડે. કેસુડાંનાં ઝાડવા-ઝાડવા સાદ પાડીને જાણે કહેતાં હોય કે, ‘ આવતો રહે મરજીવા, સાચાં મોતીની થાળ લઈને તો તારો કિશન અમારી કેડે બેઠો છે. વનરાવન મઘમઘ થાતું હોય, કોયલડું સુરાવલિ ની તાન છેડીને તાનસેન બનતું હોય, પ્રભાતિયાં પીઠી ચોળીને મોડબંધાની માફક લેંઘા ફફરાવતું હોય, ત્યારે તો એમ જ લાગે કે, સ્વર્ગને શોધવાની હવે જરૂર નથી, સ્વર્ગને તો પ્રકૃતિએ ખોળે વસાવી લીધું છે..!

જુઓ ને, નાગણ જેવો નશીલો ફાગણ આજે મારી અડફટમાં આવી ગયો. નશીલો બની ગયો. એમ થાય કે, આવી રસીલી ધરતી ઉપર રહેવાનો વિઝા અનેક ફાગણો સુધી લંબાતો રહે તો કેવું? આ ફાગણની વૃતિ અને પ્રકૃતિ પણ ગર્લફ્રેન્ડ જેવી છે, મામૂ..! સમય પ્રમાણે ખીલે, ને અસ્ત પણ સમય સાથે જ થાય. ગર્લફ્રેન્ડ ભલે મોહિકી હોય, પણ ફેસિયલ વગરના ફાગણ આગળ ગર્લ ફ્રેન્ડનું પણ પાંચિયું નહિ આવે. ગર્લફ્રેન્ડ માટે વાપરેલો ‘ડાર્લિગ-જાનુ-સ્વીટ-હાર્ટ કે પ્રિયે’ જેવાં સોનેરી વિશેષણો નાહકના વેડફી નાંખ્યા. એવી અનુભૂતિ થાય..! દેવોના દેવ મહાદેવ પણ મહાશિવરાત્રીએ આવે ત્યારે જોડે ફાગણને પણ લાવે. આમ તો ચોમાસાની વાછટ પણ સરસ. હરિયાળું- હરિયાળું બનાવે. પણ તેમાં પલળવાનું આવે. શિયાળો પણ સરસ, પણ થથરવાનું આવે. ઉનાળાની ગરમી પણ સરસ, પણ ચાર ગ્લાસ પાણી પીઈએ તો બાર ગ્લાસ પરસેવો કાઢવાનું આવે. ફાગણની ફોરમમાં તો મઘમઘવાનું, ને ગમતાનો ગુલાલ કરવાનું જ આવે..! જ્યાં ઋતુઓના રાજા વસંતરાજા સિંહાસન શોભાવીને બેઠો હોય, એમાં ઝૂરવાનું નહિ આવે, જીવવાનું જ આવે. જ્યાં રંગ છે, વ્યંગ છે, મસ્તી છે, પવનનો રણકાર ને હસીખુશીની લહેરખી છે, ત્યાં ફાગણની ફોરમ ફટકેલી છે..! એટલે તો પ્રેમઘેલાઓ કાગ-ડોળાને બદલે કોયલ-ડોળે ફાગણની રાહ જોતા હોય કે, હવે સાત ફેરાના આંટા જલ્દી ફરાય તો સારું..!

આધ્યાત્મિક ભાવ સાથે જોડાયેલો ફાગણ બેસે, એટલે પૂનમની સાક્ષીમાં હોળી પ્રગટે, ને બીજા દિવસે ધૂળેટી..! વાતાવરણને રાગરાગીણી શીખવતા હોય એમ પ્રણયગીતો ધુણવા માંડે. ધૂળેટીથી રંગ પંચમી સુધી શરીરનું રંગકામ થવા માંડે. ધૂળેટી એટલે, નવવધુ સાથે વળતી જાનમાં ભેળી આવતી કુરેલી જેવી. હોળીના બીજા દિવસે ધૂળેટી આવે. મસ્તીનો તહેવાર એટલે ધૂળેટી..! આ દિવસે એવાં રંગાય જાય કે, પોતાનું ફરજંદ પોતાના માલિકને નહિ ઓળખાય. ચૂંટણી-કાર્ડમાં છપાતા ફોટા જેવાં જ બધાં લાગે..! કાળીયા ભૂત થઇ જાય.‘કાળા ગોરા’ નો ભેદ નાબુદ થઇ જાય.દેવોના દેવ મહાદેવની જાનમાં મ્હાલતા હોય એમ ભૂતનાથ જેવા જ લાગે. બધાનો ચહેરો બધાની સાથે મળતો આવે. મોંઢાનો મૂળ નકશો તો શોધેલો નહિ જડે. સોળેક છોકરાને નવડાવીએ ત્યારે માંડ પોતાનું પાર્સલ મળે, તે પણ પહેરેલી ચડ્ડી ઉપરથી..! પોતાનું જ પાર્સલ પોતાનાથી નહિ ઓળખાય, એનું નામ ધૂળેટી..! રંગારો હોય કે, કે રંગારી હોય, ધુળેટી તહેવાર જ એવો કે, રંગાઈને બધાં જ પોતાની મસ્તીમાં ટુઉઉઉન થઇ જાય..! વાત પણ સાચી ને, મન મૂકીને વરસવાની તક મળે પછી કસર કોણ રાખે..? અમુકની તો અંધારામાં આગિયા પપલતા હોય એમ આંખ જ પપલે..! આવી હાલતમાં જો કોઈ રાતે મળે તો, ભલભલાની કબજીયાત મટી જાય..! એમાં ચમનિયાનું ચોંચું એટલે ભારે હુલ્લડી..! સુતેલાનાં કાનમાં પિચકારી મારી આવે..! કોઈને ઠેકાણે પાડવો હોય તો લોકો એને ભાડે કરી જાય.! આખું ગામ એની સાથે ભણી ગયેલું. સૌથી વધારે ભણેલાની યાદીમાં આજે પણ એનું નામ મોખરે..! કોઈ ધોરણ એવું નહિ હોય કે, જેમાં બબ્બે-ત્રણ-ત્રણ વર્ષ કાઢ્યા ના હોય..! આવાં ધંતુરાના હાથમાં ‘ધુળેટી’ ની પિચકારી આવે પછી બાકી રહે, ફૂવ્વારા જ છોડે..! લોકોના ઓટલે મુકેલા બાંકડા પણ હોળીની રાતે જીવતા નહિ રાખે. સ્વાહા કરી આવે..! આજુબાજુવાળા તો અગમચેતી વાપરીને વગર વરસાદે ધુળેટીના દિવસે રેઈનકોટ ચઢાવીને બેસે. એની ચીચયારી પણ ભારી, ને એની પિચકારી પણ ભારી..! ફાગણની તો વાત જ નોખી. સારા પુત્રની પ્રાપ્તિ માટે, આપણે ત્યાં રાંદલ તેડવાનો રીવાજ છે. પણ આવા તોફાની ટપુડા ની પ્રાપ્તિ થાય તો, ફરીથી રાંદલમાને કહેવાનું થાય કે, ‘ આ તારો એવોર્ડ પાછો લઇ લે મા, ક્યા તો એને સદબુદ્ધિ આપ..! ખોટા સરનામે પાર્સલ ડીલીવર થયું હોય એવું લાગે છે ..! અલ્યા ગેસના ચૂલ્હા ઉપર હોળી પ્રગટાવવાના થાય બોલ્લો..! દુર્યોધનના અવતાર જેવાં..! એના કપાળમાં કાંદા ફોડું..!

લાસ્ટ ધ બોલ

હૈયે પ્રીત ગળે ગીત અને હોઠે સ્મિત

આ ત્રણ છે ફાગણ મનાવવાની રીત..!

--------------------------------------------------------------------------------------------------------------------------------------------