HAM CHHOD CHALE HAI MAHFIL KO books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૯૮

હમ છોડ ચલે હૈ મહેફીલકો..!

બાસુદી જેવાં હાસ્એય લેખ તો ઘણા લખ્યા, આજે મને રગડા-પેટીસ કે ભેળપૂરી જેવો લેખ લખવાની ઉપડી બોસ..! એમાં છાપું-ફરફરિયું-સંગીત-જાહેરાત-નામ વગેરે બધું જ ઝાપટમાં આવી જાય. આજે દેખાય છે તે હોતું નથી, ને હોય છે તે દેખાતું નથી..! જેનું નામ હોય 'જીગર' પણ સ્વભાવે ગીઝર જેવો હોય. હિમાલયની ટોચ ઉપર બેઠો હોય તો પણ પરસેવો કાઢે..! અમુકના નામ દીપક હોય, પણ એના જીવનમાં જ અંધારા..! અમુકને તો એની પણ ખબર નહિ હોય કે, પોતે જીવ છે કે જીવડું..? કોઈની જ્યોત સળગે એટલે ખાખ થવાની પડાપડી કરે. ત્યારે અમુકના નામ હસમુખ હોય, પણ ચોવીસ કલાક રડમુખ..! વિટામીનની ઉણપ હોય, ને શરીર હાડપિંજર થવા માંડે, એમ જેનામાં હાસ્યની પ્રવેશબંધી હોય, તેમના નામ માત્ર વસ્તી ગણતરી પૂરતાં જ કામમાં આવે. સમાજ પાસેથી કંઈ લઇ પણ નહિ શકે, ને સમાજને કંઈ આપી પણ નહિ શકે..! સવાર ખુલે એટલે માણસ જો હસતાં ચહેરા સાથે ઉઠતો હોય તો, સામેવાળાને good morning કહેવું નહિ પડે, સામેવાળાનું આપોઆપ good morning થઇ જાય. પણ સમજે કોણ..? હસવાથી ભગવાનના સાક્ષાત દર્શન થયા હોય એમ, મન-મગજ અને મનોરથ garden-garden થઇ જાય. બાકી રડતાં રહેવામાં તો આધિ-વ્યાધિ ને ઉપાધી ઘર જમાઈ બની જાય મામૂ..! અમુક તો એવાં કાળ ચોઘડિયાં જેવાં હોય કે, હસવાની વાત આવે ને હોઠ ઉપર ભમરા માળા બાંધવા માંડે. એને કરમના ભોગવટા કહેવાય..! આવાં લોકો પાણીમાંથી પણ મલાઈ શોધતા હોય..! હસવું બહુ અઘરું છે યાર..!
પેલી રાજાવાળી વાત યાદ છે ને..? જેને કોઈ વાતે ખોટ નહિ, પણ હસવાની વાત આવે ને મોઢું કંકોળા જેવું થઇ જાય. કોઈ ચમરબંધીની તાકાત નહિ કે, રાજમાં કોઈ ખીખીખીખી કરે..! હાસ્ય ગમે નહિ, એટલે માણસને બદલે વાંદરાને અંગરક્ષકમાં રાખેલો. રાજા વાજા ને વાંદરા..! થયું એવું કે, રાજાની ગરદન ઉપર એક દિવસ મચ્છરૂ બેઠું. ઘૂઊઊઉ..ઘૂઊઊઉ અવાજ સાંભળી વાંદરાને થયું કે, આ મચ્છરડું એની ભાષામાં હસે છે, એ નહિ ચાલે..! રાજાનું લોહી પીવાનો પહેલો અધિકાર મારો છે. મચ્છરાંની શું તાકાત કે, હું બેઠો હોંઉ ને એ આવી કુચેષ્ટા કરી જાય. તરત રાજાની તલવાર ખેંચીને ગરદન ઉપર બેઠેલાં મચ્છર ઉપર તલવારનો ઘા કર્યો. જેવો ઘા કર્યો એટલે મચ્છરડું તો ઉડી ગયું, પણ રાજાનું પ્રાણ પંખેરું પણ ઉડી ગયું. ત્યારથી કહેતી થઇ ગઈ કે, હસાવનારને ખાંધ ઉપર લઈને ફરાય, પણ દોઢ ડાહ્યાને ખોળામાં લઈને નહિ બેસાય..!
છાપાંમાંથી આપઘાત કરતાં ફરફરિયાંનું કામ પણ આવું જ. છાપું ખોલીએ એટલે એકાદ-બે ફરફરિયાં તો ખોળામાં આવીને પડે જ. ઈચ્છા હોય કે, ના હોય તો પણ ખોળે લેવા પડે..! બે-ઘડી તો વિચારમાં પડી જઈએ કે, આપણે છાપાના બીલ ભરીએ છીએ કે, ફરફરિયાનાં..? તારીખ અને વાર સિવાય છાપામાં કોઈ નવા સમાચાર નહિ આવતાં હોય, એ પણ સહન કરવાનું અને ફરફરિયાં પણ સહન કરવાના..! જો કે, ક્યારેક તો છાપાં કરતાં ફરફરિયાં ‘ટેસ્ટી’ નીકળે..! જેવાં જેના નસીબ..! બાકી ક્યારેક તો એવાં ફરફરિયાંનો અનુભવ થાય કે, ‘ફલાણી માતાના મહાન ઉપાસક, ફલાણા મહારાજ પ.પૂ. ૮૮૮૮ હિમાલયથી ખાસ પધાર્યા છે..! જે તમારા તમામ ગૂમડાઓ આઈ મીન..દુખડાઓ ચપટીમાં દુર કરશે..! એના કપાળમાં કાંદા ફોડું, વાસ્તવમાં એ ઢબુડો હિમાલયથી નહિ ‘ હિમાલય કી ગોદમેં’ ફિલ્મ જોઇને હિમાલય થીએટર માંથી બહાર આવ્યો હોય..!
મારો મિત્ર રતનજી મારી પાસે એક ફરફરિયું લઈને આવ્યો. એમાં લખેલું કે, “ બનારસ ઘરાનાના સંગીત સમ્રાટ કાનસેન, ફલાણા હોલમાં ફલાણી તારીખે આવનાર છે.” સમ્રાટ તાનસેનનો વારસદાર પધારવાનો હોય એમ ફરફરિયું એવું મઠારેલું કે, સંગીતના ઔરંગઝેબ જેવો રતનજી પણ એમાં પલળી ગયો. ઢેબરાં-ખરખરીયાં સાથે વાઈફને લઈને મોંઘીદાટ ટીકીટ લઈને જલસો માણવા ગયો તો ખરો, પણ કોથળામાંથી બલાડું નીકળ્યું. કાર્યક્રમ નીકળ્યો શાસ્ત્રીય સંગીતનો..! બાલમંદિરનાં છોકરા બારમાની પરીક્ષા આપવા બેઠા હોય, એવી રતનજીની હાલત થઇ ગઈ.. વાઈફે તો ઊંઘ ખેંચી કાઢી, પણ રતનજીની ઊંઘ ઉડી ગઈ. લોકલાજે થોડીકવાર તો ડોકી હલાવ્યા કરી. પછી તો ડોકી પણ થાકી. સારેગમમાં ગતાગમ પડે નહિ. બાજુવાળાને એણે પૂછ્યું પણ ખરું કે ‘આ ગાયકને ‘સારેગમ -પધનીસા’ ના સાત જ અક્ષર આવડે છે કે આગળ કંઈ આવડે છે? બાજુમાં બેઠેલાં શ્રોતાએ સવાલ સાંભળીને જગ્યા બદલી નાંખી. ફરફરિયાંનો વિરોધ કરતો નથી, પણ ક્યારેક તેમાં લખેલી વાત ઉપર વિશ્વાસ કરવામાં નકુચામાં આંગળી આવી ગઈ હોય એટલું દુઃખણું થાય. મહાકવિ કાલીદાસે સંગીત વિષે ‘શાકુંતલ’ અભિજ્ઞાનમાં એક વ્યાખ્યા આપેલી કે, ગીત, વાદ્ય અને નર્તન આ ત્રણેય સીધી લીટીમાં ચાલે, ને સંપીલો પ્રવાસ કરે તો એને સંગીત કહેવાય..! શરીરનું આખું ફર્નીચર ભલે રૂપાળું હોય, પણ ગાવાની ક્રિયાને માત્ર ગળા સાથે જ નિસ્બત હોય..! ગળાને બદલે ડોક હોય, તો કોક દુખી થાય..! સંગીત શાસ્ત્રમાં નાકને બદલે ગળામાંથી નીકળેલા સૂરો જ વધારે વખણાયા છે. આ તો સહેજ જાણ ખાતર..! બાકી ભગવાને જેને ગળાને બદલે ડોક આપી છે, એમણે ભૂપાલી-ભૈરવ કે ભીમપ્લાસની માયાજાળમાં પડવું જોઈએ નહિ. એમાંથી ‘ભોંભોંભોં ‘જ નીકળે, બોળી પાસે કાંસકીની અપેક્ષા નહિ રખાય..!
સંગીત એટલે સુતેલા આત્માને જગાડવાની તાકાત. પંચમદાએ એક સરસ વાત લખી છે કે, શરીર મન અને આત્માને આનંદ આપી પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે એ સંગીત. બાકી ચાલુ ગાડીએ ડોકું બહાર કાઢીને ‘ભાંભરનાર’ ને ગાયક નહિ કહેવાય. આવાં લોકો વરસતા વરસાદમાં પાપડ જ સુકવતા હોય..! ઘણા તો યાર ગાવા આવ્યાં છે કે, ભાંભરવા, એ જ નહિ સમજાય..! ગાવા કરતાં ગળું વધારે ખંખેરે, અને તે પણ આપણા ખર્ચે..! તબલાના તાલ પકડીને ગળું ખંખેરે ત્યારે તો એમ જ લાગે કે, આવાં ખોંખારીસ્ટો હાર્મોનિયમ નહિ લાવે તો ચાલે, બે-ચાર ડોકટરોને લઈને જ ગાવા નીકળવું જોઈએ. તબલું-મંજીરું ને ખોંખારો, ક્યારેક તો નોખા નોખા રસ્તે જ મુસાફરી કરતાં હોય..! તબલાના ૧૨ માત્રાના તાલમાં ૨૨ વખત તો ગળું ટેસ્ટ કરે. આવાં ખોંખારીસ્ટો હાર્મોનિયમ નહિ લાવે તો ચાલે, પણ બે-ચાર ડોકટરો લઈને જ ગાવા નીકળવું જોઈએ. ફેર એટલો કે, અચ્છો ગાયક ગાવા પહેલાં માઈકને ‘ટેસ્ટ’ કરે, અને આ લોકો ગાવા પહેલાં ગળુંને ટેસ્ટ કરે. ગળાનો માલ જ્યાં સુધી બહાર નહિ નીકળે, ત્યાં સુધી ચિત્તમાં વાંદરું ઘૂસી ગયું હોય એમ, સખણું જ નહિ રહે..!

 

લાસ્ટ ધ બોલ

 

પતિ-પત્નીના સંબંધો મંજીરા જેવાં હોવા જોઈએ. જે એકબીજા વગર અધૂરા લાગે. જે લોકો છાપાને બદલે ફરફરિયાં જેવા સંબંધ રાખે છે, એના ભવિષ્ય ઊજળા રહેતાં નથી.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED