ગુસ્સા મત કરના હોલી હૈ..!
ઢોલ પિચકારી ને મસ્તીમાં ‘રંગ બરસે ભીગી ચુનરિયા’ ની તાન એક જ વાર છૂટવી જોઈએ, એટલે સુકા બાવળમાં પણ કૂપણ ફૂટવા માંડે. હોળી-ધૂળેટીનો એ પ્રભાવ છે. અમિતાભની માફક રતનજીનો અમથો પણ ટાંગ ઉલાળતો થઇ જાય. ધૂનમાં તાકાત જ એવી કે, સાંભળે એટલે મગજના તાળાં ઉઘડી જાય. હૈયા અને હોઠેથી ઉર્જા-યૌવનનો પ્રસવ થવા માંડે. ઊંટના હોઠ જેવું લબડેલું મોંઢું ઝગારા મારતું થઇ જાય. હોળી આવે એટલે, રાધારાણી યાદ આવે, કનૈયો યાદ આવે, નંદગાંવ યાદ આવે, બરસાનાની હોળી અને વ્રજ યાદ આવવા માંડે. વ્રજ એટલે રસરાજ શ્રી કૃષ્ણ અને રાધારાણીની લીલા-ભૂમિ..! હાસ્ય-વ્યંગના લોકગીતો ગાતા-ગાતા, રંગ રસિયાઓ એકબીજા ઉપર અબીલ ગુલાલનો છંટકાવ કરે, પીચકારીથી રંગનો પ્રહાર કરીને પ્રેમની પરાકાષ્ટાઓ વધારે. હોળીની તો કોઈ મઝા જ ઔર મામૂ.! રાસડાઓના શબ્દો સંભારીએ ત્યારે એમ થાય કે, હોળીમાં જલશા પડી જતાં હશે..? વાંસળી ઉપર કાન્હાની આંગળી ફરતી હોય, બીજી બાજુ રસરાજ ફરતે રાધા-ટોળી પિચકારીનાં રંગોથી આકાશ ભરતી હોય. એ વખતે તો સોહામણો કેસુડો પણ ડાળે-ડાળે ફેણ ચઢાવતો હશે..! ભગવાન શિવની માફક સખી બનીને આપણને પણ શિવલીલા જોવાની ઈચ્છા થાય..!
ક્યાં રાધા-કૃષ્ણની હોળી, ને ક્યાં ઘર-ઘરમાં સળગતી હોળી..! ક્યારેક તો ઘરમાં જ એવી હોળી સળગે, કે બહાર પ્રગટાવવાના ઉમેદ ઉપર તો મિસાઈલ જ ફરી વળે. બેભાન થઇ જવાય કે, આપણે તો પતિ છીએ કે પરમેશ્વર? હોળીના ઉમંગની ભાવના જ મરી પરવારે. ફાગ ગીતો સાંભળીને મન મોર બની થનગનાટ તો કરે, પણ ઘરની હોળી જ એવી સળગેલી હોય કે, થનગનાટ કરવાને બદલે મન કકળાટ વધારે કરે..! રંગ અને વ્યંગનો તહેવાર હોવાં છતાં, ‘હોળી મુબારક’ કહેવાને બદલે પીઠ ફેરવીને ચાલતી પકડે ત્યારે તો એમ જ લાગે કે, હજી હિરણ્ય કશ્યપ હયાત છે..! ‘હોળીનું નાળીયેર’ બનાવી જાય તે બોનસ..! પોતાનો રંગ ઉડાડી જાય તે હોળી, ને છાંટી જાય તે ધૂળેટી..! આમ તો હોળી એટલે ભૂલને ભૂલવાનો દિવસ, અને ધૂળેટી એટલે એકબીજાના રંગમાં ભળવાનો દિવસ..! એકબીજાને ઉમંગથી મળવાનો દિવસ, રંગવાનો ને ભીંજવવાનો દિવસ..! દરેક વ્યક્તિમાં એક હિરણ્ય કશ્યપ છુપાયેલો છે, પણ દેખાતો નથી. ખુન્નસને બાળવાનો યજ્ઞ એટલે હોળી, ને ભેટીને ભૂલવાનો અવસર એટલે ધૂળેટી.,,!
કમબખ્તી એ વાતની છે કે, ભગવાન પાસેથી છુટા પડ્યા પછી, દ્રાક્ષના છુટા દાણાની માફક માણસ સસ્તો થઇ ગયો. સ્વાર્થી અને સ્વચ્છંદી બની ગયો. સામે મળે તો નહિ મલકાટ દેખાય કે, નહિ કોઈ ચળકાટ દેખાય..!. 'ઓન્લી' ખચખચાટ ને કચકચાટ લાગે..! હોઠ ઉપર ના હાસ્યને લુણો લાગ્યો હોય એમ, મગજ પણ બરફ..! રેંટો જ ચાલે..! સંબંધો જ્યારે વાર તહેવારે મંદિરમાં વાગતાં ઘંટા જેવા થઇ જાય ત્યારે માનવીને સખણો કરવા આવાં તહેવાર આવે. શ્વાસ ધબકતાં હોવા છતાં, ટકોરા વગરના ઘડિયાળ જેવાં..! આવાં ખડ્ડૂસ લોકોને રીઝવવા તો દર વરસે હોળી-ધૂળેટી આવે.? એમને કોણ સમજાવે કે, ગંગા નદી ગંગોત્રીથી આવતી હોવાથી પવિત્ર મનાય છે. ગંગોત્રીનો પાલવ છૂટ્યા પછી, બીજી નદીઓ ભળતા એ માત્ર નદી બની જાય. ચરણામૃતનું સ્થાન પણ ગુમાવી દે. છેલ્લે તળાવ બને ક્યાં તો ખાબોચિયું બને, અને પછી દરિયાની ખારાશમાં ભળીને નદી મટી દરિયો બની જાય.!
સ્વચ્છંદી બનેલો માણસ પોતાનો હિસાબ ભલે પોતે નહિ રાખતો હોય, પણ ભગવાનની ખાતાવહીમાં તો રોજની નોંધ થાય..! રાવણનો દાખલો એનું પ્રમાણ છે. હોળીનું શિલાન્યાસ કરનાર દાનવોનો રાજા હિરણ્યકશ્યપે તપ કરી-કરીને વરદાનોના મેડલનો ઢગલો કર્યો, પણ કાંદો શું કાઢ્યો..? વરદાન) પણ એના મૃત્યુને ટાળી નહિ શક્યા. આપણી પથારી આપણાવાળા જ ફેરવતા હોય. ઈતિહાસ તો એનો સાક્ષી છે. ભગવાન શ્રી રામ ની પથારી કૈકયીએ ફેરવી.! રાવણની પથારી વિભીષણે ફેરવી..! વાલીની પથારી સુગ્રીવે ફેરવી..! એમ (એચ. કે.) હિરણ્ય કશ્યપની પથારી પ્રહલાદે ફેરવી..! ભળો રંગની જેમ ભળો. રસ્તામાં કોઈ મળે તો એ માણસ જાય છે, મશીન જતું નથી એવી સંવેદના રાખો, એ ધૂળેટી શીખવે છે. કોઈ શાયરે સરસ વાત લખી છે કે, “ જબ દુધમે પાની મિલતા હૈ, તો પાની ભી દૂધ કહેલાતા હૈ, જિસ મૂલમેં દૂધ બિકતા હૈ, ઉસી મૂલમેં પાની બિકતા હૈ. પાની બોલા દોસ્ત મૈ તેરી દોસ્તીકો નીભાઉંગા, તુજસે પહેલે મૈ જલ જાઉંગા, લેકિન તુઝકો તો બચાઉગા..!” ધૂળેટીમાં રંગાવું, એ રંગકામ નથી. સંસ્કારના છાંટણા છે. ધૂળેટી માત્ર રંગોત્સવ નથી, રંગની ઓળખ છે. આનંદ અને ઉન્માદમાં અરસ-પરસ એવાં રંગાય જાય કે, પોતાનું ફરજંદ પણ ભૂલી જવાય. પોતાનું ફરજંદ પણ પોતાનાથી નહિ ઓળખાય. દેવોના દેવ મહાદેવની જાનમાં મ્હાલતા હોય એમ, બધાં ભૂતનાથ બનીને જ ટહેલતા હોય. સોળેક છોકરાને નવડાવે ત્યારે માંડ પોતાનું ફરજંદ ચોખ્ખું ચટ થઈને બહાર નીકળે. તે પણ ચડ્ડી ઉપરથી ઓળખાય ..! અમુકની તો માત્ર આંખ જ પપલતી હોય. અંધારામાં આગિયા પપલતા હોય એવું લાગે. એનું નામ જ ધૂળેટી..! રંગારો હોય કે રંગારી, ધુળેટીના તહેવારમાં બધાં જ ‘ચકાચક’ થઇ જાય. મોડી રાતે સામે મળે તો, ભલભલાની જૂની કબજીયાત પણ મટાડી દે..! એમાં ચમનિયાનું ચંપુ, એટલે ભારે હુલ્લડી..! સુતેલાના કાનમાં પિચકારી મારી આવે તેવું.! કોઈને ઠેકાણે પાડવો હોય તો ચંપુને ભાડે કરવા આવે. માણસ દ્વારા માણસને રંગકામ કરવાનો દીવસ, એટલે ધૂળેટીનો તહેવાર. કોઈ ભજનાનંદી ભજનના રંગમાં ડૂબી જાય, એમ રંગમાં ડૂબવાની દિવસ, પછી એ કોઈપણ પ્રકારનો રંગ હોય. ધુળેટીના રંગમાં જે રંગાય છે, એને બારેય માસ વૃંદાવન લાગે ચંપુ હોળી સળગાવે ને ચમનીયો ખેલે..! સુતેલાના કાનમાં પિચકારી પડે તો સમજી લેવાનું કે, એ કાનુડો બોજો કોઈ નહિ, પણ ચમનીયાનો ચંપુ જ હોય..! ચંપુ એટલે ચમનીયાની માનતાનું ફરજંદ. પુત્રની પ્રાપ્તિ માટે લોકો મા રાંદલને તેડે, પણ પુત્ર પ્રાપ્તિ પછી ધમાલિયો કુછંદે ચઢે ત્યારે મા રાંદલને તેડીને કહેવાનું મન થાય કે, ‘ખમ્મા કરો મા, આપનો આ એવોર્ડ પાછો લઇ લો..! મારાથી જરાયે સહન થતો નથી..! ત્રાસી ગયો છું મા..! આવાં ધાંધલિયાને મોકલવા આપને મારું જ સરનામું મળ્યું..? લોકોને યોગી ને મને જ આવો મનો-રોગી..? ઉપાડ વગરનો ‘વધેલો-ઘટેલો’ સ્ટોક મારે ત્યાં જ ઠાલવ્યો..? ´ ગેસના ચૂલ્હા ઉપર જ હોળી સળગાવી નાળીયેર હોમવાનો થાય બોલ્લો..! માંડ સૂતા હોય, ત્યાં ‘ રંગ બરસે ભીગી ચુનરિયા’ ની ધૂન કાઢી કાનમાં પિચકારી નાંખી જાય. પાછો ઉપરથી કહે, “ગુસ્સા મત કરના હોલી હૈ..!”
લાસ્ટ ધ બોલ
હોળી ધૂળેટી ખુશીથી રમજો. પણ હોળી ધૂળેટી રમીને ફોટા મોકલશો નહિ. ફોન કલરવાળો થઇ જાય છે..!