હાસ્ય લહરી - ૯૪ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય લહરી - ૯૪

દયાની દેવી ખુરશીદેવી..!

 

જિંદગી જીનેકી ચીજ હૈ હમે જીના નહિ આતા

નશા તો હર ચીજમેં હૈ હમે પીના નહિ આતા

ખુરશીમાંથી ‘ર’ કાઢી લો, તો ખુશી જોવા મળે. બાકી ખુરશીની વેદના પણ ભારેલા અગ્ઓનિ જેવી હોય..! દેશ વિદેશના અનેક સત્તાધીશોએ ખુરશી ઘસી નાંખી હશે, છતાં વિશ્વ ‘ખુરશી-દિન’ જેવું ચલણ લાવીને એકય નેતાએ ખુરશીનું ગૌરવ વધાર્યું હોય એવું બન્યું નથી. બિચારીના નસીબ..! રતનજી કહે એમ, ખુરશીની હાલત વાઈફ જેવી છે. સંસારના ધોરીનારગ જેવી, 'પોતાની' વાઈફની કદર કરે એવો બનાવ સાંભળવામાં નથી. ખુરશીનો ઘરાનો કંઈ નાનો નથી. એના ઉપર કોઈ બેસે તો જ તૂટે એવી તકલાદી કે તકવાદી પણ નથી. રાજકારણીની એ કુખદેવી અને ઇચ્છાદેવી છે. અને અશક્તિમાનની એ દયાની દેવી છે..! સમી સુતરી હોય ત્યારે ટાઢક આપે, ને બગડી ત્યારે આંચકો આપે..! ખુરશી નિર્જીવ નથી, એના ઉપર સત્તાધીશ બેઠો હોય ત્યારે, એ સજીવ બની જાય..! ત્એયાં સુધી ફર્નીચરથી ઓળખાય. એમાં રોમાંચ છે, રહસ્ય છે, સાહસ છે, કૌતુક છે, કોલાહલ છે, તંગદીલી છે, અચંબો છે. સ્વાર્થ અને પરમાર્થ છે. રાજકારણનાં રસિયાઓ ગુજરાતના પાછલાં પાનાં ઉથલાવશો તો પ્રમાણ મળશે કે, એક મુખ્યમંત્રી વિદેશ યાત્રા કરવાના થયા, એમાં તો, ગુજરાતના રાજકીય તખ્તા ઉપર સંગીત ખુરશી રમાય ગયેલી. બળવાનું રણશિંગું એવું ફૂંકાયેલું કે, મુખ્યમંત્રી વિદેશ જ રહી ગયેલા ને, ખુરશી ઉપર પરિવર્તને જમાવટ કરી દીધેલી. ખુરશી દેખાવે ભલે ઋષિમંત લાગે, પણ સમય આવે કાર્યેસુ બની જાય. જેમ કીર્તનનું ઊંધું કરો તો નર્તકી થાય, એમ ખુરશી એક શાન પણ છે, ને ઊંધું કરો તો ‘નશા’ પણ છે. દારુ-ગાંજો-અફીણ જેવાં નશીલા પદાર્થથી જ નશો ચઢે એવું નથી. રાજકારણ પણ એક નશો છે. અને એના જેવો બીજો કોઈ ‘ઘેનીલો’ નશો નહિ. નર્તકીનો નશો રાતે પીધા પછી સવારે ઉતરી જાય, કીર્તનનો નશો એકવાર પીધા પછી જેમ જિંદગીભર ઉતરે નહિ, એમ રાજકારણનો નશો એકવાર ચઢ્યા પછી, શરૂઆતમાં ધીરે ધીરે ચઢે, પછી એવો ચઢે કે, ગુલાંટ મારવાની રીત પણ શીખી જાય..! દારુ-ગાંજાવાળી નશીલી જમાત તો પીધા ને લીધા પછી જ ધુણાવે, ‘રાજકારણ’ માં તો નેતા બનવાની ઈચ્છા જાગે ત્યારથી જ માણહ ઘેનમાં આવવા માંડે. મગજ ચગડોળમાં બેઠું હોય એમ ચકરાવે ચઢવા માંડે. ડોલતો પણ થઇ જાય ને દૌડતો પણ થઇ જાય..! રાજકારણ પોતેજ સ્વયં ‘શબ્દાર્થ’ છે કે, ક્યાં તો રાજ. કાં તો રણ, એનું નામ રાજકારણ..! હાર્યો જુગારી માત્ર જુગારમાં જ બમણું રમે એવું નહિ, રાજકારણમાં પણ ખેલ ખેલી નાંખે. ખિસ્સા ભલે ખાલી હોય, ભપકા ભારી રાખે. એકવાર રાજકારણમાં ઝંપલાવ્યા પછી, હરામ્મ બરાબર જો પાછળ આંખ રાખતા હોય તો..? ‘ખેલે ખેલે રે ભવાની મા જય જય અંબે મા’ ની માફક ખેલ ખેલી જ નાંખે..!
દોસ્ત..! જગતમાં ભૂત-પ્રેતની વળગાડ કાઢવાના ધામ મળે, પણ ખુરશીના વળગાડ કાઢવાના ધામ હજી ખુલ્યા નથી. (એ બાલેશ્વરધામ કોણ બોલ્યું..? સખણા રહો ને યાર???) અમારા રતનજીને પણ એકવાર ખુરશીની વળગાડ લાધેલી. ચૂંટણી જેવી જાહેર થઇ એટલે, દાઢી જાણે નેતા બનવાનો ટ્રેડમાર્ક હોય એમ, દાઢી વધારવા માંડી. પાંચ-છ જોડી ખાદીના ઝભ્ભા સીવડાવી દીધા. ચૂંટણીની ટીકીટ લેવા માટે, મંત્રી મહોદયની ઓફિસમાં લાઈન લગાવી દીધી. એક અપ ટુ ડેઇટ યુવાન મંત્રી મહોદયની કેબિનમાંથી જેવો બહાર આવ્યો કે, સ્પ્રિંગની જેમ ઉછળીને એના ચરણોમાં લાંબો થઇ ગયો. ને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યો. પેલો કહે " સર..! સાહેબ તો અંદર છે, હું તો એમનો ચપરાશી છું. મારા કપડાં ઉપરથી મારી હેસિયત નક્કી નહિ કરો." સાષ્ટાંગ પ્રણામની પોઝીશનમાંથી મુક્ત થઇ, રતનજી એટલું જ બોલ્યો, ‘સાલ્લી ઉતાવળ થઇ ગઈ, એના કપાળમાં કાંદા ફોડું મંત્રી મહોદયને બદલે ચપરાશી નીકળ્યો..!’ કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે,
કપડા ઉપરથી હેસિયતને નક્કી ના કર જાલિમ

કફન ઓઢી લઈશ તો કાંધે લઇ ચાલવું પડશે.

ખુરશીમાં જાન છે, શાન છે, માન છે, અપમાન છે, અભિમાન છે, સ્વાભિમાન છે. ને દેશાભીમાન છે. ખુરશી માટે માણસ પોતે લોહચુંબક બની જાય, એનું નામ રાજકારણ..! ખુરશી વગર માનવીનો આત્મવિશ્વાસ લકવાગ્રસ્ત બની જાય. ખુરશી નીચે જ સ્વર્ગ લપાયું હોય એમ, ખુરશી નહિ મળે તો, ધાણીની માફક ફૂટવા માંડે, ને મળ્યા પછી ઉછળવા માંડે..! પેટ છૂટી વાત કરું તો, રાજકારણ મારો વિષય નથી, કારણ કે કારણ વગર હું રાજમાં તો ઠીક, કોઈપણ પ્રકારના કામકાજમાં પડતો નથી. રાજકારણમાં હું ક્યારેય નાહ્યો પણ નથી, ન્હાતા ન્હાતા ડૂબ્યો નથી, ને રાજકારણનું ચરણામૃત પણ ચાખ્યું નથી. અનેકવાર ‘બ્લડ ટેસ્ટ’ માટે લોહી વેડફ્યું હશે, એમાં પણ બ્લડ ટેસ્ટ રીપોર્ટમાં ‘રાજ-ગ્લોબીન’ આવ્યું નથી. અમારા પરિવારમાં રાજકારણનું હવામાન નીચું રહેવાનું કારણ પણ આ જ છે ...!

જેમ વોચમેન વરદીથી ઓળખાય એમ, શ્રીશ્રી ભગાનું શરીર ૩૬૫ દિવસ ઝભ્ભાથી ઢંકાયેલું હોવાથી, લોકો માણસ કરતાં નેતાથી વધારે ઓળખે. મને કહે, ‘મારા લગન ક્યાં થયેલા. કોની સાથે થયેલા, કોને ત્યાં થયેલા, કઈ તારીખે થયેલા, મને પરણાવનાર ભૂદેવ કોણ હતા, મારા સસરા કોણ હતા, મારી સાસુ કોણ હતી, એ બધ્ધી મને ખબર, પણ મેં લગન કેમ કરેલા એની મને હજુ સુધી ખબર નથી.! એમ, લોકો મને નેતા કેમ કહે છે, એની મને ખબર નથી. લોકોને જેમ પરણ-વા લાગે, એમ મને બોલ-વા લાગ્યો હશે, એવું માનું છું. એટલી ખબર છે કે, ખુરશી કોઈની વફાદાર રહેતી નથી. રાજકારણમાં લોક જાગૃતિ કેમ વધી રહી છે, એનું કારણ કદાચ નાસાવાળાને પણ મળે એમ નથી. પણ શ્રીશ્રી ભગાનું માનવું છે કે,રાજનેતાઓના ચહેરા ઉપર રહેતા અખંડ દીવા જેવો રૂઆબ જ એનું મૂળભૂત કારણ હોય શકે..! આ તો એક માન્યતા..! કોઈકે સાચું જ કહ્યું છેકે-
જો ધક્કેસે ચાલતી હૈ ઉસે હમ કાર કહતે હૈ

જો ધક્કેસે ભી નહિ ચલતી ઉસે સરકાર કહતે હૈ

 

 

લાસ્ટ ધ બોલ


નાસ્તામાં જે કામ ચટણીનું છે, એ જ કામ રાજકારણમાં ચૂંટણીનું છે. ચટણી વગર નાસ્તો નહિ ઝામે, એમ ચૂંટણી વગર રાજકારણ નહિ ઝામે...!.

 

---------------------------------------------------------------------------------------------------------------------------------------------