sv. chunilaal madiya sathe svapnil mulakat books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૮૩

સ્વ.ચુનીલાલ મડિયા સાથે સ્વપ્નીલ મુલાકાત...!

જુવાન જોધીયાઓને સર્વાંગ સુંદર સુંદરીના સ્વપ્ના આવે તો ભલે આવે, હરખાવાનું..! ઉતરતા લોહીવાળાએ જાણીને કટાણા મોંઢા નહિ કરવાના, અદેખાય કહેવાય..! ‘ફાટ ફાટ યુવાનીમાં સુંદરીના સ્વપ્ના નહિ આવવાના, તો સુપર્ણખાં ના આવવાના..? આપણે હવે બેડાઈ ગયેલી કેરીના આંબા કહેવાય, માટે મંજીરા જ વગાડવાના બોસ..! સમય સમયે ચોઘડિયાં બદલાય, ટાંકણા બદલાય, એમ ઉમર થાય એટલે સ્વપ્નાના આકાર ને ડીઝાઈન પણ બદલાય..! સમય અને પ્રકૃતિના સંબંધ, નણંદ-ભોજાય જેવાં. ક્યારે એકમેકમાં ઢળી જાય, ક્યારે ભળી જાય ને ક્યારે કલર અને કરવટ બદલે, એના કોઈ ભરોસા નહિ. દરિયાની રેતીમાં આંગળી-ચારો કરીને અક્ષરજ્ઞાન પાથરતાબાળકને તો તમે જોયો છે. બાળકની કક્ષા સુધી રેતીમાં એ કક્કાવારી લખે, ક્યાં તો પશુ-પંખી ચીતરે, જુવાન જોધીયાં રેતીમાં દિલ બનાવે ને વાંહેથી તીર કાઢે, કાં તો પોતાની માશુકાનું નામ લખીને હરખઘેલો થાય..! ત્યારે આપણા જેવાં ઉમરમાં ‘ઉખ્ખડ’ થઇ ગયેલાંઓ કોઈ ગાદીપતિ હોય એમ, રેતીમાં દેવી-દેવતાના નામોનું અક્ષરદાન કરે..! સમય સમયની વાત છે મામૂ..! મને પણ એવો ફાંકો ખરો કે, હાસ્યનાં આસામી હોવાને નાતે, ક્યારેક લોરેન-હાર્ડી, ચાર્લી ચેપ્લીન, કે શેક્સપીયર જેવાં હાસ્ય સમ્રાટોના સ્વપ્ના આવે. એના કપાળમાં કાંદા ફોડું, હડકાયા કુતરાના સ્વપ્ના આવ્યા છે, બાકી કોઈ સુંદરા અડફટે આવ્યા નથી. જેમ સૌના દિવસો સરખાં જતાં નથી, એમ રાત પણ સરખી જતી નથી. પણ ઘોર નિંદરમાં તલવારબાજી કરે કોણ..?

પણ, આજનું પરોઢિયું કમાલ કરી ગયું. પ્રખર સાહિત્યકાર-વાર્તાકાર- નાટ્યકાર-નવલકથાકાર- -કવિ-વિવેચક જેવી બહુરંગી પ્રતિભા ધરાવતા સ્વ. ચુનીલાલ મડિયા સાહેબનું સ્વપ્નું આવ્યું. મને કહે, ‘ઉઠ રસમંજન..! મારી જન્મ શતાબ્દી ચાલે છે, ને તું ઘોરી શું રહ્યો છે..? હાસ્ય લેખક થઈને જરાક તો શરમ કર..!’ મડિયા સાહેબને સાક્ષાત ઊભેલાં જોઇને, સાલી મારી પથારી પણ સિંહાસન જેવી બની ગઈ. થઇ જ જાય ને..? જેમને ક્યારેય મેં જોયા નહિ હોય કે, રેંકડી ઉપર ક્યારેય કટિંગ ચાહ સાથે ફાફડા-જલેબી ઝાપટ્યા ના હોય, એવાં સમર્થ સાહિત્યકાર સવાર-સવારમાં સ્વપ્નામાં આવે, તો મારું તો GOOD MORNING જ થઇ જાય ને..? આ એજ મડિયાસાહેબ કે જેમની એક વાર્તા “ અભુ મકરાણી’ ઉપરથી ‘મિર્ચ મસાલા’ ફિલ્મનું સર્જન થયેલું. એમનો જન્મ ૧૨ ઓગષ્ટ ૧૯૨૨ નાં રોજ થયેલો, અને ૨૯ મી ડીસેમ્બર ૧૯૬૮માં તો એમણે ૪૬ વર્ષની ઉમરે પૃથ્વી ઉપરથી Exit લઇ લીધેલી. આટલાં ટૂંકા આયખામાં “પાવક જવાળા. વ્યાજનો વારસ, ઇંધણ ઓછાં પડયા, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી પ્રીત વછોયા, સઘરા જેસંગનો સાળો, જેવી ઘણી નવલકથાઓ, નવલિકાઓ, નાટક અને કાવ્યોના અનેક પુસ્તકો લખી વાળેલા. એમનું સ્વપ્નું આવે તો કોને ગલગલીયાં નહિ થાય..? એમના વિષે લખવું એટલે, વાદળનાં મથાળે બેસીને મેધધનુષ ચીતરવા જેટલું અઘરું..! અખો, રૂપેરો, કુલેંદુ, વક્ર્ગતિ, વિરંચિ જેવાં શબ્દોને પોતાના ઓળખ-કાર્ડ બનાવેલા. કારણ કે એ બધાં એનાં તખલ્લુસો હતાં. આવાં રેશમી શબ્દોના બુરખામાં એક નીવડેલ સાહિત્યકાર છુપાયેલો હતો, એ તો એમને વાંચ્યા પછી સમજાયેલું. મારે ઝાઝું વિવરણ કરવું નથી, પણ માત્ર એમનું સ્મરણ કરાવીને એમની જન્મ શતાબ્દીમાં એક મોરપીંછ ખોસવું છે. એમની વાર્તાઓ એટલે લોકબોલીનો લહેકો, અને લોકજીવનનું ચિત્ર દર્શન..! વાર્તાઓની સાહિત્યિક બાંધણી જ એવી કે, વાંચો એટલે ગ્રામ જીવનમાં રસભીના થઇ જવાય. શહેરની જાહોજલાલી છોડી ગામડાનાં ઘટાદાર વૃક્ષોમાં કેદ થવાનું મન થઇ આવે. એમનું પુસ્તક વાંચતા હોઈએ ત્યારે મડિયાજીનાં હાથમાં હાથ ઝાલીને ગ્રામદર્શન કરતાં હોય એવું ફિલ થવા લાગે. એમની એક અદભૂત વાર્તા એટલે ‘વાની મારી કોયલ..!’ આ એક એવી પ્રેમ-કથા કે, જેમાં પ્રેમના તમામ માપણાઓ રેવા પટેલની સંતી અને યુવાન ગોવા ગળિયારાના પ્રેમ આગળ ટૂંકા પડે. વાર્તાનું બંધાણ જ એવું કે, વાર્તાનો અંત નહિ આવે ત્યાં સુધી આગળ વાંચવાનો નશો નહિ ઉતરે. કાગડા ને કોયલ જેવાં ટહુકા કરવાની તમન્ના જાગે, ને વાંચી નાંખ્યા પછી પણ તરસ નહિ મટે એ વાતનું રસપાન મને સ્વપ્ને આવીને કરાવ્યું.

વાત જાણે એમ છે કે, ચાર વીંઘાની ફળદ્રુપ જમીનના આસામી એવાં વાર્તાના કથાનાયક રેવા પટેલે ખોળાનાં ખુંદનાર દીકરાની આશામાં ત્રણ-ત્રણ લગ્નો કરેલાં. પણ તેને બદલે પહેલી ઘરવાળીને દીકરાની ખોટ પૂરી પાડે એવી એક દીકરી સંતી મળી. સમય જતાં સંતી મુગ્ધા બની અને લગન પણ લેવાયેલા. પણ પાકાં આણાં થાય તે પહેલાં, ખેતરની શેરડીનો રસ કાઢવા માટે ચિંચોડો ચલાવવવા રાખેલ વિખ્યાત યુવાન ગોવા ગળિયારા સાથે પ્રેમના મેઘ-ધનુષ ખેંચાયા, ને યૌવનના ટહુકાઓ ગાજ્યા. ફિલ્મ ‘પ્રેમરોગ’ નું પેલું ગીત યાદ આવી જાય એવાં છાના છપના પ્રેમનાં અંકુર ફૂટ્યા...

મહોબ્બત હૈ ક્યા ચીઝ હમકો બતાઓ

યે કિસને શુરુ કી હમેં ભી બતાવો.......

સંતીના લાડકોડમાં ગળાડૂબ બનેલા પરિવારને અંદાજ શુદ્ધાં નહિ આવ્યો કે, સંતી અને ગોવા ગળીયારા વચ્ચે કંઈક અજુગતું થઇ રહ્યું છે. પણ યૌવન ક્યાં ઢાંકેલું રહે છે? પ્રેમના ફંગો છાપરે જઈને ટહુક્યા ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. વાર્તાકાર લખે છે એ પ્રમાણે

ચૈતર ચંપો મહોર્યો ને મહોર્યા દાડમ દ્રાખ

કોયલડી ટહુકા કરે કાંઈ બેઠી આંબાડાળ

રેવા પટેલની વાની કોયલ સાથે ગોવા ગળીયારાનો પ્રેમ પાઘડીના આંટામાંથી છૂટી ગયો. બંનેના યૌવન પાંખ વીંઝતા પડકારવા લાગ્યા.

મારા વાડામાં ગલ છોડવો કોયલડી રંગભીની

ઈ તો ફાલ્યો લચકાલાળ કોયલડી રંગભીની

અને ગોવા ગળીયારા જેવાં ચાલાક અને નિપુણ ગળરાંધણ આગળ જ્યારે યૌવનની આંટી છૂટી જાય છે, ત્યારે પ્રેમની કથ્નીમાં રાબેતા મુજબ આવતી કરુણાંતિકા આણાંને ટાણે સર્જાય ગઈ. આખી વાર્તા એક શોર્ટ ફિલ્મ જેવી છે. તળ પ્રદેશને છાવરતી તળપદી ભાષામાં લખાયેલી શૈલી થોડી આઘરી છે, પણ રસપ્રદ છે. પ્રેમ કહાની છીછરી નથી. ઊંડાઈવાળી છે. વાર્તામાં મડિયા સાહેબે એના શબ્દોને એવી રીતે કંકુ અને ચોખાથી શણગારીને મૂક્યાં છે કે, ક્યાંય પણ ફલાણું કે ઢીંકણું જેવાં ફાલતું વર્ણન કર્યું નથી. શબ્દો સાથે રમવાની એમની ભાષાશૈલી અદભૂત છે. એટલે જ તેઓ નોખા મનના માનવીની માફક નોખા-અનોખા લેખકની જેમ આ વાર્તામાં પૂરબહારથી ખીલ્યાં છે. એમની જન્મ શતાબ્દી ટાણે, આવો આપણે પણ એમને શબ્દાંજલિ વ્યકત કરીએ...! આવાં સ્વપ્નાઓ ક્યારેક દિવસ જ નહિ, ભવ પણ સુધારી નાંખે મામૂ..!

લાસ્ટ ધ બોલ

અમુક લોકો તો બ્રહ્માંડના ગ્રહો-નક્ષત્રો અને ચોઘડિયાં મુઠ્ઠીમાં રાખીને જ ફરતાં હોય છે, દાદૂ..! સ્વચ્છંદતામાં ફાંદ ક્યારે વધી જાય એની પણ દરકાર રહેતી નથી. જો કે સાચી વાત તો એ છે કે, ‘ફાંદ વધે તો ચિંતા કરવાની જ ના હોય. કારણ કે, AIRBAG હંમેશા મોંઘી ગાડીમાં જ આવતી હોય છે.

તારાં કપાળમાં કાંદા ફોડું..!

 

-------------------------------------------------------------------------------------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED