જેની સાસુ સરસ એની જિંદગી સરસ..!
જિંદગી જીવવા જેવી છે બોસ..! પણ રસ્તા ઉપર ટોલનાકા આવે, એમ સંસારમાં આવતાં ટોલનાકાનો પણ ત્રાસ બહુ..! સાસુ-સસરા-નણંદ-ભોજાઈ-જેઠ- જેઠાણી વગેરે સંસારના ટોલનાકા કહેવાય..! દેવ-દાનવ, કૌરવો-પાંડવો, ભારત-પાકિસ્તાન, સાપ અને નોળિયો, નણંદ-ભોજાઈ ની માફક સાસુ- વહુનાં છમકલાઓ ક્યાંક ને ક્યાં ચાલતા જ હોય. આ લોકોની કથા પણ લોક કથની જેવી..! ગંગાસતી અને પાનબાઈ જેવાં સંબંધો ક્યારે મખમલી બનશે, એ અચ્છો જ્યોતિષ પણ નહિ ભાખી શકે. સાસુ-વહુની તિરાડમાં એક જ રાડ હોય, કે, ‘તું મને લાવેલી નથી, હું તને લાવેલી છું..! આવી દાવેદારીઓ સંસારને છિન્ન ભિન્ન કરી નાંખે..! બહુ બહુ તો સાસુ-વહુની કુંડળી તપાસાય, બાકી થનાર સાસુના મગજનો એક્સ-રે થોડો મંગાવાય..? ખડબુચા જેવી બહારથી સરસ દેખાતી સાસુ કે વહુ ને સહન કર્યા પછી જ ખબર પડે કે, એનાં મગજમાં કેટલી આંટી છે..! અંધ ભક્તો અને અંધ-શ્રદ્ધાની પણ અમુક વખતે તો હદ હોય મામૂ..! ચમનીયાને દીકરી દેતાં પહેલાં, રતનજીએ જમાઈના મગજનો એક્ષ-રે રીપોર્ટ મંગાવેલો બોલ્લો..! ચમનીયાને ખાતરી કે, મગજમાંથી કંઈ જ નીકળવાનું નથી પછી ખંચકાવું શું..? બેધડક રીપોર્ટ કરાવ્યો ને લગનગ્રંથીથી જોડાય પણ ગયાં..! દુધનો દાઝેલો છાશ ફૂંકી-ફૂંકીને પીએ એમ, ચમનીયો પત્ની સાથે ‘પોપટ મીઠ્ઠું’ બનીને જીવતો હતો, એમાં શરીરમાં સુગરનો સ્ટોક વધી ગયો. બ્લડ રીપોર્ટ કઢાવવા ગયો તો, શરીરમાંથી લોહી ખેંચવામાં Laboratory વાળાનો પરસેવો છૂટી ગયો..! પરણેલા પુરુષનું લોહી આમ પણ પીવાય જતું હોવાથી, લોહી ઝટ મળતું નથી. ચાર-પાંચ જગ્યાએ શીરીન ઘોંચ-ઘોંચ કરી ત્યારે, માંડ રણમાં વીરડી ફૂટે એમ, એકાદ જગ્યાએથી લોહીનું ઝરણું હાથ લાગ્યું. આશ્ચર્ય તો ત્યારે થયું કે, સાલું શરીર પણ માણસની જેમ ચોર-ખિસ્સું રાખે કે શું? પણ બ્લડનો રીપોર્ટ આવ્યો ત્યારે ડોકટર બોલ્યા, તમારા શરીરમાં તો આખી સુગર ફેક્ટરી છે..! ‘હેમોગ્લોબીન’ નું બાષ્પીભવન થયેલું છે. તમે તમારી વાઈફને બહુ મીઠાસથી બોલાવતાં લાગો છો..? ચમનીયો કહે, ‘ડો. સાહેબ..! ‘દાયણ આગળ શું પેટ છુપાવવાનું ?’ સાસરામાં ઈમેજ નહિ બગડે એટલે, ઈચ્છા હોય કે ના હોય હું મારી વાઈફને, ક્યારેક ડાર્લિંગ, ક્યારેક હની, ક્યારેક જાનૂ, ક્યારેક બેબી, તો ક્યારેક સ્વીટીથી બોલાવી ગાડું ગબડાવ્યા કરું..! અચ્છા..એટલે જ તમારા શરીરમાં સુગર ફાટ..ફાટ થાય છે..! કાલથી વાઈફને મીઠાં સંબોધનથી બોલાવવાનું બંધ કરો..! કારેલું, એરંડિયું, કે કડવાં વેણથી બોલાવવાની ટ્રાય કરી જુઓ. એમાં સાલું ચમનીયાનું પ્રેસર વધી ગયું. ચમનીયો કહે, ‘‘સાહેબ, સુગર વધે તો ભલે વધે..! પણ સંસાર ખાડે જાય તે નહિ પોષાય..! અમારા ખાનદાનમાં તો ચાર-પાંચ પેઢીથી ગળપણવાળી ભાષામાં બોલાવવાનો રીવાજ છે. આ તો સંસ્કાર આડા આવે એટલે બાકી, સાસુ કે પાટલા સાસુને પણ અમે ‘સ્વીટી’ કહી નાંખીએ..! તંઈઈઇઈ..!
સાસુ-વહુની કથા માંડતા પહેલાં, ચોખવટ કરી દઉં કે, કોઈની પણ સાસુ કે વહુ સાથે મારે બારમો ચંદ્રમા નથી. જથ્થાબંધ માલમાં કોઈના માપનું નીકળે તો બંધ બેસતી પાઘડી પહેરવી નહિ. મારા સિવાયની સાસુઓએ તો ફણગા કાઢવા જ નહિ. આ માત્રને માત્ર મારી એકની એક સાસુની કહાની છે..! ( એમાં ખીખીખીખી શું કરો છો, ઘણાને તો સમ ખાવા પુરતી પણ સાસુ નથી, તંઈઈઈઈઇ..!) માટે લેખનું ટાઈટલ વાંચીને મગજને અવળા ચકરડે ચઢાવતાં જ નહિ. ‘સરસ’ શબ્દનો પ્રયોગ મેં માત્ર સાસુના સરસ સ્વભાવ માટે કર્યો છે. સરસ દેખાવ માટે નહિ..! ‘જેની સાસુ સરસ, એની જિંદગી સરસ..! ’ (ચોખવટ પૂરી..!)
મારી સાસુ એટલે મારી સાસુ..! વર્ષમાં બે જ દિવસ મારા ઘરે આવે, ને છ-છ મહિના રોકાય જાય..! આવો લાભ તો ઘર જમાઈને પણ નહિ મળે..! સાસુઓનો પણ એક જમાનો હતો મામૂ..! પહેલાં તો સાસુ અને વહુ વચ્ચે સંવાદ કરતાં ‘કચકચ’ વધારે થતી. હવે તો, બંને એવાં ‘ચકાચક’ થઈને ફરે કે, કોણ સાસુ ને કોણ વહુ, જાણવું હોય તો ‘ગાઈડ’ કરવો પડે..! એક સમય એવો હતો કે, વહુને ચિંતા રહેતી કે, મને કેવી સાસુ મળશે? આજે તો સાસુને ચિંતા કે, મને કેવી વહુ મળશે..? પણ સાસુ એ સાસુ છે, એ પુત્રની હોય કે, વહુની..! એ ‘ગમે’ તેવી પણ હોય, ને ‘ગમે તેવી’ પણ હોય..! સારો સ્વભાવ રાખીએ તો, પુત્રને જેમ મલમલ જેવી સાસુ મળે, એમ વહુને સાવ માંજરપાટ જેવી સાસુ નહિ મળે..! સાસુ-વહુ એટલે કાતરના બે પાંખીયા જેવાં. અવળી દિશામાં જ ગતિ કરે. ડાહ્યો માણસ વચ્ચે પડવા ગયો તો આખો ને આખો વેતરાય જાય..! બંને વચ્ચે એવાં ઉનાળા જેવાં સંબંધ કે એક બાજુ પાકિસ્તાન તો બીજી બાજુ તાલીબાન..! બહાર બતાવે રામાયણના પૂંઠા, ને અંદરથી નીકળે મહાભારત..! ‘સાંસ ભી કભી ચૂડેલ થી કે વહુ ભી કભી વંઠેલ થી’ જેવો સિનારિયો શરુ થઇ જાય..! એમાં કોણ મંથરા ને કોણ કૈકયી શોધવામાં આખી જિંદગી પૂરી થઇ જાય. જો કે ક્યાંક ક્યાંક એવું પણ બને કે, વહુ સાસરામાં આવવાને બદલે, સિંહણના પાંજરામાં આવી હોય એમ, ૩૨ લક્ષણા વહુને ૩૨ રોગ લાગુ પડવા માંડે. ચાંદી જેવી વાત છે મામૂ કે, સાસુ અને સસરા એ એક ઉપર એક Free માં મળેલાં સંબંધો છે. કંપનીવાળાએ તો હમણાં સ્કીમ બહાર પાડી કે એક વસ્તુ લો તો એક વસ્તુ ફ્રી..! બાકી આ સ્કીમ તો આદિકાળથી ચાલતી આવે. એની શોધ જ લગનના મામલામાંથી થયેલી. પરણાવો એટલે સાસુ-સસરા ફ્રી, સાળો ફ્રી, સાળી ફ્રી. કાકી સાસુ ફ્રી, મામી સાસુ ફ્રી ને પાટલા સાસુ પણ ફ્રી...! પણ મગજમાં એક ગાંઠ બાંધતા નથી કે, સાસુ-સસરાને ક્યારેય ‘છુટા-છેડા’ આપી શકાતા નથી. સાસુ સસરા એ જીવન ઘડતરની યુનીવર્સીટી છે. એમાં મેચિંગ નહિ જોવાય, એની સાથે મેચિંગ જ કરાય..! પછી એ દીકરાની સાસુ હોય કે વહુની..! પણ એના કપાળમાં કાંદા ફોડું, અમુક વહુ તો મંથરાના દીકરા સાથે છેડા બાંધીને આવી હોય એમ, આવી ત્યારથી જ સાસુ સાથે બાઝે..! સુરજ તો પછી ઉગે, એ પહેલાં સાસુ-વહુના ઝઘડાં ઉગતા હોય..! પણ મધદરિયે વહાણ પહોચ્યા પછી, મુસાફરે તોફાન નહિ કરવાનું, કિનારાની જ રાહ જોવાની હોય..!
મોબાઈલ ઉપર એક વહુએ એની માતાને ફરિયાદ કરી કે, મારી સાસુ મને બહુ હેરાન કરે છે. મારે પિયર આવી રહેવું છે. મા કહે, "તું શું કામ આવે બેટા..! હું જ તારા ઘરે ધામો નાંખવા આવું છું. તું ચિંતા નહિ કર..! મારી પાસે એક મેલી વિદ્યા છે. હું તને એક પડીકી આપીશ જે પડીકી તારે તારી સાસુની જમવાની થાળીમાં ભેળવી દેવાની. છ મહિના સુધી આવું કરશે, એટલે બધું ઠીક થઇ જશે. પણ તારે એક કાળજી રાખવાની, છ મહિના સુધી તારે તારી સાસુ સાથે સરસ વ્યવહાર રાખવાનો. રોજ એને પગે લાગવાનું. પ્રેમથી એને બોલાવવાના, જમાડવાના, ચાકરી કરવાની, દવાઓ આપવાની વગેરે..! આ પ્રયોગ છ મહિના સુધી કરીશ એટલે સૌ સારા વાના થઇ જશે. જેવો પ્રયોગ શરુ થયો એટલે ત્રણ જ મહિનામાં રીઝલ્ટ આવવા માંડ્યું. એક દિવસ રડતાં-રડતાં સાસુએ કહ્યું કે, બેટા..! તું કેટલી ડાહી છે..? મારી કેટકેટલી સેવા-ચાકરી કરે છે. આ વાત દીકરીએ એની મા સુધી પહોંચાડી. કે, ‘મા તારી મેલી વિદ્યા અસર કરી ગઈ..!’ ત્યારે દીકરીની માએ કહ્યું કે, બેટા એ કોઈ મેલી વિદ્યા નહિ હતી. તને આપેલી પડીકીમાં તો માત્ર દળેલી ખાંડ હતી. માત્ર તારું વર્તન બદલવા જ મેં આ નુસખો અજમાવેલો. આપણે સારા તો સૌ સારા..! એમ, જેની વહુ સરસ એની સાસુ સરસ..!
લાસ્ટ ધ બોલ
આ વખતે તો ચંચીએ સાસુનો પાવર બતાવીને કહી જ દીધું કે, ‘વહુ..! બહાર નીકળે તો ચાંદલો લગાવીને નીકળો..! ચાંદલો એ આપણી સંસ્કૃતિ છે’
વહુ કહે : ‘સાસુ મા..! જીન્સ અને ટોપ ઉપર ચાંદલો નહિ લગાવાય.’
ત્યારે સાસુનો મગજ ગયો, હું તને જીન્સ અને ટોપ ઉપર ચાંદલો લગાવવા નથી કહેતી, તારા કપાળ ઉપર લગાવવા કહું છું..! બૂચીઈઇ..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
---------------------------------------------------------------------------------------------------------------------