ધૂલો તો હરખપદૂડો (DTH) - 23 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 23

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૩

આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. આ મીટિંગમાં પહેલાં થનાર સાસુ તથા બાદમાં અમિતના વલણથી તારામાસી આ સંબંધ પર ચોકડી મારવા મજબૂર થઈ ગયાં. હવે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે નજર એમની જ્ઞાતિ તરફ દોડાવી. એમણે સોર્ટ લિસ્ટ કરેલી લગ્નોત્સુક સાત છોકરીઓમાંથી ત્રણ કુંવારી હતી એમના વિશે વ્યવસ્થિત તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મી રસિલાબેનને સોંપી દીધી. હવે આગળ...

પિતલી પલટવારની મમ્મી રસિલાબેન એમને સોંપવામાં આવેલ ત્રણ છોકરીઓમાંથી બે, જે સગી બહેનો હતી, એમને પહેલાંથી ઓળખતાં હતાં. આ અલ્પા અને જલ્પા, એમના માતાપિતાના જૂના ઝઘડા અને ત્યારબાદ બાદ ચાલી રહેલા દાયકાઓ લાંબા અબોલાને લીધે લગ્નજીવન પર ચોકડી લગાવી ચૂકી હતી. પણ ત્રીજી સુષમા વિશે સંપૂર્ણ રીતે રસિલાબેન વધારે જાણકારી નહોતા ધરાવતાં એટલે એમણે થોડો સમય માંગેલો.

આ તરફ નવરી બજાર એવી પિતલી, બેક અપ વિકલ્પ તરીકે બાકીની ચાર જે વિધવાઓ હતી. એમની પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી.

રસિલાબેન રીતસર રણશિંગડું ફૂંકી આ શોધ અભિયાન અંતર્ગત એક્ટિવ થયાં. એમણે આ સુષમા વિશે જે માહિતી એકત્ર કરી હતી એ આપસમાં મેળ ખાતી નહોતી. કોઈએ કીધું હતું કે એ અકારણ અતડી રહે છે તો કોઈએ એને ઝડપની ભળી જાય એવી ભલી જણાવી. કોઈએ કહ્યું કે એ તદ્દન ઉછાંછળી છે તો કોઈએ એને ધીર ગંભીર ગણાવી. કોઈએ એની માટે એને કોઈ વળગાડ લાગેલ હશે એવો મત પણ વ્યકત કર્યો તો કોઈએ એને સીધી અને સ્પષ્ટ વક્તા કહી. કોઈએ એને અંતૃમુખી ગણાવી તો કોઈએ એને મોંફાટ તરીકે સર્ટિફિકેટ આપ્યું. એકંદરે રસિલાબેન એની રહસ્યમય રસકેલિ રમતમાં રઘવાઇ ગયાં હતાં. એ સમયે જો દિકરીનો ફોન આવે તો જવાબ શો આપવો એવી દ્વિધામાં અટવાઈ ગયાં હતાં.

છેવટે એમણે બીજાઓને પૂછવાને બદલે જાતે જ એની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એમણે તપાસ કરી તો એ જાણવા મળ્યુ હતું કે એ એક ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. પહેલાં એ કોઈ મોટા ફેશન હાઉસમાં ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે નોકરી કરતી હતી પણ બાદમાં એણે નોકરી છોડી પોતાનો ઇન્ટિરિયર ફેશન ડિઝાઇનર તરીકે સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો. એટલે એને એક ગ્રાહક તરીકે મળવામાં સરળતા પડી શકે એમ હતી.

રસિલાબેને તરત પિતલીએ એમને મોકલાવેલા વોટ્સએપ મેસેજમાંથી એનો મોબાઈલ નંબર નોંધી એને ફોન કર્યો. સામે કોલર ટ્યૂન સંભળાઈ,
"તૂને અજબ રચા ભગવાન,
ખિલૌના માટી કા.
માટી કા રે માટી કા,
માટી કા રે માટી કા,
તૂને અજબ રચા ભગવાન,
ખિલૌના માટી કા."

રસિલાબેન રીતસર ભાવુક થઈ ગયાં. અને તરત પવિત્ર મંદિરના ચળકતા પિત્તળના સુંદર ધંટારવના લંબાયેલ ગૂંજના પ્રતિઘોષ સમાન મીઠો પણ પડછંદ સ્વર સંભળાયો, "હલો, ધેર. આઈ એમ સુષમા, યોર પર્સનલ ઇન્ટિરિયર ફેશન ડિઝાઇનર. હાઉ મે આઈ હેલ્પ યુ?"

રસિલાબેનનું અંગ્રેજી જ્ઞાન અંગ્રેજોને ગુજરાતી વિશે હોય એટલું જ હતું. એમણે પ્રતિભાવ આપ્યો, "હેપી દિવાલી." એમને આ મજબૂત જાણકારી હતી કે અંગ્રેજો દિવાળીને દિવાલી કહે છે. સામે ચાલાક ચબરાક સુષમા આ વાત સમજી ગઈ એટલે એણે હિન્દીમાં ઠપકાર્યુ, "નમસ્તે ઔર શુભ પ્રભાત, મેં સુષમા, આપકી અપની ઇન્ટિરિયર ડિઝાઇનર વિશેસ્જ્ઞ. મૂજે આપકી સેવા કરનેમેં આનંદ પ્રાપ્ત હોગા. જી, બતાઈએ?"

આ વખતે રસિલાબેને ટક્કર આપી શકાય એવો જવાબ આપ્યો, "શુભ પ્રભાત. તમને મળવું છે."

સામેથી એ જ ધંટનાદ ગૂંજન સંભળાયુ, "જી, મેડમ. આપને મદદરૂપ થવામાં મને ખુશી મળશે. આપ સમય આપો હું ઉપસ્થિત થઈ જઈશ." આમ એ પ્રથમ પગલે પાસ થઈ ગઈ. રસિલાબેનને એના અવાજમાં કટિબદ્ધતા દેખાઈ.

એ બરાબર નિર્ધારીત કરેલા સમયે એમને મળવા આવી ગઈ. બ્લુ જીન્સ અને લેડિઝ શર્ટ સજ્જ એ પાંત્રીસેકની આસપાસની જણાતી હતી. એણે વિવેકથી પોતાનું વિઝિટિંગ કાર્ડ રસિલાબેનને આપ્યું. રસિલાબેન એના માટે પાણી લેવા ગયા ત્યાં સુધી એ ઘરનું ઝીણવટ ભરી દ્રષ્ટિએ નિરીક્ષણ કરવાં લાગી. એણે સમય બગાડ્યા વગર પોતાની સાથે લાવેલ વિવિધ ડિઝાઇનના બુકલેટ કાઢી મનોમન આ ઘરને નવો ઓપ આપી એની ચળકાટ કેમ વધારવી એ વિચારવા લાગી.

રસિલાબેન પાણી લઈને આવ્યાં ત્યાં સુધી એ તૈયારીઓ પૂર્ણ કરી ચૂકી હતી. એણે પાણીનો ગ્લાસ હાથમાં લઈને ઘૂંટડો લેતા પહેલાં જ જાહેરાત કરી નાખી, "આંટી, તમારા ઘરને સ્વર્ગ સમાન બનાવી દઇશ. થોડી જરૂરી મરમ્મત કર્યા બાદ ઇન્ટિરિયર ડિઝાઇનીંગ કરશું એટલે બરાબર થઈ જશે."

રસિલાબેને એને ટોકી, "મારું નામ રસિલાબેન છે."

એણે પણ તરત ભૂલ સમજાઈ ગઈ હોય એમ બોલી, "જી, રસિલાબેન. આપને ફેશન ઇન્ટિરિયર ડિઝાઇનીંગ વિશ્વનું શ્રેષ્ઠ કામ મળશે. હું તમારા માટે ખાસ આ ચુનંદા ડિઝાઇનર કેટલોગ્સ લાવી છું. એમાંથી..."

રસિલાબેન હસી પડ્યાં, "ધીરી પડ, તારે મારું નહીં પણ મારા જમાઈના એક મિત્રનું ઘર વસાવવાનું છે. મેં તને એ બાબતે વાતચીત કરવા માટે મળવા બોલાવી છે."

એ પણ સામે હસી, "ભલે રસિલાબેન, તમે કહો એનું ઘર સજાવી આપશું."

"તને કેટલાં બાળકો છે?" રસિલાબેન રીતસર છવાઈ ગયાં, "તારા લગ્ન તો થઈ ગયા હોય એમ લાગે છે, હા કે ના?"

સુષમા માટે આ સવાલ નવો નહોતો. એણે નકારાત્મક રીતે ચહેરાને ડાબેથી જમણે અને ફરી જમણેથી ડાબે ફેરવી જવાબ આપ્યો.

રસિલાબેન હવે અટકે તેમ નહોતાં, "કેમ?"

થોડી લમણાંજીક સહન કરવી પડશે એવી તૈયારીઓ સાથે એણે નરોવા કુંજરોવા એવો જવાબ આપ્યો, "બસ, કારકિર્દીને થોડો વેગ મળી જાય એટલે કરી લઈશ."

પછી થઈ ગઈ શરૂઆત, "તારું ભણતર કેટલું? તારા મિત્રો કેટલાં?" વગેરે. એ શાંતિપૂર્વક જવાબ આપી રહી હતી.

પછી એમણે પૂછપરછ આગળ વધારી, "તું વાસ્તુ વિદ્યામાં માને છે?"

એણે ઠાવકાઇથી જવાબ આપ્યો, "ફક્ત માનવું જ નહીં પણ વાસ્તુ વિદ્યાનો મારા કામકાજમાં પણ ઉપયોગ કરું છું. એ બાબતમાં આપ નિશ્ચિંત રહો."

હવે એક ડગલું આગળ, "તો તો જન્માક્ષર, જ્યોતિષ શાસ્ત્ર અને કુંડળીમાં પણ માનતી હોઈશ. નહીં?"

અસમંજસમાં અટવાયેલી સુષમાએ ટૂંકો જવાબ આપ્યો, "હા."

રસિલાબેન મરકી ઊઠ્યાં, "તો તને શનિ કે મંગળ છે કુંડળીમાં?"

એણે મુંઝવણ અનુભવાય છતાં દર્શાવાય નહીં એ ધોરણે જવાબ આપવાને બદલે નકારમાં માથું ધુણાવ્યું.

હવે રસિલાબેન ખીલી ઊઠ્યાં, "જો બેટા. શું નામ છે તારું, સુષમા, બરાબર? તારો વ્યવહાર અને વ્યવસાયીક અભિગમ મને ગમ્યાં પણ ઘરને ઘર બનાવે પ્રેમાળ પરિવાર. એક પતિ પત્નીનું યુગલ. આ તારું ઇન્ટિરિયર ડેકોરેશન અને ડિઝાઇન વગેરે બીજા લોકોની આંખ ઠારવા માટે. પણ હૈયુ ઠારવા માટે તો પતિ પત્નીનો આપસમાં તાલમેલ, પ્રેમ અને સન્માન જ મહત્વપૂર્ણ હોય છે."

હવે રસિલાબેન એને લગ્ન જીવન અને એના ફાયદા સમજાવવા લાગ્યાં. એને પણ ખ્યાલ આવી ગયો આ ડોકરી એને કામના બહાને બોલાવી અને અલગ જ ટાઈમ પાસ કરી રહી છે. એટલે એણે ઊભાં થઈ ગયા બાદ પણ વિનમ્રતાથી જણાવ્યું, "રસિલાબેન, તમે મારી મુલાકાત તમારા જમાઈના એ મિત્ર સાથે કરાવી આપજો એટલે એમની સાથે, એમના પરિવાર સાથે ડાયરેક્ટ વાત કરી શકાય."

એણે તરત પિતલીને ફોન કર્યો અને બીજા દિવસે મોડી સાંજે ભાવલા તથા સધકીના ઘરે મિટીંગ ગોઠવાઈ ગઈ. આમ સુષમા સંતુષ્ટ થઈને ત્યાંથી ગઈ. એનું મન પ્રસન્ન હતું, એ ભજન ગણગણી, "ચલો બુલાવા આયા હૈ, ગ્રાહકને બુલાયા હૈ."

તો મીનામાસીએ પણ લલકાર્યું, "ના મૈં ધન ચાહું, ના રતન ચાહું. મેરે અમિત કી વહુ મીલ જાયે, તો મૈં તર જાંઉં."

અમિત પણ ખુશ હતો, "ઓ સુષમા મેરે, કબ હોંગે દર્શન તેરે..."

વળી ભાવલો ભૂસકો અને સધકી સંધિવાત પણ આશાએ ભરાયા, "અમિત તેરી બંસી પૂકારે સુષમા નામ, હો અમિત તેરી બંસી પૂકારે સુષમા નામ, લોગ કરે કેતલા કો યૂંહી બદનામ."

પણ કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર પણ થોડા આતુર તો વધુ ચિંતાતુર હતાં, "સુખદુઃખ દોનો રહેતે જીસમેં જીવન હૈ વો ગાંવ, કભી ધૂપ તો કભી છાંવ, ઊપર વાલા પાસા ફૈંકે નીચે ચલતે દાંવ, કભી ધૂપ તો કભી છાંવ."

એકંદરે એક એવો સશક્ત ડ્રામા ભજવાઈ શકે એવો માહોલ બની, જામી રહ્યો હતો કે જેના વિશે આ નાટકની મુખ્ય નાયિકા સુષમા બિલકુલ અજાણ હતી.

શું 'અમિત ઠેકાણે પાડો' મિશન આ વખતે સફળ થશે? શું અમિતના નસીબમાં આ સુષમા લખાયેલી હશે? કે પછી આ વખતે એક નવી ભવાઈ ભજવાશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૪ તથા આગળના દરેક ભાગ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).