ધૂલો તો હરખપદૂડો (DTH) - 24 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 24

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૪


આપણે જોયું કે કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે નજર એમની જ્ઞાતિ તરફ દોડાવી. એમણે સાત વિવાહ યોગ્ય છોકરીઓમાંથી, જેમાં ત્રણ કુંવારી હતી એમના વિશે તપાસ કરવાની જવાબદારી પિતલીની મમ્મી રસિલાબેનને સોંપી હતી. જોકે પહેલી બે છોકરીઓને તો એ ઓળખતાં જ હતાં એટલે એમને જાણ હતી કે અહીં કામ નહીં થાય. પણ ત્રીજી, સુષમા જે ઇન્ટિરિયર ડિઝાઇનર હતી એને બિઝનેસના કામના બહાના હેઠળ બોલાવી એમણે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી દીધી હતી. હવે આગળ...


રસિલાબેન સુષમાને કામના બહાને ઘરે બોલાવી લગ્ન જીવન અને એના ફાયદા વગેરે સમજાવવા લાગ્યાં ત્યારે એને પણ ખ્યાલ આવી ગયો કે આ ડોકરી એને કામના બહાને બોલાવી અને અલગ જ ટાઈમ પાસ કરી રહી છે. એટલે એણે ઊભાં થઈ ગયા બાદ પણ વિનમ્રતાથી જણાવ્યું, "રસિલાબેન, તમે મારી મુલાકાત તમારા જમાઈના એ મિત્ર સાથે કરાવી આપજો એટલે સીધી એમની સાથે વાત કરી શકાય."


એમણે તરત પિતલીને ફોન કર્યો અને બીજા દિવસે મોડી સાંજે ભાવલા તથા સધકીના ઘરે મિટીંગ ગોઠવાઈ ગઈ હતી. હવે આ આખા કિસ્સામાં કાચું એ કપાઈ ગયું હતું કે એકમાત્ર સુષમા માટે જ આ મિટીંગ વ્યવસાયીક મિટીંગ હતી જ્યારે બીજા બધાં માટે લગ્નોત્સુક મિટીંગ હતી. આમ કન્યાને જ ખબર નહોતી કે આ મિટીંગ એને જોવા માટે ગોઠવાઈ હતી. હવે જોવા જેવી ચોક્કસ થશે. પણ હોનીને કોણ ટાળી શકે!


નવી ઘોડી નવો દાવ એ ધોરણે અમિત ફરી એક વાર ઓફિસેથી કલાકેક વહેલો નીકળી એ જ યુનિસેક્સ પાર્લરમાં જઈ, દાઢી સાથે ફેશિયલ અને બ્લીચ વગેરે કરાવી આવ્યો. એ આજે શર્ટ પેન્ટ જેવા ચીલાચાલુ વસ્ત્રોનો મોહ ત્યાગીને જેટ નેવી બ્લૂ લેંઘો (આમ તો ચૂડીદાર પણ કહેવાય પણ આ વસ્ત્ર નીચે સુધી પેરેલલ પહોળાઈ ઘરાવતુ હોય છે.) અને ઉપર સોનેરી રંગની, ગ્રીન ભરતકામ કરેલી કફની પહેરીને પ્રસંગોપાત વરરાજા ગેટઅપમાં તૈયાર થઈને આવ્યો હતો.


લીલી છાંટ, રૂપેરી ભાત ધરાવતી ઝાંખા લાઈટ ગ્રે રંગની સાડી અને કોન્ટરાસ્ટ મેચિંગ એવુ રજત રંગી ડિઝાઇનર લાંબી બાંય ધરાવતુ બ્લાઉઝ પહેરીને મીનામાસી પણ શોભતા હતાં. સાથે સધકી સંધિવાત વિશેષ રાખોડી સાથે ગુલાબીના સમન્વય શોભિત બાંધણી અને એનું અદ્દલ મેચિંગ બ્લાઉઝ પહેરી મહાલતી હતી. બાકીના સભ્યો એટલે કે ભાવલો ભૂસ્કો, કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર સાદા પરિધાન પહેરી પોતપોતાના મોરચે તૈનાત હતાં.


એમાં આ બધી ગડબડ વિચાર ધારાઓથી અજાણ એવી સુષમા કોઈ પણ જાતના મેકઅપ વગર, એક ચૂસ્ત ટી શર્ટ કહી શકાય એવું કાળુ ટોપ, જેની પર સિલ્વર ક્લોથના મોટા અક્ષરમાં ક્લોથ સ્ટિકર્સથી લખેલુ હતુ, 'અપના ટાઈમ આયેગા' એની નીચે ખૂબ ઝીણા અક્ષરોમાં સિલ્વર પ્રિન્ટ દ્વારા લખેલુ હતું, 'તૂ નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા!' જોકે આ પ્રિન્ટેડ ફોન્ટ્સ દૂરથી વંચાય નહીં એટલા ઝીણા હતા. વળી કોઈ ખૂબ નજીક જઈને ખાસ વાંચે તો જ વાંચી શકાય એવા હતા, પણ હતા. એણે નીચે બ્લેક ફોર્મલ ટ્રાઉઝર પહેરેલ હતું. એણે ટોપ ઇન કર્યુ નહોતું એટલે એના ટોપની નીચેના ભાગમાં સિલ્વર રંગી સ્ટ્રિપ પોતાની આગાવી હાજરી નોંધાવતી હતી. જોકે જોનારને અંદાજ આવી જાય કે આના ઉદર ઉપર ઉંમર ચઢી ગઈ હશે એટલે ટોપ આઉટ જ શોભે.


એકંદરે એ બિઝનેસ મિટીંગ માટે તૈયાર થઈને આવી હોવાથી એની દેહલતા પર આ લૂગડાંલત્તાં શોભતા હતા. પણ બાકીના સૌ જે લગ્નોત્સુક મિટીંગ માટે ઉત્સુક હતાં એ પ્રસંગ માટે આ વસ્રાલંકાર અચૂક અભદ્ર જણાતાં હતાં. વળી એનો ઠસ્સો ઠાવકો હતો પણ એની ચાલમાં અકારણ લચકને લીધે એ લગ્નોત્સુક કન્યા કરતાં મોડલ જેવી વધુ જણાતી હતી.


એ એકલી જ આવી હતી, જ્યારે અહીં અડધો ડઝનની ફોજ તૈનાત હતી એટલે થોડું અજુગતું લાગતું હતું. એ આવીને અટવાઈ ગઈ એટલે ભાવલાએ એને સોફા પર સધકી સંધિવાત અને પિતલી પલટવાર વચ્ચે બેસવા ઇશારો કર્યો. સામે બે સોફા ચેર પર મીનામાસી અને અમિત બેઠાં હતાં તો એ જ સોફાસેટની સાઈડ ચેર પર ભાવલો અને કેતલો સામસામે બેઠા હતા.


ઇશારો મળતા એ સોફા પર સધકી સંધિવાત અને પિતલી પલટવાર વચ્ચે બેઠી અને બોલી, "હાય, આઈ એમ સુષ્મા." એણે ભાવલા તરફ જોઈ પ્રશ્નાર્થ નજરે જોઈ અને પુછ્યું, "મિ. અમિત?"


આ તરફ પાણી લાવવા ઊભી થઈ રહેલી સધકી પાછી બેસી ગઈ, "ના હો, એ તો મારો વર છે, ભાવેશ." એ આવેશમાં આવી બોલી ગઈ, "અમિતભાઈ આ છે." એણે અમિત સામે ઇશારો કર્યો.


અમિતે નાછૂટકે સ્મિત કરી અને અંતે બોલ્યો, "જી. હું અમિત છું."


એણે ચારે તરફ નજર ફેરવી અને ધંધાદારી સ્મિત રેલાવી પ્રશ્ન કર્યો, "તમારું ઘર સરસ જ છે. મારી અપેક્ષાઓ કરતા વધુ સુંદર છે."


આ તરફ સધકી સંધિવાતને સનેપાત ઊપડ્યો, "આ અમારુંં ઘર છે."


સુષમા ચમકી. એણે અમિત સામે જોઈ આંખોમાં પ્રસ્થાપિત કંટાળાજનક હાવભાવ સાથે પૂછી લીધું, "તો તમારું ઘર ક્યાં છે?"


અમિતે બેકફૂટ પર જઈ એક ડિફેન્સીવ સ્ટ્રોક રમ્યો, "એ તો નહેરુ નગરમાં છે."


એ ફરી ચમકી, "તો મને અહીં શું કામ બોલાવી? આ મિટીંગ સાથે સાથે તમારું ઘર પણ જોઈ લેત તો વાત આગળ ચલાવવાની ખબર પડે ને! હવે વાત આગળ કેમ વધે, એ તમે જ કહો!"


એ હેરાન હતી તો બીજા બધાં સ્તબ્ધ. એ આગળ વધી, "જુઓ, તમારું ઘર જોયા વગર કાંઈ નક્કી કરી શકાય નહી. તમારું પોતાનું ઘર છે કે ભાડાનું? કેટલું મોટુ છે? જુઓ, દરેક બાબતમાં ટ્રાન્સપરન્સી હોવી જરૂરી છે. એટલે પાછળથી કોઈ ગેરસમજ માટે અવકાશ રહે જ નહીં. મારી સ્ટાઇલ એકદમ સ્પષ્ટ રજૂઆત અને પારદર્શક વહીવટ શિરસ્તાવાળી છે. બરાબરને માસી?" એણે તોપના નાળચાં મીનામાસી તરફ ફેરવ્યાં.


ગઈ મિટીંગમાં થયેલા ધજાગરાને અનુલક્ષીને એમણે પોતાના માટે એક લક્ષ્ય નિશ્ચિત કર્યું હતું કે મૂંગા રહેવું. ગમે તે થઈ જાય પણ બોલવું નહીં. અલબત્ત અચાનક આવેલા આ આગના ગોળાથી એ હેબતાઈ ગયાં. એમણે લવારા કરવાં શરૂઆત કરી, "આમ તો તમારી વાત સાવ સાચી છે. પણ શું થાય? આડોશ પાડોશમાં ખબર પડે અને નકામી બબાલ થાય એટલે અહીં મિટીંગ રાખી. એ ઘર અમારું પોતાનું જ છે. આ અમિતના નામ પર જ છે. લોન પર લીધું છે અને પાંચ વર્ષના હપ્તા બાકી છે. તમને એ ઘર ચોક્કસ ગમશે. બાકી આ પણ મારી દિકરી અને જમાઈનું ઘર છે. એટલે વાતચીત અહીં જ થાય તો પણ યોગ્ય ગણાય."


સુષ્માની ધીરજ હવે જવાબ આપી રહી હતી. એ ભડકી, "તમે શું આવી જુનવાણી વાતો કરો છો? આપણે આપણાં ઘરમાં ગમે તે કરીએ એનાથી આડોશ પાડોશને શું લેવા દેવા! હા, એમને કોઈ તકલીફ થાય નહીં એ ધ્યાન રાખવાની જવાબદારી મારી. તમે ખોટાં ખોટાં ડરો છો. મને બધાં કાયદા કાનૂન ખબર જ છે. જો આડોશ પાડોશમાંથી કોઈ આડું ફાટ્યુ તો એને જોઈ લેવાની જવાબદારી મારી. હવે આગળ બોલો."


હકીકતમાં સૌની બોલતી બંધ હતી. મીનામાસીએ અમિત સામે ફરિયાદ દાખલ કરતાં હોય એમ જોયું. અમિતે એ નજર ચૂકવીને ભાવલા ભૂસકા સામે જોયું. ભાવલાએ ફિક્કુ સ્માઈલ આપી સધકી સંધિવાત સામે જોયું. સઘકી સંધિવાતને સનેપાત ઊપડ્યો. એણે કેતલા કીમિયાગાર સામે ક્રોધાવિષ્ટ નજરથી જોયું. કેતલા કીમીયાગાર પણ મૂંઝવણમાં મૂકાયો હતો. એણે પિતલી પલટવાર સામે દ્રષ્ટિ માંડી. પિતલી સૂષમા તરફ આશ્ચર્યચકિત થઈ ધૂરકી રહી હતી.


છેવટે એણે બાજી સંભાળવાનું બીડું ઊપાડી લીધું. એ વિનંતી ભર્યા સૂરે બોલી, "સુષમાબેન, અહીં જ વાત કરીએ." એમની આવી વિચિત્ર હરકતોથી હેરાન સુષમા ભડકી, "આજે આપણે નક્કી કરી ઊભાં થયા તો મારું કામ એ ઘરમાં હશે કે અહીં?" એણે એક નાનો બોમ્બ વિસ્ફોટ કરી નાખ્યો.


શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશન આ વખતે સફળ થશે? શું સુષમા એની આ ગેરસમજ વિશે સમજી જશે? કે પછી આ વખતે પણ એક નવી ભવાઈ ભજવાશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૫ એટલે કે સિલ્વર જ્યુબિલી પ્રકરણ તથા આગળના દરેક ભાગ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).