Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 52

મહારાણા પ્રતાપ અને રાજા ટોડરમલ.

રાજા ટોડરમલ : મોગલ સામ્રાજ્યની અનોખી વિભૂતિ

 

         અકબર રાજપૂતોને મિત્ર બનાવી મોગલ સામ્રાજ્યને મજબૂત બનાવવા માંગતો  હતો. મેવાડના મહારાણાઓ સ્વતંત્રાનો ઝંડો લઈને ઝઝૂમતા હતા. અકબરશાહ મહારાણા પ્રતાપસિંહને મંત્રણામાં જ જીતી લેવા માંગતા હતા, કારણ કે, રાજપૂતાના અરવલ્લી પર્વતના પ્રદેશમાં મોગલસેના મેવાડી વીરોને ખતમ કરી શકે એમ ન હતી.

         બાદશાહ અકબરના ત્રણ સમર્થ રાજદૂતો જલાલુદીન કોરચી, રાજા માનસિંહ અને રાજા ભગવાનદાસ મહારાણા સાથે મંત્રણા કરી ગયા. ચાલાક મહારાણાએ આ ત્રણે મહાનુભવોને કોઠું ન આપ્યું.

          અકબરશાહ મુંઝાયા. મેવાડી મહારાણાને સમજાવવા કોને મોકલવો? રહીમ ખાનખાનાનનું નામ યાદ આવ્યું પરંતુ તે હસ્યા. કવિ રહીમ પાછો ગોથું ખાઇ જશે.ઝેરનું મારણ ઝેર જ હોય. મોરને મોરનાં પીંછા જ મારે. મારે એક બાહોશ પરંતુ કટ્ટર હિંદુ જ આ સંધિ માટે મોકલવો જોઇએ. આ સાથે જ બાદશાહને ટોડલમલ યાદ આવ્યો.

          રાજા ટોડરમલ મોગલ સામ્રાજ્યની એક અનોખી વિભૂતિ હતી.

ખેડૂતો ટોડરમલને પોતાનો ફરિસ્તો માનતા:-

તેઓ ઉત્તરપ્રદેશના સીતાપુર જીલ્લાના લહરપુર ગામના વતની હતા. સરકારી અમલદારો મનમાનું મહેસૂલ વસૂલ કરતા હતા. ટોડરમલે એવી વ્યવસ્થા ગોઠવી કે, જેથી ખેડૂતોને રાહત મળી અને રાજકોષમાં ધનની વૃદ્ધિ થઈ. અમલદારોની ખાયકી બંધ થઈ ગઈ.

ઇ.સ. ૧૫૭૩માં અકબરે ગુજરાત પર વિજય પ્રાપ્ત કર્યો.

રાજા ટોડરમલને આ સમૃદ્ધ પ્રદેશની કૃષિવ્યવસ્થા ગોઠવવા મોકલવામાં આવ્યા. બે જ વર્ષમાં ગુજરાતના ખેડૂતો સુખી થઈ ગયા. રાજકોષમાં પણ પુષ્કળધન જમા થઈ ગયું. આથી ખેડૂતો ટોડરમલને પોતાનો ફરિસ્તો માનતા. માત્ર હિન્દુ હોવાને કારણે જે જજિયાવેરો લેવાતો હતો એ અકબરશાહ પાસે બંધ કરાવવામાં એનો મોટો ફાળો હતો.

માલગુજારીનો હિસાબ ફારસીમાં જ તૈયાર કરવાનો તેમણે આગ્રહ રાખ્યો. કારણ કે, મોગલ સામ્રાજ્યમાં  મુસલમાનોની માફક હિંદુઓ અણ ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરી શકે. ટોડરમલ કટ્ટર હિંદુ હતા, સવારે રોજ ભગવાનની પૂજા કર્યા સિવાય કોઇ અન્ય કાર્ય હાથ પર લેતા નહીં.

આમ છતાં તેઓ પોથી પંડિત ન હતા. સમયની રફતારને તેઓ ઓળખતા. ઘરે તેઓ ધોતી, ઝભ્ભો પહેરતા પરંતુ દરબારમાં મુસ્લીમ પોશાક પહેરીને જતા. તે માનતા કે, તુર્ક જેવો પોશાક પહેરવાથી હિન્દુ હિન્દુ મટી જતો નથી. તુર્કોની માફક તેઓ ઘોડેસવારીમાં પણ માહેર હતા. તેઓ કોઇ દબાણને વશ થાય એવા ન હતા.

“મરશે, મિટશે પરંતુ નમશે નહિ.”

મહારાણા પ્રતાપસિંહે તેમનું ઉમળભેર સ્વાગત કર્યું. હિંદુધર્મના આશકો એક બીજાને ભેટ્યા. મેવાડના મહારાણાઓની આ જ ખુબી છે. કીર્તિ દિગન્તવ્યાપી હોવા છતાં તેઓ ભીલ,વનચર, નાના મોટા તમામ પ્રજાજનોને, સાધુ સંતોને આદર આપતા.

“રાજા ટોડરમલજી, તમે મારા બંધુ સમ છો. નિઃસંકોચપણે આપ મારી સાથે વર્તી શકો છો. ઔપચારિકતાનો પડદો રાખવાની જરૂર નથી.”

રાજા ટોડરમલ મહારાણા પ્રતાપને જોઇ જ રહયા. મેવાડપતિ મહારાણા પ્રતાપના ગૌરવથી તેઓ અજાણ ન હતા. પોતાના પરિવારની કોઇ પણ વ્યક્તિ તો શું પરંતુ નાનકડું પંખી સુદ્ધાં મોગલ રણવાસમાં બાદશાહની આણ સ્વીકારી પ્રવેશી ન હતી. તેઓ જાણતા હતા કે, આ હઠીલા હમ્મીરનો જ વંશજ છે. મરશે, મિટશે પરંતુ નમશે નહીં.

“આપના ભાવપાશે હું પ્રથમ પ્રયત્ને જ બંધાઈ ગયો છું.”

     તેઓ બોલ્યા,”મહારાણાજી, આજે મારું જીવન સાર્થક થયું. આપના દર્શન પામી હું ધન્ય બન્યો. મેં રાજદૂત તરીકે આવવાનું સ્વીકાર્યું એ પાછળ આપના દર્શનની અભિલાષા હતી. આપે મને બંધુ કહ્યો. મારું હૈયુ ગદગદ થઈ ગયું છે. સાચે જ આપના ભાવપાશે હું પ્રથમ પ્રત્યને જ બંધાઈ ગયો છું. આપને મારા વંદન.”

         ઉપસ્થિત ગણે ભાવાવેશમાં આવી “મહારાણાજીનો જય” ટોડરમલજીનો જય” એવો પ્રચંડ નાદ કર્યો. અપૂર્વ માન સાથે ટોડરમલ મહારાણાજીના નિવાસ સ્થાને આવ્યા.

         “ટોડરમલજી, મને ખબર છે કે, તમે કડક શાસક છો. તમારા અમલદારો ભૂતિયા સિપાહી અને ભૂતિયા ઘોડા રજુ કરી ખૂબ વેતન વસૂલ કરતા પરંતુ તમે ઘોડાઓને ચિહ અંકિત કરવાની પ્રથા શરૂ કરી મોગલ સામ્રાજ્યને લાભ કરી આપ્યો.”

         “મહારાણાજી, એમા હું ક્યાં ખોટો છું?”

         “ટોડરમલજી, બેશક, સિપાહી માટે જે વફાદારી સ્વીકારી એને જ વળગી રહેવું એ જ એનું સાચું ખમીર છે. મોગલસેનામાં રહીને મેવાડનું કામ કરનાર કે મેવાડી- સેનામાં રહી મોગલોનું કામ કરનાર તો પાપાત્મા ગણાય. જો કે આજે તમને અહીં કે તહીં એવા દુષ્ટાત્માઓ જવલ્લે જ જોવ મળશે. હાહુલીરાય કે જયચંદની પરંપરા બહુ ચાલી નહી.” મહારાણા હસતા હસતા બોલ્યા,” “એક સૂર્ય સંપૂર્ણ વિશ્વને પોતાના કિરણોથી બાંધી લે છે.”

         “મહારાણાજી, ઇમાન અને ધર્મ બુલંદ હોવાથી આપણે વિરોધી સેનાના સેનાનીઓ હોવા છતાં એકબીજા સાથે હ્યદયપૂર્વક મળી શકીએ છીએ. હું આપને આપના માર્ગ પર અટલ જોઇને ખુશી અનુભવું છું. આપે મને આ મંત્રણા દરમિયાન કર્તવ્યપંથેથી પાછો વાળવાનો ઇશારો સુદ્ધા કર્યો નથી. છતાં આપણે બંને એકબીજાના હૈયામાં એકબીજા માટે પ્રેમનો વધારો કરીને જ છુટા પડીશું. મેં મારા સમ્રાટનો સંદેશો આપને સમજાવ્યો. હું જાણું છુ કે, એક જ સાચો શૂરવીર ક્ષત્રિય સમસ્ત પૃથ્વીને પદાક્રાન્ત કરીને પોતાના વંશમાં કરી લેવા સામર્થ હોય છે. આપ તો સૂર્યવંશી છો. એક સૂર્યદેવ સંપૂર્ણ વિશ્વને પોતાના પ્રકાશ કિરણજાળ વડે શું બાંધી નથી લેતો?”

         એક રાત્રિ મહારાણાજીની મહેમાનગતિ માણી રાજા ટોડરમલે પ્રસ્થાન માટે રજા માંગી.

રામપ્રસાદ હાથી: સમ્રાટની આરઝૂ:-

“રાજા ટોડરમલ તમારી મુલાકાતે મને અપૂરવ આનંદ આપ્યો છે. તમે મોગલો વચ્ચે રહીને તમારા હિન્દુત્વને ઝળહળતું રાખ્યું એ પણ મહાન કાર્ય છે. તમારા આ કર્યે પણ એક નવો ચીલો ચીતર્યો છે. મારી એક અભિલાષા છે.”

“શી?” અવાજમાં આતુરતા હતી.

“તમે રામપ્રસાદ હાથીનું નામ તો સાંભળ્યું છે ને?”

“ હા, મહારાણાજી, સમ્રાટ અકબરે આ હાથી મેળવવા, પોતાના સામ્રાજ્યની શાન વધારવા, એ મેળવવાની આરઝૂ અનેકવાર રાજા માનસિંહ પાસે, ભર દરબારમાં રજુ કરી હતી.”

“બાદશાહનો રાજદૂત એ મારી મોટી મર્યાદા છે.”

“ટોડરમલજી, એ મહાન હાથી હું આપને આપણી મુલાકાતની યાદગીરીમાં તોહફા રૂપે આપવા માંગું છું. તમે એ સ્વીકારશો?”

“મહારાણાજી, આપની ઇચ્છા કેવી રીતે ઇન્કારૂ? પરંતુ રામપ્રસાદ હાથી આપની પાસે જ રહેવો જોઇએ. હું ખૂબ જ વિનયપૂર્વક આ મહાભાવ માટે ઋણી  થઈને આપને રામપ્રસાદ મને ન આપવા વિનવું છું. કારણ કે, બાદશાહનો રાજદૂત એ મારી મોટી મર્યાદા છે.

રાજા ટોડરમલે મહારાણાજીના ચરણસ્પર્શ કર્યા.

“લઘુબંધુનો અધિકાર મેળવી લીધો.” મહારાણા હસ્યા. પછીતો રાજા ટોડરમલને પાંચ ગાઉ ચાલીને મહારાણાએ વિદાયમાં આપ્યુ.