જે જોડાયેલું હોય છે તેને તોડવું મુશ્કેલ હોય છે Rasik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જે જોડાયેલું હોય છે તેને તોડવું મુશ્કેલ હોય છે

વિશાળ જળરાશી ધરાવતો શકિતશાળી દરિયો ગમે તેટલા ફૂંફાડા મારે પરંતુ કિનારાને ઓળંગી આગળ વધી શકતો નથી, દરિયો પૂરા જોશ તાકાતથી કિનારાને ખોખલો કરવા સદીઓથી પ્રયત્ન કરતો રહ્યો છે, પરંતુ કિનારાને તોડી શકતો નથી, દરિયાની વિશાળ જળરાશી જોતા કિનારાનું અસ્તિત્વ ઘણું નાનું છે એમ છતાં કિનારાના કાંગરા ખેરવી શકવા દરિયો અસમર્થ છે, કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર શકિતશાળી હોવાથી જ યુદ્ધ જીતી શકાય તેવું નથી હોતું, આખા દરિયાને ધમરોળતા..દરિયાની ઓળખ બની ગયેલા વિશાળકાય એવા દરિયાના મોજાં... કિનારાને ખોખલો કરવા માટે વારંવાર કિનારે અથડાય છે, ઘસમસતા મોજાં બમણી તાકાત લગાવીને કિનારાને સંપૂર્ણ જમીનદોસ્ત કરવા અથડાય છે, કિનારે રહેલી ખડકાળ પથ્થરોની હારમાળા મજબૂતાઈથી મોજાંનો સામનો કરે છે, કિનારો ઘસાઈ જાય છે પરંતુ હાર નથી માનતો, મોજાંના પ્રચંડ પ્રવાહ સામે કિનારો અણનમ અડીખમ ઉભો રહે છે... ટકી રહે છે, મોજાંનું કર્મ તોડવું છે જ્યારે કિનારાનું કર્મ જોડવું છે, આ ટકી રહેવાનું કારણ એ છે કે પથ્થરની ચટ્ટાનો એકબીજા સાથે જોડાયેલી છે, તાત્પર્ય એ છે કે જે જોડાયેલું રહે છે તેને તોડવું મુશ્કેલ હોય છે.

નાનકડું અને નાજુક હોવા છતાં ખડ ખડ વહેતું ઝરણું છેક પર્વતની ટોચે થી તળેટી સુધી તેના રસ્તામાં આડખીલી બનતા એવા વૃક્ષો.. પથ્થરો.. કાંટાળા ઝાડી ઝાંખરા... વચ્ચેથી પણ પોતાનો રસ્તો કરી નીકળી જાય છે, મજબૂતમાં મજબૂત પથ્થરની શીલા શકિતશાળી હોવા છતાં પણ ઝરણાંનો રસ્તો રોકી શકતી નથી, જીવનમાં ઝરણાં જેવી બાળ સહજ મનોવૃત્તિ... સરળતા... શાલીનતા...અને સૌમ્યતા જેવા ગુણો જીવનને વહેતા પાણી જેવું સરળ બનાવે છે..દરેક કપરી કે મુશ્કેલ પરિસ્થતિમાં બાથોડા ભરવા કે હુંકાર ભણવો તેના કરતાં ઝરણાની જેમ રસ્તો કરીને નીકળી જવું તેમાંજ સાચી સમજદારી હોય છે. ઝરણું ક્યારેય ફરિયાદ કરતું નથી કે આ કાંટાળા ઝાડી ઝાંખરાએ મને હેરાન પરેશાન કરી નાખ્યું, હવે તો આ પાર કે પેલે પાર.. આ કાંટાળા ઝાડી ઝાંખરાને સીધા કરી નાખે છૂટકો કરું, જો એ ઝાડી ઝાંખરાને સીધા કરવામાં અટવાઈ જશે તો એનું વહેવાનું બંધ થઈ જશે અને તે તેની મંઝિલ સુધી ક્યારેય પહોંચી નહિ શકે, ઝરણું આવો બહુમૂલ્ય પાઠ આપણને શીખવી જાય છે,

સંજોગો પરિસ્થતિ આપણા પ્રમાણે ચાલે તે શક્ય નથી,વ્યક્તિ વ્યક્તિએ મતમતાંતર રહેવાના, અભિપ્રાય પણ અલગ અલગ રહેવાના, હું વિચારું તેવું જ થાય તે શક્ય નથી, બીજાનો વિચાર અલગ હોઈ શકે,આપણા આધારે દુનિયા ક્યારેય ચાલે નહિ,આપણી ઇચ્છાઓને ક્યારેક દબાવવી પણ પડે,આપણે સાચા જ છીએ તેવું આપણા મતે હોઈ શકે, સામેના મતે તમે ખોટા પણ હોઈ શકો છો,હમેંશા યુદ્ધ સફળ જ હોય તે જરૂરી નથી તેમજ હિતાવહ પણ નથી, ક્યારેક હારનો સ્વીકાર એ પણ શાંતિ મેળવવા માટેનું અદભૂત માધ્યમ બની શકે છે, ક્યારેક હારીને પણ જીતી શકાય છે, જે બની રહ્યું છે તે સારા માટે જ છે તેવો સ્વીકૃત ભાવ શાંતિ માટેનું કેન્દ્ર બિંદુ હોઈ શકે,

રસ્તામાં જતા આવતા ગટર અને બગીચો બન્ને આવે છે, આપણે તરત બગીચા તરફ વળી જઈએ છીએ,જે સારું છે તેનો સ્વીકાર તો કરી શકાય... પરંતુ જે ખરાબ છે તેનો સ્વીકાર કરવો તે પણ હિમંત માંગી લેતું કામ છે, ગુલાબનો છોડ.... કાંટા અને ફૂલ બન્ને નો સ્વીકાર કરે છે, ક્યારેક "શરણાગતિ " નો સ્વીકાર જીવનમાં અદભૂત શાંતિ આપે છે, અમુક સમયે ખુલ્લી તલવારો કરતા મ્યાન કરેલી તલવારો વધારે સુંદર લાગતી હોય છે, ઘૂઘવતા દરિયા કરતા શાંત પાણીનું સરોવર જીવનને વધારે શાંત રાખવા માટેની શીખ આપી જાય છે, શસ્ત્રો ઉઠાવવાથી જીત જ થાય તે જરૂરી નથી, ક્યારેક શરણાગતિનો સ્વીકાર પણ જીતમાં પરિણમે છે, ઇતિહાસ સાક્ષી છે કે ખૂબ તાકાતવર સૈન્યોએ હારનો સામનો કરવો પડ્યો છે, યુદ્ધ સૈનિકો લડે છે પરંતુ યુદ્ધની જીત અને હાર સેનાપતિની હોય છે, ક્યારેક આપણી હાર પણ જીત બની જતી હોય છે, પણ નમતું જોખવું એ કાયરતા નથી પરંતુ અદભૂત શાંતિ.. આનંદ મેળવવા માટેનો સદગુણ છે, વીરતા પુરસ્કૃત હોય તો શરણાગતિ પણ સન્માનીય હોઈ શકે છે તે નિર્વિવાદ છે..
--રસિક પટેલ
શિક્ષક અને લેખક ( matrubharati.com)
M 9825014063