રાજા માનસિંહની મનોવ્યથા
યુવાની દીવાની હોય છે. હું અંબરનરેશનો કુંવર, હું રાજપૂતાનામાં એક મહાન રાજ્યનો, આભિજાત્ય કુળમાં જન્મેલો યુવક, મારા પૂર્વજો ઈક્ષ્વાકુ ,ભાગીરથ , સગર અને રામ જેવા પ્રતાપી તથા મહિમાવંત. આમ વિચારો તો મેવાડનો ગુહિલોત વંશ અને અંબરનો કછવાહા વંશ , એક જ વૃક્ષની બે ડાળીઓ જેવા. એકનો આદિપુરુષ લવ , બીજાનો આદિપુરુષ કુશ.
સમયની બલિહારી છે ને ! રામ માટે ભરત, લક્ષ્મણ અને શત્રુધ્ન પણ પ્રાણ પાથરતા. જ્યારે મારે મહારાણા પ્રતાપની સામે ,યુધ્ધને મોરચે મોગલસેના દોરવાની.
પ્રતાપ સમયને પોતાની સાથે ચલાવવા ઈચ્છે છે જ્યારે હું સમયની સાથે ચાલવા ઈચ્છું. આ દેશની સમૃધ્ધિ માટે અમે બંને ઝંખીએ છીએ. પરંતુ અમારા માર્ગ નિરાળા છે.
જે સ્વતંત્રતા લોહીની નદીઓ વહેવડાવાની હોય ભૂખે મારતી હોય. અસ્તિત્વને ખતમ કરી નાંખતી હોય એ શા કામની ? સ્વતંત્રતા પેટની ભૂખ ભંગતિ નથી. જે તન ખતમ કરીને સ્વતંત્રતા ટકાવી રાખવા માંગે એ પાગલ જ કહેવાય.
હું કોઈ કાળે મોગલ દરબારમાં ઉપસ્થિત ન થાઉં. એવો દુરાગ્રહ ન રાખ્યો હોત તો સંધિ ઠે જાત. તો રાજપૂતો મોગલ દરબારમાં સર્વેસર્વા બની જાત.
મોગલ શહેનશાહ તો નામનો જ રહેત. એ સોનેરી ઘડી પ્રતાપ હઠાગ્રહથી ગુમાવવી પડી.
હવે મારે મોગલસેના ને મેવાડના સર્વનાશ માટે દોરી જવાની. મારે શા માટે મેવાડને ખતમ કરવું જોઈએ ? મારે હૈયે તો રાજપૂતાનાને આબાદ કરવાની ભારે હોંશ હતી. વિધીએ નિર્માણ એવું કર્યું કે, મૃ જ વતન યુધ્ધક્ષેત્ર બને. જે હું ઈચ્છતો ન હતો. સદાયે ટાળતો એજ , મારા જ હાથે બનશે ?
મારુ ભયંકર અપમાન પ્રતાપે કર્યું. રાજપૂત બધું ત્યાગી શકે છે. સ્વમાન નહીં. રાજપૂત જીવનમાં ક્યારે ય પોતાનું અપમાન ભૂલી શકતો નથી.
શા માટે આ યુદ્ધ ? ધર્મ, ધન , ધરા કે સ્ત્રી માટે ? મારે તો એમાંની એકેયની આશા નથી. મેવાડ જીત્યા પહેલાં જ આ બધું મને પ્રાપ્ત થયું છે. હું કેવળ માનનો ભૂખ્યો હતો , મને અપમાન મળ્યું અને મારામાં રહેલો દૈત્ય જાગ્યો.
લોકો શા માટે માનવી માં રહેલા દૈત્યને જગાડતા હશે ? હું તો રાજપૂતાનામાં ક્યાંય સુધી યુધ્ધ ટાળતો રહ્યો. પણ મારું વેણ પ્રતાપે માન્યું નહિ.
મેં મોગલ દરબારમાં જે સ્થાન મેળવ્યું છે એ જાળવી રાખવું પણ કપરું છે.મારા પ્રતિસ્પર્ધીઓ મારી નબળાઈ ખોળી જ રહ્યા છે.
શું દુનિયામાં યુદ્ધ ખતમ થાય જ નહિ શસ્ત્રો વગરનું જગત માત્ર કલ્પના જ રહેશે. યુધ્ધની શરૂઆત થાય ત્યારે દરેક વખતે એમ કહેવામાં આવે છે કે, શાંતિ માટે આ યુદ્ધ છે. આ યુદ્ધ પછી કોઈ યુદ્ધ થશે નહિ. મોંર્ય સમ્રાટ અશોકનો પણ કલિંગ વિજય પછી આ દાવો હતો પરંતુ ત્યાર પછી પણ યુધ્ધો તો થયા જ છે. શહેનશાહ અક્બરનું હિંદ ચક્રવર્તીનું સ્વપ્ન સાકાર થયા પછી પણ શું યુદ્ધ નામશેષ થઈ જવાનું ? એની કોઈ ખાતરી નથી.
જો આપણે લડીએ છીએ એ યુદ્ધ જંગલનું છેલ્લું યુદ્ધ ન હોય તો આપણે શા માટે લડીએ છીએ ? મને તો લાગે છે કે, લડવું એ પણ વ્યાપાર જેમ વ્યાપારમાં નફો-નુકસાન વિચારાય છે તેમ યુધ્ધમાં પણ વિચારાય છે.
સૌ વિજય ઈચ્છે છે પરંતુ એમને ખબર નથી કે, પરાજિતનુ ઘાયલ મન એને વિજય તરફ દોરી જાય છે જે વિજેતાને એક ને એક દિવસે પરાજિત બનાવી દેવાનું છે.
સૌ વિચારે છે કે, વિજય મેળવીને હું અમુક સિધ્ધ કરવા માંગુ છું પરંતુ કોઈ એમ વિચારતું નથી કે , યુધ્ધના અંતે જો કોઈ ઘાયલ થતું હોય તો તે માનવતા છે, જે સંસ્કૃતિનો પ્રાણ છે,
યુધ્ધો માનવતાવિહોણા છે માટે માનવી તેને આવકારતો નથી.અર્થનો દસ છે. ઉજ્જડ મેવાડમાંથી કશો આર્થિક લાભ ન હોવા છતાં કેવળ પોતાના મદને પોષવા માટે શહેનશાહ આ આક્રમણ કરવા ઉધ્ધત બન્યા છે. માનવી કીર્તિનો કેટલો મોટો ગુલામ છે !
આ બાદશાહો પણ કેવા ધૂની છે ! પોતાના મહેલ આગળ બંધાયેલી ઝૂંપડી પણ તેઓ ખમી શકતા નથી. ઝૂંપડીમાં રહેનાર માનવી ને મહેલ ખૂંચતો નથી પરંતુ મહેલમાં રહેનાર માનવીને ઝૂંપડી ખૂંચે છે. આટલી મોટી સલ્તનતમાં મેવાડ નહિં હોય તો શો ફરક પડવાનો છે ? છતાંય મેવાડના મહારાણાની અસ્મિતા અકબરને ખૂંચે છે. મને તો ઘણીવાર વિચાર આવે છે કે , ખરો ધનવાન કો બાદશાહ અકબર કે મહારાણા પ્રતાપ ?
ધર્મ સંગઠન લાવે છે. એ વાત પણ ખોટી. અહમદનગર ની ચાંદબીબી શું મુસલમાન નથી ? દક્ષિણના રાજ્યો શું મુસલમાન નથી. પરંતુ એ રાજયો પણ અકબર સાંખી શક્તો નથી.
અકબર જબરો મહત્વાકાંક્ષી છે. એની આડે આવનાર સર્વને સાફ કરવામાં એ માને છે. એની સહાય કરનાર સર્વને એ આવકારે છે. પછી તે હિંદુ હોય કે મુસલમાન.
શું હું આ ઉતરદાયિત્વ છોડી દઉં ? ના ,ના એથી શો ફરક પડવાનો કે મારી કારકીર્તિ ખતમ થઈ જશે. હું ખસી જઈશ તો. શાહબાઝખાન તો છે જ એ તો રાજપૂતાનાને સ્મશાનમાં ફેરવી નાંખવા માંગે છે. એટલે હાલના તબક્કે જો હું મોગલસેનમાં સેનાપતિ નહીં હોઉં તો રાજપૂતાનાની કુસેવા થશે. જો હું હોઈશ તો ક્યાંક સેવા કરી શકીશ.
આ યુદ્ધ તો અનિવાર્ય છે જ, જો જગમાલ અને શક્તિસિંહ પ્રતાપ પ્રત્યે આટલા કટ્ટર હોય તો મારે શા માટે મારી કારકિર્દીને જોખમમાં મૂકવી. આ તો મારા ભાવિનો સવાલ છે.
બાદશાહે સેનાપતિ બનાવીને મને પડકાર આપ્યો છે. મારી ખુદારીને પડકારી છે. મારી વફાદારીને પડકાર આપ્યો છે. મે આ પડકાર ઝીલી લેવાનો અફર નિર્ણય કર્યો છે.
માનવીને તૃષ્ણા ખતમ કરી નાખે છે. ભર્તૃહરીએ પોતાના વૈરાગ્ય શતકમાં સાચે જ કહ્યુ છે. “હે તૃષ્ણા, હવે તો મારો પીછો છોડ, જો તારી જાળમાં સપડાઈને મે ધનની શોધ માટે ધરતી ખોદી કાઢી.રસાયનસિધ્ધિ ની કામનાથી પર્વતોની ધાતુઓને ભસ્મ કરી નાખી. રત્નોની અભિલાષાથી નદીઓના પતિ સમુદ્રને પણ પાર કર્યો. અને મંત્રોની સિધ્ધીઓના હેતુથી મન લગાવીને પુષ્કળ રાત્રિઓના હેતુથી મન લગાવીને પુષ્કળ રાત્રિઓ સ્મશાનમાં વિતાવી તોપણ મને એક કાણીકોડી પણ ન મળી.
“ રાજા માનસિંહ તારી પણ આવી દશા તો નહિ થાય ?”
તમે ગમે તેટલો પ્રયત્ન કરો, જગતમાં નથી યુદ્ધ અને હિંસા ખતમ થવાના જ નથી. રામ રાવણને મારશે તો કંસ પેદા ઠવાનોજ અને એણે મારવા કૃષ્ણે અવતરવું જ પડશે.
આપણે વિધિના હાથનાં રમકડાં છે. પરિણતિ તો ઈશ્વરને હાથ છે. નહીં તો પ્રતાપને ભટવા ગયેલા માનવીના મુખમાંથી આવી ક્રોધભરી વાણી નીકળે ખરી ?
એક સેનાપતિ માટે આ લાગણી નકામી છે. સાંપ જેમ કાંચળી ઉતરે તેમ મારે માટે આ વેવળવેદ ત્યજી દેવાં જોઈએ.
આકાશમાંથી કાળરાત્રિ પોતાની ઘનશ્યામ મુદ્દામાંથી અગ્નિશિખા જેવી જહવા કાઢીને કહી રહી છે.
“માન , સેનાપતિ બન્યો છે તો લડી લે. આવી તક ગુમાવતો નહિ. આ પળ ઈતિહાસમાં સ્થાન પામવાની છે. જો આ પળ ગુમાવીને તો કયાંય કાળના અંધકારમાં ગુમ થઈ જઈશ. બાદશાહ તારા છાયાને પણ નહિ ઓળખે રાજપૂતાનાનું જે થવાનું હોય તે થાય. પ્રતાપ નું જે થવાનું હોય તે થાય. તારા ભાવિનો વિચાર કર.”
વળી રાજા માનસિંહને ભર્તૃહરી શતકની તૃષ્ણાની વાતો યાદ આવી. હે તૃષ્ણા ! તને ક્યાંથી સંતોષ થાય મેં આજસુધીમાં ઘણાં દેશો અને કિલ્લાઓનું ભ્રમણ કર્યું. તો પણ કંઈ પણ ફળ ન મળ્યું. પોતાની જાતિ અને કુળના અભિમાન ને છોડીને જે બીજાની સેવા કરીને તે પણ નમી ગઈ. પોતાના માનની ચિંતા કર્યા વગર પાર્ક ઘરમાં કાગડાની માફક ભોજન કર્યું. તો પણ હે પાપકાર્યમાં મગ્ન દુર્મતિ રૂપી તૃષ્ણા ! તને સંતોષ થયો નથી.
આવો ઉપાલંભ , આવો સચોટ ઘા માનસિંહ ગળી ગયો.
જાણે ભર્તૃહરી તેને ચેતવવા માંગતા હોય તેમ પોતાની અવદશા પર નિસાસો નાખતા જણાય છે. તેઓ કહે છે.” દુષ્ટોની આરાધના કરતાં કરતાં મે તેમની કડવી વાતો સહન કરી. આંસુઓને ભીતરમાં જ રોકી રાખી ને મેં મનને શૂન્ય બનાવી, ઉપરથી હસવાનો ભાવ રાખ્યો અને મનને મારી નાખ્યું. એમની સામે હાથ જોડી ઊભો રહ્યો છતાં હે ભાગ્ય ! હજુ પણ મને કયા કયા નાચ નચાવવાનું ધારે છે ?
માનસિંહ ચમક્યો પોતાની તો આવી અવદશા નહીં થાય ને ? અને રાજા માનસિંહે સમષ્ટિના દેહ પર , મહાકાળી જેમ ભગવાન શંકરના દેહપર પગ મૂકી અટકી ગયા હતા. જ્યારે રાજા માનસિંહ સમષ્ટિના દેહને કચડીને વ્યક્તિ તરીકે આગળ વધી ગયા.
ધીમે ધીમે રાજા માનસિંહ જાગૃત થયા ત્યાં તો “આપને શહેનશાહ યાદ ફરમાવે છે પ્રાતઃ ક્રિયાથી પરવારી શીઘ્ર પધારો.
શૈયામાંથી આંખો ચોળતા રાજા માનસિંહને અનુચરે સમાચાર આપ્યા.