Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 46

સહોદર નો સંઘર્ષ

     રાજપુતાનાના મેવાડ પ્રદેશમાં આવેલા આયડના જંગલો મેવાડપતિના શિકાર શોખ માટે ઉત્તમ સ્થળ હતું. મેવાડ નરેશ જ્યારે જ્યારે મનનો થાક ઉતારવા ઈચ્છતા ત્યારે ત્યારે આયડન જંગલો એમને શિકાર માટે આમંત્રણ આપતા.

     એક વખતે પોતાના સરદારો સાથે મહારાણા પ્રતાપસિંહ આયડન જંગલોમાં શિકારે આવ્યા. એ વસંતઋતુ હતી. અને અહડિયા નો ઉત્સવ હતો. શિકારની શોધમાં સર્વે વિખરાઈ ગયા.

      ગીચ જંગલમાં , બે મહાબલી , વીરપુરુષો ઘોડેસવાર થઈને પસાર થઈ રહ્યા હતા. તેઓએ શિકારીનો વેશ પરિધાન કર્યો હતો. પરંતુ મુખમુદ્રા પરથી રાજવંશી લગતા હતા. આ વીરનરો રામ-લક્ષ્મણ ની જેમ શોભતા હતા. તેઓ હતા મહારાણા પ્રતાપ અને કુંવર શક્તિસિંહ.

       સૂર્યોદયે આદરેલી સફર, હવે સુર્ય મધ્યાહને આવ્યો હતો. માથે આવેલા સૂર્યના પ્રખર કિરણો બંનેના બદનને પ્રસ્વેદબિંદુઓથી ભીંજવી રહ્યા હતા, શિકાર નહિ મળવાથી થોડી અકળામણ અનુભવતા હતા.

      શિકાર નહિ મળે તો? ખાલી હાથે જવું પડશે, કેવી વિડંબણા ! શિકાર વગર મહેલ તરફ પ્રસ્થાન કરવામાં ક્ષોભ થતો હતો. એકાએક તેઓની નજરે ભયાનક સુઅર જણાયું. શર સંધાન કરીને બંનેએ તીર છોડ્યું. સુઅરના બદનમાં બંને તીરો ઘૂસી ગયા. તેણે તત્ક્ષણ પ્રાણ ત્યાગી દીધો.

        વનને ધ્રુજાવી નાખે એવા અટ્ટહાસ્યથી કુંવર શક્તિસિંહ બોલી ઉઠ્યો, ” મોટાભાઇ,મારા તીરે  સુઅરના રામ રમાડી દીધા છે. એ પળમાં યમદૂતના હવાલે થઈ ગયું.

      “શક્તિસિંહ ,તને ભ્રાંતિ થઈ છે. સુઅરના પ્રાણ મારા તીર થી હરાયા છે. “ મહારાણા બોલ્યા.

મોટાભાઈ , ભ્રાંતિ મને થઈ નથી આપ ખોટો યશ લેવા માંગો છો  કે પછી આપને ખરેખર ભ્રમણા થઈ કે. અપનો દાવો બેબુનિયાદ છે.

       શક્તિ, તું ગુસ્સાના આવેશમાં મર્યાદા ભૂલી જાય છે. મેવાડપતિ સામે , ભવાં ચઢાવી, બરાડવું એ વિવેકહીનતા છે.”મહારાણા બોલ્યા.

    “ વિવેકહીનતા મારામાં નહિ , આપનામાં છે. યશની લાલચે આપ ગમે તે હદે જઈ શકો છો એ જાણી .. .. “

     “શક્તિ, તારી વિવેકશક્તિ કુંઠિત થઈ ગઈ છે. તું મર્યાદા ઓળંગી ગયો છે.  તું જાણે છે મારા પર આક્ષેપ કરનાર પૃથ્વી તટે જીવતો ન રહી શકે. તું મારી સ્પર્ધા કરવા માંગે છે  ? જા અત્યારે મારી દ્રષ્ટિ થી દૂર થઈ જા . “ પ્રતાપે શક્તિને આદેશ આપ્યો.

      શક્તિસિંહ વીર હતો. પરંતુ ધીર ન હતો. આમ મહારાણા વારંવાર પોતાને દબાવશે. મેવાડમાં સર્વે મહારાણાનો પડ્યો બોલ ઝીલનારા છે. મારા વિરોધને વિદ્રોહ સમજવામાં આવશે. મારી પ્રતિભા મેવાડમાં

મુર્ઝાઈ જાય એ પહેલાં હું મેવાડ ત્યાગી દઉં.

       “મહારાણાજી આપની હરીફાઈ મારે નથી કરવી. હું પણ મેવાડી છું. મારી નસોમાં પણ  વીરવર બાપ્પારાવળનું રક્ત વહી રહ્યું છે. આપ જો એમ સમજતા હોય કે, શક્તિ તમારા અન્નનો આશ્રિત છે આપ મોટી ભૂલ કરી રહ્યા છો. હું જ્યાં પગ મુકીશ, ધરતી મારી બની રહેશે.

       “ શક્તિ, તારી વીરતા કરતાં વાણી વધારે લાંબી થઈ ગઈ છે. વાણી વિહાર માટે છે , ભોગવવા માટે નહિ. દિવસે દિવસે તારી બદતમીઝી વધતી જાય છે. તું મારી વિચારધારા સામે બળવો ઠાલવે છે. મારી અવહેલના મારા વિચારોની ટીકા એ જ તારી પ્રકૃતિ બનતી જાય છે. આ પરિવર્તન હું સ્પષ્ટ જોઈ રહ્યો છું.

      “મારામાં જાગ્રત થતા સ્વાભિમાનને આપ પોતાની અવહેલના માનો એમાં મારો શો વાંક ? આજે ટીકા કરું છું પણ વખત આવ્યે પડકાર પણ કરવો પડે. મારુ ખમીર હું ખતમ નહિ થવા દઉં. “

       “ચૂપ ! શક્તિ, પ્રતાપના જીવનમાં આ પહેલો જ  પ્રસંગ છે જ્યારે કોઈએ એની સામે આટલી જીભાજોડી કરી હોય. તું કદાચ નહિ જાણતો હોય કે , મેવાડપતિને પોતાની અવહેલના સહન કરવાની આદત નથી  હોતી. મેવાડની ચારે બાજુ દુશ્મનો ડોળો કાઢી રહ્યા હોય ત્યારે રજમાં વિરોધ આગ માટે ચિનગારી બની શકે છે.”

 “ મોટાભાઇ , શું મારે જીવનભર આપની માત્ર ખુશામત જ કરવાની ? પૃથ્વી વિશાળ છે. શક્તિની શમશેરમાં  મોટા મોટા સામ્રાજ્યો જીતવાની તાકાત સમાયેલી છે. કુંવર શક્તિસિંહ સત્તાધીશોને ખુશામત કરવાને પેદા થયો નથી. “ રાતીચોળ આંખોએ શક્તિસિંહ બોલ્યો.          

     “તો પછી તારા અવિનય , ઉધ્ધતાઈ અને રાજદ્રોહ નો દંડ ભોગવ.” કહી પ્રતાપે શમશેર કાઢી.

    “હું પણ રાજપૂત છું, યુધ્ધથી ગભરાતો નથી.” કહી શક્તિસિંહ વાર ચુકાવી શમશેર કાઢી , યુધ્ધમાં ઝંપલાવ્યું

વિદ્યુતવેગી શમશેરો ચમકી.  પક્ષીઓ ભયભીત થઈ ને ઊડી ગયા. મધ્યાહ્ ન વેળાએ લડતા આ બે યોધ્ધાઓ પસીને રેબઝેબ થઈ ગયા. સમાન બળિયા સંગ્રામે ચડયા એટલે ઘનઘોર યુદ્ધ થયું. પ્રહાર પ્રતિપ્રહાર ની હાર માળા ચાલી.

       ચંદ્ર અને સુર્ય સમાન શોભતા શક્તિસિંહ અને મહારાણા પ્રતાપસિંહ વચ્ચે તલવારો ઉછળવા લાગી. બંને પટ્ટાબાજીમાં માહીર હતા. કોઈ કોઈથી ગાંજયા  જાય એવા ન હતા.

        એવામાં દૂરથી રાજપુરોહિત આવી પહોંચ્યા. તેમણે આ યુદ્ધ જોયું. નવાઈ પામી ગયા. સહોદરોનો આ દુર્ધર્ષ સંઘર્ષ ન માન્યામાં આવે એવી ઘટના તેઓની સમક્ષ બની રહી હતી.

       આજે કાં તો પ્રતાપસિંહ નહિ હોય કાંતો શક્તિસિંહ, મહારાણા શક્તિસિંહને હણશે અથવા શક્તિસિંહના હાથે મહારાણા નો વધ થશે/ ગમે તે ઘટના બનશે તો પણ મેવાડના ઇતિહાસમાં કલંક રૂપ બનશે. મારી ઉપસ્થિતિમાં આ બને એ  મારી રાજપુરોહિતાઈ લાજે.

    ઊંચા, પાતળા, ભવ્ય લલાટવાળા, ચમકતી આંખોથી સૌને ડારતા રાજપુરોહિતે અશ્વ પરથી ઉતરતા ઉતરતા કહેવા માંડયું.

       “મહારાજ આ શિકાર કરવાનું સ્થળ છે. સમરક્ષેત્ર નથી. અંહી ભાઈ ભાઈ વચ્ચે ખરાખરીનું યુદ્ધ શોભે  નહિ.’ ક્ષત્રિય ક્ષત્રિય સામે શસ્ત્ર ઉગામી નિર્બળ બન્યો છે. યુદ્ધ બંધ કરો. આપણા ભાલા આપના તીરો . આપણી શત્રુ માટે છે. આપણા બંધુઓ માટે નથી.ગુહિલોતકુળ સુર્યવંશી છે. ભાઇભાઈ ની સાથે યુદ્ધ ન કરે એ આ વંશની મર્યાદા છે. મહારાજ આપ ક્રોધને શાંત કરો. ગમે તેવી મુસીબત  કેમ ન આવી પડે ? ધૈર્યવાન પુરુષ કદી  ધૈર્યનો ત્યાગ નથી કરતાં. અગ્નિ ની જ્વાળાને ગમે તેટલી નીચી કરવાની  કોશિશ કરો પરંતુ તે ઉપર તરફ જ ગતિમાન થશે.”

     “હવે તો આપાર કે પેલે પાર , આત્મ- સમ્માન જો ન મળતું હોય તો રાજપૂત માટે સ્વર્ગ પણ નકામું છે. સમ્માન સાથે જો  નર્કમાં રહેવા મળે તો તે પણ ઉત્તમ છે. “ ઉત્તેજતિ સ્વરે શક્તિસિંહ બોલ્યા.

       રાજપુરોહિત જાણતા હતા કે શક્તિસિંહ મનસ્વી પુરુષ હતો. એના પર કોઈનો અંકુશ ન હતો. માલતીના પુષ્પોની માફક મનસ્વી પુરુષો ની બે જ ગતિ હોઈ શકે. કાં તો તેઓ સર્વ શ્રેષ્ઠ  બનીને વિચરે છે. અથવા જંગલમાં આવીને પ્રાણ તજે છે.

        મહારાણા પ્રતાપે પોતાના ભાઈ શક્તિસિંહને સલુમ્બર માંથી તેડાવીને ખાસ પોતાની સાથે રાખ્યો હતો. પરંતુ શક્તિસિંહના સ્વભાવ પર કાબૂ ન રહ્યો અને આખરે સંઘર્ષ થઈને જ રહ્યો. જ્યોતિષવિદ્યામાં રાજપુરોહિત પારંગત હતા. તેઓ વિધિના વિધાન ની અફરતા બાબત હંમેશા કહેતા. તમે સમુદ્રમાં ડૂબકી લગાવો કે સુમેરુ પર્વત પરચઢી જાઓ. ચાહે શત્રુઓને જીતી લો. અઢળક ધન કમાવાની વિદ્યા પ્રાપ્ત કરી લો. કે આકાશમાં ઊડવાનું સામર્થ્ય પ્રાપ્ત કરો પરંતુ જે થવાનું છે એ થઈને જ રહે છે. એને રોકવું અશક્ય છે. અસંભવ છે.       

 “પ્રતાપસિંહજી , યુધ્ધ ન હોય ,તલવાર મ્યાન કરો , પ્રેમ ને બદલે નફરત ક્યારે થઈ  ? સંદેહની જ્વાળામાં કેમ ફસાયા ? પ્રેમ અને વિશ્વાસના સહારે તો આસમાન છે. પ્રેમના જુસ્સાથી ચંદ્ર ખીલે છે. સાગરમાં ભરતી આવે છે. ભાઈ જો ભાઈના ખૂનનો તરસ્યો બનશે તો આ મેવાડ અને ગુહિલોતવંશ તળિયા ઝાટક થઈ ડૂબી જશે. આંતરિક સંઘર્ષ તમને શોભતો નથી.

      રાજપુરોહિતની લાખ કોશિશ છતાં યુદ્ધ ન રૉકયું એટલે તેમણે છેવટના ઉપાય અજમાવા નો નિર્ણય કરી લીધો. “ જીવનભર ગ્રંથો વાંચીને વિદ્વાન તો થયો. પરંતુ આજે ચિત્તોડના ભાવિ માટે, પ્રાણોનું બલિદાન આપવાની વેળા આવી પહોંચી છે. મેવાડના રાજપૂતો તો પ્રાણો ની હોડી ખેલી શકે છે. પરંતુ બ્રાહ્મણો પણ પાછા પડે એવા નથી એ મારે સાબિત કરી આપવું છે. “ કહી પોતાની બગલમાંથી એક કટારી કાઢી. પોતાની છાતીમાં ઘોંચી દીધી, લોહીનો ફૂવારો છૂટયો. રાજપુરોહિત ક્ષણ વારમાં મડદું થઈને ગબડી પડયા.

     અપ્રત્યાશિત બનાવે બંને યોધ્ધાને સ્તબ્ધ કરી દીધા. મહારાણાએ ક્ષુબ્ધ હૈયે શક્તિસિંહને મેવાડ છોડી કયાંક ચાલ્યા જવાનો આદેશ આપ્યો.

      “શક્તિ, રાજપુરોહિત જેવા વિદ્વાન બ્રાહમણ નું તારા લીધે બલિદાન લેવાયું છે. તને હું મૃત્યુદંડ નથી આપતો , જા ચાલ્યો જા.”

       શક્તિસિંહે કહ્યુ,” મહારાજ , આ ક્ષમા ઘણી મોંઘી પડશે. કોક દહાડો હું પ્રતિશોધ લેવા આવીશ તે વેળા બદલાની આગમાં શેકાયેલો હું જાગેલા ભોરિંગની માફક તમને ડસીશ ત્યારે તમને આજની યાદ આવશે. કડવી થઈ જશે.                     

      શક્તિસિંહ ઘોડા પર સવાર થઈ ને ચાલ્યો ગયો. મહારાણા પ્રતાપ ઘડીમાં રાજપુરોહિતના શબને અને ઘડીમાં ચાલ્યા જતા શક્તિસિંહની પીઠને જોતા રહ્યા. પછી ખિન્ન વદને વિચાવા લાગ્યા. જે ફૂલને હ્યદયે લગાડીએ છીએ તેજ ફૂલ કોક દિવસે આપણા માટે કંટક બની જાય છે. દયા અને શાસન બને એક સાથે નભી શકે જ નહિ. મહારાણા નું દિલ દિલ નહિ પાષાણ નું હોવું જોઈએ. જગમાલ ગયો, હવે શક્તિ ગયો. હું માત્ર  પ્રતાપ જ હોત તો ?

        રામાયણમાં રામનું દુશ્મનો સામે યુદ્ધ હતું, મહાભારતમાં ભાઈઓ સામે, પાંડવો નું યુદ્ધ હતું. પરંતુ મહારાણા પ્રતાપને તો શહેનશાહ અકબર સામે લડવાનું છે, રાજપૂત રાજાઓ સામે લડવાનું છે, ભાઈઓ સામે લડવાનું છે, ઝેરના ઘૂંટડાં  પીએ તે જ મહાદેવ કહેવાય ને ? રામ તો ભાગ્યશાળી હતા. કે ત્રણે ભાઈઓ તેમની છાયા રૂપ હતા. મહારાણા પ્રતાપને તો ભાઈઓ સાથે નહિ સામે હતા. કેટલો ક્રૂર વિધાતા ?