ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૧
આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. આ મીટિંગમાં થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી ખેલો કરી નાખ્યો. અકલ્પ્ય રીતે મીનામાસીના આવા વલણથી પિડીત તારામાસી ત્યાંથી ભાગી છૂટી. કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર એનો પીછો કરી એને સમજાવીને પાછી ત્યાં લઈ આવ્યા. હવે આગળ...
સધકી સંધિવાતે એક ખોંખારો ખાધો પણ અમિતનું ધ્યાન એની માતા તરફ જ કેન્દ્રિત હતુ. એ બોલ્યો, "એ તારાએ એના કોલેજીયન જીવન દરમ્યાનનો ફોટો મોકલી આપણને ભ્રમિત કરવાની નાકામ ચાલ ચાલી હતી. પણ છેતરપીંડી એટલે છેતરપીંડી. એ ડોસલી, કેવી મોઢું સંતાડીને ભાગી, ઊભી પૂંછડીએ નાઠી! સચ્ચે કા બોલબાલા, જૂઠે કા મૂંહ કાલા." એની તરફ ચકળ વકળ ડોળે જોઈ રહેલી સધકીએ આ વખતે રાડ પાડી, "અમિતભાઈ..."
એની પીઠ દરવાજા તરફ હોઈ એનુ કેતલા અને પિતલી સાથે પાછી ફરેલી તારા તરફ ધ્યાન જ નહોતુ. એટલે માંડ માંડ પાછી આવેલી તારા સાથે અમિતે, મીનામાસી પાર્ટ ટુ કર્યુ.
જેવો આ બ્રાન્ડ ન્યુ શાબ્દીક બોંબ બ્લાસ્ટ થયો એવો સૌને ફરી ફરી કોઈ સાપ સૂંઘી ગયો હોય એવો સોપો પડી ગયો. એક ક્ષણ માટે એ કસેલા વાતાવરણમાં ભેંંકાર નીરવતા છવાઈ ગઈ હતી. જોકે ક્ષણેક બાદ, આ વખતે મીનામાસી પોતાનો હાથ રૂમાલ મોઢાં પર ઢાંકીને ઊભા થઈ ગયાં. બીજી સેકન્ડે સૌને એક પહેલાં તારાએ ખાધેલું એવું જ રૂંધાયેલ ડૂસકું સંભળાયું. પણ આ વખતે વારો તારામાસીનો નહીં પણ મીનામાસીનો હતો.
જોકે આ વેળા તારામાસીએ કોઈ વિશેષ પ્રતિભાવ આપ્યો. એણે ત્યાં પહોંચી ચૂપચાપ પોતાનો મોબાઈલ ફોન અને પર્સ ઊપાડી, કુતુહલપૂર્વક ફોન ફિંગર લોકથી અનલોક કરી તપાસી લીધો. એણે પર્સમાંથી એક ડબ્બી કાઢી, પોતે પહેરેલ કોન્ટેક્ટ લેન્સ કાઢી એ ડબ્બીમાં ગોઠવી, એને પર્સમાં નાખી, ચશ્મા કાઢીને પહેરી લીધાં.
અમિત, ભાવેશ, સધકી કે માસી કોઈ કાંઈ બોલવાની સ્થિતિમાં નહોતાં. પણ તારામાસીએ બોલવાની તક ઝડપી લીધી, "એટલી સમજ તો મને પણ છે કે જે કાંઈ બોલાયેલું એ નિર્દોષ ભાવે બોલાયેલું. એમાં કોઈનો પણ મિટિંગનો મૂડ બગાડવાનો વ્યક્તિગત ઇરાદો હોઈ શકે જ નહીં. એમ માનીને હું પાછી આવી હતી પણ..."
સધકી કેતલા કીમીયાગાર તરફ આશા ભરી મીટ માંડીને જોઈ રહી. તો કેતલાએ 'હવે શું થાય!' એવી મુખમુદ્રા સાથે તાકી રહ્યો. તારામાસીએ પિતલી તરફ જોઈ કહ્યું, "કેતનકુમાર, આ ડોસલી માટે અઢાર વર્ષનો કાચી કાકડી જેવો કુમળો કિશોર ક્યાંથી કાઢ્યો?" અને એ અમિત સામે આવીને ઊભી રહી. અમિતે માંડ માંડ ઉપર જોયુ.
એણે ઇશારો કર્યો ત્યારે સૌને ધ્યાનમાં આવ્યું કે તારામાસી પાછળ એના સેન્ડલ લઈને દોડેલો અમિત હજી એ સેન્ડલ હાથમાં પકડીને જ બેઠો હતો. એ ફરી એક વાર ભોંઠો પડી ગયો. એણે એ સેન્ડલ તારા તરફ આગળ ધર્યા. તારાએ પોતાના પગ તરફ સાંકેતિક ઇશારો કરતાં એણે એ સેન્ડલ સીધા કરી તારાના પગ પાસે વ્યવસ્થિત રીતે મૂક્યા અને ધીમેથી બોલ્યો, "સોરી."
તારામાસી વિજેતા સ્મિત સાથે સેન્ડલ પહેરતાં બોલી, "યુ બેટર બી." બધાંએ નોંધ લીધી કે તારામાસી આ વખતે તીખાં તેવરમાં હતી. એની ચાલમાં ગજબનો આત્મવિશ્વાસ હતો. એ નિરાંતે પણ મક્કમ પગલે ભાવલા ભૂસકાના ઘરથી બહાર નીકળી ગઈ પણ કોઈએ એને રોકવાની કે એની સાથે વાત કરવાની હિંમત કરી નહીં.
સધકી સંધિવાત માથે હાથ મૂકી રડવા બેઠી, "મહેમાન પાણીનો ગ્લાસ પણ એઠો કર્યા વગર જતાં રહ્યાં. મારા ઘરેથી કદી કોઈ આ રીતે પાછું નથી ગયું." એણે ઠુઠવો મૂકી દીધો. ભાવલો ભાવનાત્મક બની એની સામે એ જ પાણીનો ગ્લાસ ધર્યો. તો એ જોર જોરથી રડવા લાગી.
હવે કેતલાએ એમને કાતિલ નજરે વીંધી નાખ્યા તો પિતલીએ પલટવાર કર્યો, "અમારી આખી મહેનત પર પાણી ફેરવી દીધું અને હવે અમારા તારામાસી સાથે સંબંધ બગડી જશે એ નફામાં."
ભાવલાએ પણ ભૂસ્કો લગાવ્યો, "અમિતભાઈ, આવા નાજુક પ્રસંગે બોલવામાં વિવેક રાખવો જોઈએ કે નહીં?"
અમિત બેકફૂટ પર આવી ગયો, "સોરી બનેવી, મમ્મીની આંખોમાં આંસુ જોઈ થોડો ઇમોશનલ થઈ ગયો હતો."
કેતલાએ ઝડપભેર ઝંપલાવ્યુ, "એટલે આવ ન જોયુ ના તાવ, બસ ઇમોશનલ અત્યાચાર કરી નાખ્યો." અચાનક સૌ હસી પડ્યાં પણ મીનામાસીએ નવેસરથી પોક મૂકી, "આ બધી ગડબડ મારે લીધે થઈ. કેતનભાઈ, મને માફ કરી તમે એ તારાને સમજાવી જોજો. કદાચ એ માની પણ જાય. આમ તો બહુ ડાહી અને સમજદાર છે એ. વળી હોંશિયાર પણ ખરી." હકીકતમાં આ તારામાસી એમની નજર સમક્ષ બહાર નીકળી ગઈ હોય એવું નાટક જ કરી રહી હતી. એ હજી દરવાજા પાસે બહાર તરફ ઊભી રહી અંદર શું ચાલે છે એ વિશે તાગ મેળવી રહી હતી. એને આમ તો અમિત પસંદ પડી ગયો હતો. વળી એ એના સેન્ડલ પકડીને બેસી રહ્યો હતો એ એને ગમ્યું હતું. ઉપરાંત અમિતે જે શાલીનતાથી એનાં સેન્ડલ એનાં પગ પાસે મૂક્યા એ ઘટના એની આંતરિક ટલાગણીઓને સ્પર્શી ગઈ હતી.
એ ફક્ત 'હુ ઇઝ ધ બોસ!' એટલું સાબિત કરવા માટે વટ કે સાથ ત્યાંથી નીકળી હતી. એને અપેક્ષા હતી કે આમાંથી કોઈ ને કોઈ તો એને રોકી લેશે અને ત્યારબાદ બધાં સાથે મળી એને મનાવશે. પણ...
પણ જ્યારે એ નિરાંતે પણ મક્કમ પગલે ભાવલા ભૂસકાના ઘરથી બહાર નીકળી ત્યારે કોઈએ એને રોકવાની કે એની સાથે વાત કરવાની હિંમત જ કરી નહીં. આમ એ પોતાની અપેક્ષાઓથી વિપરિત બહાર આવી ચૂકી હતી પણ એની અંદર દટાયેલી સૌભાગ્ય કાંક્ષીણીએ એને જતાં રહેવાથી અટકાવી રહી હતી. એ એની મહત્તા સમજવા છુપી રીતે એમની વાતચીત, ગતિ વિધિઓ પર ચાંપતી નજર રાખી રહી હતી.
એ મનમાં પ્લાન બનાવી રહી હતી. એ એક યોગ્ય ક્ષણે ફિલ્મ અભિનેત્રીની જેમ એન્ટ્રી લઈ બધાંને ચકાચોંધ કરી મૂકવા કટિબદ્ધ થઈ ગઈ હતી. એની આ યોજનાથી બેખબર એવાં એના પ્રેક્ષકો એનો રોલ આ ફિલ્મમાંથી સમાપ્ત થઈ ગયેલો માની ચર્ચા વિચારણાઓ કરી રહ્યાં હતાં.
અમિતે પોતાની મમ્મીની વાતનો તાગડો સાંધ્યો, "હોંશિયાર તો ખરી જ. કોલેજના જમાનાનો ફોટો મોકલી અને એવી દેખાવા કેવા મેકઅપના થપેડા લીંપીને આવી હતી!"
ભાવલાએ પણ ભૂસ્કો લગાવ્યો, "હા, ઘરડી ઘોડી લાલ લગામનું પરફેક્ટ લુક હતું."
પિતલીએ પલટવાર કર્યો, "શું મંડી પડ્યા છો બધાં! મારા મીનામાસી એ ખૂબ ખૂબ પ્રેમાળ અને આદરણીય વ્યક્તિ છે. એ એટલાં બહુમુખી પ્રતિભાના માલિકણ છે કે એમની ટક્કરનું કોઈ પાત્ર મળ્યું જ નહીં એટલે તમને ઠઠ્ઠા મશ્કરી સૂઝે છે, બાકી મારા મીનામાસી માટે કોઈ હરફ પણ ઉચ્ચારે એટલી આમાંથી કોઈની હેસીયત નથી." આ સાંભળી બહાર ઊભી રહી જાસૂસી કરી રહેલી તારામાસીને શાતા વળી. એણે હવે લાજ ત્યાગી અંતિમ પ્રયત્ન કરી લેવા અંદર એન્ટ્રી લીધી.
પણ નિયતીને આ સંબંધ મંજૂર નહોતો. એની નવેસરની એન્ટ્રીથી અજાણ અમિતનું અહંમ ઘવાયુ. એણે પિતલીને ટોણા દ્વારા જવાબ આપ્યો, "બેન, આ તમારી લાગણી બોલે છે બાકી જે રહી ગયા હોય એ બધા આમ જ બોલે. જો યોગ્ય પાત્રની રાહ જોઈ જોઈ ઘરડી થઈ ગઈ તો હવે કેમ છૂટછાટ રાખે છે! લખી રાખો એને યોગ્ય પાત્ર, હોસ્પિટલની મરણ પથારી પર બાજુના બેડ પર જ મળશે."
ભાવલો ભૂસ્કો અને સધકી સંધિવાત અવાક થઈ આ દ્રશ્ય જોઈ રહ્યાં. ફરી એક વાર તારામાસી લીલા તોરણે પાછી વળી. એમને ખ્યાલ આવી ગયો કે આ અમિતને એના કર્મ સજોડે નહીં થવા દે. છેવટે કેતલા કીમીયાગાર અને પિતલી પલટવારે આ મિટીંગ માટે તૈયાર થયેલા નાસ્તા પાણીને યથાર્થ ન્યાય આપ્યો. વળી નીકળતી વખતે કેતલાએ ખાત્રી આપી, "મીનામાસી, તમે જરાય ચિંતા કરતાં નહીં. બસ આ શનિવાર સુધી બીજી મિટીંગની તૈયારીઓ કરી લેજો." ભાવલાએ ભાલ કૂટ્યું.
શું તારામાસી આ અપમાન પાર્ટ ૩ સહન કરી લેશે? શું આ જ મિટીંગ શનિવારે આગળ વધશે? અમિત તારાનો સંબંધ હવે શક્ય છે કે કેતલો કીમિયાગાર કોઈ નવું જુગાડ કરશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૨ તથા આગળના દરેક ભાગ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).
લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).