ધૂલો તો હરખપદૂડો (DTH) - 20 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 20

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૦


આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એ દરમ્યાન કેતલો પિતલીની તારામાસી સાથે સધકી સંધિવાતના ધરે પહોંચ્યો. અમિત અને તારા, આ મીટિંગમાં ભવ્ય તૈયારી સાથે તૈયાર થઈ જોડાયા હતાં. જોકે થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી. હવે આગળ...


ભાવલાના ઘરે અમિત પહોંચ્યો તો એના મમ્મી બપોરથી અહીં આવી ગયેલા. આ લાડાની માતાઓને ભારે ઉતાવળ હોય એ સ્વાભાવિક બાબત છે. તો થોડીવારમાં કેતલી કીમીયાગાર અને પિતલી પલટવાર, તારાને લઈને પહોંચી ગયાં. સામસામે પ્રણામ કરી એમને માનભેર બેસાડી સધકી સંધિવાત પાણી લેવા ગઈ. અહીં અમિત અને મીનામાસી ચકળ વકળ ડોળે તારામાસી સામે તાકી રહ્યાં. છેવટે મીનામાસીએ ભાંગરો વાટ્યો.


એ તારામાસી સામે જોઈને બોલી પડ્યાં, "વેવાણ, તારા બેટી હજી નથી આવી?"


એક નાનો ભૂકંપ આવી ગયો. જોકે આમાં વાંક એમનો નહોતો. તેઓ પેલા વીસ વર્ષ અગાઉના ફોટાને લીધે છેતરાઈ ગયાં. એમણે આ ફોટોગ્રાફ જોઈને ત્રીસીમાં હોય એવી કન્યા રત્નનું અનુમાન કરેલું. કેતલો કીમિયાગાર વચ્ચે હતો એટલે કોઈ વિશેષ તપાસ કે બાયો ડેટા વગેરે ગૌણ બાબત હતી. આમ પાછા બંને પક્ષને સ્પષ્ટ ઉતાવળ પણ હતી એટલે સીધેસીધી મિટીંગ ગોઠવાઈ ગઈ હતી.


જેવો આ શાબ્દીક બોંબ બ્લાસ્ટ થયો સૌને એકાએક કોઈ સાપ સૂંઘી ગયો હોય એમ સોપો પડી ગયો. એક ક્ષણ માટે તંગ વાતાવરણમાં ભેંંકાર નીરવતા છવાઈ ગઈ. જોકે ક્ષણેક બાદ તારામાસી પોતાનો હાથ રૂમાલ મોઢાં પર ઢાંકીને ઊભા થઈ ગયાં. બીજી સેકન્ડે સૌને એક રૂંધાયેલ ડૂસકું સંભળાયું. અને ત્યારબાદ તારામાસીએ ઘરના ખુલ્લા દરવાજા બહાર દોટ મૂકી.


કેતવો કીમીયાગાર અને પિતલી પલટવાર પરિસ્થિતિનો તાગ મેળવી એમની પાછળ દોડ્યાં. પણ તારામાસી પુરપાટ દોડી દાદરો ઊતરવા લાગ્યાં. કેતલા અને પિતલી પાછળ ભાવલો ભૂસકાએ ભૂસકા ભર્યા. એમની પાછળ નિર્દોષ અમિત, પોતાના ભાવી જીવન સાથીના ચપ્પલ ઊપાડી દોડ્યો. તો એના મમ્મી અને સંભવિત સાસુ પણ સૌની પાછળ પોતાની શક્તિ અનુસાર, એમના માટે દોટ કહી શકાય એવી ઝડપી ચાલે, આ રેસમાં ભાગ લીધો.


બીજી તરફ પાણીના કાચના આકર્ષક ડિઝાઇનર ગ્લાસ ભરી, અત્યંત મનોહર ભાતવાળી ટ્રેમાં ગોઠવી સધકી સંધિવાત બહાર આવી તો બધાં અલોપ થઈ ગયાં હતાં. એણે ભાવવિભોર થઈ ભાવલાને ફોન લગાડ્યો પણ એ સામે ટિપોય પર પડ્યો હતો. એ જ પરિણામ અપેક્ષિત હોય એમ બધાંના મોબાઈલ ફોન ત્યાં જ પડ્યા હતા. એ તારામાસીના પર્સની સાથે પડેલ એમનો મોબાઈલ ફોન ઊપાડી કુતુહલપૂર્વક જોવા લાગી. એને આ નાનકડા મહાવિસ્ફોટ વિશે કોઈ જાણકારી નહોતી.


આ તરફ તારામાસીએ સોસાયટી બહાર નીકળી ત્યાં ઊભેલી એક રીક્ષા રોકી એમાં બેસી નીકળી ગયાં. કીમીયાગાર કેતલાએ રીક્ષાનો નંબર નોંધી યાદ રાખી લીધો.


કેતલાએ થોડીવાર બાદ ત્યાં આવી, ખાલી થયેલી બીજી રીક્ષા રોકી એમાં એ અને પિતલી પલટવાર ગોઠવાઈ તારામાસીના ઘર તરફ નીકળી પડ્યાં. જોકે રીક્ષામાં બેઠાં બાદ એને ધ્યાનમાં આવ્યુ કે એમના બંનેના મોબાઈલ ફોન તો ભાવલાના ઘરે રહી ગયાં હતાં.


ભાવલા ભૂસકાને શું થઈ ગયું અને હવે શું કરી શકાય એ સમજાતુ નહોતુ. બિલકુલ એવી જ પરિસ્થિતિ લગ્નોત્સુક માં દિકરા માટે નિર્માણ થઈ ગઈ હતી. અસમંજસ ભરી નજરે સધકી ઉપર એના ઘરની બાલ્કનીમાંથી પ્રસ્થાપિત પરિસ્થિતિનો તાગ મેળવવા નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. શું બની ગયુ એ વિચાર એમની કલ્પના બહારનો વિષય હતો.


છેવટે ભાવલો, અમિત અને માસી સાથે પાછો ઘરે આવ્યો. અમિતને ફરી સંધ્યા શાંતારામ યાદ આવી, 'તકદીર કા ફસાના, જાકર કિસે સૂનાયેં, ઈસ દિલ મેં જલ રહી હૈ અરમાન કી ચિતાયેં...'


સ્તબ્ધ માસી અને દિગ્મૂઢ મુરતિયો, સધકી સંધિવાત તરફ અચરજ ભરી નજરે જોઈ રહ્યાં. એટલે સધકી ભાવલાને પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. ભાવલાએ નજર સમક્ષ ભજવાઈ ગયેલી ધટનાઓનું શબ્દચિત્ર સ્પષ્ટ રીતે રજૂ કર્યુ. સધકીએ ભાવલાની સ્ટાઇલમાં કપાળ કૂટ્યું, "માસી, એ તમારી વેવાણ નહીં પણ વહુ પદની એપ્લિકેશન કરી પર્સનલ ઇન્ટરવ્યુ માટે આવેલી કન્યા જ હતી."


"હેં!" માસીએ કપાળ કૂટ્યુ, "મારી મતી મારી ગઈ હતી." એ પોતાને દોષ આપવા લાગ્યાં. બીજી તરફ પિતલી પલટવાર અને કેતલો કીમિયાગાર તારામાસીની રીક્ષાનો પીછો કરી રહ્યાં હતાં. અચાનક તારામાસીના ધ્યાનમાં આવ્યું કે તેઓ પર્સ તો પેલાના ઘરે ભૂલીને આવી ગયાં છે.


રીક્ષા ડ્રાઇવર પાછળ જોવાના અરીસામાંથી સતત આ કસ્ટમર પર સતત નજર રાખી રહ્યો હતો. એ રીક્ષામાં બેઠી ત્યારથી સતત રડી રહી હતી. એને અઢવઢમાં અટવાઈ ગયેલી જોઈ એણે પૂછી લીધું, "મેડમજી સબ ઠીક હૈ, ના?"


એ ઝબકી, "હા, ભાઈ. આ તો હું પૈસાની પર્સ ભૂલી ગઈ છું. એટલે..."


"એમાં શું?" એણે એને હિંમત આપી, "મેડમજી, આ QR કોડ સ્કેન કરી શકાય એમ છે. આપ મને ઈ-પે કરી દેજો."


"પ્રોબ્લેમ એ જ છે, ભાઈ." તારામાસીએ ડાયરેક્ટ કહી દીધું, "પૈસાના પર્સ સાથે સાથે મોબાઈલ ફોન પણ ત્યાં જ ભૂલથી ભૂલાઈ ગયો છે." હવે રીક્ષા ડ્રાઇવર ચમક્યો. એણે રીક્ષા રોડના કિનારે ઊભી રાખી દીધી. બંને ઝઘડવા લાગ્યાં. જોકે થોડીવારમાં ત્યાં એક રીક્ષા આવીને ઊભી રહી. કીમીયાગાર કેતલાએ તારામાસીની રીક્ષાનો નંબર યાદ રાખ્યો હોઈ એણે પોતાની રીક્ષા ત્યાં થોભાવી.


એણે એ રીક્ષા ડ્રાઇવરને એનું ભાડું આપી રવાના કરી દીધો. ત્યારબાદ એણે તારામાસીને સમજાવ્યા કે નાનકડી વાતને મન પર ના લેવાય. મુરતિયાની માતાને આંખે ઝાંખુ દેખાય છે. એમાં ગેરસમજ થઈ ગઈ હશે. બાકી છોકરો તમારી સામે ટીકી ટીકીને જ જોઈ રહ્યો હતો. મને તો એ તમારા નયનોના બાણથી ઘાયલ થયો હોય એમ લાગતુ હતુ. હજી વાત હાથમાંથી સરી નથી ગઈ. માટે આપણે પાછા જઈ આપણી મિટીંગ આગળ વધારીએ. એમણે અઢવઢ ભરી નજરે પ્રિતી સામે જોયું. એણે તાબડતોબ તારામાસીનો હાથ પકડી એમને માનસિક હિંમત આપી, "માસી તમારા જમાઈ કોઈ પણ જાતના સ્વાર્થ વગર તમારી આટલી ફિકર કરે છે તો તમારે પણ થોડું ઘણું જતું કરીને એક પ્રયાસ તો ચોક્કસ કરવો જોઈએ. અમે તમારી સાથે જ છીએ." આમ સમજાવી એમને માનભેર પોતાની રીક્ષામાં બેસાડી તેઓ પાછા ભાવલા ભૂસકાના ઘર તરફ ચાલી નીકળ્યાં.


આમ કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર એમને આંતરી, સમજાવી પટાવીને પાછાં લઈ આવ્યાં. સધકીના માસીની ઉમર પ્રમાણે એમની આંખો નબળી પડી ગઈ હોવાથી એમનાથી બફાટ થઈ ગયો, વગેરે એવા ઊંઠા ભણાવીને.


આમ તો તારામાસીને પણ એમના પોતાના વર્તન બદવ ખરેખર પસ્તાવો થઈ રહ્યો હતો. વળી એ ક્ષણિક આવેગમાં એમની પર્સ, મોબાઈલ ફોન અરે નવા સેન્ડલ પણ ત્યાં જ છોડી આવી ગયાં હતાં. એટલે કેતનકુમારનું માન રાખી પાછાં ફરવા રાજી થયાં. હકીકતમાં તો એમને પણ ઊંડે ઊંડે આશા હતી કે વાત જામે તો જામો પડી જાય.


આ તરફ પોતાના અવિચારી પ્રશ્નને લીધે કન્યા દુ:ખી થઈ ગઈ એ માટે પોતાની જાતને કોસતાં માતાને જોઈ અમિત ભાવુક થઈ ગયો. એ એના માટે ચિંતિત માતાને સમજાવવા બેઠો, "મમ્મી એ ખરેખર ખૂબ મોટી ઉંમરની જ હતી. તારી જેમ જ હું પણ એમ જ સમજ્યો હતો કે એ કન્યાની માં હશે."


ત્યાં જ સધકી સંધિવાતે એક ખોંખારો ખાધો. જોકે અમિતનું ધ્યાન એની માતા તરફ કેન્દ્રિત હતુ. એ આગળ વધ્યો, "એણે કોલેજીયન જીવન દરમ્યાનનો ફોટો મોકલી આપણને ભ્રમિત કરવાની નાકામ ચાલ ચાલી હતી. પણ છેતરપીંડી એટલે છેતરપીંડી. એ ડોસલી, કેવી મોઢું સંતાડીને ભાગી, ઊભી પૂંછડીએ નાઠી! સચ્ચે કા બોલબાલા, જૂઠે કા મૂંહ કાલા." એની તરફ ચકળ વકળ ડોળે જોઈ રહેલી સધકીએ રાડ પાડી, "અમિતભાઈ..."


એની પીઠ દરવાજા તરફ હોઈ એનુ કેતલા અને પિતલી સાથે પાછી ફરેલી તારા તરફ ધ્યાન નહોતુ. તારાએ અનુભવ્યું, 'સેંયા ઝૂઠો કા બડા સરતાજ નીકલા..."


હવે તારામાસી આ અપમાન પાર્ટ ૨ સહન કરી લેશે? શું આ મિટીંગ આગળ વધશે? અમિત તારાનો સંબંધ શક્ય છે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૧ તથા આગળના દરેક ભાગ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).