હું સાચો.. તું ખોટો..નું ઘમાસાણ જીવન ભર ચાલતું રહે છે..દરેકને પોતાની વાતને સાચી ઠેરવવી હોય છે અને આ સાચા ખોટા નું દ્વંદ આપણા મનમાં જીવનભર ચાલતું રહે છે, અને આ લડાઇમાં આપણે જીવવાનું જ ભૂલી જઈએ છીએ.. આપણે આપણી વાતને પુરવાર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દઇએ છીએ, તો વળી ક્યારેક છળકપટનો સહારો લેતા પણ ખચકાટ નથી અનુભવતા, જીવનના મૂલ્યોને નેવે મૂકીને જૂઠની મોટી ઇમારત ઉભી કરી દઈએ છીએ, યેનકેન પ્રકારે આપણે આપણી વાત..વિચાર કે પછી આપણી જોહુકમી બીજા ઉપર થોપવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ,હું હમેંશા સાચો જ છું એ કદાચ આપણા દષ્ટિકોણથી યોગ્ય હોઈ શકે, પરંતુ સામેવાળા માટે તમે સંપૂર્ણ ખોટા હોઈ શકો છો, સાચા ખોટાની વ્યાખ્યા કરતા કરતા The End ક્યારે આવી જશે તે ખબર પણ નહી પડે, આપણી જાતને સાચા સાબિત કરવાની મથામણનો અંત ક્યારેય આવતો નથી,..જીવન રમરમાત દોડતું રહે છે, તે આપણા માટે ક્યાંય રોકાતું નથી, આજે જે વ્યક્તિ તમને ખોટાનું બિરૂદ આપશે તે જ વ્યક્તિ આવતીકાલે તમને સાચાનું બિરૂદ આપશે, તો એવી વ્યક્તિઓના અભિપ્રાયનું મૂલ્ય કેટલું??કદાચ કોઈ માને છે કે તમે ખોટા છો..તો શું ફરક પડશે.. જેના વિશે જે કંઈ જાણતો નથી તેવા લોકોના અભિપ્રાય નું મૂલ્ય કેટલું ?? આમેય અધૂરો અભિપ્રાય અસત્યની વધુ નજીક હોય છે.
તમે જે વાત જાણો છો તેની સચ્ચાઈ ની મજબૂતાઇ કેટલી છે?? શું એ વાત સાચી છે?? ક્યાંક એ ભ્રમણા તો નથી ને?? ક્યાંક એ જૂઠ ના પિલર ઉપર રચાયેલી કોઈ અફવા તો નથીને?? ક્યાંક એ કોઈ કલ્પના માત્ર તો નથી ને?? ક્યાંક એ કોઈ ફક્ત ઈર્ષા ભાવ કે દ્વેષ ભાવથી ઉભી કરેલી તોતિંગ દિવાલ તો નથી ને?? કયાંક એ કોઈ અધૂરા અભિપ્રાય સાથે જોડાયેલી વાત તો નથીને?? જો આવું જ હોય તો તમારે સત્ય ના મૂળ સુધી પહોંચીને આવી દીવાલ .. આવા બેબુનિયાદ પિલર ને તોડવા રહ્યા...નહિતર કોઈના માટેની તમારી ખોટી ધારણાઓ માન્યતાઓ..મંતવ્યો અભિપ્રાયો .. ધડમૂળ થી ખોટા પડશે, ક્યારેક દૂર દૂર દેખાતું મૃગજળ પણ પાણી નથી હોતું.. તે તો તેની નજીક જવાથી જ ખબર પડે કે ત્યાં કોઈ પાણી નું અસ્તિત્વ જ નથી ..તાત્પર્ય એ છે કે જે દેખાય છે તેવું ના પણ હોય..ક્યારેક નજરે જોયેલું કોઈ દ્ર્શ્ય આપણને ભ્રમિત કરી શકે તેવું પણ બને, બધું જોયેલું અને બધું સાંભળેલું સાચું હોવાની કોઈ ખાતરી નથી હોતી.. સત્ય ના મૂળ ને સ્પર્શ કર્યા પછી જ સત્ય ની અનુભૂતિ થઈ શકે ..
કોઈ પણ અફવા અને જુઠાણું અધૂરા અભિપ્રાય સાથે જોડાયેલા હોય છે, અફવા કે જુઠાણું વાવાઝોડાની ઝડપે ફેલાય છે અને એટલી જ ઝડપથી શમી પણ જાય છે..કોઈ પણ જૂઠાણાંનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી કારણ કે તે પૂર્ણ સત્યથી જોજનો દૂર હોય છે.
ધૂંધળું કે ઝાંખું દેખાતું હોય તો બે ચાર વખત પાણીની છા લક આંખો ઉપર છાંટવી જોઈએ અને હજુ પણ ઝાંખું લાગતું હોય તો આખરે આંખના ડોકટરને બતાવી મૂળ કારણ જાણવું જોઈએ કે ખરેખર ઝાંખું શાના કારણે લાગે છે?? બાકી સાચું કારણ જાણ્યા વગર જુદા જુદા અખતરા કરીને ઉપચાર કર્યા કરીએ તો ક્યારેક આંખ ગુમાવવાનો વખત આવે તે નક્કી, એજ પ્રમાણે અધૂરા અભિપ્રાયને આધારે કોઈ ઠોસ નિર્ણય કરાય નહિ, કોઈએ કહેલી વાત કેટલી સાચી છે તેની મૂળ ખાત્રી કર્યા પછી જ જે તે નિર્ણય લઈ શકાય તે નિર્વિવાદ છે...
- રસિક પટેલ
લેખક ( matrubharati.com )
M 9825014063