ઋણાનુબંધ - 22 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - 22

અજય અને પ્રીતિના સગાઈનો અંતે એ દિવસ આવી જ ગયો હતો. અંગત લોકોની હાજરીમાં બંનેની સગાઈ ખૂબ સારી હોટેલમાં રાખવામાં આવી હતી. પ્રીતિ ખૂબ સરસ તૈયાર થઈને આવી હતી.

બધાં જ જરૂરી આભૂષણો અને થોડો લાઈટ મેકઅપ પ્રીતિની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યા હતા. અજયને પ્રીતિના હોઠ પાસે રહેલ તલ પણ ખૂબ આકર્ષિત કરી રહ્યું હતું. પ્રીતિને નખશિખ સુધી અજયે નીરખી લીધી હતી પણ પ્રીતિએ હજુ નજર અજય તરફ કરી જ નહોતી. પ્રીતિને બધાંની હાજરીમાં એમ અજય તરફ જોવું ખૂબ મુશ્કેલ લાગતું હતું.

પ્રીતિની અને અજયની બેઠકની ગોઠવણ બાજુબાજુમાં જ કરી હતી. સીમાબહેને અજયને વીંટી આપી પ્રીતિને પહેરાવવા માટે અને કુંદનબેને પણ એક વીંટી પ્રીતિને આપી અજયને પહેરાવવા માટે. બંનેએ વારાફરતી એકબીજાને વીંટી પહેરાવી હતી. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ભાવિનીએ સ્નો સ્પ્રે અને સૌમ્યાએ ફૂલો દ્વારા પ્રીતિ અને અજય પર વર્ષા કરી હતી. ફોટોગ્રાફર આ ક્ષણને કેમેરામાં કેદ કરી રહ્યો હતો. હોલમાં એકદમ ધીરા અને કર્ણપ્રિય લાગે તેવું મ્યુઝિક વાગી રહ્યું હતું. હોલની એક બાજુની દીવાલ ફક્ત કાચથી જ મઢેલી હતી.આથી એકદમ ઉંચાઈએથી બહારનું દેખાતું દ્રશ્ય પણ ખૂબ આકર્ષિત હતું. પ્રીતિનું અચાનક બહાર ધ્યાન ગયું હતું. આ તરફ બધા ખુશી મનાવી રહ્યા હતા. અને બહાર પડતા વરસાદના અમીછાંટણા પ્રીતિની નજરમાં આવી ગયા. પ્રીતિને તરત થયું કે, બાપુજીએ અહીં અમીછાંટણા દ્વારા હાજરી આપી અને ઉપર સ્વર્ગમાંથી આશીર્વાદ આપ્યા. કારણ કે, ક્યારેય ફેબ્રુઆરીમાં વરસાદ આવે એવું બન્યું જ નહોતું. પ્રીતિ દાદાની હાજરીને સમજીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

સીમાબહેને હવે સગાઈની મૂળ વિધિ કરવાની શરૂઆત કરી હતી. કંકુચોખાનુ તિલક કર્યું, સુંદર ચૂંદડી ઓઢાડી અને નાકની સોનાની ચૂક, ચાંદીના સાંકડા અને ગળામાં સોનાનો ચેન પહેરાવ્યો હતો. સોના-ચાંદીના ઘરેણાં ખૂબ સુંદર અને આકર્ષિત ડિઝાઈનના હતા. બધા જ શણગાર પ્રીતિને કરીને પ્રીતિના હાથમાં એક શ્રીફળ આપ્યું હતું. એમાં પણ કંકુચોખાથી તિલક કરી સીમાબહેને પ્રીતિનું મોઢું મીઠું કરાવ્યું હતું.

કુંદનબેને પણ અજયને કંકુચોખાથી તિલક કરીને એક સુંદર કપડાંની જોડી સાથે આશીર્વાદરૂપી કવર આપ્યું હતું. અજયના હાથમાં પણ એક શ્રીફળ આપી તેમાં કંકુચોખા કરીને અજયના દુઃખડા લીધા હતા.

પરિવારના અન્ય સભ્યો પણ એક પછી એક આવીને એમને બંનેને આશીર્વાદ આપી રહ્યા હતા. આખું વાતાવરણ ખૂબ જ આનંદિત થઈ ગયું હતું. આ બધી જ વિધિ પતી ગયા બાદ કેક કટિંગની ઉજવણીનું ખાસ આયોજન પરેશભાઈએ રાખ્યું હતું. હસમુખભાઈને અંદાજ હતો એના કરતા વધુ જ ઉત્સાહથી પરેશભાઈએ આખું આયોજન ગોઠવ્યું હતું. બધાં જ પ્રીતિ અને અજયની જોડીના વખાણ કરી રહ્યા હતા.

મનથી મનનું આ સગપણ છે.
જન્મોજન્મનું આ બંધન છે,
મનને પ્રિય બન્યું આ ઋણાનુબંધ..
દોસ્ત! એક થવા તત્પર બનતું લાગણીનું સમર્પણ છે.

પ્રીતિ અજયને કેક ખવડાવવા માટે એક પીસ એના મોઢામાં આપવા અજય તરફ નજર કરે છે. પ્રીતિના હાથમાં કેકનો કટકો એમ જ પકડેલો રહે છે અને પ્રીતિ અજયના ચહેરામાં ખોવાઈ જાય છે. ક્ષણિક એમ જ એ અજયને જોઈ રહે છે. અજયને પ્રીતિનું એકધારું અપલક નજરે જોવું અજયને ખૂબ રોમાંચિત કરી જાય છે પણ આસપાસના માહોલની હાજરી અજયને ધ્યાનમાં જ હતી. એ હાજરીનું ભાન અપાવવા પ્રીતિ સામે એક નટખટ હાસ્ય કર્યું. પ્રીતિ પણ એ હાસ્યને સમજીને કેક અજયના મોઢામાં ખવડાવતા પોતાની નજર નીચે કરી ગઈ હતી.

પરેશભાઈએ ખૂબ સરસ લંચનું આયોજન પણ ગોઠવ્યું હતું. બધા મહેમાને અને પરિવારના સદસ્યોએ લંચ કરી લીધા બાદ બધા છૂટાં પડ્યા હતા.

અજય અને પ્રીતિ બંને એકબીજાને જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી જોઈ રહ્યા હતા.

સૌમ્યા તો પ્રીતિને ચીડવતાં બોલી, "એ..બસ કર! ક્યાંક આંખ અજયની જોડે જતી રહેશે!'

પ્રીતિ આજે ફક્ત શરમાતા હળવું હસી. કંઈ જ બોલી નહીં.

ભાવિની પણ ભાઈને ચીડવવાનો મોકો મળતા ઝડપી લેતા બોલી, 'તું કહે તો ભાભીને ભેગી લઈ લઉં?'

અજય પણ મજા લેતા બોલ્યો, 'હા ભેગી લઈ લે મારી ક્યા ના છે?..'

ભાવિનીએ એક મસ્તીભર્યું હાસ્ય કરીને વાતને ત્યાં જ પડતી મૂકી હતી.

અજયને એનો પરિવાર પોતાના ઘરે પરત પહોંચી રહ્યા હતા ત્યારે બધાના મોઢે એક જ વાત હતી કે, પરેશભાઈએ કેટલું સરસ આયોજન રાખ્યું હતું.

આપણા કુટુંબમાં કોઈની સગાઈ આટલી ધૂમધામથી નથી થઈ અને વળી એક એક વ્યક્તિ બધાને નાના હોય કે મોટા એટલું જ મહત્વ આપતી હતી. ખૂબ સંસ્કારી પરિવારની દીકરી આપણા અજયને મળી છે. અજય કેટલો નસીબદાર છે!

બધાં વખાણ કરતા થાકતા નહોતા. સીમાબહેન આ વખાણથી ખુશ હોવાનો દેખાવ કરતા હતા. પણ ખરેખર ખૂબ ઈર્ષા એમના મનમાં ઉદ્દભવતી હતી. સીમાબહેન પોતાનાથી વધુ કોઈનું સારું જોઈ શકતા નહોતા આથી ઈર્ષા થતી હતી. હસમુખભાઈ મનોમન ખુશ થઈ રહ્યા હતા કે, મારા દીકરાની જીવનસંગિની સારી મળી.

હસમુખભાઈએ ઘરે પહોંચીને તરત પરેશભાઈને ફોન કર્યો હતો.

'હેલો હસમુખભાઈ! પહોંચી ગયા?'

'હેલો પરેશભાઈ! અમે શાંતિથી ઘરે પહોંચી ગયા છીએ. અને હા! તમને યાદ છે ને કે, આવતાં અઠવાડિયે તમારે બધાંએ નવા બંગલે જે અમે હવન પૂજા રાખી છે એમાં હાજરી આપવાની છે અને પ્રીતિના કંકુ પગલાંની વિધિ પણ કરવાની છે. તો તમે અહીં આવવાની તૈયારી રાખજો.'

'હા, હા.. યાદ જ છે. આટલી મોટી પૂજા કરો છો તો એમાં અમે પણ લાભ લેવા અચૂક આવશું.'

'સારું તો મળીયે ત્યારે. જય શ્રી કૃષ્ણ.'

'હા. જય શ્રી કૃષ્ણ.'

પરેશભાઈએ ઘરે બધાંને જાણ કરી કે, હસમુખભાઈ ઘરે પહોંચી ગયા છે.

પ્રીતિને કહ્યું, 'બેટા! આવતા અઠવાડિયે આપણે ત્યાં જવાનું છે એ ફરીથી યાદ કરાવ્યું છે. સાથોસાથ તારી કંકુપગલાંની વિધિ પણ કરવાની છે.'

'હા, પપ્પા એ વાત મમ્મીએ કરી હતી.'

'સારું દીકરા, પણ તારી એક્ઝામની તૈયારી પણ કરે છે ને?

'હા, પપ્પા એ પણ કરું જ છું.'

'ઓકે. ચાલ હું હવે ઊંઘવા માટે જાઉં છું. આજ તો થાક પણ ખૂબ લાગ્યો છે. ગુડ નાઈટ દીકરા. જય શ્રી કૃષ્ણ.'

'ખાલી જય શ્રી કૃષ્ણ જ પપ્પા!? કેમ કે, હજુ જીજુનો ફોન આવશે ને! પ્રીતિ ક્યાં હમણાં ઊંઘી જવાની?' ટાપશી પુરાવતા મસ્તી કરતા સૌમ્યા બોલી ઉઠી.

પરેશભાઈ હસતા હસતા બોલ્યા, 'ઓકે ખાલી જય શ્રી કૃષ્ણ જ હો.'

'પપ્પા તમે પણ...' ખોટો ગુસ્સો છલકાવતાં પ્રીતિ બોલી.

'હા, એ પણ.' કહી સૌમ્યા પોતે ઠેકડા મારવા લાગી હતી.

કુંદનબેન બધાના અવાજ સાંભળીને બહાર આવતા બોલ્યા, 'શું એટલું બધું હસો છો?'

'આ સૌમ્યા જોને જ્યારેને ત્યારે મારી મસ્તી જ કર્યા કરે છે.'

'એંય સૌમ્યા પ્રીતિને પજવે છે કેમ? મારી દીકરી સાચે જ બહુ જ ડાહી છે.'

'અરે! મમ્મી! તે સાંભળ્યું છે ને? હસે એનું ઘર વસે.' બસ, આ માટે જ હું એને હસાવું છું.' સૌમ્યાની આ વાત સાંભળીને બધા હસી પડ્યા હતા.

પરેશભાઈ, કુંદનબેન અને પ્રીતિ એક દિવસ અગાઉ જ ભાવનગર પહોંચી ગયા હતા. પ્રીતિની કાગડોળે રાહ જોતો અજય બહાર ગાર્ડનમાં જ બેઠો હતો. દૂરથી ગાડીને આવતી જોઈને અજયને અંદાજ આવી જ ગયો કે, આ પ્રીતિની જ ગાડી હશે. એ ગાડીને નજીક આવતો જોઈ રહ્યો હતો. ગાડીના કાચમાંથી પણ પાછલી સીટે બેઠેલી પ્રીતિના હોઠ પરનું તલ એ જોઈ શકે એમ પ્રીતિને નીરખી રહ્યો હતો.

શું હશે પ્રીતિના કંકુપગલા વખતે અજયની તૈયારી?
શું હશે પરેશભાઈના એક દિવસના રોકાણ દરમિયાનનું ગજ્જર પરિવારના ઘરનું વાતાવરણ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻