મીરાંબાઈ
એ મહાકરુણા ઘટના હતી. મહારાણા રતનસિંહ હરિની લાડલી મીરાંને હેરાન કરવા કોઈ નવી ચાલ રમે તે પહેલાં એક બનાવ બની ગયો.
બૂંદીના રાવ સૂર્યમલ્લ સાથે અહડિયાના જંગલમાં શિકાર ખેલવા ગયેલા મહારાણા યજમાન સાથે યુદ્ધ ખેલવું પડયું. આ યુધ્ધમાં બુંદીના રાવ સૂર્યમલ્લ અને મહારાણા રતનસિંહ પરસ્પર ઘાવ કરીને મોતને ભેટયા. યજમાન અને મહેમાન બને ગયા. એ સાલ હતી ઈ.સ ૧૫૩૧ ની.
હાડારાણી જવાહરબાઈ નો પુત્ર વિક્રમાજીત ગાદી એ બેઠો બુંદી અને ચિત્તોડએ રાજવીઓ ગુમાવીને ભારે આંચકો અનુભવ્યો. રાજમાતા ધનબાઈ જોધપુરના હતા. જોધપુર અને મેડતાના રાજવીઓના સંબંધો સારા ન હતા. આ સ્વાર્થી જગતમાં માનવીની પ્રગતિમાં હંમેશાં પિત્રાઈઓ જ બાધક હોય છે. દુશ્મન સામેનું યુદ્ધ સહેલાઈ થી જીતી શકાય પરંતુ મિત્રના વેશમાં છૂપાયેલા દુશ્મન સાથેનું યુદ્ધ અતિ કપરું હોય છે.
ધનબાઈની રાજનીતિથી કંટાળીને કર્માવતીએ ચિત્તોડગઢ છોડીને રણથંભોરમાં નિવાસ કર્યો હતો.
રાજમાતા ધનબાઈ અને તેમના પુત્ર મહારાણા રતનસિંહના ત્રાસનો ભોગ કર્માવતીદેવી અને મીરાંબાઈ બન્યા હતા. બને રાજસત્તાથી ત્રાસેલા સમદુખિયા હતા.
જવાહરબાઈ અને કર્માવતી બને બહેનો હતી.
“ હવે દીદીને બોલાવીને સમ્માનસહ રાખવા જોઈએ. હાડારાજમાતા જવાહરબાઈ એ પુત્ર વિક્રમાજીતને અનુરોધ કર્યો. આમ રાજમાતા કર્માવતી અને ઉદયના સુખનો સૂરજ ઉગ્યો. ઉદયને યુવરાજ જાહેર કર્યો. રાજ્યાભિષેક પછી રાઠોડો નારાજ થયા.
ન્યાય માટે ઝઝૂમત મેવાડી રાજવંશે અન્યાય કર્યો હતો. સ્વર્ગીય મહારાણાના એક માત્ર પુત્ર યુવરાજ કુમારનું પ્રેમ અને કાનુંનના પંજામાં સમર્પણ થઈ ચૂકુયુ હતું. તેની પત્ની શ્યામા રાજપૂતાણી ન હતી. તેથી મેવાડના રાજવંશમાં તેને સ્થાન ન હતું. શ્યામા પોતાના પિતાની ઝુંપડીમાં યુવરાજની એકમાત્ર નિશાની વિજયને મોટો કરી રહી હતી.
રાજમહેલવાસીઓને પોતાના અભિજાત્યપણાનો ગર્વ હતો. તો શ્યામા ને પોતાના પ્રેમનો. તે કહેતી મારો પ્રેમ રાંક ન હતો. મે એક મહાવીરને પ્રેમ કર્યો હતો. મારે કશાયે માટે, કોઇની યે પાસે શા માટે સહાય માંગવી ? અધિકાર કાંઈ પ્રેમનું ફળ નથી, અધિકાર માટે જ કરાતો પ્રેમ વણિકવૃતિ છે. “ અને એ ભીલરાજની ઝુંપડીમાં ઉપેક્ષિતાનું જીવન વિતાવી રહી હતી. પિતૃગૃહના દ્વાર,મંદિરના દ્વારની માફક પુત્રી માટે સદાયે ખુલ્લા રહે છે. આવા અન્યાયો મેવાડી રાજવંશ ની ધવલકીર્તિ ના ડાઘ હતા.
સ્વર્ગીય મહારાણા સંગ્રામસિંહે પોતાના મોટાભાઇ પૃથ્વીરાજની ઉપેક્ષિતા શીતલાદેવી ને ચિત્તોડગઢમાં રક્ષણ આપ્યું હતું. એના યુવાન પુત્ર વનવીરને સરદારની પદવી આપી હતી. રહેવા નિવાસ સ્થાન આપ્યું હતું. અને શીતલા દેવી માનભેર નિર્વાહ કરી શકે માટે માસિકવૃતિ બાંધી આપી હતી.
વિક્રમાજીત કુમારના આચનક અવસાનથી જેમ યુવરાજ બન્યા તેમ મહારાણાના અચાનક અવસાનથી મહારાણા પણ બન્યા. એમને માટે આ બંને પદો સુખદ અકસ્માત હતા. મીઠી મૂંઝવણ હતી. એનો ઉછેર સ્વછંદી કુમાર તરીકે થયો હતો. વનવીર એનો ખાસ મિત્ર હતો. હમરાજ હતો. શૌર્યની ખડતલ ભૂમિ પરથી, વિલાસની લપસણી ભૂમિ પર લઈ જનારો રાહબર હતો.
“ વનવીર,મેવાડપતિ તરીકે હું નિષ્ફ્ળ તો નહિ જાઉને ? મારા મહાન પૂર્વજોની મહાન પરંપરાને અનુરૂપ હું રાજ્ય કરી શકીશ?
“ મહારાણા ,ઈન્સાન ધારે તો આસમાનની બુલંદી ને સ્પર્શી શકે છે. ભગવાન એકલીગજી ની કૃપાએ આપ સમર્થ મહારાણા બનશો. આપના ઉત્કર્ષ માટે મારા પ્રાણ સદાયે હાજર રહેશે.”
“વનવીર, તારી દોસ્તી નો મને ગર્વ છે. તું જેટલો બહાદુર છે. એટલો જ વફાદાર છે. તું જે દિવસ આ વિક્રમથી મોઢું ફેરવી લઈશ તે દિવસ વિક્રમ માટે દુર્ભાગી હશે.”
“મહારાણા , એ દિવસ કદી નહિ આવે હૈયે ધરપત રાખો.”
“ વનવીર . મારા અંગરક્ષક તરીકે કોઈ બહાદુર, હોશિયાર. ચપળ અને કુળવાન યુવક તારા ધ્યાન માં છે?”
“ મહારાણા, આપ કહો છો એવા તમામ લક્ષણો જ્યપાલમાં છે,” અને જયપાલ મહારાણા નો વિશ્વાસુ અંગરક્ષક બની ગયો.
હવે વનવીરે પોતાના ખાસ માણસો ને મહારાણા ની આસપાસ ગોઠવી દીધા. સૂક્ષ્મ રીતે જોઈએ તો મહારાણા વિક્રમાજીત વનવીરનો નજર કેદી હતા. ચાલાક વનવીર મહારાણા વિક્રમાજીતની ઓથે અમર્યાદ રાજસત્તા ભોગવવા માગતો હતો.
“ મહારાણા, આપના રાજ્યાભિષેકથી તો બુંદી અને મેવાડની પ્રજાએ નિરાતનો શ્વાસ લીધો.” વનવીરે કહ્યું. “ કેવી રીતે ?”વિક્રમાજીતને સુખદ આશ્ચર્ય થયું.
“ કેટલાક સમયથી રાઠોડવંશીય રાજમાતા ધનબાઈના પુત્ર સ્વર્ગીય મહારાણા રતનસિંહ ની ઓથ લઈને રાઠોડો બૂંદીપર ચઢાઈ કરે એવી વાતો વહેતી હતી. લોકવાયકા હતી કે. નિકટ ભવિષ્યમાં રાઠોડો અને હાડાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થશે. અને એ યુદ્ધ બુંદીના પાદરે ખેલાશે પરંતુ અહડિયાના કરૂણ બનાવ પછી એ શક્યતાઓ નાબૂદ. તમે મેવાડપતિ બન્યા એથી પ્રજાને રાજી થવાનું આ પણ એક સબળ કારણ છે. ”
રાજમાતા ધનબાઈ માટે તો મીરાંબાઈ પણ ઉપેક્ષણીય હતા. મીરાંને મોટા કાકા વીરમદેવ ,રાયમલજી ,અને રાયસલનો પ્રેમ સંપાદન થયો હતો. આ ત્રણે જોધપુરને માટે શત્રુ સમાન હતા. આથી મીરાંબાઈના ભોજરાજ સાથેના લગ્ન પણ તેમને પસંદ ન હતા. પરંતુ મહારાણા આગળ તેમને મૌન રહેવું પડ્યું હતું.
રતનસિંહના રાજ્ય અમલ વેળા મીરાંબાઈ ઉપેક્ષિતા બન્યા. પીડિત બન્યા શોષિત બન્યા. આ જગતમાં નારી ને ઉપેક્ષિત બનવું પડે છે.લક્ષ્મણની પત્ની ઊર્મિલા કે સિધ્ધાર્થની પત્ની યશોધરા ક્યાં ઉપેક્ષિત ન હતી.પુરૂષ પ્રધાન જગત માં નારી ની ઉપેક્ષા કરવામાં ક્યાંયે કોઈનું દિલ ડંખતું નથી. હવે વારો હતો રાજકીય ઉપેક્ષાનો ધનબાઈનો,રાજમાતા હોવા છતાંયે.
પ્રજા શાંતિનો શ્વાસ લઈ રહી હતી. રાજપૂતાનામાં નિરંતર કોઈને કોઈ બહાને યુધ્ધો થતાં જ રહેતા, એક યુદ્ધ કેટલું કષ્ટદાયી હોય છે. એની આ પ્રજાને જાણ હતી.
વિક્રમાજીત ઉંચો , પડછંદ અને ગૌરવર્ણો યુવાન હતો. પરંતુ એના મુખપર વીરતા ને બદલે વિલાસની છાયા વિશેષ વર્તાતી હતી. એની આખોમાં શસ્ત્રો કરતાં સ્ત્રીઓ ની છાયા વધારે ઘનિષ્ટ રીતે કોટરતી. રાજકુમાર તરીકે મેવાડની બહાર એ જતો ત્યારે એનો દોસ્ત વનવીર એને સદાયે નશામાં ચૂર રાખતો . મેવાડના રાજકુમાર પર વારી જઈ ને કેટલીયે સુંદરીઓ સાહજિક પણે સમર્પિત થઈ જતી. જ્યાં સુધી માંસ ખાનાર હોય ત્યાં સુધી બકરાંની ગરદન પર છરો ફરતો જ રહેને ?
રાજસત્તાની છાયામાં , શરાબ, સુંદરીની ખ્વાહીશ પૂર્ણ થતી હતી. પરંતુ એ બધું રાત્રિના અંધકારમાં,
વિક્રમાજીત અને વનવીરના ચરિત્ર્યમાં ઝાંખપ આવી ગઈ હતી. રાત્રિના અંધકારમાં ચિત્તોડગઢથી દૂર મેવાડપતિ વિલાસની છોળો માં ડૂબી જતાં.
“ વિક્રમાજીત, મહાન પૂર્વજોની મહાન ગાદી મળી તો ખરી પરંતુ એને ઝાંખપ ન લગાડતો.”માં જવાહરબાઈ એને ટકોરતા,
એક બાજુ વિલાસનો પંજો વિસ્તરતો જતો હતો ત્યારે ભક્તિનો જુવાળ પણ હેલીએ ચઢ્યો હતો.
મેવાડની પ્રજા મીરાંબાઈની ભક્તિનો પ્રકાશ અનુભવતી હતી થાકેલા તન અને મન મીરાં ની વાણી થી અદભુત આનંદ મળતો.
“ ભજન જીવનનો આનંદ છે. મનની તૃપ્તિ છે.”મીરાં કહેતી.
પ્રજા ધારતી હતી કે. હવે હાડાવંશીય રાજમાતાઓ જવાહરબાઈ અને કર્માવતી તરફથી મીરાંને કોઈપણ જાતની હેરાનગતિ ભોગવવી નહિ પડે. મહારાણા સંગ્રામસિંહના સમયની માફક હવે મીરાં નર્વિધ્ને ભક્તિ કરી શકશે.
દરરોજ પ્રાતઃકાળે અને સંધ્યાકાળે મીરના નિવાસસ્થાને, ભૂતિયામહેલમાં ભજનનો સૂર છેડાતો.
બસો મોરે નૈનન મેં નંદલાલ
મોહની મુરતિ, સાંવરી સૂરતિ , નૈણાં બને વિસાલ ,
અધર સુધારસ મુરલી રાજતિ , ઉર બૈજતી માલ.
છુદ્ર-ઘટિકા, કટિ-તટ શોભિત, નુપૂર શબ્દ રસાલ.
મીરાં પ્રભુ સંતન સુખદાઈ, ભક્ત બછલ ગોપાલ,
-૨ -
મીરાંબાઈ ભગવાન શ્રીકૃષ્ણનાં ભક્ત હતા. એમની ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિ હતી. તેઓના ભક્ત હ્ર્દયમાંથી જે કાવ્યો સ્ફુરણા, તે ભક્તિના અમૂલ્ય રત્નો બની ગયા.
વિચારોના પ્રવાહમાં મીરાંબાઈ પોતાના બાળપણ સુધી પહોંચી ગયા. પોતે પાંચ વર્ષની બાલિકા હતી. એમની નિવાસ સ્થાને એક સંત પધાર્યા હતા. એ સંત વહેલી સવારે, ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ આગળ બેસીને ગાતા.
નર હરિ ચંચલ હૈ મટી મેરી, કૈસે ભક્તિ કરું મૈં તેરી
તૂં મૌહીં દેખે, મૈ તોહિ દેખું , પ્રીતિ પરસ્પર હોઈ.
તૂ મોહિ દેખે, તોહિ ન દેખું, યહ મતિ સબ બુધિ ખોઈ
સબ ઘટ અંતર રમસિ નિરંતર ,મૈ દેખન નહિ જાના
ગુન સબ તોર, મૌર સબ ઔગુન , કૃત ઉપકાર ન માના
મૈ તે તોરિ મોરિ અસમજી , સૌ કૈસે કરી નિસ્તારા ?
કહૈ રૈદાસ કૃષ્ણ કરુંણામય જૈ જૈ જગત અધારા.
આજ સંત રૈદાસ દાદાજીને ત્યાં મેડતામાં મને પેલી કૃષ્ણની મૂર્તિ આપી ગયા. મારી ભક્તિના ભારોભાર વખાણ કર્યા. અને આમ તેઓ મારા ગુરુ બન્યા.
ચિત્તોડગઢના વયોવૃદ્ધ રાજમાતા ઝાલાવંશીય રતનકુંવરબા ભગવાન સામે બેસીને સુંદર અવાજે ગાતા.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જુજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેહ તું , તત્વમાં તત્વ તૂ
શૂન્યમાં શબ્દ થઈ, વેદ ભાસે; ૧
પવન તું , પાણી તું , ભૂધરા
વૃક્ષ થઈ ફલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી , અનેક રસ લેવાને
શિવ થકી જીવ થયો, એજ આશે , ૨
વેદ તો એમ વદે , શ્રુતિ સ્મૃતિ શાખ રે
કનક કુંડળ વિષે ભેદ ન હોય
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોય. ૩
વૃક્ષ માં બીજ તું , બીજમાં વૃક્ષ તું
જોઉં પરંતરો એજ પાસે,
ભણે નરસૈયોં , એ મન તણી ખેવના
પ્રીત કરું પ્રેમથી, પ્રજ્ઞા થાશે.
આ ભજન મને ખૂબ ગમી ગયું.
મેં સવાલ કર્યો “ આવા સુંદર ભજનના રચયિતા કોણ હશે?”
“ મીરાં આ ભજન અમારા સૌરાષ્ટ્રના મહાન સંત નરસિહ મહેતા એ રચ્યું છે. આ નરસિંહ નાગરે ભગવાન ને મેળવવા આકરી કસોટીઓ પાર કરી હતી. શ્રધ્ધા થી ભગવાનને ભરોસે. ભજન કરતા નરસિંહ મહેતાની હૂંડી ભગવાન વાણિયાનું રૂપ ધારણ કરી ચુકવી દીધેલી. દીકરી કુવર બાઈ નું મામેરું કરવા ભગવાન આવેલા. તેમના પિતાનું શ્રાધ્ધ કરવા ભગવાન આવેલા. મલ્હાર રાગ ગાયો એટલે મેઘ વરસેલો. રાજાએ સંતને કેદ કર્યા તો ચમત્કાર જોવા પડયા.
પછી તો હું નિયમિત પણે તેમની પાસે બેસતી અને ભક્ત નરસિહ મહેતા ની વાતો સાંભળતી. મુસીબતોનો સામનો કરવાની મને પ્રેરણા મળતી.
હું જ્યારે જ્યારે કૃષ્ણ ની મૂર્તિ સામે નિહાળુ છું ત્યારે મને મારા ગુરુ રૈદાસની અસીમ કૃપા ની યાદ આવે છે. આ ભૂતિયા મહેલમાં અકળામણ થાય છે. ભગવાન ભરોસે નાવ હંકારું છું. ભોજનથી દેહની તૃપ્તિ થાય છે. જ્યારે ભજનથી આત્માની તૃપ્તિ થાય છે. યુવરાજ હંમેશા મારી પાસે આ ભજન સાંભળતા.
મૈને રામરતન ધન પાયો ,
વસ્તુ અમોલક દી મેરે સતગુરુ , કરી કિરપા અપનાયો
જનમ જનમ કી પૂંજી પાઈ,
ખર્ચે નહીં , કોઈ ચોર ન લેવૈ, દિન દિન બઢત સવાયો.
સતકી નાવે ખેલ દિયા સતગુરુ, ભવસાગર તજિ આયો.
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, હરખિ હરખિ જશ ગાયો.
આછું આછું અંધારું હોય, મંદ મંદ પવન વાતો હોય , સ્નાન કરીને ગિરધારીની મૂર્તિ સામે હું આસન જમાવી ને બેઠી હોઉ ત્યારે મારા મુખમાંથી, હૈયાના સમગ્ર ઉમંગ થી આ ભજન ગવાઈ જાય.
મૈ ગિરધર રંગરાતી , સૈયાં , મૈ ગિરધર રંગરાતી.
પંચરંગ ચોલા પહિર સખી મૈ ઝીરમિટ ખેલન જાતિ .
ઓહિ ગિરમિટ માં મિલ્યો સાંવરો, ખોલ મિલી તન ગાતી.
જિનકા પિયા પરદેશ બસત હૈ, લિખ લિખ ભેજે પાતી.
મેરા પિયા મેરે હિય બસ્ત હૈ, ન કહું આતી જાતી,
ચંદા જાયેગા, સૂરજ જાયેગા, જાયેગી ધરણ અકાશી,
પવન પાણી દોનોં હી જાયેંગે, અટલ રહે અવિનાશી,
સૂરત નિરત કા દિયલા સજોલે, મનસા કી કર લે બાતી,
પ્રેમ હરિકા તેલ મંગા લે જગ રહ્યાં તે દિન રાતી.
સતગુરુ મિલ્યા સન્સા ભાગ્યા , રેન બહાયો સાંચે
ના ઘર તેરા ના ઘર મેરા , ગાવૈ મીરાં દાસી.
ભજન ગાવાનો આનંદ અદભુત છે. એવું લાગે છે. જીવન સાફલ્યનું આજ ટાણું છે. ખટોલી ના યુધ્ધમાં આહત થઈને આવેલા યુવરાજે મને કહ્યું “ મીરાં તારી ભક્તિ મારા આત્માને શાંતિ આપશે. આપણો સંસાર સંબંધ તો નથી પરંતુ તારી સેવાનો તો હું અધિકારી ખરો ને ? તારા ભાવભક્તિ ભર્યા ભજનો સાંભળીને બાકીની જિદગી ગુજારવા અંહી તારા ભક્તિસદનમાં આવ્યો છું. “
મને થયું. ભાગ્યની કેવી વિડંબણા ! મેવાડપતિ બનવા સર્જાયેલા યુવરાજ ઘાયલ થયા પછી કેવી રાંક વાણી ઉચ્ચારે છે? “ યુવરાજ આપની સેવા કરવાનો તો આ દાસીનો ધર્મ છે. ફક્ત હું તમારી સાથે સંસારના બંધનોથી મુક્ત છું.”
ત્યાર પછીના બે વર્ષો યુવરાજ પ્રસન્ન ચિત્તે મારા મહેલમાં રહ્યાં. મને યાદ આવે છે કે ઘોર નિરાશામાં , દર્દ થી કણસતા યુવરાજને મે આ ભજન સંભળાવ્યું ત્યારે પુષ્કળ આનંદ થયો હતો.
મન રે પરસિ હરિ કે ચર ચરણ
સુભગ, શીતલ, કેવલ , કોમલ , ત્રિવિધ જ્વાલા હરણ
જિણ્ ચરણ પ્રહલાદ પરસે, ઇન્દ્ર પદવી ધરણ.
જિણ ચરણ ધ્રુવ અટલ કીનો, રાખી અપની સરણ.
જિણ બ્રહ્માંડ ભેટ્યો, નખશિખ સિરી ધરણ.
જિણ ચરણ કાલી નાગ નાથ્યો, ગોપ લીલા કરણ.
જિણ ચરણ ગોવરધન ધારયો, ઇન્દ્ર કો ગર્વ હરણ
દાસી મીરાં, લાલગિરધર, અગમ તારણ તરણ.
રાણીવાસની ખટપટો ની વાતો સાંભળી યુવરાજ ખૂબ જ દુખી થયા. બોલ્યા હતા. “પિતાજીએ મેવાડ ને મહાન બનાવવા જેટલા પ્રયાસો કર્યા રાણીવાસમાં એટલા જ પ્રયત્નો ભાગલા પડાવવા થઈ રહ્યાં છે,
શું થશે મેવાડનું ?”
“ યુવરાજ , મેવાડ મહાન છે અને મહાન જ રહેશે. ભગવાન એકલીગજી ની છાયા હોય પછી શી ફિકર:” “મીરાં,તારો ભગવાન તો શ્રીકૃષ્ણ છે. એકલિગજી પર શ્રધ્ધા છે?”
“ કૃષ્ણ અને મહાદેવ બને માટે સરખો આદર છે. પરંતુ આરાધના, ઉપાસના તો એક જ દેવ ની હોય. સમય આવી ગયો છે. રાજ ખટપટ માંથી મન હટાવી ને ઈશ્વર સ્મરણ કરવાનો.”
રામ નામ રસ પીજે મનુવાં ! રામનામ રસ પીજે
તજ કુસંગ સતસંગ બેઠ નિત ! હરિ ચરચા સુણ લીજે
કામ, ક્રોધ, મદ, લોભ મોહક, ચિત્ત સે બાદ દિજે.
મીરાં કે પ્રભુ ગિરધર નાગરે, તાહી કે રંગ મી ભીજે ,
સાચે જ મેવાડની રાજનીતિના વિષયમાં વિચારવાનું જ ભોજરાજે છોડી દીધું. માનસિક શાંતિ ધારણ કરી લીધી. એક દિવસ યુવરાજ ઊઘતા હતા. મેં રચેલું પદ ગાવા માંડયું.
નહિ એસો જન્મ બારમ્બાર ,કા જપૂ ,
કુછ પુણ્ય પહારે , માનુસા અવતાર
બઢત છીનછીન ઘટત પલ પલ , જાત ન લાગૈ ડાર,
ભૌસાગર અતિ જોર કહીયે,વિષમ ઐસી બાર,
રામનામ કા બોધ બેડી,બેગિ ઉતરે પાર.
જ્ઞાન ચૌસર-મંડી ચોહરે, સુરત પાસા સાર.
યા દુનિયામેં રચી બાજી , જીત જાવૈ હાર.
સાધુ , સંત ,મહંત જ્ઞાની, ચલત કરત પુકાર .
દાસી મીરાં લાલ ગિરધર , જીવણા દિન ચાર.
તંબુરાના તાર છૂટી ગયા. ધ્યાન મગ્ન આખો ખૂલી ગઈ. પલંગ પર નજર ગઈ. દિવ્ય લાગે છે. આપણે સંસારીઓ કેટલા વામણા છીએ? આપણે કાળની ખીણ માં ઓગળી જઈશું ત્યારે પણ મીરાં એની ભક્તિ વડે અમર રહેશે. આજ સુધી હું માનતો હતો કે, મેવાડની કીર્તિ હિમાલય જેટલી ઊચી છે. પરંતુ મીરાની કીર્તિ તો એનાથી યે પર છે. મને સંતોષ એટલો જ છે કે , હું મીરાની ભક્તિમાં બાધક બન્યો નથી. મીરાની મહેક તો યુગ યુગાન્તર રહેવાની. “
સમયની સાથે યુવરાજ ની માંદગી એ ભયંકર રૂપ પકડયું. મહારાણાજી . રાજમાતાઓ, ભાઈઓ અને સંબંધીઓ દિવસે વીટળાઈને બેસી રહેતા.
સાંજનો સમય હતો. સૌ વિખરાયા. હું અને પ્રભા બેઠા હતા. થોડા દિવસ થી ભજન બંધ હતા. વાતાવરણમાં ભયંકર ઉદાસી છવાઈ ગઈ હતી. એક આત્મા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હોય ત્યારે ભજન? પરંતુ ક્ષીણ સ્વરે સ્વયં યુવરાજે કહ્યું,”મીરાં ઍક ભજન છેલ્લીવાર સાંભળી લઉ.”
મેં આર્ત સ્વરે તાજું જ વિચારેલું ગીત છેડયુ.
પ્યારે દરસન દીજયો આય , તું બિન રહ્યો ન જાય.
જલ બિન કમલ , ચંદ્ર બિન રજની , ઐસે તું દિખયા બિન સજની
આકુળ વ્યાકુલ ફિરૈ રૈન દિન , બિરહ કલેજા ખાય.
દિવસ ન ભૂખ નીંદ નહિ રૈના, મુખ સે કહત ન આવૈ ચૈના.
કહા કહું કેહી કહત ન આગે , મિલકર તપન બુઝાય.
કયું તરસાયો અંતર જામી , મિલો કિરપા કર સ્વામી.
મીરાં દાસી જનમ જનમ કી, ડાઢી તુમ્હારે પથ.
અને એ રાત યુવરાજ ની અંતિમ હતી. બીજે દિવસે સવારે , પ્રાતઃકાળે ભગવાન સૂર્યનારાયણનો રથ દેખાયો અને યુવરાજ અનંતલોકની યાત્રાએ ઉપડી ગયા.
-------------------------------૩---------------------------------
વિક્રમાજીત મેવાડપતિ બન્યા એનું ઘેન જો સૌથી વધારે કોઈ ને ચઢ્યું હોય તો એની સહોદરા ઉદયમતીને એ નાનપણ થી ગર્વિલી, અભિમાની અને કંઈક અંશે સ્વચ્છંદી હતી. એનામાં મેવાડની અસ્મિતાનું માં અભિમાનની હદે વિકસ્યું હતું. મેવાડના રાજવંશ આગળ બીજા રાજવંશો ને હીન ગણતી હતી. આને લીધે જ શ્વસુર ગૃહે એ સાસુની અણમાનીતિ થઈ પડી.
એનો વિવાહ રાજપૂતનાંના એક નાનકડા રજવાડામાં કર્યો હતો. ઉદયમતીએ સાસરે સિધાવીને , પોતાની સાસુ અને પ્રિયતમને નમ્ર જોઈને , જીભની ધાર વધારી દીધી. નાદાન પુત્રવધુના વારંવારં ના ધારદાર શબ્દો થી રાજમાતા છંછેડાયા. “દીકરા, તારી પત્ની વિવેક ને ઓળખતી નથી.”
પતિએ ઉદયમતિને ચેતવણી આપી, “ રાજમાતાનું સ્વમાન ઘવાશે તો તારું અંહી કોઈ સ્થાન નહિ રહે.” તે વખતે મેવાડમાં જવાહરબાઈનું રાજ્ય ન હતું. ભાઈ વિક્રમાજીત વનવીરની સોબતે રખડું થઈ ગયો હતો. માશી કર્માવતી રણથંભોર ચાલ્યા ગયા હતા, વિપરીત દહાડાઓમાં તેણે મૌન ધારણ કરી લીધું. પરંતુ પોતાનો સહોદર મેવાડપતિ બનતા એ અહંકારી બની ગઈ. પરિણામે એના પતિએ એને પિયેર રવાના કરી દીધી. છંછેડાયેલી રાજમાતા એ કુંવરનું બીજે લગ્ન કરી લીધું. રાજવંશી પુરુષો ને વળી લગ્ન નું બંધન કેવું?
“ ભાઈ, મારા અપમાનનો બદલો લો. આક્રમણ કરો. “ઉદયમતી અકળાઈને બોલી
“ના , બહેન, આક્રમણ કરવા માટે આ કારણ બાલિશ છે. મેવાડ અંદરથી ખોખરું થઈ ગયું છે. આ તારો અંગત પ્રશ્ન છે. તું મેવાડમાં રહી શકે છે. આ સિવાય વધુ તારે માટે કાંઈ નહીં.” રાજમાતા જવાહરબાઈ એ રોકડું પરખાવ્યું. ઉદયમતી સમસમી ઉઠી. તેણે મૌન ધારણ કર્યું.
ચિત્તોડગઢ સૌ કોઈ એની દુર્ગાવતી સાથે સરખામણી કરતું. દુર્ગાવતી એની બહેન અને મહારાણા સંગ્રામસિંહ ની પુત્રી હતી. એ વિરાંગના હતી. એ જ્યારથી પરણી ને રાયસીન નરેશ સાથે ગઈ ત્યારથી ચિત્તોડગઢ પાછી ફરી નથી. કોઈ કોઈ તો વ્યંગ માં કહેતું. ‘ઉદયમતી તો ખોટો સિક્કો છે. “
આથી એના હૈયામાં નફરત નો ઢગ ભેગો થવા માંડયો. એને ખબર હતી કે મીરાંએ ચિત્તોડગઢમાં ભક્તિ નો પ્રભાવ ફેલાવી રાખ્યો છે. મેવાડમાં મીરાં ની કીર્તિ ચારેકોર વ્યાપેલી છે અરે એ સોમનાથ ની યાત્રા એ ગઈ હતી ત્યારે સૌરાષ્ટ્રના એક મંદિર માં ભજન ગવાતું. હતું. તે સાંભળવા ઊભી રહી.
વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે.
તેનો શબ્દ ગગન માં ગાજે છે. વૃંદાવન મોરલી વાગે છે.
વૃંદા તે વન માં રાસ રચ્યો છે, વા'લો રસમંડળમાં વિરાજે છે.
પીળા પીતાંબર, જરકસી જમો, વા'લાને પીલોટે પમકો રાજે છે.
કાને તે કુંડળ મસ્તકે મુગટ,
હાં રે વાલા મુખ પર મોરલી વિરાજે છે.- વૃંદા
વૃંદા તે વનની, કુંજ ગલીમાં વા’લો થનક થૈ થૈ નાચે છે.
અત્યાર સુધી ગીતના માધુર્ય માં ભાવમાં અને તાનમાં ઉદયમતી ડોલતી હતી ત્યાં તો ભજનિકે પંક્તિ ઉચ્ચારી.
બાઈ મીરાં કે પ્રભુ , ગિરિધર નાગર,
વા’લા દર્શન થી દુખડા ભાગે છે.
અને ઈર્ષા નો અગ્નિ સળવળ્યો. ગુસ્સે થઈ બોલી અહી પણ મીરાં ટપકી પડી. હસતાં હસતાં એના પતિ એ કહ્યું ,”ઉદયમતી તું છે જ અવળા દિમાગની મીરાં ની કીર્તિ જોઈ તારે પોરસાવું જોઈએ.
મીરાંબાઈ માટે તને શું આદર નથી ? યાદ રાખ, મીરાં તારી ભાભી છે માટે તેમનું મૂલ્ય ઓછું ન આંકતી. નહિ તો પછતાઈશ.”
“મારવો તો મીર એ ન્યાયે ઉદયમતી એ મીરાંના ગર્વ નું ખંડન કરવાનું નક્કી કર્યું. એણે સૌ પ્રથમ વિક્રમાજીત નો વિશ્વાસ સંપાદન કર્યો.
મેવાડ શત્રુઓથી ઘેરાયેલું છે. દિલ્લીમાં અફઘાન સલ્તનત ખતમ થઈ ગઈ. મોગલો સ્થિર થયા નથી , હુમાયું નબળો બાદશાહ છે. રાજપૂતાનામાં રાઠોડો આપની વિરુધ્ધ છે. મેડતાના રાવ વીરમદેવ આપણાં થી નારાજ છે. મોટાભાઈએ અંબર ને છંછેડયું છે. ગુજરાતનો બાદશાહ બહાદુરશાહ તો મેવાડ પર આક્રમણ કરવા ટાંપી ને બેઠો છે. માળવાનો મલ્લુખાં જેટલો ગુજરાતનાં બાદશાહ બાદશાહની નજીક છે. તેટલો આપણી નજીક નથી. આ એજ બહાદુર શાહ છે જેને શ્રીપતરાયે મદદ કરી ને દક્ષિણ નો વિજેતા બનાવ્યો હતો. સાંભળ્યું છે કે એની નેમ રાયસીનના કિલ્લા ને સર કરવાની છે. ત્યાં બહેન દુર્ગાવતી ગમે ત્યારે ભયમાં આવી પડે એમ છે.
“ મોટાભાઇ, સૌથી મોટો શત્રુ તો ચિત્તોડગઢમાં જ છે ? હવે વિક્રમાજીત ચમક્યો. બહેન જલદી કહે એ મને “ હવે ઉદયમતી એ સોગઠી મારી, “ મીરાં આપણી સૌથી મોટી શત્રુ છે. એ રાજનીતિમાં સક્રિય દેખાતી નથી પરંતુ એ જ સૌથી વધારે જાગૃત છે. સક્રિય છે. એના હૈયે રાઠોડો અને મેડતાનું હિત સદાયે રહે છે. બીજા શબ્દોમાં એ આપણી છાવણી માં દુશ્મન રાઠોડોની જાસૂસ છે. આ સાંભળી વિક્રમાજીત ખળખળાટ હસી પડ્યો. “મીરાં કવિ છે. તો તું સુંદર વાર્તાઓ બનાવનાર લેખિકા છે. વાર્તા તો સુંદર ગોઠવતા આવડે છે.
“ ભાઈ હું મજાકમાં નથી કહેતી. વાત ખરેખર ગંભીર છે. જુઓ મહારાણા રતનસિંહે વિષધર સાંપો મોકલ્યા. મીરાએ એ રમાડ્યા. એને તમે ચમત્કાર ગણો છે. અરે એ તો મદારણ છે. શું મદારણ સાંપો ને રમાડતી નથી.”
મહારાણા વિક્રમજીતના દિમાગમાં નવો પ્રકાશ લાદયો. “હવે એ જાદુગરણી મીરાં થી આપણે છે છેતરાઈ એ નહિ.” તમે જ વિચારો મીરાં ચિતોડ આવ્યા પછી અફતોની પરંપરા શરૂ થઈ નથી ? સાંગાજી મોટું યુદ્ધ હાર્યા. પ્રાણ ગુમાવ્યા, ભોજરાજ ગયા. ભાઈ રતનસિંહ ની હત્યા થઈ. આ મીરાં એવા જ બદનસીબ પગલાંની છે, એનો જાદુ એવો તો આબાદ છેકે, જેના પ્રભાવમાં સ્વર્ગીય મહારાણા સંગ્રામસિંહ અને ભાઈ ભોજરાજ પણ આવી ગયા હતા.”
અને આમ કુશળ કારીગરે લોખંડ જ્યારે ગરમ હતું ત્યારે જ ઘાટ આપી દીધો.
------------------------૪--------------------------
હિમાંશું જ હજુ સ્વગૃહે પ્રસ્થાન કરી ગયો નથી. જવાની ઉતાવળ તો છે જ પરંતુ ફરજ તેને મુક્ત કરતી નથી રુ ની શૈયામાં પોઢેલા મહારાણા વિક્રમાજીત સપનામાં ઘેરાયા, ભૂતકાળની છબી આંખ આગળ તરવરવા લાગી.
મિત્ર વનવીરની સાથે, મેવાડની સીમા ઓળંગી અજમેરની રંગીન વારાંગના ઉર્વશી સમક્ષ બેઠેલા રાજકુમાર વિક્રમ, રૂપની રાશી જોઈને ઝૂમી ઉઠયા. દિલ ધડક્વા લાગ્યું. ઉર્વશી ના સુકોમળ, કમળની પાંદડી જેવા લાલઘૂમ ગાલ પર હળવી ટપલી મારીને આંખોથી આંખો મેળવીને મસ્તી ભર્યા સાદે બોલ્યો, ઉર્વશી તું મને ગમી , હું કવિ તો નથી પણ મારુ મન તને નિહાળીને પોકારી ઉઠે છે, તેરે હાથો કી ચૂડીયાં, મેરા મન મોહ લેગી, તેરે માથે કી બિંદિયાં, મેરે નયનોં મે છા જાયેગી. તેરે ગાલોં કી લાલી, મેરે હોંશ ઉડા દેગી. તેરે પાયલ કી ઝંકાર , હૈ મેરે દિલ ક વિકાર, તેરે હોઠો કી લાલી, હૈ મધુમય પ્યાલી. તું હૈ તો જિંદગી હૈ, તૂ હૈ તો જન્નત હૈ, તું હી મેરી બંદગી હૈ , તું મિલ જાયે તો, માનું, મંજિલ મિલ ગઈ, તું ચલી જાયે તો માનું કિસ્મત રૂઠ ગઈ. આસમાન કે ચાંદ કો કરું કયા? સામને હૈ વહી ચાંદ કો કરું તો પ્યાર કરું.”
આશિક શાહજાદાની બાંહોમાં ઉર્વશી સમાઈ ગઈ. અને આમ વિક્રમ અને ઉર્વશીનો પ્યાર પાંગરતો ગયો. “ વનવીર, તું માત્ર મારો ભાઈ નથી. પથ પ્રદર્શક અને રાહબર પણ છે. ઉર્વશી જેવી લલના માટે તો રાજપટ છોડી દઉં, અને આમેય મેવાડનું રાજ આપને માટે કયાં રેઢું પડ્યું છે?”ભાઈ વિક્રમ, જીવનની મઝા ન માણી તો આ યુવાની શા કામની? “ભાઈ , તું અને હું મેવાડના રાજવંશ માં નગણ્ય છે. પરંતુ આપણાં દિલ ની સલ્તનતના તો બાદશાહ છીએ. “
વનવીરે વિક્રમાજીત ને વિલાસ નો માર્ગ ચીંધ્યો. સુંદરીઓએ સથવારો આપ્યો. ભાગ્યનું ચક્ર ફર્યું અને વિક્રમાજીત મહારાણા બન્યા. જયપાલ તેમનો ખાસ અંગરક્ષક બન્યો. ઘોડો નાસી ગયા પછી તબેલાનું રક્ષણ શું કરવું.? રાજકુમાર તરીકે જે અમર્યાદ વિલાસ માણ્યો એથી વિક્રમાજીત સ્ત્રેણ ,સ્વછંદી,સ્વેછાચારી અને વ્યભિચારી બની ગયા હતા.
જ્યપાલ શૂરો સિપાહી હતો. પરંતુ એ વનવીર ના ઉપકાર તળે દબાયેલો હતો.એની વફાદારી મહારાણા કરતાં વનવીર તરફ વિશેષ હતી. એ વિક્રમાજીત ને અન્નદાતા કહેતા પણ માનતો હતો કે, મારો સાચો અન્નદાતા વનવીર છે.
જ્યપાલ, તારી ઉન્નતિ ની ચાવી મારા હાથમાં છે. હું તને ખૂબ જ મોટી પદવી પર બેસાડીશ. મારે તારી વફાદારી જોઈએ છે. “ આથી જ્યપાલે ભગવાન એકલિંગજીના શપથ ખાઈ ને વનવીરને વફાદારી ની ખાતરી કરી આપી હતી.
પોતાનો પ્રિયતમ મેવાડ પતિ બન્યો પરંતુ ચિતોડગઢ માં જવાનું આમંત્રણ ન મળ્યું. એથી વારાંગના ઉર્વશી નારાજ રહેવા લાગી. વિક્રમાજીત અકળાયા. “વનવીર , મને કેદ પસંદ નથી. મારાં થી જરાયે મુક્ત ફરી શકાતું નથી. સદાયે સૈનિકો મને ઘેરી વળે છે.
“ મહારાણા,આપ મેવાડનું ભૂષણ છો. પ્રજા માટે શ્રદ્ધેય છો. પૂજ્ય છો માટે..
“ બસ, વનવીર , હું કાંઈ શણગારેલી પ્રતિમા નથી. મારાં હૈયાના સ્પંદનો..”
એ બધુ ભૂલી જવાનું,”
“ પણ વનવીર, ઉર્વશી, અજમેર ,એનો વિયોગ”
“મહારાણાજી, ધૈર્ય ધારણ કરો. ધીરે ધીરે આગળ વધો. , નહિ તો આ મર્યાદાશીલ પ્રજા ચોંકી જશે, આપનો પ્રણય એમનાથી સહન નહિ થાય.”
“પણ ઉર્વશીને જ ચિતોડગઢ માં મારા નિવાસસ્થાને બોલાવી તો?”
એ હાલ શક્ય નથી. જ્યાં સુધી ભક્તિ ની ગંગા વહેતી હશે ત્યાં સુધી ચિતોડગઢમાં આપણાં નિવાસસ્થાને પણ શરાબ અને સુંદરીનો પ્રવેશ અશક્ય છે.” વનવીરે કહ્યું અને ઉમેર્યું
“ જીવન ને માણવા માટે ભક્તિ ની જરૂર નથી.એને માટે તો શરાબ અને સુંદરી ની જ આવશ્યકતા છે. ભક્તિ તો શક્તિહિનો ના મન બેહલાવવાનું એક રમકડું છે. “
મીરાં જ્યાં સુધી ચિત્તોડગઢમાં હશે ત્યાં સુધી ઉર્વશીનો પ્રવેશ રાજમહેલમાં તો શું મારા નિવાસસ્થાને પણ અશક્ય છે. એમ ? રાજ મારુ છે, કે ભકતડાંઓનું ? વનવીર શુષ્ક જીવન ને મધુરરસમાં ઝબોળવા શું મારે મેવાડની બહાર જવું પડશે?
“ ચિત્તોડમાં. મીરાં ની શી જરૂર છે ? એમને વિદાય કરો વીરક્ષેત્ર મેવાડ ને ભક્તિનો નશો કરાવી કાયર બનાવવાનું કામ ખતરનાક છે. “ જ્યપાલે ઉગ્રતાથી કહ્યું
જિંદગી વિષે તારા શા ખ્યાલ છે,વનવીર ?”
વિક્રમાજીતને અજમેરના એક શાયરની વાત યાદ આવી ગઈ. એને કહ્યું હતું, ‘ મેરે હમસફર દોસ્તો, જિદગી કા લુફત ઉઠાઓ, ઘૂટ ઘૂટ કર મરના જિદગી કા નામ નહીં હૈ, જિદગી નામ હૈ ઈશ્કબાજી કા ,મુર્દા દિલ કયા ખાક જીયા કરતે હૈ.
“ જિદગી વિષે તારા શા ખ્યાલ છે. વનવીર ?”
મહારાણાજી, જિંદગી વિષે હું જરાયે ચિંતિત નથી. હું તો એને માણવામાં જ માનું છું. માનવજીવન ચોર્યાસી લાખ યોનિમાં આત્મા ભટકે, તે પછી તેને પ્રાપ્ત થાય છે. સને તે પણ પાણીના પરપોટા ની માફક ક્ષણ ભંગુર! હું કદી મારી ઈચ્છાઓને મારી નાંખતો નથી. પોતાની સઘળી અભિલાષાઓ આ માનવજીવન માં જ પૂરી કરવી જોઈએ. સંસારના સુખો અને ભોગવિલાસ ભોગવ્યા વગર જ મૃત્યુને આધીન થવું એ કેવી કરુણતા છે?
“ એવી કરુણતા મેવાડના મહારાણા ની છે, ભરજવાની માં એણે સંન્યાસી જેવા નિયમો પાળવાના. સાધારણ મનુષ્ય ની જેમ સ્વતંત્રતા થી હરિફરી શકાય નહિ. વનવીર, મારુ મન તો
” મહારાણાજી અધીરા ન બનો જ્યાં સુધી સત્તાના તમામ સૂત્રો આપણી પાસે આવી ન જાય ત્યાં સુધી ફુંફાડો મારવો વ્યર્થ છે. “વનવીરે મહારાણા ને સમજાવ્યા.
ચિત્તોડગઢના કિલ્લેદાર ચીલ મહેતા ભારે ગ્લાનિ અનુભવતા હતા. તેઓ ચિતોડગઢ ના કિલ્લેદાર હોવાનો ભારે ગર્વ હતો. તેઓ માનતા હતા કે . ગોહિલોત વંશ નો ઈતિહાસ એટલે યુદ્ધ નો પર્યાય મેવાડના ઈતિહાસ ના પ્રત્યેક પૃષ્ઠ લોહીના લાલ રંગ થી લખાયેલા છે. મહારાણા બાપ્પા રાવળથી માંડી ને કુંભાજી લાખાજી, મહારાણા ભીમસિંહ , વીર સમરસિંહ, વીર પૃથ્વીરાજ અને મહારાણા સાંગાજીએ યુદ્ધે ચઢી પ્રાણ સમર્પિત કરીને જીવનને ગતિશીલ બનાવ્યું છે. પોતે સ્વર્ગે સિધાવ્યા છે. આથી તેઓ મર્યા પરંતુ એ બધા કાળની ગર્તા માં વિલીન થઈ ગયા. માનવદેહ નો તેમણે સદુપયોગ કર્યો. રાજપૂતો એ ચિત્તોડગઢ થી પ્રાણ સમર્પિત કર્યા. આબરૂ છે તો બધુ છે. એ જ ગઈ તો બધુ જ ગયું, લાખ જ જો પરંતુ શાખ ન જ જો.
શેઠ લક્ષ્મીપ્રસાદ ચીલ મહેતાના મહેમાન હતા. તેઓ આગ્રા ના વતની હતા. તેઓ હંમેશા કહેતા, જેનું પેટ મોટું હોય એ એટલો મોટો, મુત્સદી ગાળો , બદનામી, અપમાન, ખાસડાનો માર કે હાર , જે પચાવી જાણે એ જ વિશ્વની સંપદા અને પ્રભુતા મેળવી શકે. માર ખાય એ જ માલ ખાય.
“ શેઠ લક્ષ્મીપ્રસાદ સાચો રાજનીતિજ્ઞ કેવો હોય?”
“જુઓ , મહેતા રાજા ભરથરીએ કહ્યું છે કે,રાજનીતિ બહુરૂપી છે. રાજનીતિજ્ઞને નીતિ,રાષ્ટીયતા, જાતિ કે ધર્મ કાઈ જ પોતાનું હોતું નથી. સમય આવ્યે તે આ બધાં નો ઉપયોગ પોતાની ચાલના પ્યાદા તરીકે કરી લે છે.
“ લક્ષ્મીચંદ, તમે તો સલ્તનતમાં રહો છો, સુલતાનોના વૈભવનો પાયો અનીતિથી રચાયો છેને?”
જુઓ , નીતિ અને અનીતિ આપણે ધારેલા આંક છે. આપણી માન્યતા છે. જે રાજાઓના દરબાર પ્રેમ, અપ્સરા અને વિલાસથી સજાવ્યા હોય તેની પર તો સ્વયં ઈન્દ્ર પ્રસન્ન રહેશે. સુલતાનોના હરમ દુનિયાભરની હૂરોથી ઉભરાય છે. એ નાઝનીનો બળજબરીથી પણ ઉઠાવાયેલી હોય છે. જો નીતિ જેવુ કાંઈ હોય તો દૈવી કોપ તેમના પર ન ઉતરે?”
“ જુઓ, લક્ષ્મીચંદ , આપણે માનીએ કેન માણી એ , દૈવત્વ જેવુ તો કાંઈક છે જ, નહીં તો તમારા બાદશાહ હુમાયું ને બાદશાહ બાબર ની પ્રાર્થના પર ખુદા એ જીવનદાન કેમ બક્ષ્યું ? કહે છે કે, ભલભલા હકીમોએ શાહજાદાના જીવનથી હાથ ધોઈ નાખ્યા હતા. એટલામાં રસોડામાંથી અવાજ આપ્યો, ચાલો , સૌ જમવા.”
X --------------------x --------------------------x --------------------
મહારાણા વિક્રમાજીત ઉદાસ હતા. મેવાડનું શાસનતંત્ર જે રીતે ચાલતું હતું. તેથી સૌ ઉદાસ હતા. અતિશય યુધ્ધોના કારણે પ્રજામાં નિરાશા આવી ગઈ હતી. સરદારો અને સિપાહીઓની આપખુદી વધી ગઈ હતી. કુદરતે પણ ઘા મારવામાં પાછું જોયું ન હિ. ખેતીમાંથી બરકત ગઈ. રાજ્યની સીમાઓ અરક્ષિત બની.એક રાજ્યના લૂટર બીજા રાજ્યમાં નાશી જતા, જ્યાં કાજળ ધેરી રેટ નાગરિક અભય થઈને ચાલ્યો જતો ત્યાં ધોળે દિવસે નાગરિક લુટાવા લાગ્યો.
આવેશમાં આવી જઈને મહારાણા કડક આદેશો આપતા હતા. પરંતુ એનો અમલ સાચા દિલથી થતો ન હતો.
એક દિવસે વનવીર સમક્ષ મહારાણા એ હૈયાવરાળ ઠાલવી.” વનવીર, પ્રજા અને સરદારો મારાથી નારાજ છે. આ રાજ હુ કેવી રીતે ચલાવી શકીશ ?”
“ મહારાણાજી, આપ તો સમ્રાટ છો. આપ શા માટે ચિંતા કરો છો? અમે એ બધા ને પહોંચી વળીશું , આપના મનને વિષાદમાં મૂકવા પ્રજામાંથી જ કેટલાક તોફાની તત્વો ખોટ બૂમ બ્રાડ પડે છે. રજ નું ગજ કરે છે. વાતનું વતેસર કરે છે. એવા વિધ્ન સંતોષીઓ ને દમન કરવાનું કામ જ્યપાલ ને સોંપો. “
થોડા દિવસમાં જ જ્યપાલે હાહાકાર મચાવી દીધો. લોકોના અવાજને સત્તાની એડી થી દબાવી દીધો.
“જ્યપાલ ,તે ખૂબ સારી કામગીરી બજાવી.હવે કોઈ મારી પાસે ફરિયાદ લઈને આવતું નથી. ખરેખર , તું સાચો અધિકારી છે.”
વાતમાં મોણ નાખતા જ્યપાલ બોલ્યો.
” મહારાણાજી, મે માં ભવાની ની સાક્ષીએ સોગંદ ખાધા છે કે , હું મારા અન્નદાતાની રક્ષા કરવા સ્વયં દેવયજ ઈન્દ્ર સાથે પણ લડી લઈશ. આપની રક્ષા કરતાં મારા પ્રાણ જાય એનાથી રૂડું શું? “વાહ જ્યપાલ! તું તારા અન્નદાતા માટે શું કરી શકે છે. એ તો સમય આવ્યે જ ખબર પડશે. “ ખંડ માં પ્રવેશ કરતાં વનવીર ખંધું હાસ્ય હસતાં બોલ્યો.
“મહારાણાજી , લોકો કહે કે , મીરાંબાઈ ભક્તિના ઉચ્ચ શિખરો સર કરતાં જાય છે. પરંતુ હું તો એને આડંબર અને કપટ માનું છું. જો મને તમે રાજપરિવરનો માનતા હો તો , એના હિતની એક વાત હું આપના સમક્ષ લાવવા માગું છું. મેવાડનું રાજકુળ ભારતવર્ષ માં પંકાયેલું અભિજાત્ય પરિવાર છે. મીરાંબાઈ સાધુઓ અને ભક્તિના વંટોળમાં રાજકુળની મર્યાદાને નેવે મૂકે તો પ્રતિષ્ઠા હોડમાં મૂકાય. એ સીધી વાત છે. એ સમજતા લાગતા નથી. હવે તો રાજસત્તા એ લાલ આખો કરવી જ રહી.
“ વનવીર, હું પણ એ બાબતે વિચારું છું ત્યારે ક્રોધ ઉપજે છે. હું મેવાડનો મહારાણો અને ધર્મ ના ધતિંગો નભાવી લઉ ? રાજસત્તા શું કહી જ છે એનો ખ્યાલ તો મીરબાઈને આવવો જોઈએ.” મહારાણાએ કઈંક નિર્ણય કર્યો હોય એમ ગુસ્સાથી બને હોઠ દબાવ્યા.
---------------------------૫ ------------------------------
મહારાણી વાસંતીદેવી રૂપગુણંનો ભંડાર હતી. મહારાણા વિક્રમાજીત પ્રત્યે તેને અપાર પ્રેમ હતો. પરંતુ મહારાણા વિક્રમાજીત તેના પ્રત્યે કઠોર હતા. એમના અમાનુંષી વેણ હતા. અજમેરની ઉર્વશી અને તુલસી તારા કરતાં મારા હૈયામાં વધારે દૃઢ સ્થાન મેળવી ચૂકી છે. જો કે આ સાંભળી વસંતીદેવી ન રડતી ન મો મચકોડતી. રાણીવાસ એટલે અણમાનીતી રાણીઓનું દોઝખ. ખાનદાની ખાતર રાણીઓની જે મહેલમાં ડોલી ઊતરતી એ મહેલમાંથી નનામી જ નીકળતી. હું તો મહારાણાના ચરણોની દાસી છું એમ કહી મન મનાવી લેતી.
મહારાણી વસંતીદેવીની એક દાસી , શશી મીરાંબાઈના ભજનોની આશિક હતી. એ ભજનો સાંભળી આવતી પછી મહારાણી આગળ સુંદર અવાજે ગાતી, મહારાણી ખુશ થતા.
કોકિલ કંઠી શશી , મીરાંના ભજનો તારે ભાવવાહી કંઠે સાંભળીને મારુ દર્દ ભાગી જાય છે. “ તે પણ કૃષ્ણની પરમ ઉપાસિકા બની. તેણે પણ કૃષ્ણ ની ભક્તિ કરવા માંડી.
મીરાં એટલે કોણ? પ્રેમભક્તિ થી દ્રવતું સ્ત્રી હ્રદય . મીરાં એટલે પૂર્વજન્મ ની રાધા , જેમ રાધા એ નિર્વ્યાજ પ્રેમમાં ગોકુળ માંથી ગયેલા કનૈયાના પ્રેમમાં જન્મારો કાઢી નાખ્યો તેમ મીરાંએ પણ કનૈયા માટે જ જીવન સમર્પિત કરી દીધું.
કૃષ્ણ વિના બીજે ક્યાંય મીરાનું મન નથી. એટલે જ તો મીરાંના આત્માનો અવાજ જ્યારે એ ગાય છે. ત્યારે શબ્દોનું રૂપધારણ કરી માનવહૈયાને ભીંજવી નાંખે એવું બળકટ રૂપ ધારણ કરે છે.
બસો મેરે નૈનન મે નદલાલ, મોર મુકુટ મકરાકૃત,
અરુણ તિલક દિયે ભાલ. મોહની મુરતિ સાંવરી સુરતી ,
નૈના બને વિશાલ. અધર સુધારસ મુરતી રાજત ,
ઉર બૈજંતી માલ. છુંદર ઘટિકા કટી તટ શોભિત,
નૂપુર શબ્દ રસાલ. ‘મીરાં’ પ્રભુ સંતન સુખદાઈ ,
ભગત બછલ ગોપાલ
મીરાંને બાળપણથી જ કૃષ્ણ નો સાક્ષાત્કાર થયો હતો. રાસલીલાના પ્રત્યક્ષ દર્શન થયા હતા. કૃષ્ણ ગોપીઓ સાથે હોળી રમે છે. આથી જ આ પ્રસંગ નું જીવંત ચિત્રણ કરતાં તેમણે ગીત રચ્યું.
હોલી ખેલત હૈ ગિરધારી, મરલી ચંગ બજત ડફ ન્યારી ,
જુવતી બ્રજનારી ચંદન કેસર છીરકતમોહન ,
અપને હાથ બિહારી. ભરિ ભરિ ભૂરિ ગુલાલ ,
લાલ સહુ ડેટ સબં પૈ ડારી. છૈલ છબીલે નંદલ ,
કાન્હ, સંગ શ્યામા, પ્રાણ પિયારી,
ઉમડા ધાર ધમાલ રાગ તેહુ દૈ દૈ કલતારી.
ફાગૂ જુ પ્રભુ ગિરધર નગર , મોહન લાલ બિહારી.
મીરાં કૃષ્ણમય હતી. એને કૃષ્ણવિયોગની તડપ અસહય થઈ પડતી. એ દર્દ એણે આ ડીટ માં શબગ દેહ આપીને ઉતાર્યુ છે.
આલી રે મેરે નૈણાં બાણ પડી. ચિત્ત ચઢી મીને માધુરી મુરત ,
ઉર બીસ આણ પડી. કબકી ઢાડો પંથ નિહારું,
અપને ભવન ખડી કૈસે પ્રાણ પિયા બિન રાખૂ જીવન મુર જડી.
મીરાં ગિરધર હાથ બિકાની, લોગ કહૈ બિગડી .
મહાપ્રભુ ચૈતન્ય પ્રેમાવતાર હતા તો મીરાં પ્રેમલક્ષણાભક્તિ હતી, પોતાના પ્રેમભક્તિના રહસ્યને આ કાવ્યમાં તેણે યથાર્થ રૂપ આપ્યું છે.
મેરે તો ગિરિધર ગોપાલ , દૂસરો ન કોઈ,
જેક શિર મો મુકુટ, મેરો પતિ સોઈ
છાંડિ દઈ કૂલ કી કીર્તિ , ખકરી હૈ કોઈ સંતન ઠિય બૈઠિ બૈઠિ ,
લપક લાજ ખોઈ અંસુવન જળ સીંચિ સીંચિ પ્રેમ-બેલિ બોઈ
અબ તો બૈલ ફૈલ ગઈ, આનં દ ફળ હોઇ.
ભગતિ દેખિ રાજી હુઈ, જગતિ દેખિ રોઈ,
દાસી મીરાં, લાલ ગિરધર, તારો અબ મોહી
મીરાંબાઈની ભક્તિ સાધના મહાન હતી.ગિરધરની કૃપા અપાર હતી . સંસાર ના દુ:ખોથી નિરાશ થયેલી હિંદુ પ્રજાને મીરાંના ગીતોથી સંધિયારો મળી રહ્યો હતો. ત્યારે મહારાણા વિક્રમાજીતના મનનો શેતાન સળવળ્યો.
----------------------------૬ ---------------------------------
મહારાણા સંગ્રામસિંહ ની એક પુત્રી દુર્ગાવતી વીરાંગના હતી. રાયસીનનો કિલ્લો એના હાથમાં સુરક્ષિત હતો. એના ચક્ષુ જાણે અગનજવાળા હતા. દુશ્મનો એના નામથી કાંપતા હતા, જ્યારે બીજી પુત્રી ઉદયમતી સાસરેથી ઝગડો કરીને ચિત્તોડગઢ માં આવી હતી.
મહારાણી વાસંતીદેવી પ્રભાતનાં સમયે કૃષ્ણની પૂજા કરતી. મીરાંના ભક્તિગીતો ગાતી. ત્યારે સમસ્ત વાતાવરણ આહલાદક બની જતું. પૂજા પૂરી થતી. સૂર્યોદય પછી જે મહારાણા જાગતા.
મહારાણા વિક્રમાદિત્ય વ્યંગમાં કહેતા , “ વાસંતી, પુરુષ પાપ કરે અને તેની પત્ની પાપ ધોવા ભક્તિ કરે. સુંદર ગોઠવણ છે સર્જનહારની.
“ ચાલો, આ દાસી એ રીતે પણ મહારાણાજીના કામમાં તો આવે છે ને ? જગતને દમવું એ તમને પુરુષોને સોંપ્યું, જાતને દમવાની જ અમને તો આદત છે.
“ વાહ ભાઈ ! જગતને દમવા કરતાં જાતને દમવાની વાત તો અનોખી છે.” મહારાણા વિક્રમાજીત ખડખડાટ હસી પડતાં. એનો પડઘો પડતાં વાસંતી પણ હસી પડતી.
પરંતુ આ યુગલના હાસ્ય પાછળ ભરી વેદના હતી.ચાર ચાર વર્ષ વીતી ગયા છતાં મહારાણી વાસંતીદેવી માતૃત્વ પ્રાપ્ત કરી શક્યાં ન હતા. મહારાણી ને પોતાનામાં જ અપૂર્ણતા લાગતી હતી. લાગે જ ને ! જે સ્ત્રી માં નથી તે સ્ત્રી, પૂર્ણ રીતે સ્ત્રી કેવી રીતે કહેવાય? પરંતુ આ એમની અપૂર્ણતા પર રાજપરિવારે કે સ્વયં મહારાણાએ ક્યારેય ડંખ માર્યો ન હતો. રાજકુમાર તરીકે મિત્રોના સંગે , વારાંગનાઓના સંગે વિક્રમાજીત ને જે ક્ષતિ પહોંચી હતી. તેની કમી તેને વારંવાર સતાવતી હતી.છતાં સમય આવ્યે મન તો તેમને જ ઝંખતું ‘હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે. મહારાણાનું આંતરિક જીવન વેદનાસભર હતું
.એ વેદનામાં એક ઘટના એ ઊમેરો કર્યો. જ્યપાલ સમાચાર લાવ્યો કે ઉર્વશી ભયંકર રોગ થી તરફડીને મૃત્યુ પામી.
મહારાણા બેચેન રહેતા હતા ત્યાં ઉદયમતિ એ ધડાકો કર્યો. “મોટાભાઇ ,મહારાણી વસંતીદેવી મીરબાઈની જેમ કૃષ્ણની ભક્તિના ચાળે ચડયા છે. મને તો લાગે છે. કે અલ્પ સમયમાં આખું રાજપરિવાર મીરાંની ભક્તિના રંગે રંગાઈ જશે તો તમારું કોઈ નહિ હોય.”
વાસ્તવમાં ઉદયમતિ ને મીરાંબાઈને માટે પ્રથમ દિવસથી જ દ્વેષ હતો. છંછેડાયેલી નાગણ અને સાસરેથી ઉપેક્ષા પામીને પીએરમાં અડ્ડો જમાવીને બેઠેલી નણંદ ભાભી માટે ખતરનાક હોય છે. અને તેમાં યે ભાભી વિધવા હોય તો નણંદના તોર નું પૂછવું જ શું ? મીરાંની ફેલાતી કીર્તિ તેનાથી સહન થતી ન હતી.મીરાંના દર્પ ને છંછેડવા તેણે મહારાણા ને ભંભેરવા માંડયા.
મહારાણાના મનમાં અનેક કારણે ક્રોધનો ભરેલો અગ્નિ તો હતોજ. ઉદયમતિ એ એમાં ચીનગારી નું કામ કર્યું.
મીરાં ને ઈશ્વરનો સાથ નથી એ જાદુગરણી છે. એ ખોડ પગલાંની છે. એના આગમન પછી જ ચિત્તોડગઢ આફતની આંધીમાં સપડાઈ ગયું. મહારાણા સાંગાજી , યુવરાજ ભોજરાજ ,મહારાણા રતનસિંહ, આ બધા નો ભોગ લેવાયો.
ભોજરાજ વધુ જીવ્યા હોત તો મીરાંબાઈ મેવાડની મહારાણી બનીને મેડતા અને મેવાડનું વિશાળ સામ્રાજ્ય જમાવત. અત્યાર સુધીમાં મીરાંએ પરોક્ષ રીતે મેડતા ના લાભમાં જ નિર્ણયો લેવડાવ્યા હતા. મીરાં ભક્તાણી નો વેશ સજીને મેડતા તરફથી જાસૂસી કરે છે.
મહારાણા વિક્રમાજીત પણ કાચાકાનના હતા. મીરાંને સજા થવી જ જોઈ એ તેમણે મક્કમ નિર્ધાર કર્યો.
----------------------------૭ --------------------------
રાજમાતા કર્માવતી હાડા વંશની હતી. રાઠોડો અને હાડાઓને તે સમયે રાજકીય વેર હતું. તેમાં રાઠોડ વંશીય રાજમાતા ધનબાઈના પુત્ર મહારાણા રતનસિંહનું બુંદીમાં મૃત્યુ થયા પછી એમ ઉમેરો થયો. આગમાં ઘી હોમાય તેમ હાડાવંશીય રાજમાતા જવાહરબાઈનો જ પુત્ર વિક્રમાજીત મહારાણા બન્યા. એટલે તથા એના પછી પણ હાડાવંશીય રાજમાતા કર્મવતીનો પુત્ર ઉદયસિંહ જ મહારાણા બનશે એ ખ્યાલે તથા આ બધામાં ‘મેડતણીજી ‘ મીરાંની ચાલની ગંધ હોવાથી જોધપૂરના રાઠોડો ગુસ્સે ભરાયા હતા., સામે પક્ષે . રાઠોડો પર કર્માવતી પણ ગુસ્સે હતી.
રાજમાતા ધનબાઈએ પુત્રના અપમૃત્યુ થી રાજકીય સન્યાસ લઈ લીધો જવાહરબાઈ અને કર્માવતી બને બહેનો હતી. પરંતુ કર્માવતી ને રાજસત્તાનો મદ વિષેશ હતો. એમની જ પુત્રી ઉદયમતિ એનું પ્રતિબિંબ હતી.
મીરાંબાઈ પ્રત્યે કર્માવતી ને અણગમો વ્યાપી ગયો. સ્ત્રી સહજ મર્યાદાન તેમના વિચારો ભયંકર હદે રૂઢિચુસ્ત હતા.
”બેટા, મીરાં રાજકુળ ની આબરૂ ગુમાવવા બેઠી છે. ગમે તેવા સાધુઓ જેમાં સાચા પણ હોય , લુચ્ચા અને લફંગા પણ હોય ભજન ગાતી ફરે એ યોગ્ય ન કહેવાય.
“ રાજમાતા, કેવળ આપ જ નહિ. ચારે કોરથી સઘળા લોકો મને આજ ફરિયાદ કરે છે. વનવીર આજ કહે છે. ઉદયમતિએ પણ આજ કહ્યું. આજે તો આપે પણ ફરિયાદ કરી, બસ , હવે મીરાભાભી માટે મારા ધૈર્યની સીમા વટાવાઈ ચૂકી છે.”
આમ રાજમાતા કર્માવતીદેવીની શિકાયતે મોટું સ્વરૂપ ધારણ કર્યું. ઉદયમતિ ને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો.
“ ભાભી મીરાં આટલો બધો ઘમંડ રાખે ? એનો દર્પ તોડીને જ જંપીશ .”
શીલા, વિલાસ, કૈલાશ આ ત્રણે દાસીઓ કપટ કળામાં કુશળ હતી.
“ જાઓ મારી પ્રિય સખીઓ ચિત્તોડગઢમાં એક અફવા ફેલાવો. મીરાં કૃષ્ણની ભક્તિ ના જુસ્સામાં ભગવાન એકલિગજીનો અનાદર કરે છે.
” ચોરે ચૌટે ,ગલી ,ગલીએ રાજધરનાની નવી દુલ્હન મીરાંની બદતમીઝીની ચર્ચા થવા લાગી.
મેવાડ અને ચિત્તોડમાં ભગવાન એકલિગજી માટે ભારે આદર. મીરાં કૃષ્ણ ભક્ત હતી. મેવાડીઓએ જ્યારે સાંભળ્યું કે , મીરાં ભગવાન એકલિગજીના દર્શન કરવા કે ભવાનીમાતા સમક્ષ મસ્તક ઝુકાવવા તૈયાર નથી ત્યારે બેહદ ગુસ્સે થઈ ગયા. એના પ્રત્યેનો આદર અનાદર માં ફેરવાઈ ગયો.
“ રાજમાતાઓ નું આવું ભયંકર અપમાન?”
“ હજુ તો મહેલમાં પગલાં માંડયા છે ત્યાં આવો વિદ્રોહ?”
“ મહારાણા સંગ્રામસિંહ શું આ સાંખી લેશે?”
“ યુવરાજ ભોજરાજ ની શી પરિસ્થિતિ થશે?”
તેમાં એ મહારાણા એ યુવરાજ ને પોતાને મહેલે મળવા તાકીદે બોલાવ્યા ત્યારે તો પરિસ્થિતિ સ્ફોટક બનવાની સૌની ધારણા પરમસીમાએ પહોંચી.
સૌ વિચારતા હતા બે સ્ત્રીઓની હઠ કેવું સ્વરૂપ લેશે ? પરંતુ પિતા ને મળીને પાછા ફરેલા ક્રોધિત યુવરાજ ને મીરાંએ કહ્યું
ભગવાન એકલિગજી માટે પણ મને ભારે આદર છે. ભવાની માતા પણ મારા પૂજનીય છે. રાજમાતા નો આદેશ પણ મારે માટે શિરોમાન્ય છે. હું ભગવાન કૃષ્ણ ની પૂજામાં હતી. થોડી બાકી હતી. અડધી પૂજાએ ઊઠીને કેવી રીતે આવું ? મી માત્ર એટલું જ કહ્યું હતું પૂજા કરીને આવું છું. “
અને મીરાંના સંકટ ના વાદળ ખસી ગયા. “
મીરાંએ શ્રધ્ધાપૂર્વક ભગવાન એકલિગજીના દર્શન કર્યા. ભવાની માતાએ મસ્તક નમાવ્યું. રાજકુમારી ઉદયમતિની ભૂલ ને નાદાની માં ખપાવી દેવામાં આવી. આમ ધાર્મિક અથડામણ ની ચાલ નિષ્ફળ ગઈ. આમ, પ્રથમ ચરણે જ ઉદયમતિ નિષ્ફળ ગઈ હતી. પરંતુ હવે તે પરાસ્ત થવા માંગતી ન હતી.
“ મહારાણા પોતાના રાજ્યમાં ભ્રમણ કરવા ઈચ્છે છે. “
“ પરંતુ એવી શી જરૂર છે. .”રાજમાતા જવાહર બાઈએ પૂછ્યું.
“ કેમ? આપને શો વાંધો છે? જૂના જમાનામાં મહારાજ વિક્રમ પણ છુપાવેશે પોતાની પ્રજાના સુખ દુખ જાણવા રાજ્યના ખૂણે ખાંચરે ફરી વળતાં હતા. “ વનવીરે કહ્યું .
“ વનવીર, મહારાણા પ્રજાની સંભાળ લે એ સારી વાત છે પરંતુ એને સાચવવા ની જવાબદારી તારી ?”
“ જી આપની વાત હું સમજી ગયો, આપ બેફિકર રહો.”
વનવીર, જ્યપાલ અને મહારાણા થોડા સૈનિકો સાથે નીકળી પડ્યા. કોકવેળા સૈનિકના વેશમાં , કોકવેળા વેપારીના સ્વાંગમાં, કોકવેળા ગરીબ ખેડૂતના સ્વાંગમાં વનવીર ને મહારાણા ઘૂમતા હતા.
સરહદમાં ગામો માં પ્રવાસ ચાલતો હતો. ત્યાં મહારાણા વિક્રમાજીત બોલી ઉઠયા.”વનવીર અજમેર જઈ આવીએ ?
”મહારાણાજી રાજમાતાને હું શો જવાબ આપીશ?
“તું તારે બહાનુ ઉપજાવી કાઢજે . પણ આ વેળા તો ચાલ.”
મહારાણા અને વનવીર અજમેર તુલસીને ત્યાં જઈ આવ્યા,ત્યાં આચકો ખાધો. “
“તુલસી સાધ્વી બની ને ચાલી ગઈ છે. “
વનવીર ખળખળાટ હસી પડ્યો. તુલસી સાધ્વી બને કે ઉર્વશી સ્વર્ગે સિધાવે તો પણ રંભા ,કેતકી, ચંપા અને ગંગા નો ક્યાં તોટો છે. ?
“ બસ વનવીર ,હવે આ પંથ મારે માટે નકામો છે. ચિત્તોડગઢ પાછા ફરતા રસાલો એક ગામમાં રોકાયો. સંધ્યાકાળનો સમય હતો. ગામ થી થોડે દૂર કૃષ્ણના મંદિરમાં આરતીનો સ્વર સંભળાયો. મહારાણા અને વનવીર એ તરફ ભ્રમણારથે નીકળી પડ્યા.
મંદિરના પગથિયાં ચઢતા ચઢતા મહારાણા હાંફી ગયા.
“ વનવીર, હવે તો હું આટલા પગથિયાં પણ ચઢી સકતો નથી. ભગવાન કૃષ્ણ નું ‘મધુરાષ્ટક ‘ ગવાતું હતું. મહારાણાના મન ને શાંતિ મળી. “ રધુનાથ તંબૂરાના ત્યાર મેળવી એક ભજન સંભળાવો.”
“હા, ભગત થવા દો , પેલું નવું ભજન થવા દો. “
અને ભજનિકે તંબુરાંના તાર મેળવી. ભજન ગાવા માંડયું.
“ મીરાં મગન મગ ભઈ , હરિ કે ગુણ ગાય”
મહારાણાની આંખો માં અગ્નિ નો ભડકો થયો. અહી પણ મીરાં ! પરંતુ વનવીરે હાથ દાબ્યો. ભજન આગળ ગવાતું હતું.
સાંપ પિટારા રાણા ભેજયો, મીરાં હાથ દિયો જાય.
ન્હાય ધોય જબ દેખણ લાગી , શાલિંગરામ ગઈ પાય ,
ઝહર કા પ્યાલા રાણા ભેજયો, અમૃત દિનહ બનાય .
હાથ ધોય જબ પીવણ લાગી, હો ગઈ અમર આંચય .
સૂલ સેજ રાણાને ભેજી, દિજયો મીરાં સુલાય.
સાંજ ભઈ મીરાં સોવણ લાગી, માનો ફલ બિછાય.
મીરાં કે પ્રભુ સદા સહાઈ , રાખે બિધન હટાય .
ભજન ભાવ મેં મસ્ત ડોલતી , ગિરધર પે બલિજાય.
મહારાણા તલવાર પર હાથ મૂકવા જતાં હતા ત્યાં તો વનવીરે ધીમે થી કહ્યું, “મહારાણા , ગુસ્સા પર કાબૂ રાખો. અત્યારે તમે સોદાગર છો.” વિક્રમાજીત પરિસ્થિતિ સમજી ગયા.
પૂજારીના ચહેરા પર અવર્ણનિય આનંદ હતો. બીજા બે ભજન ગવાયા. પ્રસાદ વહેચાયો . સૌ ઉઠયા.
“આ લોકો ની વાતો માં ઘણું જાણવા મળશે . વનવીરે કહ્યું.
“વનવીર, મીરાં ના ભજન ની એક એક પંક્તિ જ્યારે ગવાતી હતી ત્યારે મારા હૈયામાં ગુસ્સો પણ ઘૂટાતો હતો. હું મારા ક્રોધ પર માંડ માંડ કાબૂ રાખી શક્યો. “
“ હા, એતો આપ ની લાલઘૂમ આંખો પરથી સમજાતું હતું. “ વાટ માં ગ્રામજનો વાતો એ ચઢ્યા.
“ રઘુનાથ, રાણાએ સાધ્વી મીરાં પર અસહય જુલ્મો વરસાવ્યા.”
“ છતાં એ મહારાણા ફાવશે નહિ. જીત તો મીરાંની જ થવાની ભક્તિની શક્તિ ઈન્દ્રના વજ્ર કરતાં યે વધુ છે.” રઘુનાથ ભગતના અવાજમાં ભારોભાર શ્રધ્ધા હતી.
ઘડીભર તો મહારાણાને ઉન્માદ ચડી આવ્યો કે,આ રઘુનાથનું મસ્તક ઉડાડી દઉં, પરંતુ આવા કેટલા રઘુનાથ ને તે મારશે? આ વિચારે ઠંડા પડ્યા.
એક યુવક બોલ્યો તમે શું જાણો છો? હજુ યે મીરાં પર રાજની લાલ આંખ છે. રાજમાતાઓ, રાણાજી કે તેમની બહેન ઉદયમતિ કૃષ્ણભક્તિ ની વિરુદ્ધ છે. મીરાં ની ભક્તિ માં વિધ્ન નાખવાં કાવતરા કર્યા કરે છે. મહેલ ખૂચવી લીધો. સગવડો ઝુંટવી લીધી, નોકર ચાકર લઈ લીધાં. એક ભૂતિયા મહેલમાં કેદી જેવી સ્થિતિમાં મીરાં બાઈ રહે છે. “
“ રાણાજી કેવા જાલિમ છે. ! મીરાં જેવી સંતને દૂભવી ને તેઓ વિનાશને પંથે જઈ રહ્યા છે. આનો અંત કેવળ અપમૃત્યુ જ છે.” ભગત બોલ્યા.
મુકામપર પહોંચ્યા બાદ વિક્રમાજીત બોલ્યા ,”વનવીર ભજન માં ગવાય છે. એ અત્યાચારો તો મે કર્યા જ નથી, છતાં મારી પણ અપકીર્તિ થાય છે. “
“ મહારાણાજી, સાવધાન થઈ જાઓ. મેવાડ તો શું, રાજપૂતાના અને સારાયે ભારતમાં મીરાંના ગીતો પહોંચી ગયા છે. સાથે સાથે આપની અપકીર્તિ .. “
“ હવે મને લાગે છે કે, મેવાડમાં કાં તો મહારાણા વિક્રમાજીત રહેશે કાં તો મીરાંબાઈ બને નું સહઅસ્તિત્વ શક્ય નથી.”
X -------------------x --------------------x-----------------x------------------
“ રાજમાતા, મહારાણાજી ખૂબ પરેશાન છે”
“કારણ ?”
“મીરાંબાઈ ની કીર્તિ અને પોતાની અપકીર્તિ ,”
“વનવીર, વિક્રમાજીત એક સ્ત્રીને માર્ગપર લાવી શકતો નથી. મેવાડ સાચવવું છે કે ગુમાવવું છે? આવા નિર્માલ્ય બાળક માટે સ્વર્ગમાં એના પિતાનો આત્મા દુખી થતો હશે. મીરાં ને બતાવો રાજસત્તાનો પરચો.” ચાલક અને ખંધા વનવીરે આ વાતમાં મોણ નાખી ને મહારાણાને મીરાં તરફ ગુસ્સે કર્યા.
વિક્રમાજીતનો હાથ તલવાર ની મૂઠ પર ગયો.
“વનવીર કાલે વાત, મારે ફેસલો કરી નાખવો છે. “
વનવીર ખુશ થતો હતો. વિક્રમાજીત માહારાણા પદનું ગૌરવ ત્યજી ને એક સામાન્ય હત્યારા ની જેમ મીરાંબાઈની હત્યા કરશે. પછી તો બાજી મારા હાથમાં જ છે.
પરંતુ ભાવિએ વિક્રમાજીતને અને વનવીરને, બને ને નિરાશ કરવાનો લેખ ક્યારનોય લખી કાઢ્યો હતો. અંધારી રાત હતી. અઢીમણ રૂની શૈયામાં પોઢેલા મહારાણા વિક્રમાજીત ને ઊંઘ આવતી ન હતી. બેચેનીથી શૈયામાં આમતેમ પાસા બદલતા હતા.
પ્રજામાં મારી અપકીર્તિ થાય છે. પ્રજા તો મેવાડી રાણા ને જાણે છે. વિષપ્રયોગ અને નાગપ્રેષણા રતનસિંહે કરી પરંતુ એ અત્યાચારો પણ પ્રજાએ મારા માથે નાખી મને જ દોષિત ઠરાવ્યો. મીરાંના ગીતોમાં હું એક દુષ્ટ તરીકે ગવાઈ રહ્યો છું. વિક્રમ ,ખરેખર તું ગીતો માં વર્ણવાયેલા રાણા જેટલો દુષ્ટ છે? સૂર્યવંશમાં , એમાં યે ગુહિલોતકુળ કે જે ક્ષત્રિય વંશ કુળભૂષણ ગણાય છે એમાં જન્મીને કેવા હીન કૃત્યો આદર્યા છે. મેવાડના ઈતિહાસમાં તારા જેવો કાયર , વ્યભિચારી અને દુષ્ટ બીજો મહારાણો થશે નહીં. આજે હું મેવાડપતિ છું પરંતુ આ રાજમહાલયમાં પ્રભાવ મીરાંનો છે. મારી પત્ની પણ મીરાંને સંત માને છે. જ્યાં જાઉં છું ત્યાં મીરાં નો જયજયકાર સંભળાય છે. એનું અસ્તિત્વ મારે માટે ખતરનાક છે. મેવાડમાંથી મીરાનું અસ્તિત્વ મિટાવવા માટે મારે ભલે સ્ત્રી હત્યાનું પાપ કરવું પડે. હું કાલે જ એ કરીશ. કાલે મીરાં આ જગત માં નહીં હોય.
પરંતુ મહારાણા વિક્રમાજીત ભૂલી ગયા. હતા કે, માનવજીવન ઈશ્વર ને આધીન છે. માનવ ને બીજાની જિદગી ટુકાવવાનો અધિકાર હોતો નથી.
દૂર દૂર એક ભજનિક ગાઈ રહ્યો હતો. ગીતનો ભાવ હતો. આકાશમાં સન્નાટો છવાયો છે. પવન સુસવાટા ભેર ચાલી રહ્યો છે. લહેરે લહેરે તોફાન જાગી ઉઠ્યું છે. ઓ નાવિક સાવધાન થઈ જા. “ તો બીજી બાજુ ભૂતિયા મહેલમાં કૃષ્ણની મૂર્તિ પર હાસ્ય છલકાઈ રહયું, જાણે નાવિક સાવધાન થઈ ગયો હોય.
----------------------------------(૮ )-------------------------------------
ચિત્તોડના કિલ્લેદાર ચીલ મહેતા માતૃશ્રી સાથે હરદવાર ની યાત્રાએ ગયા હતા. મંત્રી કર્મચંદ જોધપુર સંબંધીને ત્યાં હતા. આથી રાજ્ય વહીવટ માં શિથિલતા આવી ગઈ હતી.
આ બને મહાનુભાવોનો પ્રભાવ મહારાણા પર ઘટી ગયો હતો.
કથાકાર પણ બદલાતા સમય પર અફસોસ કરતાં હતા.
“ સૂરજ નહીં બદલા ચાંદ નહીં બદલા. સિતારે નહીં બદલે લેકિન આદમી બદલ ગયે. જિસને ઈન્સાન કો બનાયા. પાગલ ઈન્સાનને ઉસી કો બનાંને કી કોશિશ કર ર હૈ . જો ઈન્સાન ઈન્સાન કો દેખકર ફુલા નહીં સમાતા થા . વહી ઈન્સાન ઈન્સાન કો દેખકર લહુ કા પ્યાસા બન રહા હૈ.”
મેવાડની ધરતી પર રાહૂ અને કેતુનો સંયુક્ત અવતાર હોય એમ મહારાણા વિક્રમાજીત અને તેમની ટોળકી જુલ્મોની આંધી વરસાવતા હતા.
સવારનો સમય હતો. મીરાંબાઈ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ માં ગાઈ રહ્યા હતા.
મીરાં મગન ભઈ , હરિ કે ગુણ ગાય ,
સાંપ પિટારા રાજા ભેજયો . મીરાં હાથ દિયો જાય,
ન્હાય ધોય જબ દેખણ લાગી, સાલિંગરામ ગઈ પાય,
ઝહર કા પ્યાલા રાણા ભેજયો, અમૃત દિન્હ બનાય.
કૃષ્ણની મૂર્તિ પાસે સાધક મીરાં આખો મીંચી બેઠાં હતાં. તેજ પળે ક્રોધ થી તપી ગયેલા મહારાણા વિક્રમાજીત ખુલ્લી તલવારે દોડી આવ્યા. ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલી આંખો , હાથમાં ખુલ્લી શમશેર લઈને ઝડપથી પસાર થતાં મહારાણા ને આવા રૌદ્ર સ્વરૂપે સૌ કોઈ એ પહેલી વાર જોયા. ગભરાયેલી દાસીઓ એ ઉદયમતિને કહ્યું , બા, મહારાણાજી ને રોકો નહિ તો મહાઅનર્થ થઈ જશે.
ઉદયમતિ તો આ મોકાના ઈન્તજારમાં જ હતી. હવે મીરાંની ગરદન પર શમશેર પડશે. પળવારમાં બધુ જ ખતમ. બેપરવાઈથી એ બોલી, “સૂર્યવંશી મહારાણા ન રોકાય. એમનો પુણ્ય પ્રકોપ તો ધરતીને ધ્રુજાવે.”
સર્વત્ર હાહાકાર મચી ગયો. પરંતુ ઉદયમતી તો હળવે હૈયે કહેતી. “વિફરેલો રાજપૂત અને તેમાયે ગાદીપતિ તથા વંઠેલી રાંડ ભારે ખતરનાક હોય છે. એ બેને કોણ રોકી શકે?”
” મીરાંબાઈ ક્યાં ? ભૂતિયા મહેલમાં પ્રવેશતા જ વિક્રમાદિત્યે ત્રાડ નાખી.
પ્રભુના ધ્યાન માં મગ્ન મીરાંના ખંડમાં મહારાણા પ્રવેશ્યા. એણે સ્ત્રી હત્યા નું પાપ માથે લઈને પણ મીરાંનો શિરોચ્છેદ કરવો હતો. પૂરા જોર થી એણે શમશેર ઉગામી પરંતુ હાથ ઉપર જ જાણે જડાઈ ગયો. સામે જોયું તો મીરાં એક નહિ પણ પાંચ હતી. કૃષ્ણની મૂર્તિ સામે પાંચ પાંચ મીરાં ધ્યાનસ્થ દશામાં બેઠી હતી. આ અકલ્પ્ય ચમત્કાર નજરો નજર નહાળી મહારાણા વિક્રમાજીત અવાચક બની ગયા. એમના બદનમાંથી પરસેવો વછૂટવા લાગ્યો. તલવારવાળો હાથ નીચે પડી ગયો. ઘા કરવાની હિંમત ન રહી. જેવા આવ્યા હતા તેવા પોતાના મહેલ તરફ દોડી ગયા અત્યારે તેમની ઝડપ બમણી હતી.
-------------------------------------------------------- --------------------- -------------------- કર્ણોપકર્ણ સમગ્રહ મેવાડમાં આ ઘટના પહોંચી ગઈ. મહારાણા વિક્રમાજીત બેચેન બની ગયા વિચારવા લાગ્યા. મારો આવો ઘોર પરાજય ! આજ સુધી ક્યારેય , કોઈપણ મહારાણાને ન સહન કરવો પડ્યો હોય એવો આઘાત મારે સહન કરવાનો ? હું જેમ જેમ કીર્તિ હાંસલ કરવાની કોશિશ કરું છું. તેમ તેમ અપકીર્તિ મેળવતો જાઉં છું. ખરેખર દુનિયા ને સુધારવા નીકળેલો માનવી પોતાની જાતને સુધરે તો પણ જગતપર મોટો ઉપકાર થશે. અત્યાર સુધી પોતે નાશવંત નારી દેહ પાછળ પાગલ હતો. પોતાના જેવો હીનાત્માં કોણ ? મીરાંબાઈ જેવા સાચા સંતની પરખ ક્યાંથી થાય ? હીરાને કાચનો ટુકડો માનનાર હંમેશા પાછળથી પસ્તાય છે. હીરા ને કદી પસ્તાવો થતો નથી. એ તો જ્યાં જશે ત્યાં ચળકાટ આપશે જ .
મહારાણા વિક્રમાજીત ને આ વાતનો પણ પસ્તાવો થવા લાગ્યો છે. ભૂતિયા મહેલમાં પોતે વ્યર્થ પ્રયાસ કર્યો. મીરાં ને ધમકી આપી. પ્રજીના વસમાં ઘા થી પોતે બેકાબૂ બની ને બોલ્યો હતો.
“ મીરાંના ભગવાન કૃષ્ણની મૂર્તિને બેરિસ નદીમાં નાખી દઈશ. મીરાંને નદીમાં ફેકવી દઈશ. રાજસત્તાને પડકારીને કોઈ સુખી થયું છે. ખરું ?”
આજ વાત મીરાંને એની દાસીઓએ કહી ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું.”જેવી મુરલીધારની મરજી.”
----------------------x --------------------x -----------------------
પરંતુ મહારાણી વાસંતીદેવી મનોમંથનમાં વલોવાઈ રહી હતી. શરાબના નશામાં પતિ ગમે તેવું અધમ કાર્ય કરી બેસે એનો એને ડર રહેતો. “ મહારાણાજી તમે મહાન સૂર્યવંશી મહારાણાઓના વારસ છો.શરાબ તજી દો તો ?”
“ પ્રિયે, એ ન છોડાય. હું જીવનની મઝાને પૂરેપૂરી માણવામાં માનું છું. જો હવે થી યાદ રાખજે. મારો રાહ નિરાળો છે, હું ઉપદેશ સાંભળવા ટેવાયેલો નથી. “ મહારાણી વાસંતીદેવી દુખી થયા. શું મેવાડપતિ આવી ભાષા બોલશે? એમનું ભાવી જ જિહવા બનીને બોલી રહ્યું હતું.
“ મેવાડના મહારાણા મર્યાદા ઉગામશે તો ? “ મહારાણાને કોઈ મર્યાદા ન હોય. અને હોય તો યે હૂ શું કરું? જમાનાની રફતાર સાથે કદમ મિલાવવા મારે એ મર્યાદા ને તોડવી પણ પડે?
મહારાણી શું બોલે વિફરેલો પતિ પત્નીનું થોડુ માનવાનો ? બાકી તો મેવાડના રાજવંશની ખૂબી જ એની મર્યાદામાં સમાયેલી છે. એ મર્યાદા જેણે જેણે લોપી એ સૌ નિંદાને પાત્ર થયા. શું મહારાણાનો શતમુખી વિનિપાત થવાનો જ ?
------------------------------૯ ------------------------------------
“કૃષ્ણની મૂર્તિને નદીમાં પધરાવી દઈશ.”મહારાણા પાછા ફરતા ફરતા આ પ્રમાણે બોલ્યા હતા. આ વાત દાસીના મોઢે સાંભળી મીરાંબાઈના માનસપટ પર ભય છવાઈ ગયો.
કૃષ્ણ તો મારી મિલકત છે, કૃષ્ણ વિનાની મીરાં હોય જ નહિ. મીરાં વગરના કૃષ્ણ હોઈ શકે. સંત હૈયાને જબરદસ્ત આઘાત લાગ્યો. ચિતોડગઢ પર રાત્રિના પડછાયા પડવા લાગ્યા. સંદયાકાળની આરતી અને ભજન પતાવીને મીરાંબાઈ પથારીમાં પોઢ્યા. શૈયામાં પોંઢતા ની સાથે ઊંઘ આવી ગઈ. સપનું શરૂ થયું.
મીરાં ધ્યાનમાં બેઠી હતી. ક્રોધભર્યા મહારાણા આવ્યા. એમણે કૃષ્ણની મૂર્તિ ઉઠાવી. મજબૂત હાથોમાં મૂર્તિ પકડીને તે દોડયા ચારે બાજુ ગાઢ અંધકાર હતો. ભયંકર સન્નાટો છવાયો હતો. ગઢના તમાંમ દરવાજા બંધ હતા. મીરાંની આંખ ઊઘડી. દાસીએ કહ્યું,”મીરાંબા , કૃષ્ણની મૂર્તિ લઈને મહારાણાજી ચાલ્યા ગયા છે. “
મીરાં ગભરાઈ. સાચે જ વિફરેલા મહારાણા કૃષ્ણની મૂર્તિને નદીમાં પધરાવી દેશે. દોટ મૂકી. મહારાણા નદી કિનારે જાયતો ગુપ્તમાર્ગે જ જાય. ઘણીવાર કુંવર ભોજરાજ એ માર્ગનો ઉપયોગ કરતાં હતા. મીરાં વિશ્વાસુ હતી. એટલે એને આ રસ્તાની જાણ હતી, હાંફળી ફાંફળી મીરાં ગુપ્ત માર્ગે થઈને નદીકિનારે પહોંચીને જોયું કે, મહારાણાએ હાથ ઊંચો કરીને કૃષ્ણની મૂર્તિને નદીના મધ્યભાગે ફેકી દીધી. હા .. હા ભગવાન તમારી પાછળ હું પણ આવું છું. નદીના ધસમસતા પ્રવાહમાં મીરાએ કૂદકો માર્યો, પોતે નદીના પ્રવાહમાં તણાયા.
પરંતુ આ શું? આંખો ઉઘડી તો નડિ, મહારાણા કે કશું જ દેખાયું નહિ. પૂજાના ખંડમાં જઈને જોયું તો નટખટ મુરલીધર હસતો હતો.
જાણે ઉપાલંબ કરતો હોય. મીરાં તને મારા પર ભરોસો નથી. થોડા દિવસો પસાર થયા.
વળી એક રાત્રે મીરાં સ્વપ્નમાં જોવા લાગી કે, પોતે બેહોશ છે. પાંચ બુકાનીધારી સૈનિકો પોતાને ઊચકી ને ગુપ્તમાર્ગ આગળ દ્વાર ખોલે છે.
મહારાણા કહી રહ્યા છે. “ જયપાલ મીરાંના શબને નદીમાં વહાવી દો. આપણે પછી જાહેર કરીશું કે, મગજની અસ્થિરતાને કારણે મીરાં નદીમાં આપઘાત કરી મરણ પામી. મીરાએ નદી ના પાણીમાં પડીને આપઘાત કર્યો. મેવાડની સમગ્ર પ્રજાએ શોક પાળ્યો, ભાઈ જયમલ રાઠોડની આંખોમાંથી આંસુ સુકાતા નથી કાકા વીરમદેવ ફાટી આંખે બેસી જ રહ્યા છે.
અચાનક આંખો ખૂલી.
મીરાં જેણે જગ છોડ્યું એને વળી મેવાડનો મોહ શો? છોડી દે મેવાડને ? પરંતુ ભગવાન , મેવાડ છોડીને હું જાઉં ક્યાં ? અને એનો જવાબ આપવા જ જાણે , સમાચાર આવ્યા. “કાકા વીરમદેવ ચિત્તોડગઢ પધારે છે. “
મીરાં દોડી. કૃષ્ણની મૂર્તિ પાસે બેસી બોલી,’કાનુડા, તારા ભરોસે મારી નાવ છે.’
--------------------------(૧૦)------------------------------
વીરમદેવ મેડતાના રાજવી મીરાંબાઈના કાકા. એમના આગમનના સમાચારથી મીરાંબાઈ પોતાનો ગમ ભૂલી ગયા. આનંદમાં આવી ગયા.
“ દાસી, મારા કાકા આવી રહ્યા છે. મહેલની સ્વચ્છતામાં ખામી ન રહેવી જોઈએ. “
એક દસકા બાદ મીરાં પોતાના વડીલના દર્શન કરવાની હતી. સાથે ભાઈ જયમલ પણ હતો. મેડતાનો ભીમપરાક્રમી યુવરાજ જયમલ સંતની માફક ત્યાગી નું જીવન વિતાવતો હતો, જાણે દાદાનો પ્રતિનિધિ ન હોય !
મીરાંબાઈને નાનપણ થી ઉછેરનાર રતનબાઈએ વીરમદેવને મીરબાઈની યાતનાથી વાકેફ કર્યા. “મહારાજ , મીરાં પર જુલ્મ વરસાવી રહ્યું છે. મેવાડનું રાજકૂળ .”
“ રતનબા તમારી લાગણી હું સમજું છું, પરંતુ દીકરી ને પરણાવ્યા પછી એની ચિંતા આપણાથી ન થાય. અને રાજકારણના આટાપાટા તો એનાથી પણ કપરા હોય છે. અંહી મમતાનું ગળું દબાવીને જીવવું પડે છે.
“ પરંતુ મીરાંને મળવા તો જઈ શકાય ને? એ માટે તો બંધન નથી.” “હ રતનબા , એમાં કશો બાધ નથી.”
આ વાત સ્વીકારતી વેળા વીરમદેવ સમક્ષ બીજી રાજકીય ગણત્રીઓ પણ હતી.
પિતાજી મારે પણ ચિત્તોડગઢ આવવું છે. જયમલે રજા માંગી. મોટા રસાલા સાથે વીરમદેવ અને જયમલ પિતા-પુત્ર ચિત્તોડગઢ તરફ આવી રહ્યા હતા. વીરમદેવ નું મુખ્ય હરીફ જોધપુર હતું. જોધપુર ના રાજવી ગાંગાજી એમને ક્યારેય જંપીને બેસવા દેતા ન હતા. પરંતુ એ ગાંગાજી બહુ જ કરુણ રીતે અવસાન પામ્યા. સમક્ષ બીજી રાજકીય ગણત્રીઓ પણ હતી.
ગાંગાજીનો એક પુત્ર મહત્વાકાંક્ષી હતો.
એક દિવસે ગાંગાજી મહેલના ઝરૂખે ઊભા હતા ત્યારે માલદેવે તેમને ઝરૂખે થી ધક્કો મારીને ચોકમાં ફેકી દીધા. ગાંગાજીને મારી નાખીને જોધપુરની ગાદીએ માલદેવ ચઢી બેઠા.
જોધપુરના રાઠોડો આંતર વિગ્રહ માં ફસાયા હતા. બુંદી અને અંબર પણ એવા જ કારણે કમજોર પડ્યા હતા. વીરમદેવ અજમેર પર આક્રમણ કરવા ઈચ્છતા હતા. ચિતોડગઢ ના ચીલ મહેતા અને દીવાન કર્મચંદ સાથે એ આ બાબતે મંત્રણા કરવા માંગતા હતા, મેવાડને ગુજરાતનાં બાદશાહ બહાદુર શાહનો ભી રહેતો હતો. હમણાં હમણાં મળવાના સૂબેદાર મૂલ્લુખાં સાથે એની ગાઢ મિત્રતા બંધાઈ હતી.એ બને એ મળી રાયસીનના કિલ્લા પર ચઢાઈ કરી. તે વખતે રાયસીનના કિલ્લા પર સંગ્રામશાહ શાસન કરતાં હતા. તેમની રાણી દુર્ગાવતી , મહારાણા સંગ્રામસિંહની પુત્રી હતી.
બહાદુરશાહ નમકહરામ છે. દક્ષિણ ની જીત વખતે ભાઈ શ્રીપતરાયે એને મિત્ર માની સહાય આપી હતી. હવે સત્તાની આધળી દોટમાં આપણી પર જ,”ક્રોધિત સંગ્રામશાહ બોલ્યા,
“ જ્યારથી રાજનીતિ માં સિદ્ધાંત ને બદલે સ્વાર્થ આવી ગયો છે. ત્યાર થી મિત્ર મિત્ર રહ્યો નથી નહિ તો માળવાના મહંમદશાહ નો દીકરો મલ્લુખાં મેવાડની સામે હોય? રાજનીતિ હંમેશા પ્રવાહી રહી છે.આજના મિત્રો કાલે દુશ્મન બની જાય અને આજના દુશ્મન કાલે મિત્રો પણ બની જાય.” મહારાણી દુર્ગાવતી એ કહ્યું . ઘમાસાન યુદ્ધ થયું. રાયસીને કેસરિયાં અને જૌહરનો મહાવિનાશ જોયો. ચીલ મહેતા યાત્રાએથી પાછા ફર્યા. મીરાંબાઈ પર ગુજારાતા ત્રાસની વાત અને વીરમદેવના આગમન ની વાત તેમણે સાંભળી. “મહારાણા આપ મૂર્ખાઈ ન કરો. રાજપૂતાનામાં આજે વીરમદેવ એક મોટી તાકાત છે, એના ડરથી તો ગુજરાત નો બાદશાહ બહાદુર શાહ મેવાડ તરફ જોઈ શકતો નથી. વીરમદેવ ની મિત્રતા ગુમાવીશું તો મેવાડ કેવી રીતે સાચવી શકીશું ?.”
“ કિલ્લેદારજી મને પણ અફસોસ થાય છે કે, મેં મીરાં પર ખૂબ ત્રાસ ગુજાર્યો છે. પરંતુ મારો વિરોધ ભક્તિ માટે નથી. મીરાંબાઈ કોઈને યે મળે નહિ અને કૃષ્ણ ની ભક્તિ કરે એમાં અમને વાંધો નથી. રાજમાતાઓ અને ખુદ મહારાણી પણ કૃષ્ણની પૂજા ક્યાં નથી કરતાં ?
મહેતા હસ્યાં. મંત્રી કર્મચંદ પણ હસ્યાં.” મહારાણાજી, મીરાંબાઈ મેવાડમાં રહેવા જ ઈચ્છતા નથી. એમણે મેડતા જવાનો નિર્ણય લઈ લીધો છે.”
“ એ ન બને. મીરાંબાઈ મેવાડનું નાક કાપીને મેડતા લઈ જાય.” એકાએક ઉત્તેજિત થઈ મહારાણા વિક્રમાજીત ગર્જી ઉઠયા. “ સ્ત્રીઓ પર જુલ્મ કરીને, પ્રજાને હેરાન કરીને પોતાના મોજ શોખમાં જ રાજની તિજોરી ખાલી કરીને મેવાડનું નાક તો આપે જ પહેલાંથી કાપી નાખ્યું છે.” ગુસ્સાના આવેશમાં જયમલ રાઠોડ બોલી ઉઠયા.
આ સાંભળી મહારાણા વિક્રમાજીતનો હાથ તલવારની મૂઠ પર ગયો. પરંતુ જયમલ રાઠોડે તો શમશેર ઉગામી ને પડકાર આપી દીધો. “મહારાણાજી , શમશેર ના દાવ કેવળ ચિતોડમાં જ ખેલે છે. એવું ન માનતા. મેડતાની શમશેર પણ પાણીદાર છે.
બને યોધ્ધા તલવારબાજી ખેલવા લાગ્યા. સૌને નવાઈ લાગી કે, મહારાણાજી આટલી સરસ તલવારબાજી ખેલી જાણે છે.
બને થાકી ગયા હતા. એકાએક જયમલના વારથી વિક્રમાજીતની તલવારના બે ટુકડા બની ગયા.
જયમલે તલવાર ફેકી દીધી.”
“ મહારાણાજી, મેડતા અને ચિત્તોડ એક હોત તો ?
“ જયમલજી , તમારી શમશેરથી મારુ મસ્તક કપાયું હોત તો વીરમોત તો મળત. લાગે છે કે લડતાં લડતાં મૃત્યુને ભેટવાનુ મારા નસીબમાં લખાયું જ નથી. તમે તો મને ઉપકાર ના ભાર તળે દબાવી દીધો.”
ત્યાં જ વીરમદેવ અને મીરાંબાઈ આવી પહોંચ્યા. “ ભાઈ જયમલ, તમારી શમશેર હવે થી મેવાડની રક્ષા માટે જ ઉપડ્શે.મેવાડના મહારાણાનો જમણો હાથ જયમલ છે. આપણાં વડીલો એ માટે જીવનભર મેવાડની પડખે રહ્યા છે. હું મેવાડ છોડી રહી છું ત્યારે તમારે એક પ્રતિજ્ઞા કરવી પડશે.”
” બહેન શી પ્રતિજ્ઞા? તારી ઈચ્છા મારે માટે આદેશ સમાન છે. “વીરા , પ્રતિજ્ઞા કર કે , જીવનમાં કડી યે મેવાડ સામે શમશેર નહિ ઉપાડું , જ્યારે જ્યારે મેવાડ મુસીબતમાં ઘેરાશે ત્યારે ત્યારે જયમલ રાઠોડની શમશેર એની રક્ષા માટે મ્યાન છોડશે.”
ભગિનીના સ્નેહ ને વશ થઈ જયમલે તે પ્રમાણે પ્રણ લીધું. મહારાણા વિક્રમાજીત ઉભા ઉભા સહોદર સહોદરાના પ્રેમ ને માણી રહ્યા. તે રાત્રે ઉદયમતી મીરાંબાઈ પાસે ગઈ. પસ્તાવો કર્યો. બહેન, ઉદય, તારા સત્કર્મોનો ઉદય થાઓ. તું તારા પતિને ત્યાં જા.”
“ મારી પણ એજ તમન્ના છે. પરંતુ તેઓ મને સ્વીકારશે ?” “અવશ્ય. તું જાતે જઈશ તો અકલ્પ્ય પ્રેમ મળશે. સરિતા ને સાગર પાસે જતાં નાનમ શી ? સ્ત્રીએ ગૌરવને અભિમાનની કક્ષાએ ન ખેચવું.”
સ્વયં મીરાં વિદાય લેવા રાજમાતાઓ ના નિવાસસ્થાને આવી.
“મીરાં, તું ? નવાઈ પામી રાજમાતાઓ બોલી ઉઠી.
હાં, માં હું જાણું છું.હું અને તમે મેવાડની અસ્મિતા માટે જ ઝઝૂમ્યા છે.
જ્યાં જ્યાં આપણે ટકરાયાં ત્યાં ત્યાં આપણો વિચારભેદ જ ટકરાયો છે. મીરાં કૂળની મર્યાદા અને મેવાડની અસ્મિતા માટે જ ઝઝૂમી છે અને ઝઝૂમશે. પરંતુ મારો રાહ નિરાળો છે. આપના મનમાં કે મારા મનમાં પરસ્પર મલીનતા ન રહે એ જ હું ઈચ્છું.
અને ભારે હૈયે રાજમાતાઓ અને મીરાં છૂટાં પડયા. મેવાડ છોડ્યું રસાલો મેડતા તરફ જવા ઉપડ્યો. વેલડીમાં પગ મુકતા મુકતા મીરાંની આંખો સામે દાદા જોધાજી અને સસરા સાંગાજી તરવરી ઉઠયા. ”પ્રણામ વડીલો , મીરાં એ આપનું ઋણ ચૂકવી દીધું છે. હવે તો સંસારના બંધનથી મુક્તને !
જાણે આસમાનમાં વૃધ્ધ વડીલોની છાયા કહેતી ન હોય ‘મીરાં તે આપ્યું છે, કશું યે લીધું નથી. એટલે સુધીકે ,તને આજે તો કર્મની કીર્તિ પણ લાધી નથી.. તારો માર્ગ પ્રશસ્ત હો., ચિત્તોડગઢના દરવાજાઓમાંથી રસાલો પુલ અને પુલ ઓળંગી ધૂળિયા રસ્તે પહોંચ્યો ત્યાં વૃક્ષ નીચે બેઠેલા, પોરો ખાતા કવિનો આત્મા પોકારી ઉઠ્યો.
પાદરથી રસ્તાઓ પાછા વળશે રે,
લઈ લેણદેણ તૂટ્યાનું શૂળ,
ડમરી જેવુ યે સ્હેજ ચડતું દેખાશે,
પછી મીરાં વિખરાયાની ધૂળ.
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને,
રાજ, રુવે રુવે તને તોડશે,
તારો મેવાડ મીરાં છોડશે.
વેલડી ના પૈડાં ફરતાં હતા. મીરાં વિચારતી હતી. મેવાડના ભાલે મે તિલક કરેલાં આજે એના હૈયામાં સોયા ઘોંચાઈ રહ્યા છે. પ્રણામ વીરભૂમિ મેવાડ, શીઘ્ર તારો મહાન ભક્ત આવી પહોંચો.
------------------------------૧૧-----------------------------------
મેડતામાં એની પનોતી પુત્રીનું ઠેર ઠેર ભાવભીનું સ્વાગત થયું. હિંદમાં જેની કીર્તિનો કળશ ઝળકતો હતો એ મીરાંના ગીતો મંદિરે મંદિરે અને ઘરે ઘરે ગવાતા હતા.
પ્રજાવત્સલ વીરમદેવ જેવા રાજવી, ઋષિ જેવા યુવરાજ અને મીરાં જેવી સંત રાજકુમારી. મેડતા તો ધન્ય બની ગયું. યુવરાજ પણ ભગવાન શ્રીકૃષ્ણના મહાન ભક્ત હતા. અહી પણ મીરબાઈની ભક્તિ-સાધના આગળ વધવા લાગી.
જોધપૂર નવા રાજવી માલદેવ અને વીરમદેવ વચ્ચે ઘર્ષણ હતું. માલદેવ મીરાંને જોધપુરની કટ્ટર માનતો હતો. એની સમયસૂચકતાને કારણે જ રતનસિંહ માટે કરવા ધારેલો બળવો નિષ્ફળ ગયો હતો. લોકવાયકા હતી કે મીરાંને મારી નાખવા રતનસિંહે વિષપ્રેષણા અને નાગપ્રેષણાનો પ્રયોગ કરેલો તથા એની તમામ સુવિધા છીનવી લીધેલી. મીરાં ને નજરકેદ જેવી પરિસ્થિતિમાં રાખેલી. માટે જ યુવરાજ કુમાર અને મહારાણા રતનસિંહ અકાળે અવસાન પામ્યા.
તેજ સમયે ચિત્રકૂટના એક સંત તુલસીની વાણીનો લોકો સંદર્ભ આપીને કહેતા હતા.
‘તુલસી’ હાય ગરીબ કી , કબ હુ ખાલી ન જાય.
મુએ ઢોર કે ચામ સે, લોહા ભસ્મ હો જાય.
ચિત્રકૂટમાં તુલસીદાસ નામના યુવાન કથાકાર લોકોના હ્રદય સિંહાસને વિરાજત હતા. લોકો વાતો કરતાં હતા કે, અવિચારી મહારાણા વિક્રમાજીતની પણ એજ દશા થશે. વીરમદેવે આક્રમણ કરીને અજમેર જીતી લીધું. મેડતાની સેનાનો અડધો ભાગ જયમલ સાથે અજમેરમાં જ રોકાયો હતો.
ગુજરાતનાં બાદશાહ બહાદુરશાહ ચિત્તોડગઢ પર આક્રમણ કરવાની તક શોધતા હતા,જોધપુર નરેશ માલદેવ મેડતા પર આક્રમણ કરવાનું વિચારી રહ્યા હતા. આવી રાજકીય પરિસ્થિતિ ! એક વર્ષ પસાર થઈ ગયું. ઈ.સ ૧૫૩૩ ની સાલ પૂરી થવા આવી.
મીરાંએ મેડતા પણ છોડવાનો નિર્ધાર કર્યો. સૌને દુખ થયું. પરંતુ ભક્તિ-ધામ ગોકુળ-વૃંદાવનમાં જતાં મીરબાઈને કોણ રોકે? કેમ રોકે ? મેડતામાં મીરાં હોય અને સંઘર્ષ થાય. મીરાંના દુશ્મનો મેડતાને બાનમાં રાખે. કાકા વીરમદેવ પોતાને કારણે યુધ્ધમાં ફસાય. પ્રજાનું નાહક લોહી રેડાય. મીરાંબાઈ એ ચાહતા ન હતા.
‘આત્માનું કલ્યાણ એ જ શ્રેષ્ઠ છે.’ આમ કહી સૌને આશીર્વાદ આપી મીરાંબાઈ ચાલી નીકળ્યા. સૌએ સાશ્રુ વિદાય આપી. મીરાંબાઈ તો ગાતા હતા.
કોઈ કહિયો રે પ્રભુ આવન કી ,
આવન કી, મન ભાવન કી .. કોઈ
આપ ન આવૈ, લીખ નહિ ભેજે . બાણ પડી લલચાવન કી ,
એ દોઈ નૈણ કહ્યો નહિ માને ,નદીયા બહૈ જૈસે સાવન કી,
ખ કરું, કછુ બસ નહિ મેરો, પાંખ નહિ ઉડ જાવન કી ,
મીરાં કહૈ, પ્રભુ કબૌ મિલોગે, ચેરી ભી હું તેરે દમણ કી,
ગુજરાત થી ભારતના તીર્થધામોની યાત્રાએ નોકળેલો એક સંઘ મીરાંબાઈ એમની જોડે થઈ ગયા.
“ મીરાં, થોડા સૈનિકો મોકલું? “કાકા વીરમદેવ બોલ્યા,
“કાકાજી, મારે વળી રખોપા શા ? સ્વયં સુદર્શનધારી એના ભક્તોની રક્ષા કરતાં હોય છે.
“છતાં અમારા સંતોષ ખાતર ચાર સૈનિકો” મીરાં ઈન્કાર ન કરી શકી. ધારદાર જંગલની કેડીએ આ સંઘ ચાલ્યો જાય છે. મીરાંબાઈએ ભજન છેડ્યું.
શું કરું રાજ તારું, શું કરું પાટ તારું.
ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું, એ રાણા શું રે કરું ---
ભુલી એ ભુલી રાણા,ઘરનાં કામ
અન્ન ન ભાવે, જેને નિદ્રા હરામ—એને શું રે કરું
માવા તારી વાંસલડીમાં ભરી મોણ વેલ,
ઘડીક ઉભેરાં રહો તો, ભરી દઉં હેલ, --તેને શું રે કરું.
ચિત્તોડ ગઢ ને મીરાં રાણી , ચોરે વા’ થાય.
માનો મીરાં રાણી જીરવ્યું ન જાય.
ઊભી ઊભી બજારમાં, ગજ ચાલ્યો જાય,
શ્વાન ભસે તેણે ,લજ્જા ન લગાર.
નિંદા મર ને કર, રાણાજી , નગરના લોક
ભજન મારે તો ભલું, ફેરો થાય ફોક—તેને શું રે કરું.
મનમાં ભજો મીરાં રાણી, નારાયણ નામ.
અગર જો ભજવા હોય તો છોડો મારુ ગામ,
ઘણું સમજાવે રાણાં ,નગરના લોક
વનડાનું વાફળ તેને , શિખામણ ફોક,
બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધરનાં ગુણ,
તમને ભજીને હું તો થઈ છું ન્યાલ.
યાત્રાળુ સંઘના નરનારીઓ ઊલટભેર ભજનના શબ્દો ઝીલતા હતા. મીરાંબાઈની વાણી ગુજરાતીમાં સાંભળી યાત્રાળુઓ હર્ષા તિરેકમાં આવી ગયા. ,તાળીઓ થી જંગલ ગજવી મૂક્યું.
ભજન પૂરું થયું પરંતુ હજુ યાત્રાળુઓની એષણા શમી ન હતી. મુમુક્ષુઓનો પ્રેમ જોઈ મીરાએ બીજું ભજન ગાવા માંડયું.
બંસીવાલા આવો મારે દેશ !
આવો મારે દેશ, હો બંસીવાલા, આવો મારે દેશ !
તારી શામળી સુરત પ્યારો વેશ, બંસીવાલા આવો મારે દેશ.
આવીશ આવીશ કહી ગયા, દઈ ગયા કોલ અનેક,
ગણી ગણીને ઘસી ગઈ જીભ, હારી આંગળીઓની રેખ,
એક વન ઢુંઢી, સકળ વન ઢુંઢું ,ઢુંઢું સારો દેશ,
તારે કારણ જોગણ થઈ ને , ધરીશ ભગવો વેશ,
કાગળ નથી મારે, શાહી નથીને , કલમ નથી લવલેશ,
પંખીનું પરમેશ નહિ, કોણ સંગ લાવું સંદેશ,
મોર મુકુટ શિર છટા બિરાજે, ગુગરાવા કેશ
મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ , આવોની એણે વેશ.
યાત્રાળુઓનો સંઘ ચાલ્યો જાય છે. અચાનક ત્રાડ સંભળાઈ “ખબરદાર, ઊભા રહો.”
સૌ ના ચહેરા તંગ થઈ ગયા. એક માત્ર મીરાંબાઈના ચહેરા પર સ્મિત ફરકતું હતું . સામે સાત આઠ ઘોડેસ્વાર ઊભા હતા. એ સૌ બુકાનીધારી હતા. ઊચો, કદાવર લાગતો એક આદમી ઘોડા પરથી નીચે ઉતર્યો. ”કોઈ ચાલાકી કરવાની કોશિશ કરશો નહિ. જેની પાસે જે હોય તે અહી રજૂ કરે.”
સંઘની સાથે આવેલા સૈનિકોનો હાથ તલવાર તરફ જવાની તક શોધતા હતા.
હસતાં હસતાં મીરાંબાઈ બોલ્યા, ” ભાઈ, ભગવાનના ભક્તો પાસેથી શેની અપેક્ષા રાખો છો ?
આગેવાન ડાકૂ ચમક્યો. એણે ખબર મળ્યા હતા કે , રાજ પરિવારની સ્ત્રીઓ જંગલ માંથી પસાર થઈ રહી છે. પરંતુ અહીં તો એવા કોઈ ચિહ્નો જનતા ન હતા.
“તમે કોણ છો? ક્યાંથી આવો છો ?”
સૈનિકોનો સરદાર તરત બોલી ઉઠ્યો, ”વાઘડદેવ, હું તને ઓળખી ગયો. અમારી સાથે સંત મીરાંબાઈ છે. કોઈ ધનદોલત તને મળશે નહીં. જોઈએ તો અમારા ચાર સૈનિકોનું રક્ત તને મળશે.”
“ કોણ જેતાજી ?”
“હા ,વાઘડ કાકા, તમારું કુટુંબ બહારવટે ચડવાથી પાયમાલ થઈ ગયું. શા માટે હજુ લૂંટનો ધંધો કરો છો ? ”ભાઈ , રાજસત્તા સામે થઈને કોઈ ફાવ્યું નથી. હવે તો આ ધંધામાં જ એક દહાડો મરવાનું છે.
“ ભાઈ , લૂટીને તમે અઢળક સંપત્તિ ભેગી કરી હશે પરંતુ તમારા મનને શાંતિ છે ખરી ?” મીરાંબાઈએ વેધક સવાલ કર્યો. “ પરંતુ મારા જેવા પાપી માટે બીજો કયો માર્ગ છે ?”
“ભાઈ વાઘડદેવ,ભક્તિના દ્વાર સૌના માટે ખુલ્લા છે. ભગવાન તો બધાંને અપનાવે છે.”
જગતમાં જેમની કૃષ્ણભક્તિ વખણાય છે એ મીરાંબાઈ મારી સમક્ષ છે. એમનો ઉપદેશ માથે ચડાવી હું લુટારાનો આ વ્યવસાય છોડી દઉ તો મારુ જીવન ધન્ય બની જશે, વાધડદેવે વિચાર્યું.
છેલ્લા કેટલાક સમય થી એનું મન ચકડોળે ચઢ્યું હતું. ધન તો પુષ્કળ હતું પરંતુ મન અશાંત હતું. હત્યાઓથી શો ફાયદો ? શાહુકારની વાસનાને કારણે એકની એક દીકરી ગુમાવી. શાહુકારના કુટુંબને ખતમ કરી ચાલી નીકળ્યો. જ્યાં જ્યાં ગરીબો પર અત્યાચાર થતાં સાંભળ્યા ત્યાં ત્યાં કાયદો હાથમાં લઈ શાહુકારોનું ધન લુંટી લીધું.
મેવાડ ,મેડતા, જોધપુર ,બુંદી, અંબર, રણથંભોર બધાં રાજ્યોની સરહદો રાજકીય અસ્થિરતાને કારણે ડાકુઓ માટે સ્વર્ગભૂમિ સમાન થઈ પડી હતી. પરંતુ પલટાયેલા સંજોગોમાં જોધપુર, મેડતા અને બુંદીના રાજ્યોની સરહદો ડાકૂઓ માટે કપરી થઈ ગઈ હતી.
વાધડદેવની વૃધ્ધ માતા બીમારીમાં સ્વર્ગે સિધાવ્યા, એના મોટાભાઇ યુધ્ધમાં વીરગતિ પામ્યા. એનું સર્વ સંસારમાં લુટાઈ ગયું હતું. એક દીકરીની આત્મહત્યા ને પગલે એણે સેંકડો માનવીઓન માથા ઢાળી દીધા હતા, એનો આત્મા હવે એને ડંખતો હતો. “ બહુ થયું, વાઘડ હવે રોકાઈ જા. “
“ઉભા રહેજો. હું પણ આપની જોડે આવું છું.”
સૌને ડાકૂના બોલે નવાઈ લાગી.
વાઘડદેવ એના સાથીદારો સાથે મસલત કરવા થોડે દૂર ગયો.
“ સરદાર, તમને ભક્તિનો માર્ગ નહિ ફાવે.”
ભાઈઓ, આજથી મારી સરદારી છોડી દઉં છું, તમે બધાં ધન સરખે ભાગે વહેચી લેજો, પછી ઈશ્વર તમને જે સુઝાડે તે પ્રમાણે વર્તજો હું તો જાઉં છું.”
અને વાઘડદેવ યાત્રાળુઓના સંઘમાં દાખલ થઈ ગયો. એક ડાકૂ સંત થઈ ગયો. “ જેતાજી, જાવ તમે પાછા, જેનું રખોપું વાઘડદેવ કરતો હોય તેને શેની બીક ?”
નહિ બાંધુ મીંઢળ, બીજાના મીઢળ નહિ બાંધુ
હું તો પરણી મારા પિયુજીની સાથ,
જ્ઞાનનું ગોળ ગુરુએ મુખ મહી દીધા.
પ્રેમની ઘાલી વરમાળ ------બીજાના
મન પવનનો ગુરુએ માંડવો રચાવ્યો.
તનડામાં બાંધ્યા છે તોરણ. ----બીજાના
સત્યનાં કંકણ, મારા ગુરૂજીએ બાંધ્યા.
એનો કોણ છોડાવણહાર -----બીજાના
ધર્મના ધોરી, મારાં પ્રસન્ન જાનૈયા.
હું તો અમર પામી ભરથાર.
બાઈ મીરાંને મીંઢળ છે શ્રીરામના,
દેજો તમે સાધુ ચરણે વાસ.
------------------------------(૧૨)------------------------------------------
ઈ. સ ૧૫૩૩ ની સાલ હતી. મીરાંબાઈ મેડતા છોડી વૃંદાવનમાં વસવા ચાલી નીકળ્યા. મથુરામાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો. ગોકુળ, વૃંદાવન અને વ્રજમાં તેમણે બાળલીલા કરી.
મીરાંબાઈ યાત્રાળુઓના સંઘ સાથે વૃંદાવન આવ્યા. થોડા દિવસ પછી આ સંઘ દ્વારિકા જવા માટે આગળ વધ્યો. મીરાંબાઈ સાથે બે દાસીઓ હતી. વાઘડદેવ હતો.
દિલ્હીમાં મોગલસત્તા હતી. પરંતુ પ્રજા ભક્તિના મુશળધાર પ્રવાહમાં વહેતી હતી. મહાત્મા કબીર, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ, સુરદાસઅને હવે મીરાંબાઈના ભજનો ભારતીય પ્રજાની નિરાશાને ખંખેરી નાખતા હતા.
વૃંદાવનમાં ભજન અને સત્સંગ પૂરજોશમાં ચાલતો હતો. મીરાંની મઢૂલીમાં ભજનની રમઝટ ચાલવા માંડી,
અબ મીરાં માન લીજયો હમારી ,
હાજી થાનેં સૈયાં બરજે સારી
રાજા બરજે, રાની બરજે , બરજે સબ પરિવારી,
કુંવર પાટવી સો ભી બરજે, ઔર સેહલ્યા સારી.
સીસ ફલ, શીશ પર સુહે, બિદલી શોભા સારી,
ગલે ગુજારી, કર મે કંકણ, જેવરિ પહિરે ભારી,
સાધુન કે સંગ બૈઠ બૈઠ કે , લાજ ગવાઈ સારી,
નિત પ્રતિ કઢી નીચ ઘર જાવો , કુલકુ લગાયો ગારી,
બડા ઘરાં કી છોરું કહાવૌ, નાચો દૈ દૈ તારી,
વર પાયો હિંદવાણી સૂરજ , અજ દિલમેં ખાં ધારી
તાર્યો પીહર, સાસરા તાર્યો , મી મોસલી તારી.
મીરાંને સત ગુરુજી મિલ્યા, ચરન કમાલ બલિહારી.
અબ મીરાં માં લીજયો હમારી,
હજી થાનેં સૈયાં બરજે સારી.
તુલસી એ કામ વિજય કર્યો , સુરદાસે કામ વિજય કર્યો. મહાન સંતો કાદવમાં કમળ ખીલે તેમ , સંસારના કાદવમાંથી નીકળીને ભક્તિના કમળમાં પ્રવેશ્યા હતા. તેઓની કીર્તિ-સુવાસ ભારત વ્યાપી હતી.
પરંતુ મીરાંબાઈ સ્ત્રી હતી. રાજકુંવરી હતી. વિધવા હતી. તેની સામે રૂઢિચૂસ્ત મેવાડનો રાજવંશ હતો. છતાં તેણે ભક્તિની શક્તિથી રાજસત્તા સામે ઝઝૂમીને ઝુક્યા વગર ભક્તિના ક્ષેત્રે પ્રચંડ વિજયો હાંસલ કર્યા હતા. એના ભજનોમાં પણ એ રોમાંચક પ્રસંગોની ઝલક સાંભળીને ભક્તોને પ્રેરણા પણ મળતી અને ગૌરવ અનુભાવતું.
ભક્તિ એ રાંક નથી. ખુમારીનો વિષય છે. ગુજરાતમાં નરસિંહ મહેતાએ કાશીમાં કબીર અને બંગાળામાં મહાપ્રભુ ચૈતન્યનીએ રાજસત્તા સામે ભક્તિના ચમત્કારથી વિજયો હાંસલ કર્યો હતા.
પરંતુ મીરાંએ પ્રાપ્ત કરેલી સિધ્ધિ એ સ્ત્રી હોવાને કારણે ચાર ચાંદ લગાવતી હતી. ભક્તોને મીરાંની ભક્તિના વિજયમાં પોતાનો વિજય જણાતો હતો.
સાથે સાથે અહોભાવ જાગતો હતો કે, એક મર્યાદાશીલ રાજવંશમાંથી મીરાં ભક્તિના ક્ષેત્રે નિર્ભયતાથી આગળ વધી રહી હતી. ગોકુળ, વૃંદાવન અને વ્રજમાં જાણે રાધાએ સદેહે વાસ કર્યો હોય એવો આનંદ છવાયો.
મીરાંબાઈની કૃષ્ણ પ્રતિ ભક્તિ, તેના મુખેથી ગવાતા પદોમાં વ્યક્ત થતી. એ પદો સાંભળીને ભક્તો ધન્યતા અનુભવતા.
તું નાગર નંદકુમાર, તોસોં લાગ્યો નેહ
મુરલી તેરી મન હરયો , બિસરુયો ગ્રહ જયોહાર.
જબ તૈં સ્ત્ર વનતિ ધુરી પડી, ગ્રિહ અંગના મેં સુહાઈ
પારધિ જ્યોં ચૂકે નહીં,મૃગિ બેંધિ દઈ આય,
પાણી પીર ન જાણઈ, મીન તલફી મરિ જાઈ,
રસિક મધુપ કે ગરભ મે, નહીં સમુજત કઁવલ સુભાઈ,
દીપક કે દયા નહીં ,ઉડી ઉડી મરત પતંગ.
મીરાં પ્રભુ ગિરિધર મિલૈ, પાણી મિલ ગયો રંગ.
એજ વૃંદાવન ની ધરતી પર એક બીજા મહાન કૃષ્ણભક્ત વસતા હતા. એમનું નામ હતું જીવા ગોસાંઈ. મીરાંબાઈ ઘણા સમયથી વૃંદાવનમાં વસતા હતા. છતાં બનેં મહાન કૃષ્ણભક્તોનો મેળાપ કદી થયો ન હતો. મીરાબાઈએ ગોસાઈજીની મહાનતા સાંભળી હતી.
આ જીવા ગોસાંઈ મૂળ બંગાળના હતા. ઈ,સ ૧૫૧૦ માં ચૈતન્ય મહાપ્રભુ ભારતવર્ષની યાત્રાએ નીકળ્યા ત્યારે તેમની સાથે શિષ્યરૂપે વિહરતા હતા.
મહાપ્રભુ વૃંદાવન પધાર્યા. મહાપ્રભુએ ભરતવર્ષમાં વ્યાપેલા જ્ઞાતિ, જાતી અને બીજા ભેદભાવો દૂર કર્યા હતા. સૌને ભક્તિના છત્ર નીચે બેસાડ્યા હતા. વૃંદાવનની ધરતીપર, કૃષ્ણભક્તિની કાશીમાં પોતાના ખાસ છ શિષ્યો ને, કાયમ વસવાટ કરી, કૃષ્ણભક્તિનો પ્રચાર, પ્રસાર કરવાનો આદેશ આપ્યો. એ છ ભક્તોમાં મુખ્ય હતા જીવા ગોંસાઈ. તેઓ ભગવાનના પરમ ભક્ત હતા. વિશાળ વૈભવ અને અપાર સંપત્તિનો ત્યાગ કરીને ત્યાગીનું જીવન ગાળતા હતા. તેમના પ્રત્યે ભક્તોને અપાર શ્રધ્ધા હતી.
જીવ શિવને પ્રાપ્ત કરવા આરાધના કરે છે. જીવ જીવ વચ્ચે ભેદ ન હોવો જોઈએ. ભક્તિની એ પહેલી શરત. પરંતુ માનવી થોડી પણ પ્રભુતા મેળવે એટલે એને અહંકાર આવે જ . જીવા ગોસાંઈને પોતે ગોસાંઈ હોવાનું ભારે અભિમાન. બીજું અભિમાન હતું પુરુષ હોવાનું.
મીરાંબાઈ વૃધ્ધ કૃષ્ણભક્ત જીવાગોસાંઇને મળવા માંગતા હતા. મળી ને એમની ભક્તિની સિધ્ધિનો આદર કરવા માંગતા હતા. પરંતુ જીવાગોસાંઇ કોઈપણ સ્ત્રીના દર્શન કરતાં નહિ. સ્ત્રીને તેઓ ભક્તિમાર્ગનો કંટક સમજતા હતા. માયા સમજતા હતા. માયા મહઠગિની છે. સ્ત્રી પણ ઠગ છે. સાધનાપથને માર્ગે આગળ વધતા મુસાફરને ભક્તિના ઉચ્ચ શિખરેથી પળવારમાં સંસારના ખાડામાં તે ધકેલી દે છે. વિશ્વામિત્ર જેવા મેનકાના મોહમાં ફસાયા. સ્ત્રી તો ભક્તિના સાધકથી દૂર જ સારી.
સ્ત્રી એ શક્તિ છે. શિવ શક્તિથી પૂર્ણ છે. રાધાએ કૃષ્ણની શકિત છે, કમજોરી નથી. સ્ત્રી અને પુરુષ એ તો નટના વેશ છે. શરીર તજયા પછીનો આત્મા સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. એ કેવળ આત્મા જ છે. એ વાત મીરાંબાઈ સમજ્યાં હતા. જીવ ગોસાંઈ ભક્તિના અહંકારમાં એ વિસરી ગયા હતા.
ભક્તિ શુધ્ધ જોઈએ. એમાં અહંકાર પણ ન ચાલે ભગવાન બુધ્ધ, મહાવીર સ્વામી, સંત કબીર , રામાનંદ સ્વામી, દુનિયાના દરેક ધાર્મિક સંસ્થાપકો આચાર-શુધ્ધિને પાયો ગણીને , એ પ્રમાણે જીવન જીવી ગયા. પરંતુ પાછળથી એમના અનુયાયીઓમાં કડક આચાર શુધ્ધિમા શિથિલતા આવતી. ચૈતન્ય મહાપ્રભુના શિષ્યો પણ થોડા શિથિલ બન્યા હતા. તેમાં યે જીવા ગોસાંઈ ગોસાઈ હોવાનો મદ ધરાવતા.
વૃંદાવનથી દૂર દૂર એક પર્ણકુટી હતી. એ પર્ણકુટીની ચારેબાજુ વિશાળ મેદાન હતું. ત્યાં શાકભાજી ઉગાડવામાં આવતી. લીલાંછમ વૃક્ષોની પુત્રવત કાળજી લેવામાં આવતી હતી મધુકર ગોસાંઈજીનો અંગરક્ષક હતો. તે આશ્રમનો મુખ્ય વ્યવસ્થાપક હતો. પ્રભાકર તેનો સહાયક હતો. બંને પ્રખર કૃષ્ણભક્ત હતા.
વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણ પછી જીવા ગોસાંઈને માનવામાં આવતા હતા. વૃંદવનથી થોડોક નિર્જન પથ કાપ્યા પછી તેમનો આશ્રમ આવતો હતો. યાત્રાળુઓ એમના દર્શને અવશ્ય આવતા. એમની ચરણરજ માથે ચડાવીને ધન્યતા અનુભવતા. પરંતુ સ્ત્રી દર્શનનો તેઓ નિષેધ પાળતા. તેથી આ માર્ગે સ્ત્રીઓ આવી શક્તી ન હતી.
વૃંદાવન વિહારીના દર્શને જ્યારે જીવા ગોસાંઈજી જતાં ત્યારે એમના શિષ્યો પ્રથમ એમના આગમનની સૂચના આપી દેતા. જેથી સ્ત્રીઓ આઘીપાછી થઈ જતી.
મીરાંબાઈ કદી કદી વૃંદાવન વિહારીના દર્શને જતાં. ત્યાં ગીતો ગાતા. મીરાંબાઈના આગમનથી મંદિરના પ્રાંગણમાં નવીન ચેતના છવાઈ જતી. ભક્ત સ્ત્રી સમુદાય ભેગો થઈ જતો. ભજન ગાવામાં પણ સાથે થઈ જતો. મીરબાઈને નિહાળીને જ ઘણી સ્ત્રીઓ ધન્યતા અનુભવતી.
એક દિવસે મીરાંબાઈ વ્રજવિહારીના દર્શન કરી રહ્યાં હતાં. આંખો મીંચીને કહી રહ્યા હતા.,”હે કૃષ્ણ, તારી જનભૂમિમાં હવે હું નથી રહેવાની. મારે આવ્યે ઘણો સમય થઈ ગયો છે. મારે તો દ્વારિકા જવું છે.”
“ મીરાં,તારું , વૃંદાવનનું કાર્ય અધુરું છે. તે પૂરું થયા વગર હું તને નહિ જવા દઉં,”મીરાંને ભણકારા વાગ્યા. જાણે કનૈયો તેને ઠપકો આપીને કહી રહ્યો હતો.
મીરાં વિચારમાં પડી ગયા. કયું કામ હશે જે પ્રભુ મારી પાસે કરાવવા માંગે છે. ત્યાં તો ચાર પાંચ સાધુઓ ત્યાં આવી પહોંચ્યા.
સુંદર, વિવેકભર્યા અવાજે બોલવા લાગ્યા.” બહેનો. માતાઓ, કૃપા કરીને થોડીવાર માટે આઘાપાછા થઈ જાઓ. મહારાજ પ્રભુના દર્શને આવવાના છે.”
મીરબાઈને નવાઈ લાગી.” મહારાજ એટલે કોણ ?
એક બટકબોલી સ્ત્રીઓ, મુખ મચકોડી , હાથના ચાળા કરી કહ્યું, ”આ બાવાઓના મહારાજ એટલે જીવા ગોસાંઈ, તેઓ સ્ત્રીઓનો છાંયો પણ લેતા નથી. સ્ત્રીઓએ હટી જવું પડે. આ ગોસાંઈ કેમ સ્ત્રીઓથી આટલા દૂર ભાગે છે ? શું તેમણે પોતાની માં ના પણ દર્શન નહિ કર્યા હોય ?
“ બહેન, સંત માટે આટલું કડવું ન બોલાય. એ તો એમનો નિયમ છે.” મીરાં હસી. વ્રજમાં તો બધી ગોપીઓ હોય પુરુષ તો એક જ ,માત્ર કૃષ્ણ. પોતે મહાન કૃષ્ણભક્ત છતાં પુરુષ હોવાનો અહંકાર! નક્કી કૃષ્ણે આ કામ જ મને સોંપ્યું છે.
“ બહેનો , ગોસાંઈજી ક્યાં મળશે? મારે એમના દર્શન કરવા છે.“ બહેનો હસી પડી, ગોસાંઈજી તો એમની પર્ણકુટીમાં પૂજા કરતા હશે.” “તો મને જવા દો “ કહી મીરાં ભજન ગાતા ગાતા નીકળી પડયા. ક્ષણાર્ધમાં આ વાત ત્યાંના સમુદાયમાં ધૂપની સુગંધની માફક પ્રસરી ગઈ. આથી મીરાંની સાથે કુતૂહળવશ નર-નારી સૌ ટોળે વળી નીકળી પડયા.
વૃંદાવનનું પાદર આવ્યું. એક નિર્જન કેડી તરફ આંગળી ચીંધી એક સ્ત્રી બોલી,“બસ,આ કેડીએ ચાલીએ એટલે દૂર દૂર એક આશ્રમ છે. ત્યાં ગોસાંઈજી રહે છે. અમને તો આ રસ્તે જવાની મનાઈ છે.“
“ ચાલો, બધા આજથી એ મનાઈ હટી જશે.” આસ્થાંભર્યા સ્વરે મીરાંબાઈ બોલ્યા, સૌ સમજી ગયા. આજે ચમત્કાર જોવા મળશે. બે સિધ્ધ ભક્તોની ટક્કર !
મીરાંબાઈ તો ભજન ગાતા જાય છે. સમૂહ બોલ ઝીલતો જાય છે.
વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે.
તેનો શબદ ગગનમાં ગાજે છે. વૃંદાવન મોરલી વાગે છે.
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વા ‘લો રાસમંડળમાં વિરાજે છે.
પીળાં પિતાંબર, જરકસી જામો ,વા,લા ને પીળો ને પટકો રાજે છે.
કાને તે કુંડળ, મસ્તકે મુગટ
હાં રે વાલા મુખપર મોરલી વિરાજે છે.
વૃંદા તે વનની કુંજગલીમાં વા'લો ઠનક થૈ થૈ નાચે છે,
બાઈ મીરાં કે પ્રભુ, ગિરધર નાગર
વા'લા દર્શનથી દુખડાં ભાગે છે.
પગદંડીએ ચાલતો વિશાળ જનસમૂહ ભજનમાં લીન હતો. ઉત્સાહ એટલો બધો કે, જીવા ગોસાંઈનો આશ્રમ આવી ગયો એનું પણ ભાન ન રહ્યું. આશ્રમના મુખ્યદ્વારે મહારાજના પટ્ટશિષ્ય સૂર્યદેવ બેબાકળા બનીને દોડી આવ્યા. તેમને નવાઈ લાગી. આજે નરનારીઓનો સમૂહ આશ્રમના દ્વારે ! કાંઈક નવાજૂની લાગે છે.
આશ્રમમાં મુખ્ય આશ્રમના દ્વારેથી દૂર દૂર એક પર્ણકુટીમાં ગોસાંઈ મહારાજ ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં, અર્ચનામાં મશગુલ રહેતા. નિયત સમયે જિજ્ઞાસુ મુલાકાતીઓ સાથે જ્ઞાનચર્ચા કરી લેતા. જગત સાથેનો એમનો વ્યવહાર અતિ અલ્પ હતો. કદી કદી વૃંદાવન મંદિરમાં વિહારીના દર્શને જઈ આવતા. આ પ્રેરણા એમને ભગવાન તરફથી જ મળી હતી. આજે પણ અચાનક એમના મનમાં ભગવાનના દર્શનની ઈચ્છા જાગી અને શિષ્યોને દોડાવ્યા હતા.
ગોસાંઈજી તો શાંતિથી પ્રસન્ન ચિત્તે ભગવાનની પૂજા કરી રહ્યા હતા. આશ્રમની તમામ વ્યવસ્થા સૂર્યદેવ નામના પટ્ટશિષ્ય સંભાળતા હતા. આટલું મોટું ટોળું ધસી આવ્યું જેથી કદાચ ગુરુજી ગુસ્સે થઈ જશે એમ ધરી સૂર્યદેવ દોડીને મુખ્યદ્વારે આવી પહોંચ્યા.
“ ભાઈઓ અને બહેનો આપ સર્વે શાંત રહો. ગુરુજીની ભક્તિમાં ખલેલ ન પહોંચાડો. ભાઈઓને ગુરુજી દર્શન આપશે. બહેનો માટે હું નિયમથી લાચાર છું. આપ પાછા વળો.”
“ અમે ગુરુજીના દર્શન કર્યા સિવાય પાછા જવાના નથી.” સ્ત્રીઓએ મક્કમ સ્વરે કહ્યું.
સૂર્યદેવે સૌથી આગળ તેજસ્વી સન્નારી જોયા. એમનાથી આદરમાં મીરબાઈને બે હાથ જોડાઈ ગયા. “ બહેન, આપ કોણ છો ? આ બહેનોને સમજાવો.
મીરાંબાઈ સ્વયં ગુરુજીના દર્શને આવ્યા છે.” જનસમુદાય સામટો બોલ્યો. મીરાંબાઈ, મેવાડના ? અહો અમારું ધનભાગ્ય .” સૂર્યદેવ આનંદમાં આવી ગયા.
“ તમે બધાં શાંત રહો, હું ગુરુજીને મળીને આવું છું.”
સૂર્યદેવ ગુરુજીની પર્ણકુટીમાં પ્રવેશ્યો. “ગુરુજી પૂજામાં વિક્ષેપ બદલ ક્ષમા.” પછી સર્વ હકીકત વિદિત કરી.
સૂર્યદેવ, મીરાંબાઈ સ્ત્રી છે. એમને હું કેવી રીતે મળું ? અને દર્શન કરવા હોય તો વૃંદાવન વિહારીના કરો. આત્માનું કલ્યાણ કરનાર તો એ છે. સૂર્યદેવ પાછા ફર્યા. ગુરુજીનો સંદેશ કહી સંભળાવ્યો.
“ ગુરુજીના દર્શનની નેમ બહેનો માટે પાર પડે એમ નથી. તેઓ તો સ્ત્રીને સ્વપ્નમાં કે ચિત્રમાં પણ નિહાળતા નથી. ગુરુજી એમના વ્રતથી લાચાર છે. એમણે કહેવડાવ્યું છે કે , મારાં દર્શન કરવા કરતાં સ્ત્રીઓ પ્રભુના દર્શન કરે. એજ એમનો કલ્યાણ માર્ગ છે.”
સૌને લાગ્યું. બસ તપેલા લોખંડ પર પાણીનો શીતળ છંટકાવ થઈ ગયો. આટલો મોટો ફેરો વ્યર્થ ગયો. ગુરૂજીએ પોતાનું ધાર્યું જ કર્યું. પરિવર્તનની આશા એ આવેલો જનસમુદાય નિરાશ થયો.
“ ભાઈ સૂર્યદેવ, હવે ફક્ત એકવાર ગુરુજી પાસે જાઓ. એમને મારો સંદેશો કહો. ” આજ સુધી હું એમ જાણતી હતી કે , વ્રજમાં એક જ પુરુષ છે. વ્રજમાં વસીને હજુ સુધી આપ પુરુષ રહ્યાં છો ? ધન્ય છે તમારો વિવેક.”
સૂર્યદેવ પાછા પર્ણકુટી જવા રવાના થયા. મીરબાઈએ મુક્ત કંઠે હસતાં હસતાં ભજન ઉપાડ્યું.
એક જ પુરુષ જગમાં , શ્રી હારી રે બીજી અબળાનો અવતાર
વ્રજમાં રહ્યાં પણ વ્રજ જાણ્યુ નહી રે ,વ્રજમાં જીવ્યનો શો સર ?
પ્રકૃતિવશ બધાં સંસારીઓ રે, કૃષ્ણ પ્રકૃતિની પાર
પર્ણકુટીમાં જીવા ગોસાઈજી પ્રસન્નચિત્તે શ્રી હરિ , શ્રી હરિ કહી રહ્યા છે.’ ગુરુદેવ’ કહેતા મૂંઝવણભર્યા ચેહરે સૂર્યદેવ પ્રવેશ્યો. કેમ ? ભાઈ શી મૂંઝવણ છે ?
‘ગુરુદેવ’ કહીને સુરદેવે મીરબાઈનો સંદેશો કહી સંભળાવ્યો. એકબાજુ મીરાંએ ભજન પૂરું કર્યું અને બીજી બાજુ પર્ણકુટીમાંથી સૌએ ગુરુદેવને બહાર નીકળતા જોયા. હર્ષનાદ અને તાળીઓથી ગગન ગાજી ઉઠ્યું. પછી સૌ સ્તબ્ધ થઈને ઊભા રહ્યા. સૌને માટે આ પળો અને દશ્ય રોમાંચક હતું. હવે જનમેદની શાંત હતી. પરંતુ ઉતાવળે પગલે ચાલતા ગુરુદેવ અશાંત હતા.
એમણે મીરાંને જોયાં. “મીરાં. તમને ધન્ય છે. મારાં અહંકારને ઓગાળવા જ ભગવાને તમને મોકલ્યા છે. “ તમે મારાં ગુરુ” કહેતાં ગોસાંઈજી મીરાંના ચરણસ્પર્શ કરવા જાય છે ત્યાં તો મીરાંએ ગુરુના ચરણસ્પર્શ કરી કહ્યું. એનો કંઠ ગદ્ ગદ્ થઈ ગયો હતો.
“ ગુરુદેવ, મને પાપમાં ન નાખો. આપ તો મારાં ગુરુદેવ છો. આપના દર્શન નો આદેશ તૉ સ્વયં ગિરિધારીએ મને આપ્યો છે. ચરણસ્પર્શ તો હું આપના કરીશ. ગોવિંદની એવી ઈચ્છા છે.”
“ મીરાં, એ મુરલીધર ક્યારે ગિરિધર બની જાય એનો ક્યાં ભરોસો છે? મુક્ત હાસ્ય કરતાં ગોસાંઈજી બોલ્યા.
અને આવું પતિતપાવન દ્રશ્ય જોઈને વ્રજવાસીઓ,ભક્તો સૌ ધન્ય બની ગયા. હર્ષની હેલીએ જનતા નાચવા લાગી. જનાર્દનનું આજ સાચું સ્વરૂપ છે ને !
થોડા જ દિવસોમાં એક એવા સમાચાર આવ્યા કે જેથી હર્ષની હેલી ઉતરી ગઈ. મીરાંબાઈ દ્વારિકા જાય છે. જીવા ગોસાંઈ પણ દ્વારિકા પ્રભુ દર્શને પધારે છે. ભક્તોના મોટા સમૂહે નક્કી કર્યું કે, આ બે મહાત્માઓ સાથે સંઘમાં જોડાઈ જવું.
(૧૩)
ભગવાન કૃષ્ણની દ્વારિકાનું મીરબાઈને નાનપણથી જ અનેરું આકર્ષણ હતું. વૃંદાવન થી દ્વારિકા માટે મોટો સંઘ તૈયાર થયો. મીરાંબાઈ અને જીવા ગોસાંઈ જેવી વિભૂતિઓના સત્સંગની કોને તમન્ના ન હોય?
માર્ગમાં પણ ઘણાં ભક્તો સંઘમાં જોડાયા. સંઘ પહેલાં તો એની કીર્તિ પહોંચી જતી. વાઘડદેવનું સુવ્યવસ્થિત સંચાલન હતું.
વિદ્યા અને ગૌરી હઠે ચડી હતી. મીરાંબાઈ તેમણે ચિત્તોડગઢમાં એમના પતિદેવો પાસે મૂકવા જવાની વાત કરતાં હતા. વિદ્યા અને ગૌરી દ્વારિકા માટે વિનવણી કરતાં હતા.
“ વિદ્યા અને ગૌરી,તમે દાસીઓ નથી પરંતુ મારી બહેનો છો ?તમારું મારી સેવાનું કાર્ય પૂરું થયુ છે. હવે તમે તમારા પતિગૃહે જાઓ. રસ્તામાં હું પણ મેવાડના અંતિમ દર્શન કરી લઈશ. કમને તેમણે હા પાડી. મીરાંબાઈનો આદેશ હતો ને ? સંઘ જે જે ગામેથી પસાર થાય છે હજારોનાં ટોળાં તેમણે વિદાય આપે છે. કીર્તિની સુવાસ મેવાડમાં . ચિત્તોડગઢમાં અને રાજમહેલમાં પણ પ્રસરી ચૂકી હતી.
ચિત્તોડગઢના નગરશેઠ, પ્રતિષ્ઠિત આગેવાને તથા સરદારોએ મહારાણાં વિક્રમાજીતને વિનંતી કરી,” મહારાણાજી , મીરાંબાઈ મેવાડનું ગૌરવ છે. ચિત્તોડગઢના પાદરેથી આગળ વધે તે પહેલાં તમે એમને રોકી લો, સંત હૈયું દુભાવ્યું તો આ મુલક ઉજ્જડ થઈ જશે.”
મહારાણા વિક્રમાજીતે એ માટે ધરાર ઈન્કાર કરી દીધો. “મીરાં મેવાડમાં ન જોઈએ. મારી, મેવાડના મહારાણાની આ ઈચ્છા છે.” બીજી બાજુ મીરાંબાઈ યાત્રાના સંઘ સાથે ચિત્તોડગઢના પાદરે પધાર્યા ત્યારે સ્વયં રાજમાતા કર્માવતીદેવી , જવાહરબાઈ તેણે મળવા આવ્યા. મહારાણાની ખફગી વહોરીને પણ મહારાણી વસંતીદેવી આવ્યા.
મીરાબહેન, હું એકલતાના જંગલમાં અટવાઈ છું. સૌ કોઈ જાણે છે. હું મહારાણી છું. પરંતુ મારી પીડા કોઈ સમજતું નથી., મહારાણા .. ..
“ બહેન, મહારાણા પણ ભગવાનની જ સેવા કરી રહ્યા છે. એ પણ ભગવાન એકલિંગજીના દીવાન છે. એમને છોડીને તું દ્વારિકા આવીશ તો તારી ફરજ ચુકીશ. ભગવાન વિક્રમાજીતને સુબુદ્ધિ આપે. સુરાજ ચલાવવાની પ્રેરણા આપે. “
“ચિત્તોડગઢમાં તો પધારો.”
“ ના , વિદ્યા અને ગૌરીને એમના પતિગૃહે મોકલી આપો. મારી આ ફરજ પૂરી કરવા જ હું આવી છું. દર્દ મને એ વાતનું છે કે, હવે ક્યારે ય હું ચિત્તોડગઢ જોઈ શકું નહિ. ચિત્તોડમાં ન પ્રવેશવાની તો મેં પ્રતિજ્ઞા લીધી છે.”
મીરાંબાઈ ચિત્તોડગઢના પાદરેથી રવાના થઈ ગયા.
કોઈક આકળા સ્વભાવનો ચિત્તોડવાસી બોલી ઉઠ્યો,” સંતે તજ્યું એ કેટલો વખત જળવાશે ? હવે ચિત્તોડ યવનોના હાથમાં જશે જ ગૃહિલોત વંશના ભીમ પરાક્રમ છતાં. વાતાવરણમાં મીરાંના ભજનનો સ્વર પડઘાતો હતો.
જાગો બંસીવારે લલના, જાગો મોરે પ્યારે,
રજની બીતી , ભોર ભયો હૈ,ઘર ઘર ખુલે કિવારે ,
મેરા પી દધી મથત સુનિયત હૈ, કંગના કે ઝનકારે,
ઉઠો લાલજી, ભોર ભઈ હૈ, સૂર નર ઠાટે દ્વારે
ગ્વાલ બાલ સબ કરત કોલાહલ, જય જય શબદ ઉચારે,
માખણ રોટી હાથ મી લીની, ગઉગન કે રખવારે,
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, શરણ આયી હું તારે,
તે સમયે જ, ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં તો મીરાનું આ ભજન ખૂબ જ ભાવથી ગવાતું હતું.
મુખડાની માયા લાગી રે ! મોહન પ્યારા.
મુખડાની માયા લાગી.
મુખડું મેં જોયું ત્હારુ, સર્વે જગ થયું ખારું
મન મારુ ન્યારું રે -- મોહન પ્યારા
સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવુ,
તેને તુચ્છ કરીને ફરીએ રે ------મોહન પ્યારા.
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું.
તેને ઘેર શીદ જઈએ રે -------મોહન પ્યારા.
પરણું તો પ્રીતમ પ્યારો, આનંદ સૌભાગ્ય મ્હારો.
રંડવાનો ભય ટાળ્યો રે -------મોહન પ્યારા.
મીરાંબાઈ કહે બલિહારી, આશા છે એક મને ત્હારી.
હવે મને રઢ લાગી રે ------મોહન પ્યારા
તો વળી એક ગામની સરાઈમાં ભજનમંડળીએ ભજન ઉપાડ્યું.
હો નંદલાલ ! નહિ રે આવું ઘરે કામ છે.
તુલસીની માળામાં શ્યામ છે. હો નંદલાલ !
વૃંદા તે વનને મારગ જાતાં
રાધા ગૌરીને ખાં શ્યામ છે, હો નંદલાલ
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
સહસ્ત્ર ગોપીને એક કાન છે. ----હો નંદલાલ
વૃંદા તે વન ની કુંજગલીમાં
ઘેર ઘેર ગોપીઓના ઠામ છે. ---- હો નંદલાલ
આણી તીરે ગંગા, પેલે તીરે જમના
વચમાં ગોકુળિયું ગામ છે. --------હો નંદલાલ
ગામના ,વલોણાં , મારે મહીંના વલોણાં,
મહિડાં ઘૂમ્યાની ઘણી હામ છે. -----હો નંદલાલ
બાઇમીરાં કહે, પ્રભુ ગિરધરના ગુણ,
ચરણન મેં સુખ શ્યામ છે. -----હો નંદલાલ
હો નંદલાલ ! નહિ રે આવું ને ઘરે કામ છે.
તો વળી એક ગામના પાદરે, ભગવાન શ્રીકૃષ્ણના નાનકડા મંદિરમાં ભજનિક ગાતો હોય છે.
ગોવિંદો પ્રાણ અમારો રે,
મને જગ લાગ્યો ખારો રે,
સંઘ નો પડાવ હતો. ખુલ્લા મેદાનમાં ચાંદની રાતમાં સ્વયં મીરાંએ ભજન છેડ્યું.
પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે,
પ્યારા ગોવિંદના ગુણ ગાશું,
ચરણામૃતનો નિયમ હમારે
નિત્ય ઉઠી મંદિરે જાશું ------રાણાજી અમે
રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,
ભગવાન રૂઠે રે મરી જાસુ. ---રાણાજી અમે
વિષના પ્યાલાં રાણાએ મોકળ્યાં,
અમૃત કરીને પી જાશું ----રાણાજી
રામના નમણી ઝાંઝ બનાવી,
તેમાં બેસીને તરી જાશું ---રાણાજી અમે
બાઇ મીરાં કહે, પ્રભુ ગિરધરના ગુણ.
ચરણ કમળ પર વારી જસું -----રાણાજી અમે
આનંદની હેલીએ ચડેલો સંઘ દ્વારિકા આવી પહોંચ્યો. ભક્તિના ઈતિહાસમાં એ એક અનેરો પ્રસંગ હતો. ભક્તો ભગવાનના દ્વારે આવી પહોંચ્યા હતા.
(૧૪)
દ્વારિકમાં મહાસંઘ પ્રવેશ્યો ત્યારે બે ગાયો સામી મળી. પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનારાયણે દર્શન દીધા. મંદિરમાંથી આરતીનો ઘંટારવ સંભળાયો. સંઘે પણ ‘ભગવાન શ્રીકૃષ્ણ કી જય’ નો જયઘોષ પોકાર્યો.
સમગ્ર વાતાવરણમાં આહ્લાદકતા છવાઈ ગઈ. બીજે દિવસે, આ સંઘે જગદગુરુ શંકરાચાર્ય, દ્વારિકાપીઠની મુલાકાત લીધી. તેઓ પણ આ મહાન કૃષ્ણ ભક્તોની કીર્તિથી વિદિત હતા.
જીવા ગોસાંઈ તો અલ્પકાળમાં જ વૃંદાવન પ્રયાણ કરવાના હતા. મીરબાઈને રહેવાનો પ્રબંધ જગતમંદિરના મુખ્ય પૂજારીએ સહર્ષ સ્વીકાર્યો.
જગતગુરુ શંકરાચાર્યે આશીર્વાદ આપતાં કહ્યું,”મીરાંબાઈ, તમને ધન્ય છે. સારાયે ઉત્તર ભારતમાં કૃષ્ણભક્તિની એક લહેર તમે ફેલાવી દીધી છે. ભગવાન દ્વારકેશની આપના પર કૃપા વરસો.”
હવે દ્વારકામાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો. ગુજરાત કાઠિયાવાડના રજવાડાની સ્ત્રીઓને મીરબાઈનું જાદુ હતું. ગુજરાતની જનતા માનતી હતી કે, નરસિંહ મહેતા પછી મીરાંબાઈ જ ચમત્કારિક કૃષ્ણભક્ત છે. એમના દર્શન કરવાનું સૌભાગ્ય સૌ કોઈ મેળવવા લાગ્યા.
મીરાંબાઈનો પ્રભાવ જોઈને દ્વારિકના મહાજને વિનંતી કરી. “ ઈ. સ. ૧૪૭૩ માં સુલતાન મહંમદ બેગડાએ આક્રમણ કરી મંદિરને નુકસાન પહોંચાડ્યું છે. તેનો જીર્ણોધ્ધાર માટે આપની સેવા આપો.”
મીરાંબાઈએ ભગવાનના કામ માટે હા પાડી. પરંતુ અનુભવે સમજાયું કે, આનાથી તો પોતાની ભક્તિમાં વિધ્ન આવે છે. સરળ કાર્ય પણ વિંતડાવાદને લીધે મુશ્કિલ બની જાય છે. એમણે તરત જ એ જવાબદારી માંથી મુક્તિ મેળવી.
અશાંતિ તો સર્વત્ર હોય છે. મેડતા હોય, મેવાડ હોય કે વૃંદાવન હોય કે દ્વારિકા હોય. મનને શાંત રાખવું એ જ મોટી સાધના છે. મીરાંબાઈ પોતાની કાવ્ય-સાધનામાં પરોવાઈ ગયા. શ્રદ્ધાળુઓ મીરાંબાઈની જય બોલાવવા લાગ્યા. હવે મીરાંબાઈએ ના પાડી. કહ્યું, ” મુરલીધરની જય બોલવામાં પુણ્ય છે. જ્યારે મીરાંની જય બોલાવવામાં પાપ છે.”
ભક્તો વધારે શ્રધ્ધાથી તેમને વંદન કરવા લાગ્યા. પરંતુ મીરાંબાઈ તો પ્રશંસાથી પણ પર હતા. એકાદ વર્ષ વીતી ગયું. દ્વારિકમાં મીરાંબાઈ સ્વયં એક તીર્થધામ બની ગયા.
સવારનો સમય છે. મીરાંબાઈ સુદર સ્વરે ભજન ગાઈ રહ્યાં છે.
પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે, પગ ઘૂંઘરું .
લોગ કહૈં મીરાં હો ગઈ બાવરી,સાસ કહૈ કુલનાસી રે
જહર કા પ્યાલા રાણાજી ને ભેજયા, પિયત મીરાં હાંસી રે,
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, બેગ મિલ્યો અવિનાશી રે,
ભજન પૂરું થયું, આવેલા યાત્રાળુઓ તરફ નજર કરી. એક યુવતી અને યુવાનને જોઈને આશ્ચર્યથી મીરાંબાઈ બોલી ઉઠયા, “અરે ઉદયમતી ,બહેન ! તું આવી? રાજકુમાર છેવટે તમે આવ્યા,
હા , અમે બંને છેવટે ઠેકાણે આવ્યા. આપની શિષ્યા બનેલી ઉદયમતીની તો કાયાપલટ થઈ ગઈ હતી. એણે પ્રેમથી અમારાં હૈયાં જીતી લીધાં. અમે અહીં આવ્યા છીએ.” રાજકુમારે વિનયથી કહ્યું.
“ ઉદય, તારા ભાગ્યનો ઉદય થયો તેથી મને આનંદ થયો. હવે તું સુખી થઈશ કારણ કે,તારા અંતરદર્પણનો કાટ દૂર થયો છે.”
“ આપને મારી નાખવા કરંડિયામાં ભયંકર નાગ મોકલ્યા. આપને વિષબાણ કહ્યાં. બદલામાં આપે મારુ જીવન ધન્ય બનાવ્યું. ઉદયમતીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. બરડે હાથ ફેરવી મીરબાઈએ તેને સાંત્વના આપી. સ્વસ્થ થયા ઠેડે ઉદયમતી બોલી,
“ મેવાડ અને ચિત્તોડ પડતીની પીડા ભોગવે છે. મહારાણાએ આંતરિક અને બાહ્ય દુશ્મનો વધારી દીધા છે. કુદરતી અને માનવ સર્જિત સંકટો મેવાડની સમૃધ્ધિને કચડી રહ્યાં છે.”
મીરાંબાઈ તટસ્થ ભાવે સાંભળી રહ્યાં પછી ગંભીરતાથી બોલ્યા. ઉદયમતી, નિરાશ થવાની જરૂર નથી. મેવાડની કીર્તિ ઉજાળે એવા પુરુષો પણ પાકશે. મેવાડની ધરતી વંધ્યા નથી વીર શ્રી છે, આ અંધકાર સૂર્યોદય પહેલાંનો છે. “
વાઘડદેવની સાથે, વૃંદાવનથી એક સાધુ સંઘમાં ભળી ગયો હતો. એ હંમેશા ભક્તિમાં લીન રહેતો. વાસ્તવમાં એ ભગવાન એકલિંગજીનો ભક્ત હતો. કપટી વનવીરે મીરબાઈને ખતમ કરવાની કામગીરી એને સોંપી હતી. પરંતુ વાઘડદેવની ચોકી અને મીરાંબાઈનું તેજ એને ડારતું હતું. ની
હવે એનું ચંચળ મન વાસનાના વમળમાં ફસાયું હતું.
મીરાંબાઈનું એક ભજન તે હંમેશાં વગોળતો,
ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મારે ઘેલમાં ગુણ લાધ્યો.
આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું , મન માયામાં બાંધ્યું.
ભવસાગરમાં ભૂલા પડયા ત્યારે, મારગ મળિયા સાધુ ---ઘેલાં
ઘેલાં તો અમે હરીનાં ઘેલાં, નિર્ગુણ કીધાં નાથે,
પૂર્વજન્મની પ્રીત હતી, ત્યારે હરિએ ઝાલ્યા હાથે, --ઘેલાં
ઘેલાંની વાતો ઘેલાં જાણે, તે દુનિયા શું જાણે ?
જે રસ તો દેવને દુર્લભ, તે રસ ઘેલાં માણે ---- ઘેલાં
ઘેલાં મટી અમે ડાહ્યાં ન થઈએ, ને સંતના શરણાં લીધાં.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર, કર્જ સઘળા ચીંધ્યા ---ઘેલાં
શ્વેત વસ્ત્રધારિણી, ગળામાં રુદ્રાક્ષની માળા પરિધાન કરેલ મીરાં બેતાળીસ વર્ષે પણ આકર્ષક લાગતા હતા. પાખંડી સાધુની દુન્યવી આંખો ભ્રષ્ટ થઈ.
“ મારે આપને એકાંતમાં મળવું છે. ખાનગી વાત કહેવી છે.”
મીરાં, જેને પ્રભુએ દિવ્યચક્ષુ આપ્યા હતા. સાધુની વાત પામી ગયા. “ભાઈ, તારી વાત જરૂર સાંભળીશ.” પછી મીરબાઈએ સ્થળ અને સમય આપ્યા.
વાઘડદેવ નેપથ્યમાં આ સાંભળતો હતો. એને સાધુની ગરદન મરોડી નાખવાનું મન થયું. હાથમાં વસ્ત્રનો કડકો હતો. ઉછળીને એના ગળામાં ભેરવી પ્રાણ લેવાનો વિચાર આવી ગયો. પરંતુ તરત જ મીરબાઈની વાત યાદ આવી. ” ક્રોધ કાબુમાં રાખો.”
એકાંત સ્થળે આવેલી પર્ણકુટી તરફ સાધુ ચાલ્યો જતો હતો. તેનું હૈયું ઉછળતું હતું. પરંતુ એને ક્યાં ખબર હતી કે, પાછળ એના કાળ જેવો વાઘડદેવ આવી રહ્યો હતો.
હૈયામાં આનંદની ભરતી સાથે એણે પગ મૂક્યો. પરંતુ પર્ણકુટીમાં પગ મૂકતાં જ ચોંકી ગયો. ભજનિકોની વચ્ચે મીરાંબાઈ બેઠા હતા.
સાધુએ ઈશારો કર્યો. મીરાંબાઈ ઉઠયા. “ આપે વચન ભંગ કર્યો. શું અને એકાંત કહેવાય ?” થોડે દૂર વૃક્ષ પાછળ વાઘડદેવ છુપાયો હતો. એણે મનમાં કહ્યું, પાખંડી, તને જિંદગીભર એકાંતમાં મોકલી દઉં. ત્યાં તો શાંત, મૃદુ અને પ્રેમાળ સ્વરે મીરાંબાઈ બોલ્યા. “ભાઈ, સાધુ તેં એકાંત કહ્યું હતું. મે ઘણો વિચાર કર્યો. પરંતુ ક્યાંય એકાંત નથી. મારો પતિ સર્વત્ર મારી સાથે જ હોય છે. ક્ષણભંગુર જીવનમાં પાપ ! કમળની પાંખડીઓ પર પડેલાં પાણીના ટીપાં જેવુ ક્ષણભંગુર જીવન.
પતિ ? તમારો ? કેવી વાત કરો છો ?” સાધુની આંખો પહોળી થઈ.
“ હા,સાધુ, કૃષ્ણ વગરની કોઈ જગ્યા નથી. તારે જે વાત કહેવી હોય તે હવે કહે. યાદ રાખ, સંસારના સુખો કાચના ટુકડા જેવા છે. પારસમણી તો પ્રભુની ભક્તિ છે.”
સાધુ સમજી ગયો મીરાંબાઈ શુદ્ધ કાંચન છે. મીરાંબાઈ ના મનમાં જરાયે મેલ નથી. પોતાની ધારણા ખોટી પડી હવે તો ..
સાધુની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. હવે વાધડદેવ બહાર પડ્યો. “પાખંડી, તેં તારી જાત બતાવી હોત તો તે જ ક્ષણે તારી ગરદન મચડી હું તને યમધામ પહોંચાડી દેત.”
સાધુ ક્ષમા માંગી ચાલ્યો ગયો. પછી ક્યારેય દ્વારિકમાં દેખાયો નહીં.
મીરાંબાઈએ ભજન ઉપાડ્યું.
રામનામ રસ પીજે, મનુવાં, રામનામ રસ પીજે,
તજ કુસંગ, સત્સંગ બેઠનત ! હરિ ચરચા સુણ લીજે,
કામ, ક્રોધ ,મદ, લોભ મોહક, ચિત્ત સે ઉડાય દીજે,
મીરાં કે પ્રભુ ગિરધર નાગર ! તાહિકે રંગમેં ભીજે,
સાધુ નાઠો સીધો મેવાડ તરફ, એક ગામમાં એણે નિવાસ કર્યો. થોડે દૂર મંદિર હતું. કેટલાક ભજનિકો ભજન ગાતા હતા.
ભજન ભરોંસે અવિનાશી, મેં તો ભજન ભરોસે અવિનાશી,
જપ ,તપ, તીર્થ કાંઈ યે ન જાણું, ફરત કો ઉદાસી રે ,
મંત્ર ,તંત્ર કાંઈ યે ન જાણું, વેદ પઢયો ન ગઈ કાશી રે,
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, ચરણ કમળની દાસી રે,
મીરાં ,મીરાં મીરાં કેડો નહિ છોડે, મીરાંની મહાનતા છે નહિ તો પેલો વાઘડદેવ મારો ટોટો પીસી નાખત.
ભગવાન એકલિંગજીના મંદિરમાં સાધુ આવ્યો, એણે વનવીર ને મળી સઘળી હકીકત કહી.
“હવે કશી જરૂર નથી. મીરાં હવે ખતરા રૂપ નથી.” કહી વનવીરે તેને ઈનામ આપ્યું.
“ સાધુ મહારાજ મોઢું બંધ રાખજો.”
તે બધાને કહેતો ,”ગુજરાતમાં દ્વારિકા જઈ આવ્યો. ગુજરાત આખું મીરાંના ગીતોથી ઘેલું છે.”
સમય જતાં આ સાધુ એકલિગજી મહાદેવના મંદિરનો મુખ્ય પૂજારી બની ગયો. મીરાંની મહાનતાનો એ જબરો પ્રશંસક બન્યો.
ઈ.સ ૧૫૩૧ થી ૧૫૪૫ નો સમયમાં મેવડે ઘણી તડકી-છાંયડી જોઈ. એના અસ્તિત્વની નાબૂદીના પ્રસંગો પણ ઊભા થયા. પરંતુ ભગવાન એકલિંગજીની કૃપાથી વિક્રમાજીત, વનવીર પછી મહારાણા ઉદયસિંહનું શાસન આવ્યું.
ચિત્તોડગઢ મેવાડપતિનો હતો પરંતુ હુમાયુના પ્રતિનિધિઓ ત્યાં હતા. મેવાડમાં ઉપરાછાપરી દુકાળ પડયા હતા. ઈ. સ ૧૫૩૫ ના જૌહર અને કેસરિયાંએ મેવાડની તાકાત ખૂંચવી લીધી હતી. પરંતુ યુવાન મહારાણા ઉદયસિંહને કાંઈક કરવાની તમન્ના હતી. વીર ધાઈમાં પન્ના, વીર જયમલ રાઠોડ અને અક્ષયરાજ સોનગિરા જેવા ઉમદા તેના સલાહકારો હતા.
“ મેવાડ ને ગ્રહણ લાગ્યું છે. મીરાંબાઈને મેવાડ પાછા બોલાવીએ તો જનતામાં ઉત્સાહ વધે. મહારાણા રતનસિંહ અને મહારાણા વિક્રમાજીતે કરેલા પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય.
રાજવંશની ઘટેલી આબરૂ પછી વધે. મહારાણા તો આ સાંભળી ઉત્સાહિત થઈ ગયા.”આવતી કાલે જ ઉપડો, મેવાડનું ગૌરવ મેવાડમાં જ વસે.”
મેવાડના ઉત્કર્ષ માટે જયમલ રાઠોડ. નગરશેઠ, મહાજનો અને ચીલ મહેતાનું પ્રતિનિધિ મંડળ દ્વારિકા ઉપડ્યું.
“ આપનો વિચાર ઉત્તમ છે.”
મીરાંબાઈ મેવાડના પ્રતિનિધિ મંડળને જોઈને , એમની વિનવણી સાંભળીને દંગ થઈ ગયા. મેવાડ ભક્તિના ચાળે ચડે. એની વીરશ્રી હણાઈ જાય. અને મેવાડ યવનોના હાથમાં જાય એવું હું ઈચ્છતી નથી.
“ મીરબહેન, હવે એ રાણા રહ્યાં નથી, મહારાણા ઉદયસિંહ તો આપની મનોમન પૂજા કરે છે. “રાઠોડ જયમલે કહ્યું, પરંતુ બધુ તજીને, ભગવાનના ચરણોમાં આવેલી મીરાં એ મેવાડ પાછા ફરવાની અનિચ્છા દર્શાવી.
મેવાડના મહાજનો કહેવા લાગ્યા, “ તમે મેવાડ પધારવાની હા નહીં કહો ત્યાં સુધી અમે અન્નજલનો ત્યાગ કરી ઉપવાસ પર ઉતરી જઈએ.”
ધન્ય છે મહાજનો, આપની મેવાડભક્તિને, મારા મનમાં મેવાડ વિષે જરી ડંખ નથી. મેવાડની અસ્મિતા ફરી જાગશે. મારુ મન દુભાયું નથી. મેં મેવાડને કદી યે શ્રાપ આપ્યો નથી. આ જે આશીર્વાદ પાઠવું છું કે મેવાડ ટુંકમાં જ કીર્તિનાં શિખરે પહોંચે.’
છતાં સૌ એ ઉપવાસ પર ઉતરી જવાની જાહેરાત કરી. મીરાંબાઈ આ પ્રેમથી મૂંઝવણમાં મુકાયા. આવી મૂંઝવણ તેમણે ક્યારેય અનુભવી ન હતી. નાગદર્શન, વિષપાન કે શિરોચ્છેદના પ્રયત્ન વખતે તેમનું મન જરાયે ચલિત થયું ન હતું. આજે ચલિત થયું ન હતું.
હું ભગવાનની આજ્ઞા લઈને આવું છું. ‘ કહીને મીરાં મંદિરના ગર્ભદ્વાર સુધી ચાલ્યા ગયા. મંદિરના પૂજારી તેમને પુત્રીવત માનતા હતા. પોતાની મૂંઝવણ તેમની સમક્ષ ઠાલવી.
મીરાંબાઈ દ્વારિકા આવ્યા ત્યારે ગુરુદેવ જીવા ગોસાઈ, વાઘડદેવ અને હજારોનો સંઘ હતો આજે મીરાં એકલાં પ્રસ્થાન કરી રહ્યાં હતા. એમને મુરલીધરનો ભરોસો હતો.
“સંસારની ઉપાધિમાં મારે ઝબકોળવું નથી. હવે મારે માટે દ્વારિકા પણ સલામત નથી. આ લોકો પ્રેમગ્રહને દુરાગ્રહ સુધી ખેંચી ગયા છે.” તરત જ પૂજારીએ મંદિરના ગર્ભદ્વારની બહારનું એક ઢાંકણ ખોલી રસ્તો બતાવ્યો.
“ મીરાં, બેટા, અહીં થી પાછળના રસ્તે નીકળી જા. તારો ગુપ્તવાસ સફળ નિવડો. મારી અંતરની અભિલાષા છે.” પૂજારીએ વિદાય આપી.
મીરાંબાઈ ભગવાનના મંદિરમાંથી ચૂપચાપ નીકળી ગયા. બધું જ છોડી દીધું. અગોચર પ્રદેશમાં જવા તેમણે પગ મૂક્યો. પોતાના મન સાથે વાત કરતાં હોય તેમ બોલી ઉઠયા.”ઉમ્મીદોના શૂન્યાવકાશમાં જ માનવીને ભવાટવી ભટકવાની ખરી મઝા છે. આગોચરના ક્ષેત્રોમાં વિહરવાની આત્માની ઝંખના હવે શીઘ્ર તૃપ્ત થશે. એથી જે હર્ષ હૈયામાં ઉદભવ્યો છે. એ સામે મારી સાંસારિક ઓળખ ગુમાવવાનો મને જરાયે રંજ નથી. હું મારી તમામ ઓળખાણને ગુમાવીને મુક્તિનો શ્વાસ અનુભવું છું. કદાચ એ જ સાચી મુક્તિ તો નહીં હોય ? “
અને આમ એક મહાશક્તિ અજાણી વાટે પ્રયાણ કર્યું.
પુષ્કળ સમય વ્યતીત થયો. મંદિરના ગર્ભદ્વાર બંધ હતા. અનિષ્ટની આશંકા જાગી. ગર્ભદ્વાર ઉતરાવ્યા. અંદર કોઈ ન મળે.
પૂજારીજી બોલ્યા,”મીરાંબાઈ ભાગ્યશાળી, સાયુજ્ય મુક્તિ પામ્યા. ગોવિંદાએ મીરાંને પોતાનામાં સમાવી લીધા. મીરાં રાધાનો અવતાર હતી. ભગવાને પોતાના ધામમાં બોલાવી લીધી.
જયમલે મીરાં જેની ભક્તિ કરતી હતી. તે કૃષ્ણની મૂર્તિ ઉપાડી લીધી. “કનૈયા, તને હું નહિ છોડું. ચિત્તોડગઢમાં તને કેદ કરીને જ જંપીશ.”
નિરાશવદને પ્રતિનિધિમંડળ ચિત્તોડગઢ તરફ રવાના થયું.
--------------------------------x ------------------------x ---------------------------------