Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 27

        

 યુવરાજ ભોજરાજ

        પંદરમી સદીની શરૂઆત હતી. ભારતના રાજકીય ક્ષિતિજે ઘણી ઉથલપાથલો થઈ રહી હતી. અફઘાન સત્તા પર પતનના વાદળો ઘેરાયા હતા. મોગલો સરહદના દ્વાર ખખડાવી રહ્યા હતા. ભારતના રાજવીઓ કુસંપ, વૈભવ અને શરાબમાં પોતાના શતમુખી વિનિપાતને પણ નિહાળી શકતા ન હતા. તે વેળા રાજપૂતાનાંમાં મેવાડપતિ મહારાણા સાંગાજી હિંદુત્વ, ભારતીયતા અને સંસ્કૃતિના રક્ષણ માટે એક મહાસંઘની રચના કરવાનો શુભારંભ કરી ચૂક્યા હતા. એમના મહાસંઘમાં બધાંને સ્થાન હતું. પરંતુ રાજપૂત રાજવીઓ વધારે હોવાથી એ સંઘને રાજપૂત મહાસંઘના નામે ઓળખવામાં આવ્યો.

            મહારાણા સાંગાજી સિસોદીયા વંશના હતા. રાજપૂતાનાના કવિઓ સિસોદીયા વંશની ગૌરવ ગાથા ગાતા ગાતા કહેતા કે, પી લિયા ગરલ સીસા ઉસને , કહલાયા જગમેં સિસોદીયા.  

            ગાઢ જંગલથી છવાયેલા પ્રદેશમાં મોર કળા કરી ટેહુક ટેહુક કરતો હતો. વાતાવરણ રમણીય હતું. એક યુવાન અશ્વારોહી મુસાફર કેડી વટાવતો વટાવતો આગળ વધી રહ્યો હતો. એની સાથે દશ ઘોડેસવાર પણ હતા. નાના મોટા ડુંગરાઓ, નાની મોટી નદીઓ તથા ગરીબ ભીલોના છૂટાંછવાયા પથરાયેલાં ઝુંપડાંઓ એને વતનની યાદ અપાવતા હતા. ઉંચા ઉંચા ડુંગરાઓની વચમાં એક નગર દેખાયું. યુવક હરખાયો દૂરથી જ એને મંદિરની ધ્વ- જા દેખાઈ. એ મહાદેવનો પરમ ભક્ત હતો. સૌએ  પોતાના અશ્વોની ગતિ તેજ કરી. તત્ક્ષણ મંદિરે પહોંચ્યા. મંદિરમાં પ્રવેશી મહાદેવજીના દર્શન કર્યા.

પડછાયો જેમ ઈન્સાનની સાથે જ રહે છે તેમ એના સાથીઓ ઘડીભર પણ એને વીલો મુક્તા નથી,

“જય લૂણેશ્વર” ભક્તજનોનો નાદ સંભળાયો,

હવે યુવકને ખ્યાલ આવ્યો કે, પોતે ગુજરાતનાં લુણાવાડા રાજ્યમાં આવી પહોંચ્યો છે મંદિરના દરવાજેથી પ્રવેશતા એક યુવકને સાધુએ જોયો. મુખમુદ્રા જોઈં તે ચમક્યો. પરંતુ એ ચમકની કોઈ નોંધ લે તે પહેલાં એણે સ્વસ્થતા મેળવી લીધી. “ યુવક, તું ભાગ્યશાળી છે. તું તારા પરિવારની શાન બનીશ.

        તારા ચહેરા પરનું રાજતેજ છુપાય એમ નથી. મારા અંતર ના આશીર્વાદ છે કે ,તું મહાપરાક્રમી બનીશ.  “યુવક હસ્યો, પ્રણામ કર્યા. ” મહારાજ, પરદેશીની નોંધ અહી જલદી લેવાય છે. ચિંતા ન કરશો. અમે શીધ્ર પ્રસ્થાન કરવાના છીએ.” યુવક હતો.

        મેવાડનો ભાવી ગાદીપતિ યુવરાજ ભોજ. રાજપુતાનાના સિરમૌર રાજ્ય મેવાડના મહાપરાક્રમી મહારાણા સંગ્રામસિંહનો સૌથી મોટો પુત્ર ભોજરાજ. “કલ્યાણસિંહ, અહી આપણે રોકવાનું નથી. તેથી જ શીધ્ર પ્રસ્થાન કર્યું. જો હું ઓળખાઈ જઈશ તો રાજ્યની મહેમાનગતિ માણવા પરાણે રોકાઈ જવું પડશે. જે હાલના સંજોગોમાં પોષાય એમ નથી.

        અશ્વો પર દળ આગળ વધી ગયું. ગોધધારનગર સમીપ આવતાં જ ભોજરાજનું મન આનંદથી ઉભરાઈ ગયું એનું બાળપણ અહી વિત્યું હતું, એક કાળે પોતાના કોપભાજન નિર્વાસિત રાજકુમાર સાગાંજીના હિરને પારખીને ગોધધરના રાજવી રાયસિંહે પોતાની પ્રિયપુત્રી કનવરબાઈના લગ્ન ઈ,સ ૧૪૯૫ માં એમની સાથે કર્યા હતા. વખાના માર્યા સાંગાજી થોડો વખત આ પ્રદેશમાં રોકાયા. એ દરમિયાન ભોજનો જન્મ થયો. સાંગાજી મહત્વાકાંક્ષી હતા. રાજપુતાનામાં એમના સાથીઓ પલટાતી રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં તેમની ઉપસ્થિતિની જરૂર પડતાં ગોધધર આવ્યા. પરિણામે કનવરબાઈ અને પ્રિય પુત્ર ભોજને મૂકીને પરાક્રમી સાંગાજી રાજપૂતાના પાછા ફર્યા. વિદાય વેળાએ પત્ની કનવરબાઈની આખોમાં પથરાયેલી શૂન્યતા નિહાળી સાંગાજી નું હદય વિંધાઈ ગયું. “કનવર, તું તો મારુ ભાગ્ય છે. હવે મારા ભાગ્યનો સિતારો ચમકવાનો તમને બનેને હું યોગ્ય સમયે ચિત્તોડગઢ બોલાવી લઈશ. “ બાળક લગભગ કિશોર બન્યો ત્યારે ઈ.સ ૧૫૦૯માં, પિતાજીની ગાદીપર આવતા જ પત્ની અને પુત્રને ચિત્તોડગઢ બોલાવી લીધાં. અને થોડા જ સમયમાં સાંગાજી ની કુશળતાના સૌને દર્શન થયા.

        છ વર્ષ નો સમય પસાર થઈ ગયો.

        હવે તો ૧૮વર્ષનો યુવાન ભોજરાજ અર્જુન જેવો પરાક્રમી લાગતો હતો. મેવાડનો પ્રિય યુવરાજ હતો.    ગોધધરનરેશ રાજા રાયસિંહ બીમાર હતા. આ સમાચારે સાંગાજી અને કનવરબાઈ ચિંતામાં ઘેરાઈ ગયા મેવાડની રાજનીતિના કેન્દ્રસ્થાને બિરાજતા સાંગાજી ને હવે ગોધધાર આવવાની ફુરસદ ન હતી. તો કનવરબાઈ પોતાના પ્રિય પતિને એકલો મૂકવા તૈયાર ન હતી.

        “ કનવર, તું અને યુવરાજ ભોજરાજ ગોધધાર જઈ આવો.” ના, મહારાણાજી, હું તો આપની છાયા છું. ભોજરાજને જ મોકલીએ ?” અને યુવરાજ ભોજરાજ ગોધધાંરના દ્વારે આવી ગયો. રાજા રાયસિંહે માંદગીંના બિછાનેથી યુવરાજ ભોજરાજને જોયો અને મન હર્ષથી પુલકિત થઈ આવ્યું,

      “બેટા, કીર્તિવાન બનો. મહાપરાક્રમી બનો. તારા પિતાએ તો અલ્પ સમયમાં મેવાડને રાજપુતાનામાં અગ્રસ્થાને લાવી દીધું. હું તો એ દિવસની પ્રતિક્ષા કરી રહ્યો છું કે, તમે બંને પિતા-પુત્ર દિલ્લી સલ્તનતને પણ ટક્કર મારી ધર્મ અને ન્યાયની  હકુમત સ્થાપો,”

        એ જ સમયે, ઝાલાવાડ થી રાજવી પરિવારની કેટલીક સ્ત્રીઓ યાત્રા નિમિત્તે પસાર થતાં ગોધધાંર રોકાઈ. તેમણે યુવરાજ ભોજને જોયો. એની કીર્તિ તો બધે પ્રસરી હતી. આવા મેઘાવી યુવરાજ માટે યોગ્ય કન્યા ક્યાં હશે ?” મેવાડના યુવરાજ માટે ગોધધાંરના રાજવી પરિવારમાં આ પ્રશ્ન ચર્ચાને ચકડોળે ચઢ્યો.

    અને સમયના પ્રવાહ સાથે ઝલાવાડની રાજપરિવારની સ્ત્રીઓએ મેવાડમાં રાજમાતા ઝાલીરાણીને આ વાત પહોંચાડી. મેવાડી રાજમાતા ઝાલીરાણી પોતાના સ્વર્ગસ્થ પતિના મૃત્યુ બાદ ચિત્તોડગઢના ખૂણે એક મહેલમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં પોતાનો સમય વિતાવતાં હતા.

        એક દિવસ અચાનક તેમણે મહારાણા સાંગાજીને  પોતાને મળવા આવી જવાનો સંદેશો મોકલાવ્યો. મહારાણા પોતાના વયોવૃદ્ધ કાકીને ખૂબ આદરથી જોતાં હતા. બીજે જ દિવસે પ્રભાતે તેઓ રાજમાતાની સેવામાં ઉપસ્થિત થયા.

  “ પ્રણામ, કાકીજી આપે મને શા પ્રયોજન થી બોલાવ્યો?    

        વિનીત મુદ્રામાં ઊભા રહેલા મહારાણા સાંગાજીના  પ્રશ્નના જવાબમાં રાણી માતાએ કૃષ્ણ ભગવાનની પૂજાનો પ્રસાદ આપતા આસન ગ્રહણ કરવાનો ઈશારો કર્યો.

        “ દીકરા. સાંગાજી , તારો યુવરાજ પુત્ર ભોજરાજ કાઠું કાઢી ગયો છે. એ ભાવિ મેવાડપતિ છે. એના જેવા મેઘાવી પુરુષ માટે એવી જ સુયોગ્ય કન્યા જોઈએ કે નહિ ?”

       “જી , રાજમાતા, હું તો સંગ્રામોમાં રાચનારો મને આવી વાતોમાં ઝાઝી ગમ ન પડે. આપ આંગળી ચીંધો તો ભોજરાજ માટે એવી કન્યા લાવીએ.”

        “યુવરાજ ભોજને યોગ્ય એવી એક કન્યા માત્ર એક જ ઠેકાણે છે.”  “તો આપ એનું નામ પાડો”.

સાંગાજી , તારા પરમ મિત્ર રાઠોડ રતનસિંહની દીકરી મીરાં જેવી ગુણવાન, શીલવાન રૂપવાન સ્ત્રી ભારતવર્ષ માં બીજે ક્યાંય નથી. યુવરાજ ભોજરાજ માટે મીરાંનું માગું મોકલ. મેડતામાં રાવ દુંદાજી જેવા મહાપુરુષની છાયામાં મીરાં મોટી થઈ રહી છે. જેવા તેઓ યોધ્ધા તરીકે માહિર હતા. તેવા ભક્તિના ભેખધારી છે. તત્કાલ મહારાણાજી એ  મેડતા મીરાં માટે માગું મોકલ્યું.

                                                  ------------------------૨---------------------------

        રાઠોડવંશ ભારતના રાજપૂતોનો એક પ્રતિષ્ઠિતવંશ. કનોજ ના રાજા જયચંદ રાઠોડ હતા. એ વંશ રાષ્ટ્રકૂટ નામે પ્રાચીન સમય માં ઓળખાતો હતો. રાજપુતાનામાં મંડોવર માં રાઠોડો રાજ્ય કરતા હતા. કાળબળેએ વંશમાં થઈ ગયેલા જોધાજીએ જોધપુરની સ્થાપના કરી. એમના જ એક પુત્ર રાવ દુંદાજીએ ઈ. સ ૧૪૫૬ માં જૂની      માધાતપુર કે જેની સ્થાપના પરમારવંશીય માધાતાએ કરી હતી અને હાલ તે જીર્ણાવસ્થામાં હતી . તેનો જીર્ણોધ્ધાર કર્યો અને નવું નામ આપ્યું મેડતા.

આખો યે પરિવાર વૈષ્ણવ ધર્મી હતો એટલે મેડતામાં ચતુર્ભુજજી નું એક મંદિર પણ દુંદાજીએ પૂજા કરવા માટે બંધાવ્યું. રાવ દુદાજીના બે પુત્રો હતા. મોટા પુત્ર વીરમદેવ અને નાના પુત્ર રતનસિંહ. વીરમદેવ મેડતાના રાજવી બન્યા અને રતનસિંહ ને કુંડકી અને અગિયાર ગામની જાગીર આપી. કુંડકીમાં રતનસિંહ અને તેમની રાણી હંસાદેવી આનંદપૂર્વક પોતાના દિવસો વ્યતીત કરતાં હતા. ઈ. સ ૧૪૯૮ માં તેમણે ત્યાં એક દીકરીનો જન્મ થયો . તે એમને ક્યાં ખબર હતી કે , આ બાળકીની કીર્તિની મહેક ભારત વર્ષ ના રજવાડાઓમાં પ્રસરી ગઈ હતી.

વીરમદેવ અને રતનસિંહ એટલે રામલક્ષ્મણ ની જોડી, રતનસિંહ મોટાભાઈની છાયા બનીને રહેતા હતા. તે જમાનો સતત યુધ્ધોનો હતો. યુદ્ધ ભૂમિમાં જ જીવન નો કાળ વ્યતીત થઈ જતો. ઈ. સ ૧૫૦૩માં એક મોટી સમસ્યા સર્જાઈ. મીરાંની માં હંસબાનું અવસાન થયું. નાનકડી મીરાંનો ઉછેર કેવી રીતે કરવો? કાકા અંગત દેખરેખ રાખી શકે તેમ ન હતા. મેડતામાં રાવ દુદાજી નિવૃત જીવન ગાળતા હતા. પ્રભુભક્તિમાં તેમનો સમય પસાર થતો હતો. વીરમદેવ મીરાંની  બાલોચિત ચેસ્ટાઓથી આનંદ પામતા હતા.

એમણે મીરાંને કેળવણી ની જવાબદારી ઉપાડી લીધી. જયમલ અને મીરાં બને ભાઈબહેન મેડતાના રાજમહેલમાં આનંદ કલ્લોલ કરતાં મોટા થવા લાગ્યા.

રાવ દુંદાજી ની અભિલાષા હતી કે, મીરાંને એક ઉત્તમ રાજકુંવરી ને શોભે એવું ઉમદા શિક્ષણ આપવું. ભક્તિ નો પાસ તો મીરાંને નાનપણ થી જ લાગેલો હતો. બાળ મીરાં ભગવાન કૃષ્ણની મૂર્તિને હંમેશા વંદન કરતી. કૃષ્ણની ભક્તિ મીરાંને એની મોટા તરફ થી વારસામાં મળી હતી.

મેડતાના રાજમહલમાં એક પ્રસંગ સૌના માટે ચિરસ્મરણીય બની ગયો હતો. એ સમયે હંસાબા જીવિત હતા. સવારનો સમય હતો. દૂરદૂરથી એક વરકન્યાનું જોડું વરઘોડા રૂપે આવી રહ્યું હતું. શરણાઈઓંના સૂર રેલાવતા શરણાઈ વાદકને નાના બાળકો જોતાં જ રહેતા. વર અને વહુ કેટલાં સુંદર છે. જાણે ઢીંગલા –ઢીંગલી  દાસીઓ માહોમહે વાતો કરતી હતી. નાનકડી મીરાં કુતૂહલવશ રાજમહાલના ઝરૂખાના એક ખૂણામાં ઊભી ઊભી વરઘોડો જોતી હતી, મીરાં ક્યાંયે દેખાઈ નહિ એટલે સૌના હૈયામાં ઉચાટ થઈ ગયો. મીરાં ક્યાં ? મીરાં ક્યાં ?મીરાં ની શોધખોળ ચાલી. એક ખૂણામાં વરઘોડો જોતી મીરાંને દાસીએ ખોળી કાઢી.  

“નાનકડી મીરાએ  સૌના હોશકોશ થોડીવાર માટે ઉડાડી દીધા. “હસતાં હસતાં રાય દુદાજી  બોલી ઉઠયા. થોડીવારમાં વરધોડિયા મેડતાના રાજમહાલમાં આવી પહોંચ્યા. રાજ તરફથી એમને આવકારવામાં આવ્યા. મેડતામાં પ્રત્યેક વરરાજા અને નવવધુ રાવ દુદાજીના આર્શિવાદ મેળવવા લગ્ન પછી તરત આવતા,

  આજે એ પ્રણાલિકા પ્રમાણે વરઘોડિયાં આવ્યા હતા. દુદાજીએ  એમને અંતરની આશિષ આપી. બાળ મીરાં હંસાબાને વળગી પડી અને કહેવા લાગી. “માં ,માં , મારો વર  ક્યાં છે? મને કોને પરણાવે છે? નાનકડી મીરાંના  સવાલનો જવાબ માંએ ન આપ્યો. બે ત્રણ વાર પૂછવાથી કઈંક ભોંટપ અને કંઈક ગુસ્સાથી હંસાબા એ એનો હાથ પકડ્યો અને પૂજાગૃહમાં જઈને કૃષ્ણની મૂર્તિ તરફ આંગળી ચીંધી કહ્યું. “આ  તારો વર , હવેથી મારો જીવ ન ખાતી. સમજી.”

બસ , મીરાં ખુશ થતી કૃષ્ણની મૃતિને જોવા લાગી. ત્યારથી તે કૃષ્ણને પોતાનો વર અને પોતાને કૃષ્ણની વધુ માનવા લાગી. આધ્યાત્મના રંગે રંગાયેલા મરજાદી વૈષ્ણવ કુટુંબમાં મીરાંની આ બાળરમત ચાલતી હતી. એક વેળા મીરાંએ હઠ પકડી. અમારો વરધોડો કાઢો. અમે દાદાજી પાસે આશિષ માંગવા જઈએ. નાનકડી સખીઓએ એ ચેટક પણ કર્યું. રાવ દુંદાજી એ પોતાની પૌત્રીની બાળચેષ્ટાને હસતાં હસતાં  વધાવી લીધી અને  આર્શિવાદ પણ આપ્યા. થોડા વખત પછી માંનો છાંયો મીરાંને મસ્તકે થી ઉઠી ગયો.

હવે તો મીરાં રાવ દુદાજી માટે ખૂબ જ વહાલી થઈ પડી. “મારે રતનસિંહ ના આ રતનને અણમોલ બનાવવું છે. “અને સાચે જ એની ઉત્તમ કેળવણીથી એ અણમોલ રતન સાબિત થયું. મીરાં માટે મોટા મોટા રાજવાડાઓમાંથી માંગા આવવા લાગ્યા.  મીરાં તો હંમેશા કહેતી.”મારા લગ્ન તો કૃષ્ણ સાથે થઈ ગયા છે.”  થોડા સમય માટે તો રાવ દુદાજી મીરાં ની વાતને બાળ સહજ ચેષ્ટા માની ટાળી દેતા . પરંતુ ખરેખર મીરાં લગ્ન કરવા ના જ પાડતી હતી એ જોઈ ને રાવ દુદાજી ને દુખ થયું. “દાદાજી મારુ તો લગ્ન થઈ ગયું છે. તમે તો મને આશિષ આપી છે. “બેટા , એ બાળપણ ની રમત હતી. સંસારમાં લૌકિક પ્રણાલિકા પ્રમાણે તો તારે લગ્ન કરવા જ પડશે. મારી કાયાનો ભરોસો નથી. તું હા કહે તો મને શાંતિ થાય નહિ તો મારુ મૃત્યુ પણ અશાંતિના વમળમાં ઘેરાઈ જશે. “ 

           મીરાં દાદાજી ને માતાપિતા માનતી હતી. જગત માં સૌથી વધારે મમતા એને દાદા તરફથી મળી હતી. ઘણા ઘણા વિચાર મંથન પછી એણે કહ્યું ,”દાદાજી ,તમે કહેશો તો લગ્ન કરીશ .” અને ટાંકણે જ  ચિતોડગઢથી મેવાડપતિના યુવરાજ ભોજરાજ માટે મીરાંનું માગું આવ્યું.આમ, મીરાંની ભોજરાજ સાથે સગાઈ થઈ ગઈ.    

------------------------૩--------------------------

મહારાણા સંગ્રામસિંહ પોતાના સમય ના એક શક્તિશાળી શાસક અને મુત્સદી રાજપુરુષ હતા સંવર્ધિત થતી મેવાડની રાજસત્તાને જો રાઠોડોનો અંતરનો ટેકો મળે તો પોતે ધાર્યા નિશાન પાર પાડી શકે. એક બાજુથી આંબેર અને બીજી બાજુથી જોધપુર મહારાણાની પડખે હોય તો રાજપુતાના માં મેવાડ મહાશક્તિશાળી બને. યુવરાજ ભોજરાજ ભવ્ય મ્હારાજ્યનો સમ્રાટ બને. મીરાં સાથે સગાઈ કરવાથી જોધપુર અને મેવાડનું રાજકીય જોડાણ અતૂટ બને.  આવી રાજકીય ગણતરી સાથે સાંગાજીએ મીરાંને મેવાડની ભાવિ મહારાણીની સ્વરૂપે ઉમળકાથી સ્વીકારી.

 સમગ્ર રાજપુતાના માં આ જાહેરાતને સુખદ આશ્ચર્ય સાથે વધાવી લીધી.

“હિન્દુત્વ ની રક્ષા માટે વીરમદેવ રાઠોડે, આમેરરાજ કછવાહાજી એ મને જે સાથ આપ્યો છે. એથી તેઓ મારા ડાબા-જમણા બાહુઓ બની ગયા છે. ભવિષ્યમાં પણ મેવાડના સિસોદિયાઓ, જોધપૂરના રાઠોડો, આમેરના  કછવાહાઓનો ત્રિવેણી –સંગમ હશે ત્યાં સુધી જગતની કોઈ શેતાની તાકાત નમાવી ,ડગાવી કે ઝુકાવી નહિ શકે. માત્ર એટલું જ યાદ રાખવાનું કે , પ્રપંચી વિદેશી રાજાઓ જેમ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણને ચંદ વરદાઈ થી, સેનાપતિ કૈમાસથી, વીર ચામુંડરાયથી જુદા પાડયા તેમ આપણને એકબીજાની સાથે નહિ પણ સામે અથડાવી ન દે. હે ભગવાન,  આપણાં માંથી કોઈ હાહુલીરાય જેવો લાલચુ ન પેદા થાય. “

વળી તેમણે ઈતિહાસ પરથી બોધ પાઠ પણ લીધો હતો. તેઓ હંમેશા પોતાના સાથીઓ સામે લાલબત્તી  ધરતા. “જ્યારે જ્યારે પરદેશીઓ  આ દેશની બે સત્તાઓ માંથી એકનો પક્ષ લે છે ત્યારે ત્યારે અંતે બને સત્તાઓ ખતમ થઈ જે છે. અને પરદેશી સત્તા જ કુટિલતા માં ફાવી જાય છે.આ દેશ માં દિલ્લી ,પંજાબ ,બિહાર અને બંગાળ માં તથા બીજા પ્રદેશો માં આપસ માં થયેલા કુસંપ થી જ મુસ્લિમ સત્તા ફાવી ગઈ છે. આ દેશ ના વતનીઓની ગુલામીઓની જંજીરથી જકડતા રહ્યા છે. માંસ ખાનાર હોય ત્યાં સુધી બકરો વધેરાતો રહેશે. જ્યાં સુધી આ દેશમાં હાહુલીરાયો અને જયચંદો છે. ત્યાં સુધી આ દેશનો સિપાહી હારતો જ રહેશે . એ પરિસ્થિતિ આપણે પલટવી  છે.”

પૌત્રી ની સગાઈ જોઈ ને રાવ દુદાજી સ્વર્ગના પંથે પરહરી ગયા. ઈ . સ ૧૫૨૬ માં ધામધૂમ પૂર્વક મીરાના ભોજરાજ સાથે લગ્ન થઈ ગયા.

વીસનો કોડીલો ભોજરાજ પોતાની અદ્વિતીય રૂપવતી દુલ્હનના પ્રેમ પ્રવાહથી ભીજવાના સુખદ સ્વપ્નો જોતો હતો . મેવાડનો આ યુવરાજ એવા વાતાવરણમાં મોટો થયો હતો કે. પરકીય પ્રેમ ,પરસ્ત્રી સાથે નાજાયજ સંબંધની કલ્પના પણ કરી શકતો નહિ. ગુણ અને રૂપમાં મહાદેવપુત્ર કાર્તિકેય સમાન ભોજ  પોતાની પ્રિયાને આવકારવા પોતાના શયનખંડમાં પ્રવેશ્યો.

૧૮ વર્ષની મીરાં અધ્યાત્મને રંગે રંગાઈ ચૂકી હતી. એનું મનડું માયામાંથી મુક્ત થયું હતું, એને ભક્તિના પૂરમાં કૃષ્ણની અનુભૂતિ થઈ ચૂકી હતી. માનવ દેહના કામણો થી એ આટલી નાની વયે પાર્ થઈ ચૂકી હતી. ભોજરાજ સાથે એનું લગ્ન લૌકિક હતું., રાજકીય હતું. સામાજિક હતું. પરંતુ એમાં ન તો આત્મા સાથે મેળાપ હતો ન તો માનવી યે  આકર્ષણ લગ્ન વેદીમાં પણ મીરાના ચક્ષુમાં તો કૃષ્ણ જ હતા. મીરાંએ સંસાર ભોગવવાની કલ્પના સુધ્ધાં કરી ન હતી. લૌકિક મર્યાદા અને આંતરીક બને સાચવવાના હતા.

યુવરાજના મનમાં ઉચાટ તો હતો જ ચિતોડગઢ માં પગ મૂકતાં જ મીરાં વિષે ઉગ્ર ચર્ચા ચગડોળે ચઢી હતી.

મીરાં એ રાજમાતા કનવરબાઈ ની આજ્ઞાની અવજ્ઞા કરી હતી, બહેન ઉદાએ આ  વાત ફેલાવી હતી. નવવધુ ને કુળદેવી એ પગે લાગવા જવાનો રાજમાતાએ આદેશ આપ્યો. આ સંદેશો જ્યારે મીરાં ને મળ્યો ત્યારે તે ભગવાન કૃષ્ણની પૂજામાં હતી. એટલે કહેવડાવ્યું કે, હમણાં પૂજા પતાવીને પછી જઈશું. નણંદ ઉદયમતી ને લાગ્યું કે , મેવાડની કુળદેવી કરતાં એની પૂજા વધારે મહત્વની? એણે રાજમાતાને કહ્યું ,”માં ભાભી હમણાં પગે લાગવા જવાની ના પાડે છે. “અવજ્ઞા થી રાજમાતા ગુસ્સે થયા. આ વાત મહારાણા ને પહોંચાડી.             

મહારાણા સાંગાજી વિચક્ષણ રાજપુરુષ હતાં છતાં પોતાની પત્નીની અવજ્ઞાથી થોડું દુખ થયું. આ પહેલાં મેવાડની રાજકુમારીઓ રાઠોડો ને ત્યાં અને રાઠોડોની રાજકુમારીઓ મેવાડના રાજવંશ માં લગ્ન કરીને આવી હતી. વિભિન્ન સંપ્રદાયમાં માનતા આ રાજકુટુંબોમાં ક્યારેય ધર્મને લઈને વિવાદ સર્જાયો હતો. મીરાં જેવી સુશીલ કુળવધુ આવો વિવાદ ઉભો કરે એ વાત સાગાજીને ગળે ઊતરતી ન હતી.

એમણે ભોજરાજ ને આ વાતના મૂળ સુધી જવાનો આદેશ આપ્યો હતો મીરાં એ સાચી વાત કહી. સાથે સાથે પોતાની વાત પણ રજૂ કરી. ભોજરાજ ને લાગ્યું કે, મીરાં સાધારણ નારી નથી. કોઈ દિવ્યાતમ છે. એને એની રીતે જીવવા માટે સ્વતંત્રતા આપી અને વચન આપ્યું કે, પોતે એની ભક્તિમાં આડ ખીલી રૂપ નહિ થાય. ભોજરાજે કહ્યું .”પિતાજી , મીરા કૃષ્ણની પૂજામાં હતી. ઉદયમતિએ  માતાજી આગળ ખોટી રજૂઆત કરી છે. કૂળદેવીને  પગે લાગવા જવાનો ઈન્કાર કર્યો ન હતો. પરંતુ પૂજામાંથી  અધવચ્ચે ઊઠવાની ના પાડી હતી. “  આ  વાત નો  પડદો ત્યાં જ પડી ગયો.

પરંતુ ચિત્તોડગઢમાં એક બળવાખોર દુલ્હન તરીકે ની  મીરાની છાપ બંધાઈ ગઈ.

રાજમાતા કનવરબાઈ અને રાજકુમારી ઉદયમતિ એ તો મીરાં સામે મોરચો માંડયો. નાની નાની વાતો ને મોટું અને વિકૃત સ્વરૂપ આપવા માંડયું. મીરાંની સજ્જનતા અને રાજમાતાના સત્તાનો કેફ સામસામે ટકરાયાં. એ ધર્ષણને ટાળવા મીરાંને  એક નાનકડો મહેલ આપવામાં આવ્યો. એ મહેલમાં મીરાં શાંતિ થી રહી શકે એવો હેતુ હતો. રાજમહેલમાં મીરાંની અગત્યતા  કોઈ ને સમજાતી ન હતી. પરંતુ મહારાણા સાંગાજી ને માટે એની મોટી અગત્યતા હતી. ભોજરાજ સાથેનું લગ્ન લૌકિક જ છે. મીરાં તો આધ્યાત્મિક માર્ગે વળી ગઈ છે.

 એ સામાન્ય રાજકુમારીઓ  કરતાં જુદી જ માટીની ઘડાયેલી છે. એ વાત ની પ્રતીતિ થયા છતાં મહારાણા એ મીરાંને સાચવવામાં જ રાજકીય ડહાપણ જોયું.

રાજકીય ઊથલપથલના આ સમયે ઉત્તર ભારત માં રાઠોડોનું જોર પ્રબળ હતું. મીરાંની અવગણના કરવા થી રતનસિંહ જેવા મિત્ર ને દુખ પહોંચશે મેડતા અને જોધપુર છંછેડાશે અને મીરાં તો ભક્તિના માર્ગે હતી. મેવાડ માટે એ લાંછન ન હતું. બલ્કે ગૌરવ હતું. મહારાણા ને દુખ એ વાત નું હતું. કે, રજવાડી સ્ત્રીઓ આ વાતને કદીય સ્વીકારી શકવાની ન હતી.

ભોજરાજે મીરાં ના દુભાયેલાં હૈયાને શાંત પાડવા મીરાંના મહેલના પ્રાંગણમાં કૃષ્ણમંદિર  બાંધવાની વાત કરી. મીરાંને હર્ષ થયો, પણ તે બોલી “એ અહી શક્ય બનશે ? ભગવાન એકલિંગજી ના આ ચિત્તોડગઢમાં કૃષ્ણમંદિર કોણ બંધવા દેશે? ”એ મંદિર બાંધવા સ્વયં પિતાજી ની સ્વીકૃતિ મળી જશે પછી કોણ એમાં બાધા નાખવાની હિંમત કરશે? ભોજરાજે પિતાને મંદિર ની વાત કરી.

મહારાણા ઘણા હર્ષિત થઈ ગયા. તેઓ બોલી ઉઠયા ,” મીરાં માત્ર મારી પુત્રવધુ જ નથી. પુત્રી પણ છે. રાજપૂતી અસ્મિતા માટે મેં સેવેલા  મહાસ્વપ્ન ની મહાકેડીમાં રાઠોડો અને સિસોદિયા વચ્ચેના સંબંધનો એ મહાપુલ છે. રાણા સંગ્રામસિંહ ભગવાન એકલિગજી ના પરમભક્ત છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ માટે અનાદર તો નથી જ બલ્કિ આદર છે. મેવાડીની વીરતા ધાર્મિક સહિષ્ણુતાને વરેલી છે. તો પંથીય ઝગડામાં તો ક્યાંય ફસાવ્યાના જ એથી હું મીરાં નેમાટે કૃષ્ણના મંદિર ને બંધવવા તમામ સગવડ આપીશ સાથે સાથે એનું ખાતમુહૂરત પણ મારા હસ્તે જ થશે.”

આમ ,મહારાણા એ મીરાં ને અભયછત્ર પ્રદાન કર્યું. ભોજરાજ મેવાડનો યુવરાજ હતો. સૌરાષ્ટ્રના એક રાજ્યની રાજકન્યા પ્રભાદેવી  સાથે એના લગ્ન ગોઠવાયાં. લગ્ન થઈ ગયા. વરકન્યા ચિતોડગઢ માં પધાર્યા. મીરાંને આની જાણ કરવામાં આવી ન હતી. મીરાં જાણશે અને એને અગનઝાળ લાગશે એવી ઉદયમતી ની અપેક્ષા હતી. પરંતુ વહેલી સવારે વરકન્યાને આવકારવા મીરાં દરવાજે હાજર હતી. સૌ નવાઈ પામ્યા. નવવધુને મીરાં એ ‘બહેન’ કહી આવકારી. ભોજરાજ અને પ્રભા પ્રણય મસ્ત જીવન ગાળી રહ્યા હતા. મીરાંબાઈનો ભક્તિનો રંગ વધુને વધુ ઘૂટાતો હતો. આમ ને આમ બે વર્ષ વીતી ગયા.

 

 

 

 

-----------------------------૪ ------------------------------------

ઈ.સ ૧૫૧૭ માં દિલ્લીના બાદશાહ ઈબ્રાહીમ લોદી એ મેવાડ પર આક્રમણ કર્યું. મહારાણા સંગે બુંદી પાસે બાકરોલ મુકામે એને જબરદસ્ત શિકસ્ત આપી. ઈબ્રાહીમ લોદી માટે આ કપરો ઘા હતો. એ વહેલી તકે પરાજય નો ડંખ ભુંસી નાખવા આતુર હતો ,ઘાયલ સિંહને છંછેડયા પછી શિકાર થી શાંત બેસી ન રહેવાય. મહારાણા પણ સૈન્યની જબરી તૈયારી સાથે સાવધાન હતા, એક દિવસ ગુપ્તચરે સમાચાર આપ્યા. ઈબ્રાહીમ લોદી સેના  સાથે આક્રમણ કરવા નીકળી ચૂક્યો છે. સેના લઈને કૂચ કરવા મહારાણા ઉધત થયા. કુંવર ભોજરાજે કહ્યું, “ પિતાજી , મને આ વખતે સેના સોંપો. વિજયનું ગૌરવ મને પ્રાપ્ત કરવા દો. મહારાણા હસ્યાં.”યુવરાજ, તમે તમે મેવાડની આમાનત છો. હું જ યુદ્ધમાં જઈશ .” પિતાજી, આપ રણે ચઢો અને હું રંગમહેલે રહું  એ તો કાયરતા કહેવાય. મેવાડના યુવરાજ તરીકે પણ યુધ્ધની પ્રત્યક્ષ તાલીમ મેળવવી શું મારી ફરજ નથી.”

ભલે, તું મારી સાથે આવ, તને એકલો તો હું કદાપિ મોકલવાનો નથી. આમ, મહારાણા સંગ્રામસિંહ અને  યુવરાજ ભોજરાજ બને અફઘાન સેનાને રોકવા જશે  એવો નિર્ણય લેવાયો. ભક્તિમાં ગળાડૂબ મીરાં પ્રભાતનાં ફોરે નયનો ઉઘાડે તે પહેલાં તો સેના વિદાય થઈ ગઈ હતી. ભોજરાજ વિદાય થયા અને પોતાને ખબર પણ ન પડી. ક્ષણાર્ધ માં આ વિચાર ને આવતાં જ ખંખેરી નાખ્યો. પરંતુ યુદ્ધ ના મેદાન તરફ પ્રસ્થાન કરતાં ભોજરાજને થયુ કે, મે મીરાંની અવગણના કરી છે, મારે વિદાય લેવા તો જવું જોઈતું હતું.

ખયેલી આગળ મહારાણાએ સૈન્યનો પડાવ નાખ્યો.  ગુપ્તચરોએ ઈબ્રાહીમ લોદી ને આ વાત પહોંચાડી. મોડી રાત્રે જ્યારે મેવાડી સેના નિરાંતે સૂઈ રહી હતી ત્યારે આક્રમણ કર્યું. પરંતુ મેવાડના ચોકીદારો સાવધ હતા. તુર્તજ સામનો કરવા સૈન્ય કટિબધ્ધ થયું. ભયંકર યુદ્ધ થયું, અંધારાએ  બિહામણો ભાગ ભજવ્યો. અફઘાન સેના હારી અને બાદશાહને ભાગવું પડયું. અહી પણ મેવાડ નો વિજય થયો. પરંતુ  આ  વિજય કપરો હતો. મહારાણા નો એક હાથ કપાયો હતો. યુવરાજ ભોજરાજ પણ ગંભીરપણે ઘાયલ હતા.

“ભોજ , તું મારુ માન રાખતે તો ? “ઉદાસ ચહેરે પિતા બોલી ઉઠયા. “પિતાજી , યુદ્ધમાં ઘયલ થવું એ તો ક્ષત્રિયને માટે સૌભાગ્ય છે. ઘા તો રુઝાઈ જશે. બદનામીનો ઘા તો કાયમનો રહી જાત.“ પરંતુ અનુભવી મહારાણા જાણતા હતા  કે, યુવરાજના ઘા કપરા હતા. લાંબો સમય એ જીવશે નહિ. પરંતુ હૈયું કઠણ કરીને સૈન્ય સંચાલન કરતા હતા. મહારાજ ને ભોજ ના ઉદત શબ્દો યાદ આવ્યા.”દિલ્લીના શાસકો જોધપુરના શાસકો પર હલ્લો કરે અને હું મેવાડમાં અમનચમન કરું એ રાજપૂતી  શાન ન કહેવાય. જેના વડવાઓ ગઝની ,કંદહાર અને ઈરાન સુધી શમશેર ચલાવી આવ્યા એના વંશજ તરીકે રાજપૂતનાની અસ્મિતા માટે મારે શમશેર ઉઠાવવી જ રહી. માટે પિતાજી આપ મને યુધ્ધમાં આવવા માટે અનુમતિ આપો જ.” અને એ અનુમતિ ને કારણે જ મેવાડનો ભાવિ મેવાડપતિ તનથી ખતમ થઈ ગયો હતો. મહારાણા હાડા અને રાઠોડો ની સ્પર્ધા ટાળવા માંગતા હતા. પરંતુ હવે એ જ થવાનું. હાડારાણી પોતાના કુંવરો માટે અને રાઠોડ રાણી પોતાના કુંવર માટે પેંતરા રચવાની. રાજખટપટ હવે મેવાડના રાણીવાસ માં પ્રવેશી ચૂકી હતી. જેમ જેમ ચિતોડગઢ સમીપ આવતો તેમ તેમ ભોજરાજ દુખના વાદળોથી ઘેરાતો હતો. મીરાં ને મેવાડે અન્યાય કર્યો હતો. જે રાજ્યમાં સ્ત્રીઓ પર જુલમ વરસાય છે. તે રાજ્ય બરબાદીને પંથે જાય છે. હવે તો પોતે ઘાયલ હતો. મીરાંની સૌએ તો અવગણના કરી હતી .પરંતુ પોતે પણ એમાં ભાગીદાર બન્યો હતો. એને ક્ષોભ થયો. મીરાં ની મુલાકાત લીધા વગર યુધ્ધે ગયો. એક નારી તરીકે મીરાંએ ભોજરાજ ની સરભરા કરવામાં ક્યારેય કમી રાખી ન હતી. એનો અધ્યાત્મ જ્યાં શરૂ થતો ત્યાં જ એ પ્રવેશી શક્યો ન હતો. એમાં મીરાં નો વાંક ન હતો. મીરાં તો બે પડ માં પીસતો આત્મા હતો પ્રભાના પ્રેમમાં છેલ્લે આદરેલો અવિનય સાલવા લાગ્યો. 

“મને મીરાં ના મહેલે લઈ જાઓ.“ યુવરાજે કહ્યું. ચિતોડમાં હાહાકાર મચી ગયો હતો. લાડકો યુવરાજ ગંભીર પણે ઘવાયો હતો.સૌ એમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. મીરાં પણ ગ્લાની  થી મહેલના ઝરૂખે ઊભી હતી. પાલખી પોતાના જ મહેલે આવતી જોઈ તેને આશ્ચર્ય થયું. પછી તે દોડી. યુવરાજ માટે સુખાસન ઢાળયુ . યુવરાજ ને સુવાડી સૌ વિદાય થયા. આખો દિવસ યુવરાજ ને જોવા નગરજનો નો ધસારો ચાલુ જ હતો. મીરાંએ જોયું કે , ભોજરાજની આંખોમાં વિવશતા હતી. દયાની યાચના હતી. લાચારી હતી. રાત્રિ પ્રારંભ થઈ. એકાંત મળ્યું એટલે મીરાં બોલી “યુવરાજ , તમે તો મહાવીર છો. તમારી આંખોમાં વિવશતા લાચારી , મનને મજબૂત રાખો. તનના ઘાવ તો રુઝાઈ જશે પરંતુ મને તો સાથ આપવો જ જોઈએ.”

“મીરાં હું તારો અપરાધી છું. મે તારી અવગણના કરી એટલે ભગવાન એકલિગજી એ  મને આ સજા કરી. તારું મન દુભાયું આ એનો પડઘો છે. “યુવરાજ, એ ક્ષણિક અને ક્ષુલ્લક વાતો છે. મને એનો જરાયે રંજ હવે નથી. તમે સાજા થઈ જાવ કે જેથી પ્રભાને હું તમારી સોંપણી કરી શકું.“ બાજુમાં બેઠેલી પ્રભા ને મીરાંની મહાનતાનો એક વધુ પરિચય થયો. મીરાં એ મન મૂકીને ભોજરાજ ની સેવા કરી. મીરાં સાથે ધર્મના રંગમાં ઘાયલ ભોજરાજ ના દિવસો પસાર થવા લાગ્યા. મહારાણા સંગ્રામસિંહ ના હૈયામાં મીરાં નું સ્થાન વધુ ઊચેરૂ  બની ગયું.

“જીવનના છેલ્લા સમયને મીરાં પાસે જ અર્પિત કરવાનો છું, હવે મને બીજા કશાયમાં રસ નથી. મને સંતોષ આપવો હોય તો મીરાંને સ્વીકારો.” ચિતોડગઢ માં મીરાં મનથી સ્વીકારાઈ.

પરંતુ ઈ. સ ૧૫૨૧ માં ભોજરાજે પ્રાણ ત્યાગ કર્યા. ૨૩ વર્ષ ની મીરાં ,જેના પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા. હતા. જેણે સંસાર ને સ્પર્શ સુધ્ધાં કર્યો ન હતો. પતિ સાથે સતી થવાનો સવાલ જ ન હતો. પ્રભા ભોજ સાથે ચાલી ગઈ. કોઈ એ એને માટે હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો.

મીરાં શ્વેત વસ્ત્ર ધારિણી બની. વિધવા કરતાં સંન્યાસિની તરીકે એ વધુ અનુકૂળ હતું. મીરાં મહારાણા

સાંગાની છત્રછાયામાં ,મેવાડના નગરજનોની મમતામાં  ભક્તિના પંથે આગળ વધતી હતી. હવે સૌ ને સમજાયું કે, મીરાં મેવાડનું ગૌરવ છે. ભોજરાજને તો એ ક્યારનું સમજાયું હતું. પરંતુ દિવ્યલોકમાં એનો આત્મા હવે સંતોષ પામ્યો હશે.