રાજપુતાના નું ગૌરવ તારાદેવી
કોમલમેરના કિલ્લાના મહેલમાં પોતાના શયનખંડમાં, બપોરના સમયે, જ્યારે સર્વત્ર શાંતિ છવાઈ ગઈ હતી. દરેક આરામ કરી રહ્યા હતા. ત્યારે તારાદેવી પૃથ્વીરાજના વિચારોમાં બેચેન થઈને આંટા મારતી હતી. જલ્દી આવવાનો વાયદો કરીને, ત્રણ રાતો ગુમ થનાર પતિને મીઠો ઠપકો આપવા તે તલસી રહી હતી. પતિ આવે તો કેવી રીતે માનિની બનવું એની પેરવીમાં પડી હતી.
તારાએ આજસુધી પતિનો આવો દીર્ઘ વિરહ સહન કર્યો ન હતો. સારસ-બેલડીની માફક તેઓ સાથે જ રહ્યા હતા.
પૂજારી વીજળીની ત્વરાથી ઘોડાપર, કોમલમેરમાં આવ્યો.
ઉતાવળે ઉતાવળે તારાદેવી સમક્ષ હાજર થયો. “મહારાણી બા…..” ગળે ડૂમો ભરાઈ આવ્યો. વધુ એનાથી બોલાયું નહીં.
“પૂજારીજી, બોલો શું થયું?” તારાદેવી ગભરાયા. “મહારાણી બા, મહારાજ મંદિરમાં ઝેરી….મી…” આટલું સાંભળતા તો તારાદેવી ઝરૂખેથી કૂદીને, ઘોડાપર સવાર થઈને મંદિર તરફ ઘોડાને દોડાવી મૂક્યો. લાંબા ડગલે પગલાં ભરતા તારાએ મંદિરના પ્રાંગણમાં પડેલા મહારાજના દેહને હલાવ્યો પરંતુ પ્રાણ તો સંચરી ચૂક્યા હતા.
તારાદેવી હૈયાફાટ રુદન કરવા લાગી.
“મહારાજ, કેવળ બેઘડી તો થોભવું હતું. મારે માટે કોઈ આખરી આદેશ પણ નહીં. આપણી આખરી મુલાકાત પણ ન થઈ.”
થોડી જ વારમાં સૈનિકો આવી પહોંચ્યા, કટક આવી પહોંચ્યું. છેવટે થાકીને તારાએ રૂદન બંધ કર્યું. ત્યાં તો એની વહાલી દાસી શીતલા રૂદન કરતી આવી પહોંચી.
“મહારાજ, આ શું થઈ ગયું?” એ માથું પટકવા લાગી. મહારાજના અગ્નિદાહ માટે ચંદનની ચિતા તૈયાર કરાવાઇ. શીતલા દાસી ફૂટી આંખે, બહાવરી બનીને રડતી હતી.
“મહારાણી બા, કોમલમેરનો ચિરાગ કદાચ મારા ઉ……..”
તારા દિગ્મૂઢ બનીને દાસી સામે જોઈ રહી. પછી કંઈક વિચારી તે બોલી. “હું હવે મહારાજની પાછળ દેહત્યાગીશ. મહારાજની આખરી નિશાની જાળવજે. એ વેલો જ મહારાજનું મહારાજ્ય હશે.”
સૌ આક્રંદ કરવા લાગ્યા.
કોમલમેરમાં ઘેરો શોક છવાઈ ગયો. “શીતલા, કોમલમેરનો ચિરાગ બુઝાઈ ગયો.” “રાણીમાં ચિરાગ બુઝાઈ ગયો પરંતુ રોશની…….. અને રોશનીને હું બુઝાવા નહીં દઉં. અનુભવી તારા સમજી ગઇ કે, શીતલાને મહારાજનો પ્રેમ મળ્યો હતો. અને પૃથ્વીરાજનું સંતાન એના ઉદરમાં પાંગરતું હતું. અગ્નિપથ પર તારા આગળ વધી. અગ્નિની લપટો વચ્ચે જરાયે સિસકારો માર્યા વગર પૃથ્વીરાજના દેહ સાથે બેસીને રાખ થઈ ગઈ.
જનમેદની પોકારી ઉઠી. “સતી તારાદેવીનો જય હો!”
રાયમલ અને રાય સુરતન શોકાતુર વદને બોલી ઉઠ્યા, ”તારા તો રાજપૂતાનાનું ગૌરવ હતી. એ દેવી હતી અને દૈવી તત્વ માં વિલીન થઈ ગઈ.”
નાભાદેવ ગામે પૃથ્વીરાજના મૃત્યુ પછી તારાદેવી સતી થઈ.
ભાગ--24 રાણા રાયમલની વેદના
રાણા રાયમલ પૃથ્વીરાજના અપમૃત્યુથી દુઃખના દરિયામાં ડૂબી ગયા. “પૃથ્વીરાજ તારો આવો અંત? મેવાડની ગાદી તારા માટે સાદ પાડી રહી હતી. કોમલમેરમાં તું અને તારા જે શાસન ચલાવી રહ્યા હતા તેનાથી મને મેવાડના ભાવિ વિષે આશા બંધાઈ હતી. કાળના એક સપાટે, પ્રભુરાવની કુટિલતાએ માત્ર પૃથ્વીરાજને જ માર્યો નથી. મેવાડનું ભાવિ અંધકારની ગર્તામાં ધકેલી દીધું છે. ઉધ્ધત સૂરજમલ અને યુદ્ધખોર સાંગાજીએ કંઈ મેવાડનું ભાવિ નથી. તેમાયે મારી સામે બળવો કર્યા પછી સૂરજમલને કદીયે મેવાડ સંઘરે નહીં. વળી કામાંધ પુરુષો રાજ્યની ધુરા સફળ રીતે વહન કરી શકતા નથી. હવે શું? એક ગુપ્તચરે ખબર આપ્યા કે. પૃથ્વીરાજને શીતલા નામે એક દાસી સાથે પ્રેમ થઈ ગયો હતો. એનું ફળ પાંગરતું હતું.
મેવાડમાં મહારાણાને ચિંતા કોરી ખાતી હતી. ત્યાં તો દુકાળમાં અધિક માસની માફક સમાચાર આવ્યા કે, સૂરજમલની હત્યા થઈ છે. કોક રજવાડામાં એક સુંદર યુવતીના સંબંધમાં પ્રેમમાં જબરદસ્તી ન જ ચાલે. ઉદ્ધત સૂરજમલની કુટેવે એના પ્રાણ લીધા. મહારાણાની માંદગીમાં વધારો થયો. દિનપ્રતિદિન તબિયત લથડવા લાગી.
કોમલમેરમાં ગયેલા ગુપ્તચરે પાછા આવીને બીજા એક આઘાતજનક સમાચાર આપ્યા. “મહારાજ, શીતલા તો સ્મશાનગૃહમાંથી જ ચાલી ગઈ છે. હવે એ ન મળે. અરવલ્લીની પહાડીઓમાં ઓગળી ગયેલી આ યુવતીને શોધવી અસંભવ છે.
મહારાણાએ નિરાશાની ચાદર ઓઢી લીધી. થોડા દિવસોમાં જ તેઓ પોતાની અંતિમ અવસ્થા પારખી ગયા, દૂર દૂર ચાલી ગયેલા પુત્ર સાંગાજીની યાદ આવવા લાગી.
“સેનાપતિ, સાંગાજીને બોલાવવાનો પ્રબંધ કરો. કદાચ મારી એની સાથે મુલાકાત ન થાય તો પણ એને મારા આ નિર્ધાર સાથે કહેજો કે, તારા પિતાએ મેવાડની શાન તને સોંપી છે. મેવાડની શાન અને ધર્મ તથા પ્રજાની જેટલી રક્ષા કરીશ એટલી તારી કીર્તિ વધશે. તું મારું કામ કરીશ તો મારા આશિષ પણ તારી પાછળ હશે જ.”
નિયતિ ક્રૂર હોય છે. મેવાડ પતિ એક સરદારને પોતાની વેદના કહે છે. કરણસિંહ મહારાજ રાયમલનો વિશ્વાસુ સરદાર હતો. અંતિમ ઘડીએ તેમણે એક ગુપ્ત અને અગત્યનું કાર્ય સોંપ્યું. “કરણ, મારો પ્રિય પુત્ર પૃથ્વીરાજ અને પુત્રવધુ તારા અકાળે કરુણ રીતે સંસાર છોડીને ચાલ્યા ગયા. પૃથ્વીરાજે દાસી શીતલા સાથે પ્રેમ કર્યો હતો. એ દાસી કોણ જાણે ક્યાંક જતી રહી છે. એક જાણભેદુએ તે સગર્ભા હોવાનો સંદેશો મને આપ્યો હતો. અત્યારેતો એની શોધ કરાવવાનો કોઈ અર્થ નથી. પરંતુ ભવિષ્યમાં એ કદાચ એના સંતાન સાથે આવે તો એને ચિત્તોડ રાજઘરાના તરફથી સહાય અને સમ્માન મળે એવી મારી અંતિમ ઈચ્છા તે વખતે જે કોઈ મેવાડપતિ હોય એને જણાવજે. સ્ત્રીને અન્યાય કરવાથી વિનાશની છાયા પરિવાર પર ફરી વળે છે. જો બાપા રાવળના વંશમાં સ્ત્રી પર જુલ્મ થાય તો આ વંશ, જેની ગરિમા વિશ્વવિખ્યાત છે એ ઝાંખી થઈ જાય.
સાંગાજી જયારે ચિત્તોડમાં પ્રવેશ્યા ત્યારે તેમણે પિતાનો પાર્થિવ દેહ જ નિહાળ્યો. આત્મા તો ઊડી ગયો હતો. સમસ્ત મેવાડમાં શોકની કાલીમા છવાઇ ગઇ. સાંગાજીની આંખો આંસુથી છલકાઈ ગઈ. “મેવાડની પ્રતિષ્ઠા, ધર્મની રક્ષા અને આતતાંથીઓને શિક્ષા એ મારું જીવનધ્યેય હશે. હવે સંઘર્ષયુગ શરૂ થાય છે. વણથંભ્યો સંઘર્ષ, સતત સંઘર્ષ. ઇતિહાસની ધરાતલ પર એ એક સુંદર સુવર્ણમયી પૃષ્ઠ હું અંકિત કરીશ જ.”
સાંગાજી હવે અનુભવી બન્યા હતા. પિતાજી કેવી વેદનામાં જીવતા હતા તેનો ખ્યાલ તેમને આવી ગયો. જેમ ચિત્તોડગઢ મહાન છે તેમ તેની સમસ્યાઓ અને વેદના પણ મહાન જ છે.
ભાગ-25 પરંપરાનો ત્યાગ
સાંગાજી વિચારી રહ્યા હતા. “પિતાજીની અંતિમ ઇચ્છા માટે હું મારું સમગ્ર જીવન અર્પણ કરી દઈશ. ભલે આજસુધી હું પિતાથી દૂર ભાગ્યો પરંતુ હવે મારો પ્રત્યેક શ્વાસ પિતાજીના આદેશ માટે હશે.
આ બાજુ, સાંગાજીની ઉપસ્થિતિથી એક મોટી સમસ્યા સર્જાઇ.
રાજપુરોહિતે ગંભીર સ્વરે કહ્યું, “સાંગાજી મેવાડપતિ નહીં બની શકે.
“કેમ?”
બધાં સરદારો આંચકો અનુભવીને બોલ્યા. “મેવાડનો ગાદીપતિ બત્રીસ લક્ષણો અને પૂર્ણ પુરુષ હોવો જોઈએ. રાજવંશની ગરિમા માટે એ જરૂરી પણ છે.” “રાજપુરોહિત, આ તૂત વળી ક્યાંથી કાઢ્યું. રાણાનો એક પુત્ર જીવંત છે. અને તેને પણ તમે ગાદીથી વંચિત રાખવા માંગો છો.” કેટલાક સરદારો ગુસ્સે થઇ બોલ્યા.
તમે ગુસ્સે થશો એટલે પરંપરા બદલાઇ નહીં જાય. મારે મારી ફરજ રૂપે આપ સર્વેને જણાવવાનું કે, મેવાડની એક પરંપરા છે. સિસોદિયા રાજવંશીઓનો એક વણલખ્યો નિયમ છે કે, ચિત્તોડ ની ગાદી ઉપર આવનાર પુરુષ અખંડ હોવો જોઈએ. એના શરીરે કોઈપણ ખોડ ન હોવી જોઈએ. એના હાથ, પગ, આંખો, કાન સલામત હોવા જોઈએ. મતલબ કે શરીરે એક પણ ખોડ ન ચાલી શકે. પોતાની આ પરંપરાને મેવાડે કદીયે લોપી નથી.”
વાત સાંભળી મેવાડના સામંતો, રાવો, રાજાઓ, દરબારીઓ સૌ દ્વિદ્યામાં પડી ગયા, કારણકે સાંગાજી પૂર્ણ અખંડ પુરુષ ન હતા. યુદ્ધમાં એક આંખ એ ગુમાવી ચૂક્યા હતા. અને માળવાના યુદ્ધમાં એક પગ પણ ગુમાવી ચૂક્યા હતા. એમના શરીર પર અનેક ઘા હતા. સૌની નજર ચુડાવતજી પર પડી. ચિત્તોડ રાજઘરાનામાં સંકટની પળે એમની સલાહ અંતિમ ગણાતી.
“ચુડાવતજી, આપ શું માનો છો?” ધીર ગંભીર સાદે ચુડાવતજી બોલ્યા, “કોઈપણ પરંપરા મૂલ્યોની પ્રતિષ્ઠા માટે હોય છે, મેવાડના રાજવંશ પર જ્યારે આફતોનો પહાડ ટૂટી પડે ત્યારે પરંપરાથી સહેજ ફંટાઈને મેવાડના કલ્યાણ માટે, મેવાડના સરદારો અને પ્રજાને યોગ્ય નિર્ણય લેવાનો અધિકાર છે. પરંપરા જ્યારે ગાદી માટે અહિતકારી હોય ત્યારે હું એને ત્યાગવામાં કશી ભૂલ જોતો નથી. સાંગાજી માટે શું નિર્ણય લેવો એ હવે મેવાડના સરદારો અને પ્રજાનો સવાલ બની ગયો છે, જે પ્રજાકલ્યાણ માટે આ પરંપરા સ્થાપી છે એ જ પ્રજાએ પરંપરામાં પરિવર્તન કરી શકે છે.”
સૌએ આ મંતવ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. મેવાડની રાજ્યસભા અને પ્રજાપરિષદની એક સંયુક્ત બેઠક મળી.
વીરવર સાંગાજીએ પ્રથમ પોતાની વાત રજૂ કરી. “મેવાડના સરદારગણ અને પ્રજાજનો. મને રાજલોભ નથી અને મારો અધિકાર જો આપ આપવા માંગતા હશો તો હું ત્યાગી પણ બની જવાનો નથી. એક સાચા રાજપૂત તરીકે પલાયનવાદી થવું એ મારા માટે કાયરતા બની રહે. આપ સૌ સમક્ષ હું પિતાજીની અંતિમ ઇચ્છા પ્રમાણે ઉપસ્થિત થયો છું. તમે જે નિર્ણય લેશો, હું એને શિરોધાર્ય ગણીશ. જો આપ મને મેવાડની ધુરા સોંપવા માંગશો તો મારા રક્તના અંતિમબુંદ સુધી હું કાર્ય કરીશ. જો આપ સર્વને એમાં પરંપરા નડતી હશે તો હું મારા સ્થાને પુનઃ ચાલ્યો જઈશ. પરંતુ એક વાત યાદ રાખજો મેવાડનો એક જાકારો મેં પચાવી લીધો છે. બીજી વખતે જાકારો આપશો તો હું ત્રીજી વખત અપમાનિત થવા મેવાડની ધરતી પર પગ મુકીશ નહિ.” પ્રજાપરિષદ અને રાજસભાએ પુખ્ત વિચારણાને અંતે નિર્ણય લઈ લીધો. એ નિર્ણયના પ્રવક્તા તરીકે ચુડાવતજીએ ઘોષણા કરી.
“સાંગાજી મેવાડના મહારાણા બને એવી સર્વની અભિલાષા છે. મેવાડને આજે જ્યારે દેશમાં યવનદળોના ધાડાં વધી રહ્યા છે અફઘાનોનો પ્રજાપર જુલ્મ વધી રહ્યો છે ત્યારે હિન્દુ અને એના ધર્મ પર કુઠારાઘાત થઈ રહ્યો છે ત્યારે મેવાડને એની યોગ્ય ભૂમિકા અદા કરવામાં સાંગાજીની શમશેર અને નેતૃત્વની જરૂર છે. પરંપરાને નામે કોઈ વામન બાપારાવળના સિંહાસન પર બિરાજે એના કરતાં પરંપરા તોડીને સાંગાજી જ મેવાડપતિ બને એ સ્વીકાર્ય છે. આતતાયીના નાશ માટે તો ભગવાન તુલસીએ પણ વૃંદા સાથે પરંપરા ત્યાગી ગાંધર્વ લગ્ન કર્યા હતા.
જનમેદની પ્રચંડ પ્રતિઘોષ પાડ્તા બોલી, “મહારાણા સંગ્રામસિંહની જય.”
સાંગાજીએ પ્રચંડ સ્વરે ઘોર નાદ ગજાવ્યો. “ભગવાન એકલિંગજીની જય, એ આપણો રાજા અને હું એનો દિવાન.”