પ્રણય પરિણય ભાગ ૫૩વિવાનની ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી ગઝલ ત્યાં જ ઉભી રહી. પછી અંદર ગઈ. મિહિર ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો.
'અરે! પ્રિન્સેસ.. તું?' મિહિર ગઝલને જોઇને ખુશ થતાં બોલ્યો.
'ગુડ મોર્નિંગ ભાઈ..' ગઝલ તેને ભેટીને બોલી.
'ગુડ મોર્નિંગ.. વિવાન પણ આવ્યો છે?' મિહિરે પૂછ્યું.
'આવ્યા હતા પણ મને ઉતારીને જતા રહ્યા.'
'અરે! એમ કેમ ચાલ્યા ગયા? તારે એમને અંદર લેતાં અવાય ને?' કૃપા બહાર આવતાં બોલી.
'એને ઓફિસ જવાનું મોડું થતુ હતું ભાભી, એટલે નીકળી ગયા.' ગઝલ સોફા પર પર્સ ફંગોળતા બોલી.
'આજે પણ ના આવ્યાં.' કૃપા થોડી નિરાશ થઈ. પણ પછી તરતજ ગઝલ સામે જોઈને પુછ્યું: 'તારે નાસ્તો બાકી હશે ને? શું ખાઈશ?'
'કંઈ નથી ખાવું ભાભી, મારે રૂમમાં જઈને સૂઇ જવું છે.' ગઝલનાં અવાજમાં થોડી અકળામણ હતી જે કૃપાના ધ્યાનમાં આવી.
'ગઝલ.. તારી તબિયત તો સારી છે ને?' કૃપાએ ચિંતાથી પૂછ્યું.
'વિવાન જોડે ઝઘડીને નથી આવી ને?' મિહિર બોલ્યો.
'ભાઈ, ભાભી.. હું અમસ્તા જ આવી છું. તમને કેમ એવું લાગે છે કે હું ઝઘડો કરીને આવી હોઈશ?'
'અરે! એમ નહીં, આ વખતે પણ તું એકલી આવી એટલે પુછ્યું હશે!' કૃપાએ કહ્યુ.
'રિલેક્સ ભાઈ.. હું ઝઘડો કરીને નથી આવી. ઈનફેક્ટ હું અને વિવાન આજે ડિનર પર જવાના છીએ. તમને મળવાનું મન થયું હતું એટલે વિવાન મને મૂકી ગયા.'
'વાહ! સરસ! હું તો કહું છું કે આવી છે તો ચાર પાંચ દિવસ રોકાઇ જજે.' કૃપાએ કહ્યું.
'હમ્મ.. તો હવે હું જાઉં મારા રૂમમાં?'
'હાં, જા.. કંઇ જોઈતુ કરતું હોય તો કહેજે.' કૃપાએ કહ્યુ.
'ઓકે..' કહીને ગઝલ ઉપર ચાલી ગઈ.
**
'સમાઈરા બેટા ચલ જમવા..' દાદી તેના રૂમમાં જતા બોલ્યા.
'દાદી મને ભૂખ નથી લાગી.' સમાઈરા બોલી.
'સમુ, બેટા.. આવી રીતે કેમ ચાલશે?' દાદી તેના માથે હાથ ફેરવતાં બોલ્યા.
સમાઈરાએ કોઈ જવાબ ન આપ્યો.
'બેટા, કોઇક વસ્તુ આપણા હાથમાં કે નસીબમાં નથી હોતી. પછી તેની પાછળ આમ હતાશ થઈને ન બેસાય.. જીંદગી ઘણી મોટી છે બેટા, આવી તો ઘણી ઘટનાઓ બનશે.. આપણે તેને ભૂલીને આગળ વધી જવાનું.'
'દાદી, ખરેખર વિવાન મારા નસીબમાં નથી?' બોલતાં સમાઈરાની આંખોમાં પાણી આવી ગયાં.
'કોણે કહ્યું વિવાન તારા નસીબમાં નથી? એ જીંદગી આખી તારી સાથે જ રહેવાનો છે. પણ એક મિત્ર તરીકે, જીવનસાથી તરીકે નહીં.'
'દાદી..' સમાઈરા હીબકાં ભરવા લાગી. દાદી તેની બાજુમાં બેસી ગયા.
'બસ બેટા.. જે વસ્તુ આપણા માટે નહોતી બની એનો શોક શું કામ કરવાનો? એ તારો હતો જ નહીં એટલે તારો ના થયો, જે તારા માટે બન્યો હશે એ સાત સમંદર પારથી પણ ખેંચાઈને તારી પાસે આવશે.' દાદી તેની પીઠ પસવારતા બોલી રહ્યાં હતાં. સમાઈરાએ તેના ખોળામાં માથું મૂકી દીધું.
'અને તું તો સ્માર્ટ છે, ડોક્ટર છે. તારા માટે તો કોઈ મોટો ડોક્ટર શોધીશું. આ ઘોડામાં શું બળ્યું છે! બિઝનેસમેન એટલે નકરો નફો-તોટો જોતા રહેવાનું અને ઘોડાની જેમ મહેનત કરતા રહેવાનું. કોને ખબર આ ગઝલ પણ આમા શું ભાળી ગઈ હશે! મને તો એજ સમજાતું નથી.. અકડુ.. સાવ ડોબો છે એ.' દાદીએ કહ્યું અને સમાઈરા હસી પડી..
'બસ આમ જ હસતાં રહેવાનું. તું દુઃખી હશે તો કાવ્યાને પણ નહીં ગમે..' બોલતાં દાદીની આંખો ભીની થઇ ગઇ.
સમાઈરાએ દાદીના ખોળામાંથી માથું ઉંચું કર્યું અને બોલી:
'અરે હાં! ક્યાં છે એ? હું સવારની આવી છું પણ મેડમ એક વારેય ડોકાયા નથી.. છે ક્યાં એ? વચ્ચે મેં ફોન કર્યો હતો તો લાગતો નહોતો. મોમને પૂછ્યું તો કહે કે ટૂર પર ગઈ છે. હજુ સુધી રીટર્ન નથી આવી કે?'
દાદીની આંખમાંથી પાણી વહેવા લાગ્યાં. તેણે સાડીનો છેડો આડો કરી લીધો, પણ ગળામાંથી ડૂસકું નીકળી ગયું.
'દાદી શું થયું?' સમાઈરા ચિંતાથી બોલી.
'સમુ.. આપણી કાવ્યા..' એટલું કહીને દાદી રડવા લાગ્યાં.
'દાદી.. કાવ્યાને શું થયું?' સમાઈરા હવે ગભરાઈ ગઈ હતી.
'કાવ્યાનો ખૂબ મોટો એક્સિડન્ટ થયો છે.' દાદીએ રડતાં રડતાં કહ્યુ.
'શું? ક્યારે?' સમાઈરા આશ્ચર્યથી ઉભી થઇ ગઇ.
'તું ગઈ એના થોડા દિવસો પછી..' દાદીએ સમાઈરાને માંડીને આખી વાત કરી. બધુ સાંભળીને સમાઈરાને જોરદાર આંચકો લાગ્યો. એ રડવાં લાગી.
'મને કોઈએ કહ્યું પણ નહીં?' એ રડતાં રડતાં બોલી.
'તારુ એમ એસનું છેલ્લું વર્ષ હતું ને થોડા મહિના માટે તારું ભણવાનુ ના બગડે એટલે તને નહોતું કહ્યુ.' વૈભવી અંદર આવતા બોલી.
'તમારા બધાં કરતાં મારુ એમ એસ વધારે મહત્વનું હશે એવું ધારી કેમ લીધું તમે?' સમાઈરા ગુસ્સે થઈ ગઈ.
'સમાઈરા..!!' વૈભવી થોડી વારથી દરવાજે ઉભી ઉભી એ બંનેની વાતો સાંભળી રહી હતી. સમાઈરા ગુસ્સે થયેલી જોઈને એ અંદર આવી.
'સમાઈરા..' વૈભવી તેને વારતા બોલી.
'ના મોમ.. કાવ્યા સાથે આટલું બધું બની ગયું અને તમે કોઈએ મને કહ્યું પણ નહીં? હું પારકી છું કે? દાદી તમે જ કહો.. હું કોઈ નથી આ ઘરની?' એ રડતાં રડતાં બોલી.
'એવું નથી બેટા..' દાદી બોલ્યા.
'એવું જ છે દાદી.. કાવ્યાનો એક્સિડન્ટ, વિવાનના લગ્ન.. બધુ તો મારાથી છુપાવ્યું.. ખરેખર તમે લોકો મને પોતાની માનતા જ નથી.' સમાઈરા આંખો લૂછતાં બોલી.
'એવું કંઈ નથી બેટા, તું અહીં આવીને શું કરી શકવાની હતી? ઉલટું તારૂ ભણવાનું ડિસ્ટર્બ થાત..' કૃષ્ણકાંત અંદર આવતા બોલ્યા.
'મામા, આ મારી પણ ફેમીલી છે ને? હું પણ આ ફેમીલીનો એક હિસ્સો છું.'
'હા બેટા..' કૃષ્ણકાંતે કહ્યુ.
'તો પછી મારી ફેમીલી કરતા મારા શિક્ષણને વધારે મહત્વનું કેમ ગણ્યું?'
'બેટા સમી, કાવ્યાની હાલતમાં કોઈ સુધાર નથી એ કોમામાં જ છે. તું ત્યાંથી બધુ છોડીને આવી જાય તો તારી આગલા બે અઢી વર્ષની મહેનત એળે જાય.. એક દિકરી પાછળ બીજી દિકરીનું ભવિષ્ય શું કામ બરબાદ થવા દેવાય?' કૃષ્ણકાંત ભાવુક થઈને બોલ્યા.
'મામા..' સમાઈરા કૃષ્ણકાંતને વળગીને રડી પડી.
'શાંત થઈ જા બેટા, કાવ્યા સાજી થઈ જશે. તેનુ એક ઓપરેશન થવાનું છે, પછી તે એકદમ સાજી થઈ જશે.' કૃષ્ણકાંત તેની પીઠ પસવારતાં બોલ્યાં.
'મારે તેને જોવી છે..'
'જઈશુ આપણે.' કૃષ્ણકાંત તેની પીઠ પર થપકી મારતાં બોલ્યાં.
આ બાજુ મલ્હારને સમાચાર મળી ગયા હતા કે સમાઈરા આવી ગઈ છે. એ પોતાના પ્લાનને આગળ વધારવાનાં પેંતરા રચવા લાગ્યો.
**
'શું વાત કરે છે? એ જીજુને પતિદેવ કહેતી હતી?' નીશ્કાએ ફોન પર આશ્ચર્યથી પુછ્યું.
'હાસ્તો..' ગઝલ નારાજગી ભર્યા અવાજે બોલી.
'તો બોલવા દેને તારૂ શું જાય છે? તને શું કામ ગુસ્સો આવે છે?'
'શું જાય છે મતલબ? મારા વરને કોઈ એનો પતિ કહે તો મને ગુસ્સો ના આવે?' ગઝલ ગાલ ફૂલાવીને બોલી.
'તુ થોડીને એને પતિ માને છે? પછી શું કામ પેલીની ઉપર એટલી ચિડાય છે? ઊલટાનું તું તો જીજુને ત્રાસ આપે છે ને?'
'હાં તો એ પણ મને ત્રાસ આપે જ છે ને? પણ હવે એ મને ગમવા લાગ્યા છે.' ગઝલ મીઠી નારાજગીથી બોલી.
'વ્હોટ? શું.. શું કહ્યું તે?' સામે છેડે નીશ્કા ઉછળીને ઉભી થઇ ગઇ.
'હંમ.. એ દુષ્ટ મને ગમવા લાગ્યો છે.' કહીને ગઝલએ દાંત નીચે હોઠ દબાવ્યો.
'માય ગૉડ, ફાઈનલી.. ગમવા લાગ્યો છે મતલબ તુ એને પ્રેમ કરવા લાગી છે!'
'કદાચ!'
'કદાચ નહીં પગલી! તું સાચ્ચે એને પ્રેમ કરવા લાગી છે. એનું નજીક આવવું, તને સ્પર્શવું, લાડ કરવા કે તારી કાળજી લેવી કે પછી જબરજસ્તી તેની પાસે ખેંચવી એ બધુ તને ગમે છેને?'
'હમ્મ..'
'અરે ગાંડી! તો પછી હવે રાહ કોની જુએ છે? જઈને કહી દે એને..'
'કહેવાની જ હતી પણ આ જોને સમાઈરાએ આવીને બધું ડિસ્ટર્બ કરી નાખ્યું.' ગઝલ થોડી ઉદાસ થઈને બોલી.
'આમ જો ગઝલ, તું જેટલું મોડું કરીશ એટલું તું જ તડપીશ.. અને જીજુ કહે છે ને કે તેના મનમાં સમાઈરા માટે મિત્રથી વિશેષ બીજી કશી ફીલિંગ્સ નથી. પછી શાંનુ ટેન્શન? વિવાન જીજુ તારા પતિ છે એ હિસાબે સમાઈરા કરતા વધુ હક્ક તારો છે તેની ઉપર. અને એમ પણ એ અમેરિકા પાછી જવાની છેને? બસ તો પછી. તું શું કામ ટેન્શન લે છે?'
'વાત તો બરાબર છે તારી.'
'હાં, તો પછી આજે જ કહી દે!'
'આજે???'
'હાં આજે જ.. સમાઈરા યુ એસ જાય તો ઠીક છે, નહીંતર એ સાચે જ તારા વરને પોતાનો પતિ બનાવી લેશે.' નીશ્કા મસ્તીભર્યું હસતાં બોલી.
'શું તું પણ કંઈ બી બોલે છે?' ગઝલ ચિડાઈને બોલી.
'અરે મારી બેન! બચપણનો પ્યાર છે, તમારા લગ્નની વાત પચાવવામાં એને સમય લાગશે. એટલી વારમાં તારા અને જીજુ વચ્ચેની દૂરી ઘરવાળાનાં ધ્યાનમાં આવી જશે તો…' નીશ્કા ચેતવણીના સુરમાં બોલી.
'નહીં નહી..' ગઝલનાં સ્વરમાં ગભરાટ ભળ્યો.
'એટલે જ તો કહું છું કે તુ વિવાનને જલ્દીથી તારી ફીલિંગ જણાવી દે.'
'હમ્મ.. આજે અમે ડિનર પર જવાના છીએ ત્યારે હું કહીશ એમને.' ગઝલના અવાજમાં મક્કમતા હતી.
'ગુડ ગર્લ.. અને જો કંઈ હેલ્પની જરૂર પડે તો પેલો તારો દિયર છેને, શું નામ એનુ? રઘુ.. એક નંબરનો શેતાન.. એને કહેજે એ તારી મદદ કરશે.'
'અરે! એ તો સારા માણસ છે શેતાન શું કામ કહે છે?' ગઝલ હસતાં બોલી.
'એ નાલાયક શેતાન જ છે..' નીશ્કાએ વધુ એક ચોપડાવી અને પછી બોલી: 'એની સ્ટોરી કહીશ ક્યારેક તને. પણ અત્યારે તું વિવાન પર ફોકસ કર.'
'હમ્મ..' ગઝલના ગળે નીશ્કાની વાત ઉતરી.
'ચલ બાય.. મૂકુ છું.'
'બાય..' કહીને ગઝલએ ફોન મુક્યો અને વિવાન વિશે વિચારવા લાગી. સમાઈરાના લીધે એ ડિસ્ટર્બ તો હતી જ એમાં નીશ્કાના ફોનથી ઈન્સિક્યોરીટી ભળી.
સાંજે ડિનર માટે શું પહેરવું એ વિચારતાં તેણે પોતાનો વોર્ડ રોબ ખોલ્યો અને ઘણા બધા ડ્રેસ બહાર કાઢ્યા. તેને ક્યો ડ્રેસ પહેરવો એ જ સમજમાં નહોતુ આવતું. તેણે એક પછી એક ડ્રેસ શરીર પર રાખીને મિરરમાં જોયા. પણ ક્યો પહેરવો તે નક્કી ના કરી શકી. એટલે તેણે વિવાનને વિડિયો કોલ લગાવ્યો.
વિવાન એ સમયે તેની ઓફિસમાં ખૂબ અગત્યની મિટિંગમાં હતો. તેનો ફોન વાઈબ્રેટ થયો. જોયું તો ગઝલનો વિડિયો કોલ હતો. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે ઈયરફોન્સ લગાવીને ફોન ઉપાડ્યો.
'વિવાન.. તમે બીઝી છો કે?' ફોન ઉપાડતાં જ ગઝલ બોલી.
વિવાને ફક્ત ડોકુ હલાવીને "ના" કહ્યું.
'ઓકે.. હું રાતનાં ડિનર માટે શું પહેરું?' ગઝલ બેડ પર પડેલા ડ્રેસ પર કેમેરો ઘુમાવતાં બોલી.
વિવાન મનમાં હસ્યો.
'બોલો ને..'
વિવાને બેક કેમેરો ચાલુ કરીને બતાવ્યું એટલે ગઝલને સમજાયું કે તે મિટિંગમાં બેઠો છે.
'સોરી, તમને ડિસ્ટર્બ કર્યા. હું ફોન મૂકુ છું..' ગઝલ થોડી નિરાશ થઈને બોલી.
વિવાને તરતજ "ના"માં માથું ધુણાવ્યું.
'તો પછી તમે મારો ડ્રેસ સિલેક્ટ કેવી રીતે કરશો? એક પછી એક દેખાડતી જાવ કે?' ગઝલ બોલી.
વિવાને માથું હલાવીને હાં કહ્યુ. એટલે ગઝલ ખુશ થઈ. તે એક પછી એક ડ્રેસ પોતા પર રાખીને મિરર સામે કેમેરો કરીને વિવાનને બતાવવા લાગી.
વિવાનના 'નહીં' કે 'ના' જેવા હાવભાવથી ડ્રેસ રિજેક્ટ કરતો ગયો અને ગઝલ નેક્સ્ટ ડ્રેસ દેખાડતી રહી.
થોડી વાર આવું ચાલ્યું એટલે રઘુનું ધ્યાન વિવાન પર ગયું. ફોનમાં વિવાન શું જૂએ છે એ જોવા માટે તે એની તરફ ઝૂક્યો તો સ્ક્રીન પર ગઝલનો વિડિયો કોલ ચાલુ હતો. એ જોઈને તેણે વિક્રમને ઈશારો કર્યો. વિવાનનાં ચહેરા પરના હાવભાવ જોઈને વિક્રમે આશ્ચર્યથી આંખો પહોળી કરી.
સામે અગત્યની મિટિંગ ચાલી રહી હતી અને અહીં ભાઈ સાહેબનું કંઈક ભળતું જ ચાલુ હતું. એટલા વર્ષોમાં આજે પહેલી વખત વિવાન તેના સ્વભાવની વિરુદ્ધ વર્તી રહ્યો હતો. એ જોઈને રઘુ અને વિક્રમ બંને નવાઈ પામ્યા.
છેવટે વિવાનને એક લેમન યલો કલરનો ડ્રેસ ગમ્યો. એ ડ્રેસ ગઝલ પર સારો લાગે છે એવું તેના હાવભાવથી તેણે તેને સમજાવ્યું.
'આ પહેરૂં?' ગઝલએ પૂછ્યું.
વિવાને ગરદન હલાવીને હાં કહ્યુ.
'ઓકે, થેન્કસ.. હવે તમે તમારી મિટિંગ પતાવો..' ગઝલ ખુશ થઈને બોલી અને ફોન કટ કર્યો.
વિવાન મનમાં મલક્યો.
'હાશ.. છેવટે ફાઈનલ થયું ખરુ.' રઘુ એક ઉચ્છવાસ છોડીને બોલ્યો.
'વ્હોટ?' વિવાન ચમક્યો.
'ક્લાયન્ટનું ડિસિજન ફાઈનલ થયું એમ કહું છું.' રઘુ હોઠ દાબીને હસતાં બોલ્યો.
મિટિંગ પતાવીને વિવાન પાછો પોતાની કેબિનમાં ગયો. બાકીના કામ ફટાફટ પતાવીને તેને ગઝલ પાસે જવાની ઉતાવળ હતી. ઓફિસ છૂટવાનો સમય પણ થઈ ગયો હતો.
'ભાઈ..' રઘુ કેબિનમાં આવતા બોલ્યો.
'હાં બોલ રઘુ.' વિવાને ફાઈલમાં જોતા જોતા જ કહ્યું.
'સમાઈરા હોસ્પિટલમાં ગઈ છે.' રઘુ બોલ્યો. વિવાને ચમકીને તેની સામે જોયું.
'હોસ્પિટલમાંથી આપણા માણસનો ફોન હતો કે ડેડી અને સમાઈરા હોસ્પિટલમાં કાવ્યાને મળવા આવ્યા છે.'
તેઓની વાત ચાલતી હતી ત્યાં વિવાનના મોબાઈલ પર સમાઈરાનો ફોન આવ્યો.
'હેલો..' વિવાને ફોન ઉપાડ્યો.
'તું અત્યારે ને અત્યારે હોસ્પિટલમાં આવ.' સામે છેડેથી સમાઈરા બોલી.
'હાં ઠીક છે, આઈ એમ કમિંગ.' વિવાને તરત જ હા પાડી અને ફોન મુક્યો.
'શું થયું.' રઘુએ પૂછ્યું.
'આપણે હોસ્પિટલ જવાનું છે.' વિવાન ઊભો થતાં બોલ્યો.
'પણ તમારે તો ભાભી સાથે જવાનું છે..'
'અત્યારે પહેલા હોસ્પિટલમાં જઈએ, પછી ત્યાંથી નીકળીને ગઝલને ડિનર પર લઈ જઈશ.' વિવાને કહ્યુ.
'પણ એ જગદંબા તમને રેઢા મૂકશે તો ને?' રઘુને કંઈક અમંગળનો અણસાર આવ્યો. તેને લાગતું હતું કે સમાઈરા વિવાનને આસાનીથી નહીં છોડે.
'રઘુઉ.. તેને મળીને હું જઈશને ગઝલ પાસે..' વિવાન અકળાઈને બોલ્યો.
'હમ્મ.. ચલો..' રઘુ નિરાશ થઇને બોલ્યો.
.
.
ક્રમશઃ
**
શું ગઝલ આજે પોતાના પ્રેમનો એકરાર કરશે?
સમાઈરાએ વિવાનને અર્જંટ શું કામ બોલાવ્યો હશે?
શું રઘુને જે અણસાર આવ્યો તે સાચો પડશે?
મલ્હારનો આગળનો પ્લાન શું હશે?
**
આ પ્રકરણ વાંચીને તમારા પ્રતિભાવ જરૂરથી આપશો. ❤
🙏🙏