Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 18 અને 19

પ્રતિનિધિ સૂર્યદેવના

ચિત્તોડગઢની વ્રતધારિણીઓમાં ધ્રાસકો પડ્યો. સૂર્યદેવ રિસાયા હોય એમ દર્શન આપતા જ હતા. દિવસો વીતી ગયા આકાશ વાદળછાયું જ રહેતું હતું. વ્રતધારિણી સૂર્યના દર્શન કરી અન્ન લેવા અધીરી બની ગઈ હતી પરંતુ હમણાં તો સૂર્યદેવ પણ માનીતી રાણીની માફક રુસણા લઈને બેઠો હતો. 

સૂર્યદર્શન વિના લાંધણ ખેંચી કાઢતી  સ્ત્રીઓની ધીરજ સાતમા દિવસે ખૂટી.

“શું વ્રત તૂટ્શે?” મેવાડના મહાજને અને દરબારીઓએ કપાતા હૈયે આ સવાલ ઉપાડ્યો. સૌ મુંઝાયા હતા પરંતુ મેવાડનો પ્રધાન શાણો હતો. એનામાં જબરી કોઠા-સૂઝ હતી.

સૂર્યવંશી રાજાના રાજ્યમાં વ્રતધારિણીઓનું વ્રત સૂર્યદર્શન વગર તૂટે? તો તો પછી સૂર્યના વંશજ લાજે. રાજા તો ભગવાનનો પ્રતિનિધિ. એનામાં દેવનો અંશ હોય. તેમાયે સૂર્યવંશી મહારાણા સૂર્યના પ્રતિનિધિ ન બની શકે?

મેવાડના મહારાણા સૂર્યવંશી છે. ભગવાન રામના વંશધર છે. એમના દર્શન પણ સૂર્યના દર્શન જેવા પવિત્ર જ છે. એમાયે સદાચારી રાજવી પ્રજાનો પિતા છે. તો પછી સમસ્યાનું સમાધાન હાથવેંત માં જ છે.

 સૌ એ વિનંતી કરી. “મહારાણા આપ રાજમહેલના ગોખમાં બેસી કુમારિકાઓને દર્શન આપો. જેથી વ્રતનું પૂર્ણાહુતિ થાય. સૂર્ય ભલે વાદળ માં છુપાઈ રહે. મેવાડના મહારાણા સંકોચ વશ આનાકાની કરવા લાગ્યા.

“સૂર્યદેવના સ્થાને હું ન હોય. હું તો પામર માનવી.” પરંતુ જનાદેશના અતિ આગ્રહે તેઓ નત મસ્તકે ઝૂકી ગયા.

ગોખમાં બેઠા. પુત્રવત્ કુમારિકા વ્રતધારણીઓને દર્શન આપતા રહ્યા.

 એક સુંદરતાની સાક્ષાત મૂર્તિ, વ્રતધારિણી પર મહારાણાનો દૃષ્ટિપાત થયો. એક પળ માટે મહારાણાના મનમાં એ સુંદરતાની મૂર્તિ માટે વિકારી કલ્પના આવી ગઈ. ધૂમકેતુના ચમત્કારની માફક આવીને ગઈ. માત્ર કલ્પના જ, આવીને ગઈ પરંતુ મહારાણાના અસ્તિત્વને હલાવી ગઈ. પોતાની ભૂલને કોઈ જાણતું ન હતું. જાણવાનું પણ ન હતું. છતાં મહારાણાનો આત્મા આખી રાત  ડંખવા લાગ્યો. બીજે દિવસે તેઓએ પસ્તાવા રૂપે એ ગોઝારી આંખો મિટાવી દીધી. ચર્મચક્ષુઓનું બલિદાન આપી દિવ્યચક્ષુથી બાકીનું જીવન વિતાવી દીધું. આવા મહારાણાની જગમાં જોડ જડે ખરી.

----------------------------------------------------------------------------------------------------------------------------

 

અનોખું બલિદાન

         શાસ્ત્રોમાં  સમષ્ટિના કલ્યાણ માટે આપેલું બલિદાન શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. મેવાડના ગુહિલોતવંશની એક રાજકુમારીના આવા બલિદાનની વાત આપણાં રુંવાડા ખડા કરી દે તેવી છે.

 કાળના ચક્રમાં માનવીના નામનું મહત્વ નથી. એના કર્મનું મહત્વ છે. વાત એ મહત્વની નથી કે,  આ ઘટના ચિત્તોડના કયા મહારાણાના સમયમાં બનેલી છે. પરંતુ મહત્વની વાત છે જનકલ્યાણ અર્થે રાજકુમારી કૃષ્ણાએ આપેલું સ્વબલિદાન.

 મેવાડના મહારાણા દ્વિધા અનુભવી રહ્યા છે. જે સ્થિતિ કુરુક્ષેત્રના રણાંગણમાં અર્જુનની હતી તે સ્થિતિ આજે મેવાડપતિની હતી. એમની પ્રિય પુત્રી રાજકુમારી કૃષ્ણા સૌંદર્યમા અજોડ હતી. એના રૂપની ચર્ચા સમગ્ર ભારતમાં પ્રસરી ગઇ હતી. સુગંધને અને રૂપને પ્રસરતા ક્યાં વાર લાગે છે?

 એવું બન્યું કે રાજકુમારીને વરવા માટે બે રાજ્યો તરફથી જાન ઉપડી. જાન જ્યારે શહેરના બે ખૂણે આવી પહોંચી ત્યારેજ આ ગોટાળાની ખબર પડી.

 હવે તો બંને રજવાડા માટે આબરૂનો સવાલ થઈ પડયો. કયો રાજકુમાર લીલા તોરણે જાય? જે પાછો જાય, દુલ્હન લીધા વિના તેની જગ-હાંસી થાય. મહારાણા જેને રાજકુમારી પરણાવે તેની સામે બીજો પક્ષ ખાંડા ખખડાવવા તૈયાર હતો. લગ્નને ઠેકાણે મહાસમર મચવાની ઘડી આવી પહોંચી. બંને પક્ષના દૂતોએ ત્રાંગુ કર્યું, “રાજકન્યાનો હાથ સોંપો નહીં તો યુદ્ધ માટે તૈયાર રહો.” આ કહેણ સાંભળીને મહારાણા વધુ અકળાયા હતા.

 રાણીના હૈયામાં તો સમુદ્રી તોફાન મચ્યું હતું. રાજાએ કહ્યું, “રાણી શું કરવું? ગમે તે પક્ષને રાજકુમારી પરણાવવાનો નિર્ણય લઇશું કે બંને પક્ષને ઇનકાર કરીશું તો પણ યુદ્ધ અનિવાર્ય છે. મોતનું તાંડવ અવશ્ય ખેલાશે જ. આને માટે મેવાડીઓ મોતની હોળી ખેલશે પરંતુ……..”

 “મહારાજ, પરંતુ આ ટાણે ન હોય. મારી પુત્રીના માન મર્યાદા માટે હું પણ હાથમાં તલવાર પકડીશ. મેવાડીઓ મોતને તો ગળે લગાવે છે. દ્વાર પાછળ છુપાયેલી રાજકુમારીએ આ સંવાદ સાંભળી લીધો.

એણે મનોમન વિચાર્યુ, અરે રે! મારા ક્ષણભંગુર દેહ માટે ત્રણ રાજ્યોની સેના કપાઇ મરશે. મેવાડ રક્તની નદીમાં ડૂબશે. શું હું આટલા મોતનો ભાર વહન કરી શકીશ? શું મારો પ્રાણ આટલો બધો કીમતી છે? રૂપની જ્વાળાએ મહાયુદ્ધો સર્જ્યા છે. દ્રૌપદીના કારણે મહાભારત સર્જાયું. ભાવિ ઇતિહાસ આટલી બધી હત્યાઓ માટે શું મને નહીં ઠેરવે? આ રાજ્યોની સેનાઓમાં બધા એકબીજાના સંબંધીઓ જ હશે. ભાઈને ભાઈની સામે, પિતાને પુત્રની સામે, કાકાને ભત્રીજા ની સામે શમશેર ઉગામવી પડશે. શા માટે હું મારા તુચ્છ પ્રાણ માટે આટલા બધાનું બલિ લઉં? યુદ્ધમાં સર્વનાશ થયા પછી પણ મને સુખ તો મળવાનું નથી. તો………. મારે શું કરવું જોઈએ?

માં પ્રિય પુત્રીને જોવા એના શયનખંડમાં પ્રવેશી. જોયું તો પુત્રી પલંગમાં પોઢી છે. નિકટ જઈને દૃષ્ટિપાત કરતાં જ એના મુખમાંથી ભયંકર ચિત્કાર સરી પડ્યો. “અરે! બેટી, તને આ શું સૂઝ્યું?” મહેલમાં શોક છવાઈ ગયો. શહેરમાં અને શહેરના બે ખૂણે પડાવ નાખીને બેઠેલી બે જાનોમાં ઘડીભર બેજાનતા છવાઈ ગઈ. જેણે સાંભળ્યું એના શરીરમાં એક કંપારી ની લહેર દોડી ગઈ.

“અરે, કૃષ્ણાકુમારીએ વખ ધોળ્યા?” એકબીજાનાં માથાં કાપવાની વેતરણ કરનારો માનવ-સમુદાય શોકસાગર માં ડૂબી ગયો. દૂર દૂર આકાશમા સ્વર્ગ પ્રતિ ગમન કરતો કૃષ્ણાકુમારીનો આત્મા આ જોઈ સંતોષ પામી રહ્યો. મારા બલિદાને યુદ્ધ ટાળ્યુ અને સૌને સંવેદનાના ભાગીદાર બનાવ્યા. સાચે જ મારું બલિદાન સાર્થક થયું.